સેતુ – લતા હિરાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી લતાબહેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

આ એક પત્ર છે. પૌત્રની કલમે પુત્રવધુએ દાદીમાને એટલે કે સાસુને લખેલો પત્ર..વાત છે સાસુ વહુની. આજની ટીવી સિરીયલોનો હોટ ફેવરીટ વિષય. ભારતમાંથી અનેક માતાઓ પુત્રીની કે પુત્રવધુની પ્રસુતિ માટે પરદેશ જતી હશે. એ નવું નથી. હું પણ એ જ રીતે ગઇ અને પૌત્ર જન્મનો પ્રસંગ મનાવી, ભારત પાછી આવી. થોડા સમય પછી મને મારી પુત્રવધુ હિના તરફથી એક પત્ર મળ્યો. અને મારા હૃદયને સભર કરી ગયો. હવે આ પત્ર આપના સુધી પહોંચાડું છું…….એના દ્વારા મારે પહોંચાડવી છે દૂર દૂર વસતી બે કે ત્રણ પેઢીઓ વચ્ચે વહેતી સંવેદના… દેશ પરદેશમાં વસતા ને વિસ્તરતા કુટુંબના મણકાઓ વચ્ચેનો સેતુ……. ભલેને સમૃધ્ધિ, સંપતિ અને સ્ટેટસ માટે માનવી હરણફાળ ભર્યે જાય પણ જો એની સંવેદના લીલીછમ્મ રહેશે, એનું હૃદય હુંફાળું રહેશે તો પૃથ્વી જીવવા જેવી સુંદર બની રહેશે…જે કંઇ મળે છે એના માટે કૃતજ્ઞતા gratitude અનુભવવા જેટલી સંવેદનશીલ નવી પેઢી છે જ …… આકાશ ઘણું ઉજળું છે……

19,અપ્રિલ,2006

વહાલા દાદીમા,

હું તમારા રુપિયાનું વ્યાજ. તમારા પ્રથમ વૃક્ષની પ્રથમ ડાળનું પ્રથમ પુષ્પ….અને આ મારો પ્રથમ પત્ર મારા દાદીમા અને દાદાજી માટે….. દાદીમા તમને લખવું ગમે છે એમ મને પણ લખવું ગમે છે. દાદીમા, તમે અહીં સ્કોટલેંડ મારા માટે આવ્યા. હું આ દુનિયામાં પ્રવેશું ત્યારે તમારો મીઠો હાથ મારા પર ફરે અને મારા મમ્મી પપ્પાને હુંફ મળે એ માટે તમે અહીં રોકાયા. એ સમય દરમિયાન દાદાજીને તમારા વગર ઘણી તકલીફ પડી હશે.. પણ એમણે ચલાવી લીધું મારે ખાતર ! હું તમને બહુ વહાલો છું નહીં !!!

મારા જન્મની ઘડીઓ ગણાઇ રહી હતી અને મારી મમ્મીથી પીડા સહન નહોતી થતી ત્યારે તમારી આંખો છલકાઇ જતી હતી એ પપ્પાએ મને કહ્યું…. મારા જન્મ પછી મને જોઇને ખુશીથી તમારી આંખો છલકાઇ ગઇ એ મેં પોતે જોયું. દાદીમા આ પૃથ્વી પર આપણે પહેલી વાર મળતા હતા તો યે તમને કેટલું બધું વ્હાલ !! તમને એ દિવસ યાદ આવતો હશે જ્યારે મારા પપ્પાનો જન્મ થયો !!

ભારતથી દૂર છેક સ્કોટલેંડના એડિનબરો જેવા શહેરની હોસ્પિટલમાં, જ્યારે આજુબાજુની બધી ગોરી મોમ્સને જમવામાં એના પાર્ટનરની લાવેલી બ્રેડ મળતી હતી ત્યારે મારી મમ્મી તમારો બનાવેલો ગરમ ગરમ શીરો ખાતી હતી..અને જમ્યા પછી વાવડીંગ નાખીને ઉકાળેલું પાકું પાણી તથા શેકેલા અજમાનો મુખવાસ… એ મમ્મી રોજ યાદ કરે છે. જો કે તમે જરા ઘી વધારે નાખતા હતા એવું એ કહે છે પણ સાથે સાથે એ ય કહે છે કે આપણા વડવાઓએ સદીઓથી જે પરંપરાઓ સ્થાપિત કરી છે એ અનુભવનું અમૃત છે. એટલે મમ્મી તમારી બધી વાત માનતી હતી. નાનીમાએ મોકલેલા કેટલાય વસાણાં, ભાવે કે ન ભાવે, મમ્મી ખાઇ લેતી હતી..

હોસ્પિટલમાંથી મને ઘરે લઇ જવાનો હતો. મને બાસ્કેટમાં મુકીને કાર સીટમાં ગોઠવવાની વાત તમને જરાય નહોતી ગમતી, પણ શું થાય ? આ દેશના કાયદા પ્રમાણે બાળકને ખોળામાં લઇને કારમાં ન બેસાય. પપ્પાની વાત સાચી છે. કાયદાનો ભંગ ન કરાય. અને તમારી લાગણી પણ એટલી જ સાચી કે આટલા નાના વહાલા બાળકને સામાનની જેમ ઓછું લઇ જવાય ? તમે રસ્તો કાઢ્યો. કારમાંથી ઉતરતાંવેંત તમે કારસીટમાંથી મને તેડી લીધો. બાસ્કેટ ફંગોળી દીધી. ઠંડી પુષ્કળ હતી પણ ઝૂલો બનીને વીંટળાયેલા તમારા બે હાથની ઉષ્મા અને તમારા હૈયાની હુંફ અનુભવતો હું ઘરમાં પ્રવેશ્યો.

મેં તો મારું ઘર પહેલીવાર જોયું. ઉંબરે સ્વસ્તિક અને દરવાજે ફુગ્ગાઓ લગાવવાથી માંડીને તમે અને માસીમાએ ઘરને કેવું મજાનું શણગાર્યું હતું !! એ સમયે અહીં ફૂલોની મોસમ પૂરબહારમાં ખીલેલી હતી. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં ફૂલોનો દરિયો !! અને તમે એ ઘરમાં વહાવી દીધો હતો ત્યારે મને ખબર પડી કે તમને ફૂલો કેટલાં ગમે છે !! દાદીમા હું દરેક સમરમાં તમારી રાહ જોઇશ !! એક વાત પુછું દાદીમા ? દાદાજી તમારા માટે ફૂલો લાવે છે ને ??

મને બીજી એક વાતની યે બહુ મજા પડી ગઇ. તમે guess કરો જોઇએ ?? શું હશે ?? તમે છેક ઇંડિયાથી મારા માટે ઘોડિયું લઇને આવ્યા હતા !! એમાં તમે મને હિંચોળતા હતા અને કેવા મજાના હાલરડા ગાતા હતા ?? મને હાલરડું સાંભળતા સાંભળતાં હિંચકવાની અને ઉંઘવાની બહુ મજા પડી ગઇ હતી. અને એમ તો દાદીમા હું ક્યારેક લુચ્ચાઇ પણ કરતો હતો !! હાલરડું સાંભળવા માટે કદીક ખોટું ખોટું રડતો હતો..!!. તમારા હાલરડા સાંભળીને સાંભળીને તો મને દાદાની, માસીની, કાકાની, કાકીની, નાનાની, નાનીની બધાની પાકી ઓળખાણ થઇ ગઇ હતી. મારે મોટા થઇને કેવા બનવાનું છે એ પણ તમે મને હાલરડામાં ગાઇને સંભળાવતા હતા……

તમારા ગયા પછી મમ્મીને એક્લાં કેટલું બધું કામ પહોંચતું હોય ?? પણ મને એવી ટેવ પડી ગઇ હતી કે હાલરડા વગર ઉંઘ જ ન આવે !! દાદીમા, મમ્મી પણ સરસ ગાય છે હોં કે !! “હુલુલુલુ હાલરડું, આર્યનના માથે ચાંદરડું, ચાંદરડું કંઇ ચમકંતુ, દીકુનું મોઢું મલકંતુ…” દાદીમા, તમે મારા પપ્પા માટે ક્યા હાલરડા ગાતા હતા ?? હવે હું ઇંડિયા આવું ત્યારે તમે મને એ હાલરડા ગાઇને સંભળાવશોને ?? અને બીજી વાત, તમે ગાવ ત્યારે ખોળામાં સુવાનો મારો જ હક હોં કે !!! હા પપ્પાને તમારી પાસે વાળમાં તેલ માલિશ કરાવવાની છુટ…. મમ્મી એ પણ યાદ કરે છે કે મારા જન્મ પછી તમે એને નિયમિત બોડીમસાજ કરી આપતા હતા….

મારા જન્મ વખતે તમે એક કાવ્ય લખીને મારી મમ્મીને આપ્યું હતું તથા ભારત જતાં પહેલાં તમે મને પ્રેમભર્યા આશિર્વાદ આપતું એક લાંબુ કાવ્ય લખ્યું હતું ને ! એ બંને કાવ્ય મારા પપ્પાએ ફ્રેમમાં મઢાવીને ઘરમાં રાખ્યાં છે. તમને ખબર છે દાદીમા, મારી મમ્મી એ કવિતા રોજ વાંચે છે અને હરખાય છે. મારી મમ્મીનો ચહેરો જાણે પ્રભાતના ખીલેલા પુષ્પ પરના ઝાકળબિંદુ પર પ્રકાશનું કિરણ પડે અને એમાં અનેક રંગોની છાયા ખીલી ઉઠે, એવો થઇ જાય છે. કેવી લાગી મારી આ કાવ્યાત્મક વાત !! હું મોટો થઇશ ને ત્યારે તમને ઘણા પત્રો લખીશ. તમારી બધી કવિતાઓ વાંચીશ અને યસ દાદીમા, હું યે તમારી જેમ કવિતા લખીશ. પછી તમે કહેશો, “ અરે વાહ, મારો દિકરો તો મારા કરતાં યે ચડ્યો !!”

દાદીમા, તમે દાદાજીને મારા તોફાનોની વાત કરી કે નહીં ?? મને ખોળામાં લે ત્યારે હું પપ્પા પર કેવો ફુવારો છોડતો હતો !! અને પપ્પા બૂમો મારતા હતા !!! મને પપ્પાને હેરાન કરવાની બહુ મજા પડે છે. એવું કેમ દાદીમા કે પપ્પા ખોળામાં લે ત્યારે જ મને સુસુ કે છીછી લાગે !!! સોરી હોં દાદીમા એમ તો મેં તમારો ખોળો ય કેટલી યે વાર પલાળ્યો છે !! મુળ વાત એ છે કે મારે કંઇક એવાં કારસ્તાન તો કરવા પડે કે જેથી તમે બધાને મારી વાતો કર્યા કરો !!! અને મને ખબર છે તમને હું હર હાલમાં વહાલો જ લાગું છું !!

મને વહેલી સવારે જાગીને મમ્મી પપ્પાને સ્માઇલ આપવું બહુ ગમે. મને ભુખ લાગી હોય તો યે સવારમાં ઉઠતાવેંત રડવું ન ગમે. મારા સ્માઇલથી મમ્મી એવી ખુશ થાય !! અને મને બ્રશ કર્યા વગર બ્રેકફાસ્ટ મળી જાય… હવે હું રીસ્પોંસ આપતો થઇ ગયો છું… પપ્પા કે મમ્મી મારી પાસેથી મને બોલાવ્યા વગર પસાર થઇ જાય તો હું જરાય ન ચલાવું.. આમ પપ્પા કહે કે હું ઘરમાં વીવીઆઇપી છું અને પાછા કામમાં મને ભુલી જાય તે ચાલે ?? સાચું કહેજો હોં દાદીમા !!

હું જાગતો હોઉં ત્યારે ઘોડિયામાં પડ્યો પડ્યો દિવાલ પર લટકાવેલા મમ્મીના પેઇંટિંગ્સ જોયા જ કરું. મમ્મી સરસ પેઇંટિંગ કરે છે નહીં દાદીમા ?? મને લાગે છે કે હું મોટો થઇને કવિતા યે લખીશ અને પેઇંટિંગ પણ કરીશ. આફટરઓલ એ મારા મમ્મી અને પપ્પા બંનેનો વારસો છે.. મમ્મીએ મારા પપ્પાનો સ્કેચ દોરવાનું શરુ કર્યું હતું, કયારે પુરો થશે ખબર નથી.. આમે ય હું એને જરાય ફ્રી પડવા દેતો નથી..

“હિના, જોજે… આર્યનને પવન લાગી ન જાય ….. એનું માથું ખુલ્લું ન રાખીશ….. એને લઇ લે ને, ભુખ્યો થયો હશે… જો એનું શરદીથી નાક બોલે છે… sleeping bag પહેરાવી હોય તો પણ છાતી પર ભાર રહે એમ ઓઢાડવુ…એની ડોકનું ધ્યાન રાખજે નહીંતર ગળું પડી જાય..આર્યનને રોજ માલિશ કરજે… “વગેરે વગેરે કેટલીયે સુચનાઓ મમ્મીને બરાબર યાદ છે હોં દાદીમા !!

પપ્પા કહે છે હું થોડોક મોટો થઇશ એટલે મને દર વેકેશનમાં તમારી પાસે ઇંડિયા મોકલશે. જે તમે એમને શીખવ્યું એ બધું મારે શીખવાનું છે.. કેવી મજા પડશે દાદીમા !! પછી દાદાજી કહેશે, “નિસર્ગ, મારો આર્યન તારા કરતાં યે વધારે હોંશિયાર છે !!!” પપ્પા ખરા છે, દાદા દાદી તો પેમ્પર કરે જ ને !! તમે એમનું ન માનશો હોં… મને તમારા બહુ જ, બહુ જ લાડ જોઇએ……એના વિના ચાલે જ નહીં…

સૌથી ઇમ્પોર્ટંટ વાત !!! નાનાજીએ તમને ખાસ કહીને આપી હતી કે આ સવાશેર સુંઠ એક મહિનામાં હિનાને ખવડાવી દેજો. દાદીમા, મારી મમ્મી યે કેવી જબરી છે !! એણે એકેય વાર ના ન પાડી.. ‘કોની માએ સવાશેર સુંઠ ખાધી છે ?’ આ આપણી કાઠિયાવાડી ચેલેંજ…. હું મોટો થઇને કહીશ “હા, મારી માએ સવાશેર સુંઠ ખાધી છે… કોઇની તાકાત નથી કે મને હેરાન કરે !!” હજી મારે કેટલું યે લખવાનું છે પણ આવતા પત્રમાં… તમને મજા પડી ને મારો પત્ર વાંચવાની !!!

તમારો ખુબ વહાલો પૌત્ર આર્યન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પહેલેથી ખબર હોત તો…. – કલ્પના દેસાઈ
સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન – વિવેક બાંઠિયા Next »   

23 પ્રતિભાવો : સેતુ – લતા હિરાણી

 1. urmila says:

  another nice articel – a treat today- Many thanks to the writer for letting us read this personal letter whih is full of love and devotion on both the sides of the family members – no matter which part of the world you are “sab se badi prem sagai”

 2. Hiral Thaker says:

  Realy very nice stroy……

  If there is always such kind of relation ship between Gaughter in law and Mother then it’s how fentastic…

  No daughter will remind her mother….

  Keep writting

 3. Ami says:

  ખુબ જ સરસ પત્ર.

  અભિનંદન લતા હિરાણીને અને આભાર મૃગેશભાઈ આવો સરસ લેખ મુકવા બદલ.

  અને હા – આમાં plagiarism નથીને? જો જો – કેમ કે કોઇ હમણા કહેશે … મારા દાદી પણ આવુ જ કરતા અને કહેતા હતા.

 4. કલ્પેશ says:

  હ્ર્દયસ્પર્શી લખાણ અને સ્વચ્છ ભાષાપ્રયોગ 🙂

 5. chini says:

  very nice but this is the second time readgujarati put this article

 6. preeti hitesh tailor says:

  લતાબેન,માનવીય સંવેદનાઓનું નિર્મળ પ્રતિબિંબ પાડતી આ કૃતિ માટે ખૂબ ખૂબ અભિનંદન !! વાંચીને માત્ર આનંદની ભાવના જ શેષ રહે એવી આ કૃતિ એક અણમોલ ભેટ તરીકે મારા સ્મૃતિપટ પર હંમેશ માટે અંકિત રહેશે…

 7. દિવ્યભાસ્કરની દર બુધવારે પ્રગટ થતી કળશની પૂર્તિનાં લેખક લતાબેન હિરાણીને અભિનંદન

  મેઘધનુષ
  નીલા
  http://shivshiva.wordpress.com/

 8. Kaushik Joshi says:

  સ્નેહ સરીતા ના સ્પંદન અને માત્રુપ્રેમ નુ મમત્વ હદય ને ગમ્યુ.
  ખુબ સુંદર ….અભિનંદન

  કૌશિક જોષિ
  અબુધાબિ
  યુ.એ.ઈ .

 9. Lata Hirani says:

  આપ સૌની લાગણી સ્વીકારુઁ ચ્હુઁ. સઁતોષ અનુભવુઁ ચ્હુઁ.
  મૃગેશભાઇએ આપ સૌ સુધી પહોઁચાડ્યુઁ. એમનો ખૂબ આભાર.
  દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પુર્તિમાઁ મને વાઁચતા રહેશો.

 10. urmila says:

  is it possible to read ‘divya bhasker’ on line

 11. Naliniben says:

  આજે મને મારા દીકરાએ અમેરિકાથી આ લેખ મોક્લ્યો વાંચીને હૈયુને આંખ બન્ને ભરાઈ આવ્યા.
  થોડા દિવસો પુર્વે જ દીકરીના સુવાવડ નાં દિવસો અને પૌત્ર યાદ આવી ગયા
  અભિનંદન્

 12. Lata Hirani says:

  યેસ તમે દિવ્ય ભાસ્કર નેટ પર વાચી શકો છો.

 13. urmilaબેન,

  દિવ્ય ભાષ્કર online વાંચવા માટે http://www.divyabhaskar.co.in/ પર ક્લિક કરો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.