પહેલેથી ખબર હોત તો…. – કલ્પના દેસાઈ

[શ્રીમતી કલ્પનાબહેન દેસાઈના (ઉચ્છલ, સુરત) પુસ્તક ‘લપ્પ્ન છપ્પન’ માંથી સાભાર.]

મારા લગ્ન નક્કી થયાં ત્યારે (અમારાં બંનેના ચોકઠાં જોઈને ચોકઠું ગોઠવાયેલું ત્યારે ) મને ખબર નો’તી કે, મારાં સાસુ દાંત પણ કાઢી શકે છે ! બધા દાંત પડી ગયા હોવાથી ચોકઠું પહેરતાં સાસુજી, જમ્યા પછી બંને ટાઈમ ચોકઠું કાઢીને ડબ્બીમાં મૂકી દેતાં ! (એને કોણ લઈ જવાનું હતું ?) અને એ ડબ્બીને પણ પાછાં, જ્યાં જાય ત્યાં સાથે ને સાથે, જીવની જેમ સાચવીને રાખતાં ! મારાં મા-બાપે, પોતાનાં અને એકબીજાના દાંત સાચવ્યા હોવાથી ચોકઠાંની જરૂર એમને પડી નો’તી ! મેં મારા મા-બાપ જન્મારામાંય કોઈ દિવસ ચોકઠું જોયું નો’તું. તેથી લગ્ન પછી, વીસ વર્ષની નાની વયમાં જ સાસુજીનું ચોકઠું હાથમાં લેવાનો પ્રસંગ આવેલો ત્યારે હું ધ્રૂજી ઊઠેલી ! (એમની બત્રીસી મારા હાથમાં હતી તોય !! સાસુની ગેરહાજરીમાં એની નકલી બત્રીસી પણ વહુને ધ્રુજાવી શકે એટલી તાકતવર હોય છે !)

બનેલું એવું કે વહુ આવતાવેંત એને ‘નવ દિવસ નવી’ રાખીને દસમે દિવસે સાસુજીએ મને હેતથી પાસે બોલાવી ! ઘરેણાંનો ડબ્બો કે ઘરની ચાવી સોંપતાં હોય એટલી કાળજીથી એક નાની ડબ્બી આપતાં કહ્યું, ‘જો, એમાં મારા દાંત છે. ત્યાં બ્રશ ને સાબુ પડ્યાં છે. એના વડે આ દાંત સાચવીને સાફ કરી લાવ. જોજે પડી ન જાય – તૂટી જશે’ ખૂબ જ સાવધાનીથી ડબ્બી ખોલવા છતાં દાંત જોઈને હું છળી ઊઠેલી. ફિલ્મોમાં હાડપિંજર જોયેલાં, દાંત, ખોપડી ને બીવડાવી શકાય એવું બધું ઘણુંય જોયેલું. મને તે સમયે એ બધું યાદ આવી ગયું. ગભરાતાં ગભરાતાં મેં ચોકઠાનો એક ભાગ હાથમાં લીધો. રામનામનો જાપ કરતાં કરતાં, વહેલાં વહેલાં બ્રશ પર સાબુ લગાવી દાંત સાફ કરી નાંખ્યા. (મારા દાંત મેં સજ્જડ ભીંસી રાખેલા જેથી કકડે નહીં.) પાણીથી ધોઈ બીજો ભાગ પણ એ જ રીતે સાફ કરી, નેપકીનથી કોરા કરી પાછા ડબ્બીમાં મૂકી દીધા. ડબ્બી સાવધાનીથી બંધ કરી સાસુજીને સોંપી દીધી. (માથા પરથી એક ઘાત ગઈ) એક મોટો ભાર ઊતર્યો હોય એમ ગભરાટ પણ ઓછો થઈ ગયો અને રામનામ પણ આપોઆપ બંધ !

ખબર નહીં કેમ પણ સાસુની હાજરીમાં વહુની બત્રીસી અને જીભડી બંને મોંની ડબ્બીમાં બંધ થઈ જતાં હોય છે. સાથે સાથે થોડી ઘણી સેન્સ ઑફ હ્યુમર હોય તો તેય અલોપ થઈ જાય એટલે સાસુનાં વેણ, નેણ નીચાં કરીને સ્વીકારી જ લેવાનાં હોય ! ચૂંકે ચાં થાય જ નહીં. એમની જાદુઈ આંગળીઓને ઈશારે કહે તેમ નાચવું જ પડે. સાસુના ઘેરામાંથી છટકવું એટલે સિંહણના પંજામાંથી ઉંદરીના છટકવા બરોબર થયું !

તો વાત હતી ચોકઠાની. તે દિવસોમાં તો મને ચોકઠું ધોવાનું શરૂમાં નો’તું ગમ્યું (એનો અર્થ એવો નહીં કે પછી મને બહુ મજા પડી ગયેલી કે ચોકઠા સાથે કોઈ જાતનો લગાવ થઈ ગયેલો – આ તો ઠીક છે કે, સેવા કે ફરજમાં ચૉઈસ મળતી નથી. એવું થોડું હોય કે, સાસુનું ન ગમે તો સસરાજીનું ચોકઠું ધોવાનું ? ને ચૉઈસ હોય તોય હિંમત જોઈએ ને ?) પણ મારી ચોકઠું ધોવાની ધગશ, આવડત અને નિપુણતા જોતાં એ કામ જ્યાં સુધી સાસુજી અને ચોકઠું બંને રહ્યાં ત્યાં સુધી મારે માથે જ રહ્યું – જવાબદારીનું કામ હતું ને ! જો કે કોઈ દિવસ એ બાબતે, મારાં સાસુએ કોઈની આગળ મારાં વખાણ સુદ્ધાં નથી કર્યાં : ‘કેવું પડે ! મારી વહુ તો મારું ચોકઠું એટલું સરસ ધૂએ છે કે, એવું તો મેંય ક્યારેય નથી ધોયું.’ ખેર, આમેય સાસુઓને વહુઓને ન વખાણવાની કુટેવ હોય છે. દાંતે (કે ગળે) વળગી ગઈ તો ? પણ આજે આટલાં વર્ષો પછી સદ્દગતની અને સદગતનાં (મોટે ભાગે) સદ્દગત ચોકઠાની ઘણી વાર યાદ આવે છે ત્યારે થાય છે કે મને પહેલેથી ખબર હોત કે, મારાં સાસુને ચોકઠું છે… તો ? શું કરતે ?

એક વાર મારી નણંદનું માથું ઓળતી વખતે (વાળ ઓળતી વખતે) મેં ગમ્મત કરેલી ‘તમારી ચોટલી મારા હાથમાં છે.’ મારી સામે ત્રાંસી નજરે જોતાં નણંદને હસવું આવી ગયેલું. ચોકઠાં વિશે હું પણ કહી શકતે, ‘વગર પાડ્યે તમારા દાંત મારા હાથમાં છે. તમે ધારો તોય મારી સામે દાંત નહીં કચકચાવી શકો કે દાંતો તલે ઊંગલી (મારી કે તમારી) દબાવી નહીં શકો ! જે તાકાત અસલી દાંતમાં છે તે ચોકઠામાં નથી. એટલે જ ચોકઠાવાળા શેકેલો પાપડ ભાંગી (ખાઈ) શકે છે ! ચોકઠું હોવાથી તેનાં દાંત ટૂથપેસ્ટથી જ સાફ કરવાનો આગ્રહ સાસુજીએ કેમ નહીં રાખ્યો હોય ? ઘણી વાર નહાવાનો કે કપડાં ધોવાનો સાબુય ચાલી જતો ! (આજના જમાનામાં સાબુવાળા ખાસ ઑફર કાઢતે – અમારા સાબુ સાથે ચોકઠું ધોવાની પાંચ ગ્રામની ગોટી ફ્રી !)

જમતી વખતે સાસુજી ખાસ બોલતાં નહીં અને બાકીનો સમય ચોકઠું ડબ્બીમાં રહેતું તેથી બોબડું બોલતાં (કે એવો ભાસ કરાવતાં) તેથી દાંત પીસીને કે ભીંસીને મારી સામે (!) બોલવાનો ખાસ પ્રસંગ ઊભો ન થતો છતાં ઘણી વાર ચોકઠા પર લીંબુ કે આંબલી લગાવીને મને એમના (નકલી તો નકલી) દાંત ખાટા કરી નાંખવાનું મન થઈ જતું !

મને કાયમ એક જ વાતનો અફસોસ રહેશે કે, દુનિયાના કોઈ પણ મા-બાપ પોતાની પુત્રીને આવી બધી ટ્રેઈનિંગ આપતાં નથી. ફકત ‘વડીલોની સેવા કરજે’, ‘બધાંનું માન રાખજે’, ‘કોઈની સામે (કે પાછળ) બોલતી નહીં.’, ‘કામકાજમાં આળસ કરતી નહીં.’ વગેરે વગેરે એ જ ઘીસીપીટી, બોરિંગ સલાહો આપીને, બિચારીને ગરીબડી ગાય બનાવીને મોકલતાં હોવાથી લગ્ન પછી કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એનો અંદાજ એમને ક્યાંથી હોય ? આજે મારાં, સદગત સાસુની બત્રીસીને જગબત્રીસીએ ચડાવી મેં એક સમસ્યાનું વર્ણન કર્યું છે. આવી તો કેટલીય સમસ્યાઓ દીવાલ બનીને આડે આવે પણ એ સમયે દાંત કચકચાવીને નહીં પણ દાંત કાઢીને જ એના ઉપાય શોધવા પડે, નહીં તો દાંત પાડવા-પડાવવાની નોબત આવી જાય !

જોકે, સાસુ હોવા છતાં એમના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા નહોતા ! આ એક જ અમૂલ્ય ઘરેણું એવું હતું, જેને તેઓ સાચવતાં, સંતાડતાં અને છતાંય એનું જરાય અભિમાન નહીં ! બાળકોના આગ્રહથી એમને ગમ્મત કરાવવા ખાતર ઘણી વાર ચોકઠાને હાથમાં લઈ બંને ગાલમાં ઊંડા ખાડા પાડતાં. બાકી ઘરની બહાર કે મહેમાનોની સામે ચોકઠા વગર પગ ન મૂકતાં ! ચશ્માં શોધાવવાની અને કંટાળીને આખરે જેનાં હાથમાં આવ્યાં તેનાં ચશ્માં પહેરવાની એમને બૂરી આદત હતી, પણ તેવું ચોકઠાની બબતમાં ક્યારેય એમણે સસરાજીને હેરાન નહોતા કર્યા. પછી વરિયાળી ખાતા હોય કે શેરડી ખાતા હોય, એ દયામણી નજરે સસરાજીને જોયા કરતાં.

મને ઘણી વાર વિચાર આવે છે કે, એમના અંતિમ સમયે ચોકઠું એમના મોંમાં હતું કે નહીં ?’ શું કોઈને ચોકઠું પણ સાથે જ મૂકવાનું યાદ રહ્યું હશે ખરું ? અને જો મોંમા નહોતું, સાથે ગયું નહોતું તો આખરે એ ગયું ક્યાં ? એનું શું થયું હશે ? ચોકઠાની સદ્દગતિ નહીં થઈ હોય એટલે મને આટલે વર્ષે પણ યાદ આવીને…. ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કલ્પના – સુધીર દલાલ
સેતુ – લતા હિરાણી Next »   

13 પ્રતિભાવો : પહેલેથી ખબર હોત તો…. – કલ્પના દેસાઈ

 1. urmila says:

  keep on givng us aricles like these – i have laughed so much today – i think it is a good start to the day-

 2. alpesh patel says:

  it is very great

 3. Hiral says:

  Great!
  Its tooooooooooo gooooood!

 4. preeti hitesh tailor says:

  સરસ દાંત દેખાડી હસ્યા કરો ..નવી માવજતને નવો વિષય ..અભિનંદન…

 5. Rashmita lad says:

  saras dat batavani hasavato lekh.

 6. Keyur says:

  Khare khar khub hasavya, pan ek vat nu dukh thayu ke aemna mrutyu ne pan majak banavavano prayatna karyo chhe.

  If possible please remove the last paragraph from the story.

  Otherwise it was simply wonderful!

 7. ZANKHANA DAMANI says:

  હેલ્લો કલ્પના બેન્
  તમારા લેખ વાચવાનિ મજા આવિ ગઈ.
  બસ આવુ સરસ લખવાનુ ચાલુ રાખો.
  તમારિ ફેન્
  ઝન્ખના દમાનિ
  ૦૦ ૪૪ ૭૯૩૧૮૪૧૧૬૪
  લન્દન્

 8. Mayur says:

  સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.