નારી તું નારાયણી – ‘ધૂનીરામ’

[‘જનકલ્યાણ’ માંથી સાભાર]

તરંગ તેના ચોથા માળના ફલેટની બાલ્કનીમાં આરામખુરશીમાં લંબાવી આકાશ તરફ મીટ માંડી બેઠો હતો. તે તેની ભીતરની સૃષ્ટિમાં એવો ખોવાઈ ગયો હતો કે, રોડ પરના દશ્યો તેના મનને સ્પર્શ્યા વિના પસાર થઈ રહ્યાં હતાં. વાહનોની અવર-જવર, લારી ખેંચી જતો મજૂર, ફૂટપાથ ઉપર ચાલ્યું જતું સ્ત્રીઓનું ટોળું, હાથમાં હાથ પરોવી મસ્તીમાં ચાલ્યું જતું પ્રેમી યુગલ, કોઈ પુરુષ સાથે કોઈ મજૂર જેવી સ્ત્રી કરતી ઝઘડો…. આકાશમાં આથમતા સૂર્યની પથરાયેલી સોનેરી કિરણાવલી…. આમાંના કશા દશ્યની તેના પર કોઈ અસર નહોતી.

તરંગના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઘૂમરાયા કરતો હતો કે, ‘ક્ષમાએ ધારા વિષે આજે કેમ પ્રશ્ન કર્યો ? મારા અને ધારાના સંબંધ વિશે એ જાણતી હશે ?’ પોતે ઑફિસે જતો હતો ત્યારે ક્ષમા સાથે થયેલા સંવાદનું દશ્ય તેના માનસપટ પર ઉપસી આવ્યું. પોતે ઑફિસે જવા નીકળતો હતો ત્યારે ક્ષમાએ તેની ટાઈ સરખી ગોઠવતાં પ્રશ્ન કર્યો હતો : ‘ધારા નામની કોઈ યુવતી તમારી ઑફિસમાં નોકરી કરે છે ?’ તે સડક થઈ ગયો ! જરા ચિડાઈને કહ્યું : ‘ઑફિસમાં તો ધારા, તારા, લારા, ફારા ઘણી યુવતીઓ કામ કરે છે, તારે ધારા વિશે કેમ પૂછવું પડ્યું ?’

કારણ વિના અકળાયેલા પતિનો જવાબ સ્મિતથી આપતાં ક્ષમાએ કહ્યું હતું : ‘ગઈ કાલે તમારે ગુરુવારનું એક ટાણું હતું, સાંજે જમવાના હતા એટલે હું બજારે ખરીદી કરવા ગઈ હતી એ તમે જાણો છો, વળતાં હું અને ધારા સીટી બસમાં એક જ સીટમાં બેઠાં હતાં તેથી થોડી વાતચીત થઈ. તેણે મારા રહેઠાણ વિશે પૂછ્યું. મેં આપણા એપાર્ટમેન્ટનું નામ આપ્યું. તો ધારા કહે : ‘તેમાં તરંગભાઈ રહે છે, તરંગભાઈ દોશી, તમે એને ઓળખો ?’
એ તમારા વિશે જ પૂછતી હતી પરંતુ મેં રમૂજ ખાતર કહ્યું : ‘હા, રહે છે. ખાસ પરિચય નથી; ક્યારેક ફલેટમાં આવતા-જતા જોઉં !’
ધારા કહે : ‘હું અને તરંગભાઈ એક જ ઑફિસમાં નોકરી કરીએ છીએ. બહુ ભલા માણસ છે. અમારી ઑફિસમાં તેમની સારા વહીવટકર્તા અને બુદ્ધિશાળીની છાપ છે !’
‘તને પીડા થઈ હશે મારાં વખાણ સાંભળીને !’ તરંગે કહ્યું હતું.
‘પતિના વખાણ સાંભળીને પત્નીને પીડા થાય કે આનંદ ? મને તો ગર્વ થયો કે…’
‘બસ-બસ, રહેવા દે ! કોઈ યુવતીના મુખે પતિની પ્રશંસા સાંભળી પત્નીને જરૂર ઈર્ષ્યા થાય !’ ક્ષમા આગળ બોલે તે પહેલાં તરંગ ઝડપથી નીકળી ગયો. તે જોતી રહી.

ક્ષમાને તરંગનો ગુસ્સો સકારણ લાગ્યો. નહિતર તેણે પતિને ગુસ્સો ચડે એવી કોઈ વાત કરી નહોતી. તે કારણ જાણી ચૂકી હતી. તેણે જે દશ્ય જોયું હતું તેની તરંગને વાત પણ કરી નહોતી. તેણે જોયું હતું…. ધારા બસના આગળના સ્ટેન્ડે ઉતરી ત્યાં તેની રાહ જોઈને ઉભેલા તરંગના સ્કૂટર પાછળ બેસી ગઈ હતી ! આ દશ્ય તેણે સગી આંખે જોયું હતું. અત્યાસ સુધી તરંગના કોઈ યુવતી સાથેના અયોગ્ય સંબંધ વિશે સાંભળ્યું હતું. કોઈકે તરંગને કોઈ યુવતી સાથે હોટલમાં જતો જોયો હતો તો કોઈકે તરંગના સ્કૂટરની પાછલી સીટ ઉપર કોઈ યુવતીને બેઠેલી જોઈ હતી ! ક્ષમાએ આ વાતોને ગંભીરતાથી લીધી નહોતી, તેમ વધારે ખાતરી કરવા ઑફિસમાં છાની તપાસ પણ કરાવી નહોતી છતાં તેના મનમાં અફવા પ્રેરિત શંકા હતી કે – ‘કાનો સુના ન માનીએં આંખો દેખા સો સચ !’ એ ન્યાયે તેણે જે દશ્ય જોયું તેનાથી હકીકત બની ગઈ હતી ! તેણે જોયેલા દશ્યના મર્માઘાતથી તેનું સ્ત્રી હૃદય દુ:ખની લાગણીથી ઘવાયું પરંતુ થોડીવાર જ ! પછી તે સ્વસ્થ બની ગઈ અને તરંગના ધારા સાથેના સંબધની કોઈ વાત તરંગ સામે ન કરવી એવી મનમાં ગાંઠ વાળી !

આ પહેલાં પણ તરંગના બદલાયેલા વર્તનની ક્ષમાએ મનમાં નોંધ લીધી હતી. અવાર-નવાર ઘેર મોડું આવવું, ક્યારેક બહારથી જમીને આવવું, વાત વાતમાં ગુસ્સે થઈ જવું, આ બધાનું કારણ તે સમજી શકી નહોતી તે હવે સમજાયું.

ક્ષમા સંસ્કારી, બુદ્ધિશાળી, શિક્ષિત અને સ્વરૂપવાન યુવતી હતી. પતિના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થઈને રહેવું, ફરિયાદ ન કરવી અને પોતાના તરફથી પતિને ફરિયાદનું કારણ ન આપવું. આ તેનો સિદ્ધાંત હતો. તરંગ પણ સીધો-સાદો યુવક હતો. ક્ષમાને પતિ તરફથી કોઈ અસંતોષ નહોતો. ક્ષમા અને તેની ત્રણ વર્ષની પુત્રી ધૃતિને તે ખૂબ ચાહતો. અત્યારે પણ એ બંનેને પ્રેમ કરતો પણ ક્ષમાને લાગતું કે એ પ્રેમમાં રહેલ ઉષ્માને ભેજ લાગી ગયો છે. કદાચ સ્નેહીનાં લાંબા સહવાસ પછી વર્તનમાં થોડી યાંત્રિકતા આવી જતી હોય છે. પરંતુ તરંગ અને ધારાના સંબંધ વિશે જાણ્યા પછી તેનું કારણ ક્ષમાને સમજાયું.

તરંગ બાલ્કનીમાં બેસી વિચારતો હતો…. ક્ષમાને જરૂર કાંઈ શંકા પડી હશે ! હા, ધારા બસમાંથી આગલા સ્ટેન્ડે ઉતારી ત્યારે તેણે મને જોયો હોય…. ક્ષમાને મારા સ્કૂટર પાછળ બેસતાં જોઈ હોય… જરૂર જોઈ હશે ! છતાં પોતે સાંજે ઑફિસેથી ઘેર આવ્યો ત્યારે ક્ષમાના વર્તનમાં કાંઈ તફાવત જણાયો નહોતો. હંમેશાની જેમ જ સ્મિત સાથે બારણામાં તે ઊભી હતી…. ‘આવી ગયાં ?’ હંમેશની જેમ જ બોલી હતી. પાણી આપ્યું, ચા આપી – પછી તેની બાજુમાં બેસી, ખભા કે પગ ઉપર તેના હાથ ટેકવી દિવસ દરમિયાન બનેલી ઘટના કહી સંભળાવવી આ બધું હંમેશની જેમ સ્વાભાવિક હતું. ક્ષમા સામે તેને કોઈ ફરિયાદ નહોતી. તે પોતાને ખૂબ પ્રેમ કરતી એમાં શંકા નહોતી. તો પછી ધારાએ મારી પ્રશંસા કરી ત્યારે ખરેખર તેને આનંદ થયો હોય, એટલે જ ધારા વિશે એને પ્રશ્ન કર્યો હોય એવું બને !

સંધ્યા વિલીન થઈ – આકાશમાંથી વરસતો અંધકાર તરંગને વીંટળાઈ વળ્યો. સામેના ફલેટોમાં, રોડ ઉપર લાઈટો ઝળહળી. વિચારના વમળમાં અટવાયેલો તરંગ સમયથી અભાન હતો. અચાનક બાલ્કનીની લાઈટ ઝળકી અને તે ચમકી ગયો. તેની વિચારમાળાના મણકા વેરાઈ ગયા. ક્ષમા તેની પાછળ આવી, ખભા પર હાથ મૂકી કહેતી હતી : ‘ચાલો, જમવાનું તૈયાર છે, ધૃતિ રાહ જોતી બેઠી છે. અંધારામાં બેસી શું વિચારમાં ડૂબી ગયા હતા ? તમે લેખક કે કવિ નથી નહિતર ધારત કે કોઈ કલ્પનાના ઘોડા ઉપર સવાર થઈ અગોચર આકાશી સફરે ઉપડી ગયા હશો !’
‘ના… ના, કાંઈ નથી ! બસ, બેઠો બેઠો આ બધું જોયા કરતો હતો, ચાલ, આવું છું…’ કહી તરંગ ઊભો થયો.

હસી-મજાકની વાતો બંધ હતી. વાતાવરણ ગંભીર અને બોઝીલ હતું. લગભગ મૌન સાથે જમવાનું ચાલતું હતું. તરંગ નીચું જોઈને ધીમે ધીમે કોળિયો ભરતો હતો. ક્ષમા સમજી ગઈ કે સવારની વાતથી તરંગને માઠું લાગ્યું છે. તેને થયું ધારાની વાત ન કરી હોત તો સારું હતું ! હવે પછી ધારા વિશે પોતે કંઈ પણ વાત કરશે તો બળતામાં ઘી હોમવાનું થશે, એ આગ પોતાના સુખી સંસારને ભરખી જશે… ના, હવે ક્યારેય ધારા વિશે તેને કોઈ પ્રશ્ન નહિ કરું, ભલે બહાર….!
‘મમ્મી, તું કેમ ખાતી નથી ?’ વચ્ચે ધૃતિએ કરેલા પ્રશ્ને તે સજાગ બની, મુખ પર હાસ્ય લાવીને તે બોલી : ‘બેટા, તારા પપ્પા ‘ચણ-ચણ બગલી’ ની જેમ જમે છે તે જોતી હતી !’ પણ તેણે જમવાનું શરૂ કર્યું. તરંગે માત્ર તેના સામે જોયું.

દિવસો પસાર થતા ગયા. તરંગ-ક્ષમાનો સંસાર વ્યવહાર પહેલાંની જેમ ચાલતો હતો. વાત-વર્તનમાં કશો બદલાવ નહોતો ઉલ્ટાની તે તરંગનો વધારે ખ્યાલ રાખતી હતી. તરંગ પણ પહેલાંની જેમ સ્વાભાવિક વર્તન કરવા પ્રયત્ન કરતો હતો. તરંગને ચોક્કસ ખાતરી થઈ ગઈ હતી કે ક્ષમા તેના અને ધારાના સંબંધ વિશે જાણે છે. છતાં તે કશું જાણતી નથી એવું વર્તન કરે છે. કદાચ મને દુ:ખ થાય એ ભાવનાથી તે ધારાની વાત ઉચ્ચારતી ન હોય એવું બને ! ક્ષમા જેવી પ્રેમાળ, બુદ્ધિશાળી, વ્યવહારકુશળ પત્ની હોવા છતાં પોતે ધારાના મોહપાશમાં કેમ ફસાયો ? પોતે ક્ષમાને અન્યાય કરી રહ્યો છે. એવો અપરાધ ભાવ પણ તેના મનમાં જાગતો ! ક્યારેક તો તેને થતું, ક્ષમા ધારા વિશે વાત કરે, ગુસ્સો કરે, ઝઘડો કરે… પણ ક્ષમા એટલે બસ ક્ષમા હતી !

ક્ષમાએ તો નક્કી કરેલું હતું કે તે ધારા વિશે વાત કરી તરંગને દુ:ખી નહિ કરે. પતિને દુ:ખી કરી પોતે સુખી ન થઈ શકે ! લડવા-ઝઘડવાથી તો કદાચ તરંગ તેનાથી દૂર થઈ જાય ! તે કોઈપણ સંજોગોમાં તરંગને ખોવા માગતી નહોતી. તરંગને તે હૃદયપૂર્વક ચાહતી હતી. પતિ માટે તે ગમે તે ત્યાગવા, ગમે તે સહન કરવા તૈયાર હતી ! પણ તરંગ સાથે ધારા વિશે વાત કેમ કરવી ?

બે-ત્રણ દિવસથી તરંગ ખૂબ ઉદાસ રહેતો….. ખોરાક ઘટી ગયો, ક્યારેક તો સાંજે ઑફિસેથી આવ્યા પછી ‘ભૂખ નથી’ કહીને, જમ્યા વિના સૂઈ જતો ! રાતે કોઈ વિચારમાં – અજંપામાં તે જાગતો – પડખાં ઘસ્યા કરતો ! ક્ષમાથી આ વાત અજ્ઞાત રહી શકે નહિ. તે તરંગની ઉદાસીનું કારણ સમજી શકતી નહોતી. એકાદ દિવસ તો ક્ષમાએ માન્યું કે કોઈ ઑફિસ અંગેનું ટેન્શન હશે, કાંઈ એવો બનાવ બન્યો હોય. કારણ ગમે તે હોય પણ તરંગ તેને વાત કર્યા વિના રહે નહિ. પણ આ તો તરંગ પોતાનાથી કાંઈ છૂપાવતો હોય અને એકલો જ મનોવ્યથા ભોગવતો હોય એવું ક્ષમાને લાગ્યું.

એક રાતે પલંગમાં પાસાં ઘસતા તરંગના માથા ઉપર હાથ ફેરવતાં ક્ષમાએ પૂછ્યું – ‘હમણાં તમે મૂંઝવણમાં હો એવું દેખાય છે જ. તબિયત બરાબર નથી કે કાંઈ મુશ્કેલી ઊભી થઈ છે ?’
‘કાંઈ નથી !’ તરંગે રૂક્ષતાથી કહ્યું.
‘છે ! છેલ્લા ત્રણેક દિવસના તમારા વર્તનથી જાણી શકી છું કે તમે કાંઈ મૂંઝવણમાં છો, કોઈ મનોવ્યથા અનુભવી રહ્યા છો. મારાથી છૂપાવવા જેવું શું છે ? મને વાત કરશો તો મૂંઝવણનો કોઈ ઉકેલ મળશે, મુસીબતનો સાથે મળીને સામનો કરશું ! વાત કરવાથી મન હળવું થશે. કહો, કાંઈક છે ! આ રીતે તમને દુ:ખી થતાં હું નથી જોઈ શકતી !’
‘કહ્યું ને, કાંઈ નથી !’ કહીને તરંગ પડખું ફરીને બીજી બાજુ ફરી ગયો !

ક્ષમાને ખાતરી હતી કે, તરંગ મારા અને ધારાના ખેંચાણમાં ભીંસાઈ રહ્યો છે. પોતે તરંગ-ધારાના સબંધમાં અવરોધરૂપ નહિ બને એ તરંગને કઈ રીતે સમજાવું ? કઈ રીતે વાત કરવી ? તરંગને ઉદાસીમાંથી બહાર કાઢવાના ઉપાય વિચારતી તે ચિંતિત હતી. તરંગની ચિંતાનું મુખ્ય કારણ એ હતું કે, ધારા હવે તરંગ સાથે લગ્ન કરવા દબાણ કરવા લાગી હતી. એનો અર્થ ક્ષમાને છૂટાછેડા ! પણ આ અશક્ય હતું. તે આ કળણમાંથી નીકળવા પ્રયત્ન કરતો હતો તેમ તે વધારે ખૂંચતો જતો હતો !

વધારે પડતી ચિંતા-ઉદાસીએ અંતે જે કામ કરવું જોઈએ તે કર્યું. તરંગની ભૂખ મરી ગઈ, શરીરમાં ઝીણો તાવ રહેવા લાગ્યો, અશક્તિ આવી ગઈ. પરિણામે રજા લઈ તેને પથારી પકડવી પડી ! ક્ષમા રાત-દિવસ જોયા વિના તરંગની સારવારમાં લાગી ગઈ હતી. બે નિષ્ણાત ડોકટરો પાસે ચેકઅપ કરાવ્યું. બંને ડૉક્ટરોનો અભિપ્રાય હતો : તરંગને અત્યારે ખાસ બીમારી નથી. તેને શારીરિક નહિ પણ માનસિક રોગ હોવાની શક્યતા છે. જો તેની ચિંતાનું કારણ દૂર કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં ગંભીર માંદગી આવી શકે છે !

ક્ષમા ચિંતાથી ઘેરાઈ ગઈ. પણ પોતે બીમાર પડશે તો તરંગની સારવાર કોણ કરશે ? એમ વિચારી તે મક્કમ થઈ આ મુશ્કેલીનો સામનો કરી રહી હતી. અહીં પોતાનું કહી શકાય, મદદ કરી શકે એવું કોઈ સ્નેહી-સંબંધી નહોતું. પાડોશીઓની મર્યાદિત સહાય મળતી. દવા કરવા છતાં તરંગની બીમારીમાં કોઈ ફેર પડતો નહોતો. તરંગ ઑફિસમાં ગેરહાજર હોવાથી ધારા તપાસ કરવા ઘેર આવશે એમ ક્ષમા ધારતી હતી પણ એ ડોકાઈ નહિ. છેવટે ક્ષમાએ મન મક્કમ કરી એક નિર્ણય કર્યો.

એક વૃદ્ધ પાડોશીને તરંગ પાસે બેસાડી પોતે ઑફિસે ધારાની પાસે પહોંચી !
‘ક્ષમાબહેન તમે ?’
‘હા, હું તરંગની પત્ની ક્ષમા ! આપણે અગાઉ મળ્યાં ત્યારે મેં આ પરિચય આપ્યો નહોતો !’
‘ઓહ, તો તમે તરંગના પત્ની ક્ષમા ! સુંદર ! કહો, અહીં કેમ આવવું પડ્યું ?’ પછી ધારાએ સામાન્ય રીતે પૂછ્યું – ‘તરંગને કેમ છે ?’
‘તરંગની હાલત બહુ ખરાબ છે તેના વિશે જ વાત કરવા આવી છું.’ થોડીવાર તમે બહાર આવી શકો તો….!’
‘હા.. ચાલો !’ ઑફિસની સામે આવેલી હોટલમાં બંને બેઠા. બે કોફીનો ઑર્ડર આપ્યા પછી ધારાએ કહ્યું : ‘કહો, તરંગ વિશે તમારે શી વાત કરવી છે ?’
‘તરંગ ગંભીર માંદગીમાં પટકાયો છે. ડૉકટરને કહેવું છે કે, તેને શારીરિક કરતાં માનસિક બીમારી છે.’
‘તેમાં હું શું કરી શકું ?’
‘તરંગને તમે જ બીમારીથી બચાવી શકો છો ! ધારાબહેન, હું તમારા અને તરંગના પ્રેમ સંબંધને જાણું છું, એટલે જ હું તમારી પાસે આવી છું !’
‘પણ હું શું કરી શકું ?’
‘ધારો તો તમે મારા તરંગને બચાવી શકો છો ! કૃપા કરી તમે મારી ઘેર આવો. આપણે બંને, અમારા તરફથી કોઈ ચિંતાનું કારણ નથી, એવી ખાતરી કરાવી શકીએ તો જરૂર તરંગ બીમારીમાંથી મુક્ત થશે ! તમારા સંબંધમાં હું અવરોધરૂપ બનવા માગતી નથી. હાથ જોડીને તમને વિનંતી કરું છું કે તરંગને માનસિક બીમારીમાંથી બચાવવામાં મને મદદ કરો. તમે કાયમને માટે મારા ઘેર રહેવા માગતાં હશો તો રહી શકશો, આપણે બહેનોની જેમ સાથે રહીશું, ધારાબહેન, તમે મારે ત્યાં આવો. હું તમારા પગે પડું છું !’ કહેતાં ક્ષમા રડી પડી !

ધારા ઘડીભર તો આશ્ચર્યથી ક્ષમાને જોઈ રહી ! પતિને આટલો અલૌકિક પ્રેમ કરતી સ્ત્રી તે જાણે પ્રથમવાર જોઈ રહી હતી ! પતિ માટે ગમે તે ત્યાગવા – સર્વસ્વનો ભોગ આપવા તૈયાર એવી ક્ષમા તેને અસામાન્ય સ્ત્રી લાગી ! પોતે તરંગને આટલો પ્રેમ કરે છે ? ના, ના આવી દૈવી સ્ત્રીના પતિને ઝૂંટવી લેવાનો મને અધિકાર નથી. તેણે ક્ષણમાં નિર્ણય કરી, ક્ષમાને કહ્યું :
‘ક્ષમાબહેન, શાંત થાઓ ! તમારા પતિને કોઈ શક્તિ ઝૂંટવી શકે તેમ નથી ! આજથી તમે મારા ક્ષમા ભાભી અને તરંગ મારો ભાઈ છે ! આજે સાંજે જ રજા લઈ તમારે ઘેર આવું છું. બહેનનો પ્રેમ અને તમારા જેવા પતિભક્ત પત્નીનો દૈવી પ્રેમ તરંગને બીમારીમાંથી મુક્ત કરી દેશે ! ભાભી, મને ક્ષમા કરો ! તમારા પવિત્ર સ્ત્રીત્વને આઘાત કરી મેં ભયંકર અપરાધ કર્યો છે !’

‘ઓહ ! ધારાબહેન, તમે કેટલાં મહાન છો !’ આ હતો ક્ષમાનો આંતરિક ઉદ્દગાર ! બંને સ્ત્રીઓ હાથમાં હાથ પરોવી હોટલની બહાર નીકળી ! સામે જ એક ગુજરાતી ફિલ્મનું મોટું પોસ્ટર લટકતું હતું, ‘નારી તું નારાયણી !!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન – વિવેક બાંઠિયા
બે સીટવાળી સાયકલ – રમેશ શાહ Next »   

18 પ્રતિભાવો : નારી તું નારાયણી – ‘ધૂનીરામ’

 1. Ami says:

  હમણા હમણા જ કશે (કદાચ રીડગુજરાતી પર જ ?!) વાંચવા માં આવેલ વાર્તા.

  મૃગેશભાઈ – જુઓ તો જરા – આ વાર્તા રિપિટ તો નથી થતી ને?

 2. Ami says:

  ઓકે ઓકે – જનકલ્યાણ લખ્યુ જ છે. – સોરી ..

 3. Jignesh says:

  ચિલા ચાલુ

 4. PIYA PATHAK says:

  ક્યારેક પત્નિની ધીરજથી પતી ને ખોટા મારગ ચડતા રોકી શકાય છે.ક્ષમાની ધીરજથી અને ત્યાગ ભાવનાથી તેને પોતાનો સુખી સંસાર તુટતો બાચાવી,બાધાને સાચા રસ્તે વાળ્યા.

 5. ashish says:

  good

 6. d j mankad says:

  a very good presentation. i expect many more such incidents to b published so that persons put in similar situation can correct himself/herself & ultimately lead happy family life.

 7. baboochak says:

  શું પુરુષ આટલો સહિષ્ણુ બની શકે?

 8. KUNJAL MARADIA says:

  This story can be common,very usual.
  But i think main thing is after reading this story a married woman should ask a que to herself that “do I have that love, patience,and courage for my husband like khsama’s story ?”

 9. hitu pandya says:

  સરસ વાર્તા…લખાણ સરસ છે.

 10. Jignesh Mistry says:

  Good One! Nice treatment to the story.

 11. anamika says:

  ok…not bad….but i think that a man has a very very very nice wife..so why he should afair with other woman…why.???..what’s fault of his wife..?at the last what he wants….?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.