- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બે સીટવાળી સાયકલ – રમેશ શાહ

[ લેખક વિશે : રમેશ ભાઇ વલસાડ ખાતે નાટ્યક્ષેત્રે સક્રીય છે.અને ગુજરાતી નાટ્ય ક્ષેત્રનાં મોટા નામો જેવાકે સંજીવકુમાર્ પ્રવિણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી અને કાન્તી મડિયા સાથે જુદા જુદા નાટકોમાં કાર્ય કરેલુ છે. કવિતા, અને ટુંકી વાર્તા એ ભૂલાયેલ શોખો હવે નિવૃત સમયમાં ફરી જાગી રહ્યાનું પ્રમાણ છે આ ટુંકી વાર્તા. તેમણે ૨૮ એકાંકી અને ૩ ત્રીઅંકી નાટકો તેમણે ગુજરાતી નાટ્ય જગતને આપ્યા છે. રીડગુજરાતી ને આ કૃતિ મોકલવા બદલ શ્રી રમેશભાઈનો તેમજ શ્રી વિજયભાઈ(હ્યુસ્ટન)નો ખૂબ ખૂબ આભાર.]

વૃધ્ધાશ્રમના એક ખુણામાં પડેલી એક સાયકલ જોઈને નવાઈ લાગી. થયું, અહી આ બે સીટ વાળી સાયકલ નું શું કામ ? કોણ ચલાવતું હશે? કૂતુહલ થી મેનેજર ને પુછ્યું તો જણાવ્યું કે રૂમ નંબર અગિયારમાં રહેતાં દેસાઈ આવ્યા પછી થોડા જ વખત માં આ સાયકલ તેમને ઘરેથી મોકલવા માં આવી છે. હજુ તો હું મેનેજર સાથે વાત કરતો હતો ત્યાં એક વૃધ્ધ કપલ હાથમાં પૂજાની થાળી લઈને સાયકલ પાસે આવ્યુ. રીતસર સાયકલની પૂજા કરી, ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો જાણે દશેરા એ પોતાની કારની પૂજા કરતાં હોય ! કપલ પાછું વળ્યું. પાછા વળતા એકબીજા ના હાથ પ્રેમથી પકડ્યા હતાં. તેમના ચેહરાં પરની પ્રસન્નતા વાંચી શકાતી હતી. કુતુહલ વશ હું તેમની પાછળ પાછળ ચાલ્યો. રૂમમાં દાખલ થતાં મને જોઈને એમની આંખ ચમકી. આંખમાં રહેલો પ્રશ્ન વાંચતા મેં મારી ઓળખાણ આપતાં નામ કહ્યુ અને હું આશ્રમ નો ટ્રસ્ટી છું એ પણ જણાવ્યું. તેમણે અભિવાદન કરતાં મને બેસવા માટે ખુરશી ખેંચી.

‘મારુ નામ અંબુલાલ દેસાઈ અને આ મારા પત્ની કુલજીત’ હું કંઈ બોલુ તે પહેલા જ સમજી જતાં તેમણે જ કહ્યું ‘હું અનાવિલ બ્રાહ્મણ અને કુલજીત પંજાબી છે’. મને સ્વાભાવિક આંચકો લાગ્યો. અને એ શમે તે પહેલા બીજો આંચકો તેમણે આપ્યો. ‘અહી વૃધ્ધાશ્રમમાં અમે કંઈ દીકરા-દીકરી કે વહુ-દીકરા ના ત્રાસથી નથી આવ્યા કે નથી કોઈ અમને પરાણે મૂકી ગયું. અમે તો સ્વેચ્છા એ અહીં એટલા માટે આવ્યા છીએ કે જીદંગી આખી જે રીતે ગુજારી છે, બાકી વર્ષો પણ એ જ મુગ્ધ મધુરપથી એક્બીજાનાં સહવાસમાં જ પૂરા કરી શકીયે. ના કોઈ અમારી મશ્કરી કરે કે ના કોઈ અમારા પર હસે’

‘આ બહાર પડી છે એ સાઈકલ જેની તમે પૂજા કરી..’ મારાથી પૂછાય ગયું.
‘હા એ સાયકલ જ નિમિત્ત છે અહીં આવવા માટે’ મારી અકળામળ વધતી જતી હતી અને મારા ચેહરાને અંબુભાઈ વાંચી રહ્યા હતા, ‘આપ પાણી પીશો ?’ તેમણે પ્રશ્ન કર્યો.
‘ના જી પણ આપની વાતો સાંભળવાની ઈચ્છા જરૂર છે. કદાચ વાતોથી તરસ સંતોષાશે’. મેં હસી ને જવાબ આપ્યો. બાપા ની ઉંમર હશે લગભગ ૭૫ થી વધુ પણ તેમના પત્ની વધુ નાના લાગતા હતા.
‘સાહેબ, તમે બે સીટ વાળી સાઈકલ વિષે પુછતાં હતા ને ?’ મેં હા પાડી એટલે તેઓ આગળ બોલવા જતાં હતાં એ કંઈ બોલે તે પહેલાં મેં નમ્રતા થી જણાવી દીધું કે મારું નામ જતીન શાહ અને મને સાહેબ ન કહો હું તો આશ્રમ નો ટ્રસ્ટી એટલે સેવક છું મને નામ થી જ બોલાવશો તો વધુ ગમશે.

‘ફાઈન, તો જતીન હું શાળા માં શિક્ષક અને કુલજીત મારા કરતાં નાની, નાની એટલે ઘણી નાની’
‘બાર વરસનો ફરક છે અમારા બેની વચ્ચે’ રસોડા માં જતાં કુલજીત બોલ્યા. આટલું શુધ્ધ ગુજરાતી સાંભળી ને મને નવાઈ લાગી.
‘હું ગુજરાતીનો શિક્ષક અને મારા જ ઘરમાં ગુજરાતી ન બોલાય એ વાત જ મને ગળે ન ઉતરે એટલે દરરોજ રાતનો અમારો કાર્યક્રમ જ ગુજરાતી ભાષા વિષે રહેતો. ગુજરાતી કવિતા, વાર્તા, ગઝલ, શાયરીની જ વાતો. પણ દુ:ખ એ વાતનું છે કે મારા વારસામાં હુ એ રૂચી કેળવી ન શક્યો.’

એમની વાતમાં મને ડંખ જેવું લાગ્યુ. વાતનો દૌર આગળ ચાલ્યો અને તેઓ ભૂતકાળમાં ખોવાઈ ગયા. એમના પ્રેમ લગ્ન હતાં. કુલજીત બેંકમાં નોકરી કરતા. બંન્નેનો નોકરીનો સમય એક જ. સ્કૂલ અને બેંક પણ નજીક નજીક. પહેલાં તો બેઉ પોતપોતાની સાયકલ ઉપર નોકરી એ જતા, સાંજના ઘરે પાછા આવતાં કુલજીતને મોડુ થતું અને દેસાઈ સાહેબનો પિત્તો જતો. બંન્નેની સાયકલો વેચી ને બે સીટ વાળી સાયકલ ખરીદી. બંન્ને ઘરે થી સાથે નીકળે અને ક્યારેક કુલજીતને મોડું થાય તો પણ બંન્ને સાથે જ ઘરે પાછા આવે.

‘આ બે સીટ વાળી સાયકલનો કેટલો ફાયદો; પૈસા બચે, સમય સચવાય, કોઈ એ કે ભાર વેંઢાંરવો ન પડે અને સૌથી મોટો ફાયદો તો એ કે એકબીજા નાં સંગાથે રસ્તો કપાય જાય. ઘર સુધીનો રસ્તો દરરોજ સાયકલ પર ક્યારે પૂરો થઈ જતો એની ખબર જ નહોતી પડતી.’ દેસાઈ એક શ્વાસે બોલી ગયા.
‘સાયકલે અમને પાછા પ્રેમમાં ભીજવ્યા, સાયકલ ઉપર સવારી કરી હોય ત્યારે અમે અમારી જાતને બધા કરતાં વધુ નશીબદાર માનતાં’, કુલજીતની આંખોના ભાવ હું વાચી રહ્યો. સાયકલ હતી તો રીટાયર્ડ થયા પછી તો સાંજના ફરવાં જવું કે મંદીર દર્શન કરવા જવું કે બજાર માંથી શાકભાજી લાવવું એ પણ સાયકલ ઉપર જ. અને એ પણ અમે બંન્ને સાથે. મહોલ્લામાં કદાચ લોકો અમારી પાછળ હસતા પણ અમને એની પરવા ન હતી.
‘કુલજીત ની ફસ્ટ ડીલીવરી વખતે એને હોસ્પિટલ પણ આજ સાયકલ પર લઈ ગયો હતો’
‘અને મારા સંજુને આજ સાયકલ ઉપર લઈને હું ઘરે આવી’તી’ બંન્ને વાતો કરતાં કરતાં જાણે ખોવાય જ ગયા ’
‘સંજુ તમારો દીકરો….?’ મેં પુછ્યું. હવે માંની આંખના આંસુ બોલતા હતાંને હું સાંભળતો હતો.
‘છેલ્લા પાંચ વર્ષ થી અમેરીકા છે. કેટલા ઉમંગ થી તે દિવસે ફોનમાં સંજુ એ કહ્યું હતું કે મમ્મા ઈન્ડીયા આવીને મારે અને સપના એ તારી અને પપ્પાની પેલી બે સીટ વાળી સાયકલ પર પાછા પ્રેમ માં પડવું છે’

અંબુકાકા મન મક્કમ કરી ને બોલતાં હતાં ‘એ આવવાનો હતો ત્યારે મેં સાયકલ ને ઓઈલીંગ, પૉલીસ બધુ કરાવી રાખેલું. પણ તે દિવસે શું થયું કે બંન્ને સાયકલ પરથી પડ્યા. સપના નો દુપટ્ટો લપેટાઈ ગયો અને સંજુ ને પણ સારું એવું વાગ્યુ હતું.’ બીજે જ દિવસે ઘરનાં આંગણામાં એક મારૂતી ફ્રન્ટી…. વ્હાઈટ કલરની આવી ને ઊભી રહી..

‘પપ્પા આજ થી તમારે સાયકલ નથી ચલાવવાની, બલકે હું તો કહું છુ કે હવે સાયકલ વેચી જ નાખો અને ડ્રાઈવિંગ શીખવા માંડો , હું જાઉ એ પહેલાં તમારું ડ્રાઈવિંગ લાયસન્સ લઈ લઈશું. પછી તમે અને મમ્મી ગાડી માં જ ફરજો’.
‘મે બહુ પ્રયત્નો કર્યા પણ હું ગાડી ચલાવી જ ન શક્યો . ગાડીનું સ્ટીયરીંગ મને સાયકલ ના ગવર્નર કરતાં ભારે લાગતુ. સંજુને તો હું સમજાવી ન શક્યો કે સાયકલ ઉપર ખુલ્લી હવામાં જે રોમાંચ હું અને કુલજીત અનુભવીએ છીએ તે મારૂતીના એરકંડીશનમાં નથી. પ્રેમની જે પરાકાષ્ઠા સાયકલ પર કુલજીત ને પાછળ બેસાડી ને માણી શકું છું તેથી એમ લાગે છે કે એકબીજાનો બોજો વહેંચી ને જિંદગીની મજલ કાપવાની તમન્ના સાયકલ જ આપે,ગાડી નહી. અમારા માટે તો આ બે સીટવાળી સાયકલ જ મારૂતી છે. એ એને હું ન સમજાવી શક્યો.’

અંબુભાઈ આગળ બોલે તે પહેલાં માં બોલ્યા. ‘અને એ પાછો અમેરિકા ચાલ્યો ગયો. હવે જ્યારે જ્યારે ફોન કરીને પુછે છે ત્યારે એટલું જ કહીયે કે અમે સુખી છીયે’. આંખ ભીની થઈ હતી એ લૂછતાં બાપા બોલ્યા ‘જૂના ભાડાના ઘરમાં એની બહુ યાદ આવતી ત્યારે હું અને આ સાયકલ હાથથી ઝાલીને ચલાવતાં. પેન્ડલ મારીને ચલાવવાની તાકાત નથી રહી હવે. અમને સાયકલ દોરી જતાં જોઈને લોકો અમારી મશ્કરી કરતાં. અમારી લાગણીઓ ને સમજવાવાળો તો દૂર છે ને ? બસ પછી તો અમે એ ઘર ખાલી કરી ને તમારા આશ્રમમાં આવી ગયાં અને સાથે અમારી સાયકલ પણ લેતાં આવ્યા. હવે તો દોરી ને લઈ જવાની પણ શક્તિ નથી રહી એટલે દરરોજ એ સાયકલ ની પૂજા કરીયે છીયે જેણે અમને જીવનભર સાથ આપ્યો અને હું અને કુલજીત એકબીજાનો ભાર ઉપાડતા જ આ દેહ છોડીયે.’

‘હા, જતીન ભાઈ, સાયકલ જાણે અમને કહેતી ન હોય કે “તમે રાજરાણીના ચીર સમ…અમે રંકનારની ચુંદડી, તમે તન પે’રો ઘડી બે ઘડી અમે સાથ દઈયે કફન સુધી” હું કુલજીતના ભાષા જ્ઞાન અને આ કપલની લાગણીઓને મનોમન વંદન કરી ત્યાંથી નીક્ળ્યો સામે જ મેં બે સીટ વાળી સાયકલ જોઈ અને જોતો જ રહ્યો.