મોડું થઈ ગયું – જયંતીલાલ મકવાણા

[‘બાની વેદના પુસ્તકમાંથી સાભાર.’ રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ જયંતીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર.]

સંજના અને સુહાસનાં લગ્ન થયે ચાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં, છતાં પણ એક યા બીજા કારણસર હિલસ્ટેશન ઉપર જવાનો કાર્યક્રમ પાછો ઠેલાયા કરતો હતો. આથી ગમે તેમ કરીને એ લોકોએ આવતા અઠવાડિયે હિલસ્ટેશન ઉપર ફરવા જવાનો કાર્યક્રમ એકદમ નક્કી કરી જ નાખ્યો. જરૂરી રકમ ભરીને રિઝર્વેશન પણ સમયસર કરાવી લીધું. સંજના અને સુહાસ મૂળ ગામડાનાં. લગ્ન પછી એકાદ વર્ષ ગામડામાં રહ્યા પછી સુહાસને નવી નોકરી મળતાં ગાંધીનગર આવવાનું થયું. ગામડાના હર્યાભર્યા ઘરમાંથી એકાંતવાળા શહેરી વાતાવરણમાં આવવાનું થયું. અહીં એ બંને સરખેસરખાં રહેતાં હતાં. ભારતભરની પચરંગી વસ્તી ગાંધીનગરમાં ઠલવાઈ હતી. એમાંની મોટા ભાગની વસ્તી ફેશનેબલ અને આધુનિક હતી. તેમના રીતરિવાજ, રહેણીકરણી, પહેરવેશ અલગ અલગ હતાં.

સ્ત્રીઓ રાત્રે ગાઉન પહેરીને મોડે સુધી ફરતી. ગાંધીનગરનું વાતાવરણ શાંત, મુક્ત અને એકાંતમય હતું. ફુવારા અને સર્કલ પાસે જેવા જેવું વાતાવરણ જામતું હતું. સંજના ગ્રામ્ય પોશાકમાં એટલી સારી લાગતી ન હતી. શરૂઆતમાં તો સંજના આ બધું જોઈને છક થઈ ગઈ હતી, પરંતુ પછીથી તો તે પણ આધુનિક બની ગઈ હતી. આરંભમાં તો એને ફેશનેબલ પોશાક ફાવતો ન હતો પરંતુ રહેતાં રહેતાં એટલી તો એ ટેવાઈ ગઈ હતી કે સંજનાને જુઓ તો એમ ન લાગે કે તે ગામડેથી આવી હતી.

નવોઢા સંજુ ગાંધીનગરની ઝાડીઓમાં કેટલાંક પ્રેમી-પંખીડાઓને કલાકો સુધી પ્રેમરસનો ઘૂંટડો પીતાં જોતી ત્યારે ગામડાની શરમાળ અને મર્યાદામાં જીવન જીવતી તેને નવાઈ લાગતી. એને લાગતું કે એમનાં મા-બાપ દીકરીઓનું ધ્યાન નહીં રાખતાં હોય ! પરંતુ લાંબા ગાળે તેને આ બધું સહજ થઈ ગયેલું. પ્રેમ માણનાર ખુલ્લેઆમ એનો આનંદ લૂંટતા, તેથી તે ઘણી વખત વિચારે ચડી જતી.

સંજના સવાર-સાંજ તેના બ્લૉકની બહેનો સાથે મકલાતી મકલાતી વાતો કરતી ફરવા નીકળી પડતી અને સાંજે ‘ઘ’ રોડ પર નાસ્તાની લારીઓ અને હોટલોમાં ખાવાની ભીડ થતી ત્યાં પણ પતિની સાથે પહોંચી જતી અને સાંજના રાંધવાનું ટાળતી હતી.

હિલસ્ટેશનની ટૂર ઉપર જવા આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા હતા. જવા માટેની મોટાભાગની બધી તૈયારી પણ થઈ ગઈ હતી. એ સાંજે ગામડેથી સુહાસનાં બા આવ્યાં. સાસુને આવેલાં જોતાં જ સંજનાનાં અરમાનો ઉપર પાણી ફરી વળ્યું. હકીકતમાં સુહાસનાં બા બીમાર તો રહેતા હતાં પરંતુ બીમારી વધી જવાથી દવાદારૂ અર્થે ગાંધીનગર આવ્યાં હતાં. બાની બીમારી અસાધ્ય હતી, આથી એ નક્કી હતું કે બા હવે પાછાં ફરે એવી શક્યતા બહુ ઓછી હતી. સંજનાનાં સાસુ ગાંધીનગર આવતાં નવપરિણીત યુગલના રંગમાં ભંગ પડ્યો. જાણે અચાનક સાડાસાતી બેસી હોય તેમ સંજના મોં મરડવા લાગી. હિલસ્ટેશનની ટૂર ફરી એક વાર મુલતવી રહી. હિલસ્ટેશન એને ઠેકાણે રહ્યું. ટૂર એને ઠેકાણે રહી અને રિઝર્વેશન એને ઠેકાણે રહ્યું. અગાઉની ભરેલી રકમ પણ ડૂલ થઈ ગઈ. કારણકે ભરેલી રકમમાંથી થોડીઘણી પણ પાછી મળે એટલોય સમય રહ્યો ન હતો. ટૂરને પડતી મૂકી બંને બાની સેવામાં લાગી ગયાં. ડૉકટરોની સૂચના પ્રમાણે બાનાં દવાદારૂ થવા તો લાગ્યાં પણ તેમને કોઈ મોટી બીમારી હતી જે મટવાની આશા બહુ ઓછી હતી. પરંતુ દવાદારૂથી રાહત રહે એમ હતું.

હવે બા બધો વખત ઘેર ખાટલામાં પડી રહેતાં હતાં. તે પોતાનું કોઈ કામ જાતે કરી શકતાં ન હતાં એટલે સંજનાને સાસુની સેવામાં ચોવીસે કલાક હાજર રહેવું પડતું. સંજનાને બાની સેવાચાકરી કરવી ગમતી નહિ. તે સુહાસના કાન ભંભેરવા લાગી. ઘણી વખત સાસુ સાથે કંકાસ કરતાં બંને વચ્ચે ચકમક ઝરતી. સંજનાના ઝઘડાથી બાનું દુ:ખ વધતું જતું હતું. નાનો દીકરો બહુ ઓછું કમાતો હતો એટલે પેટનો ખાડો પૂરવા મોટી વહુને પનારે પડ્યાં હોય તેમ લાગતું. બા કંકાસનું બધું દુ:ખ પેટમાં સમાવી લેતાં ને ઘણી વખત આંખની કીકી સમા સુહાસને કહેતાં, ‘બેટાં હવે ઘડપણમાં મારે કેટલાં ઘર ભટકવાં ! આ જાતી જિંદગીમાં મને એક ઠેકાણે જનમારો પૂરો કરવા દેજો !’

સાસુની સેવાચાકરી કરતાં સંજનાના હૈયામાં આગ લાગેલી. તેને વૃદ્ધ સાસુ પ્રત્યે તિરસ્કાર જાગેલો. તે ઘણી વખત સુહાસને કહેતી, ‘બા ને નાના ભાઈના ઘેર ગામડે મૂકી આવો. ગામડાનાં ચોખ્ખાં ઘી-દૂધથી જલદી સાજાં થઈ જશે. આમ ન કરવું હોય તો હું મારા પિયર જતી રહીશ.’ સંજનાની ધમકીથી સુહાસની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. એ ન તો બાને છોડી શકે એમ હતો કે ન તો સંજનાને.

સુહાસ વિચાર-ચકડોળે ચડી ગયો. એક બાજુ માતાની બીમારી, બીજી બાજુ નવપરિણીત સંજના. આખી રાત ઊંઘ આવી નહિ. છેવટે તે અંતિમ નિર્ણય પર આવી ગયો. સંજનાને થયું કે બા હવે ગામડે જાય એમ નથી એટલે એ એના પિયર જતી રહી. વહુના જતા રહેવાથી રામબાનું હૈયું પોકારી ઊઠ્યું : ‘હું અભાગણી મોટા દીકરાને માથે પડી. મારા આવવાથી એના ઘરસંસારમાં તિરાડ પડી.’ એમ વિચારતાં એમને આઘાત લાગ્યો. એમણે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી દીધો.

સુહાસથી બાની પીડા સહન ન થતાં ઑફિસમાંથી રજા લઈ બાની સેવાચાકરી કરવા લાગી ગયો. હવે બન્યું એવું કે સંજના પિયર આવી ત્યાં તેની મા પણ બીમાર હતી. બાને માંદી જોઈ સંજના એના પિતાને કહે, ‘બા માંદી છે તો મને કેમ જાણ ન કરી ?’
‘બેટા, તું દોડાદોડ કરે એટલે અમે તને જાણ કરી નહોતી.’
‘પણ તોય મને જાણ તો કરવી જોઈએ ને !’
‘તારી ભાભી બાની સારવાર બહુ સારી રીતે કરે છે એટલે થોડા દિ’માં બાને સારું થઈ જશે, પછી શી ચિંતા ?’

પિયરમાં સંજનાએ જોયું કે પોતાની માની સેવા ભાભી ખડે પગે કરતી હતી. ભાભી તો પારકી જણી કહેવાય, છતાં એ ખડે પગે સેવા કરે છે. તો પછી મારે પણ ત્યાં મારી સાસુની બરાબર સેવા કરવી જ જોઈએ. સંજનાને પોતાની ભૂલ સમજાઈ એટલે એ બાની ખબર કાઢીને પછી એના પિતા, ભાઈ, ભાભીની રજા લઈને ગાંધીનગર આવવા નીકળી પડી. એને થયું કે હવે તો સાસુની બરાબર સેવાચાકરી કરીશ.

ગાંધીનગર ઘેર આવી જોયું તો સુહાસ બાની પથારી પાસે આરામખુરશીમાં ઉજાગરાથી થાકેલો, ઝોકાં આવતાં હોય તેમ બેઠો હતો. સુહાસની સામે જોઈ સંજનાએ સ્મિત કર્યું. સંજનાને અચાનક આવેલી જોઈ સુહાસને ઘણો આનંદ થયો. સંજનાનું મૌન બતાવતું કે હવે તેની ભૂલ તેને સમજાઈ ગઈ છે. સાસુ પ્રત્યે તેના હૈયામાં લાગણી જન્મી છે. તેના હૃદયમાં પલટો થતો હોય તેમ લાગ્યું.

સંજના પશ્ચાત્તાપ કરતી સાસુની પથારી પાસે બેઠી. પથારી પાસે જતાં તેનું હૃદય દ્રવી ગયું. તેના હૃદયમાં મીઠા વીરડાનું ઝરણું ફૂટ્યું હોય તેમ તેની આંખોમાંથી ચોધાર આંસુની ધારા વહેવા લાગી. તેણે જોયું તો જિંદગીનો થાક ઉતારતાં હોય તેમ, ભરનીંદરમાં હોય તેમ બા ઘસઘસાટ સૂતેલાં હતાં. સંજના બાના પગ પાસેથી ચાદર ઊંચી કરી બાના પગ દબાવવા લાગી. બાના પગનાં તળિયાં તદ્દન ઠંડાં પડી ગયેલાં. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના દેહમાં ઘૂમરી આવી ગઈ. તેણે કાળજું કંપી જાય તેવી બૂમ પાડી.

સંજનાની બૂમ સાંભળતાં સુહાસ હબકી ગયો. તે તાત્કાલિક દોડી આવ્યો. તેણે જોયું તો બાનું નિસ્તેજ શરીર ચેતના ગુમાવી બેઠેલું. બાના દેહ પર હાથ મૂક્યો. બાની આંખ મીંચાઈ ગયેલી. સુહાસ બાના દેહ પર કલ્પાંત કરતો ઢળી પડ્યો. સંજના ભીતર કકળી ઊઠી. પશ્ચાત્તાપ હૃદયમાં ખળભળી રહ્યો. આંસુનો ગોરંભ દિલમાં સમુદ્રમંથન કરી રહ્યો. ગળે પીડાનો ડૂમો ભરાઈ ગયો. ‘ઓ…બા….’ કરતી તે પણ પતિ સાથે હીબકે ચઢી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંધકારના ઊંડાણેથી – આદિલ મન્સૂરી
ખતુબહેન – ડૉ. ભુપેન્દ્ર રાવલ Next »   

24 પ્રતિભાવો : મોડું થઈ ગયું – જયંતીલાલ મકવાણા

 1. urmila says:

  yes definitely too late- hope that after reading this article, someone somewhere is not too late to come to their senses – we have lost a lot of our culture in modern day living

 2. gopal h parekh says:

  આજની પેઢીને ઈશારો , જેટલું જલ્દી સમજાય એટલું સારું.

 3. yesha says:

  i wish aavi bhulo koi thi thayi nahi,,jena thi thai che,,,aena mate ketlu ashky thai jatu hase putani jaat ne maaf karvu,,,

 4. Jiten Dixit says:

  સુહાસ નો અંતિમ નિર્ણય અને સંજનાને પોતાની ભૂલ જલ્દિ સમજાઈ એ બહુ ગમ્યુ. કારણ કે કોઇની પણ બા માટે દીકરાના ઘર સિવાય ર્કોઇ બિજો રસ્તો નથિ હોતો.
  જો આજની પેઢી આટલુ સમજે તો આપણુ ઘર સુખી.

 5. bharat gokani says:

  આ તો ઘર ઘર નેી કહાણી છએ. દરેક ઘરમાં આમજ થતુ હૉય . ભગવાન સહુને સદ્બુધ્ધિ આપે ઍ જ પ્રાર્થ્ના.

 6. Khem Dhawal says:

  દિવન્ગત આતમાઓ ને શાન્તિ મલે
  અને હયાત લોકોને સદ્બુધિ મલે
  એવિ ઇશ્વરને પ્રાર્થના.

 7. deven says:

  i am afraid that because of this modern era and all we will loose our great culture. i hope people will get moral of this story and will never get late in their own life.

 8. Rekha Iyer says:

  Very touchy story. We need to take lesson from this.

 9. alpa says:

  hu bhagvan ne prathna karish ke avu koi ma sathe thay nahi
  ane je vahu avu kare che te kadach e bhuli jati hase ke e pan koini dikri j che

 10. Nidhi says:

  Because Sanjana had a brother, what if she did not have any siblings, she can not have change of heart, is it? Just thought provoking? ! Human values do count. That way Italians have the most integrated family system.
  And what is right and what is wrong when u have to pay 100 Rs. for a kilogram of vegetables or a kilogram of pulses? How can Sanjana and Suhas survive? Where does the government uses the taxes? Why does a person have to depend upon a family member rather than Pension or government hospitals? Why?

 11. bindu shah says:

  બહુજ સરસ વાર્તા હતિ ઘનુ ગમ્યુ પન શુ આવુ કૈ થઆય પચ્ઇઇ જ લોકો ને અહેસાસ થાય એવુજ શા માતે?

 12. Cymbalta. says:

  Cymbalta….

  Alcohol cymbalta. Cymbalta….

 13. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ મને આવેી વારતા વાચવેી ખુબજ ગમે છે. મીત્રો મને આવી વાર્ત મોકલવા વીનતી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.