- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ખતુબહેન – ડૉ. ભુપેન્દ્ર રાવલ

[‘અખંડ આનંદ – ફેબ્રુઆરી-2007માંથી સાભાર.]

સમાજમાં બનતા ઘણા કિસ્સાઓ આપણને વાંચવા મળે છે જેમાં પાત્રોનાં નામ, ગામ, સ્થળ બદલી કઢાયેલ હોય છે – બદલી કાઢવા જરૂરી પણ હોય છે. પરંતુ આ લેખમાં એ બદલવાની જરૂર નથી કારણકે આ એક ભાવાત્મક, લાગણીપૂર્ણ-પ્રેરક વાત છે અને લેખનું પાત્ર ખતુબહેન પણ હવે તો જન્નતનશીન થઈ ગયાં છે.

આજે સમાજમાં નીચલા વર્ગથી લઈ ખાસ કરીને ઉચ્ચ શિક્ષિત વર્ગ સુદ્ધામાં દાંપત્યભાવના રહી નથી. સ્વછંદતા વધી ગઈ છે. સામાન્ય મતભેદો, વિચારભેદો કે વર્તનભેદોમાંથી મનભેદો સર્જાય છે અને આવાં સામાન્ય કારણોમાંથી અહમ ટકરાય છે અને દાંપત્યની ઈમારત કડડભૂસ થઈ જાય છે. ત્યારે ગામડાની એક અભણ, મજૂરી કરતી નારી – ખતુબહેન યાદ આવે છે.

ટાટા કંપનીનું ગામ મીઠાપુર (ટાટા ટાઉનશીપ)થી બે કિ.મિ ના અંતરે દ્વારકા તાલુકાના નાનકડા એવા મારા આરંભડા ગામની આ અમારી ખતુબહેન. અમારી દ્વારકા આસપાસના ‘ઓખામંડળ’ વિસ્તારમાં ખાસ કરીને વાઘેર કોમ, અને મુસ્લિમ કોમની બોલી (ભાષા) કચ્છી અને તેમાં સામી વ્યક્તિને ‘તું’ સંબોધન. કલેકટરને પણ ‘સાબ્ય, તું…..’ કહીને સંબોધે, તેમાં તોછડાઈ નહીં પણ ભોળી પ્રજાનો પ્રેમભાવ છલકાય. પ્રૌઢ ઉંમરની ખતુબહેનને સંતાનમાં મોટી બે દીકરીઓ જે ઘરેબારે, પછી બાર અને દશ વર્ષના બે દીકરા. એક સાંજે મારી ડિસ્પૅન્સરી પર એક દીકરો કહી ગયો; ‘રાવલ સાબ્ય, મારી માએ કહ્યું છે કે નવરા થાવ ત્યારે અમારે ઘેર મારા બાપને જોઈ જજો.’
મને ખ્યાલ હતો કે ખતુબહેનના વરને પેટની અંદરના કોઈ પણ ભાગે ઈન્ટરનલ કૅન્સર છે. મારા દર્દીઓથી ફારેગ થઈ હું સીધો ખતુબહેનને ઘેર ગયો. બે દીકરાઓ સાથે ખતુબહેનની મુલાકાત તેના ઘરના ફળિયામાં જ થઈ ગઈ, કદાચ મારી રાહ જોઈને જ બેઠાં હતાં.

મને જોઈ તેઓ મીઠી કચ્છી ભાષામાં બોલ્યાં : ‘રાવલભાઈ, તને અલ્લા કસમ છે, સાચી વાત કરજે. મને અંધારામાં ન રાખતો. ડૉક્ટરો છેલ્લી ઘડી સુધી “મટી જશે, મટી જશે” ની જ તસલ્લી દેતા હોય છે !’
મેં દર્દીને તપાસ્યો, ફૂલીને ઝગારા મારતું પેટ અને દર્દીની પરિસ્થિતિ જોઈ લાગ્યું કે એક-બે દિવસનો મહેમાન છે. બહાર આવતા : ‘ભા….’ કહીને અટકી ગયેલ ખતુબહેનની પ્રશ્નાર્થભરી દષ્ટિને હું જીરવી ન શક્યો.
‘બહેન, ખોટા દોડા અને ખોટો ખર્ચ ન કરતી. આને તું મીઠાપુર (ટાટા-હોસ્પિટલ) લઈ જા કે મુંબઈ… બહેન, આ જણ હવે તારો નથી.’

…. અને મૂક ચોધાર આંસુએ રડતીએ ખતુબહેન હજીયે દષ્ટિ સમક્ષ તરવરી ઊઠે છે. એ સમયના તેના શબ્દો, ‘રાવલ ભા, આ જણ (મારો પતિ) ક્યારેય મજૂરીએ ગયો નથી, ક્યારેય કમાયો નથી. મેં મજૂરી કરી કરીને બે દીકરીઓને પરણાવી.’ નજીક ઊભેલા બાર અને દશ વર્ષના દીકરાઓના માથા પર હાથ રાખીને; ‘આ બેય બચલા (બાળકો) ને મોટાં કર્યા. ભા, એ ક્યારેય કમાવા નો ગયો. હું દિ’ આખો મજૂરી કરીને સાંજે દાડીના પૈસા લાવું તો એ મારા હાથમાંથી જટી (ઝૂંટવી) લઈ દારૂ પી આવે.’

‘રાવલભાઈ, ઈ ગમે એવો હતો પણ ભા, ઈ મારું છતર છે, મારા અને મારા આ બચલાનું ઢાંકણ છે. રાવલ ભા, મારું છત્તર છીનવાઈ જશે, હું ને મારા આ બચલા ઉઘાડા થઈ જશું !’ એના આંસુમાં ઊભરાતી એક અભણ નારીની પતિભાવનાએ હું પણ ગદ્દગદિત થઈ રહ્યો હતો.

… અને હજી પણ આરંભડા ગામ બહાર મેં બંધાવેલા મારા ઘેર જવાનો રસ્તો કબ્રસ્તાનની દીવાલ પાસેથી પસાર થાય છે અને રોજ એ તરફ જોઈ બોલાઈ જાય છે : ‘બહેન, ધન્ય છે તું અને તારા જેવી નારીઓ.’