ઉખાણા – કોકિલાબેન જોષી

[ શાળાઓમાં ભણાવતા શિક્ષક કોઈક વાર અચાનક પરીક્ષા લે તેમ આજે રીડગુજરાતીના વાચકોએ રોજેરોજનું વાંચન માણ્યા બાદ એક નાનકડી પરીક્ષા આપવાની છે !! આપ આપના જવાબો મને આ ઈ-મેઈલ પર shah_mrugesh@yahoo.com મોકલી આપશો. પરીક્ષાનું પરિણામ તેમજ સાચો જવાબ લખનારા વાચકોના નામ ચાર દિવસ બાદ પ્રસિદ્ધ કરીશું ! તો થઈ જાવ તૈયાર !! રીડગુજરાતીને આ પ્રશ્નપત્ર મોકલવા બદલ શ્રીમતી કોકિલાબેનનો (સાવરકુંડલા, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. ]

[1]
નાનો સરખો ડુંગરદાસ
લૂંગડા પહેરે સો પચાસ

[2]
ધોળું ખેતર, કાળા ચણા;
હાથે વાળ્યાં ને મોઢે લણાં

[3]
ચાર ભાઈ ઊભા, ચાર ભાઈ બેઠા
એક એકના અંગમાં સર્વે જઈને પેઠા

[4]
પઢે પણ પંડિત નહીં, પૂર્યો પણ ચોર નહીં,
ચતુર હોય તો કહેજો, મધુરો પણ નથી મોર.

[5]
કાળી પણ કોયલ નહિ, નથી નિર્બળ નાર
દરમાં વસે પણ નાગણ નથી, ઉત્તમ એની ધાર

[6]
એક જનાવર એવું, પૂછડે પાણી પીતું,
પણ વા વાયે તો બહુ બીતું ! બોલો એ કોણ ?

[7]
કાળી કૂતરી લસપસ,
ત્રણ માથા ને દશ પગ

[8]
છ પગ છાપરે, બે ડબા દૂઝે;
વાંસે વધ્યું પૂંછડું,
એનું કાંઈ સૂઝે ?

[9]
પીળો પણ પોપટ નથી, કાળો પણ નથી કાગ,
પાંખો છે પણ પંખી નથી, ડંખ છે પણ નથી નાગ.

[10]
પડી પડી પણ ભાંગી નહીં
ટૂકડા થયા બે-ચાર
વગર પાંખે ઊડી ગઈ
ચતુર કરે વિચાર !

[11]
ચકરડા ઉપર ચકરડી,
ફરતી જાય ને વાડ કરતી જાય

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાંગલા નાચે : જવાનો ક્યાં – મકરન્દ દવે
ઈ-ટી.વી. એ લીધી રીડગુજરાતીની નોંધ Next »   
Copy Protected by Chetan's WP-Copyprotect.