નિરાશાને મારો કિક – કિશોર દવે

[રીડગુજરાતીને આ નિબંધ મોકલવા બદલ શ્રી કિશોરભાઈનો (જૂહુ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.]

પ્રત્યેક મનુષ્યને પોતાના જીવન દરમિયાન એવા કેટલાએ પ્રસંગો આવતા હશે, કે જ્યારે તે નિષ્ફળતાથી ઘેરાઈ ગયો હોય. નિષ્ફળતા મળે એટલે સામાન્ય મનુષ્ય તો નિરાશાની ઊંડી ગર્તમાં ધકેલાઈ જાય છે અને તેમાં તેને વધારે તો મન પર અસર ત્યારે થાય છે કે જ્યારે તેણે પોતાના પ્રયત્નોમાં કોઈ કચાશ ન રાખી હોય. કોઈ પણ કાર્ય સાધ્ય કરવામાં મનુષ્ય જ્યારે પોતા તરફથી સાચા દિલના એટલે કે સંનિષ્ઠ પ્રયત્નો કરી છૂટતો હોય છે છતાં પણ પરિણામ જ્યારે નિષ્ફળતાનું આવે ત્યારે તે ખૂબ જ હતાશ થઈ જાય તો તેને માટે કોને દોષ દેવો ? ઈશ્વરને ? નસીબને ? કે કોને ? એ માત્ર પ્રશ્ન – પ્રશ્ન જ રહી જાય છે, તેનો ઉત્તર મળતો નથી.

પરંતુ જ્યાં સુધી ઉત્તર મળતો નથી ત્યાં સુધી મનુષ્યને તેટલો સમય નિરાશાના-હતાશાના સાગરમાં આમથી તેમ અથડાવું પડે છે. તે સાવ ભાંગી પડે છે. તેનો ઉત્તર મેળવવા શું કરવું, એ જ મને તો આજે સમજાતું નથી. કોઈ એવી વ્યક્તિ કે જેને આપણે આપણાં પથદર્શક માનતા હોઈએ તેને પૂછીએ તો તે વ્યક્તિ કે જેમણે આ સંસારમાં જલકમલવત્ જેવું સ્થાન મેળવી લીધું હોય તો તે કહેશે કે ‘જે થાય તે સારા માટે.’ આ એક બ્રહ્મવાક્ય છે કે જે સામાન્ય માણસના મગજમાં જલદી ઊતરશે નહીં. તેનું સમાધાન નહીં કરી શકે. જોકે તે પણ કદાચ માનતો હોય કે ‘જે થાય તે સારા માટે’ એમ માનવું અને તેનો અમલ કરવો, પરંતુ જો તે માનતો થાય તો તેટલી સ્થિતપ્રજ્ઞ અવસ્થા મેળવવી એ પણ કાંઈ સહેલું નથી. ‘જલકમલવત’, ‘સ્થિતપ્રજ્ઞ’ એ બધી અવસ્થા મેળવવી એ પણ પ્રભુની કૃપા હોય તો જ મળે છે.

સામાન્ય મનુષ્ય કે જે રોજબરોજ તેના સંસારનો – તેના જીવનની મુશ્કેલીઓનો સામનો કરતો હોય, આજના સંજોગોમાં સવારથી – રાત સુધી પોતે તથા પોતાના કુટુંબના સભ્યોના સુખ માટે સદાય દોડતો જ રહેતો હોય છે તેને આવી અવસ્થા પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા હોય તો જ મળે છે, બાકી આ બધા માટે સતત પ્રયત્નો કરતા જ રહેવું પડે છે. પોતાના પ્રયત્નોમાં પોતાની કોશિશોમાં તેણે સદાય પ્રભુને સાથમાં જ રાખી નિ:સ્વાર્થ ભાવે તે પ્રયત્નો માટે પુરુષાર્થ કરવો રહ્યો અને નિષ્ફળતા કે નિરાશા મળે તો પણ કોઈ જગ્યાએ ન અટકતાં અવિરત પ્રયત્નો કરવા જ જોઈએ, તો તે એક દિવસ જરૂર તે પોતાની મંજિલે પહોંચશે એ નિશંક છે. નિષ્ફળતા-નિરાશાના નનૈયાને તેણે મનથી, વિચારથી અને હિંમતથી કચડી નાખવો જોઈએ કે જેથી તેના જીવનમાં ઝંઝાવાત ફેલાવવા આવી જ ન શકે…

એ હિંમત કેળવવા મનુષ્યે શું કરવું જોઈએ ? તે પણ એક પ્રશ્ન તેની સામે આવીને ઊભો રહે છે, એટલે કે મનુષ્યના પ્રત્યેક ડગલે આવા પ્રશ્નો તેની સામે વિરાટ સ્વરૂપ ધારણ કરીને ઊભા થઈ જાય છે, કે માનવીને તેની સામે વામન થઈને તેના ચરણમાં સમાઈ જવું પડે છે. પરંતુ એ વિરાટ પ્રશ્નને પણ વામન બનીને તેના ચરણની સેવા કરવાથી એટલે કે ભક્તિ કે શ્રદ્ધાથી તે પ્રશ્નને વામણો બનાવી શકાય છે. પરંતુ તેમાં એક ત્રીજા આયુધની પણ જરૂર પડે છે ‘સંતોષ’.

એટલે કે માનવી કોઈ પણ કાર્ય માત્ર ભક્તિ-શ્રદ્ધાના શસ્ત્રોથી પાર પાડે અને બદલામાં તેને જે કંઈ મળે તે એટલે કે ‘સંતોષ’ થી સ્વીકારે તો પછી તેના જીવનમાં નિરાશા કે હતાશા પ્રવેશી જ ન શકે. શ્રી ઉપાસની બાબાના બ્રહ્મવાક્ય જેવા સુંદર શબ્દો ‘જસે અસેંલ તસે’ એટલે કે જીવનમાં તમારા સંનિષ્ઠ પ્રયાસથી જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તેમાં જ તમે સંતોષ માનતા હો તો પછી નિરાશા કે હતાશાનો જન્મ જ થતો નથી. તે તો તેના જન્મ પહેલાં જ મૃત્યુ પામે છે, એટલે પછી તમારા જીવનમાં પ્રવેશવાની તેને તક જ મળતી નથી, માટે મનુષ્યે જીવનની ત્રિભેટે આવી ઊભા હોય ત્યારે ઉપર જણાવ્યા મુજબ ભક્તિ-શ્રદ્ધા સંતોષનો જ માર્ગ અપનાવવો જોઈએ. એ માર્ગ ઉપર આપણને ગીતાનું સુંદર બોધ વાક્ય ‘કર્મણ્યે વા ધીકારસ્તે મા ફલેષુ કદાચન’ નો સાથ પણ જરૂર મળી રહે અને જ્યારે મનુષ્ય એ શબ્દોને જીવનમાં ઉતારે ને તે પ્રમાણે જીવન સફરમાં એ શબ્દોને વાહન બનાવીને ચાલે તો જે પહેલાં નિષ્ફળતા કે નિરાશાનું રૂપ જે કોઈ મોટા દૈત્ય જેવું લાગતું હતું તે કોઈ સરોવરમાં સુંદર રીતે સરકતા હંસના જોડા જેવું લાગશે અથવા તો તેમાં પ્રભુના સૌમ્ય સ્વરૂપનાં દર્શન થશે.

આ ઉપરથી આપણે એમ સમજવાનું કે જીવનમાં દરેક પગલે સફળતાની સાથે સાથે સનિષ્ઠ પ્રત્યનો કરવા છતાં પણ જ્યારે જ્યારે નિરાશા કે હતાશા મળે ત્યારે એ સર્વના નાશ માટે શિવજીના ત્રિશૂળ સમાન ભક્તિ-શ્રદ્ધા અને સંતોષના આયુધનો ઉપયોગ આપણે કરશું તો તેનો સામનો આપણે જરૂર કરી શકીશું અને એ હતાશાની અવસ્થામાંથી નીકળી આપણે કોઈ એવી અવસ્થાએ જઈ પહોંચશું કે જ્યાં માત્ર તમારી આસપાસ બીજું કાંઈ નહીં હોય – સિવાય પ્રભુનાં ચરણ….. અને પ્રભુનાં ચરણમાં તમે પહોંચી ગયા પછી તમોને શાની જરૂર છે ?

એટલે એ પ્રશ્ન – પ્રશ્ન જ નથી રહેતો પરંતુ એક માત્ર આનંદની અનુભૂતિ કરાવતી અવસ્થા જ રહે છે. એ સચ્ચિદાનંદમાં તમારી જાતને એકરૂપ થવા મળે તો પછી બીજું શું જોઈએ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈ-ટી.વી. એ લીધી રીડગુજરાતીની નોંધ
અમથાલાલનો ઈન્ટરવ્યુ – નીલમ દોશી Next »   

6 પ્રતિભાવો : નિરાશાને મારો કિક – કિશોર દવે

  1. Jignesh says:

    ખુબ સુન્દર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.