અમથાલાલનો ઈન્ટરવ્યુ – નીલમ દોશી

[ આ બાળનાટકનો ભજવણી માટે ઉપયોગ થઈ શકે છે, પરંતુ તે માટે લેખિકાનો 09427879202 પર સંપર્ક કરશો. રીડગુજરાતીને આ સુંદર બાળનાટક મોકલવા બદલ શ્રીમતી નીલમબેનનો (ભરૂચ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર.]

પાત્રો :

સીમાબહેન : મમ્મી
કુંજલ : પુત્રી 15-16 વર્ષની ઉંમર
કરણ : પુત્ર 20 વર્ષની આસપાસ
શીલા : કામવાળી – કુંજલની ઉંમર
સ્થળ : મધ્યમવર્ગનો હોય તેવો ડ્રોઈંગરૂમ

કરણ : (અરીસામાં જોઈ વાળ ઓળતા ઓળતા ગાય છે.)
મેરા જૂતા હૈ જાપાની,
યે પતલૂન ઈંગ્લિશતાની,
સર પે લાલ ટોપી રુસી,
ફિરભી… ફિરભી
[ભૂલી ગયો હોવાથી માથું ખંજવાળે છે.]

કુંજલ : (અંદરથી આવે છે ને પૂરું કરે છે.) ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની….! વળી ભૂલી ગયો ?
કરણ : (વેવલાવેડા કરતાં) ઓહ ! દીદી, વળી ભૂલી ગયો. (ટાઈ બાંધવાનો પ્રયત્ન કરે છે) દીદી, આ ટાઈ બાંધી દે ને…. જો ને, બંધાતી જ નથી.
કુંજલ : કેટલી વાર શીખવાડી…. પણ ! જવા દે… લાવ બાંધી આપું (બાંધી દે છે.)
કરણ : હવે હીરો જેવો લાગું છું ને ?
કુંજલ : હા, તું છો જ હીરો ને (સ્વગત) પણ કશામાં યે જડી શકાશે કે નહીં એ ખબર નથી.

[ મમ્મી આવે છે, હાથમાં કેકની પ્લેટ છે. ]
કુંજલ : ઓહ મમ્મી, કેક રેડી ?
મમ્મી : હા, દીકરીનો ઑર્ડર થાય એટલે રેડી જ હોય ને ?
કુંજલ : હા, મમ્મી પોતાનો જન્મદિવસ તો બધા ઊજવે… એમાં શું નવું છે ?
મમ્મી : હા, એટલે જ મને તારી આ વાત ગમી છે. દર વર્ષે તું શીલાનો જન્મદિવસ પણ મનાવે છે.
કુંજલ : હા, મમ્મી કામવાળી છે તો શું ? એ બિચારીને હોંશ ન હોય ! એનો જન્મદિવસ કોણ ઊજવે ? આપણે બીજું તો ખાસ કંઈ નથી કરી શકતા, અરે, મારાં જૂનાં કપડાં પણ એને તો કેવાં ગમ્યાં ?
મમ્મી : હા, બેટા એને માટે તો એ પણ નવાં જ ને ?
કુંજલ : કેટલી ખુશ છે આજે શીલા ! સવારથી જલદી જલદી બધું કામ પણ પતાવી નાખ્યું ને હવે મારો ડ્રેસ આપ્યો છે તે બદલવા ગઈ છે. મમ્મી, I am so happy.
મમ્મી : હા, બેટા દ્રષ્ટિ નીચે તરફ નાખીએ તો જીવનમાં ક્યારેય અસંતોષ ન રહે. ગ્લાસ અડધો ખાલી છે એમ નહીં, પણ ગ્લાસ અડધો ભરેલો છે એ જોવાની દષ્ટિ જો કેળવીએ તો જીવનમાં ક્યારેય નિરાશા ન આવે.
કુંજલ : હા મમ્મી તારી આ વાત હું હંમેશાં યાદ રાખીશ. અરે, શીલા ક્યાં ગઈ ? શીલા ઓ શીલા [બૂમ પાડે છે. શીલા આવે છે…. ખુશખુશાલ ચહેરો છે….]

કુંજલ : આવ શીલા, ચાલ આપણે કેક કાપીએ.
શીલા : કુંજલબહેન, તમે દરવખતે મારો જન્મદિવસ ઊજવો છો ને મને ભેટ આપો છો. નહીંતર અમારે વળી જન્મદિવસ કેવા ? અમારા જેવા ગરીબને તો જન્મદિવસનો વિચારેય ન આવે (રડવા જેવી થઈ જાય છે.)
કુંજલ : અરે શીલા, ઓછું શું કામ લાવે છે ? અમે બધા તારા જ છીએ ને ! ચાલ, હસ હવે – લે આ છરી અને કેક કાપ.
મમ્મી : અરે, આ મીણબત્તી તો પેટાવવા દે.
કુંજલ : હા, હા લાવ (મીણબત્તી પેટાવે છે – શીલા )
[ફૂંક મારી ઠારે છે. મમ્મી, કુંજલ કરણ ત્રણે તાળી પાડે છે ને ગાય છે. ]

“હેપ્પી બર્થડે ટુ શીલા – હેપી બર્થ ડે ટુ શીલા … મે ગોડ બ્લેસ યુ – મે ગોડ બ્લેસ યુ હેપી બર્થ ડે ટુ શીલા…”
[શીલા કેક કાપે છે, સીમાબહેનને પગે લાગે છે. સીમાબહેન આશીર્વાદ આપે છે. કેક ખવડાવે છે.]
[શીલા અંદર જાય છે.]

મમ્મી : કુંજલ, આજે કરણને ઈન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે ને ? એને બધું બરાબર શીખવ્યું છે ને નહીંતર પાછો હંમેશની માફક ગોટાળા કરીને આવશે.
કુંજલ : અરે, મમ્મી બધું શિખવાડ્યું તો છે, પણ આ અમથાલાલ (હસે છે ) નો કંઈ ભરોસો નહીં.
મમ્મી : શું તું ય ભાઈની મશ્કરી કરે છે !
કુંજલ : શું કરું ? આટલો મોટો થયો – આટઆટલું શીખવું છું પણ ભાઈના ભેજામાં કંઈ ઊતરે તો ને ?
મમ્મી : શું થાય ? ઈશ્વરે બુદ્ધિ થોડી ઓછી આપી છે, તે !
કરણ : (અચાનક વાત તરફ ધ્યાન જતાં) હેં મમ્મી, કોને બુદ્ધિ ઓછી આપી છે ? બહેન ને ?
બહેન : હા, ભાઈ મને જ ઓછી આપી છે. (કટાક્ષથી) તારી વાત થોડી થાય ?
કરણ : અરે, મારી બહેન તો હજી નાની છે તું મોટી થઈશ ને એટલે મારી જેમ તારામાંયે બુદ્ધિ આવી જશે હોં (નિર્દોષતાથી)
બહેન : ભગવાન કરે ને તારી જેમ ન આવે.
કરણ : મને તો શું બોલે છે એ જ ઘણીવાર નથી સમજાતું. તું રોજ એકની એક વાતો શીખવે છે. હું જાણે કેમ બુદ્ધુ હોઉં ?
બહેન : નથી ?
કરણ : ના રે, હું કાંઈ બુદ્ધુ નથી તું ભલે ને રોજ અમથાલાલ, અમથાલાલ કહીને મારી મશ્કરી કર. એ તો તું મારાથી નાની છો એટલે હું કાંઈ બોલું નહીં ને તારી બધી મશ્કરી ચલાવી લઉં છું.
બહેન : વાહ ! ભાઈ Thanks (કટાક્ષથી) So nice of you.

કરણ : oh ! થેંક્યું કહ્યું ? પછી મારે શું કહેવાનું ? બહેન પાછું હું ભૂલી ગયો. હા હું ભૂલી જાઉં છું ખરો, બાકી કાંઈ તું કહે છે તેમ બુદ્ધુ કે ઘોઘો નથી. હેં બહેન થેક્યુ પછી શું કે’વાનું ?
બહેન : અરે, તું કાંઈ ન કહે એ જ વધુ સારું છે. તું જેટલું ઓછું બોલે એમાં જ તારી ભલાઈ છે.
કરણ : (થોડો ખિજાઈને) બે…. ન….
મમ્મી : હવે તમે બંને બંધ થાવ – અને કરણ કેટલા વાગ્યા ? તારે ક્યાં જવાનું છે આજે યાદ છે ને ?
કરણ : અરે, બરાબર યાદ છે. જો ને એટલે તો આ ટાઈ પહેરીને હીરોની જેમ ‘અપટુડાટ’ થઈ ગયો છું.
બહેન : અરે, ‘અપટુડાટ’ નહીં અપ-ટુ-ડેટ
કરણ : હવે એ બધું એકનું એક જ.
બહેન : ઓહો ! હા તો ભાઈ તમારે ક્યાં જવાનું છે આજે ? (કટાક્ષથી)
ભાઈ : ક્યાં એટલે ? અરે, મને બધું યાદ છે. આજે મારે ‘ઓટલાવ્યુ’ આપવા જવાનું છે. ‘ઓટલાવ્યુ’.
બહેન : (માથે હાથ મૂકે છે) (સ્વગત) ઓહો ! શું કહેવું આને ? હું તો થાકી. (મોટેથી) અરે બુદ્ધુ, ઓટલાવ્યુ નહીં ઈન્ટરવ્યૂ ! ઈન્ટરવ્યુ આપવા જવાનું છે તારે.
ભાઈ : (માથું ખંજવાળતાં) અરે હા – ઈન્ટરવ્યુ – ઈન્ટરવ્યુ (ગોખે છે)
બહેન : મહેરબાની કરીને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો મૂંગો રહેજે. કોઈ ભાંગરા વાટતો નહીં.
કરણ : ના રે હું કાંઈ વાટું એવો નથી, વાટવાનું કામ તો તમારું એટલે કે છોકરીઓનું, હું થોડો જ છોકરી છું ?
બહેન : (ધીમે થી) હોત તો સારું થાત.
(મોટે થી) તને સમજાવ્યું છે એ બધું બરાબર યાદ છે ને ?
કરણ : અરે હા – એકદમ – ડોન્ટ વવરી…
બહેન : વવરી નહીં – વરી વરી Worry હે ભગવાન ! આ મારો ભાઈ ઈન્ટરવ્યુમાં શું ઉકાળશે ?
કરણ : હે બહેન, એમાં ઉકાળવાનું યે હોય ? આ ચા ઉકાળવાની કે શરબત ?
બહેન : (ગુસ્સાથી) બંને.
કરણ : ચા અને શરબત – બેય ભેગાં ઉકાળવાનાં ‘ઓટલાવ્યુમાં’
બહેન : (ગુસ્સે થઈને) હવે મારું માથું ન ખા – ઓટાલાવ્યુવાળા
કરણ : મને જરાયે ભૂખ નથી, હું શું કામ માથું ખાઉં ? મને યે ખબર છે કે માથું કાંઈ ખાવાની વસ્તુ નથી. એમ કાંઈ હું બુદ્ધુ થોડો જ છું !
બહેન : ના રે ના બુદ્ધુ તો હું છું !!!
કરણ : અરે, એ તો તું હજુ નાની છો ને એટલે બાકી મારા જેવડી થઈશ ને એટલે તું યે મારી જેમ હોંશિયાર થઈ જઈશ.
બહેન : હવે મારા ભાઈલા, મારે તારી જેમ હોંશિયાર નથી થવું. હું જેવી છું એ જ ઠીક છે.
કરણ : જેવી તારી મરજી, આમેય માર જેટલું હોશિયાર થવું કાંઈ સહેલું છે ? હું કેટલી મહેનત કરું છું. આખો દિવસ કંઈ ને કંઈ ગોખું છું. હા, જો કે યાદ નથી રહેતું – એ સાચું છે.
મમ્મી : હવે કરણ, તું જા – તારો ટાઈમ થઈ ગયો.
કરણ : હા-હા-બહેન હું જાઉં છું.
બહેન : Best of luck
કરણ : શું ? શું કહ્યું ?
બહેન : કાંઈ નહીં, કાંઈ નહીં તું તારે જા.
[ભાઈ જાય છે. એક મિનિટમાં પાછો આવે છે.]

બહેન : વળી શું થયું ? કેમ પાછો આવ્યો ?
કરણ : પાછો જ આવું ને ? તેં મને પેલી ફાઈલ તૈયાર કરીને આપી હતી એ તો હું ભૂલી ગયો. એટલે પાછો લેવા આવ્યો. હું કાંઈ બુદ્ધુ થોડો છું ? એ ફાઈલ લઈને જ ઓટલાવ્યુમાં જવાય એની મને ખબર છે.
મમ્મી : કરણ – ઓટાલાવ્યુ નહીં – ભાઈ ઈન્ટરવ્યુ – ઈન્ટરવ્યુ – કેટલીવાર કહ્યું ?
કરણ : ઓહ ! મમ્મી હવે બરાબર યાદ રાખીશ (મોટેથી ગોખે છે – ઈન્ટરવ્યુ…. ઈન્ટરવ્યુ… ઓટલા… ના…. ના.. ઈન્ટરવ્યુ)
બહેન : લે, આ તારી ફાઈલ (હાથમાં ફાઈલ આપે છે.)
કરણ : થેંક્યું-થેંક્યું (જાય છે.)
[બહેન ત્યાં જ બેસી પડે છે.]
મમ્મી : શું થાય ? કુંજલ, ભગવાને એને થોડી ઓછી આપી છે.
બહેન : ક્યારેક ગુસ્સો આવે છે ને ક્યારેક ભાઈ ઉપર દયા આવે છે. મમ્મી, બિચારાનું શું થશે ? આવો ને આવો ગાંડા જેવો રહ્યો તો ?
મમ્મી : ઈશ્વર ઉપર ભરોસો રાખીને બેઠી છું. એના નસીબમાં કંઈક તો વિધાતાએ લખ્યું જ હશે ને ? બીજું આપણે શું કરી શકીશું ?
બહેન : let’s see મમ્મી, નિરાશ ન થા. આપણાથી બનતી બધી મહેનત તો આપણે કરીએ જ છીએ ને એને સુધારવાની-સમજાવવાની.
મમ્મી : હા – યાદ છે કુંજલ એ નાનો હતો ત્યારે આપણે એને કેવો ભોળો છે એમ કહેતા હતા ત્યારે ખબર નહોતી કે એ ભોળો નહીં પણ જરા ઓછી બુદ્ધિવાળો છે.
બહેન : બરાબર યાદ છે, એના નાનપણનાં પરાક્રમ.
મમ્મી : જ્યારે પહેલીવાર ઘરમાં નવી સાઈકલ આવી અને કરણ કહે હું પહેલાં ચલાવું ને તું કહે હું – ને બંને ઝઘડો કરતાં હતાં !
બહેન : ને પછી ભાઈને કેવી રીતે ફોસલાવી લીધો હતો ! (હસે છે) મમ્મી મને તો હજુયે એ સીન પણ યાદ છે.
મમ્મી : હા, તેં એને પૂછ્યું હતું કે ભઈલા, તને પ્લેન ચલાવવું ગમે કે સાઈકલ ?
બહેન : (હસે છે) અને મારો ભોળો ભાઈલો કહે મને તો પ્લેન ગમે. મેં કહ્યું તો તું પ્લેન ઉડાડ – મારે તો સાઈકલ ચાલશે !!!
મમ્મી : હા, અને તારો એ ભાઈલો પ્લેન ઉડાડવાની એકશન કરતાં કરતાં દોડતો હતો ! (હસે છે) અને તું સાઈકલ લઈને દોડી ગઈ હતી !! અને પાછો બિચારો ખુશ થતો હતો કે તેણે પ્લેન ચલાવ્યું ને તેં તો સાઈકલ ! આવા તો કેટલાયે ફાયદા તેં નાનપણમાં તેના ઉઠાવ્યા છે બરાબર ને ? (હસે છે)
કુંજલ : (હસતાં હસતાં) યસ મમ્મી એ દિવસોની વાત જ જુદી હતી.
મમ્મી : હા, ત્યારે ભાઈ નાનો હતો એટલે આપણે હસવામાં કાઢી નાખતા, પણ આજે એને જોઈને દુ:ખ થાય છે.
કુંજલ : વાત તો તારી સાચી છે, પણ શું થાય ? બેટા.

દશ્ય : 2

મમ્મી : અરે. ઈન્ટરવ્યુ તો ક્યારનો પૂરો થઈ ગયો હશે. હજુ કરણ આવ્યો નહીં.
કુંજલ : ચિંતા ન કર. હવે આવવો જ જોઈએ.
[ત્યાં અચાનક ભાઈ દોડતો આવે છે, મમ્મીની આંખ પર હાથ મૂકી બોલે છે.]

ભાઈ : બોલ, જોઈએ મમ્મી, કોણ હશે ?
બહેન : મમ્મી કહે છે ને પછી પૂછે કે કોણ હશે ?
ભાઈ : (હાથ હટાવે છે.) દીદી…. તું તો આવું જ કંઈક હંમેશાં કહેતી હોય છે.
બહેન : પણ તું આવું જ કાંઈક હંમેશા કરતો હોય છે એનું શું ?
મમ્મી : હવે એ બધી લપ છોડ ને બોલ ઈન્ટરવ્યુમાં શું થયું ? શું પૂછ્યું હતું ? તેં શું જવાબ આપ્યા હતા ?
ભાઈ : ઓહ ! ધીમે ધીમે ! એકી સાથે આટલા બધા પ્રશ્નોના જવાબ કેમ આપવા ?
બહેન : ઓકે. ઓકે. ચાલ, શરૂઆતથી વાત કર. તને શીખવ્યું હતું એમ પહેલાં May I come in sir ? એવું પૂછ્યું હતું ?
ભાઈ : અરે, બહેન તેમણે તો મને બોલાવ્યો હતો. પછી હું શું કામ પૂછું ?
બહેન : એટલે ?
ભાઈ : એટલે એમ કે આપણે તો વટથી ફટાફટ અંદર ઘૂસી ગયા. એક તો પોતે જ ઓટલાવ્યુમાં બોલાવેલ ને પછી રજા લઉં, જવા માટે, એવો હું મૂરખ નથી.
બહેન : ના-ના મૂરખ તો હું છું. હવે આગળ ચલાવો.
મમ્મી : પછી તેમણે શું પૂછ્યું ?
ભાઈ : અરે પૂછે શું ? સાવ સાદા સીધા પ્રશ્નો. મને તો થયું તેમને જ કંઈ આવડતું નહોતું તો ક્યાંથી પૂછી શકે ?
બહેન : હવે ડહાપણ કર્યા વિના બોલ ને પછી શું પૂછ્યું એમણે ?
ભાઈ : અરે, પછી પૂછ્યું તમારું નામ શું ?
બહેન : અને તમે શું વદયા ?
ભાઈ : અરે મેં કહ્યું એ તો મારી બહેને મારી કોમ્પલીકેશન…
બહેન : (વચ્ચે) નો કોમ્પલીકેશન – Application એપ્લિકેશન….
ભાઈ : હા હા એ જ…. તું વચ્ચે બોલીશ તો હું વાત કેમ કરી શકીશ ?
બહેન : હા ભાઈ હા પછી ?
ભાઈ : મેં તો કહી દીધું મારી બહેને મારી કોમ્પ્લી – ના એપ્લિકેશનમાં મારું નામ લખ્યું જ છે પછી શું પૂછો છો ? પણ મમ્મી મને લાગે છે કે એ લોકોને વાંચતાં જ નહીં આવડતું હોય.
મમ્મી : કેમ એમ કહે છે ?
ભાઈ : અરે, મમ્મી તેમની પાસે મારી કોમ્પ્લી… ના.. ના.. એપ્લિકેશન પડી હતી સામે જ હતી તોયે તેમાં જોઈ જોઈને બધું મને જ પૂછતા હતા. બિચારાઓને વાંચતાં પણ નહોતું આવડતું ને મારો ઓટલાવ્યુ લેતા હતા !!
બહેન : હવે તેમને આવડતું હતું કે નહીં એ જવા દો તેમણે બીજું શું પૂછ્યું ?
ભાઈ : પછી મને કહે તમને કેટલી ‘ગેલ્વેજ’ આવડે છે ?
બહેન : અમથાલાલ, ‘ગેલ્વેજ’ નહીં લેંગ્વેજ….. લેંગ્વેજ કહે.
ભાઈ : હા એવું જ.
બહેન : પછી તમે શું કહ્યું ?
ભાઈ : મેં કહ્યું મારી બહેને બધું આમાં લખ્યું જ છે. હું બધું ભૂલી જાઉં છું પણ મારી બહેન કાંઈ લખવાનું ભૂલી નહીં જ હોય એની મને ખાતરી છે. બરાબર કહ્યું ને બહેન, તું કાંઈ થોડી મારી જેમ બધું ભૂલી જાય છે ?
બહેન : Oh ! My God ! આને શું કહેવું ?
ભાઈ : પછી આગળ કહે તમને કઈ કઈ ભાષા આવડે છે ?
મમ્મી : એનો જવાબ તેં શો આપ્યો ?
ભાઈ : અરે, આપ્યો ને ! મેં કહ્યું મને તો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણ ત્રણ ભાષા આવડે છે.
બહેન : ચાલો, એક પ્રશ્નનો જવાબ તો અંતે આપ્યો.
ભાઈ : હા, ને મેં કહ્યું તમે કહેતા હો તો ત્રણે ભાષા બોલી પણ બતાવું.
બહેન : પછી ?
ભાઈ : પછી શું મેં તો ત્રણે ત્રણ ભાષા જુદી જુદી નહીં પણ ત્રણેય ભાષા એકી સાથે બોલી બતાવી.
મમ્મી : એટલે ? શું બોલ્યો તું ?
ભાઈ : મેં કહ્યું “ I (આઈ) ગયા સ્ટેશન પર, there મળ્યા a man મેંને પૂછ્યું ઉસકો કેટલા વાગ્યા ? ઉસને કહા સાડા દશ ને ટેન”
બોલ બહેન હવે તો હું હોશિયાર થઈ ગયો ને ? એક જ વાક્યમાં ત્રણ ત્રણ ભાષા બોલી બતાવી.
બહેન : Oh ! My God ! બીજું શું શું બાફ્યું તમે ?
ભાઈ : ના રે બફાય તો રસોડામાં એની મને ખબર છે. ને આમેય તેમણે મને કાંઈ બાફવાનું કહ્યું પણ નહોતું એટલે બાફવાનો તો કોઈ સવાલ જ ન આવ્યો.
[મમ્મી અને બહેન એકબીજા સામે જોઈ રહે છે.]

મમ્મી : (નિરાશાથી) પછી બીજું શું પૂછ્યું ?
ભાઈ : પછી પૂછ્યું કે આપણી ઑફિસનો ટાઈમ સવારે 7 વાગ્યાનો છે. તમે પહોંચી શકશોને ?
મમ્મી : તેં શું જવાબ આપ્યો ?
ભાઈ : મેં કહ્યું આમ તો મને મોડા ઊઠવાની ટેવ છે, તો પણ હું 9 વાગ્યા સુધી જરૂર પહોંચી જઈશ, ને મારી બાકીની ઊંઘ હું ઑફિસમાં જ પૂરી કરી લઈશ.
બહેન : (કટાક્ષથી) ગુડ ! તો બાકીની ઊંઘ તમે ઑફિસમાં જ પૂરી કરી લેશો બરાબર ને ?
ભાઈ : બીજું શું થાય ? ઊંઘ તો પૂરી કરવી જ રહીને !
મમ્મી : બીજુ શું પૂછ્યું ?
ભાઈ : અરે, પૂછવા કરતાં તેઓ તો હસતા હતા વધારે. બધા એકબીજા સામે જોઈને બસ હસતા હતા મારાથી કેટલા ખુશ થઈ ગયા હશે નહીં મમ્મી ?
બહેન : (સ્વગત) હવે આ અમથાલાલને કોણ સમજાવે કે તેઓ તારાથી ખુશ થઈને નહીં પણ તારી ઉપર હસતા હતા. તારી મશ્કરી કરતા હતા !
મમ્મી : પછી ?
બહેન : હા હવે પૂરું જ કરો.
ભાઈ : પછી પૂછ્યું કે તમારી ‘ગોબીઝ’ કઈ કઈ છે ?
બહેન : ‘ગોબીઝ’ નહીં હોબીઝ…. Hobbies….
ભાઈ : હા હા એ જ.
બહેન : પછી શું બક્યા તમે ?
ભાઈ : એય મમ્મી, દીદીને કહી દે મને એવું ન કહે.
બહેન : ગુસ્સાથી બોલાઈ જવાય છે.
મમ્મી : હા તો તેં શું જવાબ દીધો ?
ભાઈ : મેં કહ્યું “મને ખબર છે આવો પ્રશ્ન છોકરી જોવા જઈએ ત્યારે પૂછવાનો હોય પણ વાંધો નહિ, તમે મને નોકરીની સાથે સાથે છોકરી પણ આપવાના હો તો મને બહુ વાંધો નથી. તો હું આ પ્રશ્નનો જવાબ પણ ખુશીથી આપીશ.’
બહેન : પછી તેમણે શું કહ્યું ?
ભાઈ : અરે, મારા જવાબથી તેઓ તો એટલા ખુશ થઈ ગયા કે બધા ખડખડાટ હસવા માંડ્યા.
મમ્મી : (રડવા જેવી થઈ જાય છે) પછી ?
ભાઈ : પછી શું ? મેં તો પૂછી લીધું કે તમે કહો તો હું કાલથી નોકરી પર આવી જાઉં ?
બહેન : હં તો શું કહ્યું તેમણે ?
ભાઈ : અરે, તેમણે કહ્યું કે ના, ના તમારે ધક્કો ખાવાની જરૂર જ નથી. અમે જ આવી જશું તમારે ઘેર તમને બોલાવવા. બોલ, બહેન માણસો સારા હતા હો ! નોકરી સાથે છોકરી પણ આપવી હોય તો તેમણે જ આપણે ઘેર આવવું પડે ને ! બરાબર ને ? મમ્મી, હવે તો મારી નોકરીને છોકરી બંને પાકાં બંને પાકાં (ખુશ થઈને બહેનનો હાથ પકડી ફૂદડી ફરે છે.)

બહેન : (હાથ છોડાવે છે.) અરે મૂરખ… અમથાલાલ – તેમણે તને નથી નોકરી આપી કે નથી છોકરી આપી ! તારી મશ્કરી કરી છે મશ્કરી.
મમ્મી : (બેસી પડે છે) હે ભગવાન, શું થશે મારા દીકરાનું ? શું થશે ?
ભાઈ : હા, પછી એમ પણ પૂછયું કે… ઑફિસનું કામ તમને ફાવશે ?
બહેન : પછી ?
ભાઈ : મેં કહ્યું આમેય ઘરમાં મારું બધું કામ મારી દીદી જ કરે છે. એ તો બહુ હોશિયાર છે. જુઓ આ મારી ‘એપ્લિકેશન’ પણ એણે કેવી સરસ લખી દીધી છે ને ! તો ઑફિસનું કામ પણ એ મને કરી જ દેશે ને ! એટલે મને જરાયે ચિંતા નથી. આ ટાઈ પણ જુઓને એણે જ બાંધી દીધી છે. મને અહીં આવતાં પહેલાં ઘણંયે શિખવ્યું હતું. જો કે બધું મને યાદ નથી. ભૂલી ગયો છું. મારી બહેન મારાથી નાની છે. પણ એ તો કાંઈ ન ભૂલે ને અંગ્રેજી પણ બોલે હોં ! બોલ, દીદી મેં તારાં કેટલાં વખાણ કર્યાં ને તું તો આખો દિવસ મને અમથાલાલ-અમથાલાલ કહીને ખીજવે છે. જા હું નહીં બોલું તારી સાથે, બોલ, મમ્મી આમાં મેં કાંઈ ખોટું કહ્યું ?
મમ્મી : મને તો લાગે છે હવે હું જ બધું ભૂલી જઈશ. હું જ ગાંડી થઈ જઈશ.
બહેન : હે ભગવાન ! (પ્રેક્ષકો સામે) આપનામાંથી કોઈને મારા ભાઈને નોકરી દેવાનું મન થાય તો જરૂર કહેજો હોં ! પ્લીઝ…. પણ મહેરબાની કરીને અમથાલાલ ના ઈન્ટરવ્યુ જેવો ઈન્ટરવ્યુ ક્યારેય ક્યાંય નહીં આપતા હોં !
[પડદો પડે છે – ભાઈ ખુશ છે – મમ્મી બહેન સ્તબ્ધ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નિરાશાને મારો કિક – કિશોર દવે
પોતાનાં-પારકાં – જયવદન પટેલ Next »   

30 પ્રતિભાવો : અમથાલાલનો ઈન્ટરવ્યુ – નીલમ દોશી

 1. Dhaval says:

  this drama is really very very good.in this,
  some time b really like this type of things arround us,it’s commedy & tragedi also.

 2. Hiral says:

  Very sad drama!

 3. સુંદર નાટક…. અભિનંદન, નીલમબેન….

 4. Lata Hirani says:

  એન્જોઇડ ….મજ પડી ગૈ….

 5. manisha says:

  મજા આઈ………..

 6. Divyesh says:

  ખુબ સુદર નાટક હતુ અને તેનો એક દાઈલોગ જેમા ત્રણ ભાષા નો ઉપ્યોગ કરે છે તે ખુબ સરસ હતુ…….

 7. MARE PASH PAN NATK CI
  …PARNILA PSTY NI VODAKRE VECHRA…
  MUKLVO CHI

 8. nilam doshi says:

  આભાર.આ નાટક મારા પુસ્તક”ગમતાનો ગુલાલ”માંથી લઇ , ટાઇપ કરવાની મહેનત કરી અહીં મૂકવા બદલ મૃગેશભાઇ નો ખૂબ ખૂબ આભાર.

 9. preeti hitesh tailor says:

  વેદનાની ટીસ કસક બાકી રહી ગઇ!!

 10. alpesh says:

  it very great drama. thank you.

 11. alpesh says:

  it very great drama. thank you, i like it.

 12. સુરેશ જાની says:

  મજા આવી ગઇ.

 13. amol patel says:

  ખૂબ સરસ….

 14. DR. BHAVESH PATEL says:

  EXCELLENT , I FEEL I AM NOT READING DRAMA BUT I EXPERIENCED IT

 15. Janki says:

  nice drama.. but it was soo sad 🙁

 16. JAYESH says:

  VERY VERY NICE

 17. JAYESH says:

  VERY NICE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.