પોતાનાં-પારકાં – જયવદન પટેલ
આમ તો કહેવાય છે કે પોતાનાં એ પોતાનાં અને પારકાં એ પારકાં. ઘણા એવું પણ કહે છે, પારકાં તે કદી પોતાનાં થયાં જાણ્યાં છે ? પણ, ક્યારેક પ્રચલિત માન્યતાઓ કરતાં ઊલટી જ વાત બની જાય છે. પોતાનાં બિલકુલ પરાયાં બની જાય છે, અને પરાયાં બિલકુલ પોતાનાં બની જાય છે. આવું બને છે ત્યારે ભારે અચરજ થાય છે. નજીકના સંબંધો જ્યારે દૂરના બની જાય છે અને દૂરના સંબંધો નજીકના બની જાય છે. ત્યારે લાગે છે કે માણસના મનનું ગણિત ઉકેલી ન શકાય તેવું અટપટું છે.
સંબંધો બે પ્રકારના હોય છે. એક લોહીના સંબંધો અને બીજા લાગણીના સંબંધો, એવું પણ કહેવાય છે કે, ગમે તેમ, પણ લોહીનો સંબંધ એ જ સંબંધ કટોકટીમાં પડખે ઊભો રહે છે, પણ એવા દાખલા છે જ્યારે માણસ ભારે દુ:ખમાં કે આફતમાં આવી પડ્યો હોય ત્યારે લોહીનો સંબંધવાળા સ્વજનોએ બારણાં બંધ કરી દીધાં હોય, જાણે એની સાથે કોઈ ઓળખાણ-પિછાન ન હોય એવો વ્યવહાર કર્યો હોય. જ્યારે લાગણીની સગાઈ ધરાવનારને એને ઘરમાં બોલાવી હૂંફ અને હિંમત આપી હોય.
એક ખેડૂતની વાત છે. એ બાજુના ગામના બજારમાં અનાજ વેચીને પોતાને ગામ જતો હતો. બળદગાડુ ખાલી હતું. બજારમાં બે-પાંચ સગાં મળ્યાં એમને ગાડામાં બેસાડી દીધાં. ‘ગાડું ખાલી છે, બેસી જાઓ.’ અને પેલાં સગાંસંબંધી બેસી ગયાં હતાં. આગળ જતાં એક અજાણ્યો માણસ મળ્યો. બિચારો થાકેલો લાગતો હતો. ખેડૂતે કહ્યું ‘અરે ભઈ, ગાડું ખાલી જેવું છે. બેસી જા ગાડામાં.’ અને એ અજાણ્યો માણસ પણ ગાડામાં બેસી ગયો હતો.
રસ્તામાં બન્યું એવું કે ગાડાનો એક બળદ હાંફતાં હાંફતાં નીચે બેસી ગયો. ખેડૂતે ગમે તેમ કરીને એને ઊભો કર્યો. ગાડું ચાલવા લાગ્યું. ફરી પાછો બળદ બેસી ગયો. પેલા ખેડૂતે બળદને ઊભો કરવા ખૂબ પ્રયાસ કર્યો, પણ બળદ ઊભો થાય જ નહીં. ગાડાના બેઠેલા માણસો તો ઉતાવળ કરતા હતા. ખેડૂત કહે કે, બળદને જરૂર કાંક થયું છે. એમ કરો તમે બધા બેસો. ગામમાંથી કોઈનો બળદ લઈને હું અબઘડી પાછો આવું છું. એ તો બળદ લેવા ગયો. પેલાં કહેવાતાં સગાં-વહાલાં તો એક પછી એક ગાડામાંથી ઊતરીને ચાલતાં થયાં. ક્યાં સુધી રાહ જોવી ? અને ગાડામાં રહી ગયો પેલો એકલો માણસ. જે સાવ અજાણ્યો હતો, જેને ગાડાવાળા સાથે કાંઈ સંબંધ ન હતો. ગાડાવાળો ખેડૂત બળદ લઈ પાછો આવ્યો ત્યારે પેલા અજાણ્યા માણસને એકલો જોઈને પૂછ્યું : ‘ક્યાં ગયા પેલા બધા અમારા ગામના ?’ પેલાએ જવાબ આપ્યો : ‘એ બધા તો કહે, અમારે ઉતાવળ છે અને ઊતરીને ચાલતા થયા.’
પેલા ખેડૂતે કહ્યું : ‘તમારે ઉતાવળ ન હતી ? તમે શું કામ બેસી રહ્યા ?’
પેલા અજાણ્યા માણસે જવાબ આપ્યો હતો : ‘ગાડું સૂનું મૂકીને હું ચાલ્યો જાઉં ? તમે મને, કોઈ પિછાન કે પરિચય નહીં છતાં ગાડામાં બેસાડ્યો, અને હું તમારું ગાડું સૂનું મૂકીને ચાલ્યો જાઉં ! કદાચ મોડું પણ થઈ જાય, એથી થઈ શું ગયું ?’ સાવ અજાણ્યા માણસનો જવાબ સાંભળી ખેડૂત તો વિચારમાં પડી ગયો. આનું નામ તે માણસ.
ગયા વૈશાખ મહિનાની વાત છે. સાબરકાંઠાના મોડાસા વિસ્તારની એક શિક્ષણસંસ્થાના સંચાલક કંકોતરી લઈને અમારે ઘેર આવ્યા હતા. કહે કે, સાહેબ, મારી દીકરીનાં લગ્ન છે. તમારે જરૂર આવવાનું છે. અને મારી દીકરીને આશીર્વાદ આપવાના છે. મને પોતાને આશ્ચર્ય થયું હતું. હું જાણતો હતો કે એ સંચાલક તો અપરિણીત હતા. એમને વળી પુત્રી ક્યાંથી ? એ માણસે લગ્ન કર્યું હશે ? ઘણો વખત થયો, અમે સાથે રહેતા હતા ત્યાં સુધી તો અપરિણીત હતા અને કહેતા હતા : ‘મેં મારી સંસ્થા સાથે લગ્ન કરી લીધું છે, મારે હવે લગ્ન કરવાં જ નથી. તો પછી આ દીકરી આવી જ ક્યાંથી ? હું વિચારમાં પડી ગયો હતો. પેલા ભાઈ મારા ચહેરા પરથી મારા મનમાં ઘૂંટાતો પ્રશ્ન સમજી ગયા હતા. એમણે જ પછી તો એમની વાત શરૂ કરી હતી : ‘સાહેબ, આપણે સાથે રહેતા હતા એ વખતે હું અપરિણીત હતો અને આજે પણ અપરિણીત છું.’
હું બોલી ઊઠ્યો હતો : ‘તો પછી આ છોકરી આવી ક્યાંથી ? તમે તો કહો છો ને કે મારી દીકરી છે ?’ એમણે જવાબ આપ્યો હતો : ‘હા, સાહેબ મારી દીકરી છે. સગી દીકરી કરતાંય મારે મન એ વધારે છે. તમને માંડીને વાત કહેવા તો તમને શોધતો શોધતો આવ્યો છું. મને મનમાં તો હતું જ, આપણે લાંબા સમય પછી મળીશું, તમને જરા નવાઈ લાગશે અને દીકરીનાં લગ્નની વાત કરીશ એટલે તો તમને વધારે નવાઈ લાગશે.
સાહેબ, એક દિવસે વહેલી સવારે હું આશ્રમમાંથી બહારગામ જવા નીકળ્યો હતો. તળાવને રસ્તે થઈ પસાર થતો હતો અને ઝાડ નીચે એક નવજાત બાળકને રોતું સાંભળ્યું અને સાથે જ એક બાઈને ચૂપચાપ પસાર થતી જોઈ. એ બાઈ પરોઢના અંધારામાં મારી સામે જોઈ રહી. મેં પણ એનો ચહેરો જોઈ લીધો. બાઈએ એકદમ મોઢું ઢાંકી દીધું અને એ એકદમ ચાલી ગઈ. બાળક રોતું હતું. બધી જ વાત હું બરાબર સમજી ગયો. બાળકને મેં ઉપાડી લીધું. અને હું આશ્રમમાં આવ્યો. વિસામણમાં પડી ગયો હતો. બાળકનું શું કરવું ? પોલીસને જાણ કરવી ? ઓળખીતા પી.એસ.આઈને વાત કરી અને પછી એ બાળક મેં જ રાખી લીધું. કોણ જાણે એની સાથે એવી તો માયા બંધાઈ ગઈ કે ન પૂછો વાત. એને મેં લાડકોડથી ઉછેર્યું – મોટું કર્યું – ભણાવ્યું-ગણાવ્યું. એ જ આ બાળક – મારી દીકરી નંદિતા.’
એ પછી એ સંચાલકે આગળ વાત કરી હતી. ‘સાહેબ, એક દિવસ એવું બન્યું કે આશ્રમ માટે ફંડ ઉઘરાવવા હું નીકળ્યો હતો. ગામના નગરશેઠને ઘેર ગયો. નગરશેઠ બહાર ગયા હતા અને હું બેઠો હતો. એક વિધવા બાઈ પાણીનો પ્યાલો લઈને આવી. હું એની સામે જોઈ રહ્યો. આ તો તે દિવસે વહેલી પરોઢના આછા અજવાળામાં જોઈ હતી તે જ સ્ત્રી. મારી સામે જોતાં જ એનો ચહેરો પડી ગયો હતો. આજ સુધી મેં એ વાત મુઠ્ઠીમાં બાંધી રાખી છે. સાહેબ, મેં તો આ દીકરીને મારી પોતાની દીકરી માની લીધી છે. એને છોકરો પણ સારો મળ્યો છે. જિલ્લા પંચાયતમાં એન્જિનિયર છે.
સંબંધોની વાત આવે છે, ત્યારે આવી તો ઘણીબધી વાતો યાદ આવી જાય છે. લાગણીનો સંબંધ બંધાય છે ત્યારે જે સગપણ ઊભું થાય છે એનો આ દુનિયામાં બીજો કોઈ જોટો નથી. એ જ સગપણ ઊંચામાં ઊંચું છે. વરસો પહેલાંની વાત છે. તલોદ બજારમાં એક માણકાશેઠ અને કાશીકાકી રહેતાં હતાં. માણકાશેઠનાં પહેલાં પત્ની ગુજરી ગયાં હતાં. સંતાન ન હતું. બીજાં પત્ની કર્યાં, એ કાશીકાકી. પણ કાશીકાકીનેય કોઈ સંતાન થયું નહીં. પૈસા તો ઘણા હતા, પણ સંતાન ન હતું. શેર માટીની ખોટ હતી.
નજીકમાં જ પોલીસચોકી હતી. એક દિવસની સવારે જમાદારે મણકાશેઠનું બારણું ખખડાવ્યું. અને બૂમ પાડી : કાશીકાકી ઓ કાશીકાકી ? કાશીકાકીએ બારણું ખોલ્યું હતું. જમાદારે કહ્યું હતું : પરોઢિયે હું ફરવા નીકળ્યો હતો. સ્ટેશન રોડ પરથી આ બાળકી મળી આવી છે. મને થયું : ‘કાગળિયાં ને બાગળિયાનાં લફરાં ઊભાં કરવાં નથી. તમે યાદ આવી ગયાં કાશીકાકી, આ બાળકીને રાખી લો, પુણ્યનું કામ છે.’ અને કાશીકાકીની છાતીમાં માનું હૈયું ધબકી ઊઠ્યું હતું. એમણે પેલી બાળકીને તેડી લીધી હતી. કાશીકાકી સ્વભાવે હસમુખાં અને ઉદાર હતાં. એમણે આખા મહોલ્લામાં ગોળધાણા વહેંચ્યા હતા. કાશીકાકી એક દીકરીનાં મા બન્યાં છે. કાશીકાકી હસતાં જાય અને બધાને વાત કરતાં જાય. એ બાળકીને કાશીકાકીએ અને માણકાશેઠે સગી દીકરીની જેમ ઉછેરી હતી, લાલનપાલન કર્યું હતું, ભણાવી-ગણાવી હતી અને પછી વાજતેગાજતે એનું લગ્ન પણ કરાવી દીધું હતું. કાશીકાકી અને માણકાશેઠને આમ જોઈએ તો એ છોકરી સાથે લોહીનો શો સંબંધ હતો ?
એવી જ વાત એક ગામના મથુર ભગતની છે. એ ભગતે એક નિરાશ્રિત છોકરાને રાખી લીધો હતો. ગામના મંદિરના બાવા સાથે એ નિરાશ્રિત છોકરો આવ્યો હતો. ભગતે એ પાંચ વરસના છોકરાને પોતાના સગા છોકરાની જેમ ઉછેર્યો હતો. ભણાવ્યોગણાવ્યો હતો. અને એને અમદાવાદની એક ફેક્ટરીમાં નોકરી અપાવી હતી. કોઈ છોકરી શોધી કાઢી એનું લગ્ન પણ કરાવી આપ્યું હતું. મથુર ભગતને એ છોકરા સાથે પણ ક્યાં કોઈ લોહીની સગાઈ હતી ?
તાલુકાના એક મથકમાં તુલસી ગોરાણી છે. એમને કોઈ સંતાન નથી. નજીકનું કોઈ સગું પણ નથી. ચાર-પાંચ ઓરદાનું મેડીબંધ ઘર છે. તુલસી ગોરાણી ઘર કોઈને ભાડે આપતાં નથી, પણ ગામડેથી શહેરમાં કોઈ છોકરો ભણવા આવ્યો હોય, શહેરમાં બીજી કોઈ સગવડ ન હોય, પૈસેટકે નબળો હોય તો ગોરાણી એને પોતાના ઘરમાં આશરો આપે છે અને ખવડાવે છે. કહે છે : તમારું ગજું હોય એટલા પૈસા આપજો. ગામડામં આઠ વીઘાં જમીન છે. એમાંથી ભાગના દાણા આવે છે. વિદ્યાદાન એ મોટામાં મોટું દાન છે અને ઘરમાં ભણવા રાખેલા એક છોકરા સાથે તુલસી ગોરાણીને મમતા જાગી જાય છે. પોતાના સગાં દીકરાની જેમ રાખે છે. એ છોકરો ગોરાણીના ઘરમાં રહીને કૉલેજ કરે છે. એને નોકરી મળી જાય છે. એ છોકરો આજે પણ વૃદ્ધ ગોરાણીને સગાં માની જેમ સાચવે છે. એમની કાળજી રાખે છે. અવારનવાર ગોરાણીમાની ખબર કાઢી આવે છે. નાનુંમોટું કામ કરે છે. તુલસી ગોરાણી કહે છે પણ ખરાં : ‘કોણ કહે છે કે હું દીકરાની મા નથી ? આવો તો સરસ છોકરો છે.’ તુલસી ગોરાણી અને એ છોકરાને શું સગપણ હતું ? લોહીનો સંબંધ પણ ક્યાં હતો ? છતાં બન્ને વચ્ચે એવું તો મંગલ સગપણ હતું, જેનું કોઈ મૂલ્ય થઈ શકે નહીં.
લોહીનો સંબંધ હોય ત્યારે તો માણસ પોતાના એ સંબંધી માટે ઘસાય કે એને મુશ્કેલીમાં સહાય આપે એ તો સમજી શકાય તેવી વાત છે. એમાં કોઈ નવાઈ પણ નથી. પણ લોહીનો સંબંધ ન હોય, માત્ર મૈત્રીભાવ હોય અને માણસ એ માણસ માટે બધું કરી જ છૂટે ત્યારે એને સલામ ભરવાનું મન થાય છે. અમારા એક સંબંધી ડૉક્ટરે કહેલી આ વાત છે :
‘મારા કલિનિક પર એક છોકરો વૃદ્ધ માજીને લઈને આવ્યો હતો. માજીને હોસ્પિટલમાં આઠદસ દહાડા રાખી સારવાર આપવી પડે તેમ હતું. માજીને દાખલ કર્યાં હતાં. રોજ પેલો છોકરો સવાર-સાંજ આવીને માજીની ખબર પૂછી જાય. એ છોકરાની વહુ સાંજના એકાદ કલાક આવીને માજીની પાસે બેસે, વાતો કરે. મોસંબી-નારંગી લઈને આવી હોય તો માજીને રસ કાઢીને આપે. છોકરા અને છોકરાની વહુ માજીની ખૂબ કાળજી રાખે. માજી માટે એટલી જ લાગણી રાખે. એક બપોરે માજી એમના રૂમમાં એકલાં હતાં. મેં કહ્યું હતું : ‘માજી તમારો દીકરો, અને દીકરાની વહુને તમારા માટે ખૂબ લાગણી છે. બન્ને જણ તમારી કેટલી સેવા કરે છે !’
ત્યારે માજીની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. માજી બોલ્યાં હતાં : ડૉક્ટરસાહેબ, આ છોકરો મારો દીકરો નથી, એ અને એની વહુ તો મારા પાડોશી છે, પણ સાહેબ, આ બધી તો ઋણાનુબંધની વાત છે. મને સગી માની જેમ રાખે છે. એની વહુને પણ મારા માટે એટલી જ લાગણી છે.’
‘માજી તમારે સગા દીકરા નથી ?’
માજીએ જવાબ આપ્યો હતો : ‘સગા દીકરા તો બે છે, પણ સાહેબ, કહેવતમાં કીધું છે ને કે દીઠા દેવ અને પહોંચી જાત્રા. દીકરા બેય મારાથી જુદા રહે છે. સારી નોકરી છે. સારો પગાર છે, પણ મા હવે બન્નેને અળખામણી થઈ ગઈ છે. ભગવાન એમને સુખી રાખે, બીજું શું ? દીકરા કહે છે : મા, તમે અમાર બન્નેનાં ઘેર આવીને વારાફરતી રહો. એક મહિનો મોટાને ઘેર. એક મહિનો નાનાને ઘર. મેં એમને બે હાથ જોડી કહ્યું છે : મારે એમ તમારે ઘેર વારાફરતી રહેવું નથી. તમ તમારે સુખી રહો. હું આ જૂના ઘેર એકલી રહીશ. ઉપરવાળો બેઠો છે.’
માજીને અને પડોશના એ છોકરાને અને વહુને શો સંબંધ હતો ? એ એકબીજાનાં ક્યાં સગાંવહાલાં હતાં ? અને છતાં પણ એમની વચ્ચે લાગણીનું કેવું બંધન હતું ?
દુનિયામાં મોટા ભાગના માણસો વ્યવહારુ હોય છે. એ બધા બુદ્ધિ અને તર્કથી જીવતા હોય છે, પણ એવા થોડા માણસો હોય છે, જે બુદ્ધિથી નહીં લાગણીથી જીવતા હોય છે. એમણે બુદ્ધિને મહત્વ નથી આપ્યું, લાગણીને મહત્વ આપ્યું છે. બુદ્ધિ અને તર્કથી જીવતા માણસો પાસે નફા-નુકશાનનું અને રૂપિયા, આના, પાઈનું ગણિત હોય છે. લાગણીથી જીવતા માણસો ક્યારેક ઘર બાળીને તીરથ કરવા નીકળી પડતા હોય છે !
લાગણી છે તો દુનિયા જીવવા જેવી લાગે છે. લાગણી છે તો જિંદગી આટલી ખૂબસૂરત લાગે છે. જિંદગીમાંથી લાગણીની બાદબાકી કરી નાખો, શું બાકી રહેશે ? આપણી આસપાસ એવી તો કેટલીય ઘટનાઓ બનતી હોય છે, જેમાં માત્ર લાગણી જ ધબકતી હોય છે. અને એ ધટનાઓનાં પાત્રો પણ સાવ સાધારણ માણસો હોય છે, પણ એની નોંઘ લેવાની આપણને ફુરસદ જ ક્યાં છે ?
Print This Article
·
Save this article As PDF
અરે બહુ જ સરસ હતિ આ લાગણી
સાચી વાત છે પોતાના કરતા પારકા કામ આવે છે.
it happens only in India.Good one.
good one..
કેવો વિરોધાભાસ છે?
માનો તો બધા પારકા અને માનો તો બધા જ પોતાના!!
જ્યાં સુધી લાગણીનાં વાવેતર થતા રહેશે ત્યાં સુધી ધરા નહીં વસુકે!!!
અભિનંદન!!
Excellent.
બહુ જ સારા સ્નસકાર આપે એવો લેખ ચે.
હસમુખ સોસા
reading this article I again remember #subse unchi premsagai#
JAYWADAN PATEL HAS TO IMPROVE HIS WRITING IN ORDER TO BE A GREAT WRITER LIKE SARAD THAKAR.
THIS GUY IS GOOD WRITER BUT NOT GREAT WRITER.
GOD(MA SARASWATI) BLESS HIM
Its really good story and it shows the fact.
I have faced the same problem.Then i reallised the depth of relationship.
Love and feelings has no boundry.
[…] લાગણીનાં સંબંધ વિશે રીડગુજરાતી પર આ બે લેખો ખાસ વાંચવા જેવાં છે… પોતાનાં-પારકાં -જયવદન પટેલ અને બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા […]