દ્રોહકાંડ – હરીશ નાગ્રેચા

[‘ચિત્રલેખા-વાર્તા વૈભવ વિશેષાંક-2005માંથી સાભાર.]

‘યાર છ વાગ્યા. ઑફિસથી આવી પાર્ટીનો ઉબાળો જોશે તો મમ્મા ભડકશે. ચાલો, ફૂટો હવે !’
નાછૂટકે કૈરવે મિત્રોને ધક્કા મારી ઘરની બહાર કાઢ્યા. આખો દિવસ મોજ-મસ્તીમાં ગયો: શું યાર ! દર વખતે આવું જ થાય છે. વાંચવાના બહાને મળીએ છીએ, પછી ! મમ્મા જાણશે તો ચીડાશે: અઠવાડિયા પછી બારમાની પરીક્ષા છે ને આખો દિવસ બગાડ્યો ? કૈરવને થયું, ઈમરાનની વાત માન્યા વિના છૂટકો નથી, પણ પપ્પા હરગિજ નહીં માને, ડખો.

અફસોસમાં કૈરવે બિયર કેન્સ, પેપરપ્લેટ્સ, સિગારેટ બટ્સ શોધીને ડિસ્પોઝિબલ બૅગમાં ભરવા માંડ્યા ત્યાં જ ડોરબેલ વાગી. મમ્મા ! કૈરવ ચમક્યો. એણે જઈ બારણું ખોલ્યું.
‘અમર તું પાછો ? મમ્મા આવશે તો હજાર પ્રશ્નો પૂછશે, તું જા હવે.’ અમરે કૈરવને બારણું બંધ કરતાં રોક્યો.
‘લિસન ચિકુ, તારા જવાબની ઈમરાન ચોવીસ કલાક રાહ જોશે, નહીં આપે તો તુ સિન્ડિકેટની બહાર સમજજે. સામટા પૈસા ન અપાય તો પચાસ હજારના બે હપ્તા આપજે. સવાલો મળશે એ શ્યોર શૉટ હશે. છન્નુ ટકા નક્કી. મેડિસિનમાં ઍડમિશન પાક્કું ! ડોન્ટ બિટ્રે અસ, ચિકુ !’
‘વાત કરું છું હું મમ્માને, તું જા અત્યારે.’
બારણું બંધ કરીને કૈરવ જેવો રૂમમાં પાછો ફર્યો કે ડઘાઈ ગયો.
‘રિદ્ધિ તું, ગઈ નથી ?’
‘બધા જાય એની રાહ જોતી હતી. હાંફતી રિદ્ધિ એકાએક કૈરવને વળગી પડી : ‘ચિકુ, આપણને એડમિશન સાથે જ મળવું જોઈએ, તું અમરને હા પાડી દેજે. પૈસા હું….!’ ક્ષણમાં છૂટી પડી રિદ્ધિ દોડી ગઈ.

પાર્ટીમાં મિત્રોએ જે રીતે કૈરવના પૅરન્ટ્સનાં ચોખલિયાં વલણની હાંસી ઉડાવી હતી એની સામે રિદ્ધિનું હૂંફાળું, સધિયારાભર્યું વર્તન કૈરવને ગમ્યું, પણ એના શબ્દોથી નાનમેય લાગી. કૈરવે બારીબહાર જોયું. રિદ્ધિ મર્સિડીઝમાં બેસતાં ઉપર જોઈ રહી હતી. બારીબહાર કૈરવ હાથ લંબાવે ત્યાં જ ડોર બેલ વાગી. કૈરવે અકળાતાં બારણું ખોલ્યું : ‘હાય, મોમ !’
તોરલે સોસાયટીના ગેટ પાસે મોટી ગાડીઓ જોઈ, કૈરવને વગવાળા લોકો જોડે સંબંધ છે એનો ગર્વ અનુભવ્યો હતો, છતાં એ અકળાઈ.
‘તમે હમણાં છૂટાં પડ્યાં, છેક સાંજે ? શું કર્યું, આખો દિવસ ? હો-હા ?’
‘મોમ, તું પૂછ પૂછ કરીને મૂડ ન બગાડ.’ કૈરવે રિસાઈ તોબરો ચડાવ્યો.
‘ઓકે, બચ્ચા.’ લાડ કરતાં તોરલ કૈરવના વાળ પસવારવા લાગી : ‘તું ખુશ તો મમ્મા ખુશ, પણ એક વાત તું મારી માનશે ? હવે પરીક્ષા સુધી મિત્રોને મળવાનું બંધ. બી સિરિયસ. ચોટલી બાંધીને બેસી જા વાંચવા. મેડિસિનમાં જવું છે ને ? છન્નુ ટકા તો જોઈશે જ. ગયે વર્ષે કટ-ઑફ માર્કસ ચોરાણું હતા.’
તોરલે કૈરવનું કપાળ ચૂમ્યું. ‘જો બેટા, તારા પપ્પાએ તો જીવનમાં મને નિરાશ જ કરી છે. તું ન કરતો. તું ડૉકટર બને એ ડ્રીમ છે મારું. ડોન્ટ ડિચ મી બેટા !

અનાયાસે આવી પડેલી તક પર કૈરવે તરાપ મારી.
‘મમ્મા, હું ખૂબ મહેનત કરીશ, નેવું ટકા તો ચોક્કસ મેળવીશ, પણ છન્નુ ટકા મળશે એની કોઈ ગૅરન્ટી નથી.’
‘મહેનત કર બેટા, બીજો કોઈ રસ્તો નથી.’
તોરલે રસોડા તરફ જવા માંડ્યું. એને રોકવા કૈરવે ઝાવું નાખ્યું :
‘છે, મમ્મા છે, બેઠા સવાલો મળી જાય તો છન્નું ટકા તો મળે જ.’ તોરલ ઊભી રહી ગઈ.
કૈરવ નજીક સર્યો : ‘મોમ, અમરનો એક ફ્રેન્ડ છે, ઈમરાન. પરીક્ષાની આગલી રાતે અમારે એને હોટલમાં મળવાનું. એ સવાલો આપશે. આખી રાત એના જવાબો તૈયાર કરી સવારે સીધા સેન્ટર પર જવાનું. એ અમારા ગ્રુપના દસ જણને જ આપશે. બધાંએ હા પાડી દીધી, મેં જ જવાબ નથી આપ્યો.’
‘ગાંડા કાઢતો, વાંચવા માંડ.’
‘મોમ, એક લાખનો જ સવાલ છે, બસ.’
બસની સહજતાથી અવાક તોરલે કૈરવને હડસેલ્યો :
‘ખસ, રસોઈ કરવા જવા દે, પપ્પા આવી પહોંચશે હમણાં.’
‘તું વાત કરશેને પપ્પાને !’
તોરલે અણગમો દેખાડ્યો, પણ વાતથી એ લલચાઈ : સવાલો મળે તો ચિકુને છન્નું ટકા જરૂર મળે, ઍડમિશન શ્યોર થઈ જાય તો ગંગા નાહ્યાં. ઘડીક તોરલ કૈરવને ઈન્ટર્ન તરીકે સફેદ કોટમાં સ્ટેથોસ્કોપ લટકાવી વૉર્ડમાં ફરતો જોઈ રહી.

વિચારમાં જ ફ્રિજમાંથી ભીંડા કાઢી તોરલ લૂછવા લાગી : ખોટું કોણ નથી કરતું ? સૌને આવી તક થોડી જ મળે છે ? ન ઝડપે તે મૂર્ખા. આમાં છોકરાની કેરિયરનો સવાલ છે, એની સામે… ડીંટિયાં કાપી તોરલે ભીંડા સમારવા માંડ્યા. એક સડેલું નીકળ્યું. એણે ફેંકી દીધું. રિસ્ક તો છે જ. ગફલત થાય તો ચિકુનું ભણતર જોખમાય, પૈસા જાય ને ઉપરથી નાલેશી. એકાએક ચીડમાં એણે હાથમાંનું ચાકૂ ફેંક્યું : અડિયલ છે ભીષ્મ, નહીં માને. નો રિસ્ક, નો ગેયન. – તોરલ ફરી. કૈરવ બારણામાં જ ઊભો હતો.
‘મમ્મા !’
‘સવારથી તમે બધાં મળીને શું આ જ પેંતરો રચતાં હતાં ?’
‘તને નથી લાગતું મોમ, તારા ડ્રીમ માટે લાખ તદ્દન નજીવી રકમ છે ?’
‘ફરગેટ અબાઉટ ઈટ !’
છણકો કરતી તોરલ બાથરૂમમાં જતી રહી, વિચારવા કે ભીષ્મ પાસે વાત કેમ ઉખેડવી ? બાથરૂમની બહાર ઊભા કૈરવે બબડવા માંડ્યું.
‘પપ્પાને કંઈ ખબર પડતી નથી, બહાર શું ચાલે છે ! પડતી હોત તો બંગલામાં રહેતા હોત, ગાડીમાં ફરતા હોત, તું નવથી પાંચની નોકરીનો ઢસરડો ન કરતી હોત ! શ્રદ્ધાનો બાપ પણ પપ્પાની જેમ બૅન્કમાં બ્રાન્ચ મૅનેજર છે. શ્રદ્ધાએ તો બેધડક એના પપ્પાને પૂછ્યા વગર અમરને પૈસાની હા પાડી દીધી. ગુડ ફૉર નથિંગ. આપણા પપ્પા પાસે વ્હોટ ડુ યુ એક્સપેક્ટ, આઈ ડિપેન્ડ ઑન યુ મોમ, સે યસ, પ્લીઝ !’

બાથરૂમમાંથી બહાર આવતાં તોરલને થયું : ‘ચિકુ એ જ બોલતો હતો, જે એ ભીષ્મ પર અકળાતી ત્યારે બોલતી હતી. એને ગમ્યું, પણ સાંભળ્યું એ ખટક્યું.
‘ધિસ ઈઝ વ્હૉટ યુ થિન્ક અબાઉટ યૉર ફાધર ? વ્હૉટ અબાઉટ મી ?’
‘આઈ લવ યુ મોમ. તું સમજે છે યુટિલિટિ ઑફ મની. હવે આદર્શનો જમાનો નથી !’
‘તો ?’
‘મની મોમ, મનીનો, ટુ યુઝ એઝ પાવર.’
‘તારે નથી ભણવું ?’
‘પપ્પા દીકરાના ભવિષ્યની સલામતી ખાતર શું આટલુંય નહીં કરે ?’
તોરલ ચૂપ થઈ ગઈ. હાંસિયામાં ફેંકાઈ ન જવું હોય તો રેટ-રેસ જીતવી જરૂરી છે. ભીષ્મ એટલે તો રહી ગયો પાછળ. વજૂદ રીતનું નહીં, લક્ષનું હોવું જોઈએ. ચિકુનું લક્ષ સ્પષ્ટ છે. માર્કસ. એડમિશન. તોરલને કૈરવ માટે માન થયું, પણ બોલતાં અચકાઈ.
‘પૈસા ક્યાં છે, આટલા બધા ?’
‘પપ્પાનું પ્રોવિડન્ડ ફંડ, ફિક્સ ડિપોઝીટ, બૉન્ડ્સ, દર મહિને બૅન્કમાં જતો તારો આખો પગાર, ક્યારે કામ લાગશે ?’ કૈરવે ગોફણ ઘુમાવ્યું : ‘આમ તો તું કહ્યા જ કરે છે, આઈ લવ યુ, પણ વખત આવે….’ કૈરવની માગણી કરતાં તોરલને એની ગણતરીથી વધુ આઘાત લાગ્યો. એનો અવાજ સહેજ ધ્રૂજ્યો.
‘હું શું જૂઠું કહું છું, નગુણા ? તું સારા લોકોમાં ઊઠે-બેસે એ માટે મિલિનિયમ કલબનો મેમ્બર બનાવવા તને પંચોતેર હજાર નહોતા આપ્યા ?’
‘તો આ વખતે શું કામ નહીં ? સવાલો લીક કરી, ગુરુને વેચવામાં કંઈ ખોટું નથી લાગતું તો શિષ્યને ખરીદવામાં શું કામ ખોટું લાગવું જોઈએ ? ઈટ’સ સિમ્પલ લૉજિક, મોમ.’
‘શટ અપ !’
‘મને ચૂપ કહીને શું ? આપણે નહીં આપીએ તો બીજા કોઈ આપશે. પચાસ ટકાની આવડતવાળા છન્નું ટકા મેળવી લેશે ને હું નેવું ટકાવાળો ઍડમિશન ખોઈ બેસીશ. ધિસ ઈઝ અનફૅર. ને મોમ મારે આખી જિંદગી તમારી જેમ મિડલ કલાસિયું ગદ્ધાવૈતરું નથી કરવું.’
‘ચિકુ, કોણ શીખવે છે તને આ બધું ?’ તોરલની ધીરજ ખૂટી ગઈ.
‘તું જ તો બબડે છે, તારો બાપ સાવ સીધો છે, જરાય મહાત્વાકાંક્ષા નથી, નથી આગળ વધવાની ધગશ, નથી કંઈ કરવાની હોંશ ! જ્યારે મને છે, તો…’
‘બહુ બોલતો થઈ ગયો છે, સામે.’ તોરલ બબડતી રસોડામાં ચાલી ગઈ. બીજાં બૈરાંઓને હોય છે આવી લમણાઝીંક ! દરેકનો એક જ જવાબ, જા તારા બાપ પાસે. હોંશ ને બુદ્ધિ છે મને, તે મારો જ મરો. લોટનો ડબ્બો ઉતારતાં તોરલે પછાડ્યો.

રસોડાના ઉંબરે ઊભા કૈરવે નવો તર્ક દોડાવ્યો.
‘મમ્મી, પપ્પાએ આપણા સૌનો મેડિકલેમ કરાવ્યો, સલામતી-સુરક્ષા માટે પ્રીમિયમ ભર્યું. ટેલ, પપ્પા આ એ જ છે, નેવું ટકાથી છન્નું ટકા મળે એવી સલામતીનું પ્રીમિયમ એને પ્રીમિયમની જેમ જુએ, પ્રોબ્લેમની જેમ નહીં.’
ગુસ્સામાં તોરલે લોટ બાંધી ગુલ્લા કરવા માંડ્યા.
‘કાલ સાંજ સુધીમાં જવાબ નહીં આપું તો….’
‘રોકડા લાખ, શું ઝાડ પર ઊગે છે ?’
તોરલે મન પર વાત લઈ લીધી છે જાણી કૈરવ વહાલ કરતો મમ્માને વળગ્યો.
‘મોમ, મને ખાતરી છે તું ઝાડ પર ઉગાડશે.’
તોરલે કૈરવને સામું વહાલ કર્યું, ત્યાં જ ડોરબેલ વાગી.
‘જા ખોલ દરવાજો, પપ્પા લાગે છે. પછી વાંચવા બેસ.’ કૈરવે બારણું ખોલ્યું.
*****

જમીને કૈરવ આવું છું કહેતો બહાર ચાલ્યો ગયો. ખરું તો મમ્મા જો પપ્પાને વાત કરે ને પપ્પા ના પાડે એ એને સાંભળવી નહોતી.
ઓડકાર ખાતો ભીષ્મ ‘આજતક’ ના સમાચાર જોતો ક્યારનો વિચારી રહ્યો હતો. રોજ કરતાં આજે તરુને પરવારતાં ઘણી વાર થઈ, કેમ ?
તોરલને પણ થયા કરતું હતું, કામ પતી ગયું તોય એ રસોડામાંથી બહાર જવાનું કેમ ટાળી રહી હતી ?
ભીષ્મને વાત કરવાની હિંમત નહોતી કે એકઠી કરી રહી હતી ! પણ આમાં હા-નાનો પ્રશ્ન જ ક્યાં છે, છોકરાના ભવિષ્યનો સવાલ છે. તોરલ તોરમાં નાછૂટકે રસોડામાંથી ડ્રોઈંગરૂમમાં આવી.
‘ટીવી જુએ છે કે પછી… ઝોલાં….’
‘કેટલા વાગ્યા ?’
‘એય મારે કહેવું પડશે, કાંડે ઘડિયાળ તો છે, દસ.’
ભીષ્મને છણકા પરથી થયું, કંઈક છે જેને માટે તરુનું મન માનતું નથી ને મગજ કેડો છોડતું નથી. એણે સમભાવ દેખાડ્યો :
‘થાકી ગઈ લાગે છે, વહેલી સૂઈ જજે.’
‘હજી કૈરવ પાછો ક્યાં આવ્યો છે ? ચિંતા ન થાય ! વાંક તારો છે, માને છોકરા ના ગાંઠે, કડપ તો બાપનો જોઈએ.’ જેની બીક હતી એ મતભેદના અનાયાસે જ તોરલે શ્રીગણેશ માંડી દીધા.
‘વાતે વાતે છોકરા સામે જો તું મને તોડી પાડે તો કડપ ક્યાંથી રહે ?’ ભીષ્મના વેણ તોરલને ખૂંચ્યા. એ વીફરી.
‘આજે એક જંગ બહુ થઈ ગયો. બીજો તું ન માંડતો.’ જંગ શબ્દથી ભીષ્મ સજાગ થઈ ગયો. તોરલ ફફડતી રહી.
‘ન કોઈ તને મહાત્વાકાંક્ષા છે, ન હોંશ. બસ, નમાલો સંતોષ છે. બ્રાન્ચ મૅનેજરથી ચૅરમેન બનવાનું સપનું ક્યારેય જોયું છે ? જે પોતાના માટે સપનાં જોઈ ના શકે એ સંતાનનાં સપનાંનું શું સમજે, ધૂળ !’
દુખતી રગ દબાતાં ભીષ્મએ તોરલને પડકારી : ‘શેની હા પડાવવી છે તારે મારી પાસે, સીધું જ બોલ ને !’
‘આદર્શથી જીવન નથી ચાલતું, લક્ષ સાધવા બાંધછોડ તો કરવી પડે. આ એકવિધ રગશિયાં જીવનથી કંટાળો આવી ગયો છે મને.’ અચાનક સોપો પડી ગયો. તોરલને જાત પર ગુસ્સો આવ્યો. શું જોઈને મેં હા પાડી’તી આ ઢેફાને ? વધુ એક વડચકાની ધારણામાં ભીષ્મએ વાત ફેરવી.
‘ફોન કર મોબાઈલ પર ચીકુને, હજી કેમ નથી આવ્યો ? સવારે ઉઠાશે નહીં વહેલું વાંચવા.’
‘ફટક્યું છે એનું, કહે છે કે વાંચીને શું, જો નેવું જ ટકા મળે તો ? એને છન્નું ટકા મળે એવી ગૅરન્ટી જોઈએ છે.’
‘ગૅરન્ટી ? કોણ આપશે ?’
‘મા-બાપનાં પ્રેમ-કાળજી ને એનું એને પ્રમાણેય જોઈએ છે.’
‘એ અનુભવતો નથી ?’
‘આત્મવિશ્વાસ દઢ થતો હોય એનો આપવામાં શું વાંધો છે ?’ તોરલના જવાબ પાછળના ઉદ્દેશને ભીષ્મ તાગી રહ્યો. તોરલ બોલી….
‘મારે ચિકુને એમડી બનેલો જોવો છે, મારે એને મર્સિડીઝમાં ફરતો જોવો છે, ડૉ. કૈરવ, મારો દીકરો છે એમ કહેવાનો મારે લહાવો લેવો છે. તને એવી હોંશ છો ન હોય. એ વિશ્વાસ ખોઈ બેઠો છે….’
‘તો શું, શું… કરું હું !’
‘એક લાખ રૂપિયા આપ, એને.’ તોરલને આમ રજૂઆત નહોતી કરવી, પણ ચીડમાં થઈ ગઈ.
‘એક લાખ !’ ભીષ્મ લેવાઈ ગયો. ‘શું કામ ?’
‘પરીક્ષાના સવાલો મેળવવા.’ તોરલ નીચું જોઈ ગઈ.
પોતાની મહાત્વાકાંક્ષામાં આંધળી તોરલ સાચા-ખોટાનું ભાન ભૂલી, વ્યવહારિકતાના તર્કથી છેતરાઈ, કૈરવની તરફેણ કરતી જાણી ભીષ્મની ચીસ નીકળી ગઈ :
‘તરુ ! હાઉ ડેર યુ !’
ગુસ્સામાં તમતમતા ભીષ્મએ ટીવી સાથે રૂમની લાઈટ પણ બંધ કરી દીધી. અંધારામાં ક્યાંય સુધી બન્નેના હાંફતા શ્વાસ ઘૂરકતા રહ્યા.
*****

ધીરેથી દરવાજો ખોલી, બિલ્લી પગે પોતાના રૂમ તરફ જતાં કૈરવને ભીષ્મએ રોક્યો : ‘સાંભળ તો ચિકુ !’ ભીષ્મએ લાઈટ કરી : ‘બેટા, આટલું મોડું, બાર વાગ્યા !’ તોરલ પાછું બાખડી ન પડાય એ બીકમાં ઊભી થઈ રૂમની બહાર ચાલી ગઈ.
‘બેસ બેટા,’ ભીષ્મના આદેશને અવગણતો કૈરવ ઊભો રહ્યો. ‘અભ્યાસ કેમ ચાલે છે ? છન્નુ ટકા મળશે ને ?’
‘ભરોસો નથી.’
‘મદદ માટે ટીચર રાખવા છે ? ઈટ’સ નેવર ટુ લેટ. મહેનત કરશો તો…’
‘મહેનતનાં ગુણગાન ગાતા તમે ક્યારે અટકશો, પપ્પા ?’ કૈરવના પૂર્વગ્રહે ફૂંફાડો માર્યો. ‘ત્રીસ વર્ષ તમે બૅન્કમાં મહેનત કરી, શું કાંદા કાઢ્યા ?’
‘બાપની મહેનત માટે તને જરાય ગર્વ નથી ?’
‘જેને ગર્વ માનો છો, એ ગદ્ધાવૈતરું છે. મારે એ નથી કરવું. મારે ડોક્ટર બનવું છે.’
‘બાય હૂક ઓર કૂક ?’
‘વ્હાય નોટ ?’
‘તું છન્નું ટકાને લાયક હતો કે નહીં એ જાણવા નહીં મળે તો મનમાં તને ડંખ નહીં રહી જાય ?’
‘ડૉક્ટર બન્યા પછીની રેલમછેલમાં ડાઘ-ડંખ બધું ધોવાઈ જશે. તમેય ભૂલી જશો.’
‘તુચ્છ સમજે છે તું મને ?’
‘તુચ્છ તમે સમજો છો, વૈભવને. આજે સફળતાનો આ એક જ માપદંડ છે. ને મારે સફળ બનવું છે.’
‘સવાલો ખરીદીને ? કરિયર જોખમાવશે જો…’
‘તમને શું ફરક પડશે ? તમે ક્યારેય કંઈ કોઈ માટે કર્યું છે ? ઉપદેશના મંજીરા વગાડ્યા સિવાય ?’

ભારેલા અગ્નિ જેવા વિદ્રોહથી ભીષ્મ અવાક રહી ગયો. બાપ-દીકરા વચ્ચે મર્યાદા ઓળંગાતી જોઈ તોરલ રૂમમાં ઘસી આવી. કૈરવને ગેટ આઉટ કહી ભીષ્મ ધર્મસંકટ ઊભું ન કરે એવી ફાળમાં એણે રૂમની બહાર લઈ જવા કૈરવને ધક્કો માર્યો.
‘બસ ચૂપ. ચાલ બહાર, તને ખબર છે તોય લમણાંઝીક કરે છે !’
ભીષ્મ ભાંગી પડ્યો : ‘બેટા, કારકિર્દીની શરૂઆત ખોટું પગલું ભરીને કરશે ?’
તોરલનો હાથ છોડાવી કૈરવ રૂમમાં પાછો ફર્યો : ‘મારી સાથે બીજા નવ સ્ટુડન્ટ્સ છે, એમના પેરેન્ટ્સને તો આ ખોટું પગલું નથી લાગતું. તેઓ પૈસા આપવા તૈયાર છે, તો તમને….’
‘એ લોકોને હશે ઉપરની કમાણી.’ તોરલે બચાવ કર્યો.
‘એ જ કહું છું, આપણને કેમ નથી ? ઑલ આર ડુઈંગ, વ્હાય નૉટ પાપા ?’
‘ને વેચી નાખું મારો આત્મા ?’ ભીષ્મ દાઝ્યો.
‘આત્મા તમને શું એકલાને જ છે ? અમરનો બાપ જજ છે, રિદ્ધિનો ચૅરમેન, ધ્રુવનો પ્રોફેસર, એ કોઈને આત્માનો અવાજ નથી નડતો તો….! ડોન્ટ ઓવર એસ્ટિમેટ યૉર સેલ્ફ ! પાપા, ધે આર ફાર મોર સક્સેસફૂલ ધેન યુ.’
‘કૈરવ !’ ભીષ્મનો અવાજ રુંધાઈ ગયો. તોરલ તાડૂકી.
‘કરોને કજિયાનું મોં કાળું. છે મારી પાસે પૈસા, બૅન્કમાં.’
‘તરુ !’ તોરલના પ્રસ્તાવથી ભીષ્મ ઘા ખાઈ ગયો. ‘જો કૈરવને ડૉક્ટર બની દવાખાનું ખોલવું હોય તો જાત વેચી નાખવા તૈયાર છું, પણ આ ખોટા કામ માટે નહીં.’
‘છે, આપણે ક્યાં ઉઘાર માગવા છે ?’ તોરલ કરગરી.
‘તું જાણે ને તારી બૅન્ક….’
‘એમ કહીને જવાબદારીમાંથી છૂટી ન જા.’ તોરલે રાવ ખાધી.
‘જવાબદારી સમજું છું એટલે તો….’
કૈરવે સાચવી રાખેલું અસ્ત્ર એકાએક ફેંકયું : ‘તમે જાવ પછી ઢગલો મૂકી જાવ વીલમાં એ શું કામના ? મને અત્યારે જરૂર છે, મારી કેરિયર સેફ કરવા.’
‘ચિકુ !’ તોરલે બૂમ ના પાડી હોત તો ખબર નહીં વાત ક્યાં જઈ અટકત. એણે કૈરવને રૂમની બહાર કાઢ્યો. ભીષ્મનાં મનમાં હજાર દરિયા ઘૂઘવવા લાગ્યા.
*****

સવારે કૈરવ લાઈબ્રેરીમાં વહેલો જતો રહ્યો. તોરલે તૈયાર કરેલો ડબ્બો ટેબલ પર જ રહેવા દઈ ભીષ્મ ઑફિસે ચાલ્યો ગયો. ધૂંધવાયેલી તોરલ બબડતી ઑફિસ જવા તૈયાર થવા લાગી ત્યાં જ ડોરબેલ વાગી. પાલવ ઝાટકતાં તોરલે ચીડમાં દરવાજો ખોલ્યો : કોણ ? …. ને દીકરીને જોઈ મૂંઝાઈ. ‘પંક્તિ ! તું ! અત્યારે !’ પંક્તિને વ્યગ્ર જોઈ તોરલે અનુમાન કર્યું, કરી દીધો ફોન તને પપ્પાએ, એસ-ઓ-એસ, રાવ ખાતો. રોષમાં હાંફતી પંક્તિ તોરલને અવગણતી ડ્રોઈંગ રૂમમાં જતી રહી. તોરલ અનુસરી. બન્ને મુખોમુખ થઈ ગયાં.
‘મમ્મા, આ શું છે નવું ? તું સમજાવતી કેમ નથી ચિકુને ?’
‘તું બાપની વકીલાત કરવા આવી છો ? તું આમાં ન પડ તો સારું. તારા ભાઈના ભવિષ્યનો પ્રશ્ન છે.’
‘મોમ, આમાં પરિવારના ભવિષ્યનો પ્રશ્ન છે !’
‘એ તું તારા બાપને સમજાવ.’ તોરલે મોં ફેરવી આરસીમાં જોઈ ચાંદલો કરવા માંડ્યો.
‘મા, તું જ તો કહેતી હતી, પપ્પા તને ગમેલા, કારણ કે એ સીધા, પ્રમાણિક અને મહેનતું હતા – તો આજે તારી અપેક્ષા બદલાઈ કેમ ગઈ છે ?’ તોરલ એકટશે પંક્તિને તાકી રહી.
પંક્તિ છંછેડાઈ : ‘મોમ, તું ડોળા કાઢશે તોય કહીશ, કૈરવને સપોર્ટ કરીને તું એનું નુકશાન કરી રહી છે.’
‘અહીંયા દખલ દેતી, તું તારો સંસાર સાચવ, દોઢડાહી !’
‘મા !’ પંક્તિ કરગરી, ‘તું સમજતી કેમ નથી, ખોટું ન કરવું એ જ પપ્પા છે. બીજી કોઈ ઓળખ નથી એમની !’
‘પણ મારી છે, હું મોહતાજ નથી. મારા દીકરા માટે હું….’
‘ચિકુને તું પૈસા આપશે તો બેઈમાન મૂલ્યો પર એનો વિશ્વાસ બેસી જશે. એને સવાલ, માર્કસ, ઍડમિશન બધું મળશે, પણ તું માણસ તરીકે ચિકુને ખોઈ બેસશે.’
‘પહેલાં મેળવવાની વાત, પછી !’ તોરલે છણકો કર્યો, ‘લે આ ચાવી, જાય ત્યારે બાજુમાં મંજુબહેનને આપવાનું ભૂલતી નહીં.’
ભોંઠપમાં પંક્તિ તોરલને જતાં જોઈ રહી. તોરલની સ્માર્ટનેસ માટે એને ગર્વ થયો, પણ જીદ સામે અણગમો. બારણું બંધ કરતાં પંક્તિને પપ્પા પર ગુસ્સો આવ્યો : ‘તમારો જ વાંક છે. યુ હેવ ફેઈલ્ડ પપ્પા ! જો એનું ધાર્યું ન થાય તો તમારી પ્રમાણિકતાની મમ્માને મન કોઈ કિંમત નથી, આદર નથી. તમે સમજતા કેમ નથી, મરો છો તે ? પ્રેમ શરણાગતિ નથી, કલ્યાણની અભ્યર્થના છે. એ માટે લડવું પડે તોય….!’ પંક્તિને ડૂમો ભરાઈ આવ્યો. છણકામાં ઊભાં થઈ, ચાવી લઈ એણે ચાલવા માંડ્યું.
******

કૉલેજ કમ્પાઉન્ડમાં પંક્તિને જોઈ કૈરવ વિચારમાં પડી ગયો. એને કૅન્ટિનમાં લઈ જવા એ સામે ગયો. ‘હાઈ પિન્કુ, તું, કૉલેજમાં !’ કૈરવે સહજ રીતે વર્તવાનો પ્રયત્ન કરતાં કૉફીનો ઑર્ડર આપ્યો: ‘વ્હોટ બ્રિન્ગ્સ યુ હિયર સિસ !’
‘લાખ રૂપિયા જોઈએ છે તને, શા માટે ?’
સીધા સવાલથી કૈરવ લેવાઈ ગયો. એ સહેજ થોથવાયો.
‘હાહાવ યુ કકન્સર્ન સિસ !’
‘તમે જો કંઈ માગો ને એ શા માટે જોઈએ છે, એ કહેતાં તતપપ થઈ જાવ તો ચિકુ એ માગ ગેરવાજબી જ નહીં, અઘટિત પણ હોવી જોઈએ.’
‘પપ્પા પાસે છે ને માગું છું, મારી કેરિયરનો સવાલ છે. તારેય જવું હતું મેડિસિનમાં. તને નેવું જ ટકા મળ્યા, એડમિશન ન મળ્યું. કર્યું એમ.એસ.સી. અફસોસ છે ને હજી ! વ્હાય ટેક રિસ્ક !’
‘રિસ્ક ! છેલ્લી ઘડીએ એ સવાલો બદલાઈ ગયા તો ?’
‘મારા બધા મિત્રો તૈયાર છે, આઈ કાન્ટ બિટ્રે ધેમ.’
‘તું મિત્રદ્રોહ નહીં કરે, પણ જાતદ્રોહ કરશે ?’
‘પપ્પા, પૈસા ન આપીને મારો દ્રોહ નથી કરી રહ્યા ? એ નહીં આપે તો રિદ્ધિ આપશે, ટેલ હિમ !’
‘વ્હોટ ! સ્વમાન વેચીને….’
‘મેં માગ્યા નથી. એણે ઑફર કર્યા છે, ઑફ હર ઓન. સો, વ્હોટ સ્વમાન !’
‘એ છોકરીની લાગણીઓનોય તું દ્રોહ કરશે ?’
‘અરે યાર ! જે કોઈ મારા પર લાગણી રાખે એનો અર્થ એ તો નહીં કે આઈ એમ કમિટેડ ટુ ધેમ ! નો વે.’
‘ચિકુ, તારા બધા મિત્રો સાવ એવરેજ સ્ટુડન્ટ્સ છે. એ લોકો સાથે તું નહીં હોય તો મળેલા સવાલોના જવાબ તારા સિવાય કોણ તૈયાર કરી આપશે એમને ! મૂરખ, તું નહીં એ લોકો તારો ઉપયોગ કરી રહ્યા છે.’
એકાએક કૈરવે ગેટમાં રિદ્ધિની ગાડી જોઈ. સકંજામાંથી છૂટવાની રાહતમાં એ ઊભો થયો. ‘ચાલ પિન્કુ, હું જાઉં. રિદ્ધિ આવી ગઈ છે. અમારે અમરને મળવું છે.’ કૈરવ જતો રહ્યો. અવાક પંક્તિ યંત્રવત્ એને અનુસરી. ઉદરમાં એણે ફરકાટ અનુભવ્યો. છેડો પાડી, પેટ આવરી, પંક્તિએ પેડુ પસવાર્યું : મારે શું આવા જ એક બીજા કૈરવને જન્મ આપવાનો છે ?
*******

ઘરમાં અણગમો, અનાદર, હતાશાનો ગોરંભો સૌને ટૂંપી રહ્યો, છતાં કોઈને રંજ નહોતો. હતો તો રોષ : સાવ નજીવી વાતને કોઈ સમજતા કેમ નથી ? પપ્પા સાથે ઊંચા થઈ ગયેલા મનનો ગુનાહિત ભાવ કૈરવને કનડતો હતો. એને છૂટવું હતું, પોતાની રીતે જીવવું હતું : બસ થઈ ગયું. ઈનફ ! તોરલ કૈરવને પૂછતાં અચકાતી હતી : પેપરની લાયમાં તું પૂરું વાંચે છે કે નહીં ? એને બીક હતી, ચિકુ સામે પૂછી ન બેસે : મમ્મા, શું જવાબ આપું અમરને ?

ચોવીસ કલાક થઈ ગયા હતા. રાતે જવાબ માટે અમર ફોન કરવાનો હતો. મા-દીકરાને ગુસપુસ કરતાં જોઈ અવગણાતો ભીષ્મ એકાએક ઊભો થઈ ગયો : ‘મારે શું જોયા જ કરવાનું છે ? ચૂપચાપ ? ક્યાં સુધી ? છળમાં ચંપલ પહેરી એણે ચાલવા માંડ્યું. કૈરવે મોં બગાડ્યું. તોરલ બબડી.
‘ભાગેડુ, ફોન આવવાનો છે અમરનો તે ભાગ્યો.’ ધીરેથી બોલી તોય તોરલના બોલ ભીષ્મને કાને પડ્યા વગર રહ્યા નહીં. મોગરી ટકોરાય ને ધાતુની ગુંજ વિસ્તરે એમ નાલેશીભર્યા શબ્દો ભીષ્મના મનમાં ગુંજવા માંડ્યા : મહેનત ગર્વ નહીં, ગદ્ધાવૈતરું છે….. એ મારે નથી કરવું તમારી જેમ… પોતાનાં માટે જે સપનાં ન જોઈ શકે, એ સંતાનનાં સપનાં શું સમજે, ધૂળ ! તમારી પ્રમાણિકતાનો મમ્મા આદર નથી કરતી, તમે સમજતા કેમ નથી, પપ્પા યુ હેવ ફેઈલ્ડ ! ફેઈલ્ડ !….

ગણપતિ વિસર્જન વખતે ઢોલ-નગારાં, લોકોની બુમરાણ મચે એવું હીણપતનું ઘમસાણ ભીષ્મના મગજમાં મચી રહ્યું. છળમાં એને ખબર નહોતી શું થઈ રહ્યું છે, એ ક્યાં જઈ રહ્યો છે. સ્ટૉપ, ભીષ્મ સ્ટૉપ. એ ઊભો રહ્યો. એ દરિયાકિનારે આવી પહોંચ્યો હતો. દરિયાનો ઘૂઘવાટ સાંભળી ભીષ્મને સમદુ:ખિયાનું સાંત્વન મળ્યું. એણે ફરી ચાલવા માંડ્યુ : વિચાર કર ભીષ્મ, તું સાચું કરાવી શકતો નથી, ખોટું કરી શકતો નથી. તું ક્યાંયનો નથી રહ્યો. ત્રિશંકુ ! તું ઉઘાડો પડી ગયો છે. અસમર્થ. તમે એકબીજા માટે શું વિચારો છો, એ ચહેરાય ઉઘાડા પડી ગયા છે. વરવા. હવે મોકળા મને માનથી એકબીજા જોડે તમે નજર મેળવી શકશો ? ઊંચું જોઈને !

ભીષ્મએ ઊંચું જોયું. એણે બોર્ડ વાંચ્યું. જૂહુ પોલીસ સ્ટેશન. ભીષ્મને દાખલ થતાં જાતને ચેતવી : શું કરી રહ્યો છે તું ? વિચાર કર ચિકુનો, તોરલનો, પરિવારના ભવિષ્યનો ! ભીષ્મએ જાતને વડચકું ભર્યું : ‘હું ભવિષ્યનો જ વિચાર કરું છું.’
ઈન્સ્પેકટરે ભીષ્મને ટેબલ પાસે જોયો : ‘બોલા, કાય તકરાર આહે !’
ભીષ્મએ ગળું ખોંખાર્યું : ‘મારે તમને ખાસ માહિતી આપવી છે, આગોતરી સ્કૅન્ડલની, પણ જોજો…’
‘તમારું નામ ક્યાંય ન આવે… એમ જ ને ?’ ઈન્સ્પેક્ટરે મલકીને વાક્ય પૂરું કર્યું : ‘બોલા પૂઢે !’

ઝળઝળિયાં સાથે ભીષ્મએ દ્રોહમાં ધ્રૂજતા હોઠ ખોલ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાવ્ય કલરવ – પંકિતા ભાવસાર
ભગિની નિવેદિતા – યશવન્ત મહેતા Next »   

31 પ્રતિભાવો : દ્રોહકાંડ – હરીશ નાગ્રેચા

 1. drashti says:

  good story

 2. gopal h parekh says:

  ભિષ્મે પોલિસ પાસે જતાં પહેલાં દિકરા તથા પત્નિને પોતાની વાતગળે ઉતારવાનો સંનિષ્ઠ પ્રયત્ન
  કરવો જોઈતો હતો.

 3. Ami says:

  અનોખી વાર્તાનો સરસ અંત

 4. ઘણા સમય પછી એક સુંદર અને વખાણવા લાયક નવલિકા વાંચવા મળી… આભાર…

 5. KUNJAL MARADIA says:

  excellent, nice story with best end.

 6. hitu pandya says:

  હરીશ ભાઇ કલમ પર કાબુ સારો છે.મઝા આવી વાંચવા ની..વાર્તા નો અંત સરસ છે સંસ્કાર નો વારસો અથવા વૈભવ એ આજ ના જમાના નો સળગતો પ્રશ્ન છે.

 7. Brinda says:

  Very nice story. A person of morale does not get support easily. but one has to go on ..

 8. Maharshi says:

  વજૂદ રીતનું નહીં, લક્ષનું હોવું જોઈએ.
  ખુબ સરસ!

 9. bipin shah says:

  સરસ વારતા. છોકરા સામે ફરિયાદ કરવાની હિમ્મત જોઈઍ.

 10. khushboo says:

  સરસ વારતા.

 11. કલ્પેશ says:

  આવી ગડમથલમાં આપણે ક્યારેક મુકાયા હોઇશુ અને આપણો નિર્ણય કેવો હતો/હશે એની તપાસ આપણે પોતે જ કરવી રહી.

  બીજાને છેતરતી વખતે આપણે પોતાની જાતને પહેલા છેતરી રહ્યા હોઇએ છીએ.

 12. keyur vyas says:

  end should be different,however the story is good.

 13. baboochak says:

  May be people did not read the story completely. Son and Wife have been complaining for years about this guy’s indifferent attitude. Well, thats the problem. Most boy/girl meet and get married becuase of certain qualitities and then they try to change those same qualities because of which they got married!!
  Bhisma was right in the sense, how long can you go in your life with things you have “bought”? Why do you find people still so unhappy who are so wealthy. Shedding “needs” is the best way to become happy.
  The definition of success is relative. For me Bhisma was the most successful in the story for others, it is upto their upbringing.

 14. Viren Shah says:

  ama evu chhe ke pramanikata na darek na potana mapdand hoy chhe. Have e pramanikta na map dand thi e vykti e pote jivvu joie pan e map dand bija koina gale utarvano pryatna karvani jarur nathi.
  Biji agatyni vat e chhe ke Success ni definition shu? Pramanik rahevathi tame je achievements karo ene tame success kaheta ho to you are successful. Pan tamari drashti e success ni definition judi hoy to e success kai rite male ane ena mate pramanikta uprant biji ghana gun ni avshyakta chhe e rite vicharvu joie. Hakikat e chhe ke kone sachu karyu ane kone khotu karyu evu kyarey kashu hotu j nathi. Sachu e chhe je tamne theek lage. Tamari drashti e je ghtana pramanik chhe e j vastu kayadani drashti e bija koi desh ma pramanik na pan hoy. To shu karvu? Etle bottomline e ke tamari pramanikata tamare tamara sudhi simit rakhvi ane it doesn’t matter ke pramanikta kayada ni drashti thi legal chhe ke nahi. Tamari rule book ma is it honest or not? Bhagvan tamne aavi ne puchhe, to tame tamne game evo javab confidence thi aapva taiyar hova joie. Aava badha discussions no ant nathi.

 15. baboochak says:

  Lets consider another scenario… a deserving student who scored 95.99% with all his/her TRUE EFFORTS did not get admission in medical becuase this guy cheated…(and assume that the person is you/your keen) How would you feel? :-p

 16. Viren Shah says:

  See, here is what I want to convey.
  In a society, the possession of Analytical and Mathematical skills, high IQs are all considered as trade marks of success. But if you look around, the persons who are accumulating wealth (and so many of us consider them as successful), are they Mathematically highest IQ people? IF you rank the networth of the people in an order in the world or in India say, 1, 2, 3 and so on, then would you think that the person who is at # 1 is the person with highest IQ all over the India? Answer is NO.
  The fact is that, wealth (if considered as a measure of success) has no positive or negative co-relation with your IQ and also with your 95.99%. Wealth is related to your creative intelligence. How do you respond in certain situation. If you recognize a certain skill and deploy it to the highest possible level, that will earn you a lot even though you scored in XII only 61%. Why is there a belief that 95.99 or 96 % is the only way to success in life (or an admission to a medicine?)

 17. preeti hitesh tailor says:

  છેતરવાનો અને છેતરાવાનો આ અનોખો દ્રષ્ટિકોણ આ નવી દુનિયાનો અભિગમ તો છે જ પણ પ્રામાણિકતા ભીષ્મ જેવા લોકો ટકાવી જાય છે અને તે પણ બહુ મોટી કિંમતે અને અંજામની પરવા વગર!!!

 18. Rita Rathod says:

  nice story. its happening in real life now

 19. Janki says:

  a very sad reality…dont know what to say…

 20. Rekha Iyer says:

  Nice story! Undue expectation from life takes one to such a point! I wish there is at least one Bhishm in every family.

 21. JATIN says:

  મજ્જ આવિ ગાયિ
  શુ આજ નઅ સમય ાવા લોકો હોય ચે

 22. […] # તેમની વાર્તાઓ    :      –     1   –     :     –    2    – […]

 23. rajesh trivedi says:

  શ્રી હરીશ નાગ્રેચાજી,
  સૌ પ્રથમ તમને ખૂબખૂબ અભિનંદન. એકદમ સુંદર લેખ.
  Dear Shri Viren Shah,
  I do not agree with your views that the pramanikta should be limited to certain people only. My dear if a pramanik person is teaching his son to be imaandaar, why you do not agree with it?Do you think that a scholar boy who is able to get 90% marks will not reach upto 96%, I will say that if he concentrates more, he will get even 99%. Have ever thought that if such students are caught in such scandals, what will their future be? they will go behind bars and their careers will be blocked before it is opened. If you have crossed your studies, its fine, or if u r a student, kindly kindly do not take any such steps, which in turn will spoil the life and will leave the parents nowhere. If you are succeeded in this incidence, next time you will take another such step in future also, and so on….. Kindly never such steps to be followed by the students in their lives. If you are a parent, think of the future of your kids.
  And Dear Nagrechaji, keep on writing such articles which give some good message to the society, even 1 out of 100 is getting your message, you think that you have a good work for the society. Of course, you have started doing good work, but that will be a great achievement to you. Keep it up.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.