અમારી પહેલી મુલાકાત – મીરા ભટ્ટ

[ આજકાલ લગ્નોત્સુક યુવાન યુવતીઓની જ્યારે મુલાકાત ગોઠવવામાં આવે છે ત્યારે બંને પક્ષને એ સર્વસામાન્ય પ્રશ્ન થાય છે કે ‘મુલાકાતમાં શું વાત કરવી ?’ મોટેભાગે આ મુલાકાતમાં ઔપચારિક પ્રશ્નોત્તરી, ફેમેલી અને હોબીથી આગળ કોઈ વધતું હોય એમ જણાતું નથી. અગાઉ ભાવનગરમાં રહેતા અને હાલમાં વડોદરા સ્થિત 75 વર્ષના મીરાબહેન, લગ્નોત્સુક યુવાન-યુવતીઓ માટે લઈને આવ્યા છે એક અત્યંત સુંદર પુસ્તક : ‘સાત પગલાં સાથે.’ જેની અનેક આવૃત્તિઓ (પ્રથમ આવૃત્તિ 1989) થઈ છે એવું આ પુસ્તક હવે અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે અને લગ્નોત્સુક તેમજ નવપરિણીતોને ભેટ આપવા લાયક છે. પુસ્તકની કિંમત રૂ. 50 છે અને તે દેશવિદેશમાં કેવી રીતે મેળવવું તે માટે આપ લેખિકા સાથે આ નંબર પર +91-265-2432497 વાત કરી શકો છો. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રીમતી મીરાબહેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]

[પૂર્વભૂમિકા : આ પુસ્તકમાં સળંગ વાર્તા છે જેમાંથી એક પ્રસંગ અહીં લેવામાં આવે છે. શરૂઆત એવી છે કે માતાના અવસાન નિમિત્તે દીકરી પિયર આવી છે, પિતાને આશ્વાસન આપે છે પરંતુ પિતાનું આધ્યાત્મિક સ્તર એટલું ઊંચું છે કે એ આ ઘટનામાંથી બહાર નીકળીને તુરંત સ્વસ્થતા કેળવી લે છે. પિતાની માનસિક સ્વસ્થતાનું અને સ્ફૂર્તિનું દીકરી-જમાઈને ખૂબ આશ્ચર્ય થાય છે. તેથી એક દિવસ દીકરી અને જમાઈ પિતાને પૂછે છે કે ‘તમારા સ્વસ્થ દાંપત્ય જીવનનું રહસ્ય શું ? શું તમારી વચ્ચે તકરાર નહોતી થતી ? તમે પહેલીવાર કેવી રીતે મળ્યા ? શું વાતો કરી ?’ – જવાબમાં પિતા પોતાની રોજનીશી દીકરીના હાથમાં મૂકે છે અને બધાને વાંચી સંભળાવવાનું કહે છે. વાતની શરૂઆત લગ્ન પહેલાંની મુલાકાતથી થાય છે. આ વાર્તામાં દીકરીનું નામ છે વિશ્વા, પિતાનું નામ ‘અસીમ’, દીકરીની માતા કે જેનું હમણાં મૃત્યુ થયું છે તેનું નામ છે ‘પૂર્ણા’. વિશ્વા હવે પિતા અસીમની રોજનીશીમાંથી પિતાના લગ્ન પહેલાની મુલાકાતો એમના જ શબ્દોમાં વાંચવાનું શરૂ કરે છે….]

આજે પૂર્ણા પાસે જવાનું હતું. આ અગાઉ પણ બે ત્રણ છોકરીઓને મળવાનું થયેલું, પરંતુ બે ત્રણ વાક્યોની આપ-લેમાં જ મારા અંતરમાંથી જોરદાર નન્નો ઊઠેલો….. આ બધામાં પૂર્ણા કાંઈક નિરાળી લાગી. એક મુલાકાતમાં બધું સાંગોપાંગ તો કેવી રીતે સમજી લેવાય ? પણ આરંભ સારો થયો. ફરી અને ફરી ફરી મળવાનું ખેંચાણ રહ્યા કરે એવું કાંઈક આકર્ષક તત્વ તેનામાં છે. દેખાવે કાંઈ અસાધારણ નથી, જોવી ગમે તેવી છે. પણ એની આંખો ?…. એ આંખોમાં ડૂબી જવાનું મન થાય ! સાત સાગર તેમાં લહેરાતા અનુભવાય… પણ ઉતાવળો નિર્ણય નથી લેવો. પહેલી પ્રતિક્રિયાઓને થોડી ઠરવા દઉં… અત્યારે તો અમારી વાતચીત જ યાદ કરી લઉં !

કમાલ હતી છોકરી. અલ્લડ કે ઊંછાંછળી તો નહોતી જ, પણ છૂઈમૂઈ પણ નહોતી. હું બેઠેલો તે ઓરડામાં આવીને જાણે વર્ષોથી ઓળખાણ હોય તેમ બોલી : ‘અસીમ, આપણે ઉપર અગાસીમાં બેસીએ ? શાંતિથી વાતો થાય !’

અને અમે ઉપર ગયાં. મને હીંચકે બેસાડ્યો. પોતે ખુરશી લાવીને બેઠી. પછી એણે જ શરૂ કર્યું : ‘અસીમ, આપણે એકમેકને ‘તું’ જ કહીએ. તને અહીં સુધી મળવા આવવાનું મન થયું, એટલી દોસ્તી તો આપણી ખરી જ ને ! પણ અહીં આવતાં અગાઉ મારા વિષે કાંઈક તો ઊડતી વાતો સાંભળી હશે !’
‘હા પૂર્ણા. એ બધી ઊડતી વાતો સાંભળીને જ મને તારામાં વિશેષ રસ જાગ્યો. અગાઉ આપણે બે ત્રણ વાર મળ્યાં તો છીએ જ. પણ એ મળવાનું તો ઉપર ઉપરનું – હવે તો હું તને ખરેખર સમજવા માંગુ છું !’
‘વાહ ! કોક તો એવું નીકળ્યું ખરું કે જે છોકરીને જોવા આવે અને એમ કહે કે મારે તને સમજવી છે !’ ‘કેમ આમ કહે છે ?’
‘મોટા ભાગના છોકરા-છોકરી એકમેકને જોઈને જ પરણતાં હોય છે. રૂપ-રંગ, ચહેરો-મહોરો, અભ્યાસ-આવક અને વાડી વજીફાં… બસ ! દશ-પંદર મિનિટમાં તો મુલાકાત પૂરી… એકમેકના રુચિ, શોખ તથા ઉપલકિયાં વલણો જાણી લીધાં એટલે બધું આવી ગયું.’ પૂર્ણા બોલી.
‘મોટાભાગના લોકો માટે આટલું પૂરતું થઈ પડે છે અને એ બધાં પણ પોતપોતાનાં જીવનમાં દુ:ખી દુ:ખી થઈ જાય છે તેવું પણ નથી બનતું.’ મેં એનો તાગ કાઢવા વાતને જુદો વળાંક આપ્યો.
‘હા, તારી વાત તો સાચી છે. જેમને જીવનસાગરને કાંઠે જ બેસીને થોડાં છબછબિયાં કરી લેવાં છે, ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, કમાવું, ઘરસંસાર અને વ્યવહારો ચલાવવા છે, એવા લોકો માટે આટલા બાયોડેટાથી કામ નભી જતું હોય છે !’
‘પૂર્ણા, તેં સાગરકાંઠાના છબછબિયાંની વાત કરી. તો તું શું સાગરને પેલે પાર જવા માંગે છે ?’
દૂર ક્ષિતિજ પર નજર ઠેરવતી એ બોલી : ‘અસીમ, સાગરના પેલે પારની તો મને કશી ખબર નથી. પણ ઉછળતા મોજાંની ભીતર ગહરાઈઓમાં લહેરાતા સાગરજલની ઝાંખી પામવા તો મારું દિલ અવશ્ય તલસે છે. મને કેવળ સાગરકાંઠો નહીં, આખો સાગર ખેંચે છે. સાગરની અસીમતા, ઊંડાણ, ગાંભીર્ય, એની ભીષણતાની ભીતર છૂપાયેલું સૌંદર્ય-રહસ્ય રહી રહીને મને સાદ કર્યા કરે છે….’
‘અને એ સફરે નીકળતાં પહેલાં તું કોઈ હમસફરની ખોજમાં છે !’
‘અસીમ, આ ‘ખોજ’ શબ્દ મને થોડો કઠે છે. જીવનસાથીની ખોજ ન કરવાની હોય ! કોઈ અજ્ઞાત અદમ્ય ખેંચાણને વશ થઈ એ પોતે સામે આવીને ઊભો રહે…’
‘એ સાથી વિષેની તારી શી કલ્પના છે ?’
‘ “સાથી” શબ્દ જ મારી અડધી વાત તો કહી દે છે, અસીમ. એ મારો સાથી હશે, હું એની સાથી હઈશ. અમે બંને સાથે ક્યાંક ‘જતાં’ પણ હઈશું, સાથે ક્યાંક ‘રહેતાં’ પણ હઈશું અને સાથે ક્યાંક ‘હોતાં’ પણ હઈશું. અમારી સહયાત્રા, સહવાસ, સહયોગ આ બધું જ હશે, તેમ છતાં ય અમે બંને પોતપોતાની ભૂમિ પર ઊગેલાં, ઊભેલાં બે સ્વતંત્ર વૃક્ષ હઈશું.’
‘વૃક્ષ-વેલીનો સંબંધ નહીં, પણ સ્વતંત્ર વૃક્ષ ! પૂર્ણા, સમજાય છે તારો મુદ્દો… પણ તો પછી સહજીવન શા માટે ? બંને પોતપોતાની રીતે જ ન વિકસે ?’ – મેં વિષયને ખોલવા પ્રયત્ન કર્યો.
‘અસીમ, વિકસવા માટે પણ માણસને ‘સાથ’ જોઈએ. પણ મારી ઝંખના એવી સીમિત નથી કે હું કેવળ મને વિકસાવીને જ સંતોષ પામું ! કોઈ અન્યનું જીવન વિકસે તો તેમાં હું પણ વિકસું છું, એ તથ્યનું મને ભાન છે, દોસ્ત !’ કહેતાં એની આંખો ઝળહળી ઊઠ્યાનું અત્યારે પણ યથાતથા યાદ છે.

‘મતલબ કે પરસ્પરને સમૃદ્ધ કરતા જઈ ખુદ સમૃદ્ધ થવું ! ઠીક ! સમજ્યો… પણ આ સહયાત્રા એ જ જીવન કે એની કોઈ મંઝિલ ખરી ?’…. હું જાણે માસ્તર બનીને પ્રશ્નો પર પ્રશ્નો જ પૂછતો હતો.
‘મંઝિલ એક નહીં, અનેક. સાત જન્મનોય સથવારો ઓછો પડે એટલી બધી મંઝિલો સર કરતાં કરતાં આગળ ધપ્યે જવાનું. અસીમ, આ બાબતમાં હું ભારતદેશની પ્રાચીન કન્યા જેવી છું !’
‘એટલે ?’
‘કૃષ્ણભાર્યા રૂકમણિએ લગ્ન અગાઉ શ્રી કૃષ્ણને એક પત્ર લખેલો, પૃથ્વી પરનો પહેલો પ્રગટ પ્રેમપત્ર ! તેમાં એક જ વાક્ય લખેલું : ‘સો જન્મો સુધી તપસ્યા કરીને હાડ ગાળતી રહીશ, પણ તને મેળવીને જ હું જંપીશ. સો-સો જન્મો તપી તપીને મેળવેલું ધન કોઈ સો-બસો જન્મારા માટે થોડું હોય !’
‘તો તું જન્મ જન્માંતરના સોદાની વાત કરે છે.’ – મેં એને ટોકી.
તે એકદમ બોલી ઊઠી, ‘સોદો નહીં, સોગંદ પણ નહીં, સમજણ, માત્ર સમજણ !…. પણ આ તો બધી અંતરતરની ભાવના….. બાકી હું જાણું છું કે આજકાલના પુરુષો શું કહેતા થઈ ગયા છે તે ! મારો એક પિતરાઈ ભાઈ, ભાભીને વટસાવિત્રીનું વ્રત-પૂજન કરતાં જોઈ મશ્કરીમાં હંમેશા કહે છે કે અરે, “તું આવતે જન્મે પણ મને જ ઈચ્છે છે ! તને વેરાઈટીમાં રસ નથી ?”….’
‘અરે છોડ, પુરુષોની વાત. એ તો હવે એમ કહેવા લાગ્યા છે કે મેન ઈઝ પોલીગેમીસ્ટ બાય હીઝ નેચર, એટલે પ્રકૃતિના નામે સ્વૈરાચાર !….’ મેં કહ્યું.

‘પણ હું તો મારા સાથી પાસેથી એકનિષ્ઠા, વફાદારી અને સંયમની અપેક્ષા તો જરૂર રાખું.’
‘વફાદારી અને એકનિષ્ઠા તો સમજ્યો, પણ સંયમ ?’
‘હા, અસીમ, સંયમ ! સંયમને હું જીવનવિકાસનું પ્રાણતત્વ સમજું છું. મારી દષ્ટિએ સંયમિત જીવન એટલે મૂરઝાઈ-કરમાઈ ગયેલું ફૂલ નહીં, પણ પૂર્ણ પ્રફુલ્લિત ફૂલ ! એની પાંદડી-પાંદડી પરની ઉજળી ઝાંય, એની વહેતી સુગંધ, આ બધું માટીના કણકણમાં નિયમબદ્ધ રહીને, કુદરતના કાનૂન સાથે તાલબદ્ધ જાળવીને પ્રાપ્ત થયેલી સંપદા છે…’
‘નિગ્રહથી નીપજતી તાણ કેટલી ખાનાખરાબી કરે છે તેનો તને અંદાજ લાગતો નથી, પૂર્ણા !’ થોડુંક નફટાઈ લાગે, તો પણ મેં હિંમતભેર કહી નાખ્યું.
‘તે તો ભગવાન બુદ્ધે આપણને ક્યાં સમજાવ્યું નથી કે એટલું ન તાણો કે તાર તૂટી જાય. પણ બીનમાંથી સૂર જગાવવા માટે તારને બાંધવા તો પડે જ !’
‘અચ્છા ચાલો, આગળ વધીએ. હવે કહે, એક પત્ની તરીકે પતિ પાસે તારી શી અપેક્ષા રહે ?’
‘આટલી ભૂમિકા રચાઈ ગયા પછી કેટલીક સર્વસામાન્ય બાબતો કહેવાની જરૂર ના રહેવી જોઈએ, પણ તેમ છતાંય, જીવનદર્શન ઘૂંટાતું ઘૂંટાતું ઉત્તરોત્તર વધુ ને વધુ સાફ થતું રહે એટલે મુદ્દાવાર જણાવી દઉં.’

‘એક તો મારો પતિ મને કોઈ “ચીજ” કે “સાધન” ન ગણે. સ્ત્રી એ કોઈ ચીજ નથી, સાધન નથી કે એનો કોઈ ધણી હોય, માલિક હોય, સ્વામી હોય, જે એને ફાવે તેમ વાપરી શકે, ઉપયોગ કરી શકે. સ્ત્રી એક વ્યક્તિ છે, ચેતન તત્વ છે, એક સ્વતંત્ર હસ્તી છે. એની પોતાની પણ એક આગવી દુનિયા છે, એની પોતાની ઈચ્છાઓ છે, માગણીઓ છે, એષણાઓ છે, હેતુ છે. પોતાના જીવનનો કોઈ ઉદ્દેશ લઈને જીવન સિદ્ધ કરવા એ જન્મી છે. પત્નીના આ સ્વાતંત્ર્યનો સ્વીકાર ન થતો હોય તો તેવું લગ્ન મારે મન ઢીંગલ-ઢીંગલીની બાળરમત રૂપ જ છે !’
‘એનો અર્થ કે પતિના સ્વાતંત્ર્યનો સ્વીકાર પણ પત્ની કરશે.’
‘ચોક્કસ વળી, એ સ્વીકાર તો સ્ત્રીઓએ યુગોથી કર્યો જ છે ! નહીંતર બુદ્ધે મહાભિનિષ્ક્રમણ કર્યું ત્યારે યશોધરાએ બંડ ન પોકાર્યું હોત ?’
‘અરે રે…. સ્વાતંત્ર્યને આટલે દૂર લઈ જવાનું….’ હું બોલી ઊઠ્યો.
‘ગભરાઈ ગયો, અસીમ, હકીકત એવી છે કે સ્વાતંત્ર્ય એ એક એવી ચીજ છે, જે કાં તો છે, કાં નથી. ટુકડા ટુકડામાં, અંશ અંશમાં મળતું સ્વાતંત્ર્ય તે સ્વાતંત્ર્ય જ નથી. સ્વાતંત્ર્ય એક એવો છોડ છે, જે પૂર્ણતા, સમગ્રતાની ભૂમિ પર જ ખીલી શકે….’
‘ન સમજાયું, પૂર્ણા…’

‘માની લે કે કોઈ હરિજન છે. ખાધે-પીધે અત્યંત સુખી સાધનસંપન્ન ! આર્થિક રીતે પૂર્ણ સ્વતંત્ર, પણ સામાજિક રીતે એ અસ્પૃશ્ય હોય, નાગરિકના અબાધિત અધિકારો એને પ્રાપ્ત ન થાય તો એ સ્વતંત્ર છે તેમ ન કહી શકાય.’ પૂર્ણાએ ખુલાસો કર્યો.
‘આવું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય તો માણસે પોતે સિદ્ધ કરવું પડે. આવું સ્વાતંત્ર્ય કોઈ કોઈને આપી ન શકે !’
‘મેં ક્યારે સ્વાતંત્ર્ય માંગ્યું ? અસીમ ! સ્વાતંત્ર્ય આપવા લેવાની ચીજ નથી ! તેં મૈત્રૈયીદેવીનું ‘ન હન્યતે’ વાંચ્યું છે ? તેમાં એક પ્રસંગે અમૃતા તેના પતિને કહે છે, ‘તમે મને કેટલું બધું સ્વાતંત્ર્ય આપ્યું ! તમારો આભાર શી રીતે માનું !’ ત્યારે તેનો પતિ ખૂબ સાચી વાત કહે છે : “અમૃતા, તું કેવી વાત કરે છે ! શું આ સ્વાતંત્ર્ય તે કોઈ મારા ખિસ્સાની ચીજ છે કે હું તને આપું ! એ તો તારી પોતાની ચીજ છે, જે તારે ભોગવવાની છે.” એટલે સ્વાતંત્ર્ય લેવા-દેવાની વાત નથી, વાત તો છે સ્વાતંત્ર્ય સ્વીકારની. આજે સ્વાતંત્ર્યનો સ્વીકાર તે પણ એક મોટી ચીજ બની ગઈ છે ! પુરુષોને એ અઘરું પડી રહ્યું છે. પુરુષોમાં ધણીપણું જાણે લોહી બનીને વહેવા લાગ્યું છે…’
‘એમ તો પરંપરાગત સંસ્કારોથી સ્ત્રી પણ ક્યાં ઓછી પીડાય છે ?’ મેં પણ થોડો હુમલો કર્યા જેવું કર્યું.
‘કબૂલ કરું છું, અસીમ. સહજીવનમાં આવા કેટલાય સંસ્કારોને તપાસતાં રહેવું પડે, એનું પુન:મૂલ્યાંકન કરી રાખવા જેવા સંસ્કારોને ખાતર-પાણી આપી ફળ-ફૂલ આપતા કરવા પડશે અને જે સંસ્કારો હવે કોઈ ખપના નથી રહ્યા તેને સન્માનપૂર્વક અગ્નિસંસ્કાર આપવો પડશે.’
‘પૂર્ણા, તારી સાથે આટલી વાતો થઈ એના આધારે કહી દેવાનું મન થાય છે કે આવ, સાથે મળીને આપણે જીવન-માંગલ્ય સાધીએ…. પણ એવી ઉતાવળ પણ શાને ? તારે હજી મને પણ સમજવાનો બાકી છે ને !’
‘હાસ્તો વળી, એક હાથે તાળી થોડી વાગવાની ! પણ આજે તો રાત પડી ગઈ. ફરી વાત. તું ક્યારે આવીશ ?’
‘બસ, વહેલી તકે. પણ પૂર્ણા, એમ તો તું પણ મારે ઘેર આવી શકે ને ?’
‘ચોક્કસ વળી, આપણે તો મોકળાશથી ડખલ વગર વાતો કરી શકીએ એવી જગ્યા જોઈએ. પછી અહીં કે ત્યાં !’
‘મળીશું, ત્યાં સુધી તારી વાતો વાગોળીશ.’ મારાથી કહ્યા વગર ન રહેવાયું.
‘અને એમાંથી ઊઠતા મુદ્દા…..’
‘હા, તે પણ ચર્ચીશું. હમણાં કરીએ ચર્ચા અને પછી ઈશ્વરની ઈચ્છા હશે તો આદરીશું અર્ચા. કેમ ખરું ને ?’ મેં કહ્યું અને અમે છૂટા પડ્યાં.

[નોંધ : અહીંથી આગળ ક્રમશ: વાર્તા ચાલતી રહે છે, બંને પાત્રોની મુલાકાતો વધતી રહે છે અને દાંપત્યજીવનના એક એક વાતને આવરી લેતો ગહન વિષય અનેક પાસાઓ દ્વારા વિવિધ સ્વરૂપે રજુ થતો રહે છે. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભગિની નિવેદિતા – યશવન્ત મહેતા
બર્ડ શૉ – ચન્દ્રકાન્ત ટોપીવાળા Next »   

28 પ્રતિભાવો : અમારી પહેલી મુલાકાત – મીરા ભટ્ટ

 1. gopal h parekh says:

  બહુ જ રસપ્રદ વાત, આભાર મીરાંબેનનો ને તમારો.

 2. manisha says:

  Dear Miraben,

  Thanks for giving Unspokean Words……

  Best Regards
  Manisha

 3. Hiral says:

  aaje arrange mrgs ma chokri mate bau j agharu bani gayu che karan k samaj ni maryadao vachhe nadti hoy che..ma bap aene k che aava prashno na puchay saru na lage 2 3 meeting na karay saru na lage….kharekher darek vyaktiae aaje badalavani jarur che……darek chokro ane aena gharna jo aava khula vicharo vada hoy ane aatli sari rite vat kare to koi chokri meeting vakhte dare nai…….

 4. Hiral says:

  Thank u mrugeshbhai ane Miraben for such a nice article…..

 5. Hiral Thaker 'Vasantiful' says:

  ેVery nice……If such kind of meetings happen then all married people will be happy….

  Thanks for such a nice article….

 6. Uday Trivedi says:

  ખુબ સરસ મુલાકાત !! નવી પેઢીના યુવાનો અને યુવતીઓ આટલા નિખાલસ હોય તો લગ્ન જીવનનુ ભાવી સુરક્ષીત છે…

 7. Maharshi says:

  aatyare to “Maatha ma tel nakho cho ke nai? Kayo color game? falani serail jovo cho ke nai? ” Atyare to mota bhage evi wato thai che….
  Anyways its nice article. Thanks.

 8. Harshad says:

  Amazing … this is recomended by one of my friend… I am really impressed with this article.. This is fact and every male has to accept this by nature. …. Good work..reall appreciated.

 9. કલ્પેશ says:

  આ લેખમાં પુર્ણાની વાતોથી તેની સમજણ છતી થાય છે. પુરુષ અને સ્ત્રી એકબીજાને મિત્ર માની જીવન ગાળે તો બને બંધાયેલા હોવા છતા સ્વતંત્ર છે.

  આ બધા પ્રશ્નો અંતરમાથી જ આવી શકે, અને એનો ઉકેલ પણ એક વિચારશીલ વ્યક્તિ જ આપી શકે.

  વાગોળવા જેવા વાક્યો….

  સાત સાગર તેમાં લહેરાતા અનુભવાય… પણ ઉતાવળો નિર્ણય નથી લેવો. પહેલી પ્રતિક્રિયાઓને થોડી ઠરવા દઉં…

  ‘મોટા ભાગના છોકરા-છોકરી એકમેકને જોઈને જ પરણતાં હોય છે. રૂપ-રંગ, ચહેરો-મહોરો, અભ્યાસ-આવક અને વાડી વજીફાં… બસ ! દશ-પંદર મિનિટમાં તો મુલાકાત પૂરી… એકમેકના રુચિ, શોખ તથા ઉપલકિયાં વલણો જાણી લીધાં એટલે બધું આવી ગયું.’

  એ મારો સાથી હશે, હું એની સાથી હઈશ. અમે બંને સાથે ક્યાંક ‘જતાં’ પણ હઈશું, સાથે ક્યાંક ‘રહેતાં’ પણ હઈશું અને સાથે ક્યાંક ‘હોતાં’ પણ હઈશું. અમારી સહયાત્રા, સહવાસ, સહયોગ આ બધું જ હશે, તેમ છતાં ય અમે બંને પોતપોતાની ભૂમિ પર ઊગેલાં, ઊભેલાં બે સ્વતંત્ર વૃક્ષ હઈશું.’

  ‘મતલબ કે પરસ્પરને સમૃદ્ધ કરતા જઈ ખુદ સમૃદ્ધ થવું !

  હું તો મારા સાથી પાસેથી એકનિષ્ઠા, વફાદારી અને સંયમની અપેક્ષા તો જરૂર રાખું.

  સંયમને હું જીવનવિકાસનું પ્રાણતત્વ સમજું છું. મારી દષ્ટિએ સંયમિત જીવન એટલે મૂરઝાઈ-કરમાઈ ગયેલું ફૂલ નહીં, પણ પૂર્ણ પ્રફુલ્લિત ફૂલ ! એની પાંદડી-પાંદડી પરની ઉજળી ઝાંય, એની વહેતી સુગંધ, આ બધું માટીના કણકણમાં નિયમબદ્ધ રહીને, કુદરતના કાનૂન સાથે તાલબદ્ધ જાળવીને પ્રાપ્ત થયેલી સંપદા છે…’

  એક તો મારો પતિ મને કોઈ “ચીજ” કે “સાધન” ન ગણે. સ્ત્રી એ કોઈ ચીજ નથી, સાધન નથી કે એનો કોઈ ધણી હોય, માલિક હોય, સ્વામી હોય, જે એને ફાવે તેમ વાપરી શકે, ઉપયોગ કરી શકે. સ્ત્રી એક વ્યક્તિ છે, ચેતન તત્વ છે, એક સ્વતંત્ર હસ્તી છે. એની પોતાની પણ એક આગવી દુનિયા છે, એની પોતાની ઈચ્છાઓ છે, માગણીઓ છે, એષણાઓ છે, હેતુ છે. પોતાના જીવનનો કોઈ ઉદ્દેશ લઈને જીવન સિદ્ધ કરવા એ જન્મી છે. પત્નીના આ સ્વાતંત્ર્યનો સ્વીકાર ન થતો હોય તો તેવું લગ્ન મારે મન ઢીંગલ-ઢીંગલીની બાળરમત રૂપ જ છે !’

  સ્વાતંત્ર્ય એ એક એવી ચીજ છે, જે કાં તો છે, કાં નથી. ટુકડા ટુકડામાં, અંશ અંશમાં મળતું સ્વાતંત્ર્ય તે સ્વાતંત્ર્ય જ નથી. સ્વાતંત્ર્ય એક એવો છોડ છે, જે પૂર્ણતા, સમગ્રતાની ભૂમિ પર જ ખીલી શકે….

  શું આ સ્વાતંત્ર્ય તે કોઈ મારા ખિસ્સાની ચીજ છે કે હું તને આપું ! એ તો તારી પોતાની ચીજ છે, જે તારે ભોગવવાની છે.” એટલે સ્વાતંત્ર્ય લેવા-દેવાની વાત નથી, વાત તો છે સ્વાતંત્ર્ય સ્વીકારની. આજે સ્વાતંત્ર્યનો સ્વીકાર તે પણ એક મોટી ચીજ બની ગઈ છે ! પુરુષોને એ અઘરું પડી રહ્યું છે. પુરુષોમાં ધણીપણું જાણે લોહી બનીને વહેવા લાગ્યું છે…

  સહજીવનમાં આવા કેટલાય સંસ્કારોને તપાસતાં રહેવું પડે, એનું પુન:મૂલ્યાંકન કરી રાખવા જેવા સંસ્કારોને ખાતર-પાણી આપી ફળ-ફૂલ આપતા કરવા પડશે અને જે સંસ્કારો હવે કોઈ ખપના નથી રહ્યા તેને સન્માનપૂર્વક અગ્નિસંસ્કાર આપવો પડશે.

  Really great article of all time. Personally, do boys/girls think why are they getting married?

  Is it the age or what society will say?
  I think, there should be a university which teaches people how to lead life as kid, young man, old man & do one’s part to the humanity.

  I must say, this is one of the great article of all time.

  Mrugesh, you are a ‘મરજીવો’ (deep diver), who brings gems from the ocean of gujarati literature

 10. Rupa says:

  Very nice article.

 11. baboochak says:

  મને લાગે છે કે ઘણા વખતે એક સુંદર કૃતિ વાંચવા મળી જે જીવન માં “ઉતારી” શકાય.

  અતિ સુંદર…

 12. meet says:

  aa khub j saras coversation che .ama banne nu intalactual leval dekhay che .pan me ek vat notrice karyte
  1.) ahy purna mentaly bahuj sarad svabhav ny che ,pan e sardta sathe samjan no subhag bhagyej aje yuvano ma jova made .it’s indication off cool mind .that is only becouse off healthy reading.(one and onlyhealthy reading ;savsth vanchan)
  2.new janretion ne ama savtantrat tyrej samjashe jyare te koi bandhan svykary ne sansary jyvan sharu kare . ahy e svatntrata ne myrabene khub j sachot shabdo ma chokas vankya rachna rupe raju kary ne patra ny budhy matta ny toch sundar ryte alekhy che ;i am realy impresed with this all
  3. svapna ane jagrut avstha banne vache ghanu antar hoy che .ajno yuvan svapna avsthamaj potana vastavik mahel rachto hoy che akankshao sevto hoy che .pan ahy jagrut avsthama svapnao sevvano khulo padkar che .khub sundar lakhan che .
  amto hu meera ben ny fan chu mare madvu che enme thankyu mrugesh bhai tamara karane mane emno ahy contck no. madyo rubaru madvany ghany j asha che .
  thanku once again for this beautyful artical

 13. keyur vyas says:

  very nice

 14. preeti hitesh tailor says:

  સુંદર કૃતિ છે!! જીંદગીનું સાર્થક્ય તેના બેઉ પૈડા પર અવલંબે છે!!

 15. mamta joshi says:

  ખુબજ સરસ,
  હુ પણ ભાવનગરની છુ. અને આ એ જ મીરાબેન છે જે કોલેજમા પ્રોફેસર હતા?
  તો તો હુ એમની વિદ્યાર્થીની છુ. કોલેજ યાદ કરાવી દીધી તમે તો……….

 16. satya maheshwari says:

  મિરાબેન નો ખુબ્-ખુબ આભર . કાશ , બધા યુવક – યુવતિ આ લેખ વાન્ચે.

 17. Ami says:

  એકદમ સરસ રચના
  આભિનંદન મીરાબેન.

  મૃગેશજી – આભાર આવા સરસ લેખ શોધી લાવીને મુકવા બદલ.

 18. આ પુસ્તક વાંચ્યુ છે… બહુ સરસ સમજાવટ છે…

 19. PAYAL DAVE says:

  khub j saras che…

  હું તો મારા સાથી પાસેથી એકનિષ્ઠા, વફાદારી અને સંયમની અપેક્ષા તો જરૂર રાખું.

  સંયમને હું જીવનવિકાસનું પ્રાણતત્વ સમજું છું. મારી દષ્ટિએ સંયમિત જીવન એટલે મૂરઝાઈ-કરમાઈ ગયેલું ફૂલ નહીં, પણ પૂર્ણ પ્રફુલ્લિત ફૂલ ! એની પાંદડી-પાંદડી પરની ઉજળી ઝાંય, એની વહેતી સુગંધ, આ બધું માટીના કણકણમાં નિયમબદ્ધ રહીને, કુદરતના કાનૂન સાથે તાલબદ્ધ જાળવીને પ્રાપ્ત થયેલી સંપદા છે…’

  jivan ma utarvu j joieee…

 20. “અમારી પહેલી મુલાકાત” વાર્તા ગમી બહુ સરસ . મુબઈમા

  ”સાત પગલા સાથે” પુસ્તક ક્યાથી મળશે ? જણાવા વિનતી.

 21. vivek desai, dubai says:

  informative article. પુસ્તક વાચવા જેવુ ખરુ. duniya ma pahelo prempatr rukmaniji e bhagvan sri krishna par lakhyo. rukmaniji e krishn ne kyare pan joya n hata. temna guno vise sambline teo patr lakhva preraya hata. aa e j patr che je hindu lagn mandapma maharaj dhwara saat phera vakhte bolay che. teno bhavarth jani ne samjvo ghano jaruri che. ghana ocha yugal ne aa janvani utsukta hoy che je ayogya che.
  arrange mairrage ma banne e ekbija ne samjva jaruri che kemke tena par be jivan no aajivan aadhar rahelo hoy che.
  lagnotsuk yuvak-yuvti mate ghano informative ane rasprad lekh che.
  aavo sundar lekh online publish karva mate abhinandan.

 22. rajesh trivedi says:

  સ્વાતંત્ર્ય એ એક એવી ચીજ છે, જે કાં તો છે, કાં નથી. ટુકડા ટુકડામાં, અંશ અંશમાં મળતું સ્વાતંત્ર્ય તે સ્વાતંત્ર્ય જ નથી. સ્વાતંત્ર્ય એક એવો છોડ છે, જે પૂર્ણતા, સમગ્રતાની ભૂમિ પર જ ખીલી શકે….

  ખરેખર લગ્ન જીવનને સમ્રુધ્ધ બનાવવુ હશે તો દરેક નવ યુવાન તથા યુવતિઓએ પોતે સમ્રુધ્ધ થવુ પડશે.
  સુંદર લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.