બર્ડ શૉ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સંયોગ હોય તો ઘર પહાડ પર, પહાડની તળેટીમાં કે પહાડ સામે મળે. સંયોગ હોય તો ઘર નજીક ઊછળતો ઓસરતો સમુદ્ર મળે અને સંયોગ હોય તો ઘર-છંટકારતી નદીના વહેણનું સાક્ષી થવાનું મળે. સૂર્ય-ચન્દ્રની વાત જવા દો. એ તો ક્યાંય પણ મળે જ મળે. હા, સૂર્ય કરતાં વઘઘટ થયા કરતા ચન્દ્રમામાં મારું કુતૂહલ વધુ ટકી રહે. પણ ખરું કુતૂહલ તો મને ઘર-આંગણું ભરી દેતાં ફૂલો, વૃક્ષો, પંખીઓ અને તારાઓનું છે.

અને એમાંય વધુ ને વધુ કુતૂહલ તો એમનાં નામ જાણવાથી ઊભું થાય છે. પ્રહલાદ પારેખે ‘તનમનિયાં’ ને જ્યારે ‘મનગમિયાં’ પ્રાસ સાથે મૂક્યાં એ ભેગાં એ સંગીત જેમ મારામાં વિસ્તરી ગયાં છે. બૂચનું ઝાડ તો જાણતો હતો પણ કોઈકે બૂચનાં ફૂલોને ‘લટક ચમેલી’ થી ઓળખાવ્યાં એ ભેગાં એ નૃત્યમુદ્રાની જેમ મારામાં ટકી રહ્યાં છે. કોઈ બંગાળી દંપતીએ ‘ગુલબાસ’ નાં ફૂલોને બંગાળી ઉચ્ચાર સાથે ‘સન્ધ્યામણિ’ તરીકે ઓળખાવ્યાં ત્યારથી એ મણિની જેમ મારામાં ઝગતાં રહ્યાં છે. હું નગરનો જીવ. મને અને શિરીષને વળી કેવું સગપણ ? પણ ભૃગુરાય અંજારિયાએ ‘આ શિરીષ’ કહી સાન્તાક્રૂઝના કોઈ રસ્તા પર હાથમાં શિરીષનું ફૂલ થમાવ્યું, ત્યારથી એનું પીંછેરું ચિત્ર મારામાં અકબંધ મઢાઈ ગયું છે.

પોરબંદરમાં હું વાડીપ્લોટમાં હરિસિંહ ગજાના ડેલામાં રહું. એક રૂમ, એક રસોડું અને ઓસરી. ઓસરીને અડીને અંદર ખુલ્લી જમીન. એમાં સન્ધ્યામણિ તો થાય પણ ચારપાંચ લીમડાં લહેર્યાં કરે, એની લીંબોડીનાં વહાલે મને જાતજાતનાં વૃક્ષોનાં પરિવાર સાથે જોડ્યો. એક સાથી અધ્યાપકમિત્ર. પહેલાં કોઈ ગામમાં ટી.ડી.ઓ. વૃક્ષોને જાણે. સવારે કૉલેજના લાંબે રસ્તે ચાલતાં નીકળીએ અને એ એક પછી એક વૃક્ષ ઓળખાવે. પણ તારાઓ પાસે કોણ લઈ જાય ? છોટુભાઈ સુથારસ્તો. પોરબંદરના ડેલાની અગાશીએ થથરતી ઠંડીમાં તારાઓની હૂંફનો હજી રોમાંચ છે. આ મૃગશીર્ષ, એ વ્યાધ, ઓ મઘા, પેલા સપ્તર્ષિ, ઓલ્યો ધ્રુવ…. ને એમ તારાઓ-નક્ષત્રોને ઘર આંગણે ઉતારતો જાઉં…

પણ પંખીઓને ઊડતાં જોઉં, ત્યારે ઈર્ષ્યા સિવાય કોઈ ભાવ મારામાં બચતો નથી. વિમાન રચાયાં. નાના વિમાનથી જેટ વિમાન બને જેટ વિમાનથી જમ્બો વિમાન રચાયાં. પણ કોઈને સાદું સીધું પરીની પાંખ જેટલું ‘ન્હાનું’ કશું કેમ સૂઝતું નથી ? મોટો તોતિંગ વાલ્વવાળો રેડિયો. પછી ટ્રાન્સિસ્ટર અને પછી મીની પોકેટ રેડિયો થઈ શક્યો; પહેલાં મોટા રેકોર્ડિંગનાં પીંડલાં અને પછી હથેલીમાં રહી જાય એવા ટેપરેકોર્ડરો, પહેલાં કદાવર અને પછી ચપટાં ભીંતે લટકાવી શકાય કે મોબાઈલમાં સમાઈ જાય તેવાં ટી.વી. – પણ ઘરમાં કપડાંની જેમ પાંખ લટકાવી હોય અને દરેક જણ પહેરીને ઊડવા માંડે એવું કેમ બની શક્યું નથી ? આવા ને આવા વૈજ્ઞાનિક કાલ્પનિક ધખારામાં પંખીઓએ કદાચ મારા મનમાં સૌથી વધુ મોટો માળો કર્યો છે.

મુંબઈમાં હતો ત્યારે ભૂલેશ્વરના કબૂતરખાનાનો રસ્તો હું અચૂક પસંદ કરતો. દાદર જાઉં તો દાદર સ્ટેશનની નજીકના પોર્ટુગીઝ ચર્ચના રસ્તે સર્કલ પર કબૂતરચોક. થોડી વાર ઊભો રહું. ફડફડતી પાંખો. ચણતી ટકટકતી ચાંચો, એકસાથે કેટકેટલી ડોલતી ડોકીઓ, ટપાક ટપાક પડતી પગલીઓ. એકબીજાંથી ઘસાતાં, એકબીજામાં ભીંસાતાં, ગૂંથાતાં, જરાક અવાજે પાણીની છાલકની જેમ ઊડતાં ઊછળતાં અને પાછાં સાંકડમોકડ ગોઠવાઈ જતાં ગભરુ કબૂતરો.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં રોકાયેલો અને સવાર સવારમાં મણિલાલ. હ. પટેલ ચઢી આવ્યા. ‘ચાલો, ચા પીવા. ચા તો મળશે જ પણ બીજું કશુંક બતાવું.’ ગલીકૂંચીમાંથી પહોંચ્યા. કીટલી પર બેઠા. અને મૂંઢાઓની બાજુમાં જ એક પછી એક પછી એક પછી એક, આવ્યે જ ગયાં ને ઊડ્યે જ ગયાં, જાતજાતનાં ભાતભાતનાં અજાણ્યાં પંખીઓ. મણિલાલ બધાની ઓળખ આપતા જાય. આજે પંખીઓની નહીં, મને મણિલાલની ઈર્ષ્યા થઈ. કેવો ઘરોબો ! આવો જ પંખીઓ સાથેનો ઘરોબો હર્ષદ ત્રિવેદી-બિન્દુ ત્રિવેદીનો જોયો છે. પ્રવાસમાં હતાં અને કારમાંથી આંગળી ચીંધી આ દંપતીએ બતાવ્યું : ‘પેલો તાર પર કાળો કોશી’ કહે : ‘શુકન થયા.’ શુકન થયા કે ન થયા પણ ધન્ય જરૂર થયાં. હવે તો હું કેટકેટલાં પંખીઓને નામથી ઓળખું છું અને નથી ઓળખતો ત્યારે એક અજંપો મને ઘેરી વળે છે, ગૂંગળાવે છે. થાય છે, મારી આત્મીયતા ક્યાંક ઓછી પડે છે !

હમણાં હમણાં પરિમલ ગાર્ડનમાં સાંજે બેઠાં હોઈએ અને ‘બર્ડ શો’ શરૂ થાય છે. હું અમારા ‘ઈવનિંગ વૉક’ ની જેમ એમની ‘ઈવનિંગ ફ્લાઈટ’ કહું છું. પરિમલ ગાર્ડનમાં વચ્ચોવચ્ચ એક ઘેઘૂર વટવૃક્ષ છે. મારે માટે એ ‘બોધિવૃક્ષ’ છે. એને જોઉં ને વહાલ ઊભરે. બે આંખ જાણે કે બે લંબાતા બાહુઓ થઈ આખીને આખી ચારેબાજુથી એને દઢપણે આલિંગી કડેડાટી બોલાવી દે છે ! આ ઘેઘૂર વૃક્ષ પર સાંજ પડે ને ઠેરઠેરથી પંખીઓના, કદાચ વૈયાંઓનાં ટોળાં રાતવાસો કરવા ઊતરી આવે છે. પણ રાતવાસો કરવા જંપે એ પહેલાં આ ટોળાંઓ આકાશમાં ચકરાવા લે છે. મોટાં મોટાં ટોળાં આમથી તેમ, તેમથી આમ, ઘડીક ઊંચે, ઘડીક નીચે, ઘડીક આમ, ઘડીક તેમ, ઘડીક એક દિશામાં ઘસી ઓચિંતા બીજી દિશામાં, વળી ઓચિંતા ત્રીજી દિશા પકડે. એમની જોડે અમારી આંખ અને ડોક પણ ચકરાવા લે. આશ્ચર્ય ! આવી પૂરઝડપમાં સાથે ને સાથે અને ઝડપભેર વળાંકો લેતાં હોવાં છતાં ટોળાંઓમાંનું કોઈ કોઈને અથડાતું નથી ! કોઈ અકસ્માત સર્જાતો નથી. આકાશની ભોંય પર વિવિધ આકારો રચાયા કરે છે ને ઘેઘુર વૃક્ષ પર હલબલ હલબલ અને કલબલ કલબલ કરતાં છેવટે બધાં જંપી જાય છે. બર્ડ શૉ પૂરો થાય છે. રાત ઊતરી આવે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમારી પહેલી મુલાકાત – મીરા ભટ્ટ
ઘરકામમાં મદદ કરો – પ્રધુમ્ન આચાર્ય Next »   

13 પ્રતિભાવો : બર્ડ શૉ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

 1. Vikram Bhatt says:

  ઘણી સાદી ભાષામા મુરબ્બીએ શહેરવાસીઓને કેટલી મોટી વાત કહી દીધી, અને કેટલા બધા શહેરોને પણ નિબધમા દર્શાવી દીધા. મુમ્બઈ, પોરબન્દર, અમદાવાદ. વાહ.

 2. baboochak says:

  ચન્દ્રકાન્ત ભૈ, શહેરો માં રહેનારા અમે કુદરત ને શું જાણીએ?

  કબૂતર, કાગડૉ અને પોપટ સિવાય બીજા પક્ષી ક્યાંથી ઓળખી શકીએ?

 3. preeti hitesh tailor says:

  શહેરમાં બધું મળે છે માત્ર સમય નથી આ બધું માણવાનો !!!

 4. Ami says:

  પ્રકૃતિનાં ખોળે બેસાડી દેતો લેખ.

  “ઘરમાં કપડાંની જેમ પાંખ લટકાવી હોય અને દરેક જણ પહેરીને ઊડવા માંડે એવું કેમ બની શક્યું નથી ?” – હે વિજ્ઞાનીઓ – કંઈક કરજો આ બાબતે.

  ખુબ ખુબ આભાર શ્રી ચન્દ્રકાન્તજી.

 5. Manish Gaudana says:

  ગામડામા વિતાવેલુ નાનપણ યાદ આવી ગયુ અને શહેર નો મરમ સમજાઇ ગયો.

  ધન્યાવાદ

  મનિષ ગૌદાણા

 6. pragnaju says:

  ઘર-આંગણું ભરી દેતાં ફૂલો- તનમનિયાં,લટક ચમેલી, ગુલબાસ, શિરીષનું ફૂલ-
  વૃક્ષો ઘેઘૂર વટવૃક્ષ …
  પંખીઓ ‘કપડાંની જેમ પાંખ લટકાવી હોય અને દરેક જણ પહેરીને ઊડવા માંડે એવું કેમ બની શક્યું નથી ? ‘
  હવે આ રીતે ઉઅડવાનું પણ શક્ય બન્યું છે!
  તારાઓની હૂંફનો રોમાંચ – આ મૃગશીર્ષ, એ વ્યાધ, ઓ મઘા, પેલા સપ્તર્ષિ, ઓલ્યો ધ્રુવ…. ને એમ તારાઓ-નક્ષત્રોને ઘર આંગણે ઉતારતો જાઉં!
  બર્ડ શૉ પૂરો થાય છે. રાત ઊતરી આવે છે.
  … ત્યાર બાદ નીશાચર પંખીઓની મઝા પણ માણવા જેવી છે!!
  – ચન્દ્રકાન્ત ટોપીવાળાએ બર્ડ શૉ દ્વારા કુદરતને ખોળે બેસાડવા બદલ આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.