- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અમે ગામડાનાં માણહ – નટુભાઈ ઠક્કર

[‘લીમડામાં એક ડાળ મીઠી ભાગ-4’ પુસ્તકમાંથી સાભાર.]

ચૈત્ર ચાલે છે.
વૈશાખ આવશે.
ચારે તરફ ઘૂમ લગ્નોની મોસમ જાણે ખીલી ઊઠી છે ને અનેક ઠેકાણે જુવાન અને જુવતીઓ જોવનાઈની ભાંગ પીને માંડવા મ્હાલવા નીકળી પડે છે. સાથે વડીલોના ઝમેલા ને રીતરિવાજોની લેણાદેણી ચાલે છે. એસ.ટી.ઓ મળતી નથી ને ગાડીઓમાં જગા નથી.
લગ્નસરા ખીલી છે.
માંડવા મહેકે છે.
સૌરાષ્ટ્રનું વાંકાનેર શહેર.

ત્યાંથી પંદરેક કીલોમીટરના રસ્તે જાલીડા કરીને એક સાવ નાનું ગામ છે. એ ગામના ગોરભાને ઘેર રાજકોટથી બે સ્પે. એસ.ટી.ઓ ભરી જાન આવી.
ઉનાળાના દિવસો.
બપોરનાં લગ્નોમાં તલહ તલહ થઈ જવાય એટલે વેવાઈએ ગોરભાને વિનંતી કરેલી કે લગ્ન તો ઉનાળામાં રાતના જ સારાં ને ગોરબાપાને પણ હિંમત ને ગામ ઉપર વિશ્વાસ એટલે એમણે હા ભણી એટલે રાતનાં લગ્ન લેવાયાં. ગોરજ સમયે જાન ગામમાં આવી પહોંચી. જાન આવી ગોરભાને ઘેર, પણ ગામ આખું ઉમટેલું. ગોરભાની દીકરી એ ગામની દીકરી.

ગામના બધા રાવળ સહુ સહુનાં ઢોલ લઈને આવી ગયેલા… ને ગામની ભાગોળે સામૈયા માટે આખું ગામ ઉમટી પડ્યું. રાજકોટના શહેરી વેવાઈને તો વાત માન્યામાં ન આવે કે વેવાઈ આટલા મોટા આબરૂદાર હશે. પણ જ્યાં ગામમાં એસ.ટી પેઠી કે ભાગોળે રોકી લેવાઈ. વડના છાંયે મોદો પથરાઈ ગયેલી. સાત-આઠ ઠેકાણે પાણીની માટલીઓ લઈને ગામની જુવાન વહુવારુઓ કળશે પાણી પાવા મંડાણી…. ને પછી આવતી જાનનાં ઓવારણાં લેતા રાસડા મંડાણા. ગામ ભાગોળે રાસ જામ્યો. ગરબા જામ્યા… ને ઢોલીડાના ઢોલ ઢબૂકી ઊઠ્યા. નવી નવી ભાતની હીચહમચી લેવાઈ ને ‘ચડ… લાડા… ચડ રે કમાડ દેખાડું તારી સાસરી રે…’ એમ ગાતી ગાતી ગામ વહુવારુઓ વરરાજા અને જાનને ગોરભાને શોભતા સામૈયા સાથે માંડવે તેડી લાવી.
વર પોંખાયો.
મોદ પર જાનૈયા ગોઠવાયા.
કસુંબા આવ્યા.

દરબારી ગામમાં બ્રાહ્મણની જાન પણ કસુંબે પોંખાણીને જાન જમવા નોંતરી…. વરરાજા માંયરે પેઠા.. એક બાજુ વિધિ ચાલુ થઈ, બીજી બાજુ જમણવાર ચાલુ થયો. સામૈયાથી છૂટી પડેલી બે-ચાર ગ્રામ્ય સ્ત્રીઓ ગામ કૂવે પાણી ભરવા ગઈ…. ને ત્યાં એક કંગાલ હાલતની મજૂરણ બાઈએ પગમાં પહેરેલી કડીઓમાં કંઈક ભરાણું હોય એવું લાગ્યું.
જાળું ઝાંખરું કે કાંટો ?
કડીમાં શું ભરાણું એ જોવા બેડું ધરતી પર મૂકી આ પરિશ્રમી મજૂરણ બાઈ નીચે નમીને પગની કડીમાં ભરાયેલી વસ્તુ હાથથી ખેંચી તો ચાર-સાડા ચાર તોલાનું સોનાનું લોકીટ.

ગજબની વાત હતી.
સ્ત્રી અત્યંત ગરીબ હતી.
મજૂરી કરીને પેટ ભરતી હતી.
દાડે દાઢીએ જવું ને રાતે દઈણાં દળવાં… સાલ્લો સાંધીને પહેરવો ને અધભૂખ્યા પેટે પાટો બાંધીને દા’ડો ખેંચી નાંખવો એ એની જીવન પ્રવૃત્તિ કહેવાય…. પણ ગોરભાને ઘેર લગનને સીમાડેથી વહેલી આવીને સામૈયામાં જોડાયેલી પણ સાથે બેડું લેતી આવેલી ને સામૈયું પતાવીને પાણી ભરતી આવીશ ને રાતનું દઈણું પતાવી ગોરભાની છોડીને ખોળે રૂપિયો ઘાલવા જઈશ એવા વિચાર સાથે ગઈકાલનો એક રોકડો રૂપિયોય મંગાવી રાખીને સાલ્લાને છેડે બાંધી રાખેલો.

સામૈયું સ્વીકારીને જાન માંડવે ગઈ.
વરરાજા પૈણવા બેઠા.
જાનૈયા જમવા બેઠા.
ને આ પાણી ભરવા નીકળી.
પાણી ભરવા જતાં પગે દહ હજારનો દાગીનો ભરાયો… એ દાગીનો સાલ્લાના બીજા છેડે બાંધી જલદીજલદી પાણી ભરી બેડું પાણિયારે મૂકી દઈણું દળવા બેસવાનું ટાળી સીધી પહોંચી ગોરબાપાને માંડવે. માંડવે પહોંચી ત્યારે જાન જમી રહી હતી ને જાનૈયા પાથરેલી મોદો પર ગોઠવેલાં ઓશીકાંના ટેકે હોકા-પાણી કરતા હતા. ને જાનૈઈડીઓ વરરાજાના માંડવે લગ્નગીતોની ઝડીઓ વરસાવવા મંડી પડી હતી.

‘નાણાવટી રે સાજન બેઠું માંડવે, જાફરાબાદી રે જમાત બેઠી ઓટલે…’, ‘આ વરકન્યાનું સુંદીર જોડું અહો પ્રભુજી અમર રહો.’ એમ મંગલમય ભાવનાઓવાળાં ગીતો ચાલતાં’તાં તો વળી કોક ગીતોની મશ્કરીમાં ‘ઘરમાં નહોતા ચોખા ત્યારે શીદ તેડ્યા’તા બોખા મારા નવલા વેવાઈ’ એમ ફટાણાબાજીએ પણ ચડી હતી… આમ લગ્નના ટાણાનો બરાબરનો રંગલો જામ્યો’તો એવાં ટાણે આ મજૂરણ પરિશ્રમના મહિમાવાળી અકિંચન બાઈ ગોરભાને માંડવે પહોંચી. ગોરભાને શોધી કાઢ્યા ને હળવેકથી ગોરભાના કાનમાં કંઈક વાત કરી. ફાટેલા સાલ્લાના છેડેથી કંઈક ગોરભાના ખિસ્સામાં સરકાવી દીધું. સાથે વ્યવહારસૂઝની ગોરભાને શિખામણ પણ દીધી કે હળવેકથી તપાસ કરજો-કરાવજો, નહીંતર એવી વસ્તુના સો ઘણી થાતા આવશે.
કહેવાનું હતું એ કહી દીધું.
આપવાનું હતું એ આપી દીધું.
ને સડસડાટ કરતી નીકળી ગઈ ને જઈ દઈણે બેસી ગઈ…. ને દઈણું દળતી જાય ને શરીરનો થાક હળવો કરવા ‘રામ તારી મ્હોલાતોનાં રામ કરે રખવાળાં રે…. ધમ્મ રે… ધમ્મરીયા લાલ…’ એમ ગીતના લહેકે ઘંટીના ખીલડા પર જોર કરી પઈડાં ફેરવતી જાય.

માંડવે બધા બેઠા છે.
ગોરભાએ મોટા વેવાઈને બોલાવ્યા.
એમને સઘળી વાત કરી ખિસ્સામાંથી લોકીટ બતાવ્યું. વડા વેવાઈએ સબૂરી ધારણ કરવા કહ્યું ને જાનનાં બે-ચાર બૈરાંને બોલાવી વાત કરી : ‘કોઈનું કંઈ ખોવાયું છે ?’ ને ક્ષણવારમાં તો આખી જાનમાં ને માંડવાની બહેનોમાં વાત ફરી વળી… જેમનું કંઈ નહોતું ખોવાયું એમણેય પોતાના શરીર પરનાં આભૂષણોનું ચેકિંગ કરી લીધું…. ને એમ હળવે હળવે ફેલાતી વાતમાંથી જાનની એક બાઈ આગળ આવી ને પોતાનો હાથ બતાવતાં કહ્યું કે મારું લોકીટ ખોવાયું છે.
થોડી વાત વધારે ફેલાણી.
જાણીબુઝીને વાતને ફેલાવા દીધી…. પણ બીજો કોઈ ધણી જાગ્યો નહીં એટલે જાનના વડીલે પેલી જુવાન વહુઆરુને થોડી શિખામણના ને સાથે એકાદ બે કડવા બોલ કહીને ધ્યાન રાખવાની સૂચના સાથે લોકીટનો હવાલો સોંપી દીધો. લોકીટ એના માલિક પાસે પહોંચ્યું. વડા વેવાઈને ઈચ્છા થઈ આવી, એમણે ગોરભાને પ્રાર્થના કરી…. ‘આ લોકીટ પહોંચાડનાર બેનનું અમને દર્શન કરાવો ને અમારે એમની આ પ્રમાણિકતા અને ખાનદાની માટે કંઈક સન્માન-ભેટ કરવી છે.’
ગોરભાએ ના પાડી.
વેવાઈ મક્કમ રહ્યા.
ગોરભાએ કહ્યું : ‘હું એ બેનને ઓળખું છું. એ તમારી કોઈ ભેટ-સોગાદ સ્વીકારશે નહીં. પરસેવાનો પૈસો રળનારી મજૂરણ બાઈ છે. એ તમારી વાત માનશે નહીં..’ છતાં વેવાઈ પક્ષ મક્કમ રહ્યો એટલે ગોરભાએ એ બાઈને બોલાવવા માણસ મોકલ્યો. બેન આવી પણ ખરી. ગોરભા કંઈ ન બોલ્યા. માત્ર ‘વેવાઈ પક્ષને આ પેલાં બેન’ એટલી ઓળખાણ કરાવી આઘા જતા રહ્યા.
એક બાજુ જાન પક્ષ.
બીજી બાજુ બાઈ એકલી.
જાન પક્ષે બાઈને વંદન કર્યા… ને સોની નોટ વડાવેવાઈએ ખિસ્સામાંથી કાઢી બાઈને ધરી. મજૂરણ બાઈ જાણે કંઈ સમજી જ નથી ને જાણતી નથી એમ ઊભી રહી…. પેલા લોકોએ ઉપરાઉપરી વિનંતિઓ કરી પણ મૌન. એનું મોં ખોલાવવા બધાએ મહેનત કરી ત્યારે એણે ખાસ્સું એવું જીવનરહસ્ય છતું કર્યું.

‘જુઓ વેવાઈ… તમે શહેરના માણસ… અમારા ગોરભા નાના ગામડાના. આ તમારી જણસ ખોવાઈ…. એ કોઈને જડી હોય તે કોઈ ના આપે તો કાલે સવારે રાજકોટ શહેરમાં મારું આ આખું નાનકડું ગામ વગોવાય કે ગામનાં માણસ ભારે લોંઠકાં… કોઈને જડ્યું હશે પણ કોઈએ આપ્યું નહીં…. ને મારા ગોરભાનો પ્રસંગ કહેણી મૂકતો જાય એ અમને ન ખપે.’
વેવાઈને વાતમાં રસ નહોતો. આ બાઈને કંઈક આપવામાં રસ હતો એટલે ચારેબાજુથી એને એ સોની નોટ લઈ લેવા વિનવણીઓ ચાલુ થઈ. પણ બાઈ હાથ ખુલ્લો કરે તો ને !… બધા એનાં વખાણે ચડી ગયેલાં પણ… પેલી તો એમની એમ. વાત જાણે જીદે ચડી. એકને આપવું છે, બીજીને લેવું નથી. ગામની આબરૂનો પ્રશ્ન છે. પરિશ્રમનો મહિમા મોટો છે.

બાઈએ વાત આગળ ચલાવી, ‘અમે પરિશ્રમી માણહ… મહેનતનો રોટલો ખાઈએ… તમે અમારાં વખાણ કર્યાં એ અમને યાદ ન રહે. અમારી મહેનત સામે રૂપિયો ઓછો આપો તો ઝઘડોય કરીએ… ગાળોય દઈએ…. રૂપિયો વસૂલ લઈએ ત્યારે છોડીએ…. પણ હરામના પૈસા સુખેથી ઊંઘવાય ન દે…. એ મારું ધન નહોતું…. મને કંઈ હરામનું ન ખપે. જેનું હતું એને સોંપ્યું એમાં મે ક્યો મોટો ઉપકાર કર્યો ? જાવ બાપા.. જાવ.. મેલી દો એ નોટ જે ખિસ્સામાંથી કાઢી હોય એમાં પાછી…. ને તમને બહુ થતું હોય તો તમને ઠીક લાગે ત્યાં એનો ધરમાદો કરી દેજો. મને એ ન ખપે. હરામનું ઊંઘવા ન દે. મહેનતનો રોટલો ઊંઘ આપે. મારા ગામની આબરૂ, મારા ગોરભાની આબરૂ, મારાં જાનૈયાંનું મહાતમ… મારે માટે તો એ જ મોટી મૂડી.’ ને દીકરીને ખોળે બીજે છેડે બાંધેલો રોકડો રૂપિયો ઘાલી એ બાઈ તો ત્યાંથી સડસડાટ નીકળી ગઈ.

વેવાઈ એ જતી બાઈને વંદી રહ્યા. આવાં માનવીઓ વાળા ગામના ગોર પોતાના વેવાઈને પણ એ વંદી રહ્યા. મીઠી… ખુશ્બુ ભરી યાદ સાથે જાને વિદાય લીધી… ને વેવાઈના હાથમાં પાંચસો રૂપિયા મૂકી ચબૂતરાના દાણા, નિશાળિયાં માટે દૂધ…. ચોપડીઓ કે પેન, પાટી માટે એ રકમ વાપરવાનું કહી વેવાઈએ એસ.ટી. ના પગથિયે પગ મૂક્યો.

ધણધણાટી બોલાવતી એસ.ટી. તો ત્યાંથી ઊપડી ગઈ પણ એણે ઉડાડેલી ધૂળની ડમરીઓમાંથીયે સુગંધ આવતી હતી….. ‘હરામનું ન ખપે… સુખનો રોટલો પરિશ્રમમાં…. ઊંઘ એને આવે જે પરસેવે ન્હાય….’