એપ્રિલફૂલ ! – રાજેન્દ્ર જે. જોશી

‘ક્યાં છે ? અરે…. મારા બૂટ ક્યાં છે ?’ અનિકેત બરાડ્યો. આમ તો આટલા મોટા અવાજે બોલવાની એને ટેવ ન હતી કે એવી જરૂર પણ ન હતી. પરંતુ કોઈ અજ્ઞાત કારણસર એનાથી બૂમ પડાઈ ગઈ. આ બૂમ સાંભળી ચોંકી ઊઠેલી એની પત્ની શૈલા, દોડતી રસોડામાંથી બહાર આવી ‘આ સામે તો પડ્યા છે… દેખાતા નથી ?’
જે પલંગ પર અનિકેત બેઠો હતો તેની નીચે બૂટ પડેલા હતા – સહેજ માથું નમાવતાં જ દેખાય એટલા આગળ. પણ અત્યારે પત્નીએ ‘દેખાતા નથી ?’ એમ પૂછતાં અનિકેતનો મિજાજ છટક્યો.
‘પણ જરા આગળ ન મુકાય ?’
‘આગળ જ મૂકેલા. તમારા પગનો ધક્કો વાગ્યો હશે એટલે અંદર જતા રહ્યા.’
‘જોઈ નહિ હોય મોટી અંદરવાળી ! સવારના પહોરમાં એક તો ઑફિસ જવાની ઉતાવળ હોય ને ઉપર જતાં તારાં ભાષણો સાંભળવાનાં એમ ?’ ને કંઈનું કંઈ બોલતો બૂટ પહેરીને એ ધમ્મ ધમ્મ કરતો ચાલતો થયો.

ઘડિયાળ સામે નજર કરતી શૈલા નવાઈથી વિચારી રહી કે સાડા દસ પહેલાં અનિકેત કદી ઘરની બહાર નીકળતો નથી ને આજે શો ચમત્કાર થયો હતો કે દસ ને દસે જ દોડવા લાગ્યો ? વહુને વિચારમાં પડેલી જોઈ અનિકેતની માને થયું કે છોકરાએ ધમકાવી એટલે વહુને બિચારીને માઠું લાગી ગયું છે, એટલે વગર માગ્યે તે સલાહ આપવા માંડી – ‘જો બાપા, પુરુષનું મગજ તો ગમે ત્યારે છટકે…. આપણે એની બધી સગવડ સાચવવી. એ બચારો સરકારી નોકરી કરે એટલે એને હજાર જાતનાં એટેન્શન હોય ! હજાર જાતની ચિંતા હોય !’ (ડોસી ટેન્શનને એટેન્શન કહેતાં !)

ને અનિકેત ખરેખર ચિંતામાં હતો. પણ ચિંતા નોકરી અંગેની ન હતી. સરકારી ઑફિસમાં પટાવાળાની નોકરી કરતા અનિકેતને એક નવા પ્રકારની ચિંતા હતી. પહેલી એપ્રિલ આવતી હતી એટલે તે વિચારી રહ્યો હતો કે પત્નીને જોરદાર રીતે એપ્રિલફૂલ બનાવવી છે. અનિકેતના મિત્રો સારું ભણેલા-ગણેલા હતા ને પોતાની પત્ની સાથે આવી મજાકમશ્કરી કરતા. અનિકેતના મનમાં મરકટ પણ નાચવા લાગેલો. એ હતો યે રોમેન્ટિક ! પટાવાળાની નોકરી કરતો હોવા છતાં હંમેશા અપટુડેટ રહે. અધૂરામાં પૂરું કૉલેજમાં બે વર્ષ ભણેલી શૈલા સાથે એનાં લગ્ન થયાં હતાં. તેણે વિચાર્યું કે શૈલાને બરાબર એપ્રિલફૂલ બનાવવી છે. ચિંતા એ હતી કે કઈ રીતે એપ્રિલફૂલ બનાવવી ?

ત્રણ દિવસથી તે આ જ ચિંતામાં હતો. કંઈ નૂસખો સૂઝતો ન હોવાથી ચિંતા વધતી જતી હતી. એક બાજુ પહેલી એપ્રિલ નજીક આવતી હતી, તો બીજી બાજુ કોઈ ઉપાય મળતો ન હતો…. ને ત્રીજી બાજુ ચિંતા વધતાં જતાં તે અકારણ ગુસ્સે થવા લાગ્યો હતો. આજે જરા વહેલા ઘરેથી નીકળી એ પોતાના મિત્ર જયદેવની ઑફિસે પહોંચ્યો. જયદેવ માત્ર સવારે જ ઑફિસે આવતો. એની પાસે માર્કેટીંગની જવાબદારી હોવાથી બપોર પછી એનું કંઈ ઠેકાણું નહિ. એટલે જયદેવનું કંઈ કામ હોય તો તેને સવારમાં જ પકડવો પડે. જયદેવ હતો બુદ્ધિશાળી ! લારી પર ચા પીતાં પીતાં અનિકેતની વાત સાંભળી. અને ખાલી કપ નીચે મૂકતાં મૂકતાં તો ઈલાજ પણ બતાવી દીધો. તેણે સૂચવ્યું કે અનિકેતે પોતાની પત્ની શૈલાને એક ભૂતિયો પ્રેમપત્ર લખવો. પછી પત્નીને એ પત્ર સાથે રંગેહાથ ઝડપી લઈ ઝઘડો કરવો. બરાબરનો ઝઘડો કરવો ને છેવટે વાત એકદમ ક્લાયમેક્સ પર પહોંચે તે સમયે, હિન્દી ફિલ્મમાં કેદ થયેલા હિરોને બચાવવા માટે કોઈ આવી પહોંચે, અને બરાડે કે ‘છોડ દો ઉસે…’ એ રીતે અનિકેતે પણ ‘એપ્રિલફૂલ…. એપ્રિલફૂલ’ કહીને દાવ ડિકલેર કરી દેવાનો.

લાઈનદોરી મળી ગઈ એટલે અનિકેત ખુશ થઈ ગયો. જયદેવનો આભાર માનતો તે ઑફિસે દોડ્યો. એણે યોજના વિચારી કે આગલા દિવસે પોતે ભૂતિયો પ્રેમપત્ર લખીને પોસ્ટ કરશે. બીજા દિવસે ટપાલીને આવવાના સમયે પોતે ઘેર હાજર રહેશે. ટપાલી આવશે, પત્નીના નામનું કવર આપી જશે અને જેવી પત્ની એ કવર ખોલીને વાંચશે કે પોતે બાજી સંભાળી લેશે. અનિકેતે એ પણ વિચારી લીધું કે આવા રોમેન્ટિક સિનમાં ડોસા-ડગરાં ના શોભે. તેણે નક્કી કર્યું કે બે દિવસ માટે તે પોતાની માને, માસીના ઘેર મૂકી આવશે. તખ્તો બરાબર ગોઠવાયો ત્યાં અનિકેતને વિચાર આવ્યો કે પહેલી તારીખે પોતે અકારણ ઘરે રહેશે તો પત્નીને કદાચ શંકા પડશે… ને આખી વાત ડહોળાઈ જશે. પત્ની પહેલે જ ધડાકે સમજી જાય તો તો પછી આખી વાતની મજા મારી જાય !
શું કરવું ?
થોડું વિચારતાં એનો ઈલાજ પણ મળી ગયો. પહેલી તારીખે ઑફિસે જેવું ખરું પણ બારેક વાગતાં કશું બહાનું કાઢી ઘેર આવતા રહેવું. ટપાલી તો એક-દોઢ વાગે આવે છે. એના આવતા પહેલાં પોતે ઘેર પહોંચી જશે. ને જેવી ટપાલ આવશે કે પોતે પત્નીને રંગેહાથ પકડી પાડશે. આમ તેલના ડબ્બામાં તેલ પડી રહેશે.

બજારમાં જઈ તેણે સરસ મજાનું એક ગુલાબી કવર ખરીદ્યું. પણ કવર ખરીદતાં ખરીદતાં તેને પોતાની પ્રેમિકા સોના યાદ આવી ગઈ. એ અને સોના એકબીજાને વારંવાર મળતાં ને પત્રો ય લખતાં. પણ લાલજી નામના એક પૈસાદાર પહેલવાન સાથે સોનાનું ચોકઠું ગોઠવાઈ જતાં અનિકેત હાથ ઘસતો રહી ગયેલો. આમ છતાં ચોરીછૂપીથી સોનાને મળવાનો સંબંધ તો વળી જળવાઈ રહ્યો હતો. એટલું જ નહીં, પોતાના સસરાના પાડોશી હોવાના નાતે લાલજી, અનિકેતને બરાબર ઓળખતો હતો. બેઉ એકબીજાના ઘેર જતાં-આવતાં હતાં. અનિકેતને વિચાર આવ્યો કે પત્નીને ભૂતિયો પ્રેમપત્ર લખવાની સાથે સોનાને એક સાચો પ્રેમપત્ર ફટકારવા દે !
….ને ફટકારી દીધો, એક પત્ર સોનાને પણ. એકત્રીસમી માર્ચની સવારે યાદ કરીને બેઉ કવર ડબામાં પધરાવી દીધાં.

પહેલી એપ્રિલની સવાર થઈ.
અનિકેતના મનમાં છૂપો આનંદ છે. પણ પત્નીએ આનંદ કળી ન જાય તેનો ખ્યાલ રાખતો તૈયાર થઈ એ ઑફિસે પહોંચ્યો. એનો ઉત્સાહ માતો ન હતો. પોતાનું કામ ન હોવા છતાં કપડાંનો એક ટુકડો લઈ બધાં ટેબલ તેણે સાફ કરી નાખ્યાં. કોઈના યે આદેશની રાહ જોયા વગર તે દોડીદોડીને કામ કરવા માંડ્યો. રોજ ચાર બૂમ પાડવા છતાં એ એક કામ ન કરતો. જ્યારે આજે એક બૂમ પડે ત્યાં ચાર-ચાર કામ કરવા લાગ્યો. દોડે… કામ કરે ને ઘડિયાળમાં નજર કરે. દોડે… કામ કરે ને ઘડિયાળમાં નજર કરે ! વગર પૂછ્યે એક-બે સહકર્મચારીને તે કહી વળ્યો કે આજે તો સવારથી માથું ભારે ભારે લાગે છે… બોસ ! દોડતાં ને કામ કરતાં એક જ વિચાર એના મનમાં હતો કે ક્યારે બાર વાગે ને ક્યારે બહાનું કાઢીને ઘેર ભાગું, ક્યારે ટપાલી આવે…. ને ક્યારે પત્ની સાથે ઝઘડો કરું ? કલાકેક ચડભડ ચાલશે, પત્ની રડવા બેસશે, પોતે બનાવટી ગુસ્સો કરીને ધમકાવશે… બનાવટી ગુસ્સો કરીને પત્નીને ધમકાવવા જતાં પોતાને હસવું તો નહિ આવી જાય ને ? – એ વિચારે અત્યારે ય તેને વારંવાર હસવું આવી જતું હતું. પોણા બાર વાગ્યા.

નોકરીમાં જોડાયા પછી અનિકેત કદી સતત દોઢ કલાક ઊભો રહ્યો ન હતો. પણ આજે તે એક મિનિટ બેઠો ન હતો. તેને થયું કે પગ દુ:ખવા માંડ્યા છે, થોડી વાર બેસવા દે. પણ તરત જ ખ્યાલ આવ્યો કે માથાના દુખાવાનું બહાનું કરીને જવું હોય તો અત્યારથી જ પ્લાન કરવો પડશે. એટલે હેડકર્લાકના ટેબલ પાસે જઈ, સામેના સ્ટૂલ પર, બે હાથથી લમણાં દબાવતો તે બેસી ગયો.
‘શું થાય છે, અલ્યા ?’ હેડકલાર્કે પૂછ્યું.
‘માથું દુ:ખે છે, સવારથી.’ કહેતાં તેણે ફરી ઘડિયાળ તરફ નજર કરી. અંગ્રેજોના જમાનાનું એ તોતિંગ ઘડિયાળ મુખ્ય પ્રવેશદ્વારની ઉપર જ લગાવવામાં આવેલું. ઘડિયાળ સામે કોઈ જુએ તો દરવાજા પર અનાયાસે જ જોવાઈ જાય. અનિકેતે ઘડિયાળ સામે જોયું તો એની આંખો ફાટી ગઈ. દરવાજામાં લાલજી ઊભો છે – સોનાનો પતિ લાલજી. લાલજી કદાવર દેહવાળો હતો. એક કારખાનામાં ચોકીદારની નોકરી કરતો હતો. હંમેશાં ખાખીવર્દીમાં તે સજ્જ અને હાથમાં વજનદાર દંડો ! પોતાની ઑફિસમાં લાલજીને આવેલો જોઈ, અનિકેત ધ્રૂજી ઊઠ્યો. એણે જોયું તો લાલજીના ખાખી કોટના ઉપલા ખિસ્સામાં ગુલાબી કવરની ઉપલી ધાર દેખાતી હતી.

મારી નાખ્યા ! પોતે સોનાને લખેલ કવર લાલજીના હાથમાં જઈ ચડ્યું લાગે છે ! હવે લાલજી પોતાને બહાર બોલાવી, ચોક્કસ ધોલાઈ કરશે ! તેણે આસપાસ નજર કરી. લાલજીની નજર બચાવીને ભાગી શકાય તેમ ન હતું. કારણ કે ઑફિસને દરવાજો એક જ હતો. તે કંઈ વિચારે એ પહેલાં તો ડફ…ડફ… કરતો લાલજી પોતાની તરફ આવતો દેખાયો. મનની ધ્રુજારીને સમાવવાનો પ્રયાસ કરતા, અનિકેત ઊભો થયો. લાલજીને જાણે પોતે જોયો જ નથી એ રીતે પાછળ ફર્યો – ‘ઓહો ! લાલજીભાઈ ? કેમ આજે આ તરફ ?’ ‘બહાર આવ. એક જરૂરી કામ છે !’ લાલજીના ઠંડા છતાં મક્કમ શબ્દો સાંભળી અનિકેતના શરીરમાં ભયનું એક લખલખુ પસાર થઈ ગયું. તેને થયું કે લાલજી ચોક્કસ બીજા બે-ચાર માણસોને લઈને આવ્યો હશે. પણ આનાકાની કરવામાં કોઈ સાર ન હતો.

બેઉ બહાર આવ્યા. અનિકેત વિચારે ચડ્યો કે પહેલાં તો લાલજી આ કવર બતાવીને પોતાને પ્રશ્ન કરશે. જો પોતે આનાકાની કરશે તો એકાદી થપ્પડ ખાશે યા તો લાલજીના ઈશારાથી ઘસી આવેલા ચાર-પાંચ જડથાઓ પોતાને ફટકારશે. – હાડકાં – પાંસળાં ભાંગી નાખશે. લાલજી મારો બેટો, મારા પર ઉપકાર કરતો હોય તેમ વચ્ચે પડી પોતાને બચાવશે અને પછી કહેશે – ‘લક્ષણ સારાં રાખો… લક્ષણ સારાં રાખો !’

સરકારી ઑફિસોથી ભરેલા આ કમ્પાઉન્ડમાં એક ખૂણે ચાની કીટલી હતી. વિચારે ચડેલા અનિકેતને લઈ લાલજી એ કીટલી તરફ ચાલ્યો. ચાનો ઑર્ડર આપી બેઉ એક તરફ ઊભા રહ્યા. અનિકેત વિચારે છે કે આ લાલજી કઈ રીતે હુમલો કરશે ?
ધીરેથી અનિકેતના ખભે હાથ મૂકતાં લાલજી બોલ્યો : ‘જો નિકા ! આપણે રહ્યા ખાનદાન માણસ… એકાદવાર કોઈનાથી ખોટું કામ થઈ જાય તો મન મોટું રાખી આપણે માફ કરી દઈએ. ખાલી વાત વધારવાથી ફાયદો નહિ.’
‘હં….’ અનિકેત બોલ્યો. વિચારવા લાગ્યો કે લાફો મારવાને બદલે લાલજી ભાષણ કેમ કરે છે ?
લાલજી આગળ બોલ્યો : ‘આજે સવારે આ કાગળ મારા ઘરે આવ્યો….’

અનિકેતના શરીરમાં ઠંડીની લહેરખી ફરી વળી. લાલજીની વાત આગળ ચાલી – ‘આ કાગળ… ટપાલી મારા હાથમાં જ મૂકી ગયો. કાગળ વાંચી મારું મગજ તો ફાટ ફાટ થઈ ગયું. એમ જ થયું કે બૈરીને ભડાકે દઈ દઉં. પણ પછી તો કાંઈ હસવું આવે… કાંઈ હસવું આવે !’ અનિકેત ફાટી આંખે સાંભળી રહ્યો કે પ્રેમપત્ર વાંચીને આ પહેલવાનને વળી હસવું આવ્યું ? પોતાની ઘરવાળીને કોઈ પારકો માણસ પ્રેમપત્ર લખે… ને આ જડબુદ્ધિને હસવું આવે છે ?

‘વાત પણ કેવી છે…. જો કોઈએ તારી ઘરવાળી શૈલાને આ પ્રેમપત્ર લખ્યો છે. વાંચીને પહેલાં તો મને ખબર ન પડી કે આ શૈલા કોણ હશે ? પણ શૈલાનું પિયર રામપુરા છે એની મને ખબર. આ કાગળમાં પચાસ વાર રામપુરા-રામપુરા લખ્યું છે. પાછું રામપુરાની છોકરી… ઘોળકાની કૉલેજમાં ભણી… આ બધું વાંચતાં મને પાક્કું થયું કે આ તારી ઘરવાળી શૈલા જ ! જો ધ્યાનથી આ કાગળ મેં વાંચ્યો ન હોત તો મારા ઘરમાં લંકા જ થઈ હોત ! હવે લે.. આ કવર… ફાડીને નાખી દેજે. ને ઘરવાળીને સાચવ, ગાંડા ! નહિતર રઝળી જઈશ, રઝળી !’ કહેતાં તેણે ગઈકાલે અનિકેતે પોસ્ટ કરેલું કવર ખિસ્સામાં બહાર કાઢ્યું.

અનિકેત અપલકનેત્રે એ કવર સામે જોઈ રહ્યો. તરત તો એ વિચારી પણ ન શક્યો કે પોતાના વરદ હસ્તે, પ્રેમિકા પર લખેલો પત્ર પત્ની પાસે પહોંચી ગયો છે. પણ હવે એ ઘરે પહોંચશે ત્યારે ??

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમે ગામડાનાં માણહ – નટુભાઈ ઠક્કર
પાત્રપસંદગી – ધૈર્યબાળા વોરા Next »   

21 પ્રતિભાવો : એપ્રિલફૂલ ! – રાજેન્દ્ર જે. જોશી

 1. Ami says:

  ઃ( જોઇએ એવી ના જામી … Better Luck Next Time રાજેન્દ્ર જી.

 2. Rashmita lad says:

  ahi aprilfool shu che?

 3. hitu pandya says:

  expected end..

 4. સારી વાર્તા છે પણ જોઈએ તેટલી મજા ન આવી…..

 5. Keyur Patel says:

  કોણે કોને બનાવ્યા? કે પછી તે પોતે બની ગયો?

 6. Dipika D Patel says:

  અનિકેત પોતે જ ફુલ બની ગયો. પણ આ મુર્ખામી (april fool) એને ખુબ ભારે પડી.

 7. MITESH.BARDAI says:

  APRIL FULL WAS NOT GOOD STORY I BELIVE IT WAS COPY FROM ONE BOOK WHI CH WAS PUBLISH LONG TIME AGO FROM PORBANDAR

 8. namrata says:

  end is not good.

 9. anil parmar motap says:

  THT WASNT OF THT LEVEL WHICH WE LIKE TO READ ON NET.BETTER LUCK MAY BE NEXT TIME

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.