પાત્રપસંદગી – ધૈર્યબાળા વોરા

‘પરણવું છે ? ભારતમાં સહેલામાં સહેલું કંઈ હોય તો એ પરણવાનું છે.’ પરદેશ હતી ત્યારે મારા એક ભારતીય મિત્રને આવી વાત કરતાં સાંભળ્યાં હતાં, પરંતુ એ ભાઈ ભારત પરણવા આવ્યા ત્યારે એમને યોગ્ય કન્યા મેળવતાં જે મુશ્કેલી પડી, એનું વર્ણન પણ “પરણવું બહુ સહેલું છે.” એ જેટલા જોશથી કહ્યું હતું એટલા જ જોશબંધ કર્યું, ‘આ તો યાર કોઈ દેશ છે ! છોકરીને બીજી વાર મળવા બોલાવીએ તો કહેશે કે – ‘ના, પહેલાં વેવિશાળનું નક્કી કરો’ એમ એક વાર મળ્યે તે કાંઈ વેવિશાળ થાય ?’ એમની વાતો સાંભળીને મને તે વખતે તો રમૂજ થઈ હતી. એટલામાં એક બીજી વાત બની. “કોઈ સારી કન્યા બતાવો ને !” એક સંબંધીએ કહ્યું. ‘કોઈ સારો છોકરો હોય તો જોતી રહેજે ને !’ એક બહેનપણીએ કહ્યું. ફરી મને જરા રમૂજ થઈ. ચાલો, આટલાં કામમાં આ પણ એક વિશેષ કામ. છોકરા-છોકરી જોવાની મઝા તો આવશે જ !…

વાત આવી મઝાની પણ ન હતી, રમૂજી પણ ન હતી અને હસીને ઉડાવી દેવા જેવી પણ ન હતી. આજથી પંદર વર્ષ પહેલાં કોઈએ આવી ભલામણ કરી પણ ન હોત, કારણ કે દીકરી કે દીકરો પરણવા જેવડાં થાય કે સગાંવહાલાં, ન્યાતીલાંઓમાંથી એનાં માગાં આવવા માંડે અને પાંચપંદર માગાંઓમાંથી સામાજિક રીતે જે માગું સહુથી વધુ અનુકૂળ હોય એની જોડે સગપણ સંધાઈ જતાં વાર ન લાગે અને પછી તો શરણાઈ વાગતાં વાર કેટલી ?

આ પરિસ્થિતિ હજી પણ ખાસ બદલાઈ નથી. સગાંવહાલાં અને ન્યાતીલાનો સમૂહ હજી પણ વેવિશાળ જોડવાતોડવાનું કાર્ય ખૂબ જ ખંતપૂર્વક અને નિષ્ઠાપૂર્વક બજાવે જાય છે. બદલાયાં છે માત્ર લગ્નોત્સુક યુવાનોનાં પસંદગીનાં ધોરણ અને પોતાનાં સંતાનોનાં સગપણ અંગેનું માબાપોનું વલણ. ખાસ કરીને શહેરી શિક્ષિત સમાજમાં આ પરિવર્તન એટલી માત્રામાં થયું છે કે એને લીધે ‘પરણવું’ હવે અઘરું બની ગયું છે.

ન્યાતનાં પરિચિત અને પરિમિત વર્તુળમાંથી જે દસપંદર માગાંઓ આવે એમાંથી એકને પસંદ કરી લેવું સહેલું છે. પણ હવે યુવક-યુવતીઓ પસંદગીનું પરિઘ આટલું સાંકડું રાખવાને ઈચ્છતાં નથી. એમને મોકળું મેદાન જોઈએ છે, જ્યાં પસંદગીનું વૈવિધ્ય હોય અને પોતે કલ્પેલું એવું પાત્ર પસંદ કરવાનો અવકાશ રહે. પોતે કલ્પેલાં કલ્પનાચિત્રમાં બંધ બેસે એવું પાત્ર મર્યાદિત વર્તુળમાંથી મળી જાય તો નસીબદાર, પરંતુ સોમાંથી નેવું ટકા તો ન જ મળે. તો હવે ક્યાં શોધવું, કેમ શોધવું, એ એક પ્રશ્ન આવી પડે અને મિત્રો, અછડતા પરિચયવાળી વ્યક્તિઓ, જાહેરખબરો અને કદાચ મેરેજબ્યુરો જેવી સંસ્થાઓનો આશ્રય લેવો પડે. હવે લગ્નોત્સુક યુવાનને મન પાત્રનું વ્યક્તિત્વ અગત્યનું છે. પાત્રની આજુબાજુનું કૌટુંબિક વાતાવરણ, ન્યાતીલાનો સમૂહ વગેરે મહત્વનાં નથી. રૂપ, છટા, વિચારશક્તિ, વર્તનપદ્ધતિ – સહુને આ બધું જોવું-તપાસવું છે. શું યુવક કે શું યુવતી, બન્નેને હવે સમોવડિયું પાત્ર જોઈએ. અને આ સમોવડિયું એ પારખવું કેમ કરીને ? મિલકત ગણી શકાય, પેઢી દર પેઢીનો વહીવંચો ઉકેલીને ખાનદાન શોધી શકાય, પણ છટા, વિચારશક્તિ, શિક્ષણ, વર્તનપદ્ધતિ ? એ તો વારંવાર મળીને જ મુલવાય ને !

આવો પરિચય પામી શકવાના અભાવમાંથી ઘણી વાર ‘ગોતું ગોતું, ને તોય ક્યાંય ન મળે’ એવી પરિસ્થિતિ ઊભી થાય. શોધખોળમાં જ લગ્નયોગ્ય વય પૂરી થઈ જાય. ઘણી વાર ઉપરછલ્લી રીતે ચિત્ર ચોકઠામાં બેસતું લાગે, પણ અનુભવે ખબર પડે કે એ ખોટો ભ્રમ હતો અને જીવન બેસૂરું અને વિસંવાદી બની જાય. લગ્ન પછી ગણ્યાગાંઠ્યા દિવસોમાં જ પિયર પરવરતી પત્ની કે છૂટાછેડાની માગણી કરતો પતિ એ આવાં લગ્નોની નીપજ છે.

માબાપનું વલણ પણ બદલાઈ ગયું છે. ‘અમે પસંદ કરેલાં પાત્રને જ પરણો’ એવા આગ્રહને બદલે ‘અમે તો આ બતાવીએ છીએ, પણ તને ગમે તેમ તું કર. અમે આડે નહીં આવીએ.’ નાસભાગના, લગ્ન પછી છૂટાછેડાના, પતિપત્ની વચ્ચે પરણીને તરત લેવાતા જીવનભરના અબોલાના અને ઘણી વાર તો આત્મહત્યા સુધીના અનેક જોયેલા અને જાણેલા કડવા અનુભવોને લીધે માબાપો પણ આવું કહેતાં શીખી ગયાં છે. આમ સ્ત્રી-પુરુષે એકબીજાને બરાબર ઓળખીને લગ્ન કરવાં જોઈએ. લગ્નજીવનની સફળતામાં જ્ઞાતિ, પૈસો કે સગાંવહાલાં નહીં, પરંતુ પાત્રનું વ્યક્તિત્વ જ મહત્વનું છે, આ બધાં વિષે હવે બુદ્ધિજીવી વર્ગમાં કોઈ વિવાદ છે જ નહીં. લગ્નોત્સુક વ્યક્તિઓને હળવામળવાની તક સમાજ ન કરી આપે તો પણ યુવકયુવતીઓ છાનાંછપનાં મળવાનાં જ એ પણ હકીકત છે. લગ્નગીતોમાં આવતાં વર્ણન પ્રમાણે ચંદન તળાવડીની પાળે મળતાં ઈશ્વરપાર્વતીથી માંડીને ‘બ્લોઅપ’ માં નૃત્ય કરતાં કૉલેજિયનો સુધીની કહાણી આ વાતની સાક્ષી પૂરે છે. આને માટે સમાજે આવી વ્યક્તિઓને હળવામળવાની તક ઊભી કરી આપવી જોઈએ એ નિર્વિવાદ છે.

અનેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિમંડળોએ સમયની આ માગ સ્વીકારીને એ દિશામાં પગરણ પણ માંડ્યા છે. સહપર્યટન, ડીબેટિંગ સોસાયટીઓ, અભ્યાસવર્તુળો, જીમખાનાંઓ, હૉબી કલબો, આવાં તો કેટલાંય મંડળો શહેરી જીવનની સહજ સહચારની ઝંખનાને સંતોષવાની સાથે સાથે યુવક-યુવતીને મળવા મૂકવાની અને અરસપરસ મૂલવવાની તક પૂરી પાડતાં હોય છે. આવા હેતુઓ માટે થતા મિલનોમાંથી જ યુવક-યુવતી અરસપરસ એકબીજાની વધુ નજીક આવે અને આ નિકટતા સાહજિક રીતે જ લગ્નબંધનમાં પરિણમે, તો પરિચય એ સફળ લગ્નજીવનનો પાયો બની રહે. પરંતુ યુવક-યુવતી લગ્નના હેતુથી જ એકબીજાં ને મળે, બેચાર નાટકસિનેમા સાથે જુએ કે ખાય, પીએ કે નૃત્ય કરે એટલા ઉપરથી કોઈનો તાગ મેળવવો મુશ્કેલ છે. પહેલાં પરિચય થાય અને પછી પારખવાની ઈચ્છા થાય. પારખવાની ઈચ્છાથી જ પરિચય કેળવીએ ત્યારે એમાં કૃત્રિમતા પ્રવેશવાની જ અને આવી ઉપરછલ્લી મુલાકાતોનો ગેરલાભ પણ લેવાવાનો.

પરિચય જેટલો સાહજિકતાથી કેળવાય, પસંદગી જેટલી નૈસર્ગિક હોય એટલો મર્યાદાભંગ થવાનો અવકાશ પણ ઓછો. પરિચય થતાં થતાં થઈ જાય ત્યારે યુવક-યુવતી પ્રથમ સમાન રસ ધરાવતી વ્યક્તિઓ તરીકે મળે છે, મિત્ર તરીકે મળે છે, સ્ત્રી અને પુરુષ તરીકે નહીં. એ સભાનતા તો પરિચયમાં બહુ મોડી પ્રવેશે. સમાજે – ખાસ કરીને શહેરી સમાજે – તો આવા પરિચયો વિકસાવી શકાય એ માટેનાં માધ્યમો વિકસાવવાં જ રહ્યાં. અને એ માધ્યમોનાં વાતાવરણની સાંસ્કારિક કક્ષા અને હેતુશુદ્ધિ પણ જાળવવી રહી. આ વિશુદ્ધિ મોટા ભાગનાં માધ્યમો જાળવી શકતાં નથી. એને લીધે ઘણી વાર વિવિધ દૂષણો ઊભાં થાય છે. પરિચય સાધવા માટેની સમાન રસ કે હિતની ભૂમિકાને બદલે સિનેમામાંથી ઉછીના લીધેલાં ચેનચાળા, આછકલાં વસ્ત્રાભૂષણો કે બિભત્સ ઈશારાવાળી ગીતપંક્તિ કે શાયરીને જ્યારે ‘પરિચય’નું કે મૈત્રીનું સુફિયાણું નામ આપવામાં આવે અને કૉલેજ, લાઈબ્રેરી, કલાપ્રદર્શનો, ડીબેટિંગ સોસાયટીઓ જેવાં માધ્યમોને બદલે સિનેમાગૃહો, નૃત્યાલયો અને કૉલેજ કેન્ટીનો, એવાં પરિચયોત્સુકોથી ઊભરાતાં હોય ત્યાં આછકલાઈ, મર્યાદાભંગ અને દુરાચાર સિવાય બીજું શું જોવા મળે ?

બીજી મુશ્કેલી પસંદગીનાં ધોરણોની છે. “ગૃહિણી, સચિવ, સખી, પ્રિયશિષ્યા લલિતે કલાવિધૌ અને નિસર્ગભિન્નાસ્પદમેકસંસ્થં અસ્મિન દ્વયં શ્રીશ્ચ સરસ્વતી ચ |” પત્ની અને પતિની પસંદગી માટેના આ કાલીદાસીય આદર્શો બહુ મઝાના છે, પણ આદર્શોને કદી આંબી શકાય છે ? વ્યક્તિગત મર્યાદાઓને સ્વીકારીને લગ્નોત્સુક વ્યક્તિઓએ પાત્રપસંદગીનાં ધોરણોમાં પણ પ્રાયોરીટીઝ નક્કી કરી નાખવી જોઈએ; નહીંતર મૃગજળ પાછળ દોડી દોડીને ખુવાર થવાની વેળા આવે. પરંતુ મોટા ભાગની વ્યક્તિઓ આ મર્યાદા સ્વીકારતી નથી અને મૃગજળની પાછળ દોડી દોડીને ખુવાર થાય છે. પોતાની મર્યાદાના સંદર્ભમાં સામા માણસની મર્યાદાને સ્વીકારીએ તો જ પસંદગી સંભવી શકે.

પરસ્પર પસંદગી માટે મૃગજળસમાં ધોરણો, લગ્ન અને પ્રેમ અંગેના સિનેમાદીધા અવ્યવહારુ અને અવાસ્તવિક ખ્યાલો અને સહજ પરિચય સાધવા માટેના વિશુદ્ધ વાતાવરણવાળાં તંદુરસ્ત માધ્યમોને અભાવે અત્યારે તો લગ્ન માટેની પાત્ર પસંદગીને એક કરુણ મશ્કરી બનાવી દીધી છે. આ પરિસ્થિતિને નિવારવી જ જોઈએ. મુશ્કેલીઓનો સામનો કરી સમસ્યાઓનું બુદ્ધિપૂર્વક નિવારણ કરીને પણ શહેરી સમાજમાં પાત્રપસંદગી માટેનાં સુયોગ્ય અને તંદુરસ્ત માધ્યમો વિકસાવવાં જ રહ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એપ્રિલફૂલ ! – રાજેન્દ્ર જે. જોશી
અસ્મિતાપર્વ-કલાપર્વ – કવિ રાવલ Next »   

17 પ્રતિભાવો : પાત્રપસંદગી – ધૈર્યબાળા વોરા

 1. devanshi says:

  સરસ લેખ

 2. impressing…. good work….

 3. hitisha says:

  very good story

 4. Dinesh says:

  સરસ અવલોકન.

 5. થોડુ કપરુ કામ છે તો છે હો 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.