સાચા અર્થમાં જિંદગી – ભૂપત વડોદરિયા

બ્રિટનના ખ્યાતનામ નવલકથાકાર ગ્રાહમ ગ્રીનને બાળપણથી જ આત્મહત્યાના વિચારો આવ્યા કરતા. આત્મહત્યાની એ લાગણી સામે એ જિંદગીભર ઝઝૂમ્યા.

ગ્રાહમ ગ્રીનને કિશોરાવસ્થામાં જ કોઈ કોઈ વાર શરીરમાં પીડા ઊપડતી. એમને અવારનવાર મૂર્છા આવી જતી. એકવીસ-બાવીસ વર્ષના ગ્રાહામ ગ્રીન લંડનમાં એક હિંદી ડૉક્ટર પાસે ગયા. તેણે કંઈક દવા આપી પણ ડૉક્ટર જાણકાર નહોતો. પછી બીજા એક ડૉક્ટરે નિદાન કર્યું કે તમને વાઈનું દરદ છે – એપીલેપ્સી. આ તો વારસામાં ઊતરે એવો રોગ. ગ્રાહામ ગ્રીન વિવિયન નામની યુવતીના પ્રેમમાં હતા. કોઈએ સલાહ આપી કે વાઈના દર્દીએ ખરેખર તો લગ્ન નહીં કરવા જોઈએ, કેમ કે આ રોગ બાળકોમાં ઊતરવાનો જ. ગ્રાહામ ગ્રીન વિવિયનને પરણ્યા પણ ખરા, બાળકો પણ થયાં અને તેમનું લગ્નજીવન તેમ જ કુટુંબજીવન સુખી નીવડ્યું. ગ્રીનને ખરેખર વાઈનો રોગ હતો જ નહીં એ તો પછી ખબર પડી.

એવું બને છે કે માણસ કોઈ એક ચુકાદાને ‘આખરી’ ગણી લે છે. તેને નસીબમાં ફેંસલો સમજી બેસે છે ! આવું સમજનાર પછી પાછળથી પસ્તાય એવું પણ બને છે. આમાંથી કાંઈ સાર કાઢવો હોય તો એટલો જ નીકળે કે કોઈના નિદાનને આખરી ફેંસલો ગણવા જઈશું તો જીવવાનું ચૂકી જઈશું અને જિંદગીમાંથી પ્રાપ્ત થઈ શકે તેવું જે ઘણુંબધું છે તેનાથી વંચિત રહી જઈશું.

મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગણિતમાં કાચા હતા. તેમને ગણિતમાં ગતાગમ નહીં પડે એવા નિદાનને તેમણે સ્વીકારી લીધું હોત તો સંભવત: જે રસ્તે તેઓ આટલા બધા આગળ વધી શક્યા તે રસ્તો બંધ જ થઈ ગયો હોત. અનેક નામી-અનામી માણસોના જીવનમાં આવું બન્યું જ છે. કોઈ પણ માણસને આવો અનુભવ થયો જ હોય છે કે કોઈનું ‘નિદાન’ તેના માર્ગમાં આડું આવીને ઊભું રહે છે. એક માણસ હિંમત કરીને એ ‘નિદાન’ ને ટપી જઈને આગળ વધે છે. બીજો એક માણસ શંકામાં પડી જાય છે. નિરાશ થઈ જાય છે અને ‘જોખમ’ નહીં લેવામાં શાણપણ સમજે છે. દરેક કિસ્સામાં આવું ‘નિદાન’ ખોટું જ પૂરવાર થાય તેવું બનતું નથી. એ જ રીતે દરેક કિસ્સામાં આવું ‘નિદાન’ સાચું જ નીવડે એવું પણ નથી હોતું. છેવટે માણસે પોતે જ જાતે જ નિર્ણય કરવો પડે છે અને તે જ્યારે પણ જે કાંઈ નિર્ણય કરે તે તેણે ‘ઈશ્વરના ભરોસે’ જ કરવો પડે છે.

કેટલાક લોકો જીવનનો વિચાર સુખસગવડ ભરેલી એક યાત્રા તરીકે કરે છે. આવી વ્યક્તિઓ પોતાનાં સુખસગવડ માટે સતત સાવધાન રહીને કોઈ પણ પ્રકારના સાહસથી, કઠિનાઈથી, અગવડોથી દૂર ને દૂર ભાગે છે. આવા લોકો ફૂંકીફૂંકીને છાશ પીવામાં માને છે. પોતાની જિંદગીને જાતજાતની ગણતરીઓનું કોષ્ટર બનાવી દે છે. પછી તેમને લાગે છે કે આટલી આટલી કાળજીપૂર્વકની ગણતરીઓ છતાં જાણે જિંદગી કોઈ ગણતરીઓને ગાંઠતી જ નથી. કોઈ કોઈ વાર તેમને નવાઈ પણ લાગે છે કે ભેજાનું દહીં કરીને, ઝીણામાં ઝીણી ગણતરીઓ કરીને શૅરોમાં રોકાણ કર્યું તો પાયમાલ થઈ ગયા અને કશી જ ગણતરી વગર ગાંડાતૂર બનીને શૅરમાં જુગાર ખેલ્યા એ માલામાલ થઈ ગયા. ત્યારે માણસે કરવું શું ? માણસે તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને શુદ્ધ બુદ્ધિથી જે નિર્ણય કરવા જેવો લાગે તે જ નિર્ણય કરીને તેના આધારે જ સાહસવૃત્તિ સાથે આગળ વધવું રહ્યું. કોઈ વાર લાભ થાય, કોઈ વાર હાનિ થાય. બીજું કે સાહસ-સાચા અર્થમાં જિંદગીને સાહસ સમજીને જીવવામાં વધુ મજા છે. માણસ માત્ર સફળતા શોધવા નીકળશે ત્યાં તેને ઠેકઠેકાણે નિષ્ફળતા ભટકાવાનો સંભવ રહે છે. જે માણસ સફળતા નહીં પણ પોતાના જીવનકાર્યની સાર્થકતા શોધે છે તેને સાર્થકતાની સાથે સફળતા મળવાનો પણ સંભવ રહે છે.

આપણે ગ્રાહમ ગ્રીનની મૂળ વાત પર આવીએ તો ગ્રાહમ ગ્રીનથી ઊતરતી કક્ષાના લેખકોને નોબેલ પારિતોષિક મળ્યું પણ ગ્રાહમ ગ્રીનને ના મળ્યું. ઈ.સ. 1904ના ઑક્ટોબર માસમાં જન્મેલા ગ્રાહામ ગ્રીનને જ્યારે ઈ.સ. 1986 માં એન્થની બર્જેસે કહ્યું કે તમને હવે નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ. અમેરિકાના નવલકથાકાર સોલ બિલોને મળ્યું, હવે તમને જ મળશે, નહીં ?

ગ્રાહામ ગ્રીને કહ્યું : ‘મેં તો મારું કામ પૂરું કર્યું છે. હવે હું નોબેલ પ્રાઈઝથી વધુ મોટા ઈનામની રાહ જોઈ રહ્યો છું.’
એન્થની બર્જેસે અચંબાથી પૂછ્યું : ‘નોબેલ પ્રાઈઝ કરતાં વધુ ઊંચું ઈનામ ? એ વળી કયું ?’
ગ્રાહામ ગ્રીને કહ્યું : ‘હા, મૃત્યુ !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અસ્મિતાપર્વ-કલાપર્વ – કવિ રાવલ
તરી ગયેલું તરણું – સુરેશ એમ. પરમાર “સૂર” Next »   

13 પ્રતિભાવો : સાચા અર્થમાં જિંદગી – ભૂપત વડોદરિયા

 1. Riddhi says:

  It’s an inspiring article.

 2. baboochak says:

  ભૂપત ભાઈ, “ડોક્ટર હિન્દી હતો” એટલે?
  આઇનસ્ટઇન ગણિત નહિ પણ ભૌતિક વિજ્ઞાન માં નિષ્ણાત હતા.

 3. preeti hitesh tailor says:

  પ્રતિકૂળતાને પોતાનું હથિયાર બનાવી સંજોગોને અનુકૂળ બનાવવા એનું નામ જીંદગી!!

 4. Suhas Naik says:

  I am reading bhupat vadodari’s article since long time from Sandesh ravi purti and I found his articles very interesting…Thanks…!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.