ગાંધી-ગંગા – સં. મહેન્દ્ર મેઘાણી

[તાજેતરમાં જ જેના ભાગ-1 અને ભાગ-2 પ્રકાશિત થયા છે તેવા અત્યંત લોકપ્રિય પુસ્તક ‘ગાંધી-ગંગા’ પુસ્તકમાંનો થોડોક અંશ અહીં લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ગુજરાતના તેમજ અન્ય મોટાભાગના તમામ સાહિત્યકારોએ ગાંધીજી વિશે લખેલા તેમના લેખોનો સંગ્રહ છે. સ્વરાજ્યના આંદોલનમાં જોડાયેલા કેટલાક સેવકોના ગાંધીજીની સાથેના અનુભવો અને સંસ્મરણો છે. ખરેખર વાંચવા અને વસાવવા લાયક આ બંને પુસ્તકોનું પ્રકાશન લોકમિલાપ ટ્રસ્ટે કર્યું છે અને આ પુસ્તકો મેળવવા માટે આપ (0278) 256 6402 પર સંપર્ક કરી શકો છો. ]

અમારી સાથે ધૂળમાં – પુ. લ. દેશપાંડે

સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યાં. બાજુવાળા એક ભાઈના હાથમાં મૂક્યાં, પોતાનું નામ-સરનામું આપ્યું અને કહ્યું :
‘આટલાં ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું !’
પેલા ભાઈએ સવાલ કર્યો : ‘બહેન, આપણે તો કોઈ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘેર પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો ?’
‘તમારા શરીર પર ખાદી ને માથે ગાંધીટોપી છે ને, એટલે !’
***

હું અંગ્રેજી બીજી ચોપડીમાં આવ્યો અને ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ શરૂ થઈ. ચોતરફ ‘ગાંધી-ગાંધી-ગાંધી’ સંભળાતું હતું. હું આઠ-નવ વર્ષનો હતો ત્યારે મારા માથા પરથી કાળી ટોપી ગઈ અને ગાંધી ટોપી ચઢી. મૅટ્રિક થતાં સુધી એનો મુકામ મસ્તક પર હતો. એ ટોપીની માફક ગાંધીજીએ અમારા નાનકડા માથાનો કબજો લીધો હતો, પણ એમનાં દર્શન થયાં નહોતાં.

પહેલવહેલાં દર્શન થયાં એકત્રીસની સાલમાં. મુંબઈના પરા વિલેપાર્લાના એક ચર્ચના પટાંગણમાં સભા હતી. ચર્ચના પાદરીબાબા ગાંધીજીનું આ સંકટ વહોરી લેવા કઈ રીતે તૈયાર થયા હશે, એ તો ભગવાન જાણે ! પણ ત્યાર બાદ ચર્ચના પરિસરમાં કોઈ રાજકીય સભા મેં તો જોઈ નથી. સ્વતંત્રતાની ચળવળ એ આપણું કામ નહીં, એવું પાર્લાના ખ્રિસ્તીઓ માનતા. આથી ચર્ચના પટાંગણમાં ગાંધીજીની સભા હોય એ વાતથી જ અમે તો ચકરાઈ ગયા હતા. લોકોનાં ટોળેટોળાં સભાસ્થળ ભણી જઈ રહ્યાં હતાં. અગાઉ ક્યારેય આવી ભીડ જોઈ નહોતી. અમે તો ક્યારનાયે વહેલા વહેલા જઈને જગા રોકીને બેસી ગયા હતા.

જેમના નામનો સતત જપ થઈ રહ્યો હતો એમનાં પ્રત્યક્ષ દર્શન… કોઈ પણ જાતની નાટકીય ઊતરચઢ વગરની એમની કથનશૈલી…. હજારોના મુખમાંથી નીકળેલી ‘મહાત્મા ગાંધીની જય’ એવી ગર્જના… એવી કોઈક સંમોહિત દશામાં આખો જનસમુદાય પાછો ફર્યો.

એ પછીનાં કેટલાંય વર્ષો ગાંધીમય થઈ રહ્યાં. છાપામાં રોજ ગાંધીજીના નવા કાર્યક્રમની માહિતી, એમના લેખ, એમને વિશેના લેખો. અસંખ્ય માથાં પર ગાંધી ટોપી દેખાવા લાગી. શરીર પર ખાદી ચઢી. કાંતણના વર્ગો શરૂ થયા. આપણા દેશની બધી આધિવ્યાધિઓનું મૂળ અંગ્રેજ રાજ છે, એ જતું રહે પછી ભારત સુખોનો ભંડાર થશે એવી ત્યારે ધારણા હતી. એવા કેફમાં અઢારમું વર્ષ ઓળંગતાં વિશ્વયુદ્ધ આવીને ઊભું રહ્યું.

પંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રૂર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુક્તિનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું. સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. દરિદ્રનારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, એ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. ‘સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે.’ એવા ઉદ્દગાર ખુદ ગાંધીજીએ કાઢ્યા હતા. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું. એમ સ્વરાજનાં અજવાળાંની રાહ જોઈને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું.

સ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું મહાલતું, અંબાડી પર બેઠેલા રાજેન્દ્રબાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત એક બાપુ અમારી સાથે ધૂળમાં ચાલી રહ્યા હતાં.’

મારા દીકરા તે તારા પણ ખરાને – મુકુલ કલાર્થી

એક વખતે મધ્ય પ્રદેશના કૉગ્રેસ પ્રધાનમંડળમાં હરિજન પ્રધાનને લેવા માટે નાગપુરના કેટલાક હરિજનોએ બાપુ સામે સત્યાગ્રહ જાહેર કર્યો હતો. પાંચ પાંચ હરિજનોની ટુકડી સેવાગ્રામ આવે ને ત્યાં ચોવીસ કલાક બેસીને ઉપવાસ કરે. પછી બીજી ટુકડી આવીને ઉપવાસ કરે. આમ ટુકડીઓ બદલાયા કરે. પછી બીજી ટુકડી આવીને ઉપવાસ કરે. આમ ટુકડીઓ બદલાયા કરે.

એ વિરોધ કરનાર હરિજનોને બાપુએ પ્રેમથી આવકાર આપ્યો અને એમને આશ્રમમાં બેસવા તથા રહેવાની સગવડ પણ કરી આપવા તૈયારી બતાવી. જગ્યા પસંદ કરવાનું હરિજનોએ સોંપ્યું. તે લોકોએ બાની ઓસરી પસંદ કરી. બાની ઝૂંપડીમાં એક મોટો અને એક નાનો એમ બે ઓરડાઓ હતા. નાની ઓરડી નાહવા અને કપડાં બદલવા માટે હતી. બાપુએ બાને બોલાવીને કહ્યું : ‘આ હરિજનોનો તારો મોટો ઓરડો આપીશ ને ?’

બાપુજી સામે જ ઉપવાસ કરવા આવેલા એ હરિજનોને બાપુ જાતે જ આવી સગવડ આપે અને પોતાને નાહવાની ઓરડી વાપરવાની સ્થિતિમાં મૂકે એ બાને રુચ્યું નહીં. બાએ ટકોર કરતાં કહ્યું : ‘એમને તમે દીકરા કરીને રાખ્યા તે તમારી ઝૂંપડીમાં જ બેસાડો ને !’
બાપુએ હસતાં હસતાં કહ્યું : ‘હા, એ મારા દીકરા તે તારા પણ ખરા ને !’
અને એ હરિજનોને બાએ પોતાના મોટા ઓરડામાં સગવડ કરી આપી.


વીંધાયેલું હૈયું – પ્રભુદાસ ગાંધી

સાડા ચાર હજાર હડતાળિયાઓને સાથે લઈને જ્યારે બાપુજીએ ટ્રાન્સવાલ ભણી કૂચ કરી હતી ત્યારે એમની કાયા યોગાગ્નિમાં પ્રજ્વળી ઊઠી હોય તેમ એમના શરીરનાં હાડચામ એક થઈ ગયાં હતાં. જેલમાં જઈ બેઠા ત્યારે એમને બહુ થોડું ખાવાનું મળતું. તેમાંયે તેમનું એકટાણું ચાલતું.

એમના કાનથી માંડીને નાક સુધીના જડબાંની ઉપરનાં હાડકાં ઊપસી આવ્યાં હતાં. ગોળ ચહેરો લાંબો થઈ ગયો હતો. હાથપગ એટલા પાતળા થઈ ગયા હતા કે જાણે એ બાપુજીના ન હોય. અને છતાં જેલમાંથી છૂટીને તરત એમણે રાતદિવસ એક કરી નાખ્યાં !

જેલમાં જઈને બેઠા ત્યારે બાપુજીએ એક વિદ્યાર્થીની જેમ પોતાના સ્વાધ્યાય સિવાય બહારની કડાકૂટને કોરે મૂકી દીધી હતી. પણ એ જ બાપુજી અણધાર્યા છૂટ્યા એ જ પળે એમણે જનતાનાં દુ:ખશોકનાં પૂર ખાળવા માટે પાછી કમર કસી અને આખી લડતના સેનાનીનું કામ સંભાળી લીધું. પોતાની ગેરહાજરીમાં લોકોએ કેવાં કેવાં બલિદાન આપ્યાં અને સરકારે કેવો કેવો ભોગ લીધો એ જેમ જેમ તેઓ સાંભળતા ગયા ને જોતા ગયા, તેમ તેમ એમને અંગે લાય લાગી. પણ ક્રોધ-બળતરા તેઓ કોના પર ઉતારે ? એ બધી આપદા તો એમની પોતાની જ નોતરેલી હતી. પોતે અનંત દુ:ખ વેઠવા તત્પર હતા. મરતાં સુધી પાછા ન ખસવાના સોગન એમણે પોતાના ફીનિક્સવાસી સાથીઓ પાસે લેવડાવ્યા હતા. પણ જેલમાંથી નીકળીને એમણે જોયું કે અબોધ ગિરમીટિયાઓએ તો અકલ્પ બલિદાનો આપ્યાં હતાં.

એટલે લડતમાં જે નિર્દોષ ગરીબો મરાયા તેમનાં બલિદાન સાથે તેમ જ પાછળ રહેલાંઓનાં ઘવાયેલાં હૈયાં સાથે તદાકાર થવા માટે બાપુજીએ પોતાની તપસ્યા અને ત્યાગમાં વધારો કરવાનું નક્કી કર્યું. પોતાના એ નિર્ણય અંગે એ રાતે બાપુજીએ મગનકાકાને જે વાત કરી એનો સાર મારા શબ્દોમાં આપવાનો અહીં પ્રયત્ન કરું છું :
‘મારે કહ્યે ભોળાં, નિરક્ષર એવાં હજારોએ પોતાની આહુતિ આપી છે. એ બધાં કેવળ મારી પાછળની શ્રદ્ધાને બળે લડાઈના દાવાનળમાં કૂદી પડ્યાં હતાં. દેખ્યું ન જાય એટલું દુ:ખ તેમણે વેઠ્યું છે. એમનાથી વેગળો હું કેમ રહું ? હવે મારે એમનામાં જ એક બનીને રહેવું જોઈએ. ગોરાઓ વચ્ચે જવું પડે કે રાજધાનીમાં જવું પડે, જ્યાં સુધી સત્યાગ્રહની આ લડતનો અંત નહીં આવે ત્યાં સુધી કોટપાટલૂન હું નહીં પહેરું. મારે તો આ હજારો દુખિયારા ગિરમીટિયાઓમાંના એક બનીને રહેવું જોઈએ. લડતને વાંકે થયેલી વિધવાઓનાં આંસુ લૂછવાને મારે ઓછામાં ઓછું આટલું તો કરવું જ જોઈએ. આવતી કાલથી એક લુંગી ને એક સાદું પહેરણ જ મારા પહેરવેશમાં રહેશે. ચાલુ, પેન્સિલ, કાગળિયાં, રૂમાલ વગેરે ચીજો રાખવા માટે ડરબનમાં આવતીકાલે એક બગલથેલો સિવડાવી લઈશ. લુંગી-પહેરણ આજે જ તૈયાર કરી આપો.’
મગનકાકાએ દલીલ કરતાં કહ્યું : ‘લુંગી કરતાં ધોતિયું પહેરો તો કેમ ? હરવાફરવામાં પણ એ ફાવશે, અને આપણો અસલી પહેરવેશેય એ જ છે.’
‘વાત સાચી, પરંતુ અત્યારે સવાલ ગિરમીટિયાઓનો છે. એમાંનો મોટો ભાગ મદ્રાસીઓનો છે. એટલે એમના સમોવડિયા થવા માટે મારે મદ્રાસી લુંગી જ પહેરવી જોઈએ. મારી લુંગી ચીંથરેહાલ નહીં હોય એટલો ફેર રહેવાનો. જે મર્યા છે તેમની પાછળ શોક પાળવાના ચિન્હરૂપે મૂછોનું મુંડન કરવું જરૂરનું છે. અને પગમાં સેન્ડલ પણ હું નથી રાખવાનો. અસંખ્ય ગિરમીટિયાઓને પગમાં ક્યાં કંઈ પહેરવાનું મળે છે ?’
‘પણ આપના પગ એટલા કસાયેલા નથી. પગની પાનીમાં આપને કાંકરા પીડશે, અને ચાલવાનું તો આખો દિવસ રહેવાનું.’
‘મારા પગનાં તળિયાં તમારા બધા કરતાં વધુ આળાં છે ખરાં, પણ જ્યારે હું લોકોને દુ:ખમાં ધકેલું ત્યારે મારેય કંઈક તો દુ:ખ ખમવું જોઈએ ના ? બહુ પીડા થશે તો થોડું ધીમે ચલાશે, એટલું જ ને ?’

રાતના ઠરાવ પ્રમાણે સવારના પહોરમાં નાહીધોઈને બાપુજીએ મદ્રાસી ઢબની લુંગી અને ગોઠણથી નીચે સુખી આવતું કોથળા જેવું ઢીલું પહેરણ પહેર્યું અને પોતાની મૂછ પણ મૂંડી નાખી. એમના ચહેરાની અસલી શોભા અર્ધી થઈ ગયેલી જણાઈ. પણ એમનો પ્રતાપ આ પગલાથી ખૂબ જ વધી ગયો. લોકોની ઉપર છાપ પડી કે એમનું હૈયું ખરેખર કેટલું વીંધાયું છે.

બાપુજીનો નવો વેશ જોઈને અમને જે દુ:ખ ન થયું, તે પગરખાં વિના એમને ચાલતા જોઈને થયું. ઘરમાંથી બહાર નીકળી સ્ટેશને જવાને આંગણામાં પગ મૂકતાંની સાથે કાંકરા એમને ખૂંચવા માંડ્યા. બબ્બે ને ત્રણ ત્રણ પગલે કાંકરા વાગતા હોવાથી એમને પોતાની એડી અદ્ધર કરી લેવી પડી હતી અને બહુ સંભાળીને પગ મૂકવો પડ્યો હતો. એટલું સારું હતું કે એમણે પોતાના હાથમાં એક લાંબી પાતળી લાકડી રાખી હતી, જેથી પગની પાનીમાં પડેલી ફાટમાં કાંકરો વાગી બેસે ત્યારે પોતાના શરીરનો ભાર એ લાકડી ઉપર મૂકીને પગને જરાક રાહત આપી શકે.

અમારા મનમાં બાપુજીએ બે વાત બહુ સ્પષ્ટ રીતે ભરી દીધી હતી. પહેલી આપણે પૂરી તૈયારી રાખવાની છે; આપણે ડગ્યા વિના, ધીરજથી ને હસતે મુખે એ ત્રાસ ઝીલવા જેટલા બળવાન બનવાનું છે.

બીજી વાત એ કે અહીં દક્ષિણ આફ્રિકામાં આપણી લડતનો નિવેડો આવી જાય તો પછી દેશમાં પહોંચીને આપણે હિંદ સ્વરાજ માટે લડાઈ લડવાની છે, અને તેને સારું આપણે આપણી લાયકાત અનેકગણી વધારવાની જરૂર છે. આ દક્ષિણ આફ્રિકા તો આપણી ભોગભૂમિ છે. કમાવું અને જીવનના સ્થૂળ આનંદ મેળવવા, એ આ ભૂમિમાં પોસાય. પણ હિંદુસ્તાન તો ત્યાગ અને તપસ્યાની જ ભૂમિ છે. આપણા પૂર્વજોએ ભોગવિલાસ કરતાં ધર્મને સદા ઊંચું સ્થાન આપ્યું છે, સુખ માણવાના વિચાર કરતાં કર્તવ્યપાલનને મોખરે મૂકવાની હિંદુસ્તાનની પરંપરા છે.

એ સમયની બાપુજીની તપપ્પૂત મૂર્તિનું જેમ જેમ સ્મરણ-મનન કરું છું તેમ તેમ મને પ્રત્યક્ષ થાય છે કે કેપટાઉનમાંથી બાપુજીની અતિ ઉગ્ર સાધનાના બળે એમના પંડમાંની માનવસહજ દુર્બળતાઓ લગભગ સર્વાંશે ભસ્મસાત્ થઈ ગઈ. માન-અપમાન અને ક્રોધમોહથી ભરેલો ખારોઝેર મહેરામણ તેઓ અગસ્ત્ય ઋષિની જેમ પી ગયા. મૃત્યુભયને એમણે જડમૂળથી ઉખેડી નાખ્યો. વિચાર અને આચરણને તેઓએ એક જ ધૂંસરીએ જોતરી લીધા. એમ કહી શકાય કે બાપુજીએ માનવ કક્ષાએથી ઊંચે જઈને પોતાનું મહામાનવ રૂપ પ્રકાશ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વાદ – સંજવ કપૂર
મારું વેકેશન – મૃગેશ શાહ Next »   

19 પ્રતિભાવો : ગાંધી-ગંગા – સં. મહેન્દ્ર મેઘાણી

 1. Uday Trivedi says:

  ગાંધીજી વિશેની વાત વાંચ્યા પછી આંખમા પાણી ન ભરાઇ આવે એવુ તો બને જ કેમ ? ગાંધીજીએ ભારતને એકલાહાથે સ્વતંત્ર નથી કરાવ્યુ, એમા અગણીત લોકોના પરસેવા પડ્યા છે. પણ ઍમણે માત્ર કહેલી નહી પણ જીવી પણ બતાવેલી જીવન-સાધના અદ્રીતિય છે. સત્ય, અહિંસા, શ્રધ્ધા, સેવા, ત્યાગ, નિખાલસતા, સહજતા, સરળતા આ બધા ગુણો એના શુધ્ધ સ્વરુપે બીજે ક્યાં મળે ? જેમ શ્રી ગુણવંત શાહ કહે છેઃ “ગાંધીજીની ભુલો પણ આદરણીય હતી.” ગાંધીજી આજે પણ સત્ય અને કર્મશીલતાની પ્રેરણામુર્તી છે…

 2. શ્રી મહેન્દ્રભાઇ સંપાદિત બહુ જ સરસ પુસ્તક…

 3. preeti hitesh tailor says:

  આજના રાજકારણીઓમાં આ ગુણો ક્યારેય આવશે ખરા? દેશની સ્વતંત્રતાનો પાયો નાખનાર ગુજરાતનાં આ પનોતા પુત્રને કોટિ કોટિ વંદન!!!

 4. Keyur Patel says:

  આજ ના રાજકારણીઓ પાસે થી આવી કોઈ અપેક્ષા કેવી રીતે રાખી શકાય? ક્યાં એ “ઝેડ” સીક્યોરીટી માં ડરતા નમાલાઓ અને ક્યાં એ નીડર ગાંધી?

  દિલ ખુશ રખને કો “ગાલિબ” યે ખયાલ અચ્છા હૅ……

 5. yunus meman says:

  GAANDHI JI VISHE JETLU LAKHAY, VANCHAY, ANE BOLAAY TETLU OCHU CHE, AE EK AEVA NAYAK HATA JEMNE SAMJVA , ANE ANUSARVA JETLA SARAL TETLAJ MUSHKEL CHE, PACHI BHALE LOKO GANDHIVAAD NA DAVA KARE, AMNA PACHI NA KOI GANDHI AAVYU CHE NA AAVSHE, HA MAHATAMA GANDHI HAMESHA AMAR RAHESHE, AA DUNIYA MA PAN ANE AMARA DIL MAA PAN,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.