બિચારા… સુદામા – વલ્લભ મિસ્ત્રી
[હાસ્યકથા. ‘સંદેશ-વાર્તા-પૂર્તિ-2006’ માંથી સાભાર.]
બિચારા… સુદામા. આજની આ એકવીસમી સદીમાં જીવન ગુજારી રહેલા, વારંવાર ટર્ન લેતી આર્થિક પિચ પર ત્રણ બોલમાં પંદર રન કરવા જેવી મુશ્કેલ નાણાકીય કટોકટી, ગોરપદુ કરીને જે દાન-દક્ષિણા મળે તે જ તેમની આવકનું એક માત્ર સાધન. કમાનાર એક, કકળાટ કરનાર પૂરા પાંચ સભ્યો. આમ છતાં યજમાનોના બહારથી મળી રહેલા ટેકાથી આયુષ્યના બાવન વર્ષ પૂરા કરી ચૂકેલા સુદામાની ડે ઍન્ડ નાઈટ ચિંતા એ હતી કે ‘ઈન્ફર્મેશન ટૅકનોલોજી’ની માયાજાળમાં ભ્રમિત થયેલાં સ્કૂલ-કૉલેજમાં ભણતા સંતાનો ઘરમાં કૉમ્પ્યુટર, કેમેરાવાળો મોબાઈલ (એ ય પાછો નોકિયા ઍન-સીરીઝ), રંગીન ટી.વી. જેવી સ્ટેટ્સ સિમ્બોલ ગણાતી ચીજવસ્તુઓ વસાવવા છાશવારે દબાણ કરી રહ્યાં હતાં.
બિચારા… સુદામા.. છેવટે તો તેમના ખોળિયામાં બાપનો જીવ ધબકી રહ્યો હતો. સંતાનોની ઈચ્છાપૂર્તિ અર્થે વધારાની આવક મેળવવા પ્રયત્નો શરૂ કર્યાં. પ્રારંભે યજમાનો સમક્ષ ડિસ્કાઉન્ટ સ્કીમ મૂકી જેમાં યજમાન આ પૈકીની કોઈ એક ચીજ દાનમાં આપે તો આજીવન તેમને કર્મકાંડ સર્વિસ ફ્રી ! આ સ્કીમનો યજમાનોએ એવો આફટરશોક આપ્યો કે એ સ્કીમ હવામાં જ લટકી પડી. બીજા પ્રયત્ને દક્ષિણાચાર્જ વધારી દીધો ત્યારે યજમાનોએ તેમને ગોરપદેથી છૂટા કરવાની કારણદર્શક નોટિસો પાઠવી દીધી.
હવે સુદામા પાસે એક માત્ર રસ્તો એ બાકી હતો કે આ ચીજવસ્તુઓ લોન-હપ્તે લેવી, પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે લોન મેળવવા જે જરૂરી હતા તે ઈન્કમટેક્ષ રિટર્ન ભરતા નહોતા. આવક હોય તો રિટર્ન ભરે ને ?
બધા જ પ્રયત્નો નિષ્ફળ જવાથી ચિંતાગ્રસ્ત સુદામાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમના સુખ-દુ:ખમાં અત્યાર સુધી સાથ આપનાર સુદામા પત્નીએ સુદામાને તેમના નાનપણના પરમસખા કેશવની દર્દનાશક યાદ અપાવી તેમની મદદ લેવા જણાવ્યું. પરિણામે સુદામાને ક્ષણભંગુર ટાઢક થઈ આવી, પરંતુ મનમાં શંકા એ હતી કે આજે જેની ગણતરી અબજોપતિમાં થઈ રહી હતી, તે ભેરુ કેશવ વર્ષો પછી તેમને ઓળખશે ? કદાચ ઓળખશે તો મદદ કરશે ખરો ? આમ છતાં આશાના એ કિરણને પકડી લીધું.
બીજે દિવસે સુદામા કેશવને મળવા ગાંધીનગર જવા તૈયાર થઈ ગયા. ત્યારે સુદામા પત્નીએ તેમના હાથમાં તાંદુલ બાંધેલી પોટલી આપી. એ જોઈને તેના પુત્રએ કહ્યું : ‘મમ્મી, એ રહેવા દે… તાંદુલ આઉટ ઑફ ડેટ થઈ ગયા છે. તેના બદલે હું જે લાવ્યો છું તે નમકીનના આ પાઉચ પેકિંગ અને ચોકલેટનું આ બોક્ષ આપો !’
‘અને સાથે આ કવર પણ’ બીજા પુત્ર એ કહ્યું.
‘કવરમાં શું છે બેટા ?’
સુદામાએ પૂછ્યું : ‘કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી વગેરેના ભાવપત્રક છે. તમારા મિત્રને આપજો એટલે સમજી જશે કે કેટલી રકમની જરૂર છે !’
‘સારું જય શ્રી કૃષ્ણ’ કહી સુદામા નમકીન, ચોકલેટ સાથે ભાવપત્રકનું કવર લઈ ગાંધીનગર જવા પગ ઉપાડ્યા.
સુદામા હવે કેશવના વિશાળ બંગલાના પ્રવેશદ્વારે આવી પહોંચ્યા હતા. તેમનો દેખાવ જોઈને ચોકીદારે ભીખારી સમજી ડંડો બતાવી આગળ જવા કહ્યું. એ તો સારા નસીબ સુદામાના કે એ સમયે બંગલામાં આરામ કરી રહેલા કેશવની નજર ક્લોઝ સર્કિટ કેમેરાના જોડાણવાળા ટી.વી સ્ક્રીન પર પડી. તરત જ ઈન્ટરકોમ પર ગાર્ડને સૂચના આપી જેનો અમલ કરી ચોકીદાર આદરપૂર્વક સુદામાને બંગલાની અંદર કેશવ પાસે મૂકી આવ્યો.
આંગણે પધારેલા પ્રિય સખાનું ભાવભીનું સ્વાગત કર્યું. બન્ને એકબીજાને ભેટ્યા, ચા-નાસ્તો પતાવી બન્ને સખા ભૂતકાળની ખાટી-મીઠી યાદોને તાજી કરી રહ્યા હતા. આ દરમિયાન નમકીનપેકેટ, ચોકલેટ, કવરને આમતેમ સંતાડવાની કોશિશ કરી રહેલા સુદામાના હાથમાંથી કેશવે તે લઈ લીધાં. પેકેટ, ચોકલેટને બાજુમાં મૂકી કવરમાં રહેલા ભાવપત્રકો પર નજર નાંખી. મરક-મરક હસી કેશવે તેમાં કાંઈક નોંઘ ટપકાવી ત્યાં હાજર રહેલા સેક્રેટરીને આપી દીધા. આજના દિવસની તમામ મીટિંગો કેશવે કેન્સલ કરાવી દીધી. આમને આમ સાંજ પડવા લાગી. એટલે સુદામાએ કેશવની રજા લઈ ઘર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સુદામા એમની જાતને દોષિત માનવા લાગ્યા. અફસોસ એ વાતનો થતો હતો કે પોતે કાંઈ માંગ્યું નહીં અને કેશવે કંઈ આપ્યું નહીં. ધોયેલા મૂળાની જેમ સુદામા ઘરની નજીક આવી પહોંચ્યા હતા. સંતાનોને શું જવાબ આપવો ? એની ચિંતા હતી.
જેવી ભગવાનની મરજી સમજી ધડકતે હૈયે સુદામાએ ઘરમાં પ્રવેશ કર્યો. જોયું તો આ શું ? આશ્ચર્યથી આંખો પહોળી કરીને જોયું તો મોટો પુત્ર કોમ્પ્યુટર પર ગેઈમ રમી રહ્યો હતો, નાનો પુત્ર મોબાઈલ પર મોબાઈલ ઈશ્કબાજી કરી રહ્યો હતો. પત્ની અને પુત્રી રંગીન ટીવીમાં સિરિયલ જોઈ રહ્યાં હતાં.
એક તરફ સુદામાના હરખના આંસુ સાથે પરમસખા કેશવનો આભાર માની રહ્યા હતા, તો બીજી બાજુ ગાંધીનગરમાં કેશવ અને તેમની પત્ની વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો કે ‘સુદામાજીને ઘેર ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર મોકલીને મદદ કરી એ સારું કર્યું, મને ગમ્યું’
‘એમાં મેં કોઈ ઉપકાર કર્યો નથી. આ ચીજવસ્તુઓ ચાલુ હાલતમાં હોવા છતાં આપણા નોકરો પણ તે લઈ જવાની ના પાડતા હતા, ને સુદામાને ત્યાં પહોંચતી કરી ! બિચારાના છોકરા રાજી તો થશે ને ? પણ હા, મારા આ પ્રિય સખા સુદામાની એક બીજી ચિંતા થાય છે.’
‘અરે, બીજી કઈ ચિંતા થાય છે ?’
‘એ જ કે મહિને, બે મહિને જ્યારે લાઈટ-ટેલિફોનના બિલો ભરવાના આવશે ત્યારે સુદામા ક્યા કેશવને શોધશે ? બિચારા… સુદામા…’
સાર : જો તમે સુદામા બનવા તૈયાર હોવ તો કેશવ બનવા ફાઈનાન્સ કંપનીઓ આપની સેવામાં હાજર જ છે !
Print This Article
·
Save this article As PDF
🙂
ગરીબ અને મધ્યમવર્ગની લાચારીની આડકતરી હાંસી ઉડાવતો અને ઉપલાવર્ગના અમુક લોકોની વિચારસરણી બતાવતો એક સરસ ?! લેખ.
મજા પડી,
સંતોષી જીવ સદા સુખી
સરસ…
Too good : ) 🙂 : ) 🙂 🙂
ખુબજ સરસ લેખ.ગમ્યો..
Good one!
chetjo finance company valao….
aajna jamanama sudama pan beimaan nikle chhe……
સરસ્…………………