- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એકાકિની – વિનોદિની નીલકંઠ

માછીમાર અને માંગેલાં, બે કોમના લોકોનાં પચીસ-પચાસ ઝૂંપડાં – ખજૂરાં, નારિયેળ અને તાડનાં ઝાડનાં ઝુંડ વડે જ્યાં ઢંકાઈ રહેલાં છે તે ઝાંઈ નામનું ગામડું ગુજરાતને છેક દક્ષિણ સીમાડે આવેલું છે. ત્યાં દરિયાકાંઠો બહુ રળિયામણો છે અને ઝાંઈને એક પડખે સરુનાં ઝાડનું સોહામણું ગીચ વન છે. તે વનની બીજી તરફ દવિયર નામનું નાનું શું ગામ છે. બીજે પડખે એક નાનકડી ખાડી છે. ખાડીની પાર બોરડી નામનું ગામ છે. આપણને બોરડી પણ ગામડાં જેવું લાગે, પણ ઝાંઈના લોકો તો બોરડીને મોટું શહેર ગણે.

બોરડીના અમારા વસવાટ દરમિયાન, સાંજ પડે દરિયાકાંઠે ફરવા નીકળી પડતાં એકધારાં સહેલાણીઓનાં ટોળામાં ભળી, ‘કેમ છો, સારું છે’ કરતાં અમે કંટાળી જતાં, ત્યારે ખાડીનાં ઘૂંટણપૂર પાણી ઓળંગી ઝાંઈના એકાંત શાંત રેતીવાળા કિનારા ઉપર, ઉઘાડે પગે ફરવા નીકળી પડતાં. જો સાંજની ભરતી ચઢી હોય તો ઘરડો ગોપાળજી અને પડછંદ શરીરવાળો નવજવાન પાંડુ પોતપોતાની નાની નાની નાવડીઓ લઈ બે બે દોઢિયામાં આ પારથી પેલે પાર ઉતારુઓને લઈ જવા તૈયાર જ રહેતા. અમે પણ એ રીતે ખાડી ઓળંગી જતાં.

વૈશાખ મહિનાની એક સાંજે અમે નિત્ય નિયમિત સમય કરતાં ઘણાં વહેલાં ફરવા નીકળી પડ્યાં; કારણકે ખાડી ઓળંગી, ઝાંઈથી આગળ જઈ ગોવાડું, પત્તરગઢ અને દવિયર પણ વટાવી છેક ઉમ્મરગામ સુધી પહોંચી જવાની અમારી નેમ હતી. આનંદભેર વાતો કરતાં, ઉતાવળે અને ઉઘાડે પગે અમે ઉત્તર દિશા તરફ ચાલ્યાં જતાં હતાં. દરરોજ દરિયાકાંઠાથી જુદી જુદી ચીજો શોધી તેનો અમે દરેક જણ સંઘરો કરતાં હતાં પણ આજે દૂર જવાનું હોવાથી રંગરંગીન અવનવા પથ્થર, કોડી, છીપ કે શંખલાં વીણવામાં વખત ગાળ્યા વગર અમે ઝપાટાબંધ માર્ગ કાપ્યે જતાં હતાં. ત્યાં મારા પગમાં ભચ દેતી બાવળની શૂળ પેસી ગઈ ! રંગમાં ભંગ પડ્યો ! શૂળ તો ખેંચી કાઢી પણ તેની અણીદાર ટોચ પગમાં રહી ગઈ. મેં કહ્યું : ‘મારે લીધે ખોટી ન થશો. હું ઝાંઈ ગામમાંથી કોઈ પાસે કાંટો કઢાવી પાછી ઘેર જઈશ, મારાથી તમારી સૌની સાથે હવે ચાલી શકાશે નહીં.’ મારા વગર જવાની એ લોકોની ઈચ્છા ન હતી પણ મેં ખૂબ આગ્રહ કરી તેમને આગળ જવાનું કહ્યું અને હું થોડીવાર તો ત્યાં જ બેસી રહી.

પગમાં દરદની જરા કળ વળ્યા પછી ખોડંગાતે પગે હું ગામતરફ ચાલી. સરુનાં વૃક્ષમાં થઈ મારો રસ્તો જતો હતો. સાવ નિર્જન તે વન જણાતું હતું. માત્ર સમુદ્રનો સંદેશો લઈને વાતો વાયરો સરુની ઝાડીમાં સુસવાટા મારી રહ્યો હતો. ત્યાં અચાનક મેં એક કૌતુક દીઠું. ભોંય ઉપર એક ચટાઈ ઉપર એક ફૂલગુલાબી ગોરું ગોરું છોકરું સૂતેલું હતું ! બાળકની પાસે એક ગૌરાંગી સ્ત્રી બેઠી બેઠી ઊનનાં મોજાં ગૂંથી રહી હતી ! રાતદિવસ સમુદ્રનાં ખારાં પાણી અને તડકામાં રખડપટ્ટી કરી જેમની ચામડી કાજળકાળી બની ગઈ હોય છે તેવા માછીમારના પ્રદેશમાં આવી સ્ત્રી અને આવું બાળક ક્યાંથી ? સ્ત્રીનો પહેરવેશ પારસી સ્ત્રી જેવો હતો અને તેનાં રંગરૂપ તદ્દન ન્યારાં હતાં. મને નજીક આવતી જોઈ તે ચમકી. તેની આંખમાં ગભરાટ દેખાયો કે પછી મને તેનો આભાસ માત્ર થયો હશે ? હું તેની પાસે જઈ રેતીમાં બેસી ગઈ અને મેં સાવ સ્વાભાવિકતાથી કહ્યું : ‘મારા પગમાં કાંટો ભોંકાઈ ગયો છે, તમારી પાસે સોય કે ટાંકણી છે ? તેની પાસે સોયદોરાની એક સુંદર પેટી હતી. તેણે કશું બોલ્યા વગર મને સોય આપી. મેં સોય લીધી.

પણ ડાબા પગની એડીમાં એવી કઢંગી જગાએ કાંટો પેઠો હતો કે જમણા હાથમાં સોય પકડી અવળો પગ રાખી કાંટો કાઢવો મને મુદ્દલ ન ફાવ્યો. છતાં મેં મથામણ કરી, પેલી ગૌરાંગી સુંદરી મારી તરફ જોઈ રહી હતી, પરંતુ એક શબ્દ પણ બોલતી ન હતી. મારી વિસામણ જોઈ, તેણે બીજી સોય કાઢી મારો પગ પકડી ધીરે રહીને જરીકે દુખાડ્યા વગર આસાનીથી કાંટો ખેંચી કાઢ્યો ! મને બહુ સુખ વળ્યું. ક્ષણભર વિચાર આવ્યો કે આગળ ગયેલા સાથીદારોની પાછળ ઉતાવળે ચાલીને પહોંચી વળું? પણ મેં નજર માંડી તો એ લોકો તો પુષ્કળ દૂર ચાલી ગયેલાં. દૂરથી ઝીણાં ટપકાં જેવી જ તેમની આકૃતિઓ જણાતી હતી. તેમને પહોંચી વળવાની આશા મિથ્યા હતી. જેથી જ્યાં બેઠી હતી ત્યાં જ બેસી નમતો તડકો થાય પછી ઘર ભણી પાછાં ફરવાનો મેં વિચાર કર્યો. પેલી યુવતીને સંબોધી મેં કહ્યું, ‘ઘણી મહેરબાની થઈ બહેન ! કાંટો નીકળી ગયો તેથી એવો કરાર લાગે છે !’ મેં વિચાર્યું ‘શું આ બહેરી-મૂંગી સ્ત્રી હશે ?’ પણ ના, મારા શબ્દો સાંભળી તેણે જરાક હોઠ મલકાવ્યા એટલે મારી ખાતરી થઈ કે બહેરી તો નહોતી જ.
સવાલ પૂછવાને બદલે મેં કહ્યું : ‘અમે અમદાવાદથી આવ્યા છીએ. બોરડીમાં નાનકડો બંગલો-છેક દરિયાકિનારે- ભાડે લઈને રહ્યાં છીએ. હજી મહિનો એક રહીને, પછી પાછાં જઈશું.’
મારું બોલવું સાંભળી તે સુંદરીએ જાણે નિરાંત અનુભવી કે પછી મને એવો આભાસ થયો ? ગમે તેમ હોય તે હવે બોલી : ‘ઓ ! તમે તો હિંડુ જેવું બોલો છો ? હું તો સમજી તમે પારસી હોસો ! ને મુંબઈ તરફના હોસો.’
હું પારસી પણ નથી અને મુંબઈની પણ નથી તેથી શું એ ખુશ થઈ હતી ? કોણ જાણે… મેં હસીને કહ્યું : ‘તમે પોતે મુંબઈના પારસી છો તેમાં કોઈને શંકા પડે એવું છે જ નહીં’ મને લાગ્યું કે મારું બોલેલું તેને જાણે ન ગમ્યું. તે બોલી : ‘મારી તો વાત જ જવા દો ને ! હું તો કેટલા મહિનાથી આ ઝાંઈ ગામમાં જાણે જીવતી દટાઈ ગઈ છું. પણ તમારી સાથે ચાલતાં હતાં તે તમારા પતિ અને બાળકો હતાં ?’ મેં હા પાડી એટલે તેણે ઊંડો નિસાસો મૂક્યો. તે જ ઘડીએ પેલું બાળક ઊંઘમાં સહેજ ઠણક્યું, એટલે તે સુંદરીએ કાંડાની ઘડિયાળમાં સમય જોઈ, બાળકને ખોળામાં લઈ એક સુંદર કેનવાસના ભરતકામવાળી થેલીમાંથી દૂધની ભરેલી બાટલી કાઢી અને બાળકના મોઢામાં આપી. અર્ધી-પોણી ઊંઘમાં જ બાળક મઝાથી દૂધ પીવા મંડી પડ્યું.

ખરેખર કોઈને પણ વહાલું લાગે એવું – ગુલાબની અર્ધખીલી કળી જેવું તે બાળક હતું. મેં પૂછ્યું : ‘દીકરી છે કે દીકરો છે ?’ અનિમિષ નેત્રે પોતાના બાળકને નીરખી રહેલી તે માતાએ જવાબ દીધો, ‘દીકરી છે. નવ મહિનાની થઈ. અમે તેનું નામ ‘કમલ’ પાડ્યું છે.’
મને જરા નવાઈ લાગી મેં કહ્યું : ‘નામ તો સરસ છે, પણ આવું નામ હોતું નથી.’
મીઠાઈ ખાતાં અચાનક કડવી બદામ ચવાઈ ગઈ હોય તેવું મોઢું કરી તે તિરસ્કારસૂચક રીતે બબડી ‘અમારામાં !’

હવે મારા મનમાં ખૂબ જ ઈન્તેજારી ઊભરાવા લાગી. નાનકડા બાળકને લઈને સમુદ્રના આ નિર્જન કાંઠા ઉપર વસેલી આ એકાકિની નારીના જીવનમાં જરૂર કોઈ છૂપું દર્દ તથા છૂપો રોમાન્સ હોવાનો મને આભાસ થયા, પરંતુ તેના દિલમાં છુપાવેલી કોઈ વાત જાણી લેવાનો મને કશો અધિકાર ન હતો તે હું સારી પેઠે સમજતી હોવાથી મેં તેને કશું ન પૂછ્યું. અણઘટતો સવાલ પૂછી તે સુંદરીનું દિલ દુભાવવાનો પણ મારો ઈરાદો ન હતો. કોઈ દુ:ખદ ઘટના ભૂલી જવા તે ક્દાચ પ્રયત્ન કરતી હોય તો તેનો આળો ઘા ઉબેળવાની પણ મને ઈચ્છા ન થઈ. તેથી તે દિવસે તો અમે એલારપેલારની ઘણી ઘણી વાતો કરી. દરિયાકાંઠાના હવાપાણી, શાકભાજીની અછત, દૂધ-ઘીના શહેરથી પણ મોંઘા ભાવ, નાનાં બચ્ચાંઓની પાચનશક્તિ વગેરે કાંઈક વાતો કરી, જેમાં માત્ર સ્ત્રીઓને જ રસ પડે.

આથમણી દિશામાં દિવસના રાજાને વિદાય દેવાની તૈયારીઓ ધામધૂમથી થઈ રહી હતી. તે જોઈ હું ઘેર જવા તૈયાર થઈ. ઊઠતી વખતે નાનકડી કમલની ગુલાબી હથેળી ખોલી મેં તેમાં બે રૂપિયા મૂકી દીધા. ફરી મળવાના કોલ-કરાર લઈ-દઈ અમે છૂટાં પડ્યાં. તે પછી ઘણા દિવસો વીતી ગયા. દમ્મણ, દહેણું તથા કોસબાડ વગેરે જવામાં, ઊજાણીઓ ગોઠવવામાં, મહેમાનોની સરભરામાં, આફૂસની કેરીઓના ઘરમાં ભેગા થયેલા જથ્થાને સાચવવામાં, વાંચન તથા લેખનમાં, રમતગમતમાં એક પછી એક દિવસો વહી જતા હતા. ઘણા દિવસ પછી એક દિવસ વહેલી સવારે મારી દીકરીને લઈ હું ઝાંઈ તરફ ફરવા નીકળી. સવારની ભરતી હોવાથી અમે ગોપાળજીની હોડીમાં ચડી ખાડી પાર કરી અને કોડીઓ શોધતાં દવિયર તરફ ધીમે ધીમે ચાલતાં ગયાં. પેલે જ સ્થળે અમે નાની કમલને જોઈ, પરંતુ તેની પાસે આજે એક ઘરડી માછણ બેઠેલી દેખાઈ. કમલને જોવા અને રમાડવા અમે ઊભાં રહ્યાં. મેં માછણને પૂછ્યું : ‘કમલની મા ક્યાં છે ?’ ડોસીએ દરિયાની ચઢતી ભરતી તરફ આંગળી ચીંધી. મેં જોયું તો દરિયાનાં ઊછળતાં પાણીમાં તે એકાકિની નવયૌવના સ્નાન કરી રહી હતી. તેને જોઈ મારી દીકરીએ મને પૂછ્યું : ‘મા, વાર્તામાં આવે છે એવી આ કોઈ નાગકન્યા તો નથી ને ?’
અમે આગળ ચાલ્યાં. નાગકન્યા, અપ્સરા, મરમેઈડ, સાગરમંથનમાંથી નીકળેલાં લક્ષ્મીદેવી વગેરે વિધવિધ વિષયો તરફ અમારી વાતનો વળાંક વહી રહ્યો હતો. ઠેઠ દવિયર સુધી ફરીને અમે પાછાં વળ્યાં, ત્યારે કમલ કે એની માતા ત્યાં હતાં નહીં.

તે કોણ હતી ? કેમ ઝાંઈ ગામમાં રહેતી હશે ? આ પ્રશ્નોએ મારા મનને ચોપાસથી આવરી લીધું અને મારા મને તે સુંદરી વિશે અનેકાનેક કલ્પનાઓ દોડાવવા માંડી : કોઈ રંગીલા પારસી જુવાનના પ્રેમમાં પડી આ સુંદરીએ અધીરાઈમાં આવી લગ્ન પહેલાં દેહસંબંધ બાંધી દીધો હોય, તેમાંથી કમલનો જન્મ થયો હોય ! ગુસ્સે ભરાયેલા બુઢ્ઢા પારસી બાવાજીએ કમલને અહીં એકાંત ગામડામાં દેશવટો દીધો હોય એમ ન બન્યું હોય ? કે પછી આ સુંદરી કોઈ એવા રોગથી પીડાતી હોય કે તેને દરિયાકિનારાના લાંબા ગાળાના વસવાટની આવશ્યકતા હોય ? કદાચ આ કોઈ ચિત્રકાર કે કવિયત્રી હશે ? પ્રેરણા લેવા અને શાંતિ અનુભવવા તે સાગરકાંઠે આવીને વસી હશે ? કોઈ માછીમારના મરદાનીભર્યા સશક્ત અને માંસલ દેહ ઉપર મોહિત થઈ આ નવયૌવનાએ માછીનું ઘર તો ન માંડ્યું હોય ? આવી પરીસૂરત પત્ની અને ફૂલગુલાબી બાલિકાને તજીને તેનો પતિ વિપથે ગયો હોય એવું તો ન જ બને ! કદાચ લગ્ન પછી તરત કોઈ કારમાં અકસ્માતથી આ સુંદરીનો પતિ મૃત્યુ તો ન પામ્યો હોય ? દિલનો અપાર ગમભૂલાવાના પ્રયત્ન માટે તે આ ગામડામાં આવીને રહી હોય ? અગર આ યુવતી, પતિને બેવફા નીકળી હોય તેથી રોષે ભરાઈ, ઈર્ષાથી બળી જતા પતિએ તેને દેશવટો દીધો હોય એવું બનવાનો સંભવ ખરો ? – આવી અસંખ્ય વિષમપરિસ્થિતિઓ મેં મનમાં ઊભી કરી અને મનમાં જ રદ કરી. છેવટે તે સુંદરીએ મારા મન ઉપર એવું તો પ્રભુત્વ જમાવ્યું કે તેને મળ્યા સિવાય મારો છૂટકો જ નથી, એમ મને થયું.

તેથી હું ફરી એક દિવસ તે જ સ્થળે જઈને બેઠી. તે યુવતી હજી ત્યાં આવી ન હતી, તેથી વખત પસાર કરવા મેં રેતી ખોદી મંદિર બનાવવા માંડ્યું. દરિયાકિનારે સૌ મંદિર જ કેમ બનાવતાં હશે, એવો હું વિચાર કરી રહી હતી ત્યાં પેલી સુંદરી નાની ફૂલકળીશી કમલને લઈને આવી પહોંચી. મારી પાસે આવી ચટાઈ બિછાવી કમલને તેના ઉપર બેસાડી તેનાં રમકડાં ગોઠવી તે પોતે બાજુએ બેઠી.

મેં પૂછ્યું : ‘તમે અહીં તદ્દન એકલાં જ રહો છો ?’ તેની આંખોમાં વિષાદની છાયા જાણે ફરી વળેલી મને જણાઈ, તેના હોઠ ફિક્કા પડી ગયા, તેના ચહેરા ઉપરનું નૂર ઝાંખું પડી ગયું અને દર્દભર્યે સ્વરે તેણે ઉત્તર દીધો, ‘એકલી તો કેમ કહેવાઉં ? મારી કમલ મારી સાથે છે ને ?’
મેં કહ્યું : ‘ખરું કહ્યું, માતા બનેલી સ્ત્રી કદી એકલી પડતી જ નથી. પણ તમારા પતિ અહીં જણાતા નથી.’ પૂછતાં પૂછ્યું તો ખરું પણ પછી મને ભારે પસ્તાવો થયો. કદાચ તેના કોમળ હૈયા ઉપર મેં આ પ્રશ્નથી આઘાત તો નહીં કર્યો હોય ને ? બધું રદ થઈ શકે છે, પણ બોલેલા બોલ પાછા ખેંચી લેવાતા નથી. તેવી બે દાંત વચ્ચે જીભ કચરી, તે શું જવાબ દેશે, તે વિચારથી ડરતી ચૂપચાપ હું બેસી રહી.

કમલ પર ઠરેલી પોતાની આંખો ખસેડી તેણે દરિયા તરફ દૂર દૂર ક્ષિતિજ ભણી જોયા કર્યું અને જાણે એટલી દૂરથી મજલ કરી એની આંખો થાકી ગઈ ન હોય તેમ તેણે પોતાની નજર પાછી ખેંચી લીધી અને પછી મારા તરફ નજર માંડી તે બોલી : ‘તમને મારી વાત કહેવામાં કશી અડચણ નથી. મારું મન પણ કદાચ તેથી હલકું થશે.’ અને તેણે પોતાની વાત શરૂ કરતાં કહ્યું : ‘જાને મારું નામ છે રોશન. માય બાવાની હું એક જ દીકરી. એક ભાઈ ઉતો તે વેલાત શીખવા ગયેલો. ત્યાં ન્યૂમોનિયા થવાથી બિચારો ગુજરી ગીઓ. મેં બી અહીં સિનિયર કેમ્બ્રિજની એકઝામઆપી ને પછી જાને હું પેરીસની એક ફિનીશિંગ સ્કૂલમાં શીખવા ગઈ. ગયે વરસે જ હું ત્યાંથી પાછી ફરી.’ ખોળામાં ઊંઘી ગયેલી કમલને તેણે ચટાઈ ઉપર જાળવીને સુવાડી દીધી. મેં ઝાંઈના ગામડા તરફ નજર કરીને પૂછ્યું, ‘પેરીસ પછી આ ઝાંઈમાં તમને શેનું ગમતું હશે ? આસમાન ને જમીન જેટલો ફરક.’ જરીક હસીને રોશને જવાબ દીધો, ‘પછી પેરીસથી આવતી વખતે બોટમાં એક આઘેડ વયના પારસી પ્રોફેસર સાથે મને ઓલખ પડી. હું તદ્દન રમતિયાળ પતંગિયા જેવી અને એ તદ્દન ગંભીર અને ઠરેલ. મારી ઉમ્મર ઓગણીસ વરસની અને એવન પિસ્તાળીસના. દેખાવમાં પણ કાંઈ ઘણા સરસ તો ન જ કહેવાય. જો કે રંગે ઘણા સફેદ અને લાંબા-પહોળા બી મઝેના. બસ મને તે બહુ ગમી ગયા અને મારી ઘણી નવાઈ વચ્ચે મેં જોયું કે તેવણને પણ હું ગમી ગઈ હતી ! સ્ટીમર ઉપર બે-ત્રણ નવજવાન પારસી છોકરાંઓ હતાં. હિંદુના તો ઘણા જ સ્માર્ટ જુવાનો હતા પણ કોણ જાણે ગયા જન્મની લેણાદેણી હોસે તે મને તો આ પ્રોફેસર ઝાંઈવાલા જ ઘણા ગમી ગયા.’ એટલું બોલી તે પોતાના પ્રીતમને યાદ કરતી હોય તેમ મીઠાં સ્મરણોમાં ઘડીભર લીન બની ગઈ.

‘ઓ ત્યારે તો એ ઝાંઈના છે.’ મેં પૂછ્યું. ત્યારે તેણે જવાબ દીધો : ‘હાસ્તો ! અહીં મારા વડસસરાના વખતનું મકાન છે.’ ઝાંઈમાં બધાં જ માછીનાં ઝૂંપડાં છે, પણ બે-ચાર પાકાં મકાન પણ જોયેલાં, તે મને યાદ આવ્યું.
‘તમે શીખેલાં-ભણેલાં છો તો બહેન મને જણાવો કે મારા જેવી રમતિયાળ, તદ્દન આછકલી, ગંભીરતાથી કંટાળતી, હસતી-નાચતી પોટ્ટીને આ મહાસાગર જેવા મહાગંભીર, બુદ્ધિશાળી અને વિદ્વાન અને વળી આટલી મોટી ઉંમરના પ્રોફેસર કેમ ગમી ગયા હશે ? લોકો તો કહે છે કે સરખેસરખા સ્વભાવવાળા માણસો દરેક એકબીજા તરફ ખેંચાય છે !’
મેં કહ્યું : ‘રોશનબહેન, કોઈ વખત તદ્દન પરસ્પર વિરોધી વ્યક્તિઓ પણ એકબીજા તરફ ખેંચાય છે. તેનું કારણ એ હશે કે પોતાનામાં જે નથી, તે બાબતોની ખોટ પૂરવાની તેમને ઈચ્છા થતી હશે. જેમ સમાનધર્મી દંપતી બહુ સુખી હોય છે, તેમ અન્યોન્યની ન્યૂનતા પૂરનારાં પતિપત્ની પણ ઘણાં સંતોષથી રહી શકે છે.’ ‘ઓ બાપ ! તમે પણ મારા પ્રોફેસરના જેવું જ અઘરું બોલવા મંડી ગયાં ! જો કે તમારું કહેવાનું સમજી ગઈ છું.’ રોશન બોલી.

હજી મારા મનની ગૂંચ ઊકલી ન હતી. તેથી મેં પૂછયું : ‘પણ આટલા પ્રેમથી પરણ્યાં, ને હવે અહીં છ મહિનાથી એકાન્તવાસ કેમ સેવો છો ?’
‘ઓ ! રખ્ખેને તમે એમ સમજતાં કે અમને ધણીધણિયાણીને લઢવાઢ થઈ છે ! તમે શું સમજેલાં તે મને નહીં કહો ?’ હસી પડતાં તે સુંદરી બોલી.
‘હું શું સમજી હતી, તે તો કહેવા જેવું જ નથી.’ મેં પણ હસતાં હસતાં ઉત્તર દીધો.
પછી તેણે કહ્યું : ‘એવણ સોળમી સદીના ફારસી કવિઓ ઉપર એક ઘણું ભારે વિદ્વતાભરીઉં પુસ્તક લખે છે. લખનૌની યુનિવર્સિટી તરફથી તે કામ કરવાનું એવણને સોંપાયેલું છે. અર્ધુંપોણું કામ પતી ગયું છે, પણ મારે લીધે એવણ બિલકુલ લખી શકતા ન હતા. હું આખો વખત કીટ કીટ ઘણી કરું અને વળી પાછી કમલ આવી. પ્રોફેસર કહે છે કે તેં મને સંસારની માયામાં તરબોળ કરી દીધો છે. તારું મોઢું જોવામાં અને કમલને રમાડવામાં મારી બધી વિદ્વતા અભરાઈ ઉપર ચઢી બેસે છે. તેનો મને વાંધો નથી, પણ આટલી ચોપડી તો પૂરી કરવી જ પડશે. જ્યારે કંઠે પ્રાણ આવ્યા જેવું થયું ત્યારે મને અને કમલને અહીં મોકલી દીધાં. દર પંદર દિવસે અહીં આવી જાય છે.’

‘પણ તમને અહીં ગામડામાં દાટી દીધાં, તે કરતાં, એ પંડિતજી આ ઝાંઈના બાપીકા વનમાં રહ્યા હોત તો ? અગત તમે તમારાં માને ઘેર રહેવા ગયાં હોત તો ? આ તમારા જેવી તરુણીને આવા માછીમારના ગામડામાં શી રીતે ગમે ? અને તમારે જવું હતું તો મસૂરી જેવા રંગીલા સ્થળે કેમ ન ગયાં ? ઝાંઈ કરતાં તો છેવટ ડુમ્મસ પણ વધુ વસ્તીવાળું !’
રોશનબાનુએ મારા ઘણા પ્રશ્નોનો સામટો જવાબ દેતાં કહ્યું : ‘પંડિતજી જો ગામડામાં દટાય તો તેમને મુંબઈની લાઈબ્રેરી વગર એક દિવસ પણ ન ચાલે. આ ચોપડી લખવા માટે પણ લાઈબ્રેરીના મોટાં મોટાં થોથાં દરરોજ ઉથલાવવાં પડે છે અને માનું ઘર તો એ જ મકાનમાં તે જ માળ ઉપર જુદા ફ્લેટમાં છે. તેમ તો તેમનો અભ્યાસ ચાલે જ નહીં. મસૂરી જવાનો પણ વિચાર કરેલો, પણ હું તો ડિસેમ્બર મહિનામાં નીકળી, એટલે ત્યાં કેટલી ઠંડી પડે ! વળી, અહીં તો મારા પ્રોફેસર પંદર દિવસે એક વાર પણ આવે છે. મસૂરી જાઉં તો તેટલું પણ ન મળાય. એટલે દૂર તો અમે એકબીજા વગર રહી જ ન શકીએ. અને ડુમ્મસ, ઝાંઈ, બોરડી બધાં દરિયાકાંઠાનાં ગામ મારે મન તો સરખાં જ ‘ડલ’ છે, જ્યાં સિનેમા થિયેટર નહીં, નાટક નહીં, ચા પાર્ટી, ડિનર પાર્ટી કે ફેન્સી ડ્રેસ ડાન્સપાર્ટી નહીં, ઘોડાની શરત નહીં, કલબ નહીં, ટેનિસ નહીં – તો તે બધું મારા જેવીને મન તદ્દન સરખું જ. વળી આ ઝાંઈમાં બાપીકું ઘર છે, એટલે ઘરનું ભાડું પણ બચે, વળી મુંબાઈથી આ નજીક પણ પડે.’
મેં કહ્યું : ‘હવે બધી સમજ પડી. છતાં એક વાત ન સમજાઈ !’
‘હજી વળી કંઈ બાકી રહે છે !’ ખૂબ ગમ્મત પામીને હસતાં તે રૂપસુંદરી બોલી ત્યારે મેં પૂછ્યું : ‘તમે મને પહેલી વાર મળ્યાં, ત્યારે હું મુંબાઈની નથી અને પારસી પણ નથી, તે જાણી તમે ખુશ કેમ થઈ ગયેલાં ?’ ‘તેનું કારણ ભાઈસાહેબ અમે આ પ્રમાણે રોમેન્ટિક લગ્ન કર્યા અને એક જ વરસ પછી આમ જુદાં પડી ગયાં છીએ એટલે અમારા લોકો તરેહવાર વાતો ચલાવે છે. રોશનને પ્રો. ઝાંઈવાળા સાથે બનતું નથી, એનો વર એને મારે છે, રોશન બીજા કોઈ સાથે પ્યારમાં પડી છે, પ્રો. ઝાંઈવાળાએ કાઢી મૂકી છે, બચ્ચું પણ કોઈ બીજાનું છે તે જાણી હવે પ્રોફેસર છૂટાછેડા માગે છે, રોશનને ક્ષયરોગ થયો છે, મા-બાપ સાથે પણ તકરાર પડી છે – આવી ઘણી વાતો ચાલે છે. તેથી પારસી ભાઈ-બહેનને જોઈને મને ધ્રૂજારી છૂટે છે.’

મેં પૂછ્યું : ‘હવે આ ફારસી કવિઓ ઉપરનું પુસ્તક તમારા પંડિતજી ક્યારે પૂરું કરશે ? તમારે આમ જુદાં રહેવું પડે છે, તે જોઈ મારો જીવ ઘણો બળે છે.’
રોશને ઉત્તર દીધો : ‘આ પંડિતજી નામ મને ઘણું ગમ્યું છે. હું આજે કાગળમાં તે જ નામ લખવાની છું. હવે પંદરમી જૂને બધું સમેટી લઈ મારા પંડિતજી મને તેડવા આવશે ને પછી વાર્તાઓમાં આવે છે એમ ખાઈ-પીને મોજ કરીશું.’

રોશનની વાર્તા પૂરી થઈ. મારી વાર્તા પણ પૂરી થઈ ગઈ. કુદરતને ખોળે બેસી, જુદા જુદા પ્રદેશોમાં રહેતા જુદા જુદા લોકોના જીવનના પરિચયને પામવાનો આ એક સુંદર લ્હાવો હતો.