ફૂલ એમ મહેકે – લતા ભટ્ટ

story‘રાહુલ… રાહુલ…. રાહુલ.. શું થઈ ગયું છે આ રાહુલને ? હજુ, ગઈકાલ સુધી તો બધું બરાબર હતું અને આજે અચાનક શું થઈ ગયું !’

રાહુલ એટલે વિશાખાનો બાળપણનો પ્રેમી અને છ મહિના પહેલા વિશાખા સાથે લગ્નગાંઠે બંધાયેલો જીવનસાથી. વિશાખા તેને સારી રીતે ઓળખતી હતી. ગમે તેવી પરિસ્થિતિને હળવાશથી લઈ લેતો. આજ સુધી વિશાખાએ ક્યારે તેને ગુસ્સે થતા નહોતો જોયો. વિશાખા ગુસ્સે થતી તો પણ રાહુલ તેને પળભરમાં મનાવી લેતો. રાહુલનો આ ગુણ વિશાખાને ખૂબ ગમતો. જો કે, તેને ક્યારેક ગુસ્સો પણ આવતો. બીજા દંપતીની જેમ તેને પણ પતિદેવ સાથે ઝઘડવાનું મન થતું, પણ એકલા એકલા થોડું ઝઘડાય ? રાહુલ ઝઘડા માટેનું કંઈ કારણ જ ઊભું થવા ન દેતો. સમયસર ઘેર આવી જતો. ઘરની બધી જવાબદારી તે સંભાળી લેતો અને વિશાખાને તે ખૂબ પ્રેમથી રાખતો.

આજે વિશાખાને મનમાં છૂપો આનંદ થયો. હાશ ! ઝઘડા માટેનું કોઈ કારણ તો મળ્યું. પણ સાથે એક ડર પણ લાગ્યો કે, ક્યાંક રાહુલ હાથમાંથી તો નહીં જતો રહે ને ? ગઈ કાલે રાહુલ ઑફિસેથી તેના મિત્ર પ્રણવ સાથે ઘેર આવ્યો. આવતા આવતા તેઓ બંને વચ્ચેનો સંવાદ વિશાખાએ સાંભળ્યો. પ્રણવે કહ્યું : ‘યાર, કમાલ છે આ રૂબી મેડમ તો.’
‘રૂબી મેડમ તો તારા માટે હશે મારા માટે તો માત્ર રૂબી જ.’
‘હા ભાઈ, તું તો રૂબી મેડમનો ખાસ માણસ છે.’

વિશાખાના પેટમાં તેલ રેડાયું. આ વળી રૂબી મેડમ ક્યાંથી ફૂટી નીકળી ? આ પહેલાં તો ક્યારેય એનું નામ નહોતું સાંભળ્યું. રાહુલ કે જે કોઈ સ્ત્રી સામે આંખ ઊંચી કરીને પણ ન જુએ તે રૂબી મેડમના આટલાં વખાણ કરે છે ? પ્રણવના ગયા પછી વિશાખાએ રાહુલનો ઉઘડો લીધો. ઊલટતપાસ કરી પણ રાહુલ તો હસતો જ રહ્યો, જાણે નાના બાળકની બાલિશ વાતો પર હસીએ તેવું જ. પણ વિશાખાને શાંતિ ન થઈ. એ પછી તો વારંવાર રાહુલના મોંઢે રૂબી મેડમનાં વખાણ સાંભળવા મળતાં.

એક દિવસ વિશાખાએ પૂછ્યું : ‘રાહુલ, શું રૂબી મારા કરતાંય સુંદર છે ?’
રાહુલે હસતાં હસતાં કહ્યું, ‘વિશાખા, તું તે તું છે અને રૂબી તે રૂબી છે. બંનેની સરખામણી ન હોય.’ ફરી તે હસવા લાગ્યો. વિશાખાને સંતોષ ન થયો. તેણે બીજે દિવસે પ્રણવને પૂછી જ લીધું કે, ‘રાહુલ અને રૂબી વચ્ચે કેવો સંબંધ છે ?’ પ્રણવ પણ હસવા લાગ્યો. ‘ભાભી તમેય શું ? તમને શક કરવા માટે બીજું કોઈ નહીં ને રૂબી મેડમ જ મળ્યાં ?’

વિશાખાની નજર રાહુલ સાથે કામ કરતી અવનિ પર પડી. તેણે અવનિને પૂછી જોવાનું નક્કી કર્યું. વિશાખાએ અવનિને ફોન કર્યો. અવનિએ કહ્યું કે, હું રૂબીને ઓળખતી નથી, કારણકે રૂબીને મારી જગ્યાએ જ લેવામાં આવી છે. પણ હા, તેનાં વખાણ ખૂબ સાંભળ્યાં છે.

વિશાખાને હવે રાતદિવસ રૂબીના જ વિચારો આવતા. કેવી હશે રૂબી ? ક્યાં રહેતી હશે ? તેના અને રાહુલના સંબંધો કેવા હશે ? નથી રાહુલ કશું કહેતો, નથી પ્રણવ પાસે કોઈ માહિતી મળતી કે નથી અવનિ તેના વિશે કશું જાણતી. રાહુલને આજ ઑફિસેથી આવતાં મોડું થયું. વિશાખાએ ઑફિસે ફોન કરી જોયો. ત્યાં રિંગ વાગતી હતી. રાહુલ સાથે મોબાઈલ પર પણ વાત ન થઈ શકી. રાહુલનો મોબાઈલ ઑફ હતો. વિશાખાએ પ્રણવને ફૉન કર્યો. પ્રણવે કહ્યું : ‘સોરી ભાભી, તમને કહેવાનું ભૂલી ગયો. રાહુલ આજે રૂબી મેડમ સાથે શોપિંગ કરવા માટે ગયો છે. રાહુલે મને આ મેસેજ તમને આપવાનું કહ્યું હતું.’ વિશાખાએ રાતે જમવાનું જ ન બનાવ્યું. તેને બહુ ગુસ્સો ચઢ્યો હતો. રાહુલ મોડેથી ઘેર આવ્યો ત્યારે વિશાખાએ તેની ખબર લઈ નાંખી, પણ રાહુલ તો પોતાના કાન પકડીને કહે, ‘સોરી બાબા, હવેથી તને કહીને જઈશ અને મોબાઈલ ઑફ નહીં રાખું, બસ. આ તો રૂબીને તેની ઍલર્જી છે એટલે.’ વિશાખા કહેવા જતી હતી કે, આજે મેં જમવાનું નથી બનાવ્યું ત્યાં રાહુલે સામેથી કહ્યું કે, આજે મેં રૂબી સાથે જમવાનું હૉટલમાં જ પતાવી દીધું છે અને હા, રૂબીએ તારા માટે પણ પાર્સલ બંધાવ્યું છે, તું જમી લેજે.’ વિશાખાને ખૂબ ગુસ્સો ચઢ્યો તે જમ્યા વગર સૂઈ ગઈ. મોડે મોડે તેને ઊંઘ આવી.

વિશાખા સવારે મોડી ઊઠી. ઊઠીને જોયું તો રાહુલ ક્યારનો ઊઠી ગયો હતો અને ચા-નાસ્તો તૈયાર કરતો હતો. ઘર પણ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. તેને યાદ આવ્યું આજે રવિવાર છે. રાહુલ તે દિવસે વિશાખાને ઘરકામમાંથી મુક્તિ આપતો. તે ઘર સંભાળી લેતો. સાંજે બંને ફરવા નીકળી પડતાં અને જમવાનું બહાર પતાવી દેતાં. આજે બપોર સુધી વિશાખાએ રાહુલ સાથે ખાસ વાત ન કરી પણ રાહુલને કશો ફરક ન પડ્યો. તે તેના કામમાં વ્યસ્ત હતો. ગીતો ગણગણતો જાય અને કામ કરતો જાય. વિશાખાએ કંટાળી ટીવી ચાલુ કર્યું, પણ તેમાં કોઈ સારો પ્રોગ્રામ આવતો ન હતો. વિશાખાએ બહાર જવાનું નક્કી કર્યું. તે કપડાં બદલતી હતી ત્યાં રાહુલ આવી ગયો. તેને તૈયાર થતી જોઈ રાહુલ પણ તૈયાર થઈ ગયો. ‘ચાલો, મેમસાહેબ, ક્યાં જવું છે ? બંદા આપની સેવામાં હાજર છે.’
વિશાખાએ ગુસ્સાથી કહ્યું : ‘જહન્નમમાં’
રાહુલ હસી પડ્યો : ‘મેમ સાહેબ, મેં એનો રસ્તો નથી જોયો પણ તમે મને ગાઈડ કરજો.’ વિશાખા સહેજ હસી પડી. ત્યાં રૂબીમેડમનો ફોન આવ્યો. રાહુલે રૂબી મેડમ સાથે ફોન પર વાત કરી વિશાખાને કહ્યું : ‘વિશાખા, રૂબીનો ફોન છે. તેની બહેનનાં લગ્ન છે તેથી તેને થોડું શોપિંગ કરવું છે. આ શહેર તેના માટે અજાણ્યું છે તેથી મને બોલાવ્યો છે. મારે તેની સાથે જવું પડશે. તારેય આવવું હોય તો ચાલ. રૂબી સાથે મજા આવશે.’ વિશાખા રિસાઈને અંદર જતી રહી. રાહુલે જતાં જતાં કહ્યું : ‘અને હા, જમવાનું બનાવતી નહીં. યાદ છે, તે આજે મારી ડયૂટી છે. હું આવીને જમવાનું બનાવીશ.’

રાહુલના ગયા પછી વિશાખા પણ તેના ભાઈના ઘેર જતી રહી. રાતે દસ વાગે વિશાખા ઘેર આવી. જોયું તો રાહુલ આવી ગયો હતો અને ડાઈનિંગ ટેબલ પર જમવાનું ઢાંકીને તેની રાહ જોતો હતો. જમવાનું તેણે જાતે જ બનાવ્યું હતું. વિશાખા થોડું જમીને સૂઈ ગઈ.

આજે તો તેણે નક્કી જ કરી નાંખ્યું હતું કે આજે તે રૂબીને મળીને જ જંપશે. રાહુલના જીવનમાં દિવસે દિવસે તેનું સ્થાન વધતું જતું હતું. રાહુલને જણાવ્યા વિના જ વિશાખા રાહુલની ઑફિસે પહોંચી ગઈ. વોચમેને તેને જણાવ્યું કે, ‘સાહેબ તો રૂબીમેડમ સાથે બહાર ગયા છે.’ તે અડધો-એક કલાક બેઠી પણ રાહુલ ન આવ્યો. વિશાખા કંટાળી. ઑફિસથી થોડે જ દૂર વિશાખાની ફ્રેન્ડ આરતીનું ઘર હતું. વિશાખા આરતીના ઘેર ગઈ. ત્યાં તેનાથી બોલાઈ ગયું : ‘આરતી, તું આ રાહુલની ઑફિસમાં કામ કરે છે તે રૂબીમેડમને ઓળખે છે ?’
‘ના કેમ ? રાહુલનું કોઈ ચક્કર તો નથીને તેની સાથે ?’
આરતીનો આવો સવાલ જોઈને વિશાખા સભાન થઈ ગઈ. તેણે હળવેથી કહ્યું : ‘ના રે… ના, આ તો અમસ્તું જ પૂછ્યું.’
‘હા, પણ જોજે સંભાળજે. આજકાલ આ પુરુષોનો ભરોસો કરવા જેવો નથી અને રાહુલ તો આમેય ભોળો છે. કોઈ પણ તેને ફસાવી શકે તેમ છે.’ વિશાખાને પોતાની જાત પર ગુસ્સો ચડ્યો. તેણે કહ્યું, ‘તને કહ્યું ને એવું ક્શું નથી.’

વિશાખા ફરી ઑફિસ આવી. વોચમેને કહ્યું, ‘બહેન તમે ફરી આવવાનાં છો તેમ કહ્યું હોત તો, હું સાહેબને જવા તો ન દેત. હજુ હમણાં જ રૂબીમેડમ સાથે બહાર ગયા.’ વિશાખા દસેક મિનિટ બેઠી. ત્યાં રાહુલ આવ્યો, ‘અરે વિશાખા તું અહીં ? પહેલાં કહ્યું હોત કે તું આવવાની છે તો રૂબીને જવા તો ન દેત. ઊભી રહે જોઈ આવું કદાચ રૂબી હજુ ઊભી હોય તો.’ વિશાખાને શું બોલવું તે ન સૂઝ્યું. તે ધીમે ધીમે ઑફિસની બહાર નીકળી. તેણે દૂરથી રાહુલને આવતો જોયો, ‘ચાલ, રૂબી ત્યાં જ ઊભી છે. તને મળવાની તેને ખૂબ ઈચ્છા છે.’ રાહુલ નજીક આવી બોલ્યો.

‘મળવાની તો મનેય ઈચ્છા છે.’ વિશાખા ધીમેથી બોલી. બંને રૂબી પાસે આવ્યાં. વિશાખા તો જોઈ જ રહી. રૂબી વિશે તેણે કેવી કેવી કલ્પના કરી હતી. તેના બદલે રૂબી તો એક જાડી, કાળી, ભદ્દી અને સહેજ મોટી ઉંમરની સ્ત્રી હતી. પાંચેક મિનિટમાં તો વિશાખા તેની ફેન બની ગઈ. તેની વાતો સાંભળીને વિશાખા હસી હસીને બેવડ વળી ગઈ. તેનો આનંદી સ્વભાવ, વિશાળ હૃદય અને રાહુલ પ્રત્યેનું નિર્મળ હેત – જાણે રાહુલ તેનો નાનો ભાઈ ન હોય ! વિશાખાને યાદ આવ્યું કે રાહુલને કોઈ બહેન નહોતી. તેણે મનોમન રૂબીને પોતાની નણંદ તરીકે સ્વીકારી લીધી અને તે રૂબીને પગે લાગી. રૂબીએ પોતાના ગળામાંથી કિંમતી નેકલેસ કાઢીને વિશાખાના ગળામાં પહેરાવી દીધો. રૂબીને મળીને ઘેર પાછા ફરતી વખતે વિશાખા મનોમન પોતાની નાદાની પર હસી પડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણું પ્રાચીન રાષ્ટ્રગીત – ભાણદેવ
આરતી – સારંગ બારોટ Next »   

25 પ્રતિભાવો : ફૂલ એમ મહેકે – લતા ભટ્ટ

 1. અમી says:

  મૃગેશજી,

  ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર …

  હવે ના વાંચકો ઘણા ચબરાક હોય છે. એમને થોડી ઉંચી કક્ષાની અપેક્ષા હોય છે.

 2. urmila says:

  good morning – light hearted story -relaxing and keeoing ‘wife’ on her toes

 3. Alka says:

  બહુ જ સરસ વાર્તા મજા પડઈ
  પણ ખબર પડઈ ગઇ……..

 4. gopal parekh says:

  ખાસ મજા ન આવી, વાર્તા ચીલાચાલુ લાગી

 5. Natver says:

  બહુ લંબાવી.

 6. Rashmita lad says:

  amiben ni vat sathe sahamat chu. shruaat sari pan ant ma maza na aavi

 7. namrata says:

  કઈ ખાસ મઝા ન આઈ

 8. pallavi says:

  Not as per Expection—–Ordinary story
  Pallavi

 9. ankit says:

  મ્રૂગેશભાઈ તમારે હવે થોડુ લેવલ ઊન્ચુ કરવુ પડશે.

 10. Hiren Bhatt says:

  need to raise the bar.

 11. Keyur Patel says:

  થોડી “નોવેલ્ટિ” તો મળવી જોઈએને !!????? બીજા વાંચકો સાથે હું સંમત છું. મ્રુગેશ ભાઈ, શું કો છો ભાઈ?

 12. Jaldhi says:

  એકદમ બકવાસ વાર્તા છે. ના લખતા હો તો …અત્યન્ત નિમ્ન કક્ષા. ખુબ ખરાબ

 13. Anime hentai bdsm….

  Anime hentai bdsm….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.