આરતી – સારંગ બારોટ

ગામમાં એવો રિવાજ કે શ્રાવણમાં સપ્તાહ બેસે. રોજ કથા પૂરી થાય ત્યારે આરતી બોલાય. આરતી બોલાય એટલે આરતી ગવાય એવું નહિ, પણ આરતી ઉતારવા માટેની કિંમત બોલાય. જે મોટી કિંમત બોલે એ આરતી ઉતારે. સપ્તાહના દિવસો દરમિયાન સવાપાંચ આના રોકડા અને એક પાકું સીધું આપવાથી આરતી ઉતારવાનો લાભ સામાન્ય રીતે મળી જતો. સીધું ગામમંદિરના મહારાજ જે કથાવાર્તા પણ કરતા તેમના પેટમાં જતું અને પૈસા મંદિરના ચોપડે જમા થતા. મંદિરના મહારાજ નિ:સ્પૃહવૃત્તિના હતા. એમણે મંદિરની અને પોતાની સર્વ આવક મંદિરમાં જ વાપરવાનો ધારો પાડી દીધો હતો. મહારાજની આ સ્વાર્થરહિત વૃત્તિને કારણે અન્ય ગામો કરતાં એ ગામનું મંદિર વધુ સુદ્ધર હતું અને ધાર્મિક ઉત્સવો પણ વધુ સારી રીતે ઊજવાતા.

સપ્તાહના છેલ્લા દિવસે સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે સીધાં આપતાં અને પૈસા આરતીમાં મૂકતાં, પણ છેલ્લા દિવસની આરતી બાબતમાં એક નિયમ બંધાઈ ગયો હતો : પૂર્ણાહુતિની આરતીનો ઈજારો ગંગામાનો હતો. સામાન્ય રીતે છેલ્લા દિવસની આરતીનું મહત્વ મોટું ગણાતું, એટલે દરેકને એ લાભ અને અભિમાન લેવાનું મન થાય એ સ્વાભાવિક હોવા છતાં ગંગામા કોઈને ફાવવા દેતા નહિ, એટલે રહેતાં રહેતાં એવો ધારો જ પડી ગયેલો કે પૂર્ણાહુતિની આરતી તો ગંગામાની જ હોય. ગંગામા દર વર્ષે સવાપાંચ રૂપિયા અને પાંચ પાકાં સીધાં આપતાં અને એમને પૂર્ણાહુતિની આરતી ઉતારવાનો હક્ક મળી જતો. આનાથી કોઈ આગળ વધતું નહિ. એક વાર ગંગામાને ચીડવવા એક હરીફે સવાસાત રૂપિયા કહ્યા એટલે ગંગામા સીધાં અગિયાર રૂપિયે વળગ્યાં અને વાત ત્યાં અટકી પડી. છેલ્લા દિવસે ગંગામાના હાથમાં આરતીની થાળી ન હોય એવું કદી બન્યું ન હતું.

કોઈ પણ ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિનું કાયમ માટે વર્ચસ્વ રહે એ વાત શું શહેરમાં કે શું ગામડામાં કોઈને ઝાઝો સમય ગમતી નથી. ગંગામાના ગામમાં પાંચેક વર્ષથી ઝમકુ શેઠાણી વ્રતનિયમ અને અગિયારશો કરતાં થયાં હતાં. એમાં વળી એમણે ચારધામની જાત્રા કરી. જાત્રા કરી આવ્યા પછી એમને થયું કે હવે પછી સર્વ ધાર્મિક કાર્યોમાં વર્ચસ્વ એમનું જ રહેવું જોઈએ. આમ તો તલકચંદ શેઠનું પુરુષવર્ગમાં અને ઝમકુ શેઠાણીનું સ્ત્રીવર્ગમાં એક પ્રકારનું કાયમી વર્ચસ્વ હતું જ, કારણ કે સર્વને એમની જરૂર પડતી. શેઠ હતા પણ ઉદાર સ્વભાવના. ધર્મકાર્યમાં પૈસા કાઢતાં કદી અચકાય નહિ. કોઈને ઘેર અડચણ હોય તો પડખે ઊભા રહી એની અડચણ દૂર કરી આપે. અતિ ગરીબ સ્થિતિનું કોઈ માનવી એમનું દેવું કરી પછી ફસાઈ પડ્યું હોય તો વ્યાજ પણ છોડી દે. એક-બે વાર તો એમણે મુદ્દલ રકમ છોડી દીધાના દાખલા પણ ગામલોકોને યાદ હતા. આમ સર્વ રીતે આગળ પડતા તલકચંદ શેઠનાં પત્નીને ભાગવત સપ્તાહમાં એક આરતી બાબતમાં હરાવી જાય એ તો શક્ય જ ન હતું, છતાં ઝમકું શેઠાણી ગંગામાથી ડરતાં. ડરતાં એટલા માટે કે ડોશીનું કશું ઠેકાણું નહિ. એ જો વટે ચડે તો આરતી જેવી બાબતમાં એકાવન રૂપિયા પણ આપી બેસે અને પોતે એવી હુંસાતુંશીમાં ઉતરે તો શેઠ કદાચ ઠપકો પણ આપે. ગંગામા પૈસેટકે સુખી ગણાતાં. સાતેક વીઘાંનું કુવેતર હતું. ગામમાં બે ઘર હતાં. પોતે એક ગાય રાખતાં અને ઘણો ખરો સમય ઈશ્વરસ્મરણમાં ગાળતાં. બે ઘરમાંનું એક એમણે નિશાળના માસ્તરને ભાડે આપ્યું હતું. ભાડાની રોકડથી એમની હાથખર્ચી નભી રહેતી. ખાવા પૂરતું અનાજ ખેતરમાંથી મળી રહેતું. ઘી-દૂધ માટે ગાય હતી. ગંગામાના એકલા પંડને આટલો વૈભવ ક્યારેય જરૂર કરતાં વધારે લાગતો.

એ વર્ષે સપ્તાહમાં સાતેય દિવસ પ્રસાદ ઝમકુ શેઠાણીને ત્યાંથી આવ્યો. બીજાઓના ઘેરથી પ્રસાદ આવતો પણ ગંગામાનો પ્રસાદ વખણાતો કારણ કે ચોમાસું બેસે એ પહેલાં જ રાયણને સૂકવી એની કોકડીઓ એ બનાવી રાખતાં અને છેલ્લા દિવસ માટે શહેરમાંથી થોડોક સૂકો મેવો પણ મગાવી રાખતાં. એ સાલ ઝમકુ શેઠાણીએ સાતે દિવસ સૂકો મેવો પ્રસાદમાં વહેંચ્યો. છેલ્લા દિવસના પ્રસાદ માટે એમણે એમના અમદાવાદમાં રહેતા ભાઈને ખાસ કાગળ લખી ફળનો કરંડિયો મંગાવી રાખ્યો હતો. કેળાં, ચીકુ, આફૂસ, અનેનાસ, નારંગી, દાડમ વગેરે ફળો જ્યારે પૂર્ણાહુતિના દિવસે એક મોટી કથરોટમાં મૂકી નોકર પાસે કથરોટ ઉપડાવી ઝમકુ શેઠાણી સપ્તાહમાં આવ્યાં ત્યારે બધાં છક થઈ ગયાં. એ ફળોમાંનાં ઘણાંખરાં તો ત્યાંનાં લોકોએ કદી જોયાં પણ ન હતાં, પછી ચાખવાની તો વાત જ ક્યાં રહી ? પ્રસાદનો થાળ આવતાં ઝમકુ શેઠાણીનો ડંકો વાગી ગયો, પણ શેઠાણી જાણતાં હતાં કે આરતી જો પોતે ઉતારે તો વટ રહે, એ સિવાય બધાં પર પાણી ફરી જાય. આરતી બોલાઈ. કોઈએ સવાપાંચ આનાથી શરૂઆત કરી, વધતાં વધતાં ચાર રૂપિયા સુધી વાત પહોંચી એટલે ગંગામાએ ખોટી સ્પર્ધાનો અંત લાવતાં એમની કાયમની રીતે કહ્યું : ‘મારા સવાપાંચ’ વર્ષોથી વાત અહીં અટકતી. મહારાજ પણ એ શબ્દોને હંમેશાં આખરી શબ્દો ગણતા. ગામલોકો પણ ગંગામા બોલે પછી એમની ઉપરવટ બોલતાં નહિ. મહારાજે આરતીની તૈયારી કરવા માંડી ત્યાં અવાજ આવ્યો : ‘મહારાજ, મારા સવાસાત.’ સનાતન નિયમ તોડનાર એ અવાજ તરફ બધાંની ડોક ફરી. એ ગરદન હતી ગંગામાની.

‘કોણ બોલ્યું એ ?’ કોઈએ કોઈને પૂછ્યું. ‘ઝમકુ શેઠાણી’ પૂછનારને જવાબ મળ્યો. બધાંની નજર ઝમકુ શેઠાણી ઉપરથી તુરત ગંગામા તરફ વળી.
‘તો આપણા સવા અગિયાર ભાઈ.’ ગંગામા બોલ્યાં.
‘સવા પંદર !’ ઝમકુ શેઠાણી તુરત જ બોલી ઊઠ્યાં.
‘સવા એકવીશ !’
‘સવા પચીસ !’ શબ્દેશબ્દ દબાવતાં ઝમકુ શેઠાણીએ કહ્યું.
‘શેઠાણી, એમ બબ્બે ચારચાર રૂપૈડી વધશું તો સાંજ લગીયે પાર નહિ આવે.’ ગંગામા ઝમકુ શેઠાણી તરફ જોઈ બોલ્યાં, ‘મારા એકાવન, ચલાવો હવે આગળ.’
‘બાવન’ શેઠાણી બોલ્યાં અને બધાં હસી પડ્યાં.
હાસ્યના મોજાને વધુ ઉછાળતાં ગંગામાં બોલ્યા : ‘તો ભાઈ, આપણા સવાબાવન રાખો. શેઠાણીની હિંમત ન વધતી હોય તો આસ્તે આસ્તે ચાલીએ.’
‘પંચાવન-પાંસઠ-પંચોતેર’ ઝમકુ શેઠાણી ગભરાઈ ગયા હતાં.
‘એકસો એક !’ ગંગામાએ ધીમેથી કહ્યું. બધાં સ્તબ્ધ બની ગયાં. ‘બોલો શેઠાણી, બોલો ! તમને શું અડે છે ? અને પૈસા કાંઈ આડાઅવળા તો જવાના નથી, ધરમના કામમાં જ વાપરવાના છે.’ ઝમકુ શેઠાણીની જીભ ઊપડી નહિ.

‘શેઠને પૂછીને આવ્યાં લાગતાં નથી.’ કોઈએ મશ્કરી કરી. શેઠાણી સળગી ઊઠ્યાં, બોલ્યાં : ‘બસો એકાવન’
‘આપણા ત્રણસો.’
‘સવા ત્રણસો.’
‘ચારસો.’
‘તે મારા પાંચસો, શેઠાણી. એમ કાંઈ મારાથી ઢીલું મુકાય ? મારા હાથમાંથી આરતી ઝૂંટવનાર હજી લગી તો કોઈ આ ગામમાં જન્મ્યું નથી.’
‘ગંગામા બસ કરો !’ મહારાજે કહ્યું, ‘આરતીના પાંચસો રૂપિયા ! ગાંડપણ કહેવાય મા, ખોટી મમત….’
‘મારા પાંચસો એકાવન.’ શેઠાણીએ વચ્ચે જ ત્રાડ નાખી અને પછી ગંગામા તરફ ફરી બોલ્યાં : ‘પણ ગંગાડોશી ! હું એમ પૂછું કે તારા ઘર ઉપર પાંચસો નળિયાં તો બળ્યાં નથી, પછી તું પાંચસો રૂપિયા ક્યાંથી કાઢવાની હતી એ તો જરા કહે.’

શેઠાણીએ રોષ ઠાલવ્યો, પણ એ જ પળે બધાંની આંખ કરડી થઈ ગઈ. ગંગામાને કદી કોઈ તુંકારો દઈ બોલાવતું નહિ. કોઈ ઝમકુ શેઠાણીનું અપમાન કરી બેસે એ પહેલાં જ ગંગામા બોલ્યાં : ‘તમારે શેઠાણી, નળિયાનું શું કામ છે ? કેટલા, પાંચસો એકાવન કીધાને તમે ? તો લ્યો હું હવે આજે કાંઈ પાછી પડવાની નથી. મારું સાત વીંઘાનું કુવેતર મૂક્યું આરતીમાં.’
‘હેં હેં હેં ગંગામા ! આ શું કરો છો ?!’ પાંચ છ જણ એકીસાથે બોલી ઊઠ્યાં.
‘ડોશી ! તારે તો સાત વીંઘા જ છે, નસીબમાં ભૂંસી ખાવા, મારી બરોબરી તારાથી નહિ થાય. મારું દસ વીંઘાનું આંબલીવાળું આરતીમાં. લ્યો, બોલો હવે આગળ !’ ઝમકુ શેઠાણી ક્રોધથી હાંફતાં હતાં. બધાને થયું હવે ગંગામા આવી રહ્યા. જોતજોતામાં એકદમ વધી પડેલી આ વાતથી વાતાવરણ વિચિત્ર રીતે તંગ બની ગયું હતું. ઝમકુ શેઠાણી પ્રત્યે આદર થવાને બદલે બધાંને તિરસ્કાર થતો જતો હતો. ગંગામાની હાર થતી જોઈ બધાં હતાશ બની ગયાં. ત્યાં ગંગામા જ્યાં બેઠાં હતાં ત્યાંથી ઊઠ્યાં અને ઊભાં થઈ બોલ્યાં : ‘શેઠાણી ! કોની બરોબરી કોણ કરી શકે છે, એ જરા માપી લઈએ આજ. મહારાજ, સાંભળો કાન દઈને : મારું ખેતર, ઘર, ગાય, મારું દુનિયામાં જે કાંઈ છે તે બધું આરતીમાં. જાવ શેઠાણી તમારેય સર્વસ્વ મૂકવું હોય તો ઘેર જઈ શેઠને પૂછી આવો. પછી જો એમને મંજૂર હોય તો ભલે આવો. આપણે બેઉ મળી આરતી ઉતારશું. પણ તમે આરતી ઉતારો અને હું જોયા કરું એ તો કદી નહિ બને.’ બધાં અવાક બની ગયાં હતાં. ગંગામાનો હાથવેંતમાં જણાતો પરાજય એકાએક વિજયમાં ફેરવાઈ ગયો હતો. ઝમકુ શેઠાણી વિવશ બની ગયા હતાં.

‘હું… હું તારા જેવી નબોજી નથી, તારે તો પાછળ કોઈ પોક મૂકનાર પણ નથી, એટલે ફાવે એ કરી શકે, મારે મારા છોકરાંને ભીખ માગતાં કરવાં નથી.’ શેઠાણી બોલ્યા અને પગ પછાડતાં ધૂંવાપૂવાં થઈ ચાલ્યાં ગયાં. ત્યાં બેઠેલાં બધાંએ ગંગામાના વિજયની જયશ્રી પોતાની ગણી. ગંગામાની જીતનું સર્વને અભિમાન તો હતું જ, પણ લક્ષ્મીમાં આળોટતાં ઝમકુ શેઠાણી ગંગામા જેવી એક ગરીબ વિધવા બ્રાહ્મણીને હાથે હાર ખાઈ ગયાં એ વાત સૌને ગૌરવ લેવા જેવી લાગી. ધનપતિઓની હાર ગરીબોને હંમેશા ગમતી આવી છે. એમાંય પૈસાના જોરે સહેલાઈથી જીતી શકાય એવી સામાન્ય બાબતમાં આવી જબરજસ્ત શિકસ્ત આપવાનું ભાગ્યે જ શક્ય હોય છે. ગંગામાએ સર્વસ્વ હોડમાં મૂકી પોતાનો નિયમ જાળવ્યો હતો.

ત્યાં બેઠેલાં સર્વને થયું કે ગંગામાનો નિયમ માત્ર એમનો જ નિયમ ન હતો, પણ ગામ આખાનો નિયમ હતો. પૂર્ણાહુતિના દિવસે એમના સિવાય અન્યના હાથમાં આરતીની થાળી જોવાનું કોઈ કલ્પી પણ શકતું ન હતું. ગંગામાની જીત જાણે પોતાની વ્યક્તિગત જીત હોય એવો આનંદ અને અભિમાન સહુ અનુભવી રહ્યાં. ગંગામાએ આરતીની થાળી ઉઠાવી એ જ સમયે રોષના માર્યા ચાલ્યાં ગયેલાં ઝમકુ શેઠાણી ઘેર પહોંચી પતિને કહી રહ્યાં હતાં : ‘ગંગાડોશીએ ગામ વચ્ચે મારું નાક વાઢી નાખ્યું’
‘હેં ! પણ આ અણીશુદ્ધ પાછું લાવી છો એ શું છે ?’ શેઠે શેઠાણીના નાક તરફ આંગળી ચીંધતાં કહ્યું. તલકચંદ મશ્કરા સ્વભાવના હતા.
‘તમને મશ્કરી સૂઝે છે, પણ મારે હવે ગામમાં મોઢું દેખાડવા જેવું રહ્યું નથી.’
‘પણ થયું છે શું એ કહે તો સમજાય ને !’
‘થાય શું બીજું, આરતીની જ રામાયણ. એ વધીવધીને ઠેઠ પાંચસોએ પહોંચી. મેં પાંચસો એકાવન કહ્યા એટલે એણે ખેતર મૂક્યું.’
‘ખેતર મૂક્યું ?!’
‘હા’
‘પછી ?’
‘પછી શું, એનું સાત વીંઘાનું ટીલું છે એટલે મેં દસ વીઘાં કહ્યાં એટલે એણે એકદમ ઊઠીને કહ્યું કે એનું ઘરબાર, ખેતરપાધર જે છે તે બધું આરતીમાં.’
‘હેં ? ખરેખર ?’
‘હા !’
‘પછી તેં શું કર્યું ?’
‘હું બધી મિલકત આરતીમાં મૂકું તો તમે મને ઘરમાં પગ મૂકવા દો ખરા ? હું તો એકાવન રૂપિયાથી આગળ જ નો’તી વધવાની, પણ વાત વટે ચડી ગઈ અને મને ભાન રહ્યું નહિ.’
‘એટલે છેવટે તું પાછી આવી અને આરતી ગંગામાએ ઉતારી, એ જ થયું ને ?’
‘હાં.’
‘બરાબર થયું.’
‘શું કપાળ બરાબર થયું ?’
‘તને તારું સર્વસ્વ વહાલું લાગ્યું એટલે તારી પાસે એ રહ્યું, ગંગામાને બધા કરતાં આરતીની એમની ટેક વધુ વહાલી લાગી તો એમની પ્રિય વસ્તુ એમની પાસે રહી. બરાબર છે, એમાં ખોટું કે અજુગતું શું છે ?’
‘પણ મારું નાકવઢણ થયું એનું તમને કાંઈ લાગતું નથી ?’
‘નાક તો તારું તેં તારા હાથે કાપ્યું, કોઈ શું કરે ? તારેય આપી દેવું હતું ને સર્વસ્વ !’
‘પછી છોકરાંના હાથમાં ચપણિયું પકડાવું એમ ને ? આપણે બધાંએ પછી ભીખ જ માગવાની રહે અને તમે અને તમાર છોકરાંઓ જો મારું વેણ ન રાખો તો મારે તો કૂવો-હવાડો જ કરવો પડે.’
‘તારું બોલ્યું હું કે છોકરાંઓ ના પાળીએ એવો વહેમ તને શાથી થયો એ જ મને સમજાતું નથી. ખેર, પણ જે થયું તે ઠીક જ થયું છે. ગંગામાએ એક વાત તો સાબિત કરી જ નાખી કે જીવતરના ત્રાજવે પૈસાની બરોબરીમાં શ્રદ્ધાનું પલ્લું હમેશાં નીચું જ રહેવાનું. હા, પણ હવે ગંગામા શું કરશે ? ઘર મૂક્યું, જમીન મૂકી…’
‘ગામમાં ભીખ માગી ખાશે. એને એકલા જીવને શી ચિંતા ? જે હતું તે બધું આજે તો ફૂંકી બેઠી છે. આવતી સાલ તો વગર કહે આરતી હવે હું જ ઉતારવાની. મારી સામે કઈ દોલત લઈને એ ઊભી રહેશે ?’

શેઠે કરડી નજરે પત્ની તરફ જોયું, પછી દષ્ટિ ફેરવી બોલ્યા. અવાજમાં તીખાશ હતી : ‘ન કરે નારાયણ અને તુંય ગંગામા જેવી એકલી અને નિરાધાર બની જાય તો તારું સર્વસ્વ કોઈ સારા કામમાં આપી ભીખ માગવાનું તારાથી બની શકે ખરું કે ?’
‘હાય હાય ! બળ્યું, આવું શું બોલો છો ? વખત-બેવખત.’
‘અને આવતી સાલ આરતી ઉતારવાના શમણા શું કામ જુએ છે ? ગંગામા આવતી સાલ પણ એમનું સર્વસ્વ આપશે આરતીમાં, પછી ભલે ને એ સર્વસ્વ માત્ર પાંચ કોડીની કિંમતનું કેમ ન હોય ! સામે તું તારું સર્વસ્વ આપીશ તો જ તને આરતીને હાથ અડાડવાનું મળશે, એ વિના નહિ. ગંગામા ભીખ માગતાં હશે, પણ એ પોતાનું સર્વસ્વ આપી શકશે. તું એ કદી આપી શકવાની નથી.’
‘એટલે શું એ ડોશીનો હવે ઈજારો થઈ ગયો આરતી ઉતારવાનો ?’
‘હા, ઈજારો એમનો જ હતો અને હવેથી એ હક્ક આમરણાંત એમનો બની ગયો. અને જો તું ગંગામાને ડોશી અને બામણી અને એવું એવું કહીશ તો ગામલોકોના ખાસડાં પડશે તારા પર, એ કહી રાખું છું.’

શેઠાણી કટાણું મો કરી ઊઠ્યાં. ‘હું પૂછું….’
શેઠ બોલ્યા : ‘મને એક વાત સૂઝે છે. તું આરતીની થાળી તૈયાર કર.’
‘આરતીની થાળી ?’
‘હા હા હું કહું એમ કર.’ શેઠના અવાજમાં અવગણવો અશક્ય એવો હુકમનો રણકાર હતો. શેઠાણી એ રણકારથી અપરિચિત ન હતા. ‘સામો જવાબ આપીશ નહિ. થાળી તૈયાર કર.’

‘લ્યો.’ કહેતાં શેઠાણીએ દીકરાની વહુની મદદથી તૈયાર કરેલી તાસક થોડી વાર પછી પતિ સામે મૂકી.
‘ઉઠાવી લે, ચાલ મારી સાથે.’
‘ક્યાં ?’
‘કહ્યું ને એક વાર કે સામો જવાબ આપીશ નહિ.’ શેઠ-શેઠાણીને આરતીની સામગ્રી સાથે ગામ વચ્ચેથી નીકળતાં જોઈ કુતૂહલના માર્યાં સર્વ એમની પાછળ ચાલ્યાં. ગંગામાની આરતી બાબતમાં થયેલી જીત પવનવેગે ગામમાં ફેલાઈ ગઈ હતી. એ જ વાતનો આ નવો ફણગો હતો એની કોઈને શંકા ન હતી. શેઠ અને શેઠાણી મંદિરે પહોંચ્યા ત્યારે એ નાના ગામના નાના મંદિરમાં બધાંને સંઘરવા જેટલી જગ્યાના અભાવે ગિરદી વધી પડી. બધાં તલકચંદ શેઠ અને ઝમકું શેઠાણી તરફ જોઈ રહ્યાં. પૂર્ણાહુતિની આરતી પૂરી થઈ હતી. પ્રસાદ વહેંચાતો હતો.
‘શેઠ !’ પૂજારીએ કહ્યું, ‘આરતી તો પૂરી થઈ.’
‘નથી થઈ મહારાજ, ખરી આરતી તો હજુ બાકી છે.’
‘હવે કશું વળે એમ નથી શેઠ, એ તો જે થવાનું હતું તે થઈ ગયું.’
‘નથી થયું મહારાજ, જે થવું જોઈએ એ નથી થયું.’

‘પણ..’
‘ગંગામા…’ શેઠ વચ્ચે જ બોલ્યા. ગંગામા એક તરફ બેઠાં બેઠાં આ તમાસો જોઈ રહ્યાં હતાં. ‘આવો ગંગામા, આ પાટલા પર.’
‘કેમ શેઠ ?’ ગંગામાએ પૂછ્યું.
‘મા ! મારે તમારી આરતી ઉતારવી છે.’
બધાં સ્તબ્ધ બની ગયાં. શેઠે બાવડું ઝાલી ગંગામાને બેઠા કર્યાં અને પરાણે પાટલા પર બેસાડ્યાં. ખિસ્સામાંથી દીવાસળીની પેટી કાઢી દીવો પ્રગટાવ્યો અને પછી આરતીની થાળી પોતાના હાથમાં લઈ ગંગામાની આરતી ઉતારવા લાગ્યા.
‘શેઠ.. તલકચંદ… ભઈલા…!’ ગંગામાં વધુ કશું બોલી શક્યાં નહિ. એમની આંખ ભીની થઈ ગઈ હતી. શેઠની, શેઠાણીની, આખા ગામની એ જ સ્થિતિ હતી.
‘ઊઠો મા, ચાલો…’ આરતીની થાળી નીચે મૂકતાં શેઠે ગંગામાના પગ પકડી કહ્યું ‘ચાલો.’
‘ક્યાં લઈ જાઓ છો ભઈ ?’
‘મારે ઘેર.’
‘તમારે ઘેર ?’
‘આનાકાની કરશો નહિ મા. તમે નહિ આવો તો હું પણ સર્વસ્વ શિવનિર્માલ્ય કરી તમારી જોડે જ ગામમાં ભીખ માગીશ.’ ગંગામાએ ઝમકુ શેઠાણી તરફ નજર નાખી. શેઠાણી એક ડગલું આગળ આવી ગંગામાના પગ પાસે ઢળી પડ્યાં. ઝમકુ શેઠાણીનાં આંસુ ગંગામાના પગ પર અભિષેક કરી રહ્યાં હતાં. જાણે એ ચરણ પખાળતાં એમનાં દિલ પર લાગેલો અહંકાર અને અપમાનનો ડાઘ ઘોવાતો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂલ એમ મહેકે – લતા ભટ્ટ
પરાજયનું તત્વજ્ઞાન – કલ્પેશ. ડી. સોની Next »   

36 પ્રતિભાવો : આરતી – સારંગ બારોટ

 1. Uday Trivedi says:

  સુંદર વાત.. ધર્મ અને આધ્યાત્મ જ્યારે માત્ર દેખાડો અને અભિમાન બની રહે ત્યારે થતી પૂજા માત્ર બાહ્ય આડંબર બની રહે છે. ખરી પૂજા થવી જોઇએ પ્રેમ,સત્ય,કરુણા ની.. જે વ્યક્તિ પોતાની સર્વોપરીતા કે જીદ માટે નહી પણ સહજ વૈરાગ્યમા પોતાનુ સર્વસ્વ ત્યાગી શકે એ વ્યક્તિ ખરેખર પૂજનીય જ છે..

 2. gopal parekh says:

  ખરેખર પ્રેરણાદાયક અને હ્રદયસ્પર્શી વાર્તા

 3. Dhaval Shah says:

  ખુબજ હ્રુદયસ્પર્શિ વાર્તા !!!

 4. Divyant Shah says:

  Excellent article

 5. Maharshi says:

  very nice story

 6. Mohita says:

  શેઠ અને મા જેવુ દિલાવર હૈયુ તો ભાગ્યેજ જોવા મળે છે. બાકી તો બધા શેઠાણી જેવા જ હોઇ છે.

 7. smrutishroff says:

  તેરા તુજકો અરપન્ ક્યા લાગે મોરા…આરતિ ના આ શબ્દોને સાર્થક કરિયે તોજ સ્મર્પનનો ભાવ જાગે.. સમ્જિને આચરન મા મુકવા જેવિ વાત્.

 8. Trupti Trivedi says:

  આભાર!!!!!

 9. baboochak says:

  અતિ સુંદર…ભક્તિ સામે અભિમાન/પૈસા ક્યારેય ન ટકી શકે.

 10. preeti hitesh tailor says:

  ભક્તિનો રંગ અનોખો!!ઢંગ અનોખો!! પણ ભગવાન લાજ રાખે ભક્તની એ નિયમ સનાતન સત્ય !!

 11. DHARA says:

  ખુબ જ સરસ વાર્તા….. હૃદયસ્પર્શી વાર્તા…..

 12. pallavi says:

  Nice and Touchy Story
  Pallavi

 13. neeta says:

  બહુ જ સુન્દર

 14. Haren says:

  ખરેખર આખ મા પાણિ આવિ ગયુ.

 15. Bimal says:

  સરસ…….

 16. ankit says:

  અદભુત વાર્તા.. મજા આવી ગયી..

 17. Devangini Kamdar says:

  જ્યારે ભક્ત અને ભક્તિ ની વાત આવે ત્યારે એની તોલે કોઇ આવી શકતુ નથી.

 18. Hiren Bhatt says:

  Good one!

 19. અત્યંત હદયસ્પર્શી વાર્તા….અને ૧૦૦૦ લેખ પૂર્ણ થવા બદલ ઘણા અિભનન્દન.

 20. Keyur Patel says:

  સમર્પણ તો સંપૂર્ણ હોય તો જ શોભે. ઊપરવાળાને પણ એ જ ખપે. અસ્તુ.

 21. HENA CHAWHAN says:

  WERY NICE STORY

 22. tejas patel says:

  VERY NICE STORRAY

 23. Suchita says:

  ખુબ જ સરસ ! Excellent story!!!!

 24. pragna says:

  સરસ વાર્તા.ધર્મ મા હમેશા ધન કરતા શ્રધા નુ પલ્લુ જ જિતે ચ્હે

 25. kailasgiri varal says:

  વાહ દેવિપુતર વહ

 26. Shailesh says:

  હદય ભિજવિ દિધુ. વાહ શેથ અને વાહ ગન્ગ મા. રાન્ગ છ બરોત સહેબ્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.