ખેપ – મોહનલાલ પટેલ

[‘શબ્દસૃષ્ટિ’ એપ્રિલ-2007 માંથી સાભાર.]

સૂર્યોદય થાય એ પહેલાં મગન રાવળ એનાં ઊંટ સાથે હાજર થયો. ઠેકેદાર શ્યામલાલના મુનિમ તરીકે મારે ધંધાર્થે ભવાનગઢ રેન્જનાં ગામડાંની ખેપ કરવાની હતી.

ભવાનગઢ અરવલ્લી ગિરિમાળાનો પ્રદેશ. ડુંગરાળ ધરતી પર છૂટાંછવાયાં ગામડાં. એક ગામથી બીજા ગામ જવા માટે કોઈ સડક કે બાંધેલો રસ્તો નહીં. આદિવાસી પ્રજાએ જંગલનાં ઝાડી-ઝાંખરાં વચ્ચે કાઢેલી કેડીઓ એ જ માર્ગ. અને વાહન તરીકે ઊંટ એ જ સાધન. નાગરે બપોરના ખાણા માટે ભાખરી અને અથાણાનું પાઉચ સ્ટીલના ડબ્બામાં મૂકીને, ડબ્બો હથેળી ઠોકીને બંધ કર્યો અને મારા બગલથેલામાં સરકાવ્યો.

ઊંટ ઉપર સવાર થઈ શકાય એ માટે મગને ખાસ શબ્દ ઉચારીને ઊંટને બેસાડ્યું. ઊંટ ઉપરના આરોહણ પછી મગને વળી એક ખાસ શબ્દથી એને ઊભું થવા સંકેત કર્યો. ઊંટ અસાધારણ આંચકા સાથે ઊભું થયું એ ક્ષણે જ મને સમજાઈ ગયું કે ઊંટસવારી કેટલી કપરી હોય છે ! શરીરની રિફલેક્સ પ્રતિક્રિયા મારી મદદે આવી ન હોત તો હું ઊંટના પાછલા પગ તરફની જમીન ઉપર ઊંઘા માથે ફંગોળાઈ ગયો હોત. આ ઊંટ પર આખો દિવસ બેસીને ગામડે ગામડે જવાનું હતું. ઊંટની બેસ-ઊઠ થયા કરવાની હતી અને શરીરે આંચકા અને હડદોલા ખમ્યા કરવાના હતા.

મુસાફરી શરૂ થયા પછી થોડા થોડા અંતરે ડુંગરાઓ પર ચઢાવ-ઉતાર આવવા લાગ્યા. ક્યારેક કોઈ ઢાળ ખૂબ નીચાણ તરફ ઊતરતા હોય ત્યારે સ્થિતિ જોખમી બની જતી હતી. ઊંટનું કદાવર શરીર, મગન અને હું – અમારો બધો ભાર ઊંટના આગળના પગ ઉપર કેન્દ્રિત થતો હતો. ઊંટનો પગ મચક ખાય કે ભાંગે તો ? એક બિહામણી કલ્પના જીવને પડીકે બાંધી દેતી હતી.

શ્યામલાલના વેપારી – એજન્ટોએ આદિવાસી પ્રજા પાસેથી ખરીદેલા માલની ચકાસણી કરવામાં ઠીક ઠીક સમય જતો હતો. સૂર્યાસ્ત પહેલાં રાત્રિરોકાણના સ્થળે પહોંચી જવું જોઈએ. એટલે ઉતાવળ કરવાનું જરૂરી બન્યું હતું. સહેજ ખુલ્લી અને સમથળ જમીન આવે ત્યારે મગન ઊંટને બરાબર દોડાવતો. આવા સમયે શરીર બરાબર વલોવાતું. તીવ્ર કષ્ટ થતું. સૂર્ય પશ્ચિમ ક્ષિતિજ તરફ ઠીક ઠીક ઢળ્યો હતો તે વખતે મગને કહ્યું : ‘જરાક સાબદા રહેવું પડશે, સાહેબ.’
‘કેમ ?’
‘આપણા રસ્તે રસ્તે પાણીનો એક વહેળો છે. સાંજ પડે એટલે જંગલમાં જાનવર પાણી પીવા વહેળા સુધી આવે. એમાં વાઘ-ચિત્તા પણ હોય. વાઘ-ચિત્તાને માણસની જબરી ગંધ આવે…’
જરાક ભીતિવશ મેં કહ્યું : ‘હવે ?’
‘કંઈ ભો રાખવાની જરૂર નથી. આપણે હેમખેમ ઘોડાલ પહોંચી જઈશું.’ ઘોડાલ ગામ અમારા રાત્રિરોકાણનું સ્થળ હતું. વહેળાના જોખમી સ્થળથી આગળ નીકળી જવા મગને ઢાળ કે સમથળ જોયા વગર ઊંટની ગતિ વધારી મૂકી અને શરીર ભાંગવાનું જોખમ વહોરીને પણ અમે સૂર્યાસ્ત સમયે ઘોડાલ પહોંચ્યા.

ઘોડાલમાં અલીભાઈના વાડામાં ઉતરાણ સમયે શરીર જાણે થાકીને લોથ થઈ ગયું હતું. હવે એનું કોઈ અંગ કામ આપવા તૈયાર નહોતું. મગન રાવળની સહાયથી જ હું ઊંટની પીઠ પરથી ઊતરી શક્યો. અલીભાઈએ, અતિથિ આવ્યા હોય એ ભાવથી ઝટઝટ ખાટલો ઢાળી દીધો. ખાટલા પર રજાઈ પાથરી. રજાઈ તો રજાઈ, એને શિમળાના રૂની તળાઈ ગણીને મેં શરીરને એમાં પડ્યું નાખ્યું. તરસથી અત્યંત વ્યાકુળ જીવને પાણી મળતાં કેવી શાતા થાય ! ભૂખથી ચીમળાઈ ગયેલા શરીરને ખોરાક મળતાં કેવી તૃપ્તિ થાય ! એવું જ કંઈક થાકનું. થાકીને લગભગ લોથ થઈ ગયેલા માણસને ખુલ્લા આકાશ નીચે નરમ ગાદલામાં શરીર નાખી દેવાનું મળે તો એને કેટલી બધી રાહત થાય ! અહીં અલીભાઈના વાડામાં ખાટલા પર નાખેલી રજાઈમાં, આ જ સુધી નહીં મળેલો આરામ મને મળવા લાગ્યો.

મને આ સ્થિતિમાં જોઈ અલીભાઈને જરા નવાઈ લાગી હોય એમ જણાયું. એમણે કહ્યું : ‘રોહિતભાઈ, તબિયત તો સારી છે તે ?’
‘તબિયતમાં તો કંઈ કહેવાપણું નથી. પણ થાક એવો લાગ્યો છે કે કંઈ કહેવાની વાત નથી.’
‘ધંધાની વાત કો કરી લઈએ’
‘અત્યારે કશું નહીં, અલીભાઈ. થાકને લીધે શરીર આરામ ઝંખી રહ્યું છે. આખો દિવસ શરીર ઉપર ખૂબ અત્યાચાર ગુજાર્યો છે, હવે આજની રાત શરીરની ઈચ્છાને વશ થવું છે. માત્ર ઊંઘ અને આરામ, બીજું કંઈ નહીં.’
‘ચા પીશો એટલે શરીરમાં સ્ફુર્તિ આવશે.’
‘ચા પીવી ગમશે, પણ ધંધાની વાત કરવી નથી. હું રાતભર આરામ કરીશ. ધંધાની ચર્ચા કાલે સવારે.’

‘સુવાનું અહીં ફાવશે ને ?’
‘કેમ ન ફાવે ? સરસ મજાની જગ્યા છે. એકાન્ત છે. વાડામાં સસલું કે તેતરુંય ન ઘૂસી શકે એવી ફાફડાથોરની જંગી દીવાલ જેવી વાડ છે…’
‘જંગલમાં રહીએ છીએ એટલે તકેદારી તો રાખવી પડે ને ?’
‘ખરું છે.’
‘સવારે કેટલા વાગે ઊઠશો ?’
‘શરીરનો થાક ઊઠવા દે ત્યારે ઊઠીશું. હું ઊઠું ત્યારે ઘડિયાળ જોઈ લેજો.’
‘એ ખરું, પણ સમયની ખબર હોય તો સવારે તમારી સરભરા માટે આવી જતાં ફાવેને. આમ તો, હું અહીં જ સૂઉં છું, પણ મારી દીકરી કાકોશીથી આવેલી છે. હું અને બેગમ અત્યારે ગામમાં ઘેર જઈશું. રાત્રે દીકરી સાથે વાતો કરીશું. કાલે એ જવાની છે એટલે મારે એને દાંતાના બસસ્ટેન્ડે મૂકવા જવાનું થશે. બને એટલો વહેલો આવી જઈશ.’
‘બહુ સારું. ગમે ત્યારે આવજોને. રાતે હું નિરાંતે ઊંઘીશ. જ્યારે જાગું ત્યારે મારું સવાર.’

આ વાતો ચાલતી હતી ત્યારે બેગમ ચાની કીટલી લઈને આવી. એના હાથમાં કપ-રકાબીને બદલે ધાતુનો મોટો ગ્લાસ હતો. કીટલીમાંથી ચા રેડાતી હતી તે વખતે અલીભાઈ બોલ્યા : ‘જમવાનું કેમ છે ?’
‘જમવું નથી. થાકમાં ભૂખ કોકડું વળીને ક્યાં મરી ગઈ છે તેની ખબર પડી જ નથી. બગલથેલામાં ભાખરીનો ડબો એમ ને એમ છે. ગામગામના એજન્ટોએ દૂધ, ટિંબરુંનાં ફળ, કરમદાં અને એવું જાતજાતનું ખવરાવ્યું – પીવરાવ્યું… કંઈ બાકી રાખ્યું નથી.’

અલીભાઈ શું જાણે કે બગલથેલામાં રાખેલા ભાથાના ડબ્બામાંની ભાખરી બપોરે ખાવી તો ઘણીય હતી, પણ ન ખાઈ શકાઈ. એના મૂળમાં પેઢીનો નોકર નાગર હતો ! એણે હથેળી ઠોકીને ડબ્બો બંધ કર્યો ત્યારે મેં એને કહ્યું હતું, ‘ડબ્બો ખોલવા ડિસમિસ જોઈશે, નાગર.’ ત્યારે તો એ માત્ર વિનોદ હતો. પણ બપોરે ભાથું ખાવાના સમયે નખ, આંગળાં, અંગૂઠા વગેરેને બરાબર કામે વળગાડવા છતાં ડબ્બો ખુલ્યો નહીં. એજન્ટો તરફથી મળેલાં દૂધ અને ફળફળાદિથી ચલાવી લેવું પડ્યું. એજન્ટો કંપનીના માણસોને જમાડતા નથી એટલે જે મળ્યું તેનાથી ચલાવી લીધું. મગન તો બપોરે એક ગામમાં એના સગાને ત્યાં જમી આવ્યો હતો અને અત્યારે એની માસીને ત્યાં રાત રોકાવાનો હતો એટલે એના જમવા બાબતે કોઈ પ્રશ્ન નહોતો.

મગન એના ઊંટને અલીભાઈના વાડામાં બાંધીને જવાની તૈયારી કરતો હતો ત્યારે અલીભાઈએ એને કહ્યું : ‘મગન, સવારે ક્યારે આવીશ ?’
મગન કંઈ જવાબ આપે એ પહેલાં જ મેં એને કહી દીધું : ‘કશી ઉતાવળ ન કરતો, મગન. શાંતિથી આવજે.’
‘ભલે’ કહી મગન વિદાય થયો.
ચા-પાણી થયાં એ પછી મેં અલીભાઈને કહ્યું : ‘હવે જાઓ. અને તમે પણ સવારે ઉતાવળ કર્યા વગર આવજો.’ જવા માટે બે ડગલાં ભર્યા પછી અલીભાઈ થોભી ગયા અને બોલ્યા : ‘એક વાત, રોહિતભાઈ.’
‘શી વાત છે ?’
‘અમે તો ટેવાઈ ગયા. તમને નવું લાગે.’
‘કંઈ કહો તો નવા જૂનાની ખબર પડે ને.’

‘જુઓ રોહિતભાઈ’, અલીભાઈએ કહેવા માંડ્યું : ‘આ જંગલ છે. પહેલાં તો અહીં વાઘશીદરાં (વાઘચિત્તા) કૂતરાંની જેમ ભટકતાં હતાં. પણ હવે તો વાઘેય નજરે પડતા નથી કે શીદરાંય દેખાતાં નથી. વાઘચિત્તાની વસ્તી ક્યાં ગઈ એ જ સમજાતું નથી. આમ છતાં, જંગલ કંઈ સાવ રાની પશુઓ વિનાનું થોડું થઈ જાય છે ? ટૂંકમાં કહું તો રોહિતભાઈ, આ ભાગમાં હજી આંગળીના વેઢે ગણી શકાય એટલા વાઘ ખરા. થોડાં રીંછ-શીદરાંય ખરાં. એક ઘરડો વાઘ રોજ રાતે અહીંથી નીકળે છે, આ જાનવરોનું કેવું ? ટેવ પ્રમાણે ચાલ્યા કરે. આ ઘરડા વાઘને રાત્રે આ બાજુ આંટો મારવાની ટેવ પડી છે એટલે એ નીકળે છે. હજુ સુધી એણે કોઈ માણસ પર તરાપ મારી નથી. જાનવરને ફાડી ખાય, પણ માણસ જાતને તો એણે ટાળી જ છે. એટલે તમે જરાય મૂંઝાશો નહીં. કશી આંચ આવવાની નથી. રાત્રે વાડાની નજીક થઈને નીકળશે. તમને એનો અણસાર પણ આવી જશે. એના ગળામાંથી નીકળતો ઘુરકાટ સંભળાય ત્યારે તો જાણે વાડાને ઘસાઈને નીકળ્યો હોય એમ લાગે, પણ હોય ખાસ્સો આઘો. શું કહ્યું ? જરાય મૂંઝાતા નહીં. કશો ભો રાખશો નહીં અને નિરાંતની નિંદર લેજો’

અલીભાઈ બોલતા હતા એ વખતે હું સાંભળતો હતો બધું, પણ અલીભાઈ ઘેર જવા નીકળ્યા ત્યાં સુધી કંઈ કહેવાનું મને સૂઝ્યું નહીં. અલીભાઈ વારંવાર ‘મૂંઝાશો નહીં’, ‘મૂંઝાશો નહીં’ એમ બોલ્યા કરતા હતા એની અસરતળે કદાચ, એમ બન્યું હોય.

વાઘ બાબતે મૂંઝાવાનું હતું કે નહીં એ કંઈ કહેવાની વાત છે ? મેં વાડ તરફ નજર કરી. વાઘ છલાંગ મારીને આ કૂદી શકે ? વાડ જેટલી ઊંચી હતી એટલી પહોળી પણ હતી. ફાફડાથોરની તો ખાસિયત – આડેધડ ફેલાયા કરે. પણ વાઘ જેવા જાનવરને એનો શો હિસાબ ? વાઘ ઘરડો હોય તેથી શું ?… નજર ફેરવતાં ફેરવતાં મેં વાડાની પાછળના ભાગ તરફ જોયું. અરે, લગભગ વાડ ઉપર ઝળુંબી રહેલી એક કાળમીંઢ શિલા વિશે મને વિચાર જ કેમ ન આવ્યો ? આબુમાં ટૉડ રૉક એવી અહીં આ નાગફણા ! જાણે ફુંગરે થયેલા નાગની ફેણ જ ! એના પરથી છલાંગ મારીને વાડામાં ઝંઝાપાત કરવાનું વાઘ માટે તો સાવ સરળ.

અલીભાઈએ ભલે કહ્યું, આજ સુધી એણે માણસજાતને ટાળી છે. પણ કોઈ માણસ ભક્ષ્ય બનવા એની સામે જઈને ઊભો રહ્યો હશે ખરો ? અને જાનવર ? ઊંટ જેવું વિશાળકાય જાનવર વાડામાં હોય એની ગંધ વાઘ સુધી પહોંચ્યા વગર રહે ? એ ગંઘથી પ્રેરાઈને છલાંગે વાડામાં પડ્યા પછી કોમળ અંગોવાળું માનવપ્રાણી જ એનું પ્રથમ લક્ષ્ય બન્યા વગર કેમ રહે ? ઊંટ રહે વેગળું. અને…..

આંખે અંધારાં આવ્યાં અને વાડાનો અંધકાર વધારે ઘેરો બન્યો. શરીરે આટલો બધો પરસેવો શાનો ? કાળઝાળ ઉનાળાની મોસમ નહોતી કે ભેજવાળા ઉકળાટના દિવસો પણ નહોતા… એક તો આખો દિવસ ઊંટ પર બેસી હાડકા તોડ્યા’તા અને રાત્રે એમ કે થાક ઊતારીશું, ત્યાં તો આ વળી નવી ઉપાધી અલીભાઈ ગળે ટીંગાડતા ગયા….

વાઘનો આંટો મારવાનો ચોક્કસ સમય અલીભાઈએ કહ્યો નહોતો. સૂર્યાસ્ત પછી પરોઢ સુધીનો કોઈ પણ સમય હોઈ શકે. સૂર્યાસ્ત હમણાં થયો હતો અને પરોઢ તો ઘણું દૂર હતું. અલીભાઈની દુકાનમાં પ્રવેશવાનું શક્ય બને તો આફતમાંથી ઊગરી જવાય. દુકાન ફરતે બે આંટા માર્યા. કાટ ખાઈ ગયેલાં પતરાંના જડતરવાળી દુકાન. તાળું પણ તકલાદી. તાળું તોડી શકાય કે એકાદ પતરું ઉખાડી શકાય તો દુકાનમાં પ્રવેશ કરી શકાય. પણ એ માટે સાધન જોઈએ ને ? બગલ થેલામાં ભાખરીના ડબ્બા સિવાય કશું નહોતું. આસપાસમાંથી કશુંક શોધી કાઢવાનું વિચાર્યું. પણ અંધારાનું પ્રમાણ હવે એટલું થયું હતું કે કશું નજરે દેખાય એમ નહોતું. છતાં શક્ય એટલાં ફાંફાં માર્યાં. કશો મેળ ન પડ્યો.

હવે સૂવાનું તો ક્યાંથી ઊકલે ? ખાટલામાં બેઠો. કાલ્પનિક ભયના પ્રભાવ હેઠળ ઊંઘ નજીક ઢૂકે એમ નહોતી અને થાક ? કશું સમજાતું નહોતું. આંખો બંધ કરું ત્યાં વાઘ જ દેખાય ! અલીભાઈએ ન મૂંઝાવા માટે આપેલી ખાતરીને વારંવાર મનમાં લાવીને હિંમત એકઠી કરવા પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું. અલીભાઈ રોજ આ વાડામાં જ સૂએ છે. આજ સુધી એમને કશી આંચ આવી નથી. તો આપણે શા માટે ડરવું ? આવી ગણતરીઓની મન ઉપર કશી અસર થતી નહોતી. ક્ષણો જેમ જેમ પસાર થતી હતી તેમ તેમ ભય અને ચિંતા વધતાં જતાં હતાં.

પૂર્વ દિશાના ખડક પર ચંદ્ર દેખાયો. કૃષ્ણ પક્ષનો પ્રથમ દિવસ. ચંદ્ર જરા ઊંચે ચઢે એટલે પૂર્ણિમા જેટલું જ અજવાળું ! ચંદ્રના અજવાળામાં નહાતો માણસ વાઘની નજરે ચઢ્યા વગર રહે ? જાનવરની આંખ. એને તો ચંદ્રનું અજવાળું સૂર્યના તડકા બરાબર. મદદમાં ઘ્રાણેન્દ્રિય તો ખરી જ…..

એટલામાં જ…… કશો ઘુરકાટ ? કાન સાબદા થઈ ગયા. નજીક આવે છે ? બાપા, હવે તો મરી ગયા…. ખાટલા પર પાથરેલી રજાઈ ઓઢી લીધી. ચંદ્રના અજવાળાથી છુપાવવા સ્તો ! તરણું તો તરણું ! રજાઈએ રક્ષણ આપવા માંડ્યું હતું. પેલા ઘુરકાટના ભણકારા તો ઓછા થયા ! આને શાહમૃગની રીત ગણવી હોય તો ગણી શકાય. અજવાળુંય નહીં અને વાઘનો ઘુરકાટ પણ નહીં ! જંગલી જાનવરોના સંચારનો સમય વહેલી પરોઢે પૂરો થાય ત્યાં સુધી ભયના ઓથાર હેઠળ હું રજાઈ નીચે પડખાં બદલતો રહ્યો. એ પછી આંખ ક્યારે મળી ગઈ એની સરત ન રહી.

અલીભાઈનો સાદ સંભળાયો અને જાગી જવાયું.
હસતાં હસતાં અલીભાઈ બોલ્યા : ‘તમારો થાક તો કહેવો પડે હોં, રોહિતભાઈ ! સૂરજ પેલા મઘરા ઉપર કેટલો ઊંચે ચઢ્યો છે ! અને તમે તો રીઢા ઊંઘણશીની જેમ નસકોરાં બોલાવતા હતા. રજાઈ નીચે ફેંકી દીધી છે અને ખાટલામાં અખવાળા સૂતા છો ! ચા લઈને આવ્યો છું. ઊઠો, ચા પી લ્યો. પછી તૈયાર થાઓ એટલે ધંધાની વાત કરીએ.’

કેવી ઊંઘ લીધી છે એ તો હું જ જાણું છું !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખેતી – બ. ક. ઠાકોર
જળ સુંદર, સ્થળ પણ સુંદર – પ્રીતિ સેનગુપ્તા Next »   

12 પ્રતિભાવો : ખેપ – મોહનલાલ પટેલ

 1. palli says:

  what the hell!! it seems a mass story..like a regional song….sweet but ordinary, nothing special….not worth reading…….

 2. a says:

  I enjoyed reading the discription.

 3. Dipika D Patel says:

  ઊંટની સવારી વાંચવાની અને વાઘનો ડર વાંચવાની મજા આવી.

 4. Govind B. Chauhan says:

  Worth reading. Felt self in place of Rohitbhai.

 5. Hiren Bhatt says:

  Well, I was expecting a better one from Mohanlal Patel. I think, the story got narrowed down unnecessarily towards the end.
  Perhaps 1 or 2 additional paragrapshs would have provided the better ending.

 6. dhara says:

  મજા પડી ગઇ…..

 7. Keyur Patel says:

  સારી વાર્તા છે. મને ગમી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.