જળ સુંદર, સ્થળ પણ સુંદર – પ્રીતિ સેનગુપ્તા

[ ‘પ્રીતિ સેનગુપ્તા’ પ્રવાસલેખન ક્ષેત્રે ખૂબ જાણીતું નામ છે. તેમના 25 થી વધારે પ્રવાસના પુસ્તકો છે. વિશ્વના કુલ 105 દેશોનો તેમણે પ્રવાસ કર્યો છે. જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં તો તેઓ પાંચથી વધારે વખત જઈ આવ્યા છે. નિરંતર પ્રવાસ કરવો અને જુદા જુદા દેશોની સંસ્કૃતિથી પરિચિત થવું એ તેમનો સહજ સ્વભાવ છે. ઘણા સમય પહેલાં પ્રકાશિત થયેલ નોર્વેના પ્રવાસોનું તેમનું એક સુંદર પુસ્તક ‘દૂરનો આવે સાદ’ માંથી આ અંશ લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ તેમનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો : +19149979016 ]

image પ્રવાસે નીકળીએ ત્યારે કશા નવા અનુભવોની ઈચ્છા અને પરિચિત આધારોની આવશ્યકતા – આ બન્ને ભાવ સમાંતર ચાલતા રહે છે. તદ્દન જુદું જ્યારે જોવા ને જાણવા મળે ત્યારે ક્યારેક પ્રવાસી આનંદની સાથે ગર્વ અનુભવે છે – કે જાણે બીજા કોઈને એ જોવા ને જાણવા મળ્યું જ નહીં હોય ! અને જાણીતું કશું દેખાઈ કે મળી જાય ત્યારે એના અચાનક ઈત્તફાક-સંયોગથી અનહદ ખુશી થઈ જાય. હું પોતે નવા માટે ગર્વ કરતી નથી અને પરિચિતની સતત શોધ કરતી નથી. માત્ર, દરેક પ્રાપ્તિ અને પ્રસંગમાં રસ લઈને એને માણવા પ્રયત્ન કરું છું.

શાકાહારી હોઈ એ માટેની શોધ ક્યારેક કરવી પડે, ક્યારેક વળી એવી રૅસ્ટોરાં અચાનક દેખાઈ જાય. પહેલે દિવસે સ્ટૉકહોમના જૂના વિભાગની ગલીઓમાં ફરતાં ‘ફલાફલ’ વેચતી એક નાની દુકાન દેખાઈ ગયેલી. મધ્ય-પૂર્વના કેટલાક દેશોમાં ‘ફલાફલ’ મળે – જાડી રોટલી ને એમાં ચણાનાં પકોડાં, તલની ચટણી, ટામેટાં વગેરે ભરેલાં હોય. આવી રીતે ‘ફલાફલ’ ને વર્ણવી શકાય. આપણને ભાવે, ને પેટ પણ ભરાય; સસ્તું પણ હોય, એટલે સ્ટૉકહોમમાં રોજ એક વાર તો એ ખાઈ જ લેતી હતી. એ દુકાન ચલાવતો હતો એક ‘કર્ડ’ – એટલે કે, કર્ડીશ પુરુષ. ઈરાક અને ટર્કીના છેક ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં આ જાતિ વસે છે. એમના કરુણ નસીબે એ સત્તાધારીઓની હિંસક વૃત્તિનો ભોગ બનેલી છે. ઘર છોડી ભાગી નીકળેલાં ‘કર્ડ’ સ્ત્રી-પુરુષો યુરોપમાં શક્ય બને ત્યાં વસી જાય છે. એવાં કેટલાંક સ્વિડન પહોંચ્યાં. દુકાનવાળો માણસ દેખાવે આરબ-મુસ્લિમ જેવો લાગેલો, તેથી જરા જાણવા માટે મેં પૂછેલું. એ નાના ધંધામાં ગુજરાન ચલાવી શકતો હતો. એથી મને સારું લાગેલું. સાથે જ, એમ પણ થયેલું, ‘ઓહો, વખાના માર્યા લોકો ક્યાંથી ક્યાં જઈ વસે છે.’

શહેરની બીજી તરફના રસ્તા પર ચાલતાં અચાનક ‘અલીબાબા પાકિસ્તાની રૅસ્ટૉરાં’ જોઈને જરા નવાઈ પામી હું અંદર ગઈ. નાની જગ્યા હતી, પણ સારી હતી. છતની નીચે સરસ, હાથના ચીતરેલા પંખા ચોંટાડ્યા હતા. દીવાલો પર આભલાં ભરેલા દુપટ્ટા શોભા માટે લટકાવ્યા હતા. ત્યાં કામ કરતા ત્રણ પાકિસ્તાની યુવકો હસમુખા ને વિવેકી હતા. એમની સાથે બે-ચાર મિનિટ આમતેમ વાતો કરી. પછીથી ખાવા માટે એક આલુપરાઠા બંધાવી લીધું. હા, સ્વિડનમાંની એ મારી છેલ્લી બપોર હતી. સાંજ પડ્યે મારે વહાણમાં ચડવાનું હતું.

પૃથ્વીના ઉત્તરાર્ધમાં આવેલા પાંચ દેશ – નોર્વે, સ્વિડન, ફિનલૅન્ડ, ડૅનમાર્ક, આઈસલૅન્ડનો ગુચ્છ ‘સ્કૅન્ડિનેવિયા’ તરીકે ઓળખાય છે. એમની ઉપર, નીચે, અંદર અને આસપાસ કેટલું બધું પાણી છે. નાનામોટા કેટલા સમુદ્ર – આર્કટિક, ઍટલાન્ટિક, બૉલ્ટિક અને અખાતો – બૉથ્નિયા, સ્કાગેરૉક, રિગા, ફિનલૅન્ડ. વળી પાછાં એ દરેક દેશની અંદર અગણ્ય તળાવો. સ્વિડનમાં લાંબી નહેર દ્વારા દક્ષિણનો ત્રીજા ભાગનો પ્રદેશ સુબદ્ધ થયેલો છે, તો ફિનલૅન્ડનાં તળાવોને એવી રીતે સાંકળવામાં આવ્યાં છે કે એકમાંથી બીજામાં થતાં થતાં દેશના અડધાથી વધારે પ્રદેશમાં ફરી શકાય. ફિનલૅન્ડનાં પ્રજાજનો આવા જળવિહરણમાં ઉનાળાનાં કીમતી અઠવાડિયાં બહુ શોખથી ગાળે છે.

મારે સ્વિડનથી ફિનલૅન્ડ, બસ, જળમાર્ગે જ જવું હતું. ક્યાંક નવું કશું વાંચ્યું હોય એટલે એ રીતે પ્રવાસ કરવાનું મન થઈ જાય ! સ્ટૉકહોમના બંદર પર સ્વચ્છ ને નવું લાગતું, અત્યંત મોટું વહાણ ‘શિપ’ નાંગરેલું હતું. અંદર ચડી, એની સીડીઓ પર હું ઉપરનીચે ખૂબ ફરી – જોતી, જાણતી. ટેલિવિઝનના મોટા પડદાવાળો એક હૉલ તો હતો જ. પણ નાનાં ટી.વી. લગાડેલી બેઠકોવાળો એક ખંડ પણ હતો. બાળકોને રમવા માટે એક જુદો રૂમ. ત્યાં ‘લેગો’ , ‘નિન્તેન્ડો’ જેવા સાધનો હતાં. બાકી તો કાફે, ડાઈનિંગરૂમ, નાઈટકલબ, ડિસ્કો – શું નહીં ! આ વહાણની અંદર સો સો મોટરો અને બસો પણ જાય અને પચીસસો માણસો સમાય. એ રાતે સત્તરસો જેટલાં જણ થયાં હતાં. વહાણ ઊપડ્યું ત્યારે જાણે એ બધાં ઉપરનીચેનાં તૂતક પર હતાં. ચ્હા-પાણી-નાસ્તામાં પરોવાયેલાંની થોડી સંખ્યા હતી, પણ વધારે જણ જોઈ રહ્યાં હતાં – વહાણને સુવર્ણ-સુંદર નગર સ્ટૉકહોમના કિનારાથી દૂર જતું.

સહેજ વારમાં ટાપુઓ શરૂ થઈ જાય. જમીન જાણે લીલા-કથ્થઈ ટુકડાઓમાં વહેંચાઈ ગઈ હતી. કેટલાક પર થોડી વસતિ હોય, ને કેટલાક તો ફકત ઝાંખરાથી ઢંકાયેલા પાષાણોના ખડકલા જ. પણ બધા સુંદર લાગે. એમની વચ્ચેથી વહાણ માર્ગ કાઢતું હતું. ગતિ થોડી વાર ઝડપી થઈ, પણ સાંકડો જળમાર્ગ આવતાં, કે ઘણા નાના પાષાણદ્વીપ સામટા આવી જતાં એ ધીમું પડી જતું. સૂર્ય ક્ષિતિજ તરફ જઈ રહ્યો હતો – દશ્યને સોનેરી ઓપ આપતો, પાણીને તેજસ્વી ચળકાટ બક્ષતો. સહેજ વળાંક લેતાં, થોડે દૂર અમારી પાછળ આવતું બીજું એક વહાણ નજરે પડ્યું. જાણે મોટીમસ એક વ્હેલ માછલી ! મને થયું, મારાવાળું વહાણ એ લોકોને પણ બરાબર એવું જ લાગતું હશે ને !

હું અંદરબહાર કરતી રહેતી. છેવટે વધી ગયેલાં પવન અને ઠંડીએ મને તૂતક પર ઊભી ના રહેવા દીધી. અંદર કાચની દીવાલ પાસે બેસી એ લીલા ટાપુઓ, નાંગરેલી નૌકાઓ ને આકાશના બદલાતા રંગ હું જોતી રહી. સાડા નવેક વાગ્યે આખરે મેં આરામનો વિચાર કર્યો. આખી રાતની મુસાફરી હતી. મેં કૅબિન ભાડે નહોતી કરી, પણ ચાર ચાર બર્થવાળાં, નાનાં થોડાં વિભાજન મોજૂદ હતાં. એ માટે પડાપડી તો શું, પણ ખાસ ભીડ પણ નહોતી.

કટકે કટકે મને ઊંઘ આવતી હતી. અડધી રાતે અચાનક કોઈએ મને જગાડી. માંડ આંખો ખોલી મેં જોયું તો એક માણસ લાઈટર સળગાવી, ખૂબ પાસે લાવી મારું મોં જોઈ રહ્યો હતો. કોઈ દારૂડિયો ‘ફિન’ હતો. સ્કૅન્ડિનેવિયાના દેશોમાં દારૂની મોટી બદી છે. મુખ્ય કારણમાં ત્યાંનો આકરો, અંધારો, લાંબો, નિષ્ક્રિય શિયાળો ગણાય છે. હું આ ‘ભૂત’નો આમ સાક્ષાત્કાર થતાં ગભરાઈ જ ગઈ. બાજુનાં વિભાજનોમાં સૂતેલાંઓને જગાડવા લગભગ ચીસો જ પાડવા માંડી. પેલો દારૂથી તોતડાતાં કહે, ‘ઓહ, ઘાંટા ના પાડ, ઘેર મારી પત્ની એ જ કરે છે.’ પછી એ બહાર ગયો. તરત, ઝટપટ હું બીજા વિભાજનમાં જતી રહી. ત્યાં ત્રણ જણ સૂતેલાં હતાં. ઉપરની એક બર્થ ખાલી હતી. એટલામાં પેલો પાછો આવ્યો. મને જોઈ નહીં એટલે બીજે મને શોધવા લાગ્યો. અંધારામાં મારી એ બર્થમાં મને જોઈ કે ઓળખી ના શક્યો. કોઈ બીજી કોટડીમાં સૂતેલી કોઈ છોકરીને પણ એ જ રીતે ગભરાવી મારી હશે, કારણ કે એની પણ એવી જ ચીસો મેં સાંભળી. એ પછી એ જતો રહ્યો હશે. પણ નવાઈ એ વાતની કે નજીક નજીકમાં સૂતાં હોવા છતાં કોઈ પ્રવાસી જાગી ના ગયાં. વહેલી સવારે વહાણ ફિનલૅન્ડના મુખ્ય શહેર હૅલસિન્કીના બંદર પર પહોંચ્યું. બહાર પહોંચવા માટે ઘણું ચાલવાનું હતું. જાંચ-તપાસનું કોઈ મોટું થાણું નહોતું. ફક્ત, છેલ્લા બારણા આગળ ઊભો રહેલો એક ગાર્ડ-ચોકીદાર આશરે કોઈને અટકાવીને નાની બારી પાસે જવા કહેતો હતો. આવામાં હું તો ‘પકડાઉં’ જ. ‘યહ મુંહ, ઔર મસૂર કી દાલ’ અથવા ‘જાતે ગરીબ ઈન્ડિયન, ને સુખી, સફેદ દેશોમાં પ્રવાસ.’ પાછાં આપણે ભારતીય જ નહીં, આરબ-ફારબ જેવાં પણ લાગીએ ધોળા લોકોને તો. એટલે જુદાં તારવે જ. પછી જો કે બારી પાછળ બેઠેલા ઑફિસરે કશું ઝીણવટથી તપાસ્યું નહીં. ભારતીય પાસપોર્ટની વિશ્વસનીયતા એ સમજતો હશે.

વહાણમાં ઊંઘ પૂરી નહોતી થઈ. પણ ફિનલૅન્ડમાંનો મારો એ પહેલો દિવસ ખરાબ નહોતો ગયો. લોકો ખૂબ સારા હતા. તરત હસે, મદદ કરવા તૈયાર – પછી ભલે અંગ્રેજી બોલતાં ના હોય. મારે ખાસ તો દિશા વિષે પૂછવું પડે. રસ્તામાંનું કોઈ હોય, કે બસચાલક હોય. તરત સભ્ય રીતે સમજાવે. રવિવાર હતો, એટલે શહેર વધુ ભાગે બંધ અને ખાલી હતું. ફક્ત બંદર પાસે અને સ્ટેશનની આસપાસ કાંઈક અવરજવર હતી. આ દેશનાં બધાં શહેરોની દુકાનો શનિવારે બપોરે એક વાગ્યાથી જ બંધ થવા માંડે છે ને છ વાગ્યામાં તો બધું જ તાળામાં !

હોટેલ શોધી, સામાન મૂકી, મેં સૌથી પહેલાં એક સર્ક્યુલર રૂટવાળી બસ લીધી. શહેરના થોડા માર્ગ અને થોડાં સ્મારકોનો ખ્યાલ આવી જાય. બેઠાં બેઠાં ઊંઘ આવતી હતી ને એક-દોઢ મિનિટનું ઝોકું તો કદાચ ખાઈ પણ લીધું હશે ! આ શહેર 1550માં વાન્તા નદીને કિનારે વસાવાયેલું. પાછળથી એને અત્યારને સ્થાને દરિયાના કિનારાની પાસે ખસેડાયેલું. એ વખતે ફિનલૅન્ડ સ્વિડિશ રાજ્યસત્તાના હાથમાં હતું. 1809માં રશિયાએ એનો કબજો લીધેલો. બન્ને દેશોની ભૂમિ જોડાયેલી તો છે જ. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ ને એ પછી ફિનલૅન્ડ સ્વતંત્ર બન્યું. એ સો એક વર્ષોમાં ફિનલૅન્ડમાં રાષ્ટ્ર-પ્રેમની ભાવાના ખૂબ વિકસી અને કળા ને સાહિત્ય દ્વારા વ્યકત થતી રહી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં એની ખાનાખરાબી થઈ, પણ એ પછી ફિનલૅન્ડ પગભર થઈ ગયું છે. એટલું જ નહીં, કળા અને સ્થાપત્યના ક્ષેત્રમાં ઉત્તમ, અસાધારણ ડિઝાઈન માટે વિખ્યાત છે.

છસો વર્ષ સુધી સ્વિડિશ અમલ નીચે હોવાથી ફિનલૅન્ડમાં એ જ ભાષા ઘર કરી બેઠી છે. રાષ્ટ્રવાદીઓએ ફિનિશ ભાષા સ્થાપિત કરવા પ્રયત્ન ઘણા કર્યાં, પણ હજી ત્યાં સદીઓથી વસતી આવેલી મૂળ સ્વિડ પ્રજાનાં હજારો વંશજો છે. એ બધાનો આગ્રહ સ્વિડિશ ભાષા માટે છે. પરિણામે દરેક જાહેર સ્થાને એ બન્ને ભાષાના શબ્દો વપરાઈ રહ્યા છે. વળી, એ બન્ને ભાષા પરદેશીઓ માટે તો અઘરી અને અટપટી, એટલે અંગ્રેજી શબ્દો પણ મૂકવા પડે – જેમકે, વિમાનમથકને ફિનિશમાં ‘લેન્તોસેઆરા’ કહે અને સ્વિડિશમાં ‘ફિલગસ્તાશન’ કહે, ‘ખેંચો’ ને અનુક્રમે ‘વેદા’ અને ‘ડ્રાગ’ કહે, તો ‘ધક્કો મારો’ (બારણાને) અનુક્રમે ‘તિઓન્ના’ અને ‘પ્રાઈક’ કહે, શહેરોનાં નામો પણ બે ભાષામાં સાવ જુદા લાગે – જેમ કે, ‘હેલસિન્કી’ સ્વિડિશમાં ‘હેલસિન્ગફોર્સ’ બને છે અને ‘તુર્કુ’ ને ‘ઓબો’ કહે છે !

image હેલસિન્કીનું મુખ્ય દેવળ ભવ્ય છે. રશિયાના ત્ઝાર નિકોલસ પ્રથમના સમયમાં એ બંધાયું. એનાં ઊંચા, પહોળાં પગથિયાં પર પ્રજાજનો તેમજ પ્રવાસીઓ તડકો માણતાં રહે છે. બીજાં કેટલાંયે દેવળ શહેરમાં છે. એમાં તેમ્પ્પેલિઔકિઓ ચર્ચ અદ્વિતિય છે. એ સાદી ભાષામાં ‘જીવંત પાષાણમાંનું દેવળ’ તરીકે ઓળખાય છે. એ હતું જુદી જ દિશામાં, પણ નકશામાં જોઈ રસ્તાને અનુસરી હું ત્યાં પહોંચી ગઈ. બહારથી પથ્થર સિવાય કશું ના દેખાય. અંદર પણ દિવાલો મુખ્યત્વે એ જ પથ્થરોની હતી. છત તાંબાની હતી. વેદી પર નાનો ઘુમ્મટ હતો. બેઠકો પર ફૂલગુલાબી રંગનું કાપડ જડેલું હતું. બહુ જ સુંદર હતો એ ભીતરી અવકાશ. એની સાદગી શિષ્ટ અને સુરમ્ય હતી. ખ્રિસ્તી દેવળને અનુરૂપ એવા ‘ઑર્ગન’ વાજિંત્રની નળીઓ અને ભૂંગળીઓ પણ શોભતી હતી. એ પાષાણ-ગર્ભ ગિરજાઘરની અર્ધ-પ્રાકૃતિક, પૂર્ણ-કળાત્મક રિક્તતા સંગીત અને ધ્વનિ માટે અત્યંત યોગ્ય ગણાય છે. એટલે એ દેવળ ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત પાશ્ચાત્ય-શાસ્ત્રીય સંગીતનાં અનુષ્ઠાન માટે વિખ્યાત બની ગયું છે.

હેલસિન્કીમાં કેટલી સરકારી ઈમારતો અને કેટલાં સંગ્રહાલય. વિશાળ નગરચૉકને એક છેડે આવેલા સમકાલીન કળાના આલયમાં મેં થોડો સમય ગાળ્યો. અંદર ને બહાર છ વર્ષ સુધી એના પર સમારકામ ચાલ્યું. 1887માં બંધાયેલી, ‘એતેનિઅમ’ કહેવાતી એ ઈમારતની અંદરનો કળાસંચય જેવો વિપુલ છે, તેવો જ વિશિષ્ટ છે. 19મી સદીનાં યુરોપી ચિત્ર-રત્નો તો ઘણે જોયાં હોય, પણ 20 મી સદીનાં મધ્ય વર્ષોમાં સર્જાયેલાં ફિનિશ ચિત્રો અસામાન્ય, મૌલિક, લાક્ષણિક અને અત્યંત પ્રશસ્ય લાગ્યાં.

train-station ટ્રેન-સ્ટેશન હેલસિન્કીનું બહુ જાણીતું પ્રતીક છે. ફિનિશ સ્થાપત્યનું એ વિશ્વવિશ્રુત ઉદાહરણ છે. એનું બાંધકામ 1909થી શરૂ થઈને પંદર વર્ષ ચાલ્યું. એનો ઘડિયાલ-મિનાર લગભગ પચાસ મીટર ઊંચો છે. ઘડિયાળનો પરિઘ ત્રણ મીટર છે. એનો મિનિટનો કાંટો એક મીટર લાંબો ને કલાકનો કાંટો દોઢ મીટર લાંબો છે. દૂરથી સમય જોઈ શકાય. સ્ટેશન પર મેં બે જણને હિન્દીમાં બોલતા સાંભળ્યાં. પછી તો વાત કરવી જ પડે ને ! બન્ને ભારતીય હતા. એક સ્વિડનથી કામ માટે આવેલો, બીજો હેલસિન્કીમાં જ રહેતો હતો. સ્ટેશનની રૅસ્ટોરાંમાં એ વેઈટર હતો. મને કૉફી માટે એણે આગ્રહ કર્યો. રૅસ્ટોરાંમાં આરબ જેવા દેખાતા પુરુષો સફેદ સ્ત્રીઓ સાથે બેઠા હતા. ટેબલો પર બિઅરની બૉટલો દેખાતી હતી ને વાતાવરણ સિગારેટના ધુમાડાથી ધૂંધળું હતું. હું એકલી તો અંદર જાત જ નહીં. એમ તો પહેલાં પણ મેં સ્ટેશનમાંની એક હાટડીમાંથી દૂધ ખરીદીને ઊભાં ઊભાં પીધેલું.

પણ ગગન અને સુરિન્દર સાથે હતા, તેથી હું ત્યાં બેઠી પછી થોડી વધારે વાત થઈ. સુરિન્દર એક ફિનિશ યુવતી સાથે પરણેલો. એ બહુ સારી હતી. પરાઠા અને બીજું ખાવાનું બનાવતાં શીખી ગયેલી ! સુરિન્દરનાં સાસુ-સસરા એક નાના ટાપુનાં માલિક હતાં અને નિવૃત્ત થઈને ત્યાં જ રહેતાં હતાં. એ યુનિવર્સિટીમાં વિશ્વ-સંસ્કૃતિઓ પર રીસર્ચ પણ કરતો હતો અને એની એક ચોપડી દિલ્હીમાંથી છપાવાની હતી. એણે મને એની ને એની પત્ની સાથે રહેવા આમંત્રણ આપ્યું. ત્યાં રહેતાં ભારતીય અને ફિનિશ વ્યક્તિઓને મળવું ગમ્યું હોત, પણ મારે હજી ફિનલેન્ડમાં થોડું ફરવાનું હતું.

ફિનલૅન્ડનું બધું સરસ લાગે. એની સમાજિક વ્યવસ્થા, એનું પ્રાકૃતિક વિરચન. લોકકેન્દ્રોની સ્વચ્છતા ને કમનીયતા ગમે ને નિર્સગનો હરિત વર્ણ આંખોને ઠારે. હેલસિન્કીની છેલ્લી રાતે હોટેલના મારા ઓરડાની અગાશીમાંથી પાણી દેખાતું હતું. દૂર એક વહાણ સ્વિડન તરફ સરકી રહ્યું હતું. થોડા દિવસ પહેલાં આવું જ એક યાન મને ફિનલૅન્ડ લઈ આવ્યું હતું.

હવાનો સ્પર્શ તાજગીભર્યો હતો. બારશ કે તેરશનો ચંદ્ર સોહતો હતો. બધા જ દિવસો સરસ વીત્યા હતા. મનમાં એનો આનંદ હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખેપ – મોહનલાલ પટેલ
અડધી ચા નો નશો – ડૉ. નલિની ગણાત્રા Next »   

21 પ્રતિભાવો : જળ સુંદર, સ્થળ પણ સુંદર – પ્રીતિ સેનગુપ્તા

 1. અમી says:

  “ફિનલેંડ” નુ ચિત્ર ખડુ થઈ ગયુ આંખ સામે. સરસ વર્ણન કર્યુ છે. વગર પાસપોર્ટ / વિઝા ફિનલેંડ સુધી ફેરવી લાવવા બદલ પ્રીતિ સેનગુપ્તાનો આભાર.

  અને “પાયલોટ” મ્રુગેશજી – તમારો પણ આભાર.

 2. અજય says:

  ફિનલેંડ નું નામ આવે એટલે NOKIA યાદ આવી જ જાય. આખા “પ્રવાસ”માં મને એના દર્શન ના થયા.

 3. ફરવાની મજા આઇવી હો…

 4. Shah Pravin says:

  એક સુંદર પ્રવાસની મઝા માણી.
  રોમનો પ્રવાસ વાંચવા મળશે?
  આભાર

 5. કલ્પેશ says:

  સરસ !! વગર ટિકીટ ફિનલૅન્ડ ફરવા મળ્યુ 🙂

 6. Keyur Patel says:

  પ્રવાસ અને પ્રવાસનને લગતા લેખો વધારે આપો તો કેવું સારું. પ્રવાસ વર્ણન એક ચિત્ર જેવું છે. જેમ ચિતારો તેની પીંછી ફેરવે અને ચિત્ર ખડું થાય તેમ લેખક શબ્દો દ્વારા શ્રુષ્ટિ ખડી કરે છે.

 7. manvantpatel says:

  પ્રવાસવર્ણન ગમ્યુઁ. આભાર મૃગેશભાઇ !

 8. Amit Patel says:

  અદભુત મુસાફરી કરાવવા બદલ આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.