સંબંધોની રમત – દીપક આશર

image[ મુંબઈ સ્થિત શ્રી ચંદ્રભાઈ ખત્રી ‘ઝરણાં’ નામનું એક સુંદર નાનકડું સામાયિક ચલાવે છે. તેમનો ઉદ્દેશ વાચકોને સત્વશીલ સાહિત્ય પૂરું પાડવાનો છે. વાચકો જીવન પ્રત્યેનો ખરો અભિગમ કેળવી પોતાની જાતને ઓળખી શકે તેવું વાંચન આપવાના હેતુથી 1998માં તેમણે ઉમંગ પબ્લિકેશનની સ્થાપના કરી. જેનું પ્રથમ પ્રકાશન એટલે ‘ઝરણાં’ પુસ્તિકા. તેઓ નવોદિતોને પ્રોત્સાહન આપવાના હેતુથી સાહિત્યના અનેક કાર્યક્ર્મોનું પણ સક્રિય રીતે આયોજન કરે છે. પ્રસ્તુત લેખ તેમની આ પુસ્તિકામાંથી લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તિકા મોકલવા બદલ શ્રી ચંદ્રભાઈનો (વિલ્સન સ્ટ્રીટ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આ પુસ્તિકા વિશે વધુ માહિતી અંગે આપ આ સરનામે સંપર્ક કરી શકો છો : ઉમંગ પબ્લિકેશન, પુણ્ય એપાર્ટમેન્ટ, વિલ્સન સ્ટ્રીટ, વી.પી. રોડ, મુંબઈ-4. ફોન : +91-22-23888343 મોબાઈલ : +91 98203 79997 ]

સમાજનું પ્રતિબિંબ સંબંધોમાં પડઘાય છે. સંબંધોથી જ દરેક સંસ્કૃતિ ઓળખાય છે. ભારતીય સંસ્કૃતિમાં સંબંધોનું અનેરું મહત્વ છે. સંબંધો લોહીના, મિત્રતાના, પ્રેમના, લાગણીના, ધંધાના, પાડોસીના અનેક પ્રકારે સર્જાય પણ સંબંધ એટલે સંબંધ. સંબંધની વ્યાખ્યા એક જ છે, પરંતુ તેનાં રૂપ અનેક છે. જોકે આ બધા સંબંધોમાં જેના થકી આજે વિશ્વનો વિસ્તાર વધી રહ્યો છે તે સંબંધ છે સ્ત્રી-પુરુષનો.

સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધમાં આમ તો અનેક પાસાં છે પરંતુ મુખ્ય સંબંધ છે પતિ અને પત્નીનો. આ એવો સંબંધ છે જેમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને પામી-જાણી શકવાની શક્યતા સૌથી વધુ છે. આ સંબંધોમાં બન્ને એકબીજાના તન-મન અને ધન પર પણ અધિકાર ધરાવે છે. આ એવો સંબંધ છે જેમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સૌથી વધુ આકર્ષણ જન્મે છે અને ત્યાર બાદ અપાકર્ષણનાં બીજ ઊગી નીકળતા વાર નથી લાગતી.

સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ એટલે પ્રેમ, સમજદારી, લાગણી, નફરત, જીદ અને વિશ્વાસનો સંબંધ. આ સંબંધનું પિંડ બંધાય છે, એની શરૂઆત થાય છે ત્યારથી જ બન્ને વચ્ચે એક રમત આરંભાય છે. શરૂઆતમાં એકબીજાને પ્રભાવિત કરવા માટે શરૂ થયેલી આ રમત છેલ્લે સુધી રમાયા કરે છે. બન્ને પક્ષે સમજદારીથી વર્તવામાં આવે તો સંબંધ મધમીઠો બની રહે છે પણ બન્ને પક્ષે નાદાની કે અહમનો ટકરાવ થાય ત્યારે આ સંબંધનો અંત બહુ દૂર નથી હોતો.

સ્ત્રી અને પુરુષ જ્યારે પ્રથમ વખત એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારથી જ રમતની શરૂઆત થઈ જાય છે. જોકે આ રમત બીજી અન્ય રમતો કરતાં એક દષ્ટિએ સાવ નોખી પડે છે. અન્ય રમતોમાં એક પક્ષ જીતે છે જ્યારે બીજાએ હારનો સામનો કરવો પડે છે, પરંતુ સ્ત્રી અને પુરુષ વચ્ચેની રમતમાં બન્ને પક્ષે પરાજિત થવાનું જ હોય છે. બધી રમતોની જેમ સ્ત્રી-પુરુષ વચ્ચેની રમતમાં પણ રણનીતિ, નિરાશા, આંસુ, દરદ અને ખુશી છે.

સ્ત્રી અને પુરુષ વચ્ચેની રમતનો ફર્સ્ટ હાફ પ્રણયના ઉત્કટ દિવસોથી શરૂ થાય છે. પ્રેયસીને મળવાનું વચન આપ્યા બાદ નહિ પહોંચી શકેલો પ્રેમી સાચું કારણ આપવાને બદલે ખોટું કારણ આપે છે. રમતનો આ તબક્કો પ્રાથમિક તેમ જ નિર્દોષ હોય છે. આ સમય દરમિયાન બન્ને ખેલાડી સુરક્ષિત રમત રમતા હોય છે. આ તબક્કામાં બન્ને ખેલાડી એકબીજાને પરાસ્ત કરવાને બદલે સાચવી લેવાની ભાવના ધરાવતા હોય છે. પોતાના પ્રિય પાત્રની ભૂલો, ખામીઓ, ઊણપો, અણદેખી કરવાનો આ સમય હોય છે. આ સમયમાં પણ જીદ, ઝઘડા થાય છે ખરા પરંતુ તેમાં મીઠાશ હોય છે. આ સમયમાં પ્રતિકાર નહિ પણ પ્રતિસાદ કરવામાં આવતો હોય છે. એકબીજા માટે સર્વસ્વ અર્પણ કરી દેવાની કસમો ખાવામાં આવે છે.

રમતનો બીજો તબક્કો લગ્નજીવનનાં આરંભનાં વર્ષોથી શરૂ થાય છે. આ સમયગાળામાં બન્ને પાત્રો પર એકબીજાને પામી લીધાનો મદ ચઢ્યો હોય છે. એકબીજા માટે બધું જ કરી છૂટવાની લાગણી પર રંગ ચઢે છે. થોડી ઘણી દૂરિયાં પણ હવે નજદીકિયાં બની જાય છે. ધીમી ગતિએ આગળ વધી રહેલી જીવનની આ રમતમાં અધિકાર નામના તત્વનો પ્રવેશ થાય છે. ગઈકાલ સુધી ફરવા જવું. ફિલ્મ જોવા જવું ઉત્સવ હતો. બીજી તરફ પુરુષ પણ હવે સ્ત્રી પર માલિકીભાવ ધરાવતો થઈ જાય છે. ગઈ કાલ સુધી બન્ને નમતાં હતાં, હવે બરડ થવા માંડે છે. અધુરામાં પૂરું આવા જ સમયે અહમ નામના તત્વનો પણ પ્રવેશ થાય છે. દરેકના જીવનમાં આ તબક્કો પરીક્ષા અને ધીરજનો હોય છે.

રમતનો આ તબક્કો અંતિમ નહિ પરંતુ નિર્ણાયક હોય છે. અહીં એકબીજાને પામી લીધા બાદ પિછાણવાની રમત શરૂ થાય છે. આ સમય નિર્ણાયક એટલા માટે હોય છે, કારણ કે જિંદગીનાં આવનારાં વર્ષોમાં ક્યો ખેલાડી કેવું રમશે અને સંબંધને કેટલો ઉજાળશે એ નક્કી થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ આ તબક્કામાં યુગલમાંથી પતિ-પત્ની બની જાય છે. બન્નેના સંબંધમાં જવાબદારીના ગુણાકાર થવા માંડે છે. આકર્ષણનો મદ ઊતરવા લાગે છે અને અપાકર્ષણનો તબક્કો શરૂ થાય છે. એકબીજાનું આકર્ષણ ઘટતું જવાની શક્યતા આ તબક્કામાં બળવત્તર બને છે. ક્યારેક એકતરફી, નીરસ જીવનથી કંટાળીને ખેલાડીઓ બાહ્ય પરિમાણની શોધમાં નીકળી પડે છે.

રમતના ત્રીજા તબક્કામાં જીવનની કડવી વાસ્તવિકતાઓ સ્તર પર આવવા માંડે છે. પુરુષમાં રહેલો પ્રેમી ક્યાંક ખોવાઈ જાય છે. જ્યારે સ્ત્રી માત્ર પત્ની બનીને રહી જાય છે. આ તબક્કામાં બન્ને ખેલાડી પોતાના દરેક પાસા ખુલ્લા પાડીને મેદાનમાં ઊતરી ગયા હોય છે. આવા સમયે અહમ્ જો માથે ચઢીને બોલે તો આ તબક્કામાં સંબંધ વણસ્યા વગર રહેતો નથી. ધીરજ ખોઈ બેસનારાં સ્ત્રી-પુરુષ બન્ને પક્ષે હાનિ પહોંચાડે છે. હાનિ પહોંચાડનારાં સ્ત્રી-પુરુષના મોટા ભાગના કિસ્સાઓમાં એકેય પક્ષને એ જાણ નથી હોતી કે સંબંધોની આ રમતમાં બેમાંથી એકેય ખેલાડી જીતતો નથી.

જીવનના ત્રણ તબક્કામાં ખેલદિલીભરી રમત રમીને હારજીત વગર આગળ નીકળી ગયેલા સ્ત્રી-પુરુષ માટે ચોથો અને છેલ્લો તબક્કો સુવર્ણકાળ બની જાય છે. જીવનના અંતિમ તબક્કામાં સ્ત્રી-પુરુષમાં પરિપક્વતા એ હદે આવી ગઈ હોય છે કે કોઈ પણ બાબત બન્નેમાંથી એકેયને હલાવી નથી શકતી અને જીવનની નાવ પોતાના કિનારા તરફ અવિરત ચાલ્યા જ કરે છે.

સીતાજીએ જ્યારે જંગલમાં રામને મૃગ પાછળ દોડવાનું કહ્યું હતું ત્યારે એક રમત જ રમી હતી. પતિદેવ પાસેથી મનગમતી ભેટ મેળવવાની સીતાની આ રમત હતી. જ્યારે મૃગ પાછળ દોડતા રામના મનમાં પણ પત્નીને જે ગમી તે વસ્તુ ભેટમાં આપવાની રમત હતી. જીવનમાં એકબીજાની ખુશી માટે આવી રમતો રમાતી જ રહે છે. દરેકના જીવનમાં આવી રમતો રમાતી રહે તો પુરુષ અને સ્ત્રીના સંબંધને ઊની આંચ પણ નથી આવતી. સ્ત્રી અને પુરુષના સંબંધમાં આવી નિર્દોષ રમત કરતાં સદોષ રમતો વધુ રમાતી રહે છે. એવું થવાનું મુખ્ય કારણ અહમ છે. એકાદ પક્ષે ગમ ખાઈ જવાની ખેલદિલી હોય ત્યાં સુધી અહમ આડો આવતો નથી. સંબંધોના વણસાવાથી માંડી તેના વિચ્છેદન સુધીની તમામ તિરાડો માટે અહમ જ જવાબદાર હોય છે. અહમ જ્યારે વધારે, સ્ત્રી-પુરુષના જીવનમાં રમાતી રમતોની તીવ્રતા તેટલી જ વધારે હોય છે.

અલબત્ત, આ ચાર તબક્કા લગભગ દરેકના જીવનમાં અચૂક આવતા જ હોય છે. દરેક તબક્કામાં સંબંધોનો સરવાળો-બાદબાકી-ભાગાકાર અને ગુણાકાર મંડાય છે. શરૂઆતના તબક્કામાં સમજદારી, ધીરજ અને એકબીજાને સાચવી લેવાની રણનીતિ અપનાવનારાં સ્ત્રી-પુરુષના જીવનના બાકીના તબક્કા સંબંધોના ગુણાકારથી જ ભરાઈ જાય છે અને છેવટે જીત થાય છે બન્નેની લાગણીઓ અને જીવનભરના પ્રેમની.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અડધી ચા નો નશો – ડૉ. નલિની ગણાત્રા
વાંચનયાત્રા – તંત્રી Next »   

14 પ્રતિભાવો : સંબંધોની રમત – દીપક આશર

 1. Chandrakant Patel says:

  પતિ પત્નિના સંબંધ ની સાચી સમજ આપતો આ લેખ મનને હલાવી ગયો.

 2. Ami says:

  સાચી વાત છે. આ બધી જાણીતી જ પણ ‘ઉપેક્ષીત’ કરાતી વાતો ધ્યાન પર લાવવા બદલ આભાર.

 3. Priyanka says:

  લેખ ખરેખર સારો ચે.

 4. Ami Amit Patel says:

  Very nice Article. Jivanma utarva layak vichroni sundar rajuaat..

  Thanks

 5. vivek desai says:

  vicharoni sari rajuaat che. nava paranva jata yugal mate samajva jevi vaat. darek pasa no vichar karva prere tevi vaat che. good. Thanks for such a nice and understandable article

 6. Pravinchandra Joshi says:

  વિશ્વાસ વફાદારિ અને એક બિજાનુ માન સાચવવાનિ સાચિ લાગનિ લગ્ન ને સફલ બનાવે.

 7. falguni says:

  લેખકને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. બહુજ સરસ લેખ.

 8. Keyur Patel says:

  બહુજ નાજુક સંબંધની ખુબજ સંવેદનશીલ વાત આ લેખમાં કરવામાં આવી છે. અભિનંદન !!!!!!!

 9. Bhavin Shah says:

  My great thanks to author to provide us such a wonderful article which is very important in every stage of life.
  And i request to send us more scripts like this so we can obey and turn our life in new direction

  Thanks and warm regards

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.