શબ્દના શાગિર્દ – તુષાર ભટ્ટ

ગુજરાતી ભાષાની અનોખી સેવા કરનાર મહેન્દ્ર મેઘાણી રિટાયર થવાના મુડમાં લાગે છે. અરધી સદીની વાચન યાત્રાના ચોથા ભાગના પ્રકાશન પછી નાદુરસ્ત તબિયતના કારણે કલમ ટેબલ પર મૂકી દેવાની લાગણી વ્યક્ત કરી છે. એમને 84 વર્ષ થયા છે, આંખે તકલીફ છે. સતત પ્રવૃત્તિશીલ આયખું વટાવ્યા પછી મહેન્દ્રભાઈ વાંચન, લેખન, પ્રકાશનની રજા માંગવાના પૂરા અધિકારી છે.

પણ, પછી વાંચન વિમુખ થતા જતા આપણા જેવાનું શું ? જો કે આશાનું એક કિરણ તો છે જ. હમણાં જ એમણે સંપાદન કરેલો વિવિધ લેખકોના ગાંધીજી વિષેના ત્રીસેક લેખોનો સંગ્રહ, ગાંધી ગંગા પ્રકાશિત થયો. ગાંધી ગંગા નો આ પહેલો ભાગ છે એવું કહેવાયું છે. આથી એવું ઈગિત થાય કે બીજો ભાગ કે ભાગો આવશે. (તા.ક. બીજો ભાગ ગત સપ્તાહે પ્રકાશિત થઈને ઉપલબ્ધ થઈ ગયો છે.)

વિશ્વમાં સેટેલાઈટ ટેલિવિઝનના આગમન સાથે છપાયેલા શબ્દનું મહત્વ ઘટવા લાગ્યું છે એવું મનાય છે. છપાયેલા શબ્દ પર થયેલા સાંસ્કૃતિક આક્રમણને ખાળવા તે એકલવીર વર્ષોથી અવિરત ઝઝૂમતા રહ્યા છે. આમ તો એ સુંદર ગુજરાતી લખી શકે છે, મૌલિક વિચારણા કરી શકે છે. વિશ્વવ્યાપી દ્રષ્ટિબિંદુ રાખે છે અને 84 વર્ષે પણ સ્ફૂર્તિથી કામ કરે છે. એના પિતા ઝવેરચંદ મેઘાણી શબ્દને સમર્પિત શાગિર્દનું જીવન ગાળે છે.

સફેદ પાયજામો, રંગીન કુર્તા અને ભૂરી ટોપીમાં સજ્જ એવા આ માણસ જીવનના 84મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ આજેય 500 જણ સાંભળવાના હોય કે પાંચ, વિશ્વના અને ગુજરાતીના સારામાં સારા પુસ્તકોનું રસપાન કરાવવા તે સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. 1923ની 20મી જુને જન્મેલા મહેન્દ્ર મેઘાણીની બચપણમાં ખૂબ ભણવાની ખ્વાહિશ હતી. ભણવા માટે અવિરત વાંચવું પડે, પચાવવું પડે. આજે પણ ખંતીલા વિધાર્થીની અદાથી વાંચવામાં અને વાંચન માધુકરીમાંથી ગુજરાતીઓને સદવાંચનની ટેવ પડે તે માટે શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પુસ્તક પઠન ગુજરાતભરમાં કરે છે. શાળાઅભ્યાસ ભાવનગર અને મુંબઈમાં કર્યો અને અમદાવાદમાં બે વર્ષ કોલેજ કર્યા પછી સ્કોરલરશીપ મળી એટલે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણવા ગયા. આ સાલ હતી 1942ની. જૂનમાં કૉલેજમાં દાખલ થયા અને ઓગસ્ટમાં ભારત છોડોની હાકલના પડઘામાં એ કૉલેજ છોડી નીકળી ગયા. નિખાલસપણે મહેન્દ્રભાઈ કહે છે, ‘દેશ ખાતર નીકળ્યો, દેશ ખાતર ભણતર છોડ્યું એ ખરું, પણ મને ભણવામાં રસ ન રહ્યો. વાચવામાં ખરો. આથી હું પાછો કોલેજમાં ન ગયો અને પછીના છ વર્ષે ઝવેરચંદ મેઘાણી જોડે એમના પત્રકારત્વનો મદદગાર રહ્યો.

1948 માં એમણે એક અન્ય ભાવનગરી, કૃષ્ણલાલ શ્રીધરાણી અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે એમ જાણ્યું. શ્રીધરાણી પાસે પ્રેરણા મેળવી હું અમેરિકા પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયો. અમેરિકામાં હું યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું જેટલું ભણ્યો તેનાથીય વધુ ત્યાંના ત્રણ પત્રોમાંથી શીખ્યો. આ હતા રીડર્સ ડાયજેસ્ટ, ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર અને ન્યુયોર્ક ટાઈમ્સ. હું કચેરીએ જતો ચર્ચાઓ સાંભળતો અને વિશ્વ નાગરિક બનવાનાં શમણા સેવતો.

મહેન્દ્રભાઈ કહે છે, ‘હું મારી જાતને વિશ્વનો નાગરિક માનું છું. હું ભૂરા રંગની ખાદીની ટોપી કેમ પહેરૂ છું તેની પાછળ એક રહસ્ય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ધ્વજનો રંગ ભૂરો છે અને વિશ્વ નાગરિકત્વ માટે તરસતા મે પણ મારી ટોપીમાં આ રંગ અપનાવ્યો છે. ‘રીડર્સ ડાયજેસ્ટ, મોનિટર અને ન્યુયોર્ક ટાઈમ્સનું મને લગભગ બંધાણ થઈ ગયું હતું. આ પત્રોમાંથી હું શીખ્યો કે, ‘સારું પત્રકારત્વ કોને કહેવાય, જે વાચકને માનથી જુએ. જે સમજે કે વાચક બુદ્ધિશાળી છે, તેની પાસે જાતજાતની વૈશ્વિક વાતો સમજવાની આવડત છે. પણ સમય, નાણાં, કે બીજી સગવડો નથી. પત્રકારત્વનું કામ સારી વાતોનું દોહન કરી વાચકને પહોંચાડવાનું છે, જેથી આમઆદમીની જિંદગી વધારે વિચાર સમૃદ્ધ બને.’

આવા વિચારો લઈ મહેન્દ્રભાઈ 50મા મુંબઈ આવ્યા અને રીડર્સડાયજેસ્ટ ઢબનું ‘મિલાપ’ શરૂ કર્યું. વિવિધ સામાયિકો અને દૈનિકોમાંથી સુંદર સાહિત્ય પસંદ કરી ‘મિલાપ’ મારફત ગુજરાતીઓને પહોંચાડ્યું. આ યજ્ઞ 1978 સુધી ચાલ્યો. પછી નાણાકીય અને બીજી અગવડોને કારણે ‘મિલાપ’ બંધ થયું. આમ તો મહેન્દ્રભાઈ નિસ્પૃહી છે, પણ આ વાત કરતાં એમના મૃદુ અવાજમાં વિષાદની થોડી છાંટ પડે છે. ‘મિલાપ શરૂ થયું ત્યારે એના બે હજાર ગ્રાહક હતા. બંધ થયું ત્યારે પણ બે હજાર ગ્રાહક હતા.’ આપણી પ્રજાની સંસ્કારીરૂચિ પર આનાથી વધારે કરૂણ અને વેધક કોમેન્ટ બીજી કોઈ હોઈ શકે ?

વિશ્વના દેશો અને ભારતના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ હેતુથી યુવાનોના આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાનનો કાર્યક્રમ એમણે ઘણાં વર્ષ સુધી ચલાવેલો. 1951માં એ મુંબઈ છોડી ભાવનગર આવેલા. ‘મારી ઈચ્છા તો ભાવનગર જિલ્લામાં કોઈ રેલ્વે સ્ટેશનવાળા ગામમાં રહેવાની હતી, પણ એ બર આવી જ નહિ.’

એમણે એક પુસ્તક ભંડાર પણ શરૂ કર્યો, જ્યાં વાચકોની અભિરૂચિને પોસે તેવા ઉત્તમ પુસ્તકો મળે. પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિના મંડાણ પણ કર્યા. આજે લોકમિલાપ પુસ્તક ભંડાર ગુજરાતના ઉત્તમ પુસ્તકભંડારમાંનો એક છે. લોક મિલાપ પ્રકાશનનું ગુજરાતી પ્રકાશનમાં સૌથી મોટું પ્રદાન એ છે કે એણે શિષ્ટ વાચનનાં પુસ્તકો ઓછી કિંમતે લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તમ ગુજરાતી સાહિત્યની સસ્તા દરની આવૃત્તિ ઓ લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી એમણે વિક્રમ સર્જ્યો છે. 1972 માં ઝવેરચંદ મેઘાણીની 75મી જયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ નામે મેઘાણી સાહિત્યના ત્રણ પુસ્તકોનો એક સેટ એમણે પ્રગટ કર્યો. આની એક લાખથી પણ વધુ નકલોની આગોતરી વર્ધી નોંધાયેલી. તે પછી તો ચૂંટેલા પુસ્તકો અને સંક્ષિપ્તીકરણ પાછળ મકસદ હતી. 1989માં એમણે ગુજરાતી સાહિત્યના પાંચ ચરિત્રગ્રંથોને ટૂંકાવીને ચંદનના ઝાડ નામે એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું, જેની એક લાખ નકલો પ્રિન્ટ ઑર્ડર હતો. મહેન્દ્રભાઈ માને છે કે ઉત્તમ સાહિત્યની મૂળ આવૃત્તિના મોટા પુસ્તકો વાંચવાનો આજે લોકો પાસે સમય નથી કે નથી એની મોંઘી કિંમત ચૂકવાવાની તાકાત. આથી ટૂંકાવેલ સંક્ષિપ્ત આવૃત્તિ સસ્તા દરે પ્રગટ થાય તો લાખો લોકો સુધી એ પહોંચે પછી ઘણા મૂળ ગ્રંથ તરફ પણ વળે.

તેઓ માને છે કે સારા પુસ્તકોને લોકો સુધી લઈ જવાં હોય તો પુસ્તક પ્રદર્શનો યોજવા પડે. વર્ષો સુધી એમણે પુસ્તક મેળાઓ કર્યા છે અને બાકીના સમયમાં ગુજરાતભરની શાળા કૉલેજોમાં પસંદગીના પુસ્તકોના પઠન માટે એ ખૂંદી વળે છે. સાહિત્ય પ્રચારના એ એવા તો ભેખધારી છે કે ભાવનગરમાં થોડા વર્ષ બાળ સાહિત્ય ભરેલી હાથલારી પણ એ ચલાવતા. બીજા લારીવાળાઓની જેમ સાંજે જ્યાં જ્યાં લોકોની ભીડ હોય ત્યાં એ લારી લઈને ઊભા રહેતા. અંગત જીવનમાં એ ચુસ્ત ગાંધીવાદી રહ્યા છે. વર્ષો સુધી એમના કુટુંબને જરૂરી અનાજ એ જાતે જ દળતા. ‘ઘંટી ચલાવવી એ મારા માટે ગાંધીજીના રેંટિયાની જેમ ધ્યાનનો એક પ્રયોગ હતો. મને ઘણા સારા સારા પ્રોજેક્ટો દળતાં દળતાં સૂઝેલાં.’ સાદગીના આગ્રહી આ માણસને અંગત જિંદગીમાં એક જ શોખ છે, આઈસ્ક્રીમ ખાવાનો.

સંક્ષિપ્તીકરણ ઉપરાંત મહેન્દ્રભાઈની અનુવાદો કરવાની હથોટી છે. વિક્ટર હ્યુગોના નાઈન્ટી થ્રી, થોર હાયરડાલના કોન્ટિકી એક્સપિડિશ અને હેનરિક હેરરના સેવન યર્સ ઈન તિબેટના ગુજરાતી અનુવાદો એમણે કરેલા છે. એમણે ઘણાં પુસ્તકોનાં સંપાદન પણ કરેલા છે. સાહિત્ય અંગે વાતો કરો તો મહેન્દ્રભાઈ ખુલ્લા દિલે વાત કરે, પણ વ્યક્તિ તરીકે એમના જીવનવિષે કુતૂહલ દાખવો તો એ કાચબાની જેમ જાતને સંકોરી લે. ‘મારામાં કશું અદ્વિતિય નથી કે તમને જાણવામાં રસ પડે.’ પણ એમનામાં ઘણું અદ્વિતિય છે. સાહિત્ય પ્રેમને એમણે સામાન્ય જનતાને પોતે જે અનુભવે છે તે અનુભવવાની તાલાવેલી લગાડી છે. એમણે જે લખ્યું છે તે પરથી એટલું તો ચોક્કસ છે કે એ ઘણું સારું લખી શકે છે, પણ એમણે મૌલિક લેખનની બહુ તમા રાખી નથી, કેમ ? ‘મારી હેસિયત જ નથી. મારી સામે કેવા કેવા આદર્શ પડ્યા છે. કાકા સાહેબ કાલેલકર, સ્વામી વિવેકાનંદ, ઉમાશંકર જોષી, દર્શક અને મારા પિતા ઝવેરચંદ મેઘાણી. આ બધા હિમાલયના ઉત્તંગુ શિખરો જેવા સર્જકો જે ભાષામાં હોય તેમાં મારી કેટલી ગુંજાઈશ ?’

આ શરમાળપણું છે કે સ્વને ઓગાળી નાખવાની સભાન પ્રક્રિયા છે એ વિશે કોઈ ખુલાસો તમે મહેન્દ્રભાઈ પાસે નહિ મેળવી શકો. ‘આ જન્મે તો ઉત્તમ સાહિત્ય વાંચવું જ છે અને બીજાને વંચાવવું છે. પૂરતું ભાથું બંધાઈ જાય આ જન્મે તો કદાચ આવતા જન્મે મૌલિક લખવાની હિંમત કરીશ.’

ગુજરાતી ભાષા ટકી જશે તો તેની પાછળ આવા નિષ્કામ શાગિર્દોના ઋષિકાર્યો જ હશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંચનયાત્રા – તંત્રી
નિયતિ – ધરા ત્રિવેદી Next »   

10 પ્રતિભાવો : શબ્દના શાગિર્દ – તુષાર ભટ્ટ

 1. gopal.h.parekh says:

  પૂજ્ય મહેંદ્રભાઈ વિશે ઘણું નવુ જાણવા મળ્યું,આભાર.

 2. શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીનુ ગુજરાતી ભાષામાં એટલુ જ પ્રદાન છે જેટલુ કોઇ ભગવા ભેખધારીનુ સમાજનાં આધ્યાત્મિક વિકાસમાં. મારા જેવા કેટલાયે યુવાનો શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો અને લોકમિલાપ ટ્રસ્ટના પુસ્તકો વાંચીને મોટા થયા છે.

  એમને શત-શત વંદન…

 3. કલ્પેશ says:

  રીડગજરાતીના વાચકમિત્રોને હું કહી શકુ કે ‘અરધી સદીની વાંચનયાત્રા’ જેવા પુસ્તક અમુલ્ય ખજાના સમાન છે.

  ઘણા પુસ્તકો તમને સ્પર્શી જશે. આ પુસ્તક અને એની શ્રેણી વસાવવા, વાંચવા અને વંચાવવા લાયક છે.

  આવા પુસ્તકો અને જીવનને સમૃદ્ધ કરનારા સાહિત્યને આપણા સુધી પહોચાડવા માટે શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીનો જેટલો આભાર માનીયે એટલો ઓછો છે.

 4. મુરબ્બી શ્રીમહેન્દ્રભાઈનો થોડો ઘણો પરીચય ખરો. પણ તુષારભાઈ ભટ્ટે તેમનો વિષેશ પરીચય કરાવ્યો તે માટે
  તેમનો ઘણો આભાર.

 5. deven says:

  વડ એવા ટૅટા, જેવા બાપ એવા બેટા.

 6. Mihir says:

  તમે સરસ કામ કરિ રહયા છો. બસ આમ જ અમને ગુજરાતી સહિત્ય પિરસતા રહો. ધન્યવાદ્.

 7. Keyur Patel says:

  મોરના ઈંડા ચીતરવા ન પડે તે આનું નામ.

 8. CHAND SURAJ says:

  બંધુશ્રી મૃગાલભાઈ,

  આવો આજે મનના કોડિયે મંગલતાનું દિવેલ પૂરી,માંહે
  પાવનતાના તાણાવાણા વણી તૈયાર કરેલી વાટ પધરાવી,ઉર્ધ્વગામી ચિંતનની ધુપસળી વડે એક ભાવદીપ પ્ર્જવલ્લિત કરી આપના મનમંદિરયે પધરાવિએ અને હસ્તકમળૉની હસ્તાંજલિમાં
  અભિનદનોના પુષ્પો ધરી આપને અર્પણ કરીએ.
  આપના હજારમા લેખના પડાવ પર આપના સુંદર
  અને નિખાલસ લેખને આવકારીએ અને સાહિત્ય કાજે
  સાદગી, પ્રભુતા અને સૌજન્યભર્યા આપના
  સહયોગને બિરદાવીએ.આજે અભિવંદના સહિત આપનો
  આભાર માનીએ.
  ચાંદસૂરજ

 9. CHAND SURAJ says:

  બંધુશ્રી તુષારભાઈ,
  નમસ્તે.
  આભાર આપનો કે આવા કલમના કસબીના જીવનકસબ
  પર પર્કાશ પાથર્યો.
  આવો ગુજરાતી ભાષા કેરી સાહિત્યની ધૂણી ધખાવીને
  બેઠેલા એ નિષ્કામ જોગીડાના ચરણકમળોમાં વંદનાના
  પુષ્પો અર્પણ કરીએ.પુજ્ય મહેન્દર્ભાઈએ વાવી,
  પાળીપોષી અને ઉછેરીને વિશાળ બનાવેલા એ
  સાહિત્યવડલાની નીચે એમને વિસામો લેવાનો
  પૂરેપૂરો અધિકાર છે.એમના અસિમ કાર્યનો વિંઝણો
  સદાય એ ભેખધારીને શાતા આપ્તો રહે એજ અંતરની
  અભ્યર્થના.
  ચાંદસૂરજ.

 10. Mahendra Shah says:

  Dear Mrugeshbhai,

  Like KUMAR MAGAZINE can any body make CD of MILAP magazine of Mahendra Meghani from 1942 to 1978?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.