કહેવતકથાઓ – દીવાનરાય બ. પંડ્યા

બદલાતા સમય અનુસાર આપણાં લખાણોમાંથી કહેવતોનો ઉપયોગ ઓછો થતો ચાલ્યો છે. એનું એક કારણ એ છે કે આપણી ઘણી કહેવતો જાતિલક્ષી હતી. અગાઉના સમયમાં તેનાથી કોઈની લાગણી દુભાતી ન હતી. તે કહેવત કે તેની કથા રમૂજરૂપે ચાલી આવતી. કોઈને ઉતારી પાડવાનો આશય તેમાં ન હતો. સાંપ્રત સમાજમાં છાશવારે લોકોની લાગણી દુભાવાના પ્રસંગો બન્યા કરે છે. સમાજ અતિશય સંકુચિત માનસ ધરાવતો અને આળી લાગણીવાળો થઈ ગયો હોવાથી કોઈ પણ વાતને sportily સ્વીકારવાનું વલણ લોકોમાં ઘટી ગયું છે. આને લીધે કહેવતોની સાથે જોડાયેલ રોચક – રમૂજ કથાઓથી પણ નવી પેઢી વંચિત થતી ચાલી છે. સાથે સાથે એ હકિકત પણ સ્વીકારવી પડે છે કે બાળકને રસ પડે, મજા પડે તેવી વાર્તાઓની સરવાણી જ જાણે સાવ સુકાઈ ગઈ હોય તેવું લાગે છે. બાળવાર્તાનાં છાપાં-મેગેઝિનોમાં કાં તો એની એ જ જૂની ચવાઈ ગયેલી વાર્તાઓ જોવા મળે છે અથવા મોં-માથા વગરની બિલકુલ રસ ન પડે એવી ‘ઉપજાઉ’ વાર્તા લખાય છે તેવા સંજોગોમાં જૂની કહેવત-કથાઓમાં બાળકોને પણ રસ પડશે. આવી કેટલીક કહેવતો તેના અર્થ અને કથાનક સાથે નીચે રજૂ કરી છે.

(1) ખાતર ઉપર દિવેલ : નુકશાન થયું હોય તેની ઉપર બીજું નુકશાન થાય તેવું કાર્ય કરવું.

‘ખાતર’ એટલે ફર્ટિલાઈઝર ઉપર દિવેલ લગાડવું એમ નહીં, પણ ‘ખાતર પડ્યું હોય’ એટલે કે ચોરી થઈ હોય તેની જાણ મધરાતે થાય ત્યારે શું શું ચોરાયું તેની તપાસ દીવો સળગાવીને કરવી તે નરી મૂર્ખામી ગણાય. તે બાબત તો સવારે અજવાળું થયા પછી પણ જાણી શકાય.

(2) તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા : બંને પક્ષ નુકશાનીમાં

ગામડામાં ભવાઈના ખેલ કરનાર આવ્યા (ભવાઈ રાત્રે જ થતી હોય છે અને તેને જોવા ગામલોકો ભેગા થતા હોય છે.) તેણે એક સ્થાનિક વ્યક્તિને જણાવ્યું કે સ્ટેજ પર અજવાળું થાય તે માટે તમે દીવા માટેનું દિવેલ આપો. ભવાઈની જે આવક થશે તેમાંથી તમને દિવેલ (તેલ)ના પૈસા આપી દઈશું. પરંતુ બન્યું એવું કે ભવાઈમાં ભંગાણ પડ્યું અને રંગમાં ભંગ થતાં બધા લોકો વીખરાઈ ગયા અને ભવાઈની આવક થઈ નહીં. પેલો માણસ દિવેલના પૈસા લેવા આવ્યો ત્યારે ભવાઈ કરનાર તરગાળાએ કહ્યું : ‘તેરા તેલ ગયા ઔર મેરા ખેલ ગયા.’

(3) વાળંદના વાંકા હોય ત્યારે કોથળીમાંથીયે કરડે : અર્થ સ્પષ્ટ છે.

વાળંદનાં નસીબ વાંકાં ચાલતાં હોય તો ગમે તેટલી સાવચેતી રાખે તો પણ વીંછી જેવું જીવજંતુ તેની હજામત કરવાની કોથળી કે થેલીમાં સંતાઈને બેઠું હોય. હજામ તેનો અસ્ત્રો લેવા કોથળીમાં હાથ નાખે ત્યારે તેને તે કરડી જાય.

(4) આખા લાવું કે ભરડીને : બિનજરૂરી ડહાપણ કરીને નવી મુસીબત કે જવાબદારી વહોરી લેવી.

નાનકડા ગામમાં ગામની એક ઉતાર વ્યક્તિ દાદાગીરી કરીને લોકો પાસેથી અનાજપાણી ઉઘરાવે. ગામના મુખીને ઘરેથી તેને અડદ આપવામાં આવતા હતા. મુખીની વહુને થયું કે અમે ગામના આગેવાન. આને અમારે શા સારું અડદ આપવા જોઈએ. એક રાત્રે મોઢું કાળું કરીને, કાળાં કપડાં પહેરીને જોગણીનું રૂપ લઈને પેલાને ડરાવવા ગઈ. તેને ઘેર જઈને મધરાતે બારણું ખખડાવ્યું. એટલે તે ઉતાર માણસ ‘કૌન હૈ ?’ એવો હાકોટો મારતો હાથમાં ધોકો લઈને બહાર આવ્યો. મુખીની વહુ આવી હતી પેલાને ડરાવવા. પણ એને બદલે પોતે જ બી ગઈ. તે કહે, ‘જમાદાર, એ તો હું મુખીની વહુ.’
પેલો કહે : ‘ઠીક હૈ. લેકિન ઈતની રાત ગયે ક્યું આઈ હો.’
પેલી કહે : ‘એ તો યે પૂછને આવી’તી કે અડદ તમને આપવાના છે તે આખા લાવું કે ભરડીને ?’
પેલો કહે : ‘ભરડકે લાના – ભરડને કિ માથાકૂટ કૌન કરે.’
આમ, મુખીની વહુના ડહાપણને કારણે અગાઉ અડદ ભરડ્યા વગર મોકલાતા હતા તે ભરડવાની માથાકૂટ પણ આવી.

(5) મૂસાભાઈનાં વા પાણી : બારોબાર કામ પતાવવું.

મૂસાભાઈ જ્ઞાતિના ખૂબ જ જાણીતા માણસ. નાતના દરેક સારામાઠા પ્રસંગે તે હાજર હોય જ. ઉપરાંત નાતની વાડીનો વહીવટ પણ એ જ ચલાવે. કોઈ એક પ્રસંગે નાતીલઓએ મૂસાભાઈને કહ્યું કે, ‘તમે નાતનું ખૂબ ખાધું છે. એક વાર તમે જમણવાર રાખો. આખી નાતને જમાડો.’ મૂસાભાઈએ થોડી હા-ના કરી. અંતે પ્રેમાગ્રહને વશ થઈને તેમણે નાતનો જમણવાર ગોઠવ્યો. લોકો બધા આંગળીઓ ચાટીને જમ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ ને પાછી વાનગીઓની એટલી વિવિધતા. સૌ કહેવા લાગ્યા ‘મૂસાભાઈએ બાકી રંગ રાખ્યો.’ મૂસાભાઈ બે હાથ જોડીને કહે – ‘આમાં મારું કાંઈ નથી. નાત નાતનું જમે છે. મૂસાભાઈનાં તો ફક્ત વા અને પાણી જ છે.’ આનો અર્થ લોકોએ મૂસાભાઈની વિનમ્રતામાં ઘટાવ્યો. થોડા વખત પછી વાડીમાં કોઈકનો પ્રસંગ આવ્યો તો ઠામવાસણ મળે નહીં. બધાએ મૂસાભાઈને ઠામવાસણ વિશે પૃચ્છા કરી. મૂસાભાઈ કહે : ‘મેં નહોતું કીધું. નાત નાતનું જમે છે ? નાતનાં વાસણ વેચ્યાં ત્યારે તો બધાને જમાડી શકાયું.’

(6) હાજર સો હથિયાર : હાથવગું જે સાધન હોય તેને ખરે ટાણે ઉપયોગમાં લઈ લેવું.

શહેનશાહ અકબરે દરબારમાં પ્રશ્ન કર્યો : ‘શ્રેષ્ઠ હથિયાર કયું ? દરબારીઓએ જુદા જુદા મત આપ્યા. કોઈ કહે તલવાર, કોઈ કહે ભાલો, કોઈ કહે લાઠી, કોઈ કહે ભેંસ, કોઈ કહે જમૈયો. બીરબલ કહે : આપણી પાસે ખરે ટાણે જે હથિયાર હાજર હોય તે કામનું. ઘેર ભલે ભાલો, તીર કે ચાકું પડ્યાં હોય પણ ખરે ટાણે આપણી પાસે જે હથિયાર હોય તે જ શ્રેષ્ઠ હથિયાર. એ પછી એક વાર એવું બન્યું કે બીરબલ સાંકડી ગલી (નેળ) માંથી પસાર થતો હતો. સામેથી પાગલ હાથી દોડતો આવતો હતો. બચાવનો કોઈ માર્ગ જ ન હતો. બિરબલે આજુબાજુ નજર કરી તો એક કૂતરું ઊભું હતું. બિરબલે તે કૂતરું ઉપાડીને હાથીના મોં પર ફેંક્યું. હાથીએ બધો ગુસ્સો તો કૂતરા પર ઊતાર્યો. બિરબલ હળવેકથી બાજુમાંથી સરકી ગયો.

(7) કોથળામાં પાંચશેરી પછાડવી : કહી / સહી ન શકે તેઓ મૂઢ માર મારવો કે ભેદી રીતે નુકશાન પહોંચાડવું.

આ કહેવતની કથા એવી છે કે એક નિ:સંતાન વાણિયો અને વાણિયણ ગામમાં રહે. રાત્રે તેના ઘરમાં ચોર આવ્યો. સહેજ ખખડાટ સાંભળીને બંને જાગી ગયા. ચોરને આની જાણ થતાં ખાલી બારદાન પડ્યું હતું તેમાં તે ઘૂસી ગયો. વાણિયો આ જોઈ ગયો. તે વાણિયણને કહે – અલી સાંભળે છે ? આપણે બહુ માઠા દિવસો આવ્યા છે. આપણે અત્યાર સુધી ખોટાં વજનિયાં વાપરીને ગરીબોને બહુ છેતર્યા. પણ હવે રાજ્યની તપાસ આવવાની છે. ખોટાં વજનિયાં રાખનારને ફાંસીએ ચડાવી દેશે. માટે લાવ બધાં વજનિયાં છુપાડી દઉં. એમ કહીને બે કિલો, પાંચ કિલોનાં વજનિયાં લઈને તેણે કોથળામાં જોર જોરથી નાખ્યાં. ચોર અંદર જ મરી ગયો.

આ કથા પાછી આગળ ચાલે છે. વાણિયાએ તેના પાડોશમાં જાતભાઈઓને જગાડીને વાત કરી : લાશનો નિકાલ કરવાનો છે. સહુએ ભેગા થઈને લાશને કપડામાં મુસલમાનોના મહોલ્લામાંથી પસાર થતાં ‘અલ્લાહો અકબર’ બોલવા લાગ્યા. એટલે બધા લોકો ઘરોમાંથી બહાર નીકળીને એક પછી એક કાંધ આપવા લાગ્યા. વાણિયા બધા એક એક કરીને સરકી ગયા. લાશ કબ્રસ્તાન પહોંચી એટલે મુસલમાનો એકબીજાને પૂછવા લાગ્યા કિસકા હૈ યે ? બધા જ કહે માલૂમ નહીં. અંતે જેનો સગો હોય તેનો – આપણે ખાડો ખોદીને દાટી દઈએ એવો ફેંસલો કરીને ચોરને કબ્રસ્તાનમાં દાટી દીધો. આમ ઉપાધિમાંથી રસ્તો કાઢવાની વાણિયાઓની હૈયાઉકલત અને આવેલી મુસીબત બીજાના ગળામાં પહેરાવી દેવાની ચતુરાઈ ખૂબ જ રમૂજ કરાવે તેવી છે.

(8) કોથળામાંથી બિલાડું કાઢવું : અણધારી ચાલ ચાલવી કે વાત રજૂ કરવી.

એક વાણિયો જંગલમાંથી પસાર થતો હતો. રસ્તામાં તેને લૂંટારા મળ્યા. વાણિયા એટલે શાણી પ્રજા. તેણે લૂંટારાઓ પાસે એક દરખાસ્ત મૂકી : એમ કરીએ, હું તમને લોકોને આ રકમ ઉછીની આપું છું. એટલે તમે મને લૂંટ્યો નહીં ગણાય. લૂંટારાઓને થયું : આ તો આપણા હિતની વાત છે. એ જમાનામાં ઉછીનાં નાણાંની આપ-લે માટે કરાતા લખાણ વખતે વચ્ચે સાક્ષી હાજર રાખવામાં આવતો. જંગલમાં આવો કોઈ સાક્ષી મળે નહીં. આમ બધી રીતે વાત લૂંટારાઓના ફાયદામાં હતી. લૂંટારાઓએ તો સાચાં નામઠામ લખાવ્યાં. સાક્ષીમાં વાણિયાએ નજીકમાં ફરતો કાળો રાની (જંગલી) બિલાડો ગણાવીને તેને પકડીને પોતાના કોથળામાં પૂર્યો. થોડા સમય બાદ રકમ પાછી આપવાની વાત આવી એટલે લૂંટારાઓને કાજીનું તેડું આવ્યું. લૂંટારાઓ તો બેફિકર હતા. લૂંટ કરી નહોતી. બિલાડું સાક્ષીમાં કાંઈ બોલી શકે નહિ. આમ ઉછીનાં નાણાં લીધાની વાત સાબિત થાય તેમ નહોતું. વાણિયાએ નાણાં ઉછીનાં લીધાનું લખાણ રજૂ કર્યું અને સાક્ષીમાં તેની પાસેના કોથળામાંથી બિલાડું કાઢ્યું. અસલ જંગલી બિલાડો તો તેણે ક્યારનો છોડી દીધેલો. આ તો પાલતુ સફેદ બિલાડી હતી. તેને કોથળામાંથી બહાર કાઢતાંની સાથે લૂંટારાઓ બોલ્યા : ખોટું, આ તો સફેદ બિલાડી છે. પેલો તો કાળો બિલાડો હતો. આમ નાણાં લીધાની આડકતરી કબૂલાત થઈ ગઈ. વાણિયાને વ્યાજ સાથે રકમ પરત આપવી પડી.

(9) બનિયા કિતના ભોલા કે લવિંગ મેં પૈસા તોલા :

આગળ જોયું તેમ વાણિયો (વેપારી) ભોળો હોય નહીં. પોતે છેતરાયાની આ વાત છે. એક માએ તેના છોકરાને બે આની આપીને વાણિયાની દુકાનેથી લવિંગ લાવવાનું કહ્યું. વાણિયો પૈસા લઈને લવિંગ તોલવા લાગ્યો અને જાણે ભૂલથી નાખતો હોય એમ એક પાઈનો સિક્કો લવિંગની સાથે તોલમાં નાખ્યો. પછી છોકરાની સામે જોયું. છોકરાને થયું કે ભૂલથી લવિંગની સાથે પૈસોયે આવી જાય છે. આપણે કાંઈ બોલવું નથી. પોતાના ભાવ છુપાવવા તે નજર ફેરવી ગયો અને જલદીથી પડીકું લઈને ઘેર આવ્યો. માને કહે : ‘મા, મા, બનિયા કિતના ભોલા કે લવિંગ મેં પૈસા તોલા’ મા કહે : ‘બેટા, બનિયા ભોલા નહીં હૈ, એના ભારોભાર લવિંગ તેણે બચાવ્યાં છે.’

(10) જીસકી લાઠી ઉસકી ભેંસ (જેની લાઠી એની ભેંસ) :

‘બળિયાના બે ભાગ’ એવો ધ્વન્યાર્થ ધરાવતી આ કહેવતની કથામાં કંઈક અંશે ચતુરાઈની પણ વાત છે. એક છોકરો ગામની બહાર ભેંસ ચરાવતો હતો. ત્યાંથી એક મુછાળો પડછંદ માણસ નીકળ્યો. તેણે પોતાની પાસેની કડિયાળી ડાંગ બતાવીને પેલા છોકરાને કહ્યું : ‘આ ભેંસ આપી દે, નહિતર તારી ખેર નથી.’ બિચારો એકલો છોકરો શું કરે ? તેણે પોતાની ભેંસ આપી દીધી. પણ પછી ચાલાકી વાપરીને કહે : ‘હું ગરીબ બ્રાહ્મણનો દીકરો, તમે મારી પાસેથી એમ ને એમ ભેંસ લઈ જશો તો પાપ લાગશે. એના કરતાં એમ કરો, આ ભેંસના બદલમાં મને તમારી લાકડી આપો, બસ. પછી તમે ભેંસ મફતમાં લીધી નહીં ગણાય.’ પેલાને થયું આ બે પૈસાની લાકડીમાં શું ? તેણે તો લાકડી આપી. છોકરાએ તરત લાકડી તેના પગમાં ફટકારીને ભેંસ મૂકીને ચૂપચાપ ચાલ્યા જવાનું કહ્યું. આમ છોકરાએ ચતુરાઈથી પોતાની ભેંસ પાછી મેળવી અને પેલા માણસે પોતાની લાકડી પણ ગુમાવી.

કહેવતો ભાષાસમૃદ્ધિનો એક ભાગ છે. કાળની ગર્તામાં ઘણી અમૂલ્ય ચીજોનો લય થાય છે. એવું આંશિક રીતે કહેવતોની બાબતમાં બન્યું હોય તો તે હકીકતનો સ્વીકાર કરવો પડશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દેરાણી જેઠાણી – યોગેશ પંડ્યા
શ્રદ્ધાત્રયવિભાગયોગ – શ્રીમદ્ ભગવદ ગીતા Next »   

25 પ્રતિભાવો : કહેવતકથાઓ – દીવાનરાય બ. પંડ્યા

 1. Arpita says:

  Really Nice!!!I knew many off them but rest never heard so thanks for introducing

 2. biren says:

  ખરેખર…..જુની કહેવતો હવે ખરેખર ભુલાતી જાય છે….આવા સમયે આવ અત્યન્ત પ્રખ્યાત અને રસપ્રદ કહેવતો નો સન્ગ્રહ રજુ કરી ને રીડ ગુજરાતી એ મજા કરાવી દિધી…..હજુ પણ ઘણી બધી કહેવતો છે જે અત્યન્ત રસપ્રદ છે….શક્ય હોય તો હજુ વધુ કહેવતો રજુ કરવાન મારી નમ્ર અરજ……. ઃ)

 3. suresh patel says:

  મજ્જા આવિ ગૈ,મર ભઇ

 4. Piyush Shah says:

  Very informative. Keep on publishing such good articles.

 5. Maharshi says:

  wonderful

 6. ટીકાકાર says:

  અદ્ભુત !

 7. વાળંદ says:

  વાળંદના વાંકા હોય ત્યારે કોથળીમાંથીયે કરડે :

  મને તો એમ હતું કે આ કરડવાની વાત અસ્ત્રા કે કાતરની હશે.

 8. Paras says:

  Good Work….Keep It Up.

 9. nilam says:

  સુન્દર કાર્ય.હજુ ઘણેી બાકેી રહે ચ્હે ને?અભિનન્દન

 10. Manan Shah says:

  વાનિયા ની ચાતુરી ભરી વાતો અને કહેવતો સામ્ભલી એક વાનિયો હોવાને નાતે ઘણો ગર્વ થયો

  હવે અમારે એમની પરમ્પરા નીભાવવાની છે

  આભાર

 11. shouryaa says:

  સરસ કહેવતકથા
  વધુ મુકવા વિનંતિ

 12. preeti hitesh tailor says:

  આ બધી કહેવતો પણ ગુજરાતી ભાષાનું અંગ છે જેનો સુંદર પરિચય આપ્યો !!

 13. Pinal Shah says:

  Really nice ideams in gujarati which we 21st century child had not listen before.

  Thanks

 14. Keyur Patel says:

  કહેવતોં નું પણ કહેવું પડે હો. મજા આવી ગઈ.

 15. Keyur Patel says:

  કહેવતોં નું પણ કહેવું પડે હો. મજા આવી ગઈ…

 16. Vijay says:

  We should learn this idioms and make it alive. But todays generation can not do that they are not understand to how to speak and hot to understand this.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.