- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ચિંતનદીપ (ભાગ-2) – ધૈર્યચન્દ્ર ર. બુદ્ધ

[1] દુનિયાદારી જો ઊજળી કરવી હોય તો બીજામાં જે સદગુણ હોય તે તમે સ્વીકારો. એ માટે તેની પાસે માંગવાની જરૂર નહિ પડે. તમારા મનમાં જ એવી શક્તિ છે કે સદગુણનો તે સ્વીકાર કરાવે છે.

[2] પાનખર પછી હંમેશા વસંત આવે છે. કોયલના ટહુકાર, આંબે મંજરી, વૃક્ષે વૃક્ષે નવાં પાંદડાં, ફૂલ ફળ લ્હેરાવાનાં જ છે એટલે જીવનમાં જેવું દુ:ખ આવે તો તેને ગણકારશો નહિ. એનાં પાંદડાં ખરી જશે અને નવાં સુખનાં કૂંપળ ફૂટશે.

[3] વિશિષ્ટ વ્યક્તિત્વ ખીલવવા ચાહતા હોય તેવા યુવાનોએ કે માનવે સત્યને અને સમયને વફાદાર રહેવું જોઈએ. આથી અનેરી સફળતા હાંસેલ થતી રહે છે, જે જીવનમાં સુખ, શાંતિ અને સંતોષ આપે છે.

[4] માનવીએ જીવનને ત્રાજવે તોળતા પહેલા પ્રેમની વાત વિચારવા જેવી છે. પ્રેમમાં જ સાચી સરળતાની અને સફળતાની સુવાસ છે. સામાન્ય માણસ મનમાં આવે એમ દીધે રાખે કે બોલ્યે રાખે પણ સમજદાર માણસ તો સાચું શું તેની પ્રેરણા આપતો હોય છે.

[5] જેનાથી માનવી ડરતો હોય તેનાથી ભય મુક્ત થવાની રીત એક જ રીતે પાર પડે, અને તે એ કે કામમાં પ્રવૃત્ત થવું. જેમ જેમ તમે કાર્યમાં આગે કદમ કરશો તેમ તેમ વિશ્વાસ વધતો જશે. આ રીત અપનાવવા જેવી ગણાય.

[6] માનવીએ ખરેખર સુખી થવું હોય તો આ શબ્દો જીવનમાં જરૂર જણાય ત્યારે આચરણમાં મૂકતા જવાં : ગમશે, નભી જશે, બની જશે, પરવડશે, ફાવશે, ચાલશે ભાઈ ચાલશે. – આ શબ્દોથી સુખનો માર્ગ મળે છે.

[7] દરેક સિદ્ધ હસ્ત લેખકને અપનાવવા જેવા ત્રણ સિદ્ધાંતો હોય છે. એક તો પોતાની કલ્પનાને વફાદાર રહી સર્જન કરવું, લેખન અંગે કોઈની સલાહ કદાપિ લેવી નહિ અને ત્રીજો લેખન ચાલુ હોય ત્યાં સુધી કોઈને વાંચવા આપીને સલાહ લેવી નહિ. આ ત્રણ નિયમને અનુસરનાર લેખક સુંદર સર્જન કરી શકે છે.

[8] દરેક સ્ત્રીનું સાચું ભૂષણ છે શીલવંત સ્વભાવ. સદાય લજ્જા અને વિવેકભરી મધુરવાણી રાખે તેનો ભારે આદર થાય છે.

[9] ઈર્ષ્યા અગ્નિ છે જે કરનારને બાળે છે ! અને અદેખાઈ મોટી ખાઈ છે તે કરનારને જ ખાબકવાનો સમય આવી જાય છે ! તે કોઈએ ભૂલવા જેવું નથી.

[10] સેવાનો અર્થ છે બીજાનું દુ:ખ જોઈ તેને હળવું કરવા પ્રેરાય અને પ્રયત્ન કરે, લોકોના હૈયાને સદા આશ્વાસન આપે. લોકોના અંતરમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દયે તેનું નામ સાચી સેવા.

[11] આનંદની અને શોકની લાગણી તે જેવાં કર્મ કરે તેની સાથે સંયુક્ત હોય છે. સારાં કર્મો કરનાર આનંદ પામે છે અને માનવતાહીન કર્મ કરનારને સરવાળે શોક જ ભોગવવાનો રહે છે.

[12] માનવ પોતાનો જ વિનાશ પોતાના હાથે જ નોતરતો હોય છે. વિકાસ પણ પોતાના હાથે જ સર્જે છે. માનવે પોતાનો વિકાસ કરવો કે વિનાશ તે તેના કર્તવ્ય અને કાર્ય ઉપર આધારિત છે.

[13] શું ખાવું અને શું પીવું તેનો નિર્ણય યોગ્ય રીતે કરનાર દીર્ઘાયુ થાય છે. આયુષ્ય તેને આધારિત જ હોય છે. માટે જીભ કહે તે નહિ પણ દેહ સુખી રહે તેવો પોષણ આહાર લેવો પડે. આથી વિહાર આનંદપૂર્વક ભોગવાય અને વિચાર પણ સારા આવે.

[14] નીતીકારો કહે છે કે ઘરની ખામી કે કોઈ સાથે ઝઘડો થાય તો પણ ભૂલેચૂકે એ વાત મિત્રને પણ ન કરવી. કોઈના ઝઘડાની વાત જાણવામાં આવે તો પણ ઘરમાં ના કરવી !

[15] જરૂર જણાય તો માનવે પરંપરાનું પણ પરિવર્તન કરવું ઘટે. પરંપરા એટલે ચાલી આવતી નિયમાવલી. પણ જૂની પરંપરા આજના યુગમાં કદાચ ઉપયોગી ન પણ થાય. જૂની પરંપરાને અનુસરવાનો જે આગ્રહ રાખે છે તે ખત્તા ખાય છે, આ પરિવર્તન યુગમાં.

[16] વ્યક્તિત્વ ખીલવવા માટે હાસ્ય જરૂરી ગણાય છે. તમે એવી વાત કરો કે તમને ખુદને અને સાંભળનારને ખડખડાટ હસવું આવે. આવી વાતો ઘણી વખત સદવાચનમાંથી પણ મળે છે. કહેવા જેવી વાતો યાદ રાખી પ્રસંગને અનુરૂપ તેને વહેતી કરો. સાંભળનારા પણ હસી ઊઠશે. ચારે તરફ વાતાવરણ આનંદમય થઈ જશે. બાહોશ માણસોનું આ કર્તવ્ય છે.

[17] પુસ્તકાલય વગરનું ઘર જળ વગરની નદી જેવું છે. પુસ્તકો મહામૂલ્યોવાળા ફર્નિચર કરતાં હજારોગણું માનવી માટે ઉપયોગી છે. પુસ્તકો તો આનંદદાયક સંગ કરાવે છે. નિરસ વાતાવરણને સરસ બનાવે છે. માનવીને વાચન નવી દુનિયાની સફર કરાવે છે જે અદ્દભુત હોય છે.

[18] માણસને સંતોની સભામાં જઈને પ્રવચન સાંભળવાનો સમય ન હોય તો પણ, નીતિથી ધંધો કરે, પારકી નિંદા ન કરે અને પોતાની બડાઈ ન કરે તો સંતના પ્રવચન જેટલો જ લાભ તેને સાંપડે.

[19] તમારી સાથે જે ચર્ચા કરવા આવ્યા હોય તેઓની વ્યવસાયની વાત હોય કે અન્ય વ્યવહારની વાત હોય પણ તેને ખંતપૂર્વક સાંભળો. એથી જ તેની અર્ધી હતાશા નાબૂદ થશે. પછી યોગ્ય જણાય તેવું તેને માર્ગદર્શન આપો. સામાને મહત્વ આપવાના ઘણાં રસ્તા હોય છે. તેમાં પ્રશ્નને અનુરૂપ પ્રત્યુત્તર મૂલ્યવાન ગણાય છે.

[20] યાદશક્તિ કરતાં પણ જેની કલ્પનાશક્તિ જો વધુમાં વધુ તીવ્ર હોય તો તે પોતાનું જીવન નિરાંતે માણી શકે. સારાં સ્વપ્નાં માનવીના હાથની વાત નથી પણ કલ્પનાનું જગત માનવી ધારે તો અદ્દભુત રચાવી શકે – માણી શકે અદ્દભુત મોજ.