હિમાલય દર્શન (ભાગ-1) – ભાણદેવ

himalaya

[તાજેતરમાં યોજાયેલા અસ્મિતાપર્વમાં (મહુવા ખાતે) શ્રી ભાણદેવજીને પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો પ્રાપ્ત થયો. તેમણે તેમની હિમાલય યાત્રાના અદ્દભુત પ્રસંગો વર્ણવ્યા. તે જાણીને તેમનું પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ અને કુદરતી જ લાઈબ્રેરીમાં ‘હિમાલય દર્શન’ નામનું તેમનું આ પુસ્તક નજરે ચઢ્યું. તે પુસ્તકમાંના 600 પાનમાંથી ઘણા પ્રકરણો વાંચીને શું લેવું અને શું ના લેવું તેની મૂંઝવણ થઈ. અંતે જે મુખ્ય પ્રસંગો તેમણે વર્ણવ્યા હતા તેમાંનો એક પ્રસંગ બે ભાગમાં વહેંચ્યો છે. કારણકે હિમાલય તો આખરે હિમાલય છે ! તેના વિશે જેટલું લખાય એટલું ઓછું જ છે ! આ પ્રકરણમાં હિમાલય જવાની માહિતી અને જોવાલાયક સ્થળો કરતાં શ્રી ભાણદેવજીનો હિમાલયયાત્રાનો અનુભવ અને તે વિરાટની પાસે બેસીને થયેલા સ્પંદનોની સુંદર વાતો વર્ણવવામાં આવી છે. વાચકોને કદાચ આ વાંચીને વેકેશનમાં હિમાલય ફરવાની ઈચ્છા થઈ આવશે ! – તંત્રી ]

હિમાલયના પ્રવાસોમાંનું એક સ્થાન છે ગંગોત્રી. અમારે ગંગોત્રી જવું છે અને તે માટેના અનેક માર્ગોમાંથી અમે હનુમાનચટ્ટીથી જતો માર્ગ પસંદ કર્યો. હું અને મારો મિત્ર એમ બંને જણ પગપાળા જ પ્રવાસ કરીએ છીએ જેથી હિમાલયના નાનામાં નાના સૌંદર્યને માણી શકાય. તેના યર્થાથ દર્શન થઈ શકે.

હનુમાનચટ્ટી પાસે હનુમાનગંગા નામની નદી યમુનાજીને મળે છે. આ હનુમાન ગંગાને કિનારે કિનારે અમારે ચાલવાનું છે. પ્રારંભમાં સારી પગદંડી છે. થોડીવાર ચાલ્યા ત્યાં એક ગામ આવ્યું. આ રસ્તાપર આ છેલ્લું ગામ છે. અહીંથી નોગાંવ (આ ગામનું નામ છે.) સુધી કોઈ ગામ નથી. ગામમાં બહુ ઓછા માણસો હાજર હતા. પ્રાથમિક શાળાના શિક્ષકો મળ્યા. તેમણે અમને જણાવ્યું કે સ્ત્રીઓ અને પુરુષો ખેતરોમાં ખેતીકામ માટે ગયા છે. એટલે ગામ સાવ ખાલી લાગે છે. મળી શકે તો કંઈક ભોજન સામગ્રી મેળવવા અમે પ્રયત્ન કર્યો પણ એ શક્ય ન બન્યું. શિક્ષક મહાશયે અમને સમજાવ્યું કે ગામ બહુ નાનું છે લોકો ખૂબ ગરીબ છે એટલે મીઠાઈ કે તેવી કોઈ તૈયાર ભોજન સામગ્રી અહીં મળે જ નહિ. લોકો ચાવલ, રોટી, દાલ વગેરે ખાય છે. અને તેવી રસોઈ બનાવવાનું અત્યારે શક્ય નથી કેમકે ગામમાં કોઈ સ્ત્રી હાજર નથી. સૌ પોતપોતાનાં ખેતરોમાં ગયા છે. અમે તેમનો આભાર માની અમારે રસ્તે આગળ વધ્યા.

અડધો કિ.મી. ચાલ્યા હોઈશું ત્યાં એક સુંદર મેદાન આવ્યું. મેદાનમાં ગામનાં પશુઓ ચરી રહ્યાં હતાં. ત્રણ બાજુએ ઊંચા પહાડો અને ચોથી બાજુએ હનુમાનગંગાથી ઘેરાયેલું આ મેદાન ઘણું રમણીય સ્થાન છે. મેદાનના નદી તરફના છેડા પરથી અમારી પગદંડી પસાર થાય છે. અમે થોડીવાર ઊભા રહ્યા. મેદાનમાં સુંદર મોટું મોટું ઘાસ ઊગેલું છે. મેદાનની બરાબર વચ્ચે એક નાનું તળાવ છે. પશુઓ માટે ઘાસ અને પાણીની અહીં વ્યવસ્થા છે. પશુઓને ચરાવવા આવનાર બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. વચ્ચે વચ્ચે પહાડી ગીતોની કડીઓ લલકારતા હતા. પહાડી ગીતોની એક વિશિષ્ટ હલક હોય છે. હિમાલયના જુદાજુદા વિસ્તારોની ભાષા જુદી જુદી છે. તેમનાં ગીતો પણ જુદાંજુદાં છે પણ હલકમાં એક વિશિષ્ટ સમાનતા છે જે પહાડી ગીતોની વિશિષ્ટતા છે.

himalaya

આટલું સુંદર વાતાવરણ જોઈને અમે અનાયાસે જ પકડાઈ ગયા. લીલાછમ પહાડો, વેગથી-હનુમાન જેવા વેગથી વહેતી હનુમાન ગંગા, લીલાંછમ ઘાસનું મેદાન, મેદાનમાં તળાવ, ઘાસ ચરતી ગાયો અને અન્ય પશુઓ, ભલાં ભોળાં પહાડી બાળકોની રમત અને ગીતો ! અમે એક ક્ષણમાં તો જાણે જુદી દુનિયામાં પહોંચી ગયા. આ મેદાન પહાડોથી એવી રીતે ઘેરાયેલું છે કે જાણે વિશાળ સભાગૃહ હોય તેવું લાગે છે. આ સભાગૃહમાં લીલારંગના ગાલીચા પાથરેલા છે. અમે ચૂપચાપ ઊભા ઊભા જોઈએ છીએ. બાળકોનું ધ્યાન અમારા તરફ નથી. તેઓ પોતાની મસ્તીમાં છે. અચાનક એક બાળકનું ધ્યાન અમારા તરફ ખેંચાયું. તે દોડતો બંધ થઈ ગયો. તેણે અમારા તરફ આંગળી કરીને બીજા બાળકોને અમારી હાજરીની જાણ કરી. બધાં બાળકો અમારા તરફ જોઈ રહ્યાં. તેમનું દોડવું, કૂદવું, ગાવું બંધ પડી ગયું. બાળકો કાંઈક છોભીલાં પડી ગયાં. અમે તેમની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. બધાં નીચું જોઈને મરકમરક હસે પણ અમારી સાથે એક શબ્દ પણ બોલ્યા નહિ. અમારે એમની સાથે થોડી વાત કરવી હતી એટલે પૂછયું : ‘આપ લોગ કિસ ગાંવ કે રહેનેવાલે હૈ ?’

એક મોટા બાળકે, અમે જે ગામ છોડીને આવતાં હતાં તેના તરફ માત્ર હાથ ચીંધી દીધો પણ કોઈની જીભ તો ચાલી જ નહિ. તેમને બહુ મૂંઝવવાનું અમને ઠીક ન લાગ્યું. કાંઈક ભય, કાંઈક સંકોચ અને કાંઈક અજાણપણાંને કારણે બાળકો લજામણીની જેમ સંકોચાઈ ગયાં. આવાં સરળ, ભલાં અને ગભરુ બાળકોને નીરખવાનું પણ ગમે છે !

આ નાનું મેદાન વટાવ્યા પછી ખરું જંગલ શરૂ થાય છે. પહાડના ઢોળાવ પરથી નાની પગદંડી પસાર થાય છે. નદી હવે નીચે ખીણમાં રહી ગઈ છે. બંને બાજુ વિશાળ પહાડોની હારમાળા છે વચ્ચે ખીણમાં હનુમાન ગંગા વહી રહી છે. ઘોર જંગલ છે. સૂમસામ રસ્તો છે. આ પગદંડી પર આગળ પાછળ કોઈ યાત્રી હોય તેવું લાગતું નથી. અમે બે મિત્રો ચૂપચાપ ચાલ્યા જઈએ છીએ. આકાશ સ્વચ્છ છે. મીઠો મીઠો તડકો છે. અને ઝરણાંઓ પહાડમાંથી નીકળીને વેગપૂર્વક નદી તરફ ધસી રહ્યાં છે. અમારે તેમને પાર કરવાં પડે છે. નીચે વેગપૂર્વક નદીનો અવાજ, વેગથી વહેતાં ઝરણાંઓનો અવાજ, નાના મોટા ધોધનો અવાજ, પક્ષીઓના અવાજ, ઝાડનાં પાનનો અવાજ, ક્યારેક ક્યારેક તમરાંનો અવાજ, અને એ બધાના નેપથ્યમાં ગુંજતો સન્નાટાનો અવાજ ! આ અવાજની એક દુનિયા છે. મારી સમગ્ર ચેતના કર્ણેન્દ્રિયમાં એકાગ્ર બની ગઈ. જાણે નાદની દુનિયામાં પ્રવેશ થયો !

અમે બે-કલાક ચાલ્યા હોઈશું ત્યાં રસ્તામાં વાંદરાનું એક મોટું ટોળું મળ્યું. આશરે પચાસેકની સંખ્યામાં હશે. અમારા આગમનને જોઈને તેમણે કૂદાકૂદ અને હુપાહુપ શરૂ કરી દીધી. પહેલાં તો અમને નવાઈ લાગી. આટલી ઊંચાઈ પર આવા ઠંડા પ્રદેશમાં આ અનિકેતન પ્રાણી રહે છે ! વાંદરાઓ ઘર તો બનાવતા નથી. સાધારણ રીતે માનવીને જોઈને વાંદરાઓ કંઈક કૂદાકૂદ તો કરતાં હોય છે પણ આ ટોળાંનો અમને જોઈને આપેલો પ્રતિભાવ ઘણો વધારે પડતો લાગ્યો. તેમ થવાનું કારણ પણ સમજાયું. આ વિસ્તારમાં માણસોની અવરજવર ઘણી ઓછી છે તેથી આ વાંદરાઓ માણસોથી ટેવાયેલા નથી, તેથી તેમને મન માણસોનું આગમન બહુ મોટી ઘટના છે, જે ઘટનાથી તેઓ ટેવાયેલા નથી તે ઘટના પ્રત્યે તેમનો પ્રતિભાવ વધારે પડતો હોય એ સ્વાભાવિક છે. જ્યારે તેમને લાગ્યું કે અમે તો ચૂપચાપ અમારા રસ્તે ચાલ્યા જઈએ છીએ ત્યારે તેઓ આપોઆપ શાંત થઈ ગયા. કોઈ કોઈ વિસ્તારમાં વાંદરાઓનો ઘણો ઉપદ્રવ હોય છે. આવે વખતે તેમની સાથે વર્તવાની સૌથી ઉત્તમ પદ્ધતિ એ છે કે તેમની સામે જોયા વિના, તેમના તરફ ધ્યાન આપ્યા વિના ચૂપચાપ ચાલ્યા જવું. તેઓ આપોઆપ શાંત થઈ જશે.

બપોર થયા છે. અમને ભૂખ લાગી છે. પણ અમારી પાસે ખાવાનું કશું નથી. સૂંઠિયું છે. સૂંઠની એકાદ ગોળી ખાઈને ઉપર પાણી પીએ છે. પણ સૂંઠ જઠરાગ્નિવર્ધક છે. ભૂખ શાંત થવાને બદલે વધુ પ્રજવલિત થાય છે. આકાશમાં વાદળાં ચડી રહ્યાં છે. હિમાલયમાં બપોર પછી વરસાદનું જોખમ રહે છે. થોડીવાર તો કાળાં વાદળાંથી આકાશ છવાઈ ગયું. અમને થયું વરસાદ હમણાં તૂટી પડશે. પણ વરસાદને બદલે બહુ થોડો થોડો બરફ પડવા માંડ્યો. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું. રૂના પૂમડાં જેવી બરફની ગોળીઓ પડવા માંડી. આજુબાજુની જમીન અને ઝાડનાં પાન પર સફેદ બરફની ગોળી ગોઠવાવા માંડી. અમારી ટોપી પર, રૂ કશેરપર, કપડાં પર – એમ બધે આ રૂ નાં પૂમડાં જેવી બરફની ગોળીઓ પડી રહી છે અને ખરી રહી છે. અમે ગમ્મત ખાતર ખોબામાં ઝીલવા લાગ્યા. થોડા રસગુલ્લા ખાધા પણ ખરા ! પણ સદભાગ્યે બરફ બહુ થોડા પ્રમાણમાં અને બહુ થોડો સમય પડ્યો. આ હળવી હિમવર્ષા બંધ થઈ ગઈ. વાદળાંઓ પણ વિખરાવા માંડ્યા. અમે નચિંત થયા.

ભોમિયા વિના અને ભોજન વિના આ રસ્તે ચાલવાના દુ:સાહસની ભયંકરતાનો હવે અમને ખ્યાલ આવવા માંડ્યો છે. લગભગ ચારેક વાગ્યે અમે એક મોટા મેદાનમાં આવી પહોંચ્યા. હનુમાન ગંગા નદીનો પ્રારંભ આ મેદાનના ઝરણાઓમાંથી થાય છે. હનુમાન ગંગા ઘાટી અહીં પૂરી થાય છે. અમારી સાથે છેક સુધી રહેલી બંને બાજુની પર્વતમાળા અહીં મળી જાય છે. આ પર્વતોના મિલન પાસે આ મેદાન આવેલું છે. ત્રણ બાજુ પર્વતોથી ઘેરાયેલું આ રમણીય સ્થાન છે. મેદાનમાં લીલુછમ ઘાસ ઊગી નીકળ્યું છે. મેદાનની વચ્ચેથી એક સુંદર ઝરણું વહી રહ્યું છે. મેદાન લગભગ સપાટ હોવાથી ઝરણાંની ગતિ ઘણી શાંત છે અને અવાજ તો લગભગ નથી. મેદાનના એક ખૂણામાં થોડા વિખાઈ ગયેલાં ઘાસના ઝૂપડાં છે. અનુમાન કર્યું કે આ ગુજ્જર માલધારીઓનો પડાવ હશે. અત્યારે ત્યાં કોઈ નથી.

રાત્રિનિવાસ કરવો હોય તો આ સ્થાન સારું છે. મોટું મેદાન છે. પહાડોથી ઘેરાયેલું સ્થળ છે. એટલે પવનના ઝપાટાં અહીં બહુ લાગતાં નથી. ભલે તૂટેલાં ફૂટેલાં પણ ઘાસના ઝૂંપડાં પણ છે. પણ હજી સમય છે. અંધારું થાય તે પહેલાં નોગાંવ પહોંચી જવાશે એવી અમને આશા છે. પણ નોંગાવ જેવું કેવી રીતે ? નોગાંવનો રસ્તો ક્યો ? અમે રસ્તાની શોધમાં મેદાનમાં થોડા આંટા માર્યાં. મેદાનમાં નાની નાની અને આડીઅવળી અનેક પગદંડીઓ છે. જમણી બાજુ એક ઊંચો પહાડ છે. આ પહાડ પર નાની નાની અને વાંકીચૂકી અનેક પગદંડીઓ જઈ રહી છે. અમને લાગ્યું આ પહાડની પાછળ જ નોગાંવ હશે તેથી આ પહાડ પર ચઢતી પગદંડી પસંદ કરીએ તો બરાબર થશે. અને અમે આ પહાડ પર જતી એક પગદંડી પસંદ કરી.

અમે ચઢવાનો પ્રારંભ કર્યો. સદભાગ્યે હિમવર્ષા બહુ થઈ નથી. આકાશ સ્વચ્છ થઈ ગયું છે. હિમાલયમાં યાત્રાની કેડીઓ ઉપરાંત પશુપાલકોની કેડીઓ પણ અનેક હોય છે. આ કેડીઓ ક્યાંય દોરી જતી નથી. જંગલના ચરિયાણ તરફ લઈ જાય છે. અથવા જંગલમાં જ આમ તેમ ફરે છે. આવી કેડીઓને યાત્રીની કેડી માની લેવાની ભૂલ થવાનો ઘણો સંભવ છે. હજી સૂર્યાસ્ત થયો નથી. હળવો તડકો છે. વાતાવરણ ખુશનુમા છે છતાં ઠંડી કંઈક વધી રહી છે. અમારા મનમાં એવી ધારણા છે કે આ પહાડ પાર કરીએ એટલે તુરત નોગાંવ હશે એટલે અમે હિંમતભેર અને ઝડપભેર ચાલી રહ્યા છીએ. મનમાં છે કે નોગાંવ પહોંચી જઈએ તો ભોજન-નિવાસની કંઈક વ્યવસ્થા તો થઈ રહેશે. રસ્તો કઠિન ચઢાઈનો છે અમે હાંફતાં હાંફતાં આગળ ચાલીએ છીએ.

આખા દિવસની સતત ખેપને કારણે અમે થાક્યા તો છીએ જ અને ભૂખ્યા પણ થયા છીએ. એથી યે વિશેષ તો અમને હવે આશંકા થઈ છે કે અમે સાચા રસ્તા પર છીએ કે નહિ એટલે હવે કઠિનાઈનો પ્રારંભ થયો છે. થાક, ભૂખ અને આશંકામાંથી એક હોય તો કામ ચાલી શકે છે પણ આ તો ત્રણે કુબ્જાઓ ભેગી થઈ એટલે તેનું જોર શતગુણિત થઈ ગયું છે. જે થાઓ તે, પણ આગળ ચાલ્યા વિના અમારી પાસે બીજો વિકલ્પ નથી એટલે અમે ખૂબ ખેંચીને પણ યથા શક્ય ઝડપથી ચાલી રહ્યા છીએ. મોટા વૃક્ષોનું જંગલ હવે પૂરું થયું છે. પર્વતની અમુક ઊંચાઈથી ઉપર જઈએ એટલે મોટાં વૃક્ષોની હદ પૂરી થાય છે. હવે લીલું ઘાસ અને નાના નાના છોડવાઓનો વિસ્તાર આવ્યો છે. સૂર્યાસ્ત થઈ ચૂક્યો. સૂર્યાસ્ત થાય એટલે હિમાલયમાં ઠંડી એકદમ વધી જાય છે. ત્રણ કુબ્જાઓ થાક, ભૂખ અને આશંકા હતી તેમાં ચોથી ભળી – ઠંડી.

ઠંડીની તીવ્રતા, આકરી ચઢાઈ, અંધારું અને પગદંડીનું સ્વરૂપ, જોતાં અમને મનમાં થવા માંડ્યું છે કે આજે તો હવે નોગાંવ પહોંચવાની શક્યતા નહિવત્ છે. પણ હવે પાછા ફરીને પહોંચાય ક્યાં ? અને રાત્રે રહેવું ક્યાં ? એટલે અમે મૂંગા મૂંગા આગળ ધપ્યે રાખીએ છીએ. અમારી જેવી તેવી અને ઉબડખાબડ પગદંડી હવે ગુલાબના જંગલમાં પહોંચી. ચારે બાજુ જંગલી ગુલાબના હજારો છોડવાઓ ઊગી નીકળ્યા છે. દેશી ગુલાબ નહિ, જંગલી ગુલાબ ! બાર પંદર ફૂટ ઊંચા આ છોડવાઓના ઝૂંડની વચ્ચે અમે આગળ ધપી રહ્યા છીએ. પુષ્કળ ફૂલો ખીલ્યાં છે પણ તેમને નિરાંતે જોવાની અમને ફૂરસદ નથી. ગુલાબના કાંટાથી કપડાં અને ક્યારેક ચામડી પણ ચીરાઈ જાય છે. નોગાંવ તો અમારે પહોંચવું છે અને નોગાંવ ન પહોંચાય તો રાત્રિ ગાળી શકાય તેવા કોઈક સ્થળે પહોંચવું છે. પણ પહોંચવું ક્યાં ? અને કેવી રીતે ?

આખરે ગુલાબનું જંગલ પણ પૂરું થયું અને કેડી પણ વિરમી ગઈ. આગળ કોઈ પગદંડી જ નથી અમને ખાત્રી થઈ ગઈ અમે રસ્તો ભૂલ્યા છીએ. આ રસ્તે આગળ જવાથી નોગાંવ પહોંચી શકાય નહિ અને ક્યાંય પહોંચી શકાય નહિ. ક્યાંય ન પહોંચાડતી અને જંગલમાં જ ઘૂમતી પગદંડીઓને પહાડના માણસો ‘જંગલ કા રાસ્તા’ કહે છે. અમે જંગલ કા રાસ્તાને પસંદ કરી લીધો હતો અને હવે તો તે પણ નથી. ઠંડી વધી રહી છે. અંધારું થઈ ગયું છે. આગળ કે પાછળ ક્યાંય જવાય તેવી પરિસ્થિતિ નથી. અમે બંને દિશાની પગદંડી ચૂકી ગયા છીએ. છેલ્લા એકાદ કલાકથી તો અમે લગભગ કેડી વિના જ કે નામની જ કેડી પર ઉબડખાબડ રસ્તે જ ચાલ્યા છીએ. એટલે પાછા ફરવાની સાચી પગદંડીનો પણ હવે અમારી પાસે પત્તો નથી અને આગળ જવાનો માર્ગ તો અમે ચૂક્યા જ છીએ.

અંધારાનું સ્વરૂપ જોતાં અમને લાગ્યું કે હવે ક્યાંય જઈ શકાય તેમ નથી. અને ક્યાંય ન જવાનો અર્થ છે અહીં જ ! અને અમે બેસી પડ્યા.

(ક્રમશ: – આવતી કાલે…. )

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગૃહપ્રવેશ – ડૉ. રેણુકા એચ. પટેલ
છમકલાં – સાંકળચંદ પટેલ Next »   

17 પ્રતિભાવો : હિમાલય દર્શન (ભાગ-1) – ભાણદેવ

 1. ખુબ જ રોમાંચક સફર.. વાંચતા વાંચતા જાણે મારા હ્રદયના ધબકારા વધી ગયા. હિમાલયની કાંગડા વેલીમા થોડુ ટ્રેકીંગ કર્યુ છે એટલે આવી જ્ગ્યાએ રસ્તો ભુલવાની ગંભીરતાનો ખ્યાલ છે. કાલની રાહ રહેશે..

 2. baboochak says:

  અરે વાહ શરુઆત આટલી સુંદર.. આખી યાત્રા કેટલી મસ્ત હશે?

 3. મઝા આવી…

 4. મને મારી પ્રથમ કૈલાસ યાત્રા યાદ આવી ગઈ. ખૂબ રોમાંચક હતી. હિમાલયનાં રસ્તાઓ યાદ આવી ગયાં. આમાં તો આ લોકો ખોવાઈ ગયા હોય તેવો ભાસ થાય છે.

  Meghdhanush

  http://shivshiva.wordpress.com

 5. Jigisha Trivedi says:

  such a vivid description.
  i really enjoyed reading this part
  would be desperately waiting for next part

 6. pragnaju says:

  ખૂબ જ રોમાંચક
  તેમાં…”અમે લગભગ કેડી વિના જ કે નામની જ કેડી પર ઉબડખાબડ રસ્તે જ ચાલ્યા છીએ. એટલે પાછા ફરવાની સાચી પગદંડીનો પણ હવે અમારી પાસે પત્તો નથી અને આગળ જવાનો માર્ગ તો અમે ચૂક્યા જ છીએ.”
  મઝા આવી

 7. meeta says:

  સૌથી પહેલા તો રીડ ગુજરાતી ના નવા સ્વરુપ માટૅ ધન્યવાદ ….. હમણા ગયા મહિને જ આ પુસ્તક ત્યાથી જ લઈ ને મે પણ વાન્ચ્યુ. અધુરુ છે હજુ …. અહિ જોઇ ને ખુબ ખુશી થઈ …

 8. […] છે. તેમના કેટલાક વર્ણનો આપણે આ અગાઉ ‘હિમાલય દર્શન (ભાગ-1)‘ તેમજ ‘હિમાલય દર્શન (ભાગ-2)‘ માં […]

 9. malde says:

  મને ભાનદેવ નુ સરનામુ આપવા વિનતિ…..ખુબ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.