છમકલાં – સાંકળચંદ પટેલ

[1] કાને બહેરા કંથજી

‘સાંભળો છો ?…. અલ્યા એ, સાંભળો છો ?….’ થાકીને મેં ઘંટડી દબાવી : ‘ટરરર….ટરરર !’
ઘંટડી સાંભળીને ઑફિસમાં જેમ પટાવાળો દોડતો આવે એમ એ દોડતા આવીને મારી સામે ઊભા રહ્યા : ‘શું હતું ?’
‘ગૉળ લઈ આવો !’
પૈસા લઈને એ અમરત મોદીની દુકાને ગયા, અને બોલ્યા : ‘મોદી, ખોળ આપો !’
મોદી થોડી વાર એમની સામે જોઈ રહ્યા. પછી બોલ્યા : ‘માસ્તર ! તમે ખોળ શું કરશો ? ભેંસ લાવ્યા છો ?’
‘હોવે, ખૉળ આપો !’ માસ્તર ફરીથી બોલ્યા.
‘તમે જાઓ, હું તમારે ઘેર ખૉળનો કોથળો મોકલી આપું છું.’

માસ્તર ઘેર ગયા. એમની પાછળ-પાછળ મજૂર ખૉળનો કોથળો લઈને આવી પહોંચ્યો. ઓસરીમાં પગ દઈને એ બોલ્યા : ‘લ્યો, લઈ આવ્યો !’
હું બહાર આવીને જોઉં છું તો મજૂર ખૉળનો કોથળો ઉતારતો હતો. એ જોઈને મેં બૂમ પાડી : ‘ખૉળ નહિ, ગોળ લાવવાનો હતો ! જા, ભાઈ ! આ ખૉળનો કોથળો પાછો લઈ જા, અને ગોળનો રવો લઈ આવ.’

હું પરણીને આવી ત્યારે તો મારા કંથના કાનનો પંથ સ્વચ્છ હતો, પરંતુ ચૂંટણી જીત્યા પછી નેતાના કાન બહેરા થઈ જાય છે એમ લગ્ન પછી એક જ વર્ષમાં એમના કાન બહેરા થઈ ગયા હતા. માર પિતરાઈ ભાઈ ઈન્દુભાઈની બદલી અહીં પ્રાથમિક શાળામાં થઈ હતી. એક દિવસે શનિવારે મેં એમને કહ્યું : ‘આજે ઈન્દુભાઈને જમવા માટે બોલાવતા આવજો !’

બાર વાગે એ ઘેર આવ્યા ત્યારે એમની પાછળ હાથમાં પર્સ ઝુલાવતાં ઈન્દુબહેન આવતાં હતાં. એ જોઈને હું તો બળીને લાળો થઈ ગઈ, પણ ઈન્દુબેનના સાંભળતાં શું કહું ? ના-મનથી મેં એમને આવકાર્યાં અને ઈન્દુભાઈને બદલે ઈન્દુબહેન જમી ગયાં !

એકવાર મેં એમને જાદુગર કે.લાલની બે ટિકિટો લેવા માટે મોકલ્યા તો તેઓ ‘સંગમ’ ની ટિકિટો લઈને આવ્યા. ‘સંગમ’ ની ટિકિટો પાછી આપવા માટે મોકલ્યા તો એમની ‘સગલી’ સાથે ‘સંગમ’ જોઈને આવ્યા. કંટાળીને હું એક વાર ગુજરીમાંથી ડૉકટરનું જૂનું સ્ટેથેસ્કૉપ લઈ આવી. પછી એના ઉપરના બે છેડા કાપીને સરખા કરી, કંથજીના કાનમાં ખોસી દીધા. એનો એક છેડો નીચે લટકતો રાખ્યો. એ લટકતી ભૂંગળી દ્વારા હું બોલું એટલે એ તરત જ સાંભળી લે. દિવસ કરતાં રાત્રે આ ભૂંગળી બહુ કામ લાગતી હતી. દિવસે તો અજવાળામાં ઈશારા કરીને પણ હું થોડીઘણી વાત કરી લેતી હતી, પરંતુ રાત્રે અંધારામાં ઈશારા શી રીતે કામ આવે ? એટલે એમના કાનમાં ભૂંગળી ખોસીને, હું સૂતાં-સૂતાં એનો એક છેડો મારા મુખમાં રાખીને બોલતી હતી. એ સાંભળતા હતા અને ‘હં….હં…’ કરતા હતા.

આમ, અડધી રાત સુધી અમારી ગોષ્ઠી ચાલતી હતી. પછી એ ઊંઘી જતા એટલે હળવે રહીને હું ટોટી ખેંચી લેતી. આ રીતે મારા ‘કાને બહેરા કંથજી’ સાંભળતા થયા.

[2] વરજી મારા વાતોડિયા

સ્ત્રી સ્વભાવે બોલકી હોય છે, એટલે પુરુષની શાંતિ માટે એવું કહેવાયું છે કે, ‘પહેલું સુખ તે મૂગી નાર !’ પરંતુ મારા જીવનમાં તો એનાથી ઊલટું જ બન્યું છે. મારા બદલે મારા વરજી વાતોડિયા છે. એનો મને પરણ્યાની પહેલી રાત્રિએ જ પરચો મળી ગયો.

હું શયનકક્ષમાં વાટ જોતી હતી ને એ આવ્યા. આવીને આરામ-ખુરશીમાં બેસી ગયા. ને કહે : ‘તું તારે પલંગમાં સૂઈ રહે. હું તને એક વાર્તા સંભળાવું છું તે સાંભળ.’
એમ કહીને એમણે તો કૉલેજમાં ભણેલા તે ‘અભિજ્ઞાન શાકુંતલ’ ની વાર્તા શરૂ કરી દીધી. શકુંતલાનો જન્મ… કણ્વ ઋષિના આશ્રમમાં ઉછેર…. શકુંતલાનું અસાધારણ વ્યક્તિત્વ…. એના વરની શોધમાં ઋષિનું જવું… દુષ્યંતનું આવવું…. અને ગાંધર્વ લગ્ન…. આ બધું બહુ મલાવી-મલાવીને તેઓ કહી રહ્યા હતા, અને મને સાંભળવાનો રસ પડી રહ્યો હતો. પરંતુ અમારી ગાડી મૂળ પાટા પરથી ખસી રહી હતી, તેની મને ચિંતા થઈ રહી હતી. પરંતુ એ તો મશગુલ થઈને વાર્તા કહી રહ્યા હતા.

બહુ મોડું થઈ ગયું હતું. હવે મને ઊંઘ આવવા માંડી હતી. ઊંઘમાં હું ઊંહકારો ધરું કે ના ધરું, તોયે એ તો મજેથી વાર્તા કહ્યે જતા હતા. સવારે પોણા છએ ડેરીની વ્હિસલ વાગી એટલે હું સફાળી જાગી ગઈ. એમની વાર્તા તો હજુય ચાલુ જ હતી. વાજતે-ગાજતે શકુંતલાને વળાવાઈ રહી હતી. હું બારણું ઉઘાડીને બહાર નીકળી ગઈ એટલે એ બારણું બંધ કરીને, પલંગમાં જઈને સૂઈ ગયા.

એક દિવસ એ મને કહે : ‘ચાલ, સિનેમા જોવા માટે જઈએ !’ સાંજે છ વાગે અમે સજીને નીકળ્યાં. સાડા છના શૉમાં અમારે જવાનું હતું. જઈને ટિકિટો લેવાની હતી. અમે ટાઈમસર નીકળ્યાં હતાં, પણ રસ્તામાં એમના એક પ્રોફેસર મિત્ર મળી ગયા અને એમને હોટલમાં લઈ ગયા અને પછી મંડ્યા વાતો કરવા ! નોકર બે-ત્રણ વખત આવીને પૂછી ગયો : ‘બોલો સાહેબ, શું લાવું ? પણ એ તો વાતોમાં એવા ડૂબી ગયેલા કે નોકરની વાત જ સાંભળી નહિ ! મેનુ આમતેમ ફેરવે ને વાતો કરે. હું ય કંટાળી હતી. ટાઈમ થવા આવ્યો હતો. મને ચટપટી થઈ રહી હતી, પણ એ તો ટેસથી વાતો કર્યે જતા હતા. નોકર ચોથી વાર આવ્યો એટલે એમણે ત્રણ વૅનિલાનો ઑર્ડર આપ્યો.

પછી અમે થિયેટર પર પહોંચ્યા ત્યારે પોણા સાત થઈ ગયા હતા. ટિકિટબારી પર ‘હાઉસફૂલ’ નાં પાટિયાં લાગી ગયાં હતાં. તેમણે મારા તરફ જોઈને પૂછ્યું : ‘શું કરીશું ?’
મેં હિમાલયી ઠંડકથી કહ્યું : ‘ઘેર જઈએ !’
ત્યારે એમણે કહ્યું : ‘આપણે સાડાનવના શૉમાં સિનેમા જોઈને જ ઘેર જઈશું. ત્યાં સુધી ચાલ, હું તને પિક્ચરની સ્ટૉરી સંભળાવું.’
વળી પાછા અમે એક હૉટલમાં જઈને બેઠાં અને એમણે સ્ટૉરી ચાલુ કરી દીધી. વાર્તા બહુ મજાની હતી. રાજા ભર્તૃહરિની રાણીના જીવનમાં રચાયો હતો એવો પ્રણયચતુષ્કોણ આ વાર્તામાં પણ રચાતો હતો. વાર્તાનો ક્લાઈમૅક્સ આવતાં હવે શું થશે – ની જબરી ઈંતેજારી જાગી હતી. વાર્તા પૂરી થઈ ત્યારે દસ વાગી ગયા હતા. અમે હાંફળા-ફાંફળા થિયેટર પર આવ્યાં ત્યારે બહાર બધું ઠપ્પ થઈ ગયું હતું. અને અંદર પિક્ચર ધમધોકાર ચાલતું હતું.

અમે રિક્ષા કરીને ઘેર આવ્યાં. સૂતાં પહેલાં એમણે કહ્યું : ‘ચાલ, એક સ્ટૉરી સંભળાવું ?’
‘અત્યારે નહિ, પછી કહેજો !’ કહીને મેં બત્તી બંધ કરી, અને પરાણે તેમને પલંગમાં આડા નાખ્યાં.


[3] રામા, તું પાછો આવ !

ઢબુ શેઠાણીને રામા વગર અને રામાને શેઠાણી વગર ચાલે એમ નહોતું. એ હકીકત તેઓ બંને બરાબર પારખી ગયાં હતાં. તેથી તો રામો વારંવાર સુણાવી દેતો હતો : ‘બા, મને બહુ કનડશો તો હું જતો રહીશ !’ શેઠાણી પણ તેનો ધગધગતો ઉત્તર વાળી દેતાં હતાં : ‘જતો રહીશ તો મારે ખાસડે મારી !’

અને એક દિવસ સાંજે શેઠાણીની કચકચથી કંટાળીને ખાધા વગર રામો કમ પડતું મૂકીને ધરાર ચાલતો થયો. શેઠાણીએ પણ ઠૂંસમાં રહીને એને પાછો ન વાળ્યો : ‘સારું થયું ગયો તે. મારી તો જીભ ઘસાઈ જતી હતી, કામ બતાવી બતાવીને !’

રાત્રે શેઠ ઘેર આવ્યા એટલે ટ્રેમાં શરબતનો ગ્લાસ લઈને શેઠાણી પોતે હાજર થયાં. શેઠાણી રંગમાં હોય એ દિવસે તે જાતે આવતાં તેની શેઠને ખબર હતી. છતાં આંખો પહોળી કરીને શેઠે પૂછ્યું : ‘શેઠાણી, તમે કેમ તકલીફ લીધી ?’
‘બસ, આજથી હું તમારી સેવા કરીશ !’
‘ઓહો ! અમારાં એવાં અહોભાગ્ય ક્યાંથી ?’ કહીને શેઠે અર્ધાંગિનીને અડધાં બાથમાં લીધાં (પૂરાં માતાં નહોતાં !)
શેઠાણીનો મલકાટ તો માય નહિ : ‘રામાને આજે રજા આપી દીધી છે. હવેથી ઘરનું કામ હું કરીશ !’
‘પણ તમે થાકી જશો’ શેઠે ચિંતા કરી.
‘એ થાકે એ બીજી ! અમે કાંઈ ઘરનાં કામ નથી કર્યાં ?’ છાતી ઠોકીને શેઠાણી બોલ્યાં. શેઠને શેઠાણીની શક્તિની ખબર હતી. એકવાર મજાકમાં તેમણે શેઠાણીની લંબાઈ-પહોળાઈ માપી હતી. બંને બાજુ છપ્પન ઈંચ. ઊઠવા-બેસવા માટે ઉપર સાંકળ લટકાવેલી. આ બધું વિચારીને શેઠે પાકું કરવા માટે એક દાવ નાંખી જોયો : ‘તમે કહેતાં હો તો રામાને હું પાછો બોલાવી લાવું !’
‘ના, હવે મારા ઘરમાં રામો ના જોઈએ !’ કહીને શેઠાણીએ પલંગ સરખા કર્યા.

સવારે શેઠાણી ઊઠ્યાં ત્યારે દૂધવાળો જતો રહ્યો હતો. ધબડક-ધબડક શેઠાણી દુકાનેથી દૂધ લઈ આવ્યાં. બેડ-ટી પીનાર શેઠે ચાની રકાબી મોઢે અડકાડી ત્યારે દસના ડંકા વાગું-વાગું થઈ રહ્યા હતા. હજુ તો કેટલાં બધાં કામ બાકી હતાં. ઝાડુ, પોતું, શાક, કપડાંની ધોલાઈ, રસોઈ…. અને… અને…. અને…..

બપોરે એક વાગ્યે શેઠની ગાડીએ ભોં-ભોં કર્યું ત્યારે શેઠાણી શાક બેંટોરતાં-બેંટોરતાં ચમક્યાં : ‘ઓહ રામ ! (રામા નહિ !) એક વાગી ગયો !’ સાડાત્રણે શેઠને શાક પીરસતાં-પીરસતાં શેઠાણીને એક લથડિયું આવી ગયું. શેઠે શેઠાણીનો હનુમાનહાથ પકડી લીધો : ‘હાય મારી કલી ! ખમ્મા !’

રાત્રે પેઢી પરથી શેઠ ઘેર આવ્યા ત્યારે બપોરનાં એંઠાં વાસણ, સવારનાં કપડાં અને બીજાં ઘણાં કામ અધૂરાં પડ્યાં હતાં. શેઠાણી પલંગમાં સ્ટૉપૅક, વિક્સ અને આયોડેક્સની શીશીઓ લઈને પડ્યાં-પડ્યાં બબડતાં હતાં : ‘ઓ રામા, તું પાછો આવ ! ઓ મારા રામા, તારા વગર મારે નહિ ચાલે…. ઓ રામા, તું પાછો આવ… પાછો આવ…’
શેઠે સૂર પુરાવ્યો :
‘રામા સમીપે ન જાવું,
મારે આજ થકી રામા સમીપે ન જાવું,
મુખે નીમ લીધો, મન કહે જે પલક ન નિભાવું…. … મારે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હિમાલય દર્શન (ભાગ-1) – ભાણદેવ
હિમાલય દર્શન (ભાગ-2) – ભાણદેવ Next »   

22 પ્રતિભાવો : છમકલાં – સાંકળચંદ પટેલ

 1. gopal.h.parekh says:

  મોજ પડી ગઈ મારા ભૈ

 2. અમી says:

  મ્રુગેશજી … છેક આવા લેવલના લેખ પણ ના મુકોને.

  ખબર છે અઠવાડિયાની શરુઆતમાં તમે સરળ લેખ મુકો છો પણ આટલા સરળ?!! અને પછી અચાનક ભારેખમ લેખ આવી પડશે શનિ-રવિ માં. હવે તો શનિ-રવિ માં રીડગુજરાતી ખોલવાની હિંમત જેમ તેમ કરીએ છે. 🙁

 3. purvi says:

  સરસ મજનાએ ચે

 4. dhara says:

  સરસ એક્દમ રમુજી વાર્તાઓ છે. હસવાની મજા પડી ગઇ.

 5. pinakin says:

  સરસ રમુજી વાર્તાઓ રજુ કરી છે. વાઁચવા સાથે હસવાની ખુબ મજા પડી ગઇ.

 6. Jaydeep says:

  this is really funny things

  maja aavi gai…

 7. meeta arjun dave says:

  હ્સાવવાનુ કામ અઘરુ કહ્યુ છે,પણ તમે ખુબ જ સહજતા થી અમને આનંદ રસ માં તરબોળ કીધા.
  અભિનંદન

 8. ruchira bhavin dhaduk says:

  જલસા પડી ગયા…..

 9. pathik Thaker says:

  જલ્સો પાડિ દિધો ભાઈ તમે તો !!!!!

 10. pragnaju says:

  સુંદર રમુજી વાતો
  એક મુશાયરાની પાદપૂર્તિની પંક્તી યાદ આવી
  હજુ આ તો છમકલું છે,
  હજુ તો જંગ બાકી છે!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.