હિમાલય દર્શન (ભાગ-2) – ભાણદેવ

himalaya

થાકેલા, ભૂખ્યા અને હારેલા અમે વિચારીએ છીએ કે હવે રાત્રિનિવાસ ક્યાં કરવો ? અમારી પાસે તંબુ નથી અને સ્લીપીંગ બેગ પણ નથી. છે માત્ર બબ્બે ધાબળા અને પોલીથીનનો એક એક ટૂકડો. જે સાધનો છે તેને આધારે અને જેવા સંજોગો છે તેમાં અહીં જ રાત્રિ ગાળવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. રાત્રિ ગાળવા માટે સપાટ જમીન અને થોડો ઓથ જોઈએ. હિમાલયમાં રાત્રે ખુલ્લામાં સૂઈ રહેવું ઘણું જોખમી ગણાય. અમે છેલ્લું ગામ છોડીને ત્રીશેક કિ.મી તો ચાલ્યા હોઈશું અને આગળ નોગાંવ કે અન્ય કોઈ ગામ કેટલું દૂર છે તે જાણતા નથી. એટલે માઈલો સુધી માનવીનો પદસંચાર પણ નહોય તેવા સ્થળે અમે છીએ. આ વિસ્તારમાં વાઘ અને રીંછની ઘણી મોટી વસ્તી છે એ હકીકત તો અમે સવારે જ સાંભળી રાખેલી છે.

હવે અમે રાત્રિ નિવાસ માટેનું સ્થાન શોધીએ છીએ. અમે પહાડના ઢોળાવ પર છીએ. સપાટ ભૂમિ ક્યાંય દેખાતી નથી. અમે સપાટ જમીનની શોધ કરી રહ્યા છીએ. વામન ભગવાને બલિરાજા પાસે પોતાનાં સાડા ત્રણ પગલાં જેટલી જમીન માગી હતી. અમે હિમાલય પાસેથી સાડા ત્રણ પગલાં જેટલી જમીન માગીએ છીએ અને તે પણ એક રાત્રિ માટે જ. સવારે જમીન પરત ! અને વળી વામન ભગવાનની જેમ પગલાં લાંબા નહિ કરવાનું વચન આપીએ છીએ. ઉપર જવાનો હવે કંઈ અર્થ નથી. તેથી અમે એક બાજુએ થોડી નીચાણવાળી જગ્યા તરફ વળ્યા ત્યાં વૃક્ષોનું એક ઝૂંડ છે એટલે હિમાલય અમને સાડાત્રણ હાથ જમીન આપશે તેવી આશા બંધાણી. વચ્ચે કોઈ શુક્રાચાર્ય ન આવી ચડે તો સારું ! થોડી સપાટ જમીન મળી. સાડા ત્રણ પગલાં જેટલી જ ! અમે સામાન નીચે મૂક્યો. આજુબાજુ ઝીણી નજરે જોયું. બે ઝાડ છે. બંને ઝાડની વચ્ચે દશેક ફૂટનું અંતર છે. વચ્ચે થોડી સપાટ જમીન છે. આ સપાટ જમીનની એક બાજુ ઊંચો પહાડ છે અને બીજી બાજુ ઊંડી ખીણ છે.

આ બંને ઝાડની વચ્ચે અમારે રાત્રિનિવાસ કરવો તેવું નક્કી કર્યું. રુકશેકમાંથી દોરી કાઢી. બંને ઝાડની વચ્ચે લગભગ ત્રણેક ફૂટની ઊંચાઈ પર દોરી બાંધી. અમારી બંનેની પાસે પોલિથીનના એક લાંબા પટ્ટા હતા. અમે વરસાદ આવે ત્યારે ઓઢવા માટે તેનો ઉપયોગ કરતા. થોડી જમીન સાફ કરીને એક પોલિથીન તેના પર પાથર્યું અને બીજું દોરી પર એવી રીતે ગોઠવ્યું કે જેથી બંને બાજુ અડધું અડધું ઢળતું રહે. આ રીતે અમારો તંબુ તૈયાર થયો. એક કામળો જમીન પર પાથરેલા પોલિથીન પર પાથર્યો. વધારાનાં કપડાંના ઓશિકાં તૈયાર કર્યાં. પોલિથીનના ઢળતાં છેડાને ધાબળાની નીચે દબાવી દીધા. તંબુ અને પથારી બંને તૈયાર થઈ ગયા !

ભૂખ ખૂબ લાગી હતી પણ અહીં કોઈ પણ પ્રકારની ભોજનસામગ્રી મળી શકે તેમ નથી તેથી સમજીને ક્ષુધાદેવી શાંત થઈ ગયાં છે. આજુબાજુમાં ક્યાંય પાણી હોય તેવું જણાતું નથી અને હોય તો અમે અત્યારે શોધવા જઈ શકીએ તેમ નથી એમ સમજીને પોતાની ભગિનીની જેમ તૃષાદેવી પણ શાંત થઈ ગયાં છે. બંને બહેનો કેવાં ડાહ્યાં અને સમજુ છે ! પરિસ્થિતિ સમજીને ઉપદ્રવ કરવાનું જ બંધ કરી દીધું છે. આખી રાત આરામ મળશે એમ માનીને થાક પણ શાંત થઈ ગયો છે. અને આશંકા તો હવે છે જ નહિ ! ઊંઘ આવી જાય તો બધી સમસ્યાઓ પૂરી થઈ જાય એમ વિચારીને પથારીમાં ધાબળા ઓઢીને ઢબૂરાઈ ગયા પણ ઊંઘ ! ભૂખ્યા, થાક્યા અને તરસ્યા અમ જીવો પર એ મહાદેવી કૃપા કરતાં નથી એ અમે જાણીએ છીએ.

અમે જે પોલિથીનના ટૂકડાનો તંબુ બનાવ્યો છે તે પારદર્શક છે એટલે આરપાર જોઈ શકાય છે. તેથી ખ્યાલ આવ્યો કે આકાશમાં ભગવાન નિશાનાથનું આગમન થયું છે. ચંદ્રોદય તો ક્યારનો થઈ ગયો હશે પણ હિમાલયમાં તો પહાડની ઓથેથી બહાર આવે ત્યારે જ ચંદ્રોદય થયો ગણાય. ચંદ્રના કદ પરથી લાગ્યું કે આજે પૂર્ણિમા હોવી જોઈએ. અજવાળું થયું. દૂર દૂર દેખાતાં હિમશિખરો ચાંદી જેવાં ચમકવા લાગ્યાં. અમે પથારીમાં પડ્યાં પડ્યાં જ આ હિમશિખરોને જોઈ શકીએ છીએ.

હું પથારીમાં પડ્યા પડ્યા વિચારોના ચકડોળે ચઢ્યો છું. અમે ક્યાં છીએ ? અમે પહાડોમાં શા માટે ફરીએ છીએ ? અમે જે પરિસ્થિતિમાં છીએ તે આખરે શું છે ? વિટંબણા તો છે જ અને રડી પડાય એવી વિટંબણા છે, પણ વિટંબણા શું છે ? જે છે તે વિટંબણા શા માટે ગણાય છે ? આમાં દુ:ખ શું છે ? આવી પરિસ્થિતિમાં હોવું તે દુ:ખદ શા માટે ગણાય ? દુ:ખ કે વિટંબણા મૂળે છે શું ? આવી રાત્રે, આવા સંજોગોમાં હોવું તે દુ:ખદ ગણાય ? શા માટે ? એમ હોવું તે દુ:ખદ છે કે આપણને દુ:ખદ લાગે છે ? દુ:ખ માત્ર લાગણી છે કે તેનું લાગણીથી નિરપેક્ષ એવું કોઈ અસ્તિત્વ હોઈ શકે ?

આજે ભોજન નથી મળ્યું. પણ એકાદ દિવસ ભોજન ન મળે તો શું થાય ? શું મરી જવાય ? અને મરી જવાય તો વાંધો શો છે ? આમ પણ આપણે એકાદશીના વ્રત તો કરતાં જ હોઈએ છીએ અને વ્રતમાં જાગરણનું પણ વિધાન છે તો આજે સાચી એકાદશી ! અરે, ભલા માણસ તું પગપાળા યાત્રાએ સ્વેચ્છાએ નીકળ્યો છે કે કોઈએ જબદરસ્તીથી મોકલ્યો છે ?

મન પ્રશ્નો પૂછે છે પોતાની જાતને જ ! ઊંઘ આવે તેવી શક્યતા લાગતી નથી. હું હળવે રહીને પથારીમાંથી બહાર નીકળ્યો. થોડું ચાલ્યો ત્યાં બાજુમાં જ એક મોટી શિલા પડી છે. હું શિલા પર બેઠો. શિલા ખૂબ ઠંડી છે તોયે બેઠો. બહાર વાતાવરણ ખૂબ ઠંડુ છે તોયે બેઠો. વિચારવાનું, પ્રશ્નો પૂછવાનું, વિશ્લેષણ કરવાનું બંધ થયું. મનની સમસ્યાઓનું નિરાકરણ મનની ભૂમિકાએથી મળી શકે નહિ. મન સતત સમસ્યાઓનું સમાધાન શોધવા પ્રયત્નશીલ હોય છે પણ જીવનની બધી સમસ્યાઓ મનના કાર્યક્ષેત્રમાં આવતી નથી. મન એટલે જ્ઞાનની શોધમાં નીકળેલું અજ્ઞાન ! મને અને જ્ઞાનનો ભેટો શક્ય નથી. અંધકારના ઘોડા પર બેસીને છેક સૂર્ય સુધી ન પહોંચી શકાય. મન શાંત થઈ રહ્યું છે. મન જે સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે પ્રયત્નશીલ છે તે સમસ્યાઓ જ ક્યાં છે ?

ચંદ્ર આકાશમાં ઊંચો આવી ગયો છે અને ચાંદનીની અમી વર્ષા કરી રહ્યો છે. ચારેબાજુ વિશાળ અને ઉત્તુંગ પહાડો ફેલાયેલા છે. ગહન શાંતિ છે, ચારે બાજુ ગહન શાંતિ ! અને કેવી ગહન શાંતિ ? બરફના ચોસલામાં પેસી જઈને ત્યાં આસનવાળીને બેસીએ ત્યારે અનુભવાય તેવી ગહન શાંતિ. પક્ષીઓના અવાજ પણ અત્યારે બંધ છે. બિચારાં પોતાનાં માળામાં જંપી ગયા છે. અહીં આજુ બાજુ કોઈ ઝરણું કે નદી નથી એટલે જળપ્રવાહનો અવાજ પણ અહીં સંભળાતો નથી. તમરાંઓ પણ અત્યારે બોલતાં નથી. પવન શાંત થઈ ગયો છે એટલે વૃક્ષ-લતાઓના પાન કે ડાળીઓના હાલવાનો અવાજ પણ અત્યારે નથી. મારા કાન ફંફોળી રહ્યા છે, ક્યાંક કોઈ પ્રકારનો અવાજ આવી રહ્યો છે ? અવાજ નથી જ નથી ! પ્રકૃતિની આટલી સંપૂર્ણ નિ:સ્તબ્ધતા ભાગ્યે જ જોવા મળે છે. સતત વહેતી નદી જેવી ગતિશીલ પ્રકૃતિ આજે કેમ આટલી શાંત થઈ ગઈ છે ? આ ગહન શાંતિ સાથે તદાકાર થવાથી મારું ચિત્ત પણ શાંત થઈ રહ્યું છે.

ચારે બાજુ અફાટ અને ગાઢ જંગલ છે. માઈલો સુધીના વિસ્તારમાં માનવ વસ્તીનાં કોઈ ચિન્હો જણાતાં નથી. બધુ શાંત અને સ્તબ્ધ છે. અને જ્યાં બધું શાંત છે ત્યાં મન કોને આધારે કૂદાકૂદ કરે ? દરિયાના વહાણના કૂવાસ્થંભ પરથી ઊડેલુ પક્ષી કિનારો ન મળતાં જેમ પાછું વહાણના કૂવાસ્થંભ પર આવી જાય છે અને વનનું પક્ષી દિવસભરની રઝળપાટ પછી સાંજે માળામાં પહોંચે ત્યારે શાંત થઈને ઝંપી જાય છે તેમ નિર્વિષય થયેલું ચિત્ત આપો આપ શાંત થવા માંડે છે.

અમે ઊંચા પહાડના ઢોળાવ પર છીએ એટલે અહીંથી ઘણો વિશાળ વિસ્તાર જોઈ શકાય છે. ચારે બાજુ સેંકડો પહાડો પથરાયેલા છે અને તેથી આગળ હિમાચ્છાદિત શિખરો દેખાય છે. અને ચાંદનીના પ્રકાશમાં ચાંદી જેવા ચમકી રહ્યાં છે. જાણે યુગોથી સમાધિસ્થ યોગીઓ હજીએ સમાધિસ્થ જ છે. તેમનાં સફેદ વાળ અને સફેદ દાઢીમાં તેમનું શરીર જાણે સાવ ઢંકાઈ ગયું છે. તેમનો ચળકાટ જાણે તેમનું બ્રહ્મતેજ છે અને આમ હિમાલયનું અસલ સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ થઈ રહ્યું છે.

રાત્રિ શાંત છે. ચિત્ત પણ શાંત થઈ ગયું છે. હિમાચ્છાદિત શિખરો ચમકે છે. ચિત્તમાં પણ આહલાદની ચમક આવી જાય છે. આકાશ સ્વચ્છ છે. ચિત્ત પણ સ્વચ્છ બની રહ્યું છે. વાતાવરણમાં ગહન નીરવતા છે. ચિત્ત પણ નીરવ બની રહ્યું છે.

હિમાલય દેવાત્મા છે તેમ વાંચેલું, સાંભળેલું, મનથી માનેલું પણ યથાર્થ અનુભવ આજે થયો કે દેવભૂમિ એટલે શું અને હિમાલય દેવ ભૂમિ કેવી રીતે ? દેવભૂમિ એટલે ચેતનાને દેવત્વની નિકટ પહોંચાડી દે તેવી ભૂમિ. દેવભૂમિ એટલે અધ્યાત્મનાં દ્વાર ખોલી દે તે ભૂમિ. હિમાલયમાં દેવસૃષ્ટિના આત્માઓ વિહરતા હોય છે અને સિદ્ધો વસતા હોય છે એમ મનાય છે. આ તથ્યને સાબિત કરવાનો કોઈ ઉપાય આપણી પાસે નથી પણ હિમાલયમાં અધ્યાત્મપથના પથિકોને સહાય કરનાર તત્વ વધુ સક્રિય છે અને અભિમુખ ચેતનાને તેનો સ્પર્શ પણ અનુભવાય છે એટલું તો હિમાલય જેટલું નિશ્ચિત છે.

ક્યાં ગઈ એક કલાક પહેલાંની વિટંબણાઓ ? પરિસ્થિતિ તો તેની તે જ છે. તેમાં કંઈ ફેરફાર થયો નથી. અને છતાં બધું જાણે સાવ બદલાઈ ગયું છે. વિટંબણાના કાળમીંઢ પથ્થરને ભેદીને આનંદનું ઝરણું ફૂટી નીકળ્યું છે. મારું નાનકડું અસ્તિત્વ મહાઅસ્તિત્વ સાથે એકાકાર થઈ ગયું છે. કંઈ બદલાયું નથી પણ કેન્દ્ર બદલાયું છે અને કેન્દ્ર બદલાતાં બધું બદલાઈ જાય છે. દષ્ટિ બદલાતાં સૃષ્ટિ બદલાય છે તેવા અનુભવના આધાર પર જ વેદાંતના દષ્ટિ સૃષ્ટિવાદનું મંડાણ છે. મનનો વિલય થતાં જગત જગત રૂપે રહેતું નથી. એ અનુભૂતિના આધાર પર જ વેદાંતનો બ્રહ્મસત્યં જગન્મિથ્યાનું મંડાણ થયું છે.

જે શિલાપર હું બેઠો છું તે શિલા ખૂબ ઠંડી થઈ ગઈ છે. વાતાવરણ પણ ઘણું ઠંડુ થઈ ગયું છે. મેં ધાબળો ઓઢ્યો નથી. ઊઠીને પથારીમાંથી ધાબળો લઈ આવવાનું મન થતું નથી. રખેને પાછો વિટંબણાની ભૂમિકામાં સરી પડું તો ! ને એમને એમ બેસી રહ્યો.

અહીં આ સ્થળે આ પરિસ્થિતિમાં હોવું તે મુશ્કેલી છે કે સદભાગ્ય ! ભગવાને અમને કેવા સુંદર સમયે, કેવા સુંદર સ્થળે મૂક્યા છે ! પ્રકૃતિની આટલી ભવ્યતા ! વાતાવરણની આટલી દિવ્યતા ! આટલી ગહન શાંતિ ! આવી ચાંદની ! આવાં ચળકતાં હિમાચ્છાદિત શિખરો ! આવી શુભ્ર રાત્રિ ! અમને અહીં રાખીને ભગવાને અમારા પર કેટલી કૃપા કરી છે ! સારું થયું કે અમે આ રસ્તે ચાલ્યા. સારું થયું કે અમે રસ્તો ભૂલ્યા. સારું થયું કે અહીં રાત પડી ગઈ. સારું થયું કે અમે અહીં રહેવાનું નક્કી કર્યું. જે કાંઈ થાય તે પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છાથી થાય છે અને તેથી જે કાંઈ થાય છે તે મંગલમય છે. મંગલમયતામાં અમંગલ જણાય ત્યારે સૃષ્ટિને નહિ દષ્ટિને બદલવાની જરૂર છે. જે સૃષ્ટિને બદલીને સમાધાન શોધે તે ભૌતિકવાદી અને જે દષ્ટિને બદલીને સામાધાન શોધે તે અધ્યાત્મી !

હિમાલય ! દેવાત્મા હિમાલય ! આજે હું તારા સ્વરૂપને પામી શક્યો. તારા દેવત્વને જોઈ શક્યો. હે યોગીરાજ ! અમે તારાં સંતાનો છીએ. તારી જુગજૂની સમાધિમાંથી અમને પણ થોડો ભાગ આપ !

ઘણો લાંબો સમય આમ જ વીતી ગયો. એ જ શાંત ભાવે હું ચૂપચાપ પથારીમાં પ્રવેશી ગયો. ઊંઘ આવે કે ન આવે તેની હવે કશી તમા નથી. ને એમ જ આંખ મળી ગઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છમકલાં – સાંકળચંદ પટેલ
પત્નીને સાંભળો અને સમજો – અવંતિકા ગુણવંત Next »   

19 પ્રતિભાવો : હિમાલય દર્શન (ભાગ-2) – ભાણદેવ

 1. અમી says:

  વાહ … દષ્ટિ બદલાતાં સૃષ્ટિ બદલાય છે ખુબ જ સાચી વાત કરી છે શ્રી ભાણદેવે.

  હિમાલય પ્રવાસ નુ વર્ણન ખુબ ગમ્યુ .. જાણે આપણે જ સાક્ષાત જોઇ રહ્યા હોઈએ એવી અનુભુતી કરાવી.

  આભાર મૃગેશજી આવા સરસ શાબ્દિક પ્રવાસ કરાવવા બદલ.

 2. હિમાલયમાં અધ્યાત્મપથના પથિકોને સહાય કરનાર તત્વ વધુ સક્રિય છે અને અભિમુખ ચેતનાને તેનો સ્પર્શ પણ અનુભવાય છે એટલું તો હિમાલય જેટલું નિશ્ચિત છે.

  ખરેખર આધ્યાત્મિક અનુભૂતી કરાવી દીધી. કુદરતની સોડમાં મળતી શાંતી અને આનંદ સાંસારીક પ્રશ્નોને ક્યાંય ભુલાવી દે. એટલે જ કદાચ સૌને કુદરતી સૌંદર્યનુ સમાન આકર્ષણ હોય છે.

  આવા ઉત્તમ લેખ માટે ધન્યવાદ…

 3. purvi says:

  ઘનુજ સરસ લેખ ચે.આપને ખુબ જ ધ્નયવાદ

 4. dhara says:

  Nice article…..એક્દમ સરસ લેખ છે.

 5. Maharshi says:

  મંગલમયતામાં અમંગલ જણાય ત્યારે સૃષ્ટિને નહિ દષ્ટિને બદલવાની જરૂર છે. જે સૃષ્ટિને બદલીને સમાધાન શોધે તે ભૌતિકવાદી અને જે દષ્ટિને બદલીને સામાધાન શોધે તે અધ્યાત્મી !
  ————
  વાહ વાહ !

 6. Swati says:

  This article is too good. I feel like reading the whole book at one shot. Whenever I visit India, I am going to get this book.

 7. Where I live right now is similar to Himachal Pradesh. Surrounded by mountains covered by snow. River running along the city. So beautiful… and I can imagine if 10% of the beauti is so serene, how beautiful it would be in Himalay.

 8. આખુ પુસ્તક ખરેખ વાંચવા જેવું હશે. જો એનો આટલો સારાંશ આટલો રોમાંચક છે તો પુસ્તકની તો શુ વાત ! વાહ ! ખૂબ મજા પડી ગઈ.

 9. Nirav Nanavati says:

  “મન એટલે જ્ઞાનની શોધમાં નીકળેલું અજ્ઞાન!”
  ખુબજ સુન્દર વ્યાખ્યા…

 10. dhruv says:

  હવે પછીનું વર્ણન વાંચવા મન અધિરુ થયું છે. જલ્દી મોકલશો.

 11. Sandip says:

  Dear Mrugeshbhai,

  Really nice description, Kaka Kalelkar ni “Himalay na pravase” ni yad avi gai…

  Give some info about Shri Bhandev and
  What’s the title and publication of the book? What is the year of trip?

  Best Wishes
  Sandip

 12. jatin sheth says:

  i seen this book in book shop in rajkot but as i have buy some other books and as i dont know the auther ,i have not buy this book.kindly give introduction about the auther .this book seems to be very good,if possible give some more abstect from this book in next episode .thank you.

 13. pragnaju says:

  હીમાલય પ્રવાસની અનુભૂતિ
  ફરી ફરી વાંચવાનું મન થાય

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.