મારી બોલવાની રીત – ફાધર વાલેસ

[‘શબ્દલોક’ માંથી સાભાર.]

મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે.
જેવી ભાષા તેવું વર્તન.
મારા ઉચ્ચાર કહી દે છે કે પરદેશથી આવીને ગુજરાતી શીખ્યો, પરંતુ મારું વ્યાકરણ મને શિક્ષિત વર્ગમાં બેસાડી દે છે, મારો અવાજ ગુસ્સામાં મારો ક્રોધ અને કંટાળામાં મારી ઉદાસીનતા ખુલ્લાં કરી દે છે. પણ ભાષામાં એથી ઘણું વધારે છે અને વધારે ઊંડું છે. શબ્દોની મારી પસંદગી, મારી માનીતી ઉક્તિઓ, મારી બોલવાની લઢણ, મારી પોતીકી શબ્દરચના અને વાક્યરચના મારી વાત સાંભળનારને (એને સાંભળવાના કાન હોય તો ) મારી રુચિઓ, મારો ઝોક, મારી શક્તિ અને મારી નબળાઈ, મારો સ્વભાવ અને મારું આખું વ્યક્તિત્વ જણાવી દે છે.

મારી બોલવાની રીત એ દુનિયાની આગળ મારી ખુલ્લી બારી છે, અને એ બારીમાંથી દુનિયા મને જુએ છે, સમજે છે, અવલોકે છે, અને આખરે મને ચાહે કે ધિક્કારે, મારો સ્વીકાર કરે કે મારો ત્યાગ કરે. ધંધાદારી લોકો પોતાની ઓળખાણ કરાવવા નાનકડા મુલાકાતપત્ર (Visiting Card) માં પોતાની વિગતો છપાવે છે અને જેને તેને આપે છે. મારી બોલી એ મારો મુલાકાતપત્ર છે. પૈસાદાર લોકો દરેક જગ્યાએ રોકડા આપવા ન પડે એ માટે ખિસ્સમાં બૅંકનો એવો ઉધારપત્ર (Credit Card) રાખે કે એ જોઈને દુકાનદાર ખરીદીના પૈસા સીધા બૅન્કની પાસેથી ઉઘરાવે. મારી બોલી મારો ઉધારપત્ર છે. એના ઉપર જ મારું જીવન ચાલે.

આ પુસ્તક જે વાક્યથી શરૂ કર્યું એ વાક્ય જરા તપાસો. ‘મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે.’ હું આમ પણ લખી શકત : ‘આપણી બોલવાની રીત એ આપણી વર્તવાની રીત બતાવી આપે છે.’ અને એમ લખ્યું હોત તો આખું પુસ્તક જુદું આવ્યું હોત. બહુવચન, બધાં, આપણે. ગુરુનો બોધ, અધ્યાપકનું વ્યાખ્યાન, વડીલની શિખામણ. સર્વસામાન્ય, ઔપચારિક, કૃત્રિમ. લેખક ઉપદેશક બને, અને વાચકો શિષ્યો બને એ મારી રીત નથી. અથવા તો આવી શરૂઆત પણ કરી શક્યો હોત : ‘તમારી બોલવાની રીત એ તમારી વર્તવાની રીત બતાવી આપે છે.’ તો તો ભારે આફત થાત. ‘તમે’ લઈને લખું તો ‘હું’ સહીસલામત છુપાઈ જાઉં છું, અને ખાલી તમે કેવા છો અને કેવા નથી અને કેવા થાઓ તો સારું અને કેવા થવા માગો તોય કદી થવાના નથી એ બધું ઠંડા કલેજે સંભળાવતો રહું. ‘તમે’ કહીને લખવામાં વાચકને ઓશિયાળો બનાવવાનો પ્રયોગ છે, મન ઉપર દબાણ લાવવાની હિંસા છે. ‘તમે’ લખવાથી લેખક અને વાચક સાથે સાચો સંપર્ક ન સધાય. સાચો સંપર્ક ત્યારે થાય જ્યારે હું પ્રથમ પુરુષમાં લખતાં શીખું અને અભિમાન અને સંકોચના બે છેડાની વચ્ચે રસ્તો કાઢીને જેવો છું તેવો બહાર આવી જાઉં. આ પુસ્તકમાં મારે એ રીત અનુસરવી છે.

આ પુસ્તક શરૂ કરતી વખતે મેં ઠીકઠીક વિચાર કર્યો કે શરૂઆત કેવી રીતે કરવી, અને પહેલું વાક્ય કેવું રચવું, કાર્યના શ્રીગણેશ મંગળ જ હોય, તેથી એ માટે જેટલો વિચાર કરીએ તેટલો ઓછો છે. છેવટે વાક્ય સ્ફુર્યું : ‘મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે.’ મારે આ પુસ્તકમાં કહેવું છે એ બધું ગર્ભમાં ને સંજ્ઞામાં એ વાક્યની અંદર આવી જાય છે. અને વાક્ય સીધું છે અને મારું જ છે. એટલે કે મારું લખેલું છે એટલું જ નહિ પણ મારી વાત વ્યક્ત કરનારું છે. મારા જીવનમાં ભાષાએ કેવો ભાગ ભજવ્યો છે એનો ખ્યાલ મને આવ્યો છે, અને એ વિશે મેં વિચાર કર્યો છે અને પ્રયોગો પણ કર્યા છે. ભાષાના અભ્યાસથી રોમાંચક કહી શકાય એવા આનંદમય અનુભવો મને થયા છે (અને ભરચક કંટાળો પણ એની આંટીઘૂંટીઓથી આવ્યો છે !), અને હવે એ ઝાંખીઓ બીજાંઓની આગળ રજૂ કરવાની ઈચ્છા જાગી છે, ને એ ઈચ્છાને વશ થઈને લખવા માંડ્યું છે. એ બધી માહિતી એ પહેલા વાક્યમાં સમાયેલી છે. આ પુસ્તકનો વિષય અને આ પુસ્તકની શૈલી બંનેનો એમાં નિર્દેશ છે. એ ઝરણામાંથી વિચારોનાં વહેણ વહેતાં થશે.

જો મારી બોલવાની રીત મારી વર્તવાની રીત બતાવી આપતી હોય તો એમાંથી પહેલું અને મહત્વનું અનુમાન એ મળે છે કે મારી બોલવાની રીત તપાસવાથી મારી વર્તવાની રીત હું સમજી શકું, મારી બોલી ઉપરથી મારું વર્તન પારખી શકું, મારી વાણી ઉપરથી મારો સ્વભાવ પામી શકું. અને આત્મજ્ઞાન એ પહેલું જ્ઞાન. જો મારી જાતને હું વધારે સારી રીતે જાણું તો વધારે સારી રીતે જીવું. હવે મારી જાતને જાણવા આ ગુરુચાવી હાથમાં આવી છે : ભાષા. મારી ભાષા, મારી વાણી, મારી બોલવાની રીત એ મારી ઓળખાણનું પ્રબળ સાધન છે. તે પડઘો છે, અરીસો છે, પ્રતિનિધિ છે. હું જ્યારે મારી પોતાની વાતને સાંભળતો થાઉં, મારી લાક્ષણિક ઉક્તિઓ ઓળખવા માંડુ, મારી વાણીનો નકશો શોધું ત્યારે ભાષાનો પ્રભાવ મને સમજાય.

એક વાર અમે કેટલાક મિત્રો ભેગા થઈને એકબીજાને મદદ કરવા માટે દરેકના ગુણો-દુર્ગુણો નિખાલસ ભાવે દરેકની આગળ રજૂ કરતા હતા, જેથી દરેકને ખ્યાલ આવે કે બીજાઓની નજરે હું કેવો દેખાઉં. બીજા મારા વિશે બોલતા જાય તેમ મારા મનમાં મારું પોતાનું ચિત્ર ઊભું થતું જાય, અને એની કેટલીક રેખાઓ મને ગમે, કેટલીક અપ્રિય લાગે, ને બીજી તો એકદમ ખોટી અને અસ્વીકાર્ય અને મારી પોતાની નહિ પણ બીજા કોઈની હોય એવી ખાતરી જોર સાથે લઈ આવે. પરિણામે મારું મન કેળવાય અને મારું આત્મજ્ઞાન વધે. એવું કંઈક ચિત્ર મારી ભાષમાં પણ ઊભું થતું હોય છે, અને એ વધારે સ્પષ્ટ અને સચોટ હોય છે. બીજા લોકો મારા વિશે ગમે તેટલું જાણે, પણ આખરે તો બહારના છે, જ્યારે મારી ભાષા મારા અંતરમાંથી નીકળે છે. એ મારી બાતમી જાણે છે, મારી સાથે નાનપણથી છે, મારો અંશ છે, મારો વારસો એના ઉપર આધારિત છે, મારું વાતાવરણ એની આસપાસ છે, અને મારા ભાવ ને મારો મિજાજ એને વર્ષોથી ઘડતા આવ્યા છે. જેવી મારા કપાળની કરચલીઓ અને મારા હાથની રેખાઓ, તેવી મારી ભાષા. એ મારા મનનું પ્રતિબિંબ છે, મારા સ્વભાવનો પડઘો છે, મારા આત્માનો પડછાયો છે. મારી બોલવાની રીત ઉપર હું જેટલું ધ્યાન આપું તેટલો અંગત લાભ મારા જીવનને ને મારી માનસિક પ્રગતિને મળવાનો છે.

આ અગત્યની વાત ભારપૂર્વક સમજાવવા અત્યારથી એક નાનો દાખલો આપું. મારી બોલવાની રીત ઉપર હું ધ્યાન આપવા લાગ્યો ત્યારે એ વાત મને પહેલી વાર દેખાઈ કે બીજાઓની સાથે વાત કરતી વખતે હું ઘણી વખત મારાં વાક્યો અધૂરાં રહેવા દેતો. હું કંઈક કહેવા માંડું, ને પછી અધૂરું વાક્ય અદ્ધર હવામાં લટકતું મૂકું, ને બીજું કોઈ એ પૂરું કરે અથવા તો બધાં એની અવગણના કરે. જેમ કે, ‘હા, એમ હોય તો…’, ‘કાં તો પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારીએ ને નહિ તો…’, ‘કદાચ એમ વિચારી પણ શકાય કે…’, ‘ખબર નથી આમ કરવું જોઈએ કે પછી….’ અને એવાં અનેક લૂલાં વાક્યો, ને એ પણ મારી રોજની વાતચીતમાં. એ નાની શોધ મેં કરી ત્યારે હું ગભરાયો. વાક્યો વાતચીતમાં અધૂરાં મૂકવાં એ કોઈ સારું ચિન્હ નથી, પણ ઊલટું એવું બોલનારને માટે પાયમાલીનો રસ્તો બતાવનાર લાલબત્તી છે એમ હું મને કોઈ કહે તે પહેલાં મારી મેળે તો સમજી શક્યો. એવું બોલનાર શરમિંદો, ભીરુ, આનાકાની કરતો, આત્મવિશ્વાસથી વંચિત, શું કહેવા માગે છે એના સ્પષ્ટ ખ્યાલ વગર અને ખ્યાલ હોય તો એ કહેવાની હિંમત વગરનો હોય. એ ચિત્ર મને ગમ્યું નહિ. પણ એ જોતાં હું મારા સ્વભાવનું એ નબળું પાસું અને મારી રોજની ભાષામાં પડતું એનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શક્યો. ને એ જોઈને હું જાગ્યો.

હવે જ્યારે જ્યારે વાતચીતમાં કોઈ વાક્ય અધૂરું મૂકું ત્યારે એ બોલતાંની સાથે જ મારા મનની અંદર લાલબત્તી ઝબકે, અને જેમ તેમ કરીને સુઘડ અને અણઘડ રીતે એ પૂરું કરી નાખું. એક આખી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. મારા સ્વભાવનું નબળું પાસું, ભાષાની તપાસ દ્વારા છતું થવાનું, એથી આપોઆપ ચાલુ થતું મનનું સુધારક તંત્ર, ધીરે ધીરે મારી બોલવાની રીતમાં થયેલો ફેરફાર, અધૂરાં વાક્યો પૂરાં કરવાનો મહાવરો, અને આખરે મારી વાણીમાં થયેલા ફેરફારથી મારા ખુદ સ્વભાવમાં જ થયેલો શુભ સુધારો. એકવાર આ પ્રક્રિયા શરૂ થાય, પછી લગભગ આપોઆપ પોતાની મેળે ચાલે. બોલવાનું તો રોજ હોય છે, અને બોલવાની રીત વિશેની જાગૃતિ આવે કે એ સતત યાદ દેવરાવતી રહે. પોતાની વાણી વિશેની જાગૃતિ એ આત્મપ્રગતિનું એક સંગીન સાધન બની શકે છે. આપણામાં ભાષા જાગૃતિ કેળવવી એ આ વિચાર-શ્રેણીનો હેતુ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પત્નીને સાંભળો અને સમજો – અવંતિકા ગુણવંત
ગઝલનું વિવેચન – નિર્મિશ ઠાકર Next »   

21 પ્રતિભાવો : મારી બોલવાની રીત – ફાધર વાલેસ

 1. Piyush Shah says:

  ખુબ સરસ્!

 2. dr sudhakar hathi says:

  કોઇને બોલ્તા શાભલિયે તો આપને તેનિ ભાશાસાથે તેના ભાવ નિ પન ખબર પદે કોઇને ઓલખ વા નિ ચ્હાવિ તેનિ ભાશા ચ્હે ખુબ સરસ લેખ સુધાકર હાથિ

 3. Kanan says:

  આપણી રોજની વાતચીત કરવાની શૈલીને કેટલું બધુ કહી જાય, આપણી કેળવણી, ઉછેર, આપણા સંસ્કાર અને આપણો સ્વભાવ પણ. આ લેખ વાંચીને ખુબઆનંદ થયો. જોકે શબ્દલોક તો આખું પુસ્તક જ માણવાલાયક છે.

 4. કલ્પેશ says:

  ફાધર વાલૅસનુ “વાણી તેવુ વર્તન” પુસ્તક આ બાબતને લાગતુ છે અને વાંચવાલાયક છે.

  હુ પોતાને બોલતા જોઇ શકુ અને મારી ખામીઓ જોઇને સુધારી શકુ – આ માટે પોતાને બીજી વ્યક્તિની નજરે જોવુ પડે.

 5. purvi says:

  આપનેી વત ઘનુ કહિ જય ચે

 6. pragnaju says:

  “પોતાની વાણી વિશેની જાગૃતિ એ આત્મપ્રગતિનું એક સંગીન સાધન બની શકે છે. આપણામાં ભાષા જાગૃતિ કેળવવી એ આ વિચાર-શ્રેણીનો હેતુ છે.”ફાધર વાલેસની જીવનમાં ઉતારવા જેવી વાત

 7. ketan says:

  I read your artical.Its really put spark in my mind that i shoud think about myself and i shoud monitoring my speech and try to see my quility of sentence i delivered.
  Thank you so much to you i am your follower in this way of thinking.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.