ગઝલનું વિવેચન – નિર્મિશ ઠાકર

[ગઝલનું વિવેચન શીખવા માટેનો ક્રેશ કોર્સ !! – હાસ્ય લેખ]

અન્યોને માર્ગદર્શન આપવા, ખુદને માર્ગ અંગે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી નથી. જેઓને ક્રિકેટની એક પણ ટેસ્ટ મેચ ખેલવાનો અનુભવ ન હોય, તેઓ સિલેકશન કમિટીના અધ્યક્ષપદે સફળતાપૂર્વક ગોઠવાઈ ગયાના દાખલા આંખ સામે છે જ. દિવાળીનો સૂતળીબોમ્બ ફોડતાંયે અચૂકપણે દાઝી જનાર આદમી સંરક્ષણપ્રધાન બની ગયા પછી અણુશક્તિના ઉપયોગ અંગે મહત્વના નિર્ણયો ચપટીમાં લઈ શકે છે ! આમ, સવાલ ફક્ત આત્મવિશ્વાસનો છે.

તમને ગઝલ લખતાં આવડતી હશે, તો તમે વિવેચન કરી શકશો, પણ એ સામાન્ય સ્તરનું હશે. જો તમે ગઝલ અંગે કશું નહીં જાણતા હો, તો તમે અધિકારપૂર્વક વિવેચન કરી શકશો, જે ઉત્તમ સ્તરનું પણ હશે ! અતિજ્ઞાન હંમેશા ખતરનાક હોય છે. એમાંથી મજબૂત ગમા-અણગમા જન્મ લેતા હોય છે. ગઝલ અંગેના જ્ઞાનમાંથી ઉદ્દભવેલા ગમા-અણગમા તમને તટસ્થ વિવેચન કરવા દેશે ? ન્યાયની દેવી અને વિવેચનના દેવોને આંખે પાટા હોવા આવશ્યક છે, કારણ કે બીજી કોઈ રીતે તટસ્થતા જળવાય એમ લાગતું નથી. જ્ઞાનની સાથે કેટકેટલી ગણતરીઓ પ્રવેશે છે, નિર્દોષતા તો વરાળ થઈ જતી હોય છે ! ટૂંકમાં ગઝલના વિવેચનની વાત ચાલે છે, માટે ગઝલના ફોર્મ અંગેની ચિંતા છોડી દેજો. આપણે જે કાંઈ કરવું છે તે તટસ્થાપૂર્વક કરવું છે, આત્મવિશ્વાસપૂર્વક કરવું છે, અધિકારપૂર્વક કરવું છે.

ક્રિકેટનું જ્ઞાન ભલે ન હોય, પણ બેટ ફેરવવા માંડીએ તેમ તેમ ક્રિકેટ રમાતું જાય છે. માટે એ અંગેનું જ્ઞાન ભલે ન હોય, પણ હાથમાં બેટ હોવું જરૂરી છે. ગઝલનું વિવેચન કરવા માટે પણ ખાસ પ્રકારના શબ્દસમૂહોની જરૂરત હોય છે. મારા પર ઊંડી શ્રદ્ધા રાખી, પ્રથમ તો હું આપું તે શબ્દસમૂહોનું લિસ્ટ તમારી ડાયરીમાં ટપકાવી લો. (અર્થ ન સમજાય તો ચાલે, પણ જોડણીનું ધ્યાન રાખશો, કારણકે અર્થ તો ગમે તેવા કાઢી શકાય, પણ જોડણી માટે ચોક્કસ નિયમો ઘડાયેલા છે !) તો લિસ્ટ આરંભીએ….

સૂક્ષ્મભાવાભિવ્યક્તિ,
અભિવ્યક્તિની તિર્યક સભાનતા,
સર્જન પ્રત્યેની શિલ્પગત સૂઝ,
ભાવછટાઓનાં બહુવિધ પરિમાણ,
બળકટ ભાષાકર્મ દ્વારા રચાતો વિલક્ષણ ભાવપિંડ,
લયમાધુર્યમય સર્ગશક્તિ,
નવ્ય ક્લ્પનોમાં ઊઘડતું આંતર સૌંદર્ય,
શબ્દાકૃત લયલીનતા,
અનિર્વચનીય કાવ્યપ્રદાર્થને વચનબદ્ધ કરતું ભાષા સામર્થ્ય,
આંતર જગતમાં રચાતાં સૂક્ષ્મ સંવેદનોના આલેખ,
ઈન્દ્રિય ગ્રાહ્ય,
પ્રતીકાત્મક અભિવ્યક્તિ,
શબ્દાર્થનું સાયુજ્ય,
વિલક્ષણ કલ્પનપ્રયુક્તિ,
ચમત્કૃતિજન્ય નવોન્મેષ,
વૈચિત્ર્યપૂર્ણ કલ્પનાવિલાસ અને અર્થપ્રાચુર્યતા,
રંગછટાઓનો સર્જનાત્મક વિનિયોગ,
નવોન્મેષશાલિની પ્રજ્ઞાનો આવિર્ભાવ,
સુરેખ વિચારપીંડ,
વ્યંજનાગર્ભ કલ્પનોની ભાતીગળ મુદ્રાઓ,
તગઝઝુલને જીવાડી જતી કાવ્યબાની,
પુરાકલ્પનોના વિનિયોગમાં પ્રયોગશીલતા,
અર્થ સભર પદવિન્યાસ,
લયમધુર ગેયતા,
તીક્ષ્ણ પ્રતીકોની ચાક્ષુસ અપીલ,
ભાષાસંક્રમણમાં પ્રગટતો પ્રબળ કવિકસબ….. વગેરે વગરે ! (વગેરે વગેરે એ લિસ્ટની બહારનો શબ્દસમૂહ છે, તેનીં નોંધ લેશો !!) તો….. તમારી ડાયરીમાં જ્યાં સુધી આટલા શબ્દસમૂહો હશે, ત્યાં સુધી તમે ‘ઉત્તમ વિવેચક’ નું સ્થાન જાળવી શકશો. માટે ડાયરી ચોરાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો તમારું સ્થાન પચાવી પાડે તેવો નવો વિવેચક મેદાનમાં આવી શકે !

કોઈ પણ કાર્યની શરૂઆત પ્રમાણમાં નબળી જ હોય, પણ એ નબળી સાબિત ન થાય એ માટે યોગ્ય ગોઠવણી કરી શકાય. નવો ડૉકટર હાથ બેસાડવા માટે શરૂઆતમાં તો ગરીબ દર્દીઓ પર જ પ્રયોગો કરતો હોય છે. વિવેચન માટે પણ એવું જ છે ! કોઈ મજબૂત કવિની મજબૂત કૃતિ પર સીધેસીધો હાથ મારવો, એ સલાહભર્યું નથી. શરૂમાં તો કોઈ નબળા કવિની નબળી કૃતિને જ પકડવી. (‘મારાં એવાં ભાગ્ય ક્યાંથી કે તમે મારી કૃતિને અડો !’ કહી તમારો ચરણસ્પર્શ લેનાર ભવિષ્યમાં તમારા ચરણ નહીં જ ખેંચે, એવી કોઈ ગેરન્ટી સાહિત્યક્ષેત્રમાં આપી શકાય એવું વાતાવરણ નથી !)

તો…. તમારા વિવેચનને લાયક કહી શકાય એવી એક ગઝલ (?) હું ચાલતી કલમે લખી દઉં છું, જેથી આગળનો માર્ગ મોકળો થાય. સતત ઊંડાણ જેવું લાગે, છતાં કશો અર્થ ન પકડાય, એવી મારી ગઝલ એકવાર વાંચી લો, તો સારું. (જો કે એકવાર વિવેચન પર હાથ બેસી ગયા પછી તમારે કૃતિઓ વાંચવામાં સમય બગાડવો નહીં પડે.)

(હયાતિનો હવન)
દષ્ટિ ચશ્માવત બની ટોળાય છે,
વિશ્વનો ‘વ’ ક્યાં કશે રોકાય છે ?
હો પ્રતીક્ષામાં કાકા-રવ છતાં-
કાગડો ક્યાં શ્વાસમાં ડોકાય છે ?
‘તું’ તરફ તારી તિતિક્ષા તરફડે,
‘હું’ હયાતિને હવન હોમાય છે !
હોય છે ‘હોવાપણા’ ની ગાળ,
જે રોજ જોખાતી હતી, જોખાય છે !
એક સ્થળ નામે ‘હૃદય’, જોયું નહીં ?
નામ ‘નિર્મિશ’ નું બધે ખોળાય છે !

આપણે આ તબક્કે ગઝલને માત્ર વાંચીશું. ઊંડા નહીં ઊતરીએ, કારણકે આપણે ગઝલનું વિવેચન કરવાનું છે. ગઝલના પ્રેમમાં નથી પડવાનું. આપણામાં કોઈ પ્રકારના ગમા-અણગમા વિકસે, કોઈ પ્રકારના પૂર્વગ્રહો બંધાય અને વિવેચનની તટસ્થતા જોખમાય, એવું કાંઈ જ બને તે ઈચ્છનીય નથી. માટે પ્રથમ તો મગજમાં શૂન્યતા ઊભી કરી લો, ‘મગજ ખાલી’ વાળી સ્થિતિમાં મૂકાઈ જાવ. હવે એ સ્થિતિમાં જ ગઝલનો પ્રથમ શે’ર અલગપણે હાથમાં લો. (એમ કરવા જતાં આખી ગઝલ જ હાથમાં આવી જશે, કારણકે એના બધા શે’ર અલગ પાનાંઓ પર લખેલા નથી ! ટૂંકમાં માનસિક રીતે પ્રથમ શે’ર અલગથી હાથમાં લેવાઈ રહ્યો છે, એમ વિચારી આગળ વધો. ગઝલમાં દરેક શે’ર સ્વતંત્ર હોવાથી આમ કરવું આવશ્યક છે.) તો ગઝલનો મત્લા આપણા હાથમાં આવે છે :
દષ્ટિ ચશ્માવત બની ટોળાય છે,
વિશ્વનો ‘વ’ ક્યાં કશે રોકાય છે ?

હવે બીજો કાંઈ પણ વિચાર આવે તે પહેલાં આપણી ચશ્માવત દ્રષ્ટિ પેલી ડાયરીમાં નોંધેલા લિસ્ટ પર સ્થિર કરવાની છે, હવે સાથે સાથે મગજમાં વડીલપણાનો ભાવ પણ ધારણ કરતા જાવ. ગુરુતાગ્રંથી વિના ઉત્તમ વિવેચન થઈ શકતું નથી. સરસ ! હવે અધિકારપૂર્વક લિસ્ટમાં ગમે ત્યાં નજર નાખો.. અને મનગમતા થોડાક શબ્દસમૂહો બહાર ખેંચી લો. (જેમ જાદુ બતાવતી વખતે કોઈની સામે ગંજીફાનાં પાનાં ધરી આપણે ‘ગમે તે બે પત્તાં ખેંચી લો !’ કહીએ છીએ, એટલી સહજ-સરળ પ્રક્રિયા આ પણ છે !) હાથમાં આવેલા પત્તાં એટલે કે શબ્દસમૂહો વડે હું મત્લા પર કેવી રીતે વિવેચન કરું છું એ જુઓ….

“મત્લાના ઉલા મિસરામાં બે શબ્દો ઊઘડ્યા છે, દષ્ટિ અને ચશ્માં. સાની મિસરામાં ભાવકને મળે છે વિશ્વના ‘વ’ ને મળ્યાની માત્ર ભ્રામક અનુભૂતિ ! અભિવ્યક્તિની તિર્યક સમાનતાનો પરિચય આપતાં કવિએ વિલક્ષણ કલ્પનપ્રયુક્તિનો વિનિયોગ કર્યો છે. દષ્ટિ અને વિશ્વની વચમાં ચશ્માનું હોવું, તે નવી બાબત નથી. ગઝલ આરંભમાંથી જ સામાન્યતામાં સરી પડે, એવાં તમામ જોખમો અહીં તો મોં ફાડીને ઊભેલાં હતાં, પણ સર્જન પ્રત્યેની શિલ્પગત સૂઝ કવિને એ છટકામાં સપડાવા દેતી નથી ! કલ્પના બહારની કલ્પનાને રમતી મૂકતાં કવિએ તો દષ્ટિને ચશ્માવત બનાવી ટોળાતી કરી દીધી છે ! કોઈ નવા જ ભાવવિશ્વના પાયા અહીં નંખાય છે. બાહ્ય સ્તરે વૈચિત્ર્ય સર્જી, કેટલી પ્રયોગશીલતા દાખવતાં કવિ આંત:સ્તરે માર્મિકતાનાં દ્વાર ખોલી દે છે ! કવિનો એક માત્ર પ્રશ્ન છે, વિશ્વનો ‘વ’ ક્યાં કશે રોકાય છે ? અહીં રહસ્યાત્મક અનુભૂતિનો સહજ સંચાર છે, જે હૃદયગંમ છે. અભિવ્યક્તિ જો વાચાળ બની હોત, તો કથન સપાટી પર રહી જાત, પણ અહીં અર્થસભર પદવિન્યાસ દ્વારા સુરેખ વિચારપિંડ બંધાતો આવે છે.”

પ્રિય વાચક મિત્ર, તમારો ભય સાચો છે. મત્લા પર કરેલ વિવેચન સર્જકને છાપરે ચઢાવી દે તેવું ગળચટું છે. વળી, નબળો કવિ તો એના દ્વારા છાપરે નહિ, ગગનમાં ચડી જાય, એ પણ ખરું. પણ મિત્ર, તમે એ કેમ ભૂલી ગયા કે વડીલ તો ધારે ત્યારે લાલ આંખ કરી શકે ! તમે કોઈને ધારો ત્યારે છાપરે ચડવા સીડી આપી શકો અને ધારો ત્યારે એ સીડી ખેંચી લઈ શકો, કારણકે સીડીના માલિક તો તમે છો ! કોઈને ગગનમાં ચડાવી દીધા પછી અંતે ફરીથી ધરાની ધૂળ ફકાવી દેવાનો પણ એક ઊંડો સંતોષ હોય છે. વળી, એ સંતોષની કમાણી સાથે તટસ્થતાની મુદ્રા ઊભી થતી હોય તો ‘ગોળ ગોળ ધાણી’ રમાડવામાં આપણને શો વાંધો હોઈ શકે ?

મારા કડક વિવેચનનો ભોગ બનાવવા હું ગઝલના ગમે તે શે’રનું ગળું ઝાલી શકું. પણ ના, હું એમ નહિ કરું ! હું તો તમારામાં ભયંકર આત્મવિશ્વાસ પ્રગટ થતો જોવા માંગુ છું. તમે કેવા પ્રકારનું વિવેચન કરવા માગો છો એ અગત્યનું છે, શે’ર અગત્યનો નથી. સર્જકના હાથમાં ગગન મૂકવું કે પાતાળ, એ તમારી મરજીની વાત છે. તમારા મગજમાં એનો જડબેસલાક દાખલો બેસાડવા, મારે ફરીથી એ મત્લાને જ પસંદ કરવો રહ્યો. તેજાબી, જલદ વિવેચન કોને કહેવાય , તે હવે જુઓ….

“કોઈ પણ અભ્યાસી-ગુણીજનને આશ્ચર્ય અને આઘાત આપી જતા મત્લા વડે સર્જકે એક વિચિત્ર આરંભને પસંદ કર્યો છે, જેમાં સર્જન પ્રત્યેની શિલ્પગત સૂઝનો ભારોભાર અભાવ ઉઘાડો પડી જાય છે. પ્રથમ પંક્તિમાં બુદ્ધિગમ્ય ગણી શકાય, એવી કોઈ વાત છે ? બીજી પંક્તિમાં એની ચમત્કારિક પૂર્તિ થવી આવશ્યક છે, તે થાય છે ? કાફિયાબંધીની કૃતક ચમત્કૃતિ કે ચબરાકી સિવાય અહીં શું સિદ્ધ થાય છે ? કવિએ ગઝલના સ્વરૂપને ફરી એકવાર નવેસરથી સમજી લેવાની ભારોભાર આવશ્યકતા ઊભી થતી અહીં દેખાય છે. શે’રનો સની મિસરા ઉલા મિસરાની તશરીહ (વિવરણ) કે તમસીલ (દષ્ટાંત) કે તા’ મીલ (કાર્યકારણ) ની રજૂઆત કરતો હોય છે, એ અંગે કવિ દયાજનક રીતે અંધારામાં છે ! દષ્ટિ ચશમાવત બનીને કેમ ટોળાઈ શકે ? રમેશ પારેખની જેમ ગઝલમાં ચશ્મા અને કાગડા લાવી દેવા માટેના કવિના અણઘડ ઉત્સાહમાં, રમેશ પારેખ જેવી સૂઝ દાખવવાની વૃત્તિનો છાંટોયે નજરે પડે છે ? નરી શબ્દાળુતામાં રમતું ગઝલાભાસી રચાનાઓનું એક આખું અબરખિયું કુળ ઉછરતું હોય, ત્યારે એને બેનકાબ કરવા હવે નિર્દય બનવું જ રહ્યું. જો કાવ્યબાની તગઝ્ઝુલને જીવાડી ન શકતી હોય, જો છટકણા અનિર્વચનીય કાવ્યપ્રદાર્થને વચનબદ્ધ કરી શકે એવું સબળ ભાષાસામર્થ્ય શોધ્યું ન જડતું હોય, તો…. વિશ્વના ‘વ’ નું મૂલ્ય ગધેડાના ‘ગ’ જેટલું જ ગણી શકાય ! ચશમાવત બની ટોળાઈ જતી દષ્ટિને ક્યાંય ન રોકાઈ શકતા વિશ્વાના ‘વ’ સાથે કોઈ સાહિત્યિક નિસ્બત ખરી ? જો અર્થનો ‘અ’ પણ ન પકડી શકતી હોય, તો એ ચશ્માવત બની ગયેલી દષ્ટિને ફોડી નાંખવી જોઈએ !”

તો આ હતું, મત્લા પર કરેલું ઝંઝાવાતી વિવેચન ! તમે ધારો તો આખેઆખી કૃતિ પર આવું તેજાબી વિવેચન કરી શકો. (ખાસ તો સર્જક તમારો દુશ્મન હોય ત્યારે.) પણ બધા સાથે વેર બાંધવાથી આપણે જ વગોવાઈ જઈએ, માટે એવું ક્યારેક ક્યારેક કરી શકાય, કાયમ નહીં. ધીમે ધીમે ગરમી પકડતી ઈસ્ત્રી બરાબર તપી ગયા પછી ધીમે ધીમે ટાઢી પડે, એવી ગતિ જો વિવેચનમાં રાખો તો પેલી એકંદરે ઊભી થતી તટસ્થતાની છાપને ઊની આંચ ન આવે, ગોટ માય પોઈન્ટ ?

ટૂંકમાં, વિશ્વના ‘વ’ વાળા શે’ર ને વ્હાલ કર્યા પછી બીજા શે’રમાં જ્યાં કાગડો ડોકાય છે, ત્યાં આપણી આગ પણ ડોકાવી જોઈએ ને. હયાતિના હવનવાળા ત્રીજા શે’ર સુધી પહોંચતામાં તો બળતામાં ઘી હોમતા હોઈએ, તેમ વિવેચનમાં બધું જ ભડભડાટ બળતું કરી મેલવું ! મણમણની ગાળો જોખવા ઉશ્કેરતા ચોથા શે’રમાં આપણે એ રસ્તે ન જતાં, અત્યંત સંયમપૂર્વક વિવેચનની ઈસ્ત્રીને ટાઢી પાડવાની શરૂઆત કરવાની છે, ઘણું કાઠું કામ છે !

અંતે નામ ‘નિર્મિશ’નું આવે છે, તે મક્તામાં વણસી ગયેલી વાતને વાળી લેતાં વિવેચનમાં સર્જકની કેટલીક વિશેષતાઓ (?) શોધી કાઢી ખભો થાબડવો. કેટલેક ઠેકાણે સર્જક ભટકી ગયો છે – એવું સાબિત કરી એને થોડો ઠપકારવો (અલબત્ત, શબ્દો દ્વારા જ !) અને એકંદરે ગઝલ ઠીક ઠીક સફળ રહી છે – એમ જણાવી ‘ફ્લાણાં ફલાણાં ભય સ્થાનોથી જો સર્જક સચેત રહેશે, તો ભવિષ્યમાં સબળ સર્જક તરીકે બહાર આવી શકશે’ જેવા ‘જો-તો’ ની શરત ધરાવતા આશીર્વાદ સાથે વિવેચન પૂરું કરી શકાય.

ટૂંકમાં, કૈંક હિંમતબાજો માંહી પડીને મહાસુખ માણતા હોય, ત્યારે તીરે ઊભા રહી તમાશો ન જોતાં, તમારે પણ કૂદી પડવું જોઈએ ગઝલ-વિવેચનમાં ! મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારી બોલવાની રીત – ફાધર વાલેસ
મોડે મોડે પણ મેઘઘનુષ – રજનીકુમાર પંડ્યા Next »   

25 પ્રતિભાવો : ગઝલનું વિવેચન – નિર્મિશ ઠાકર

 1. Taps says:

  absolutely marvellous article. khoob hasvu aaivu 🙂 :)…

 2. hitakshi pandya says:

  ખૂબ જ સરસ લેખ – ઉત્તમ નિર્મિશ ભાઇ.

 3. dhara says:

  સરસ નિર્મિશ ભાઇ….

 4. KUNJAL MARADIA says:

  વાહ, આવુ ક્ઈક તો તમને જ સુજે હો! સરસ.

 5. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice…Now I will send my poems to Nrinishbhai ………. At least I can learn these many hard words from him…. : )

 6. khushboo says:

  I am fan of Nirmish Thakar
  Good article.

 7. Keyur Patel says:

  Very good article. Hilarious!!!!

 8. Grajesh Shah says:

  very good article. I am fan of Nirmish Thakar

 9. Vikram Bhatt says:

  સાચ્ચેજ “અભિવ્યક્તિની તિર્યક સભાનતા” સુપેરે ઉપસી છે.
  Ha ha ha ha.
  ખુબજ મઝા આવી.

 10. jagruti trivedi says:

  આ લેખ વાંચીને કાયમ યોગ્યાયોગ્ય ‘વિવેચનો’ કરનાર ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન જેવા કંઇક ‘વિવેચકો’ને સાન આવી હોય તો સારું.
  આવી જ સાહિત્ય-સાધના થતી રહે તેવી શુભેચ્છાઓ સ:

 11. પંચમ શુક્લ says:

  અદભૂત લેખ નિર્મીશભાઇ

  સર્જનમાં ઠીક ઠીક નામ થૈ જાય અને ધીમે ધીમે સર્જનાત્મકતા ઘટી જાય પછી વિવેચનમાં હાથ અજમાવવાની આપણે ત્યાં આગવી પ્રણાલી છે.

 12. punilrajsinh says:

  ગુન્વન્ત શાહ પછિ નિરમિશ ભાઇ મારા મનગમતા લેખક બનયા, નિરમિશ ભાઈ હવે એક વધુ મન આપને રહેવા માટે………

 13. pragnaju says:

  ખૂબ સરસ હાસ્ય લેખ
  વાંચતા વિચારમાં મૂકી દે
  પછી મરક મરક હસવું આવે…
  અને કેટલીય વાતો સ્મૃતિમાં જડાઈ જાય

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.