- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મોડે મોડે પણ મેઘઘનુષ – રજનીકુમાર પંડ્યા

[‘દીકરી વહાલનો દરિયો’ માંથી સાભાર]

‘પપ્પા માફ, પપ્પા માફ’
1984 ની એક ઢળતી સાંજે એક વરસની વયની મારી દીકરી તર્જનીએ મને આ રીતે મોટા મને માફી આપી દીધી. મેં અપરાધભાવમાંથી મુક્તિ મળ્યાનો આનંદ તો એ વખતે અનુભવ્યો, પણ સાથે જ એક નાનકડા કોઈ પરાક્રમ કર્યાના ભાવમાંથી પણ છુટકારો મળ્યો. મારી ખુદની એક વર્ષની ઉંમરે બનેલી એ ઘટનામાં મારું પરાક્રમ તો શું હોય ? પણ વાત કરતાં રોમાંચનો અનુભવ જરૂર થાય. સાઠ વર્ષ પહેલાં નિરુપદ્રવી શાંત બાળકને પણ અફીણના પાસવાળી બાળાગોળી આપવાની પ્રથા હતી. હું પણ શાંત અને બિનકજિયાળો છતાં મને મારી બા બાળાગોળી આપતી – રોજની એક. એકવાર મારી મોટી બહેનના લગ્નપ્રસંગે બાએ નહીં આપી હોય એમ સમજીને બહેને પણ એક આપી દીધી. હું અભાનાવસ્થામાં ચાલ્યો ગયેલો. એ તો સારું હતું કે મારા પિતા બ્રિટિશ સરકારના એ જમાનમાં મોટા અમલદાર હતા અને દેશી રજવાડામાં તો એમની હાક વાગતી. જેતપુરના ડૉ. અડાલજાએ આખી રાત જાગીને આ કેસ મેડિકો-લિગલ હોવા છતાં મારો જીવ બચાવ્યો.

મને ચડેલા આ અફીણના અમલને મારી જ દીકરી તર્જનીએ પીંછીની પીછવાશથી 1984માં ઉતારી દીધો. જીવનમાં મારી છેંતાળીસ વરસની ઉંમરે એણે સમજાવ્યું કે બચી જવું એ કંઈ પરાક્રમ નથી – માફી આપવી એ ‘પરાક્રમ’ છે. પણ મેં જે વાક્ય મારાં મા-બાપને લેખક થયા પછી પણ ન કહ્યું, ન કહી શક્યો એ વાક્ય મને મારી દીકરીએ એની એક જ વર્ષની વયમાં કહી દીધું : ‘પપ્પા માફ, પપ્પા માફ.’
‘બેટા મને માફ કરીશ ને ?’
‘પપ્પા માફ, પપ્પા માફ.’ ને એમ બોલતી વખતે એ વરસ-સવા વરસની બાળકીમાં પોતે મહાન છે એવો ભાવ તો હોય જ ક્યાંથી ? નર્યો પ્રેમનો, નરી લાગણીનો નિતાર.

એને દૂધિયા દાંત આવતા હતા અને કોઈની સલાયથી અમે એને કેલફોસ (કેલ્શિયમ-ફોસ્ફરસ) ની બાયોકેમીની ગોળીઓ ચપટા ભરીભરીને (ચપટી નહીં, ચપટા ભરીને) અપાય તેટલી આપતા હતા. અમારી જિંદગીમાં કારમા અને અમને બધી જ રીતે બેહાલ કરી મૂકે તેવા ધર્મયુદ્ધ પછી બહુ મોટી વયે મારા અને તરુનાં પ્રેમલગ્ન પાર પડ્યાં. આ દીકરી પણ અમને અમારી પ્રૌઢાવસ્થા – પિસ્તાળીસ વર્ષની ઉંમરે સાંપડી એથી રાંકનું રતન થઈ પડી. અતિશય આળપંપાળ અને માનસિક લોલા-પોપને કારણે એના માનસના અસંપ્રજ્ઞાત સ્તર સુધી એ લાડ પહોંચતો હતો તેથી એ માગે તે તત્કાળ ન મળે તો એ રડતી વખતે શ્વાસ ઊંચો ચડાવી જતી. શ્વાસ વધુ વખત રોકાઈ રહે તો એ પહેલાં જાંબલી રંગની થઈ જતી અને પછી એક-બે આંચકા ખાઈ લેતી. ડોકટરોએ જ અમને આ સમજાવ્યું હતું. કહ્યું હતું કે બાળક પણ આવું ત્રાંગુ અભાનપણે કરતું હોય છે. આવું થાય ત્યારે મોં પર જોરથી પાણીની છાલક મારવી એટલે શ્વાસ પાછો વળે અને એ પહેલાં એના પોપચાં બંધ કરી દેવાં જેથી આંખો ત્રાંસી ન થઈ જાય. આ તો એ વખતની વિધિઓ – બાકી એ સિવાય એની કોઈ જ દવા નથી હોતી. એટલું કરવું કે તેને છંછેડવું ઓછું. આમ છતાં સાવધાની તરીકે એને મેઝેટોલ નામની ગોળીનો ડોઝ અલ્પ માત્રામાં અમુક સમયે આપવો, જેથી એનું અતિ સંવેદનશીલ મગજ ઉશ્કેરાટથી દૂર રહે. આ ગોળી આમદવા તરીકે નહીં પણ સંરક્ષણાત્મક પગલા તરીકે આપવાની હતી. એ પણ હું બજારમાંથી લાવ્યો હતો. જે એને બહુ સાવધાનીપૂર્વક આપવાની હતી. દાંત આવવામાં સુગમતા રહે એ ગોળી કેલફોસ પણ સફેદ રંગની હતી અને આ મેઝેટોલ પણ.

એ દિવસોમાં હું રાજકોટમાં બૅન્ક મેનેજર હતો ને ‘સંદેશ’ માં ચાલતી મારી નવલકથા કે કટારનું લેખનકાર્ય મારે સવારે કરવાનું રહેતું. એક દિવસ સવારના આઠેક વાગ્યે પારણામાં એ જરા સળવળી કે તરત જ લેખનમગ્ન એવા મેં ઊભા થઈને ચપટો ભરીને કેલફોસની ગોળીઓ એના મોમાં મૂકી દીધી. પછી ચાર હીંચકા નાખ્યા કે એ શાંત થઈને ફરી પોઢી ગઈ. હું મારા લખવામાં પરોવાઈ ગયો. દુનિયાથી જાણે કે સાવ કપાઈ ગયો. થોડી વારે તરુ (લેખિકા તરુલતા દવે, મારાં પત્ની) એ આવીને મને ઢંઢોળ્યો : ‘જુઓ તો, જુઓ તો, આ ઊઠતી કેમ નથી ? આખી રાત બરાબર ઊંઘી છે તોય નસકોરાં કેમ બોલાવે છે ?’
એક જ ક્ષણ મને મારી દુનિયામાંથી બહાર આવતાં થઈ, ને બીજી જ ક્ષણે મારા સમગ્ર હોવામાં મોટો ધરતીકંપ થયો. અરે, મેં એને હમણાં ચપટો ભરીને આપી તે કેલફોસને બદલે મેઝેટોલ તો નહીં ? મેં હાથમાંના કાગળ-પેનનો લગભગ ઘા કરીને એના પારણા તરફ દોટ મૂકી. ખોળા ઉપર હું લગભગ ઝળૂંબી જ રહ્યો. ખરેખર, અમારી દીકરી ભયાનક ઘેનમાં સરી ચૂકી હતી ! હવે કોઈ પણ ક્ષણે…..

એ પછીની દોડાદોડની કથની, સમય અને અમારી વચ્ચે આરંભાયેલી હોડની કથની છે. એક જ વરસનું કુમળું ફૂલ, મારા જ હાથે આહત થઈને ડાળી પરથી ખરી પડવાની તૈયારીમાં હતું. એનો શો વાંક ? એની મમ્મીનો પણ શો ? હત્યારા હોય તો એ મારા હાથ… મારા મનમાં આત્મપ્રતાડનાનું પ્રચંડ પૂર ફરી વળ્યું. રાજકોટના સરકારી દવાખાનામાં બીજે દિવસે સાંજે એ જરીતરી ભાનમાં આવી ત્યારે અમારો જીવ જરી હેઠે બેઠો. એ પછી થોડી વારે એણે અમારા સામે જોયું. ક્ષીણ સ્મિત કર્યું અને મારી આંખમાં આંસુ ઊમટી આવ્યાં. મેં એને મારા પોલા આશ્લેષમાં લીધી – એણે એની પહોંચ આપતી હોય તેમ એના ગાલ મારા ખરબચડા ગાલ સાથે ચાંપી દીધા. થોડી વારે એ વધુ ચેતનવંતી થઈ. એની મમ્મીએ એને દૂધ પાયું. પગમાં ગરમી આવી હશે એટલે એ બોલી : ‘બા… બા… મારે બહાર જવું છે..’ હું એને લઈને દવાખાનની પરસાળમાં આવ્યો. એને ફર્શ પર મૂકીને ચલાવવાની કોશિશ કરી જોઈ, પણ એ બેસી પડી. એના પગ ખરેખર અફીણિયાના પગની જેમ લથડતા હતા. દોઢેક ફૂટનો એનો દેહ પણ એ એના પગ પર ઉપાડી શકતી નહોતી. આંખોમાં હજુ ઘેન હતું. છતાં એ પ્રયત્નપૂર્વક આંખો ખોલીને સ્મિત આપવાનો પ્રયત્ન કરતી હતી. એને હું બહાર લઈ આવ્યો. પગથિયાં ઉપર ઊભા રહીને, એને તેડીને મેં એને વૃક્ષો, પુષ્પો, પશુ, પંખી, આકાશ, કાર, સ્કૂટર બતાવવા માંડ્યા. આ શું છે ? આ શું છે ? એ મને સમજાવી લેવા માટે હોય એમ કાલીઘેલી ભાષામાં એના સાચા જવાબો આપતી રહી. એના ગલગોટા જેવા ચહેરા પર હવાથી કપાળ ઉપર આછા આછા ગૂંચળિયા સુંવાળા વાળ ફરકતા હતા, તે મેં જરી હટાવ્યા કે કોઈ નશાબાજના હાસ્ય જેવું અડધી મીંચેલી આંખનું હાસ્ય એણે કર્યું. મને ફરી જબરજસ્ત આત્મગ્લાનિ ઊપજી આવી. કોઈ મોટાને મેં ભૂલથી પણ રીતે ઝેર આપી દીધું હોત તો ? મારી શી દશા થાત ? ને આ મારી સાવ નાનકડી પરવશ બાળકી. એને ખબર નથી આ જ બેવકૂફ બાપે એને…. મેં ગળા નીચે ઘૂંટડો ઉતારી લીધો. ખરેખર પસ્તાવાનો ભાવ મારા ચિત્તમાં છલોછલ થઈ ગયો હશે. મેં એને ન સમજાય એવી પૂરી સમજ હોવા છતાં, સંતોષ લેવા ખાતર છતાં પૂરી સચ્ચાઈથી એની ગોળ, નિર્મળ, વારંવાર ઘેનના ભારથી લદાઈ જતી આંખોમાં નજર પરોવીને પૂછ્યું : ‘બેટા, બેટા, મને માફ કરીશને ?’
તરત જ એ બોલી : ‘પપ્પા માફ, પપ્પા માફ.’
એણે મારા માથે હાથ ફેરવ્યો કે શું ? કે મને એવું લાગ્યું ? કોઈ સાક્ષી હતું કે આ બનાવનું ? અલબત્ત હતું જ. તરુ સજળ આંખે પાછળ ઊભી ઊભી આ જોઈ રહી હતી.

‘છોરું-કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય’ આવા શબ્દો તો વારંવાર આપણે સાંભળીએ છીએ. સાચા જ છે. પણ ઘણી વાર માવતર તો કમાવતર થાય, પણ છોરું તેની માઝા મૂકતું નથી એવું પણ અનુભવાય છે. આગળ પર તો શું થશે તે જાણતો નથી. કારણકે અમારી દીકરી તર્જની તો આ લખાય છે ત્યારે ચૌદ પૂરાં કરીને પંદરમામાં પ્રવેશી છે. પણ આજ સુધી તો મને મારાવાળી કહેવત જ સાચી પડતી જણાઈ છે એનું કારણ એ પણ હોય કે મને એનામાં મારી માતાનાં દર્શન થતાં હોય – તરુને એની માતાનાં. અમારી પતિ-પત્ની વચ્ચે કોઈ નાની-મોટી વડછડ થાય છે ત્યારે કાં તો એ ડહાપણપૂર્વક એક તરફ હટી જાય છે ને કાં તો પછી કાંઈક એવી દરમિયાનગીરી કરે છે કે અમારે યથાવત થઈ જવું પડે છે.

એ છોકરી જ્યારે માત્ર ઓગણીસવીસ દિવસની જ હતી ત્યારે નવસારીમાં તારક મહેતા અમારે ત્યાં મહેમાન બન્યા હતા. એ એના પારણા પાસે આવ્યા. એમને કદાચ કંઈ અંત;સ્ફુરણા થઈ. બાળક એ દિવસોમાં નજર માંડીને ક્યાંય જોઈ શકે નહીં. છતાં એ લગભગ સ્થિર નજરે મોટી આંખો કરીને એમના સામે જોઈ રહી. તારકભાઈ તરત જ બોલ્યા : ‘આ છોકરીને જાળવજો – એ સામાન્ય નથી.’ આ વાક્યના અનેક સારા-ખરાબ અર્થ થઈ શકે. પણ આનો અર્થ શું થઈ શકે ? મેં ઘણું પૂછવા પ્રયત્ન કર્યો, પણ એ કશું બોલ્યા નહીં. જાણે કે એમને જ ખબર ન હોય. એટલું જ બોલ્યા : ‘બહુ ઓછાં બાળકોની આંખો મેં આવી જોઈ છે.’

એકવાર એણે મને કેવો રોવડાવ્યો હતો એનો પ્રસંગ મારા સૌ વાંચનારને મન ગમતો પ્રસંગ છે. જિંદગીમાં કદી પણ નહીં રડી શકવાનો મને અભિશાપ છે. તુમુલ વેદનાના પ્રસંગે પણ મારાથી રડી શકાતું નથી. પણ જ્યારે તર્જનીને એની ત્રણ વરસની ઉંમરે હું શાળાએ મૂકવા જતો હતો ત્યારે અચાનક એ વખતે એને બાથમાં લઈને જોરથી રડી પડ્યો હતો. કારણ, એ વખતે તો સમજાતું નહોતું. શાળા ક્યાં દૂર હતી ? ને તર્જનીને બહુ કલાકો નજરથી દૂર પણ ક્યાં રાખવાની હતી ? છતાં આમ હૃદયનો બંધ કેમ તૂટી ગયો ? જવાબમાં ખાંખાંખોળા કરતા મનના પાતાળમાં પિસ્તાળીસ વરસ અગાઉની પેલી ઘટનાના અશ્મી મળી આવ્યા. હા, મારા પિતા, બડકમદાર અને હૈયાબળિયા પિતા મને નિશાળે મૂકવાના પહેલા દિવસે ઘેર આવીને રડી પડ્યા હતા. એમના રડવાનો મર્મ, હું જ્યારે દીકરીને શાળાએ મૂકવા નીકળતો હતો ત્યારે ઊઘડ્યો.

થોડા વધુ લાડપ્યારે અમે એને બહુ મોંએ ચઢાવી છે એવી ફરિયાદ અમારાં ઘણાં સ્વજનો કરે છે. હશે. તથ્ય હશે – જિંદગીમાં એ એટલી બધી મોડી અને મોંઘી બનીને આવી છે કે વાજબીપણાની હદ અમે લાડપ્યારમાં તો ઓળંગી ગયાં હોઈશું. તટસ્થપણે વિચારતાં એમ લાગે છે ખરું. હવે એ જરા મોટી થઈ છે. શિશુવયમાંથી તરુણાવસ્થામાં એણે ડગ માંડ્યાં છે એટલે બેમાંથી એકે એને એ બાબતમાં ટોકવી પડે છે. અમે બન્ને એકસાથે એને ન ટોકીએ અને એને ઓશિયાળી ન બનાવી દઈએ તેવી સભાનતા અમે વિચારપૂર્વક કેળવી છે. ખાસ તો ઉડાઉપણાની બાબતમાં – અમારું બન્નેનું બાળપણ જે નાણાકીય સ્તરમાં અમુક વર્ષો દરમિયાન પસાર થયું તેના કરતાં ઊંચા સ્તરમાં એ જન્મથી જ છે. અમારા નાનપણમાં ટેપ, રેડિયો, ટી.વી., વી.સી.આર ક્યાં હતાં ? નાણાં વાપરવાની બાળકો માટેની આટલી છૂટછાટ પણ ક્યાં હતી ? બહાર જમવાનું તો શું, પણ ચા પીવાનું ચલણ પણ ક્યાં હતું ? આટલા બધા સામાજિક સમારંભો અને વ્યાવહારિક આદાનપ્રદાન ‘વાટકીવ્યવહાર’ પણ નહોતા. એટલે જ્યારે અમે દીકરીને એ બધામાં સંડોવાતી જોઈએ ત્યારે અટકાવવી પડે. ને સામાન્ય કહેવાથી ન અટકે તો મારે કે એની મમ્મીએ જરા કડકાઈથી કહેવું પણ પડે – એ વખતે ‘બહેન’ જરા રિસાઈ જાય, છણકાઈ પણ જાય એવું બને. ઘણી વાર અમને થાય કે જીવનમાં ફિયાટગાડી માંડ આવી છે તો એમાં બેઠાં બેઠાં દીકરી ‘પપ્પા, આપણે કોન્ટેસા ક્યારે લઈશું ?’ એમ પૂછતી થઈ ગઈ છે. તો ભવિષ્યમાં શું થશે એનું – અમે જ્યારે નહીં હોઈએ, આ આટલી અમથી છત પણ નહીં હોય ત્યારે !

પણ, આ બાબતમાં મારા એના વિશેના એક અનુભવે મને ચિંતા કરતો અટકાવી દીધો છે. વાચકોનાં આમંત્રણ અને ખર્ચથી અમે એપ્રિલ 1996માં અમેરિકા, કેનેડા, ઈંગલેન્ડના (મેક્સિકોના પણ) પ્રવાસે ગયાં હતાં. આ પ્રવાસ મારું એક સપનું હતું. મારા, વાચકોના પ્રેમભાવને કારણે એ સપનું સાકાર કરી શક્યો. અમે ગયાં ત્યારે ‘અમે જઈએ છીએ’ એના કરતાં પણ મારી દુનિયા જોવાજોગ દીકરી અને પત્ની જોવા જઈ રહ્યાં છે એ ભાવના વિશેષ પ્રબળ હતી. અલબત્ત, વાચકોએ અમારે ત્યાં અમેરિકા જવાનાં વિઝા-ટિકિટો પણ લઈ રાખ્યાં હતાં એટલે બીજો પ્રશ્ન તો નહોતો, પણ શોપિંગ તો ગાંઠના ખર્ચે જ કરવાનું હોય તેથી એમાં તો અમારે અંકુશ રાખવાનો જ હતો. તરુ તો એ બાબતમાં બહુ ચાલાક ગૃહિણીની જેમ જ વરતે. પણ તર્જની તો બાળક ! જોવાની એકએક જગ્યાએ ડિઝનીલેન્ડ, ડિઝનીવર્લ્ડ, વોલ્કોટ સેન્ટર, યુનિવર્સલ સ્ટુડિયો જેવામાં સુવેનિર શોપ્સ જોઈને એ ઝાલી જ શેની રહે ? પહેરવા-ઓઢવાની ભારે શોખીન મારી દીકરી જ્યારે મારા ગજવા પર અંકુશના કારણે નિમાણી થવા માંડી ત્યારે અમે એક યુક્તિ કરી. અમે એને કહ્યું : ‘બેટ, દરેક સ્થળે અમે તને ત્રણ ડોલર આપીશું. તું એમાંથી કરવી હોય એટલી ખરીદી કરજે. જે લેવું હોય તે, પણ આ લિમિટની અંદર.’
‘નહીં પપ્પા, ચાર ડૉલર’ એણે કહ્યું.
‘ઓકે. ચાર ડૉલર.’ એની મમ્મીએ કહ્યું, ‘પણ એમાં તારા માટે એક ઈન્સેન્ટિવ ઉમેરું છું. તું દરેક સ્થળે એમાંથી જેટલી રકમ બચાવીશ તેટલી તેની સામેથીએ ભેટ તરીકે આપીશ. એ તારી બચત ગણાશે.’

આ ઓફરે જાદુઈ કામ કર્યું. અમારે મન તો એ એક જોણું થઈ પડ્યું. બાર વરસની દીકરીથી દૂર છતાં એના પર નજર રહે એમ એની ખરીદી વખતની ગતિવિધિ જોઈ રહ્યાં. અમે જોયું કે જવાબદારી એના ઉપર આવતાં જ એ બાર વર્ષની મટીને બત્રીસ વરસની કરકસરિયણ ગૃહિણી બની ગઈ. એને આકર્ષે તે એકએક શોકેસ પાસે જાય. લુબ્ધ નજરે એ વસ્તુ તરફ જુએ. ક્યારેક તો કાને કે ગળે પહેરવાનું ઘરેણું હોય તો એને સરખાવી પણ જુએ (એને ખબર ન હોય કે અમે આ બધું જોઈએ છીએ.) જોયા પછી કિંમતની પટ્ટી વાંચે. જો બજેટબહારનું હોય તો હાથમાં ગરોળી આવી ગઈ હોય તેમ ભડકીને પાછું મૂકી દે. સાવ નિર્લેપ થઈ જાય. જે ગુણ હજુ દસબાર વર્ષ પછી એનામાં પ્રગટવાના હોય એ અત્યારથી પ્રગટી જતા અમે જોયા. ખાતરી થઈ ગઈ કે એના આ લાડપ્યાર-વેન અને હાથછૂટનો દોર તો અમારા પર નિર્ભર છે ત્યાં સુધી જ રહેવાનો. જેવી એ મોટી થશે કે તરત જ એ મહાસાવધાન સ્ત્રી બની જશે.

એ ટ્રિપમાં બે માસને અંતે એણે એકસો ચોસઠ ડોલર બચાવ્યા અને મમ્મીના હાથમાં મૂક્યા, ‘લે મમ્મી, આમાંથી તું તારા માટે જે લેવું હોય તે લે.’ આ સાંભળી મને એના માટે વહાલ ઊભરાઈ આવ્યું હતું. દીકરી આટલી મોટી થઈ ગઈ ?

હા, એ ઝડપથી મોટી થઈ રહી છે. ઊંચાઈ તો વધી જ રહી છે, પણ એના ચહેરા પર શૈશવ અદશ્ય થઈ રહ્યું છે. તરુણાવસ્થા પણ ઝાઝી ટકે એમ લાગતું નથી. અમેરિકામાં એકએક એરપોર્ટ પર અમે બેઠાં રહેતાં હતાં ને બોર્ડિંગ કાર્ડ, લગેજ કાર્ડ, ઈન્કવાયરી વગેરે બધી જ ફોર્માલિટી એ પતાવતી હતી અને અમારે તો માત્ર એના પર નજર રાખવા સિવાય કંઈ જ કરવાનું નહોતું. ત્યારે પણ આ વાતનો અણસાર અમને આવી જતો હતો. અરે આ ટચૂકડી તર્જની અમારો હાથ બની ગઈ ! એ વિચારે અમે પોરસાતાં હતાં. મારી ગેરહાજરીમાં મારા ફોનકોલ એ સાંભળે છે. બહુ સાચવીને વિવેકપૂર્વક એ પૂછનાર સાથે વાત કરે છે. એ હું સાંભળી પણ શકું છું. કારણકે મારે ત્યાં રેકોર્ડિંગની વ્યવસ્થા છે. મને એ જોઈને સંતોષ થાય છે કે મારી એક-એક વાતની એ ફોનના જવાબ આપતી વખતે ખાસ કાળજી રાખે છે. “ પ્લીઝ, તમે બપોરે બેથી ચાર વચ્ચે ફોન ન કરશો. પપ્પા એ વખતે આરામમાં હોય છે.” અથવા “મમ્મી કામમાં છે. બોલાવવાની જરૂર છે કે મને જ કામ હોય તે કહેશો ?’ આવા મીઠામીઠા સંવાદો કરીને તે દરેક સ્વજન, ફોન કરનારનાં મન જીતી લે છે. મને એ જોઈને કંઈક વધુ પડતો હશે – પણ હરખ થાય છે. આખરે આ સુખ મોડું તો મોડું, મળ્યું તો ખરું.

કન્યાવિદાયનું કોઈ ગીત ક્યાંક પણ વાગતું હોય – રેડિયો કે ટીવી, ટેપમાં મારા કાને પડે છે અને જેની આંખમાં કદી આંસુ નથી આવતાં એવી મારી આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. એક છૂપો અને દૂર દૂર ક્ષિતિજ પર દેખાતો, હજુ તો સાવ ટપકા જેટલો જ વરતાતો પુત્રીવિરહભાવ મનને અત્યારથી જ ઘેરો ઘાલે છે. અને હું ઢીલો પડી જાઉં છું. એને એ વાતની બરાબરા સમજ છે એટલે ક્યારેક તો ખાસ મને સતાવવા જ પોતાના રૂપકડા ટેપરેકોર્ડર પર એ ગીત જરા મોટા વોલ્યુમમાં વગાડે છે.
‘બાબુલ પ્યારે…….’
તરુ એ વખતે અંદરથી ભલે ગમે તે ભાવ અનુસરતી હોય, મને કપાળે કરચલીઓ પાડીને કહે છે : ‘શું તમેય તે પણ ! અત્યારથી.’

એકવાર બપોરની નિંદ્રામાં હું હતો – અચાનક ઊંઘ ઊડી ગઈ. ગળે ઉનાળાની કાળી બપોરનો માર્યો શોષ પડ્યો હતો. પ્રગાઢ ઊંઘમાંથી જાગીને હજુ તો હું પથારીમાંથી બેઠો થવા જાઉં ત્યાં તો દીકરી તર્જનીએ મારી ગરદનને એના કોમળ કોમળ કાંડા વળે ટેકો કર્યો અને મને હોઠે ઠંડા પાણીનો પ્યાલો ધર્યો. એ વખતે મને જે અમાપ, અપાર સુખની અનુભૂતિ થઈ હતી તેની આગળ જગતના કોઈ પણ ઐશ્વર્ય તુચ્છ છે.

એટલે જ તો મારું પુસ્તક ‘ઝબકાર 3’ મેં એને અર્પણ કરતી વખતે મારા કવિમિત્ર હસમુખ મઢીવાળાની નીચેની કાવ્યપંક્તિઓ ટાંકી છે :

‘બેટા તારી આંખમાં ઝળકે સૂરજ-સોમ
આંગળીઓના ટેરવે વસજો આખું વ્યોમ.

બેટા તારી પાનીથી ઝરજો કુમકુમ રંગ
તારા બન્ને હોઠ પર રહેજો હાસ્ય અભંગ.

બેટા, તું અમ બાગનો મઘમઘતો છે છોડ
જગજનની પૂરી રહો તારા સઘળા કોડ.’