જીવન સાફલ્ય – સંકલિત

[‘જીવન સાફલ્ય’ સામાયિક (કોબા, જિ. ગાંધીનગર) માંથી સાભાર.]

[1] ભિખારી કરતાં પણ દરિદ્ર – ડૉ. કુમારપાળ દેસાઈ

સ્વામી આનંદસ્વરૂપ યોગસમાધિમાં લીન હતાં. આ મસ્તયોગી પ્રાત:કાળે વૃક્ષ નીચે બેસીને પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જતા. આસપાસ ગમે તેટલી વ્યક્તિઓ ફરતી હોય કે ગમે તેટલો માનવ-કોલાહલ થતો હોય, કિંતુ એમની યોગસમાધિ અખંડ રહેતી.

એકવાર સ્વામી આનંદસ્વરૂપ સમાધિમાં બેઠા હતા અને એક ધનવાન એમને મળવા આવ્યા. સ્વામીજી સામે શાંત બનીને ઊભા રહ્યા. થોડીવારે સમાધિ પૂર્ણ થતાં સ્વામીજીને પોતાની સામે કરબદ્ધ ઊભેલી એ વ્યક્તિને જોઈ. વાત્સલ્યથી પૂછ્યું : ‘કહો ભાઈ ! શું કામ છે મારું ? કંઈ પૂછવું છે આપને ?’
ધનવાને કહ્યું : ‘ના સ્વામીજી ! કોઈ ધર્મજિજ્ઞાસા લઈને આવ્યો નથી, કિંતુ ધન લઈને આવ્યો છું. સમાજના કલ્યાણ અર્થે આપના દ્વારા એ ધન ઉપયોગમાં લેવાય તેવી મારી વિનંતી છે.’
સ્વામીજીએ એને પૂછ્યું : ‘શું આપવા માગો છો તમે ?’
‘પૂરી એક હજાર સોનામહોર. આપ મારું દાન સ્વીકારો એવી નમ્ર વિનંતી છે.’

સ્વામી આનંદસ્વરૂપ કશું બોલ્યા નહીં. આંખો મીંચી દીધી. થોડી વાર પછી કહ્યું : ‘મને માફ કરજો. હું તમારું આ દાન સ્વીકારી શકું તેમ નથી.’
‘શા માટે ગુરુદેવ ? અમારાથી કંઈ અપરાધ થઈ ગયો છે ?’
સ્વામીજીએ કહ્યું : ‘જુઓ ! ગરીબ માણસો પાસેથી હું કશું સ્વીકારતો નથી.’

ધનવાને આશ્ચર્ય અનુભવ્યું. એણે કહ્યું : ‘અરે સ્વામીજી ! આપને ગેરસમજ થઈ લાગે છે. મારી પાસે તો અઢળક સંપત્તિ છે.
સ્વામીજીએ પૂછ્યું : ‘તમારી પાસે જરૂર અઢળક સંપત્તિ હશે, પરંતુ શું તમે સતત વધુ સંપત્તિ મેળવવા ફાંફાં નથી મારતા ? રાત-દિવસ એક કરીને વધુ ને વધુ ધન મેળવવા દોડધામ નથી કરતા ?’
ધનપતિએ કહ્યું : ‘સ્વામીજી, આપની વાત સાચી છે. અપાર સંપત્તિ હોવા છતાં આજે પણ ધનપ્રાપ્તિ માટે દોડ લગાવું છું. ધનનું ઘણું આકર્ષણ છે.’
સ્વામીજી બોલ્યા : ‘આ કારણે જ તમે ગરીબ છો. જેની ધનતૃષ્ણા છીપાઈ નથી, એના જેવો ગરીબ જગતમાં બીજો કોઈ નથી. ભિખારી કરતાં પણ તમે વધુ ‘દરિદ્ર’ છો.

[2] પહેલી ક્ષણ – ડૉ. પ્રીતિબેન શાહ

ભૂદાનયજ્ઞના એ દિવસો હતા. સમગ્ર દેશ વિનોબાજીની ભૂદાનયાત્રા તરફ મીટ માંડીને બેઠો હતો. વિનોબાજીની પદયાત્રા ચાલતી હતી અને એની સાથે પ્રજાના પ્રેમનો પ્રચંડ જુવાળ જોવા મળતો હતો.

આ પદયાત્રા સમયે એક વ્યક્તિએ વિનોબાજીને સવાલ પૂછ્યો :
‘બાબા ! મને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો આવે છે ત્યારે મારી જાત પરનો કાબૂ ગુમાવી બેસું છું. એ પછી ગુસ્સાના ઘણાં માઠાં પરિણામો પણ સહન કરવા પડે છે, તો ગુસ્સો દૂર કરવાનો કોઈ ઉપાય બતાવોને !’

વિનોબાજીએ હસતા-હસતા કહ્યું, ‘અરે ! બાળપણમાં મારો સ્વભાવ પણ અતિ ગુસ્સાવાળો હતો. વાતવાતમાં ગુસ્સે થઈ જતો હતો. હું મારી પાસે સાકરના ટુકડા રાખતો હતો. ગુસ્સો આવે એટલે એક ટૂકડો મોમાં મૂકી દઉં. આને પરિણામે ગુસ્સા પર કાબૂ આવતો હતો.’ વિનોબાજીએ નિખાલસતાથી કહ્યું : ‘ક્યારેક એવું પણ બનતું કે ગુસ્સો આવતો હોય અને ગજવામાં સાકરના ટુકડા ન હોય.’

‘બસ, તો મારે એ જ જાણવું છે કે આવી પરિસ્થિતિમાં આપ ગુસ્સા પર કઈ રીતે કાબૂ મેળવતા હતા ?’

વિનોબાજીએ કહ્યું : ‘આવા સમયે શું કરવું એનો ખૂબ વિચાર કર્યો. છેવટે એક વસ્તુ ખ્યાલમાં આવી. આપણા મનને પ્રતિકૂળ એવી કોઈ પણ ઘટના બને કે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે એકદમ ઉત્તેજિત થઈ જઈએ છીએ. જો ઉત્તેજનાની એ પહેલી ક્ષણને આપણે ટાળીએ તો ગુસ્સા પર આસાનીથી વિજય મેળવી શકીએ. હર્ષ અને વિષાદથી આપણે અભિભૂત ત્યારે થઈએ છીએ, જ્યારે એની પહેલી ક્ષણ આપણા પર પ્રભુત્વ જમાવી બેસે. આવી ક્ષણના અનુભવને દૂર કરવો એ થોડું મુશ્કેલ કામ છે પરંતુ વારંવાર એનો અભ્યાસ કરવાથી એ બહુ આસાન બની જાય છે.’

સામાન્ય રીતે જીવન એટલે જ આવી પહેલી ક્ષણનો ખેલ. વ્યક્તિને આનંદ થાય અને એ આનંદની પહેલી ક્ષણે બહેકી જાય છે. વ્યક્તિને આઘાત લાગે અને આઘાતની પહેલી ક્ષણે એ ભાંગી પડે છે. વ્યક્તિ જીવનથી અકળાઈ ઊઠે અને એની પહેલી ક્ષણે એ આત્મહત્યા કરી બેસે છે. આ પહેલી ક્ષણ એ માનવીના જીવનમાં નિર્ણાયક બની જાય છે.

આવી પહેલી ક્ષણની દુનિયા જોવા જેવી છે. અપાર વૈભવ અને સાધનસમૃદ્ધિ વચ્ચે જીવનાર પણ જીવનની એ ક્ષણે સઘળો ત્યાગ કરીને નીકળી જાય છે. આવી પહેલી ક્ષણને જાણે છે, તે જીવનને પાર ઊતરી જાય છે.

[3] આનું નામ ઉદારતા – અજ્ઞાત

વનસ્પતિમાં પણ જીવ છે એવી શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ પોતાની કીર્તિનો ધ્વજ લહેરાવ્યો હતો.

એમના પિતાનું નામ ભગવાનચંદ્ર બોઝ !
ભગવાનચંદ્ર બોઝ ફરીદપુરમાં ન્યાયાધીશ હતા. એક દિવસ તેમની સમક્ષ એક લૂંટારાનો કેસ આવ્યો. કાયદાને આધીન રહીને ભગવાનચંદ્રે તે અપરાધીને તેના ગુના બદલ યોગ્ય ગણાય એવી સજા કરી. પણ આ ફેંસલો સાંભળતાં જ પેલો અપરાધી લૂંટારો ન્યાયાધીશ પર ખૂબ રોષે ભરાયો અને ધમકીના સૂરમાં કહ્યું : ‘તમે યાદ રાખજો કે જેલમાં સજા ભોગવીને બહાર નીકળીશ ત્યારે હું તમારા હાલહવાલ કરી નાખીશ !’

બધાએ આ ધમકીને હસી કાઢી.
પણ પેલો જેવો જેલમાંથી છૂટ્યો કે તરત જ તેણે ભગવાનચંદ્રના ઘરને આગ ચાંપી. ધીમે ધીમે અગ્નિની જ્વાળાઓ મોટી થવા લાગી. ભગવાનચંદ્ર બોઝ પોતાના સર્વ પરિવાર સાથે ઘર બહાર નીકળી ગયા. અને થોડે દૂર રહીને પોતાના સળગતા ઘરને જોઈ રહ્યા.

ભગવાનચંદ્ર નિરાધાર જેવા બની ગયા. લોકો પણ એમની આવી નિરાધાર સ્થિતિ જોઈ આંસુ સારવા લાગ્યા. પેલો લૂંટારો પણ એમની આ બેહાલ સ્થિતિ જોઈને ગમગીન બની ગયો અને હૃદયથી ભારે પસ્તાવો કરવા લાગ્યો. તે દોડતો આવી ભગવાનચંદ્રના ચરણમાં પડ્યો અને બોલવા લાગ્યો : ‘મને માફ કરો ! તમારી આ બેહાલ સ્થિતિ માટે હું જ જવાબદાર છું ! પણ મારી એક વિનંતીનો જો આપ સ્વીકાર કરશો તો હું ભવોભવ તમારો આભારી રહીશ.’
‘કઈ વિનંતી ?’ ભગવાનચંદ્રે પૂછ્યું.
‘તમે મોટા હોદ્દા પર છો. તમારી લાગવગ ઘણી મોટી છે. તમારી લાગવગ વાપરીને મને જો ક્યાંક નોકરી અપાવો તો હું મારો આ લૂંટનો ધંધો છોડી દઉં.’

અને ભગવાનચંદ્રે આ લૂંટારાને પોતાને ત્યાં જ નોકરીએ રાખી લીધો અને બાળક જગદીશને શાળાએ મૂકવા જવાનું અને શાળાએથી ઘરે લાવવાનું કામ તેને સોંપ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મોડે મોડે પણ મેઘઘનુષ – રજનીકુમાર પંડ્યા
બુઠ્ઠી પણ ધાર – ડૉ. વસુધા મ. ઈનામદાર Next »   

9 પ્રતિભાવો : જીવન સાફલ્ય – સંકલિત

 1. સંતોષી જીવ સૌથી ધનવાન. લોભી જીવ સૌથી દરીદ્ર.
  “NOW” ને સંભાળી લઈયે તો જીવનને પાર ઊતરી જવાય.
  કોઈને સજા કરી શકાય એવી વાત પર હ્રદયથી ક્ષમા આપી શકવી એ ફક્ત પ્રભુપ્રેમથી છલકાતુ નિર્મળ હ્રદય જ કરી શકે…

  સરળ અને હ્રદયસ્પર્શી વાતો…

 2. gopal parekh says:

  ‘ગો ધન, ગજ ધન, વાજિ ધન ઔર રતન ધન ખાણ
  જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન’
  વાતને સાર્થક કરતો પ્રસંગ વાંચી પ્રસન્નતા થઈ

 3. gopal parekh says:

  ગોપાલભાઇ પારેખ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.