- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મુખવાસ (ભાગ-5) – સંકલિત

મુખવાસ (ભાગ-5) – સંકલિત [રીડગુજરાતી પર સમગ્ર ફેબ્રુઆરી તેમજ માર્ચ માસ દરમિયાન ‘મુખવાસ’ કૉલમમાં મૂકાયેલા વાક્યોનો સંગ્રહ.]

[1] દરેક કુંવારી કન્યા સંપૂર્ણ પુરુષની શોધમાં હોય છે. પણ તે મળે તે પહેલાં જ તે પરણી જાય છે.

[2] મેં એક વ્યાપારીને ‘પ્રમાણિકતા’ શબ્દ કહ્યો. એક સરકારી અફસરને ‘સેવા’ શબ્દ કહ્યો તથા એક પ્રધાનને ‘સાદાઈ’ શબ્દ કહ્યો. એથી એ ત્રણેય મારી સામે જોઈને એક જ શબ્દ બોલ્યા : ‘પાગલ !’

[3] કેટલાક લોકોને પાણીને બદલે કોકાકોલાની તરસ લાગે છે !!

[4] પતિ-પત્નીની દલીલો કોઈ ધ્યાનપૂર્વક સાંભળતું હોય, તો તેના પાડોશીઓ !

[5] સંતાનો પાસેથી માલદાર માબાપો મથામણ નામની યુનિવર્સિટી છીનવી લે છે !

[6] બધા પુરુષો મૂર્ખ નથી હોતા, કેટલાક કુંવારા પણ હોય છે !!

[7] જે લોકો તમારી પ્રગતિના સમયે તમારા મિત્રો બનવા તૈયાર હોય છે તેઓ તમારી પડતીના સમયે તમારા લેણદારો બનવા તૈયાર નથી હોતા.

[8] લગ્નજીવન એક પાંજરું છે. બહારનું પક્ષી અંદર આવવા ચાહે છે, અંદરનું પક્ષી બહાર.

[9] ઉંદરડા જો બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય તો તેઓ મૂર્ખ ગણાય પણ બિલાડી જો તેમને ઘંટ બાંધવા દે તો તે મહામૂર્ખ ગણાય.

[10] બે જગ્યાએ બોલાયેલા અસત્યો ગમી જાય એવા હોય છે. એક તો ન્યાયની અદાલતમાં અને ઘરમાં પત્ની સામે !!

[111] પરણવા ઉત્સુક પુરુષે કાં તો બધું જાણવું જોઈએ, કાં તો કશું જ નહિ.

[12] સેક્રેટરીની કલમમાંથી સરતાં અસત્યો એટલે જ પ્રધાનનાં આશ્વાસનો.

[13] લગ્ન એ લોટરી છે જેમાં પુરુષો પોતાની સ્વતંત્રતા દાવ પર લગાવે છે, જ્યારે સ્ત્રીઓ પોતાના સુખને.

[14] બે જાતની વ્યક્તિઓના સંસાર જીવન દુ:ખી જાય છે. બુદ્ધિ વગરના પુરુષોના તથા બુદ્ધિશાળી સ્ત્રીઓના.

[15] સમજણ વગરની સ્માર્ટનેસ કોમ્પ્રેસર વગરના એરકન્ડિશનર જેવી કે પછી રીફિલ વગરની રૂપાળી બોલપેન જેવી છે.

[16] પુસ્તકના સહવાસથી જ જો પંડિત થવાતું હોત તો ઊધઈને પંડિત કહેવી પડે.

[17] જે મળવા આવે ત્યારે હરખનું ગાડું લેતું આવે અને જાય ત્યારે ઝીણા દર્દનું પોટલું મૂકતું જાય તેને પ્રિયજન કહેવાય.

[18] પારણું જ્યારે ઉંમરલાયક બને ત્યારે હિંચકો જન્મે છે !

[19] કલદાર અને કીર્તિ એ બન્ને એવી તરસ છે, જે ક્યારેય છીપતી નથી….!

[20] સંન્યાસીના ખાનગી સંસાર કરતાં સંસારીનો ખાનગી સંન્યાસ વધારે મૂલ્યવાન છે.

[21] સમજ અને ગેરસમજ વચ્ચેની સંતાકૂકડી એટલે જીવન.

[22] નવા ઘરોમાં હવે કન્સીલ્ડ વાયરિંગ કરવામાં આવે છે. બહાર બધુ ડીસન્ટ હોવું જોઈએ. માણસનો ક્રોધ પણ કન્સીલ્ડ; માણસનો દ્વેષ પણ કન્સીલ્ડ.

[23] માણસ પૂર્વગ્રહો છોડવાને બદલે ઉપગ્રહો છોડ્યા કરે છે !!

[24] ખેતર એક એવી જગ્યા છે જ્યાં ઈશ્વર અને આદમી ઝટ ખબર ન પડે એમ સાથે રહીને પોતપોતાનું કામ કરતા હોય છે.

[25] ઉપકારની મજા માણવા બે વાત યાદ રાખવી પડે. એ તમે કર્યો હોય તો જેમ બને તેમ જલદી ભૂલી જાવ. એ તમારા પર કરવામાં આવ્યો હોય તો સદાય યાદ રાખો.

[26] જેના જીવનમાં કોઈ સંઘર્ષ જ ન આવ્યો હોય એવો આદમી હજી આ દુનિયા પર પેદા થયો નથી.

[27] મા કેવી દેખાય છે તે જાણવા માટે બાળકે ગર્ભમાંથી બહાર આવવું પડે છે.

[28] એકાંતનું મંદિર હોય, મૌનનો ઘુમ્મ્ટ હોય ત્યાં સદાય આનંદની ધજા ફરકતી રહે છે.

[29] ચિંતાનું ઉપસ્થાન આપણું મન છે, ખરેખર તો મન એ આનંદનું ઉપસ્થાન હોવું જોઈએ.

[30] પ્રિયતમા કે પ્રિયતમનો વિરહ શું, એ જે ન સમજી શકે તે પ્રભુના વિરહની વેદનાને સમજે ખરો ?

[31] આકારા સ્વભાવના પતિને ઠંડા સ્વભાવની પત્ની મળે તો કુટુંબનું સરેરાશ ઉષ્ણતામાન જળવાઈ રહે !