- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

તમને ગુસ્સે થવાનું પોસાય છે ? – રાધા શેઠ

[‘ઝરણાં’ સામાયિક (મુંબઈ) માંથી સાભાર.]

ગુસ્સો એ માનવીનું સ્વભાવગત લક્ષણ છે. ભાગ્યે જ કોઈ માઈનો લાલ એવો મળી આવે કે જે ક્યારેય ગુસ્સે ન થતો હોય, પરંતુ અમુક હદની બહાર વ્યકત થતા ગુસ્સાનું આક્રમક સ્વરૂપ ઘણું ભયાનક હોય છે. ગુસ્સો કેમ આવે છે ? ગુસ્સો પ્રકૃતિ છે કે વિકૃતિ ? માણસના ગુસ્સાનો આધાર શેની પર છે ? ડૉક્ટરો કહે છે મગજની સ્પ્રિંગ છટકવાનાં કે બોઈલર ફાટવાનાં કે મિજાજ ફાટવાના શારીરિક અને માનસિક કારણો હોય છે.

માનસશાસ્ત્રીઓ ગુસ્સાને કુલ ચૌદ પ્રકારમાં વહેંચે છે જેમાં નારાજગી, ચીડ, આક્રમકતા, ચીસ, ઘૃણા, અધીરાઈ, માનભંગ, ક્રોધ, સામાન્ય ગુસ્સો, હતાશા, અસ્વસ્થતા, વેરવૃત્તિ, ઈર્ષા અને ઝઘડાનો સમાવેશ થાય છે. ગુસ્સાના આ ચૌદ પ્રકારો વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. માણસ કઈ બાબતોને કારણે ગુસ્સે થાય છે ? વધતી જતી ભૌતિક જરૂરિયાતો, અભાવોની પરંપરા, અસંતોષ, ઉપેક્ષા, અપમાન, ઈર્ષા વગેરે અનેક કારણોને લીધે માણસ ચીડિયા સ્વભાવનો થઈ જાય છે. કેટલાક લોકો મિત્ર કે પ્રિયજનનાં ગેરવર્તન, જીદ કે ઉપેક્ષાને કારણે ગુસ્સે થતા, તો કેટલાક બીમારી, ત્રાસ કે પીડાને કારણે પણ ચીડિયા બની જતા. જિંદગીભરની હાડમારી અને સતત સંઘર્ષ પણ અનેક લોકોને ઉગ્ર મિજાજના બનાવી દે છે.

આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવાનો સંઘર્ષ વ્યગ્રતા અને રોષને જન્મ આપે છે. અજાણતાં જ માનવીની સૂક્ષ્મ લાગણીઓ દુભાય તેની મગજમાં સતત નોંધ થતી રહે છે. પરિણામે ઉદ્દભવતો અવ્યક્ત ગુસ્સો માનવીને માનસિક તાણ અને હતાશા તરફ લઈ જાય છે. રોજના એકસરખા રૂટિન વર્કથી કંટાળીને પણ માણસ ચીડિયા સ્વભાવનો બની જાય છે. બસના કંડકટર કે કાઉન્ટર પરના કલાર્કના ગુસ્સાનો તો ઘણાને પરિચય થઈ ગયો હોય છે. ગુસ્સાખોર પતિના હાથનો માર ખાવાનો પ્રસંગ તો ઘણી પત્નીઓ માટે સામાન્ય થઈ ગયો છે, પણ કોઈ વૃદ્ધ કે ઘરના વડીલને વિનાકારણ કોઈ મારે એવું બને ખરું ? હા, બને, કારણ કે ગુસ્સામાં માણસ સાન-ભાન, વિવેક, માન-મર્યાદા વગેરે બધું જ ભૂલી જાય છે. સંજોગવશાત મજબૂરન શાંત રહેલી વ્યક્તિનો ગુસ્સો અન્ય વ્યક્તિઓ કે વસ્તુ પર ઠલવાય છે. બોસ અપમાન કરી નાખે ત્યારે નછૂટકે ચૂપ રહેલો કલાર્ક, પ્યુન કે અન્ય કોઈને ખખડાવી નાખે છે. તો પ્યુન ઘરે પત્ની કે બાળકો પર ગુસ્સો ઉતારે છે.

હંમેશાં ગુસ્સો વ્યકત કરી દેવાથી માણસ શાંત થઈ જાય તેવું પણ નથી. ઘણી વાર માણસ ગુસ્સે થયા પછી પણ બેચેની, અપરાધીની કે ચિંતાની લાગણી અનુભવે છે. ઘણી વાર ક્ષણિક ગુસ્સામાં ખોટું પગલું ભર્યા પછી માણસ પસ્તાય છે. કેટલીક વાર ગુસ્સો વ્યક્ત કરી દેવાથી નાની વાત મોટું સ્વરૂપ પકડી લે છે. ક્યારેક ગુસ્સો વ્યકત કરવાથી માણસ ટેમ્પરરી શાંત થઈ જાય છે, પણ તેના મનમાં રહેલ અસંતોષ કે વેરવૃત્તિ વધારે દઢ બને છે.

ગુસ્સો એ એક કુદરતી આવેગ છે. ગુસ્સો ઉત્પન્ન થવા પાછળનું કારણ બાયોલોજિકલ છે. મગજનો ‘હાઈપોથેલામસ’ નામનો ભાગ ગુસ્સાની લાગણી માટે કારણભૂત છે. કોઈ પણ બાહ્ય કારણોસર ઉત્પન્ન થયેલા ગુસ્સાને હાઈપોથેલામસનું ચેતાતંત્ર મેગ્નિફાય કરી લાંબા સમય સુધી અસર ઉત્પન્ન કરે છે. તમે માનશો ? બે ઉંદરડાઓ ઢિશૂમ-ઢિશૂમ કરે તો તેની અસર ચોવીસ કલાક સુધી તેમના મગજ પરથી નથી જતી. શરીરના કેટલાક ભાગને ઈલેક્ટ્રિકલી ઉત્તેજિત કરવામાં આવે તો પણ માણસ જલદી ગુસ્સે થઈ જાય છે. લોહીમાંના કેટલાક રસાયણો પણ ગુસ્સાની લાગણી માટે કારણભૂત જણાયાં છે. શાંત માણસના મગજમાં પણ ‘સિરમ’ નામના પ્રોટીનનું પ્રમાણ વઘ-ઘટ થાય તો તે આક્રમક બની જાય છે.

બાહ્ય વાતાવરણ માનવીને ઉત્તેજિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. અતિશય ગરમીમાં, ઘોંઘાટમાં, લાંબી બીમારીમાં, ખૂબ થાકેલી અવસ્થામાં કે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે અચ્છા અચ્છા ડાહ્યા માણસો પણ મિજાજ ગુમાવી દે છે. પારસ્પરિક સમજણના અભાવે કે વૃદ્ધાવસ્થામાં જનરેશન ગેપને લીધે મતભેદ સર્જાય છે. વિરોધાભાસી વિચારો અને પોતાની વાત જ સાચી હોવાની જીદ ગુસ્સાને આહવાન આપે છે. જો કે, કેટલાક લોકો જ્ઞાનતંતુઓની અવળચંડાઈનો ભોગ બનતા હોય છે. આવા લોકોમાં ચેતાતંત્રની અનિયમિત કામગીરીને કારણે તેઓ શાંત પરિસ્થિતિમાં પણ અકારણ ગુસ્સાના હુમલાનો ભોગ બનતા હોય છે. તેઓ નોર્મલ હોય ત્યારે તેમને ખુદને પણ આશ્ચર્ય થાય છે કે તેમણે આવું વર્તન કેમ કર્યું ?

મગજની લિમ્બિક સિસ્ટમની ખામી અકારણ ગુસ્સા પાછળનું મુખ્ય કારણ છે. લિમ્બિક સિસ્ટમમાં રહેલો એમેગ્ડેલા નામનો ભાગ ગુસ્સાની લાગણી સાથે સીધો સંકળાયેલો છે. એમેગ્ડેલાની કોઈ ખામીને કારણે કોઈ કોઈ વ્યક્તિ તો અતિશય હિંસક વર્તન કરે છે. પહેલાંના સમયમાં સ્ટિરિયોટેટિક સર્જરીની મદદથી મગજનો આ ભાગ દૂર કરવામાં આવતો. પરંતુ એમેગ્ડેલા દૂર કરવાથી વ્યક્તિ અતિશય શાંત, પાલતુ જાનવર જેવી આજ્ઞાંકિત અને સ્વતંત્ર બુદ્ધિ કે નિર્ણયશક્તિ વગરની થઈ જતી હોવાથી સર્જરી માટે ડૉક્ટરો સલાહ નથી આપતા. તેને બદલે દવાઓની મદદથી કે ‘રેશનલ ઈમોટિવ થેરપી’ જેવી સાયકોલોજિકલ ટ્રીટમેન્ટથી ગુસ્સાનો ઈલાજ કરવામાં આવે છે.

આમ તો પ્રાચીનકાળથી આજ સુધી માણસની આનંદ અને શાંતિ માટેની ઝંખના યથાવત રહી છે. તેમ છતાં માનવમન પરનું ગુસ્સાનું વર્ચસ્વ ઘટવાને બદલે વધતું જાય છે. જો કે ગુસ્સો વ્યક્ત કરવાની રીત થોડી બદલાઈ છે. ગુસ્સો કરવામાં પણ સૌની આગવી સ્ટાઈલ હોય છે. સત્તાધારી વ્યક્તિ મોટે ભાગે સામેની વ્યક્તિને ધમકાવીને ક્રોધ વ્યક્ત કરે છે તો મમ્મી-પપ્પાઓ અને શિક્ષકોને તમાચો મારવાનું વધુ ફાવે છે. બાળકો ધડા-ધડ વસ્તુઓ ફેંકીને, પગ પછાડીને કે રડીને પોતાના ગુસ્સાનો પરિચય આપે છે. બાળકો જ નહિ, મોટા પણ વધુ પડતા ગુસ્સે થાય ત્યારે રડી પડે છે. મોટે ભાગે સ્ત્રીઓ મોઢું ચડાવીને કે અબોલા લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે. આમ જોઈએ તો સ્ત્રીનો ગુસ્સો ખૂબ જ ઘાતક માનવામાં આવે છે.

ક્રોધ એ ક્ષણિક આવેગ હોઈ ગમ ખાવાથી કે જતુ કરવાની Let go ભાવના કેળવવાથી ગુસ્સાને નિવારી શકાય છે. શાંત અને આનંદી સ્વભાવ કેળવી ગુસ્સો ઉત્પન્ન જ ન થવા દેવો એ સારો ઉપાય છે. જેમ ભયજનક પરિસ્થિતિમાં હિંમત કેળવવાથી ભયની ગ્રંથિ મનમાંથી કાઢી શકાય છે તે જ રીતે ઉગ્ર વાતાવરણમાં પણ શાંત રહેવાની આદત કેળવી ગુસ્સા પર કાબૂ મેળવી શકાય છે. ખેલદિલી એ ગુસ્સાનો રામબાણ ઈલાજ છે. આપણે ખેલદિલીપૂર્વક સામેની વ્યક્તિના દષ્ટિકોણથી કોઈ વાતને સમજીએ તો પ્રશ્ન આપમેળે જ હલ થઈ જાય.