- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આધુનિક સત્યકામ – કાનન શાહ

[ રીડગુજરાતીને આ સત્યઘટનારૂપી સુંદર કૃતિ મોકલવા બદલ, 29 વર્ષીય યુવા લેખિકા તેમજ વ્યવસાયે સૉફટવેર પ્રોગ્રામર એવા શ્રીમતી કાનનબહેનનો (કેલિફોર્નિયા, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

ઉપનિષદકાળના સત્યકામ અને તેની માતા જાબાલની સત્યપ્રીતિની વાત તો બહુ જાણીતી છે, પરંતુ એ વાત નો ઉલ્લેખ્ખ થતાં એમ લાગે કે એ તો બધી પુરાણકાળની વાતો ! શું એ વાતો વર્તમાનકાળમાં પણ એટલી જ પ્રસ્તુત છે ? આજના જમાનામાં તો લાભ એ જ આદર્શ. આમ તો આપણી સંસ્કૃતિએ ‘શુભ-લાભ’ એમ બંને શબ્દોને સાથે જોડ્યા છે. આપણા પૂર્વજોએ આપેલું મજાનું સુત્ર જે હંમેશા આપણને યાદ આપાવે કે “જે શ્રેયકર હોય એ જ પ્રેય હોય.” પણ ક્યારેક આપણે એ સમજવામાં થાપ ખાઈએ છીએ કે જે શુભ હોય એ જ લાભપ્રદ કે જે શુભ અને સત્ય હોય એ જ સાચો લાભ ? નજીકના ઈતિહાસમાં આપણા આ આદર્શોનું સ્મરણ ગાંધીજીએ ફરીથી ‘સાધનશુદ્ધિ’ની વાત કરીને બતાવ્યું.

રોજ સવારે અખબાર હાથમાં લઈએ કે ટી.વી.માં સમાચાર સાંભળીએ તો એમ જ લાગે કે આપણી સંસ્કૃતિનાં આદર્શો ભૂતકાળમાં વહી ગયા અને આ સુત્રોને ભૂલીને આપણે સહુ આજે લાભની જ શોધમાં રચ્યા-પચ્યા રહીએ છીએ. તેથી મારા પરિચયમાં આવેલા અને આપણી જ વચ્ચે રહેતા, આ જ જમાનામાં જીવતા એવા આધુનિક સત્યકામની વાતો કરવાનું મન થાય છે.

અમદવાદમાં સરસપુર વિસ્તારમાં આપણો પહેલો આધુનિક સત્યકામ રહે છે. તે પોતે એ જ વિસ્તારની એક શાળામાં અભ્યાસ કરે છે. બને છે એવું કે કોઇ કારણસર એના પિતાને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા. હવે આજના કપરા સમયમાં નવી નોકરી શોધવાનું તો ખુબ જ મુશ્કેલ, તેથી માતા-પિતા બંન્ને નાનાં-મોટા કામ કરે ને ઘરનું ગુજરાન ચલાવે. સમય વીતતાં આપણા સત્યકામભાઇ લાંબા થયા અને યુનિફોર્મ પડ્યો ટૂંકો ! હવે નવા યુનિફોર્મના પૈસા ક્યાંથી લાવવા ? એટલે એ તો યુનિફોર્મ વગર જ ભણવા પહોંચ્યા. શાળામાં વર્ગશિક્ષકે પુછ્યું કે ‘તમારો યુનિફોર્મ ક્યાં ?’
‘સાહેબ, હવે મને ટૂંકો પડે છે.’ સત્યકામે કહ્યું.
‘તો વેકેશનમાં બીજો કરાવી લેવાય અને બજારમાં તૈયાર પણ મળે છે. કાલે જો યુનિફોર્મ વગર આવ્યો તો વર્ગમાં બેસવા નહી મળે.’

સત્યકામના માત-પિતા એ શિક્ષકને આવી ને પેટ છૂટી વાત કરી. વાત સાંભળીને શિક્ષક પણ મૂંઝાયા. હવે કરવું શું ? એટલે એ પહોંચ્યા શાળાના સંચાલક પાસે. સહુએ ભેગા મળીને નિર્ણય કર્યો કે શાળાની શિસ્ત તો જળવાવી જ જોઈએ, એમાં છુટ ન અપાય. માટે શાળાના ફંડમાંથી બે નવા યુનિફોર્મ સત્યકામને આપવા. શિક્ષકે સત્યકામને બોલાવીને કહ્યું કે ‘કાલે ઓફિસમાં જઈ ને માપ આવી આવજે એટલે તારો યુનિફોર્મ આવી જશે. બીજે દિવસે સત્યકામે આવીને વર્ગશિક્ષકને કહ્યું : ‘સાહેબ, એક જ યુનિફોર્મ જોઇશે. અને એ પણ ખાલી પૅન્ટ. મારી મમ્મી કહે છે કે પપ્પાનું એક સફેદ શર્ટ છે, મમ્મી એની બાંય કાપી નાખશે એટલે ચાલશે અને રોજ રાતે ધોઇ નાખીએ તો એક તો બહુ થઈ ગયો !’ આટલી નિખાલસતા, આવું સત્ય, અને એ પણ આ જમાનામાં ? સરસપુરના સત્યકામની આ વાત મને ખૂબ સ્પર્શી ગઈ. પોતાની પાસે જે છે તે વસ્તુઓનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે આ વ્યક્તિ કેટલો બધો જાગૃત છે ! એ જાગૃતિ તેને સંગ્રહખોરીમાંથી બચાવે છે.

બીજા સત્યકામની મુલાકાત મને પુનામાં થઈ. એ સમયમાં મારા પપ્પાની બદલી પુના શહેરમાં થઈ. નવા શહેરમાં આવીને ત્યાંના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાનું મન તો સહેજે થાય જ ! રોજ જુદી જુદી જગ્યાએ ફરતાં એકવાર અમે પુના શહેરના આચાર્ય રજનીશના આશ્રમની મુલાકાત લેવાનું નક્કી કર્યું. રિક્ષામાં બેસીને પહોંચ્યા તો 82 રૂપિયા ભાડુ થયું ! મનમાં ખટક્યું તો ખરું જ અને મનોમન બીજા બધા સ્થળે પહોંચતા થયેલા ભાડાની સરખામણી કરતાં લાગ્યું પણ ખરું કે કંઈક ગરબડ છે.

નવા શહેરમાં આવું તો થાય – એમ વિચારીને અમે આશ્રમમાં અંદર ગયા. ત્યાંની ‘ગાઈડેડ ટુર’ લઈને લગભગ કલાકેક પછી અમે બહાર આવ્યા. ત્યાં એક રિક્ષાવાળાએ અમને પૂછ્યું : ‘તમે સહકારનગરથી આવ્યા ?’ અમે ‘હા’ પાડી એટલે કહે ‘તમે મારી જ રિક્ષામાં આવ્યા હતાં. પણ મારાથી પૈસા લેવામાં ભુલ થઈ છે.’
બસ એણે એટલું કહ્યું અને અમે એના પર ગુસ્સે થઈ તૂટી પડ્યાં : ‘હજી કેટલાંક પૈસા જોઇએ ? આમ પણ તમે વધારે જ લીધા હોય એવુ અમને તો લાગે છે.’ પેલો બિચારો કહે : ‘મને પણ એવુ જ લાગ્યું. એટલે મેં બીજા રિક્ષાવાળાઓને પુછ્યું. તે બધા કહે છે કે ચાલીસ-પિસ્તાલીસ જ થાય. એટલે મારા મીટરમાં કંઈ ભૂલ લાગે છે. તમે ઘરે જ જતા હોવ તો ચાલોને મીટર જરા ધ્યાન થી જોજો.’
અમારે ઘરે જ જવું હતું એટલે વળી પાછા અમે એની જ રિક્ષામાં બેઠા. એનું મીટર નવ પછી દસ થવાની જગ્યાએ અગિયાર થઈ ગયું એટલે અમે એને તુરંત જાણ કરી. તેણે કહ્યું : ‘મેં આજે જ નવું મીટર લગાડ્યું એટલે જ આમ થયું. તમારા વધુ પૈસા લેવાઈ ગયા એમ લાગ્યું અને મને એ વાતનો બહુ અજંપો થતો હતો. તેથી હું તમે પાછા આવો એની રાહ જોઈને એક કલાક ઊભો રહ્યો.’
ઘરે પહોંચ્યા એટલે એ કહે કે : ‘હવે આપણો હિસાબ બરાબર થયો.’ અમે એને બીજા પૈસા આપવા અને છેવટે ઘરે ચા-નાસ્તા માટે આવવા ખુબ આગ્રહ કર્યો પણ એ ન માન્યો, તે ન જ માન્યો !!

મારો ત્રીજો અનુભવ બિહારની રાજધાની પટનાનો. એ સમયે મારા પિતાની બદલી પટના થઈ અને અમે બિહારની એક છબી મનમાં બનાવીને જ ત્યાં પહોંચ્યા હતાં ! પડોશીઓની વાત સાંભળીને એ છબી વધુ અંકિત થઈ. રસ્તાં પર જતો દરેક માણસ ચોર કે ગુંડો જ લાગે. અમારા મકાનની બહાર થોડા સાઈકલરિક્ષાવાળા રાત્રે એમની રિક્ષામાં કે ફૂટપાથ પર સૂઈ રહે. અમારા મકાનમાલીક કહે : ‘આ લોકો જ ધ્યાન રાખે કે ક્યારે કોઇ ઘરે છે કે નહીં અને આ લોકો જ ચોરી કરાવે.’ અમે રોજ રાત્રે પટનાનાં બાકીના લોકોની જેમ જ અનેક તાળાં મારીએ અને કાર પણ ગૅરેજમાં મૂકીને ગેરેજને પણ તાળું મારીએ. રોજ તાળાં મારવા અને સવારે બધું સલામત છે કે નહીં તે ચકાસવું એ અમારો નિત્યક્રમ ! મારી મમ્મીને પેલા રિક્ષાવાળાની ખુબ દયા આવે. ઘરે મિઠાઈ બને તો એમનો ભાગ રાખે અને આપી આવે. ક્યારેક મને મોકલે તો હું “ચોર લોકોને ખાવાનું ન આપવું જોઇએ” એ વિષય પર ભાષણ આપું. શિયાળામાં ઠંડી વધી અને મમ્મીએ તો એમને ઓઢવા માટે રજાઈ પણ કાઢીને આપી દીધી !

એક દિવસ ઘરે મહેમાન આવ્યાને રાત્રે મોડુ થઈ ગયું. ઉતાવળમાં પપ્પા ગાડી ગૅરેજમાં મૂકવાનું ભૂલી ગયાં. વહેલી સવારે પાંચ વાગ્યે પપ્પાની આંખ ખૂલી અને ગાડી યાદ આવી. પછી તો જાતજાતનાં વિચાર આવે. કારણ કે બે દિવસ પહેલાં જ અમારા પડોશી ચાલતાં ઘરે આવેલા. રસ્તાંમાં તેમને ગુંડા મળ્યાં અને રિવોલ્વર બતાવીને ગાડી લઈને રવાના થઈ ગયાં હતાં. જ્યારે અમારી ગાડી તો બહાર જ પડી હતી અને બહાર પેલાં રિક્ષાવાળા….!?! રેણુ આન્ટી નહોતા કહેતા કે પટનાંમાં તો આ લોકો જ ચોર ને બોલાવે ?….. અમે ત્રણે દોડતાં બહાર પહોંચ્યા તો અમારી ગાડી એકદમ સલામત ! અને પેલા રિક્ષાવાળાઓ ગાડીની આજુબાજુ બેઠા હતાં. તેઓ એ પપ્પાને જોઇને કહ્યું : ‘અરે, બાબુજી ગાડી અંદર રખના કાહે ભૂલ ગયે ? કલ વો બગલવાલે દાક્તર બાબુકી ગાડી લે ગયે જાનત નાહી કા ? હમ તો ફિર પૂરી રાત ચોકી દેત રહે.” અમે એમનો ખુબ આભાર માનવા લાગ્યાં, તો તેઓ કહે : ‘ આપ કે તો કિતને ઉપકાર હૈ. માજી તો હંમેશા ખ્યાલ રખતી હી હૈ ! આજ હમારી બારી !’

આજે આમ તો આપણે સહુ કોઇને કોઇ રીતે આપણો ફાયદો ક્યાં, કેવી રીતે વધુ લાભ મેળવી શકીએ ને કેમ વધુ સમૃદ્ધિ મેળવીએ એના જ વિચારોમાં ખોવાયેલા રહીએ છીએ. મુંબઈના બોંબ ધડાકામાં વપરાયેલું આર-ડી-ઍક્સ પણ લાભની આશામાં લાંચ લઈને દેશમાં ઘુસવા દેનાર અધિકારીઓ પણ આ જ દેશમાં છે, ત્યારે આ સામાન્ય માનવીઓની અસાધારણ માનવતા અને સત્યના માર્ગે જ ચાલવાની તત્પરતા, શું પુરાણકાળનાં ઋષિઓ જેટલી જ આદરને પાત્ર નથી ?