- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવનનો હેતુ – મૃગેશ શાહ

મનુષ્ય જીવનનો મૂળ હેતુ શું ? એવું કર્યું કાર્ય આપણે કરીએ કે જીવનમાં ધન્યતાનો અનુભવ થાય ? – જો આ પ્રશ્ન આપણે કોઈ તત્વજ્ઞાનીને પૂછીએ તો એ કહેશે કે ‘મનુષ્યના જીવનનો મૂળ હેતુ પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો. જીવનમાં ઉત્તરોત્તર આંતરબાહ્ય શુદ્ધિ કરતા રહીને નિષ્કામ કર્મો દ્વારા પૂર્ણતાને પ્રાપ્ત કરી શકાય.’ પરંતુ આજનો વ્યસ્ત અને ત્રસ્ત માનવી એ બધુ કેમ કરીને કરી શકે ? વળી, પૂર્ણતા એટલે શું ? આવા બધા અનેક પ્રશ્નો આપણા મનમાં થાય.

ઉપનિષદો અને પુરાણોમાં અમુક એવા પ્રસંગો ઘણી જગ્યાએ મળી આવે છે કે જેમાં દેવર્ષિ નારદ પૃથ્વીની પરિક્રમા કરવા જાય છે, લોકોના દુ:ખો જુએ છે અને ગૌલોક ધામ પરત ફરીને ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે કે ‘હે પ્રભુ, આ માનવજાતિના દુ:ખ કેમ કરીને દૂર કરી શકે ? વ્યક્તિ શાંતિ કેમ પામી શકે ? તે પોતાના જીવનના મૂળ હેતુને કેમ કરીને સાર્થક કરી શકે ?’ – અને પછી અનેક જુદા જુદા પ્રકારની વિસ્તૃત કથાઓ મળે છે. જ્યારે આ પ્રસંગ વાંચવામાં આવે છે ત્યારે એમ થાય છે કે શ્રી દેવર્ષિ નારદએ આપણું મન છે. મન સતત ફરતું રહે છે. દેવર્ષિ નારદનું પૃથ્વી પર આવવું એ મનની ભૌતિકવસ્તુઓ તરફની દોટ છે. એ પછી એક સમય એવો આવે છે જ્યારે મન આ બધી વસ્તુઓમાંથી પાછું ફરે છે અને એવા કોઈક સંજોગોમાં આ પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે કે ‘મનુષ્ય જીવનનો મૂળ હેતુ શો ?’

મનનો સ્વભાવ છે ખોજ કરવાનો. એ તો સારું છે કે આજની વ્યસ્ત જિંદગીમાં આપણને બહુ વિચારવાનો સમય નથી મળતો, બાકી મન જાતજાતના પ્રશ્નો ઊભા કરી શકે તેવું છે. આમ, જુઓ તો ખરેખર એવા પ્રશ્નો ઉભા થવા જ જોઈએ કારણકે એના વગર આપણે જે મૂળ વસ્તુ પ્રાપ્ત કરવાની છે એ પ્રાપ્ત નથી કરી શકાતી. જીવન એ કોઈ ફેક્ટરીના પેલા ‘મુવિંગ બેલ્ટ’ જેવું થોડું છે કે જન્મ લઈને એક છેડેથી બેસી ગયા તે મૃત્યુરૂપી બીજા છેડે ઊતરી ગયા ? એ કોઈ ટનલ તો છે જ નહિ કે બસ, અંદર પેઠા અને એકધારી ગતિથી બહાર નીકળી ગયા. ખરેખર ! જો એમ હોત તો બધાના જીવન એક સરખા જ હોત. વસ્તુત: આપણે જે જીવીએ છીએ એના કરતાં અસલ જીવન અનેક ઘણું ઉપર છે અથવા એમ કહો કે અનેક ગણું અલગ છે અને તેથી જ તેને કિંમતી કહ્યું છે.

શું છે આ જીવન ? જીવન એટલે ભણવું, ડીગ્રીઓ લેવી, સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરવું ? જીવન એટલે સમાજમાં પોતાની કીર્તિ સ્થાપિત કરવી ? જીવન એટલે પાંચ આંકડાનો પગાર મેળવવો ? જીવન એટલે લગ્નપ્રસંગ, બર્થડે-પાર્ટી, મ્યુઝિકલ નાઈટ કે પ્રકૃતિના પ્રવાસ ? છે શું જીવન ? જીવન એટલે લગ્ન કરવા, સંતાનો ઉછેરવા, સંબંધો સ્થાપિત કરવા ? જીવન એટલે બૅંક-બેલન્સ ? જીવન એટલે પાછલી ઉંમરે તબીયત સાચવવી અને તીર્થયાત્રઓ કરવી ? ના…ના… ના… જીવન આટલી નીચી સપાટીએ વહી ના શકે. એ એટલું સસ્તું નથી. કારણકે ભગવાન વેદે ઘોષ કર્યો છે કે ‘સત્યયુગના સમયમાં મનુષ્ય જન્મ માત્રથી કૃતકૃત્ય હતો. તે ધન્યધન્ય થઈ જતો.’ જીવન સાવ જો ઘાંચીના બળદ જેવું હોત તો રામચરિતમાનસે એમ કહ્યું ન હોત કે ‘કબહુ કરિ કરુણા નર દેહી’ (ઈશ્વર કરુણા કરે છે ત્યારે મનુષ્ય દેહ આપે છે, કારણકે મનુષ્ય બનવું એ અત્યંત મહત્વની વાત છે. – આ બધા પરથી એટલું તો નક્કી થાય કે જીવન કંઈક અલગ જ વસ્તુ છે. જીવન વિશેની આ ખોજનું અગત્યનું કોઈક પાસું છે જે આપણને દેખાતું નથી. જો એ જડી જાય તો આપણું જીવન આ યુગમાં પણ કૃતકૃત્ય થઈ જાય. આપણા જીવનમાં ભૌતિક સુખોના મીંડા બહુ છે. ઘર, કાર, કેમેરા, કોમ્પ્યુટરો, ફાર્મ હાઉસ, કલબોની મેમ્બરશીપ, લાખો-કરોડોના કારોબાર…. અધધધ…. કેટલા બધા મીંડા !?! પણ, જ્યાં સુધી ‘જીવન શું છે ?’ એ પ્રશ્નના ઉકેલરૂપ ‘એકડો’ નહીં આવે, ત્યાં સુધી આ બધા એકડા વગરના મીંડાની શી કિંમત ? આ મીંડાને ખોટા ગણીને કાઢી નાખવાની પણ જરૂર નથી, એમ કરીશું તો જીવન શુષ્ક થઈ જશે. ઘણીવાર ધર્મના મર્મને બરાબર ન સમજીને આપણે મીંડાઓ કાઢી નાખવાની ભૂલ કરીએ છીએ. હકિકતમાં એને કાઢવાની જરૂર નથી. આપણે તો બસ, ગમે ત્યાંથી ‘એકડો’ શોધી લાવીને એની આગળ મૂકી દેવો છે. અને એમ કરવાથી જ આ જીવનનું મૂલ્ય અનેકગણું વધી જશે અને કૃતકૃત્યતાની લાગણી અનુભવાશે !

નરસિંહ, મીરાં, તુકારામ જેવા કેટલાક લોકોને આ ‘એકડો’ પ્રાપ્ત થયો છે. જેમને આ જીવનરૂપી કોયડાનો ઉકેલ મળી ગયો છે તેઓના મનમાં કોઈ પ્રશ્નો શેષ રહ્યા જ નથી. તેઓના જીવનનું બરાબર અવલોકન કરીએ તો દેશકાળ પ્રમાણે તેમના વ્યવહાર, વ્યવસાય, વાતચીત, સંબંધો, સંસાર – બધું સામાન્ય લોકો જેવું જ રહ્યું છે. પરંતુ પેલા પ્રાપ્ત થયેલા પ્રશ્નના ઉત્તરે તેમનો જીવન પ્રત્યેનો આખો દષ્ટિકોણ જ ફેરવી નાખ્યો છે. તેથી જે વસ્તુઓ આપણને આગ દઝાડતી ગરમી આપે છે, તે જ વસ્તુઓમાં તેમને શીતળતાનો સુખદ સ્પર્શ થયો છે ! જો એમ ન હોત તો નરસિંહ મહેતા તેમના પત્નીના મૃત્યુના પ્રસંગે એવું કેવી રીતે કહી શકે કે ‘ભલું થયું ભાગી જંજાળ’ ? મીરાં એવું કેવી રીતે કહી શકે કે ‘રાણા એ તો વિષને બદલે અમૃત મોકલ્યું છે.’ ? તે લોકોની સામે આપણી મનોદશા તો જુઓ ? ટી.વી સિરિયલમાં કોઈનું મૃત્યુ બતાવે તો પણ આપણને કંપારી છૂટી જાય છે. જે પરિસ્થિતિઓમાંથી આજે આપણે પસાર થઈએ છીએ તેનાથી અનેક ઘણી વિકટ પરિસ્થિતિઓમાંથી આપણો પાછળનો યુગ અને તે યુગના લોકો પસાર થયા છે કારણ કે તે સમયે ભૌતિક ચીજવસ્તુઓની વાત તો બાજુ પર, પણ પેટ ક્યાંથી ભરવું એ જ મુખ્ય સવાલ હતો. છતાં એવા કપરા કાળમાં પણ જેમને જીવનનું સત્ય જડી ગયું, જેથી એ લોકો પોતે પરમ સ્વસ્થ રહી શક્યા. માત્ર એટલું જ નહિ તેમના સંપર્કમાં આવનારા લોકોને પણ સ્વસ્થતા અને શાંતિ પ્રાપ્ત થઈ. આપણે તો એટલી મુશકેલીઓ નથી ને ? તો પછી આપણે તો જીવનનું સત્ય વધારે ઝડપથી શોધી શકીએ એવું બનવું જોઈએ, પરંતુ થાય છે ઊલટું. જેમ આપણે સાધનોની વચ્ચે જીવતા થયા એમ સહજતાથી દૂર અને દૂર થતા ગયા.

જેમ દરેક તાળાની ચાવી જુદી જુદી હોય છે, એક તાળાની ચાવી બીજાને નથી લાગતી તેમ જીવનનું સત્ય દરેક ને અલગ અલગ રીતે પ્રાપ્ત થાય છે. એ પ્રત્યેક વ્યક્તિની અનુભૂતિની બાબત છે. આ પ્રાપ્તિના માર્ગ જુદ જુદા હોઈ શકે પરંતુ તેમાં રહેલો પેલા પ્રશ્નનો ઉકેલ ‘જીવન એટલે શું ?’ – એની શોધ દરેક વ્યક્તિગત કરવાની છે. પછી ભલે ને એ ઉકેલ ભગવાન બુદ્ધને વૃક્ષ નીચે પ્રાપ્ત થાય કે અખાને દુકાને બેઠાં બેઠાં કે ગુરૂ નાનકને એક, દો, તીન, ચાર…. એમ તેર સુધી ગણતાં ‘તેરા’ શબ્દ બોલતાં ! માર્ગ અલગ છે, અનુભૂતિ અલગ છે, પરંતુ જે પ્રાપ્ત કરવાનું છે તે તત્વ તો એક જ છે.

ફરી ફરીને મૂળ પ્રશ્ન પાછો એ જ આવે છે, કે આ બધું તો બરાબર પણ ‘આપણા જીવનનો મૂળ ઉદ્દેશ શું ?’ એ સીધું જ કહી દો ને !

સરળ ભાષામાં વિચારીએ તો જીવનનો પહેલો ઉદ્દેશ છે અંતર્મુખ બનવાનો – એમ જણાય છે. કારણ કે ઉપરના કોઈ પણ ઉદાહરણ તમે જુઓ ! એ પછી નરસિંહ મહેતા હોય, મીરાં હોય, ગુરુનાનક હોય કે કબીર હોય કે ભગવાન બુદ્ધ. – પ્રત્યેક વિશિષ્ટ માનવીઓ અંતર્મુખ બન્યા છે. અરે આ બધા છોડો, આપણા વર્તમાન યુગના બીલ ગેટ્સ ને જુઓ, અબ્દુલ કલામને જુઓ કે ઝાકીર હુસેનને જુઓ. આ અંર્તમુખ બનવું એટલે કોઈ એક સ્થાન પર આપણી સમગ્ર ઉર્જાને કેન્દ્રિત કરવી. તે વસ્તુને જીવન સમર્પિત કરવું. અને એક વાર જીવન કોઈ વસ્તુ માટે સમર્પિત થાય છે પછી વ્યક્તિ સોળે કળાએ ખીલી ઊઠે છે. એના જીવનમાં રોજિંદા દુ:ખો તો આવે છે પરંતુ એ સમર્પણ ને લીધે મનની સ્થિરતા એટલી હોય છે કે તે દુ:ખોને ઝીલી શકે તેવા સક્ષમ બની જાય છે. નરસિંહ મહેતાને નાત બહાર કાઢે, મીરાંને મેવાડ છોડવું પડે, સંગીત-સાહિત્ય-કલાના માધ્યમાં રહેલા લોકોને ભણવાનું છોડવું પડે – આ બધી જ વસ્તુઓ આમ તો આપણને દુ:ખરૂપ લાગે પરંતુ જે અંતર્મુખ છે, જે પોતાની કલા પ્રત્યે સમર્પિત છે તેને મન તે દુ:ખનો દાવાનળ પ્રગટાવી શકતી નથી.

આપણું કાર્ય આપણને અંતર્મુખ બનાવે એવું હોવું જોઈએ એમ વિચારતા લાગે છે. અને જો એ અંતર્મુખ બનાવે એવું ન હોય તો પ્રાર્થના, ધ્યાન, યોગ કે ગમે તે માધ્યમથી આપણે અંતર્મુખ બનવું પડશે. આજના ભૌતિક યુગમાં સ્વસ્થતાથી જીવવું હોય તો આટલી સ્થિરતા તો અતિઆવશ્યક છે. જો આપણે અંતર્મુખ નહીં હોઈએ તો નાની-નાની ઘટનાઓ પણ આપણા માથા પર ટપલી મારી જશે. તેથી આપણું મન તો ચોવીસે કલાક વલોવાયા જ કરે અને એવી રીતે જો દુ:ખ નહિ હોય, છતાંય ચોવીસેય કલાક દુ:ખ-દુ:ખ કરતાં-કરતાં જિંદગી પૂરી થઈ જશે. આ માત્ર દુ:ખની વાત નથી, સુખનું પણ એવું જ છે. જો અંતર્મુખ નહીં હોઈએ તો સુખ આપણને અભિમાની, અવિવેકી અને ભૌતિકતાની પાછળ દોડતા કરી દેશે – અને પુન: આપને સ્થિરતા ખોઈ બેસીશું.

ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ઘણી વખત એમ કહે છે કે : ‘તે બોલવા છતાં બોલતો નથી, તે ચાલવા છતાં ચાલતો નથી, તે જમવા છતાં જમતો નથી, એવો યોગી બધાની વચ્ચે હોવા છતાં બધાથી અલિપ્ત હોય છે.’ – આમ વિચારતા એવી કલ્પના થાય કે આ સ્થિતિ કેવી હશે ? પરંતુ સરળતાથી સમજીએ તો આ ‘અંતર્મુખવૃત્તિ’ સિવાય ક્શું જ નથી. તમે સવારે 10 વાગે અત્યંત ભીડ ભરેલી મુંબઈની લોકલ ટ્રેનમાં ધક્કામાં મુસાફરી કરો છો. ચારેબાજુ ઘોંઘાટ છે, કોલાહલ છે, બૂમાબૂમ છે પરંતુ તમને તેની કોઈ અસર થતી નથી કારણકે તમે કાનમાં MP3 પ્લેયર કે iPod લગાડેલું છે. તો આ સ્થિતિ યોગી જેવી જ છે ને ? કારણકે તમે સાંભળવા છતાં કશું જ સાંભળતા નથી. તમે જુઓ છો છતાં ક્શું જ જોતા નથી. – આ બધાનું કારણ તે સમયની તમારી અંર્તમુખતાથી છે. પછી એ અંર્તમુખતા ગમે તે સાધનથી આવી શકે. અમુકવાર તો ટેલિફોન પર વાત કરતાં પણ આવી સ્થિતિ સર્જાતી હોય છે, કોઈક વાર ધ્યાનથી જોજો !

આ પ્રકારની અંર્તમુખતા જીવનને ઘણા બધા ઘોંઘાટમાંથી બચાવી લે છે. આપણી આજુબાજુ લોકો ઘણો ઘોંઘાટ કરતા હોય છે, જો એ સાંભળવા બેસીશું તો થાકી જઈશું. આપણે આપણું મન અંતર્મુખ બને એ માટે પ્રયાસો કરવા જ પડશે. એના સિવાય કોઈ ઉપાય નથી. અને એમ જ્યારે થશે ત્યારે જીવનની સાર્થકતાનો અનુભવ થશે. તેથી ધ્યાનની ઉપાસના કરનારને પણ એમ કહેવામાં આવે છે કે જ્યારે ધ્યાન પરિપકવ થાય છે ત્યારે આજુબાજુના અવાજ સંભળાતા બંધ થઈ જાય છે. બાજુમાં 1600 PMPO નું મ્યુઝીક સીસ્ટમ વાગતું હોય તો પણ ધ્યાનીને ચલિત કરી શકતું નથી. ઋષિઓ કદાચ આવી રીતે જ પર્વતોની કંદરાઓમાં બેસી જતા હશે. વિજ્ઞાનીઓ કદાચ આવી રીતે જ પોતાના પ્રોજેક્ટમાં તલ્લીન બની જતા હશે. ડૉક્ટરો કદાચ આવી રીતે જ ઑપરેશન થિયેટરમાં ઓતપ્રોત થઈ જતા હશે. સાચો વિદ્યાર્થી કદાચ આવી રીતે જ પુસ્તકોમાં ખોવાઈ જતો હશે. કદાચ આ જ, મનની સ્થિરતાનું પહેલું પગથિયું છે. આ સ્થિરતા આપણા જીવનને અપાર આનંદથી ભરી દે છે, અને ખરેખર, જીવન ત્યારે જીવવા જેવું લાગે છે.

[નોંધ : પ્રિય વાચકમિત્રો, ‘જીવનનો હેતુ’ વિષય પર સ્વયં જે અનુભવ્યું અને સ્ફૂર્યું અથવા તો મનોગત જે ખોજ આરંભાઈ તેના પરિપાકરૂપે, આ લેખમાળા લખવાનો વિચાર કર્યો છે. જીવનનો પ્રથમ હેતુ એટલે મનની અંતર્મુખતા – એમ મને સમજાયું. હજી બીજા પણ કેટલાક જીવનના હેતુઓ છે, પરંતુ એ હજી મનમાં અસ્તવયસ્ત સ્વરૂપે પડ્યા છે. જેમ જેમ તે અનુભવનું સત્ય બનતું જશે તેમ તેમ આ લેખમાળામાં આગળ વધારે લખવાની કોશિશ કરતો રહીશ. – ધન્યવાદ.]