દેપાળદે – ઝવેરચંદ મેઘાણી

[‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માંથી સાભાર]

ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીસ સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં.

રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે : ‘હે દયાળુ ! મે’ વરસાવો ! મારાં પશુ, પંખી અને માનવી ભૂખ્યાં-તરસ્યાં મરે છે.’ પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ. ડુંગરા ઉપર ઘાસ ઊગ્યાં.

દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં તો ખરો, મારી વસ્તી સુખી છે કે દુ:ખી ? જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે કે નહિ ? દાણા વાવે છે કે નહિ ? તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ ?’ ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય. ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે, પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાંતીડે બબ્બે બળદો : બળદો પણ કેવા ! ધીંગા અને ધફડિયા.

પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે, પણ હળને બેય બાજુ બળદ નથી જોતર્યા; એક બાજુ જોતરેલ છે બળદ, ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી. માણસ હળ હાંકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે, બાયડીનેય લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળદે એની પાસે ગયા. જઈને કહ્યું : ‘અરે ભાઈ ! હળ તો ઊભું રાખ !’
‘ઊભું તો નહિ જ રાખું. મારે વાવણી મોડી થાય તો ? તો ઊગે શું, તારું કપાળ ? વાવણી ને ઘી-તાવણી ! મડું ઢાંકીનેય વાવણી કરવી પડે, ઠાકોર !’ એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વીનવ્યો : ‘અરેરે, ભાઈ ! આવો નિર્દય ? બાયડીને હળમાં જોડી !’
‘તારે શી પંચાત ? બાયડી તો મારી છે ને ? ધરાર જોડીશ. ધરાર મારીશ.’
‘અરે ભાઈ, શીદ જોડી છે ? કારણ તો કહે !’
‘મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું વરસ ખાઉં શું ? બાયડી-છોકરાંને ખવરાવું શું ? એટલા માટે આને જોડી છે !’ ‘સાચી વાત ! ભાઈ, સાચેસાચી વાત ! લે, હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.’
‘પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ; તે પહેલા નહિ છોડું. હળને ઊભું તો નહિ જ રાખું. આ તો વાવણી છે, ખબર છે ?’

રાજાએ નોકર દોડાવ્યો : ‘જા ભાઈ, સામાં ખેતરોમાં. મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે.’ તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા બોલ્યા : ‘લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.’
ખેડૂત બોલ્યો : ‘આજ તો ઊભા કેમ રહેવાય ? વાવણીનો દિવસ. ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછાં થઈ જાય !’
રાજાજી દુભાઈ ગયા : ‘તું પુરુષ થઈને આટલો બધો નિર્દય ? તું તો માનવી કે રાક્ષસ ?’

ખેડૂતની જીભ તો કુહાડા જેવી ! તેમાંય પાછો ચારણ ખેડૂત ! બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે ! એવું જ બોલ્યો : ‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જા ને ! તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો ?’
‘બરાબર ! બરાબર !’ કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઊતર્યા. અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું : ‘લે, છોડ એ બાઈને અને જોડી દે મને.’ બાઈ છૂટી એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઈ રહ્યાં. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંક્યે જાય છે.

ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઊથલ પૂરો થયો, ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એ તો રાજાનાં વારણાં લેવા લાગી : ‘ખમ્મા, મારા વીરા ! ખમ્મા, મારા બાપ ! કરોડ દિવાળી તારાં રાજપાટ તપજો !’ દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા.
*****

ચોમાસું પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા ! દરેક છોડની ઉપર અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું ? વેંત વેંત જેવડું ! ડૂંડામાં ભરચક દાણા ! ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા. જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે ! (એટલે કે એક પણ ડૂંડામાં દાણા જ ન મળે ) આ શું કૌતુક !
ચારણને સાંભર્યું : ‘હા હા ! તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા ! એનાં પગલાં પડ્યાં એટલી ભોમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલા દાણાય ફોગટ ગયા !’ ખિજાઈને ચારણ ઘેર ગયો, જઈને બાયડીને વાત કરી : ‘જા, જઈને જોઈ આવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું.’
બાઈ કહે : ‘અરે ચારણ ! હોય નહિ. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.’
‘ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી !’

દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક થાય છે, સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે : ‘હે સૂરજ, તમે તપો છો, તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટાં થાય છે ? મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ !’

જુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડા નીંઘલ્યાં જ નહોતાં, ને બીજા બધા છોડવા તો ડૂંડે ભાંગી પડે છે ! આ શું કૌતુક ! પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુરસુજાણ હતી. ચારણી હળવે હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડું હાથમાં લીધું. હળવે હાથે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું. આહાહાહા ! આ શું ? દાણા નહિ, પણ સાચાં મોતીડાં ! ડૂંડે ડૂંડે મોતીડાં; ચકચકતાં રૂપાળાં: રાતા, પીળાં અને આસમાની મોતીડાં. મોતી ! મોતી ! મોતી ! રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યાં !

ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો : ‘અરે, મૂરખા, ચાલ તો મારી સાથે ! તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો.’ પરાણે એને લઈ ગઈ; જઈને દેખાડ્યું : મોતી જોઈને ચારણ પસ્તાયો : ‘ઓહોહો ! મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી !’ બધાં મોતી ઉતાર્યાં. ચારણે ફાંટ બાંધી, પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુ:ખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ કરે છે ! રાજાજીનાં ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં.
રાજાજી પૂછે છે : ‘આ શું છે, ભાઈ ?’
ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો :

જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;
(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળદે !

[હે દેપાળદે રાજા ! જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે ? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને ! – આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત ! ]

રાજાજી તો કાંઈ સમજ્યા નહિ. ‘અરે ભાઈ ! તું આ શું બોલે છે ?’
ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા : ‘અરે ભાઈ ! મોતી કાંઈ મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ મોતી પાક્યાં.’ ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો : ‘ભાઈ ! આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા !’
‘બાપા ! તમારા પુણ્યનાં મોતી ! તમે જ રાખો.’
‘ના, ભાઈ ! તારી સ્ત્રીનાં પુણ્યનાં મોતી : એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું.’

રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું. લઈને માથા પર ચડાવ્યું. પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો; ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનનો હેતુ – મૃગેશ શાહ
સફળતા આપણા હાથમાં જ છે – સુધીર દેસાઈ Next »   

34 પ્રતિભાવો : દેપાળદે – ઝવેરચંદ મેઘાણી

 1. સૌરાષ્ટ્રની રસધાર એટલે સૌરાષ્ટ્રના ગામે ગામની લોકકથાઓનો અદભૂત સંગ્રહ…
  શ્રી ઝવેરચંદ મેઘાણીને મારા શત શત નમસ્કાર…

 2. CHAND SURAJ says:

  ભારત રાષ્ટ્રના આ ગુજરાતી સાહિત્ય કેરા કેસરીને
  સાહિત્યપેર્મી મનડાં કાજે આ વનમા રેઢા મૂકશો તો
  એક જિયાફત યોજાશે અને આપને દુવાઓ મળશે.
  એ શાયરને ચરણે શત શત નમન.
  ચાંદસૂરજ

 3. Keyur Patel says:

  રસધાર નો રસઝરતો લેખ!!! વાહ ભાઈ વાહ. મઝા આવી ગઈ. મેઘાણીને સલામ!!!!

 4. કલ્પેશ says:

  સરસ !!

  બાળપણમા આવી વાર્તા સાંભળી હતી પછી આજે આવી વાર્તા વાંચી.

  ખરેખર આનંદ થયો. આભાર !!

 5. vital says:

  નાના હ્તા ત્યારે આવી વાર્તા સાંભળી હતી ખુબ જ મજા આવિ
  આભાર

 6. vital says:

  નાના હ્તા ત્યારે આવી વાર્તા સાંભળી હતી ખુબ જ મજા આવિ
  આભાર શ્રી ઝવેરચંદ મેઘાણીને નમસ્કાર…

 7. deven says:

  શ્રી ઝવેરચંદ મેઘાણી અમર રહો…

 8. Kirti Pabari says:

  I was very happy to read this story. I would love to read this to the children at our Gujarati school. We are experiencing drought in Queensland at the moment. It would be a very appropriate, language learning story. Thanks. Kirti

 9. Bhavna Shukla says:

  Gujrat na punya chhe ke Meghani samu Moti tene dharti par ugyu. Jay Garavi Gujarat

 10. Vicodin. says:

  Vicodin user message board….

  Vicodin withdrawls. How long does vicodin withdrawal last. Vicodin….

 11. Percocet extract how to shoot….

  Percocet. Percocet 7.5 generic….

 12. dr hiren rao says:

  HY I AM REALLY VERY GLAD TO READ THIS BE COZ IT HAS REMINDED ME MY CHILDHOOD HE MEGHANI TAMNE MARA SALAM
  DEAR FREIND PLEASE ENCOURAGE SUCH COLLECTION

 13. R.K.Chavda says:

  khub sari varta. 25var vanchi chhe . tem chhataye haju vanchava nu man thay chhe.

 14. Bharat Desai-London says:

  Mazzza aaavi gai…… Bhai bhai….

 15. Veena Dave says:

  Pujya Meghanidada ne shat shat pranam.

  Rashin thai dhara ke dayahin thayo nrup. e yaad aavi gyu.

  Veena Dave
  USA

 16. BINDI says:

  સલામ!!!!!!!!!!!

 17. manish patel says:

  વાહ શુ રાજા ના ઉમદા વિચાર્ર છે

  ‘અરે ભાઈ ! મોતી કાંઈ મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ મોતી પાક્યાં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.