સફળતા આપણા હાથમાં જ છે – સુધીર દેસાઈ

[જલારામદીપ-એપ્રિલ 2007’ માંથી સાભાર. ]

આપણે બધા રોજ કામ ઉપર જઈએ છીએ. એ પછી નોકરી હોય કે ધંધો. જે લોકો નિવૃત્ત થઈ ગયા છે એ જ ઘેર હોય અથવા પોતાને ગમતી રીતે કે ન ગમતી રીતે સમય – જિંદગીનો સમય પૂરો કરતા હોય છે. પણ આજે જે વાત મનમાં રમે છે તે વાત છે રોજ કામ કરવા જતા માણસોની. રોજ કામ ઉપર જતો માણસ ક્યારેક કામમાંથી વેકેશન લેવાનો પણ ક્યારેક ક્યારેક વિચારતો હોય છે. અને આ વેકેશનના સમય દરમ્યાન એ કંઈ પણ ધ્યાન એના કામ ઉપર આપી શકે એમ નથી. એ, એ જાણતો હોય છે. એટલે એ જ્યારે રોજ કામ ઉપર જતો હોય છે ત્યારે ઘણાંયે કામ એવાં હોય છે જે બીજા દિવસ ઉપર ઠલવાતાં હોય છે. અને એ જાણે છે કે આજે નથી થયું તો કાલે કરી દેશે એટલે કોઈને ઑફિસમાં તકલીફ નહીં પડે.

પણ એ જેવું નક્કી કરે છે કે ફ્લાણી તારીખથી એ વૅકેશન ઉપર જવાનો છે, દસ દિવસ માટે કે પંદર દિવસ માટે, એટલે એને એનાં બાકી રહેલાં કામ યાદ આવે છે. અને વેકેશન ઉપર ગયા પછીના દસ પંદર દિવસમાં આવનારા કામ યાદ આવે છે. એ જાણે છે કે આ બધાં કામ પૂરાં નહીં કરે અને જો વેકેશન ઉપર જતો રહેશે તો ઑફિસના માણસોને તકલીફ પડશે. એમને એનું વધારાનું કામ કરવું પડશે અને જો એ કામ જે રીતે કરવું જોઈએ એ રીતે નહીં થાય તો ઑફિસમાં ધમાલ થઈ જશે. એટલે એ રોજ થોડાં થોડાં, રોજ કરતાં વધારે કામ કરવા માંડે છે. અને વેકેશન ઉપર જવાના આગલા દિવસની રાત્રે સૂતી વખતે થોડીવાર વિચારી લે છે કે આવતીકાલે ઑફિસમાં એક પછી એક ક્યા ક્રમમાં કામ કરવા માંડે કે જેથી એ ઑફિસ બંધ થાય તે પહેલાં બધાં જ કામ પૂરાં કરી શકે. અને વેકેશન ઉપર જવાનું છે એટલે ઘરનાં પણ અમૂક કામ પૂરાં કરવાના હોય છે.

એટલે બીજે દિવસે સવારે ઉત્સાહની સાથે કામ કરવા માંડે છે એક પછી એક. એનું બધું ધ્યાન એણે નક્કી કરેલાં બધાં કામ પૂરાં કરવા તરફ જ હોય છે. કોઈની જોડે એક મિનિટ પણ ફાલતું વાત કરવામાં કે અહીં તહીં રખડવામાં બગાડ્યા વગર કામમાં જ મંડ્યો રહે છે. અને જ્યારે ઑફિસનો સમય પૂરો થઈ જાય છે ત્યારે તેણે પણ એનાં બધાં કામ પૂરાં કરી દીધાં હોય છે. અને ઘેર જતાં જતાં ઘરનાં પણ બધા કામ એ પૂરાં કરતા જાય છે જેથી એના વેકેશનનો સમય એ સંપૂર્ણ આનંદ સાથે વીતાવી શકે.

હવે આપણે જરા આ વાતને જુદી રીતે જોઈએ. આ છેલ્લા દિવસે એણે જેટલું કામ કર્યું ઑફિસનું કે ઘરનું એટલું કામ એણે ક્યારેય કર્યું નથી. આટલા બધા કામ કરવાની એની કૅપેસીટી છે પણ એ આટલાં કામ રોજ કરતો નથી. પણ જો આ વૅકેશન ઉપર જવાના આગલા દિવસે જે રીતે સમયની ગણતરી કરીને એ કામ કરે છે એ રીતે રોજ કરે તો ? તો એનાથી એની કંપનીને ખૂબ મોટો ફાયદો થાય. એને નોકરીમાં બઢતી મળવાની શક્યતાઓ કેટલી બધી વધી જાય ! વળી માનો કે કંપનીમાંથી થોડાક માનવીઓને ઓછા કરવાની જરૂર ઊભી થાય તો એમાં એનો નંબર તો ન જ લાગે. એનાથી તો કંપનીને ફાયદો થતો હોય છે.

વળી, આ જ રીતે ઘરનાં પણ કોઈ કામ બાકી ન રહે એટલે ઘરમાં પણ ક્યારેય તકલીફ ઊભી ન થાય. પણ આપણે આપણામાં રહેલી શક્તિનો ક્યારેય પૂરેપૂરો ઉપયોગ કરતા જ નથી અને પરિણામે આપણે હેરાન થઈએ છીએ એટલું જ નહિ બીજાને પણ હેરાનગતિ કરીએ છીએ. આપણામાં શક્તિ ન હોય, આપણે કરી શકીએ તેમ ન હોઈએ તો જુદી વાત છે. પણ આપણામાં શક્તિ છે જ અને આવા સમયે આપણને ખબર પણ પડી જાય છે કે આપણામાં કેટલી શક્તિ ભરેલી પડી છે.

અને સૌથી ખરાબ વાત એ છે કે આપણામાં રહેલી શક્તિની વાત આપણને ખબર હોય છે જ. અને એટલે જ વૅકેશનની આગલી રાત્રે આપણે કયું કામ પહેલું કરવું અને પછી કયા ક્રમમાં બીજા કામ કરવાં તેનું આયોજન કરી શકીએ છીએ. નહીં તો આ શક્ય જ ન બનત. અને એનાથી પણ ખરાબ વાત એ છે કે એકવારના અનુભવ પછી તો આપણને ખબર પડી જાય છે પૂરાવા સાથે. અને છતાં વેકેશનમાંથી પાછા આવ્યા પછી એટલી જ ઝડપથી આપણે બધાં કામ પૂરાં નથી કરતાં. કુરાનમાં કહ્યું છે કે એ લોકો નસીબદાર છે કે જેમની પાસે પોતાનું કામ હોય છે.

આપણને આપણી શક્તિનો અનુભવ કરવાની અને કરાવવાની એક તક મળતી હોય છે રોજ. રોજ આ તક આપણાં બારણાં ખખડાવે છે. પણ આપણે એ તક વેડફી દેવામાં હોશિયારી સમજીએ છીએ. આપણે જેટલું કામ આજે કરી શકીશું એનાં કરતાં વધારે કામ જો સહેજ કાળજી રાખીશું તો કાલે કરી શકીશું. એમ જ આપણી શક્તિ રોજ વધતી જશે. કસરત કરનાર જાણે છે કે પહેલે દિવસે એક હજાર ઊઠબેસ ન કરી શકાય. પણ રોજ ઊઠબેસ કરીએ ને રોજ નહીં તો થોડાથોડા દિવસે ધીમે ધીમે વધારતા જઈએ તો રોજની એક હજાર ઊઠબેસ કરી શકાય. ગાનારાઓ પહેલા દિવસથી જ સરસ ગાઈ નથી શકતા કે લાંબા સમય સુધી ગાઈ નથી શકતા. પણ રોજ રિયાઝ કરવાથી અને એનો સમય ધીમે ધીમે વધારતા જવાથી મોટા ગાયક બની જ શકાય છે.

અંગ્રેજીમાં કહેવત છે કે ‘રોમ શહેર એક દિવસમાં બન્યું ન હતું.’ પણ એને માટે આપણી શક્તિઓ વધારવાની દાનત જોઈએ અને જેટલી શક્તિ ઈશ્વરે આપી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાની દાનત જોઈએ. તો જ જીવનમાં વિકાસના રસ્તે આગળ વધી શકાય. માની લો કે આવો વિચાર આપણને આજ સુધી આવ્યો ન હતો. કંઈ નહીં. ભૂતકાળને રડ્યા બેસવાથી સમયની બદબાદી સિવાય કંઈ મળવાનું નથી. એટલે ભૂતકાળને વાગોળ્યા કરવાનું બંધ કરીને જાગ્યા ત્યાંથી શરૂ જ કરી દેવાનું છે. આજે તો વિચાર મનમાં આવ્યો છે ને ? બસ, આજથી જ આપણે ઝડપથી આપણા કામ પતાવવા માંડવાના. સમય એ આપણી ચૅકબુક જેવો છે. એના ઉપર કોઈ બીજાને લખવા દેવાનું નહીં. આપણે જ એનો ઉપયોગ કરવાનો અને આપણા વિકાસ માટે જ સતત ઉપયોગ કરવાનો. અને જો એમ કરીશું તો ઑફિસનાં કામ અને ઘરનાં કામ તો પૂરાં જલદી થઈ જશે અને પછી પણ સમય વધશે. અને એનો ઉપયોગ આનંદ પ્રાપ્ત કરવામાં પણ કરી શકાય. પૈસાથી આનંદ નથી મળતો. આનંદ સરસ ચોપડી વાંચવાથી, સરસ ઊંઘવાથી મળી શકે. મોંઘા પલંગથી મળતા આનંદ અને સરસ ઊંઘથી મળતા આનંદમાં ઘણો તફાવત છે. પલંગ મોંઘો હોય તો એના કારણે સરસ ઊંઘ ન આવે.

કામ સમયસર અને સરસ રીતે પૂરું કરીએ તો જે સંતોષ મળે એનાથી સરસ ઊંઘનો આનંદ મળી શકે. પણ મૂળમાં વાત એક જ છે કે ઈશ્વરે આપણામાં અગાધ શક્તિ મૂકી છે અને આપણામાં સમજ જ નથી કે એનો લાભ કેવી રીતે લેવો. એક હજાર ઊઠબેસ કરનારા ગામા પહેલવાને આખાયે ભારતમાં નામ કર્યું હતું. આજે એ અમર થઈ ગયો છે. પણ એણે સમયનું આયોજન કરી શક્તિનો સતત વિકાસ કર્યો. મહાપુરુષોના ફોટાને આપણે વંદન કરીએ છીએ પણ એમની પાસેથી જે શીખવા જેવું છે તે નથી શીખતા. એમનામાં અને આપણામાં કોઈ જ ફરક નથી. એમને એમની શક્તિની ખબર છે અને એનો ઉપયોગ કરે છે. આપણને કાં તો આપણામાં રહેલી શક્તિની ખબર નથી અથવા એનો ઉપયોગ કરી જીવનમાં આગળ વધાવાની દાનત નથી. માત્ર વગર મહેનતે ખાવું છે. – ફરક હોય તો માત્ર આટલો છે. સફળતા આપણા હાથમાં જ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દેપાળદે – ઝવેરચંદ મેઘાણી
મીરાનું ઘર – રેણુકા એચ. પટેલ Next »   

12 પ્રતિભાવો : સફળતા આપણા હાથમાં જ છે – સુધીર દેસાઈ

 1. Meera says:

  Very important topic explained with daily routine’s importance. Good lesson could be learned and be implemented to make best use of our potential.

 2. prash says:

  saflata ej jeevan ni sachi chavi che
  safal manvi saras jeevan jeevi sakse jo eni paase sarao satth mali jay toh j safalta ek vyakti nathi
  melvi sakto badha na saath ane sahkar thi j mali sake che

 3. Hetal prashant pandya says:

  i must appricate this site pl also joint me in this class via email my net is for 24 hrs.

 4. darshan says:

  If all the people understood this thing then every body will get successes. 2day people have no time for this reading and other sahitya. That’s why if your reading is very wide then you are definitely successful person.

  Pls always give this type of article in regular period we youngster want this
  Thank you so much

 5. ghanshyam says:

  It is really nice to read this article repeatedly.
  Thanks
  ghanshyam

 6. urmila says:

  good article – basic rules for to’ be successful ‘in life explained in simple language yet with deep thinking power behind it

 7. સરસ વાત છે.

 8. sudhir says:

  This is realy appriciated topic for time management for youngstor. please publish such kind of topiv oftenly.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.