મીરાનું ઘર – રેણુકા એચ. પટેલ

[‘નવનીત સમર્પણ-એપ્રિલ 2007’ માંથી સાભાર.]

બસને એક આંચકો આવ્યો અને મીરાની આંખ ઊઘડી ગઈ. પોતાની કાંડાઘડિયાળમાં જોયું. હજી તો બે જ વાગ્યા છે. અમદાવાદ તો આવશે છેક સવારે સાત વાગે ! હવે જલદી બસને પાંખો આવી જાય અને પાંચ કલાકના બદલે પાંચ મિનિટમાં ઘર આવી જાય તો કેટલું સારું ! આજે ઘર છોડે બાવીસ દિવસ તો થઈ ગયા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો શાશ્વત સાથે વાત પણ નથી થઈ. રામ જાણે શું કર્યા કરે છે. ન ઘરનો ફોન લાગે છે ન તો એનો સેલફોન લાગે છે. નીકળતી વખતે જ નક્કી કર્યું હતું કે રોજ એક વાર ફોન પર વાત કરીશું જ પણ આ શાશ્વત ! મીરાને જરા ચિંતા થઈ. માંદો તો નહીં પડ્યો હોય ? પણ માંદો પડ્યો હોય એમાં ફોન કેમ ન લાગે ? તદ્દન ઈડિયટ જેવો છે, ગમાર ! મીરાને સહેજ ગુસ્સો આવી ગયો, તેણે બસમાં નજર કરી.

આછી રોશનીમાં બસમાં બધાં જ ઘસઘસાટ ઊંઘતા હતા. કોઈ કોઈનાં નસકોરાંનો અવાજ બસની ઘરઘરાટીમાં ભળી જઈને રાતની નીરવ શાંતિમાં વિક્ષેપ પાડી રહ્યો હતો. તેણે બારી બહાર નજર કરી. વિશ્વ જાણે ગાઢ અંધકારમાં ડૂબી ગયું હતું. આવો જ ગાઢ અંધકાર તેના જીવનમાં પણ વ્યાપી ગયો હતો જ્યારે તેની માનું મરણ થયું હતું. ઉષાબહેન પણ ત્યારે જ તો તેને મળ્યાં હતાં. ઉષાબહેન ત્યારે શાશ્વતના જન્મ માટે રાણકપુર આવેલાં. ઉષાબહેનનું પિયર અને મીરાના મામાનું ઘર એક જ ફળિયામાં હતું. મીરાની માના મૃત્યુ બાદ મામા તેને પોતાના ઘરે લઈ આવેલા. મીરાની ઉંમર તે વખતે માંડ 14-15 વર્ષની. ઉષાબહેન તેને બહુ ગમતાં. ક્યારેક ઉષાબહેન પાસે આવીને બેસતી અને રડી પડતી. માના મૃત્યુને છ-સાત મહિના જ થયેલા, મામા-મામી સાથે બહુ ફાવતું નહીં અને બીજું કોઈ ખાસ સગું હતું નહીં. બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું ત્યારે ઉષાબહેને જ તેનો હાથ પકડેલો. ડિલિવરી પછી અમદાવાદ આવ્યાં ત્યારે શાશ્વતની સાથે મીરાને પણ લઈ આવેલા.

અમદાવાદ પહેલી વાર જ્યારે મીરા આવી ત્યારે ડઘાઈ ગયેલી. પહોળા રસ્તા, ઊંચા મકાનો, ઢગલો દુકાનો, કેટલીય રિક્ષા-મોટરો અને ઉષાબહેનનું ઘર ! અધધધ ! કેટલું મોટું ! પાંચ ઓરડા નીચે અને ચાર ઓરડા ઉપર.
‘તેં હેં બહેન, તમે અહીં એકલાં રહો છો ?’ તેણે પૂછેલું.
‘ના, અમે બે. હું અને તારા સાહેબ.’
‘બે જ જણ ? ને આવડું મોટું ઘર ?’
‘પણ હવે આપણે ચાર થઈ ગયાં ને ?’
‘તોય શું ? આ તો ઘણું મોટું છે ?’
ઉષાબહેન હસી પડેલાં. મીરાને તો અમદાવાદ અને આ ઘર બંને ઘણાં ગમી ગયેલાં. ઉષાબહેને ધીમે ધીમે એને ઘરનું કામકાજ, રસોઈ વગેરે પણ શીખવી દીધેલું. અને થોડા વખતમાં તો મીરાએ આખા ઘરનું કામ ઊપાડી લીધેલું. મનોહરભાઈ પણ તેને પ્રેમથી રાખતા. ફુરસદના સમયે થોડું ભણાવતાય ખરા. શાશ્વત તો મીરાનો સાવ હેવાયો થઈ ગયેલો. મીરાનેય એ ખૂબ વહાલો હતો. સહેજ રડે એટલે મીરા બધાં કામ મૂકીને દોડતી.

મીરાએ ફરી પોતાની કાંડાઘડિયાળમાં જોયું. આ કાંટો ખસતો કેમ નથી ? તેણે પગ સહેજ લાંબા કર્યા. પગ અકડાઈ ગયા હતા. પાછળ કોઈ સીટમાં બાળક રડી ઊઠયું. પણ થોડીવારમાં શાંત થઈ ગયું. કદાચ તેની માએ થાબડીને ઊંઘાડી દીધું હશે.

શાશ્વતને પણ આવી જ ટેવ હતી. કોઈ થાબડે તો જ ઊંઘ આવે અને થાબડવા માટે હંમેશા મીરા જ ઝડપાતી. ઊંઘ આવે એટલે મીરાનો હાથ પકડીને પથારીમાં લઈ જાય, ‘મીરા, થાબડને…’ આખો દિવસ બસ મીરાની પાછળ ને પાછળ. મીરા તું ખવડાવ. મીરા, તું નવડાવ. મીરા, કપડાં પહેરાવ. મીરા, મેથ્સની નોટ નથી જડતી. મીરા, મારું એક જ મોજું છે, બીજુ ક્યાં ગયું ? અરે ઘણી વાર સાંજે મીરા રસોઈ કરતી હોય ને આવી ચડે, ‘મીરા, રમવા ચાલ.’
‘શું રમવા ચાલ ? રાંધશે કોણ ?’
‘મમ્મી છે ને ? તું ચાલ….’
‘જા, મમ્મી સાથે રમ. મને રસોઈ કરવા દે.’
‘ના. એને ક્રિકેટ રમતાં ન આવડે. તું ચાલ’ એક હાથમાં બોલ ને ખભે ક્રિકેટનું બેટ લીધેલ, જીન્સ અને ચટાપટાવાળું શર્ટ પહેરેલ, પગ પછાડતા શાશ્વતનું ચિત્ર મીરા હજીય જેમનું તેમ દોરી શકે. ઉષાબહેન હંમેશા ખિજાતાં, ‘મીર, તું આની દરેક જીદ પૂરી ન કર. સાવ જિદ્દી થઈ ગયો છે.’
મીરા હસી દેતી પણ શાશ્વત તો રોકડું જ પરખાવતો, ‘તે હું તારી સાથે ક્યાં જીદ કરું છું ? હું મીરા પાસે જીદ કરું છું ?’
‘પણ બધી વાતે જીદ કરાય ? પોતાનું ધાર્યું જ કરવાનું ?’
‘હા, હું મીરા પાસે ધાર્યું જ કરાવવાનો.’
ઉષાબહેન મીરાને લડતાં : ‘બહુ બગાડ્યો છે તેં. એક દિવસ પસ્તાવાની છો યાદ રાખજે.’ ઉષાબહેનની વાત આટલાં વર્ષે તદ્દન સાચી નીકળી. ધીમે ધીમે ઘણો જિદ્દી થઈ ગયો એ. આજે આટલો મોટો થયો પણ મનનું ધાર્યું જ કરવાનો. મીરા માટે ચારધામની યાત્રાની આ ટૂરના પૈસા એ જીદ કરીને જ ભરી આવેલો. મીરાએ તો ઘણી ના પાડેલી પણ કહે, ‘ના, તું જઈ જ આવ. તારી ઘણા વખતથી ઈચ્છા છે. પછી નહીં જવાય.’
‘અરે પણ હું આ ઘરને, તને કોના ભરોસે મૂકીને જાઉં ? તારાં લગ્ન પછી જઈશ.’
‘ફાલતું વાતો ન કર. હું હવે નાનો નથી. તું જઈ આવ. વીસ દિવસ તો ક્યાંય પસાર થઈ જશે.’

મીરા ના પાડતી જ રહી પણ એ માને ? ધરાર પૈસા ભરી જ આવ્યો ને મીરાને નીકળવું જ પડ્યું. ‘સાવ જિદ્દી’ મીરાના મોમાંથી અનાયાસે નીકળી ગયું. બાજુની સીટવાળાં બહેને ચમકીને તેની સામે જોયું પછી વળી આંખો મીંચી લીધી. મીરા પણ આંખો બંધ કરી વિચારવા લાગી, ‘શું કરતો હશે અત્યારે ? અત્યારે વળી શું કરે ? ઊંઘતો જ હશે ને ?’

મીરાનો પગાર મનોહરભાઈ બૅંકમાં તેના ખાતામાં સીધો જ જમા કરી દેતા. ઉપરથી મીરાને પચાસ-સો હાથ ખર્ચીનાય આપતા. પણ મીરાને વળી શી હાથખર્ચી હોય ? એ રૂપિયા તો શાશ્વત પોતાના ક્રિકેટબોલ, પત્તાંની કેટ કે ચોકલેટો પાછળ જ ઉડાવી મારતો. ઉષાબહેન તેને લડતાં, ‘તું મીરાના પૈસા કેમ વાપરે છે ? મારી પાસે માગને !’
‘તું મને ક્યાં તરત પૈસા આપે છે ? પચાસ સવાલ કરે છે. મીરા તરત આપે છે.’
‘પણ આમ તું મીરાના પૈસા વાપરે એ સારું કહેવાય ?’
‘કેમ ન કહેવાય ?’
‘હે ભગવાન ! આ છોકરો !’ ઉષાબહેન કપાળે હાથ દેતાં.

એવું ન હતું કે ઉષાબહેન મીરા માટે કંઈ વિચારતાં જ નહીં. કેટલીય વાર એમણે મીરા પાસે તેનાં લગ્નની વાત છેડી હતી. પણ મીરા હંમેશાં ડોકું જ ધુણાવતી.
‘હવે આ જ મારું ઘર અને તમે જ મારા સગાં. મારે પરણવું જ નથી. હવે તો અહીં જ મારું જીવન પૂરું થવાનું.’
‘પણ એમ તે ચાલે મીરા, પરણવું તો પડે ને !’ ઉષાબહેન તેને સમજાવવા પ્રયત્ન કરતાં પણ મીરા વાત ઉડાવી દેતી. મનોહરભાઈએ મીરાના મામાને મીરાનાં લગ્ન માટે એક-બે વાર કાગળ પણ લખ્યો હતો, પણ તેમનો કોઈ જવાબ આવ્યો જ નહિ. છેલ્લે છેલ્લે તો ઉષાબહેન અકળાઈ જતાં :
‘મીરા, હવે તું અઠ્યાવીસની થઈ, ક્યાં સુધી ના પાડ્યા કરીશ ? પછી બેસી રહેજે ઘરમાં. કોઈ મળશે નહિ.’
‘પણ મારે પરણવું જ નથી પછી ?’
‘પણ કેમ નથી પરણવું ? તું કહે ત્યાં ટ્રાય કરીએ. મેરેજ-બ્યુરોમાં, તારી જ્ઞાતિમાં, તું કહે ત્યાં. તું કહે તો આપણે બંને એક વાર રાણકપુર જઈએ. પછી પાંચ વર્ષ પછી તું કહીશ તો….’
‘હું ક્યારેય કહેવાની નથી. પાંચ વર્ષ પછીય નહીં ને પચાસ વર્ષ પછીય નહીં, બસ.’

અઠ્યાવીસ વર્ષ ! એ વખતે મીરા અઠ્યાવીસ વર્ષની હતી અને આજે શાશ્વત અઠ્યાવીસનો થયો. વચ્ચેથી કેટલાં વર્ષો વહી ગયાં. વીતેલાં આ વર્ષો તેની સાથે ઘણું લઈ ગયાં. મીરાને પોતાના કાળા ભમ્મર વાળ હવે કાળા રાખવા ઘણા પ્રયત્નો કરવા પડે છે, આંખોય સોનેરી ફ્રેમનાં બેતાળાંનાં ચશ્માં વિના ઝાંખુ વાંચે છે, શાશ્વતના હાથમાં સ્કૂલબેગ કે કૉલેજબેગની જગ્યાએ લેપટોપ આવી ગયું છે. ઉછાળા મારતા દરિયાનાં મોજાં જેવી તેની પ્રકૃતિ સહેજ ઠરીને શાંત બનીને પૈસા કમાવા તરફ ફંટાઈ છે. અને ઉષાબહેન, મનોહરભાઈ ? એય હવે ક્યાં હતાં ? સમયનું વહેણ તેમનેય સાથે સાથે ઢસડી ગયું. કોઈ લગ્નપ્રસંગે બંને કાર લઈને સુરત ગયાં. પણ પછી પાછાં આવ્યાં જ નહીં. એ બંનેનાં મૃત્યુના પંદર-વીસ દિવસ પછી જ શાશ્વતનું એન્જિનિયરિંગનું રિઝલટ આવેલું. એ દિવસે બંને કેટલાં રડેલાં ! શાશ્વત તો હીબકે જ ભરાયેલો પછી મીરાએ જ તેને માંડ માંડ શાંત પાડેલો.

રિઝલ્ટ આવ્યું તેના અઠવાડિયા પછી જ એક દિવસ સવારે એ મીરા પાસે આવેલો.
‘મીરા, હવે આગળ શું કરીશું ?’
‘શેનું શું કરીશું ?’
‘મારે આગળ એમ.બી.એ. કરવું છે.’
‘તે કરને. તને કોણ ના પાડે છે. જેટલું ભણવું હોય તેટલું ભણ…’
‘હા પણ હવે પપ્પા નથી એટલે… મીરા, હું પૈસાની વાત કરું છું. મારે જે ઈન્સ્ટિટ્યૂટમાંથી એમ.બી.એ કરવું છે તેની ફી ઘણી વધારે છે. આપણે બૅંકમાંથી પૈસા ઉપાડીએ તો ઘરના ખર્ચાઓનું શું ?’
મીરા બે ક્ષણ વિચારી રહી પછી અંદર જઈ પોતાની પાસબુક લઈ આવી.
‘જો આમાં છે તેટલા થઈ રહેશે ?’
શાશ્વતે જોયું. ‘હા થઈ રહેશે પણ પછી… મીરા, આ તારા પૈસા છે.’
‘હવે તારા પૈસા ને મારા પૈસા. બધું એક જ છે ને ? આ બધા તારા જ છે. તું ભણી લે, સારી નોકરી મળે પછી તારા બધા પૈસા મારા. બસ, જા.. ફી ભરી દે.’ શાશ્વતે મીરાને ખુશ થઈ ઊંચકી જ લીધેલી. ‘મૂકી દે, મૂકી દે…. પડી જઈશ….’

મીરાએ બસનો સળિયો પકડી લીધો. ‘ઓહ ! કેટલો યાદ આવી રહ્યો છે.’ તેણે ઘડિયાળ જોઈ. ‘બસ, બે જ કલાક ! પછી તેનો કાન પકડીશ હું. આવી બેદરકારી ચાલે ? નવાઈનો નોકરી કરે છે ? જ્યારનો નોકરીએ લાગ્યો છે ત્યારનો મારી પાસે બેઠો જ નથી. આખો દિવસ નોકરી અને ઘરે આવે એટલે કૉમ્પ્યુટર અને સેલફોન તો ચાલુ ને ચાલુ. ન ખાવાનું ભાન, ન પીવાનું. આ તે કાંઈ જિંદગી છે ? આપણને એમ કે એમ.બી.એ થયો એટલે ભણવાનું પતી ગયું, પણ આ તો રામ જાણે કેટલીય પરીક્ષાઓ આપ્યા કરે છે અને કંપનીવાળાય ખરા છે ! બહારગામ જવું હોય તો એમનેય શાશ્વત જ મળે છે. હમણાં હમણાં બે વાર મુંબઈ જઈ આવ્યો. જાણે છે, શાશ્વત એકલો છે, પરણેલો નથી એટલે મોકલો એને. એવું ચાલે ? હવે તો એને ખીલે બાંધી જ દેવો છે. કોઈ શું કહે ? મા-બાપ નથી એટલે આ વછેરા જેવો ફર્યા કરે છે. કોણ ધ્યાન રાખે ? પણ આને તો કહીએ એટલે માથું જ ધુણાવ્યા કરે છે. પેલાં કાલિન્દીબહેને બે-ત્રણ વાર એમની દીકરી માટે કહ્યું : ‘છોકરી ડૉક્ટર છે, સારું ઘર છે પછી શો વાંધો.’ પણ આ મહાદેવજી માને તો ને ? આમ ને આમ અઠ્યાવીસનો થયો પણ અક્કલ ક્યાં છે ? ઘરનું ધ્યાન રાખતો હશે કે કેમ ? રાત્રે કેટલાં તાળાં મારવાં પડે છે ? આટલું મોટું ઘર ને એ એકલો, રાત્રે ચાર માણસ ઘૂસી આવે તો શું કરી લેવાનો ?’ મીરાને એકાએક પસ્તાવો થવા લાગ્યો, ‘હું જ ખોટી ઉતાવળ કરીને આવી. એ તો જીદ કરે, એની ટેવ છે પણ મારે તો સમજવું જોઈએને ! ફૉન પણ નથી લાગી રહ્યો. હે ભગવાન ! હે ભગવાન ! રક્ષા કરજો. આવો તો વિચાર જ આવેલો નહીં, નહીં તો હું ન આવત. એની સારી નોકરી માટે જ બાધા લીધી હતી અને પૂરી કરવા તારા ધામમાં આવી હતી. ભગવાન ! ઘરે જાઉં અને તેનું મોઢું જોઈ લઉં તો મને શાંતિ થાય. જેમ તેમ કરી આ બે કલાક નીકળે.’ મીરાએ ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ ના જાપ શરૂ કર્યા.

અમદાવાદ બસ આવી ત્યારે સવારે સાડાસાત થઈ ગયા હતા. રિક્ષા ઘર પાસે આવીને ઊભી રહી ત્યારે હૃદયને કંઈક ટાઢક થઈ. ‘હાશ ! ધરતીનો છેડો ઘર ? કંઈ ખોટું કહ્યું છે ? હજી તો ઘોરતો હશે. હું આવવાની છું, યાદ જ ક્યાંથી હોય ? મને જોઈને ચમકી જ જશે. શું કહે છે પેલું ? હા, સરપ્રાઈઝ. પછી એવો તો રાજી થશે, ‘હાશ ! મીરા, સારું થયું તું આવી ગઈ. તારા વિના તો યાર કંઈ મઝા જ ન આવી. ચાલ હવે ફક્કડ ચા અને કંઈક ગરમ નાસ્તો બનાવ. અહીં તો જમવામાંય કંઈ ભલીવાર આવ્યો નહીં. પણ તું ગઈ જ કેમ ? હું તો ગમે તે કરું, જીદ કરું પણ તને ખબર ન પડે ?’ – એવું એવું કેટલુંય બબડશે. એમ વિચારતાં વિચારતાં મીરાએ ઝાંપો ખોલ્યો, ‘જો તો બાગમાં પાણીય પાયું છે ? મારાં તો બધાં ગુલાબ ગયાં. કેટલું કહ્યું’તું ? આવવા દે માળીને. આ વખતે પગાર આપવો જ નથી.

તેણે બેલ પર આંગળી દબાવી. મધુર લયમાં એક મિનિટ માટે બેલ વાગતી રહી, થોડી વારમાં બારણું ખૂલ્યું. બારણા વચ્ચે એક સુંદર યુવતી ઊભી હતી, ‘કોનું કામ છે, બહેન ?’
‘શાશ્વત… તમે … ?’ મીરા સહેજ થોથવાઈ ગઈ ‘આ કોણ હશે ?’
‘શાશ્વત તો… તમે કોણ છો ?’
‘હું મીરા.’
‘ઓહ મીરાબહેન ? આવો આવો અંદર આવો.’

તે વચ્ચેથી ખસી ગઈ. મીરાએ ત્યાં ઊભાં ઊભાં જ ઘરમાં નજર દોડાવી. આ મારું ઘર ? મારો પ્રિય પિત્તળની સાંકળનો હીંચકો, પેલો કોતરણીવાળો સોફા, ઉષાબહેનની પ્રિય આરામખુરશી, મનોહરભાઈએ દોરેલું પેઈન્ટિંગ, શાશ્વતની મોટી છબી, કંઈ ન મળે. તે બારણા પાસે જ જડાઈ ગઈ.
‘અંદર આવો મીરાંબહેન. તમે તો ચારધામ ગયાં હતાં ને ?’ બોલતાં બોલતાં પેલી યુવતી અંદર જતી રહી. મીરા સંકોચાઈને સોફાના ખૂણામાં બેઠી. આ બધું શું છે ? આ કોણ છે ? શાશ્વત ક્યાં છે ? તેને કંઈ ખબર ન પડી. એટલામાં પેલી યુવતી ટ્રેમાં પાણીનો ગ્લાસ અને એક કવર લઈ પાછી આવી.

‘શાશ્વતભાઈ ગયા શુક્રવારે જ ગયા. તમે અહીં એમને ત્યાં કામ કરતાં હતાં ને ? એમણે વાત કરેલી. તમારા માટે આ કાગળ આપી ગયા છે.’ યુવતીએ પેલું કવર મીરાને આપ્યું. મીરાએ ધ્રૂજતા હાથે ખોલ્યું.

‘મીરા,
હું અમેરિકા જઈ રહ્યો છું. મને ત્યાં ઘણી સારી જોબ મળી ગઈ છે. તને મળ્યા વિના જ જઈ રહ્યો છું, નહીં તો તું મને જવા જ ન દેત. હવે પાછો ક્યારે આવીશ નક્કી નથી. આ મકાનનો સારો ભાવ આવતો હતો એટલે એનેય વેચી નાખું છું. તેં મને મારી ફીના જે ત્રણ લાખ આપ્યા હતા તે અને બીજા બે લાખ એમ પાંચ લાખ તારા ખાતામાં જમા કરી દીધા છે. પાસબુક આ કવરમાં કાગળ સાથે જ છે. જોઈ લેજે. મારું અમેરિકાનું સરનામું, ફોન નંબર વગેરે મારા મિત્ર અમિત પાસે છે. તું એની પાસેથી લઈ લેજે. બીજી કોઈ મદદની જરૂર હોય તો ચોક્કસ લખજે.’
– શાશ્વત.

બે ક્ષણ માટે તે ત્યાં જ બેસી રહી પછી ધીમા પગલે સામાન લઈ ઝાંપાની બહાર નીકળી ગઈ. સહેજ આગળ જઈ પાછા ફરી તેણે ઘર તરફ એક નજર નાખી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફળતા આપણા હાથમાં જ છે – સુધીર દેસાઈ
શૂન્યતા – હરીશ મીનાશ્રુ Next »   

16 પ્રતિભાવો : મીરાનું ઘર – રેણુકા એચ. પટેલ

 1. Meera says:

  The sharp turn at the end of the story does not go with the flow of the theme. Of course, such an end is possible but looking at the emotional relationship between Meera and Shaashwat, selling the house for good and leaving for America in such a short period of time, without considering Meera’s accomodation, is rather impractical.
  Well, except for the end of the story, I liked the narration and development of characters.

 2. Mohita says:

  I agree with Meeraben here. Why is it that in our stories there is no communication between the characters when it is the most critical? The narration is good, but I expected better ending.

 3. Keyur Patel says:

  લાગે છે કે આજે લોકો પૈસા ની હોદ માં બધુજ ભૂલી ગયા છે.

 4. Perfect story… Author has shown only one side of the coin. All thoughts and views are of Meera nothing from Shashwat’s viewpoint…

  This is the reality in most of similar cases. People don’t even let their parents’ know about their plans these days!!

 5. Upendra says:

  It is very good story. End is shocking. But one good thing it keep hold till the end to me.

 6. urmila says:

  story has a good grip till the end –

 7. Himanshu Zaveri says:

  It’s really good written, at the end it’s really tragic but that’s reality of today’s life. thank you for posting such good written story.

 8. vivek desai, dubai says:

  emotional story. in todays age of kali, this is very much possible. one can forget even theri parents so what to speak of outsiders ? wonderful emotional story. eye opener.

 9. I use this portal to learn and practice my Gujarati, thanks for this lovely site………….

 10. Devangkumar says:

  સવાથી માનસિક્તા …….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.