અનિદ્રાનો આનંદ – તરુલતા પટેલ

આનંદના અનેક પર્યાય હોય છે. પ્રથમ આનંદ જમવાનો હોય, બીજો આનંદ રમવાનો હોય છે. ત્રીજો આનંદ કોઈને ગમવાનો હોય છે. ચોથો આનંદ દમવાનો હોય છે. પાંચમો ભમવાનો હોય છે. છઠ્ઠો નમવાનો હોય છે. સાતમો શમવાનો હોય છે. આઠમો આનંદ ખમવાનો હોય છે, પરંતુ નવમો આનંદ અનિદ્રાનો છે. આનંદના નવ પ્રકાર છે. તેમાં છેલ્લો અને આખરી આનંદ મને વશ છે.

હું અનિદ્રાથી સુખી છું. અનિદ્રા એ રોગ નથી, યોગ નથી. ઘરના પ્રત્યેક ઘડિયાળના ટકોરા પણ ગણું છું. પ્રત્યેકના વારાફરતી વાગે છે, તેથી આખી રાત મારા કાનમાં અને માથામાં ટકોરા વાગે છે. અનિદ્રાનો રોગ છે, તેને કારણે આ ટકોરાનો નાદ મને ગમે છે. ખરેખર પ્રત્યેક ઘડિયાળનો સમય સરખો નથી હોતો, તેની ખાતરી રાતની અનિદ્રાથી થાય છે.

રાત્રે કોઈ મોડું આવવાનું હોય છે, ત્યારે મારા પતિદેવને સહેજ પણ ચિંતા રહેતી નથી, હોય તો પણ હું તેનું નિવારણ કરું છું. મને મારા પ્રાણનાથ કહે છે, ‘મુકેશ રાત્રે બાર વાગ્યા પછી આવશે’
‘તમે ચિંતા ના કરશો. હું જાગતી જ હોઉં છું.’
‘પછી એક વાગે મમ્મીને દવા આપવી પડશે.’
‘તમે નિરાંતે ઊંઘજો. હું આપી દઈશ.’
‘રાત્રે બે વાગે નીલીને વાંચવા ઉઠાડવાની છે.’
‘એ તો મારું જ કામ’
‘રાત્રે કેટલીક વાર ચોરની બૂમ સંભળાય છે.’
‘એ તો રોજ હું સાંભળું છું’ એમ હું મારા આરાધ્યદેવને ઠોકીઠોકીને કહી શકું છું, કારણ હું આખી રાત જાગું છું. અહો ! આખી રાત જાગવામાં કેટલો આનંદ હોય છે ! જાગવામાં પણ શાંતિ જોઈએ છે ! એકલતા જોઈએ છે, એકાગ્રતા જોઈએ છે. તે રાત્રિ સિવાય ક્યારેય ઉપલબ્ધ નથી !

મારી અનિદ્રાનો આનંદ અનન્ય છે. દૂરદર્શનયંત્રના વિવિધ રસિક કાર્યક્રમો રાત્રે જ શરૂ થાય છે, તે મોડી રાત સુધી ચાલે છે; એ જોતાં જોતાં ઝોકું આવે, તે પહેલાં સાસુમા બૂમ પાડે છે. ‘વહુ, સહેજ પગ દાબી આપજો.’
‘બા, સહેજ શા માટે ?’ એમ કહેતી હું તેમના પગ દાબી આપું છું. ચરણ ચાંપું છું, ને તેઓ આશિષ આપે છે. ‘વહુ, બેટા શાંતિથી સૂઈ જાઓ.’ અને હું શયનગૃહમાં પ્રવેશું છું, પણ મારા પતિ સંગીતરસિક હોવાથી વાયોલીન સાથે રમત કરતા હોય છે, તેથી હું તે સૂરસાધના સાંભળવા બેસી જાઉં છું. તેમની સંગીતસાધનામાં તાલ પુરાવવા અન્ય કુટુંબીજનો પણ ટોળે મળે છે. અન્ય વાજિંત્રોના સાજ સાથે આવી જાય છે, ને ધૂમ ધૂન ચલાવે છે. મારી અનિદ્રાનો યોગ શરૂ થાય છે.

કેટલાક કહે છે, ‘આમ તમે રાતે ન ઊંઘો તે સારું નહીં. નહીં ઊંઘો તો તમને રોગ થશે.’ પણ ઊંધું બન્યું છે. મારી તંદુરસ્તી સારી થઈ છે. કારણકે રાત્રે બાર વાગ્યા પછી ખાસ કોઈ જાગતું નથી તેથી હું લખવાનું શરૂ કરું છું. એકીબેઠકે મારું લખાણ પૂરું થાય છે; જે દિવસના કકળાટમાં અશક્ય જેવું લાગે છે. મારી અનિદ્રાની સમાધિના પૂરક મચ્છરો પણ છે. હું કોઈ મહાન સાધ્વી નથી કે મંત્ર, તંત્ર કે અન્ય ઉપાયથી અનિદ્રા કેળવી શકું. પણ મારી અનિદ્રાના જાદુનું સાદું સત્ય મચ્છરોનો મારા પ્રત્યેનો પ્રેમ છે. મચ્છરોનો સંઘ હોય છે. તેઓ એક-બે નહીં, પણ એકત્ર થઈને આવે છે ! કદીક કાનમાં-ફૂલ પર ભમરો ગુંજે – તેમ ગુંજારવ કરે છે. કદીક ભમરી ડંખે તેમ પગે ડંખે છે. તે જ રીતે મચ્છરો હાથ, નાક બધાં અંગો પર પરિભ્રમણ કરી મારી અનિદ્રાના આનંદને વધારે છે. મારી અનિદ્રાના આનંદના પ્રેરક બળ તરીકે આગગાડી પણ છે. મારું ઘર ‘અગ્નિરથ સ્થંભન સ્થાન’ (એટલે કે સ્ટેશન પાસે આવેલું છે. તેથી મંગળ રાત્રિના શુભઆરંભે જ આગગાડીની વ્હિસલો શરૂ થાય છે. લોકલટ્રેનની મોટી વ્હિસલ અને ફાસ્ટટ્રેનની ઓછી વ્હિસલ સંભળાય છે. અને પછી પહેલા ધીમે અને ધડધડ…. ધડધડ… જેમ ઊપડતી મહાટ્રેનો મારી અનિદ્રાની પ્રેરણામાતાઓ બને છે !

શુકનિયાળ રાત્રિમાં જાગવાનો અવસર મીરાં, નરસિંહને લાધ્યો હતો. મને પણ એ યોગ છે. એ મારું મોટું ભાગ્ય છે. બારી ખોલીને હું જાગતી પડી હોઉં, ત્યારે બાજુના ઘરનું બાળક રૂદનનો મહારસ રેડે છે. ચલચિત્રોમાં તો આવે છે, ‘આપનું બાળક સંભાળો’ અહીં એવું બોલાય નહીં. બાળક છે, તે રડે. રૂદન એ એની વાણી છે. મિલની વ્હિસલ એક પછી એક બોલે છે. તેનો મહાનાદ પાંચ પાંચ ક્ષણ સુધી ચાલે છે. મોટા બંગલાઓના છોટા દરવાનો ખોટા-ખરા ટકોરાં વગાડતા જ હોય છે !

અનિદ્રાનો આનંદ અસીમ છે, નિ:સીમ છે. અખંડ ઉજાગરા કરવા માટે કેટલાકને જાગવાની ગોળી લેવી પડે છે. એક ગોળી લેવાથી પણ જગાતું નથી, તો બે-ચાર સામટી પણ લેવી પડે છે. પણ સારે નસીબે મારે એવી કોઈ પ્રકારની ગોળી લેવી પડતી નથી, કારણ રાત્રે એક પછી એક અવનવા અવાજના પ્રદુષણનો ચકરાવો ચાલતો જ રહે છે ! એમ કરતાં કરતાં સવારે ચાર વાગે છે; ત્યારે બ્રાહ્મમુહૂર્તનો પ્રારંભ થાય છે, એ મંગળ ઘડીએ મંદિરમાં મહાઘંટારવ થાય છે. ચારથી પાંચમાં અનેક મંદિરોમાં પ્રભુની મંગળા થાય છે. તે પુણ્ય ક્ષણોએ તો મારે જાગવું જ જોઈએ, તેથી હું પણ એ નાદમાં સાદ પુરાવતી જાગૃતિનો મહાનુભવ કરતી જ હોઉં છું. મેં અનિદ્રાનો આનંદ કેળવ્યો છે કે કેળવાયો છે એ એક રહસ્ય છે. કેળવણી આપનાર તો ઘણાં હોય છે, પણ કેળવણી લેનાર ઓછાં હોય છે. મેં આ કેળવણી લીધી છે. જે નિશાએ સામાન્ય જીવો ઊંઘે છે, તે નિશાએ હું જાગું છું. સમજી લેવાનું ! (મારાં વખાણ કરું, તે ખોટું કહેવાય !)

સવારે પાંચ વાગ્યા પછી કેટલાકને નિદ્રા આવે છે, પણ મને તો દૂધવાળાની ઘંટડી સંભળાય છે, નળના પાણીનો અવાજ આવે છે. સમાચારપત્રના તીખા તમતમતા સમાચારનો ઘોષ સુણાય છે. મારા પતિનો ચ્હાનો સમય થઈ જાય છે. મારે કૉલેજ જવાનો સમય થઈ જાય છે…. આ સઘળાં મહા – કે અલ્પ કારણોને લીધે પ્રાત:સમય સુધી હું સંપૂર્ણરીતે અનિદ્રાનો આનંદ માણી શકું છું, પ્રમાણી શકું છું, છતાં ય ક્યાંય મારું સ્વાસ્થ્ય બગડ્યું નથી – બગડશે નહીં, એનું કારણ પણ તમારે સુજ્ઞજનોએ સમજી લેવાનું.

રાત્રિની અનિદ્રાનો આનંદ કેળવવાથી અને મેળવવાથી મારી પ્રકૃતિ ઠંડી થઈ ગઈ છે. દિવસે ન જડતી વસ્તુ રાત્રે શાંતિથી શોધી શકું છું. દિવસે ન ઉકેલાતા કોયડાઓ રાત્રે ઉકેલી શકું છું. ગૂંચ ઓછી થાય છે, ને જીવનની કૂચમાં આગળ વધવાનું મહાબળ મળી રહે છે. રાત્રિની અનિદ્રાના મહાનંદની મહાસિદ્ધિ મહાભાગીને જ મળે, ને મને મળી છે. તેથી દિવસે – બપોરે સારી નિદ્રા લઈ લઉં છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રંગબેરંગી – સંકલિત
ગૂંદાનું અથાણું – સુધાબહેન મુનશી Next »   

12 પ્રતિભાવો : અનિદ્રાનો આનંદ – તરુલતા પટેલ

 1. Vivek says:

  “દમવા” અને “શમવા” એટલે?
  Can someone please tell me, what are the meaning of “દમવા” and “શમવા”?

 2. Rita Saujani says:

  I am glad you can look at the positive sides!
  દમવુ એટલે પીડા આપવી
  શમવુ ઍટલે પીડામાથી છુટવુ

  Please check http://www.gujaratilexicon.com for any further queries.

 3. Vivek says:

  Thanks Rita.

 4. lalit shah says:

  very good lekh

 5. preeti hitesh tailor says:

  ગમ્યું કૈં નોખું વાંચવાની મજા આવી!!!

 6. gopal.h.parekh says:

  દમવું =સંયમ કરવો, ઈંન્દ્રિય દમન કરવું,(૨)જુલ્મ કરવો, કેર વરતાવવો.
  શમવું =શાંત થવું,સ્થિર થવું, વીસમવું, સીઝવું,ઘટવું,ઓછું થવું, મરણ પામવું. gujaratilexicon .co મુજબ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.