તારો ચંદ્ર વધુ શીતળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[ પુન: પ્રકાશિત – ‘તારો ચંદ્ર વધુ શીતળ’ પુસ્તકમાંથી સાભાર. ]

[1] શાંતિપ્રાપ્તિનો કીમિયો

બે પાડોશીઓ દરરોજ સવારે ઝઘડે છે. કેટલાક ડાહ્યા માણસો વચ્ચે પડે છે અને તેમનો ઝઘડો શમાવી દે છે. પણ વળી પાછું બીજે દિવસે સવારે એ જ રીતે વાક્યયુદ્ધ નજરે પડે છે. લોકો વચ્ચે પડે છે, ત્યારે પેલા બંને પડોશીઓ કહે છે : અશક્ય, અમારી બંને વચ્ચે શાંતિ સ્થાપવાનું તદ્દન અશક્ય છે ! અને વળી પાછી અશાંતિ સર્જવાની તૈયારી-શરૂઆત કરી દે છે.

આજનો માણસ અશાંત છે, બેચેન છે, વ્યગ્ર છે, કારણ કે તે બહારથી નહીં પણ અંદરથી વિક્ષુબ્ધ છે. એણે અપરાજેય પ્રકૃતિ પર વિજય મેળવ્યો, વંધ્ય અને ખરબચડી ભૂમિને મબલક પાક આપતી બનાવી, સુખ-સગવડોના અંબાર ખડકી દીધા, પણ એ બધા પાછળ હતી સુવિધાઓ પામવાની સંયમહીન ભૂખ. એ વિવેકહીન ભૂખે ભૌતિક યુગના માનવીના વ્યક્તિત્વને વેરવિખેર કરી નાખ્યું છે. વિવેકશૂન્ય વિકાસ વિનાશની જનની છે એ વાત આપણે સાવ વીસરી ગયા નથી શું ?

શાંતિ માનવજીવન સમગ્ર વિશ્વ માટે પરમ પાવન અને આવકાર્ય સુખસ્ત્રોત છે અને એ શાંતિની પ્રાપ્તિનો કીમિયો છે, આવશ્યકતા અને અપેક્ષાઓનું ‘સ્ટેગરિંગ’ અને ક્રમશ: આત્મસંયમ. વીજળીનું સ્ટેગરિંગ સહેવા આપણે તૈયાર છીએ, પણ વૃત્તિઓનો સ્વૈરવિહાર રોકવા આપણે તૈયાર નથી. આત્મસંયમનું અજવાળું જ જીવનમાં ઊભરાતાં અંધારાને ઉલેચી શકે.
જે વાત વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની શાંતિની સમસ્યાને લાગુ પડે છે, તે જ વાત વિશ્વશાંતિ અથવા દેશ-દેશ વચ્ચેની શાંતિને લાગુ પડે છે. ગાંધીજીએ તેથી જ કહ્યું છે કે જગતમાં સ્થાયી શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી, એમ માનવા બરાબર છે. અત્યાર સુધી જે ઈલાજો અજમાવવામાં આવ્યા છે, તે એળે ગયા છે, એનું કારણ એ છે કે જેમણે શાંતિ માટે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન તેમને રહ્યું નથી, એવું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઈ રસાયણી સંયુક્ત દ્રવ્ય તૈયાર થઈ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતો પૈકી થોડીક જ પળાઈ હોય તો શાંતિની સ્થાપના ન થઈ શકે.

આપણને શાંતિ ખપે છે, પણ આપણે સંયમની અપેક્ષા આપણી જાત પાસે રાખવાને બદલે અન્ય પાસે રાખીએ છીએ. આપણે જેવા છીએ તેવા રહીને, બીજો બદલાય તેવી આશા કેવી રીતે રાખી શકીએ ?

[2] ખરો મનુષ્ય

લોકસેવા અને નીતિનાં કામો દ્વારા પોતાના યૌવનને દીપાવનાર એ યુવકના સન્માનાર્થે દબદબાભર્યો સમારંભ યોજાયો હતો. સમારંભના મુખ્ય મહેમાન તરીકે તે નગરીના રાજા પધારવાના હતા. લોકો અંદરોઅંદર ચર્ચા કરતા હતા : ‘આ યુવકને મોંઘો સુવર્ણચંદ્રક એનાયત થશે.’, ‘ના, ઊંચા પગારની નોકરી અપાશે.’, ‘અથવા ઈનામમાં ગામ-ગરાસ પણ અપાય.’

સમારંભ શરૂ થયો. મંચ પર મહેમાનો વિરાજિત હતા. એમની હરોળમાં પેલો યુવક પણ નમ્રતા ધારણ કરીને બેઠો હતો. રાજાએ ઊભા થઈને એક સાદા પતરા પર કાંઈક લખેલો ખિતાબ અપર્ણ કર્યો. લોકો ઉદાસ થઈ ગયાં…. અરેરે ! આવા મહાન માણસને આવું નગણ્ય ઈનામ ! રાજા અત્યન્ત કૃપણ છે.

સન્માનનો પ્રત્યુત્તર વાળવા ઊભા થયેલા યુવકે પ્રસન્નતાપૂર્વક કહ્યું : ‘સજ્જનો, આપણા માનવંતા મહારાજે વિશ્વના સૌથી મોંઘા ચંદ્રકો કરતાં પણ ચઢિયાતો ખિતાબ-શિરોમણિ મને એનાયત કર્યો છે. મને અર્પણ કરવામાં આવેલા આ ખિતાબમાં લખેલું છે : ‘ખરો મનુષ્ય’ મુરબ્બીઓ આ ખિતાબને હું નતમસ્તકે વધાવી દઉં છું, કારણકે ‘મનુષ્ય’ તરીકેનો ખિતાબ એ સર્વ ખિતાબો કરતાં શ્રેષ્ઠ ખિતાબ છે !’ લોકોને પોતાનું અજ્ઞાન સમજાયું અને રાજાએ અર્પણ કરેલા ખિતાબની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં પરોવાઈ ગયા.

એ રાજાની દષ્ટિ દાદને પાત્ર છે. આપણે સૌએ અમીર બનવું છે, ઉચ્ચ હોદ્દેદાર બનવું છે, ધ્યાની બનવું છે, જ્ઞાની બનવું છે, પણ ‘ખરા મનુષ્ય’ નથી બનવું. આપણા મનમાં અહર્નિશ બળાપો રહે છે, અલ્પ લક્ષ્મીનો, જીવનમાં સર્જાનાર વિપદાઓના વંટોળનો, પણ આપણા હૈયામાં એ વાતની વેદના કદીયે નથી ઉદ્દભવતી કે હું ‘સાચો મનુષ્ય’ કેમ બની શકતો નથી ! ચારિત્ર્યશીલ અને પરોપકારી મનુષ્યની જ સમાજ તરસી આંખે વાટ જુએ છે. એ સમાજ પોતાની મૂક ઈચ્છા વ્યકત કરતાં કહે છે કે પરમાત્માથી ડરતો અને સિદ્ધાંતો મુજબ જીવતો અમોને એક એવો ચારિત્ર્યશીલ માનવી આપો, કે જેની સામે અસ્થિર મનના તેજસ્વી જણાતા, છતાં નબળા ચારિત્ર્યના વિવિધરંગી એવા અનેક માનવીઓનો મેળો ભરવાનો મોહ જતો કરીશું, કારણ કે ચારિત્ર્યશીલ માનવીઓ, ‘ખરા માણસો’ જ આ વસુંધરાનું સાચું વસુ છે.

ઉદાત્ત બનીને અન્યની સુષુપ્ત ઉદાત્તતાને જગાડવાની પ્રેરણા બને, તે જ સાચો મનુષ્ય. ઉદાત્ત ન બનવું, એના કરતાં કવલિત થઈ જવું એ જ બહેતર છે. આપણે આપણા ચારિત્ર્યનું અવલોકન કરતા હોઈએ કે નહીં, પરંતુ લોકો આપણા ચારિત્ર્યનું નિરીક્ષણ અને મૂલ્યાંકન હંમેશાં કરતા હોય છે. તેથી જગતમાં જેમ મનુષ્ય એ સર્વોત્કૃષ્ટ વસ્તુ છે, તેમ માનવ-જીવનમાં ચારિત્ર્ય એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે.

એક નેક, નમ્ર અને ઉદાત્ત કામ એક એવો તાર ઉત્પન્ન કરે છે, કે જે અખિલ વિશ્વમાં પ્રસરી જાય છે. સઘળી નૈતિક બુદ્ધિને તે સ્પર્શ કરે છે, દરેક દુનિયાની તે મુલાકાત લે છે અને તેનાં આંદોલનો જગતના સઘળા વિસ્તાર પર ફેલાઈ જાય છે. પરિણામે આ આંદોલન મનુષ્યને ઈશ્વરની નિકટ પહોંચવાનું નિમિત્ત બની જાય છે. આપણે હોઈશું કે નહીં, પણ આપણને મળેલો ‘ખરા મનુષ્ય’ તરીકેનો ખિતાબ અમર રહેશે. મોતને મારવાનો એક સબળ અને પ્રબળ ઉપાય આપણા હાથમાં જ છે. ‘સાચા મનુષ્ય’ બનીને આ દુનિયાને અલવિદા કહેવાનો. ઈશ્વરનું આ વણલખ્યું ફરમાન સ્વીકારવામાં આપણે ક્યાં સુધી પાછી પાની કરતા રહીશું ?

[3] કૃત્રિમતાની મેલી ચાદર

આજે માણસ પોતાની મોટા ભાગની શક્તિ યોગ્યતા પ્રાપ્ત કરવા કરતાં પોતાની અયોગ્યતાને ઢાંકવામાં જ વાપરી નાખતો હોય છે. પરિણામે સરવાળે અશક્તિઓ જન્મે છે. માણસને કોણ જાણે કેમ પણ પોતાનો સહજ ચહેરો ગમતો જ નથી. પરિણામે પોતાની તસ્વીર પોતાના ચહેરા જેવી આવવાને લોકોની નજરમાં સુંદર ઠરે એવી એને સતત ચિંતા હોય છે.

શિક્ષણ એ વ્યક્તિ માટે સાહજિક જીવનનો સંદેશ પ્રદાન કરનારું પરિબળ બની રહેવું જોઈએ, પણ વર્ગખંડોમાંથીયે વિદ્યાર્થી કૃત્રિમતા અને બનાવટનો ‘પેગામ’ લઈને પાછો ફરે છે. ઈન્સપેક્શનના દિવસે એને ‘શિસ્તબદ્ધ’ રહેવાની સૂચના આપવી, તેજસ્વી વિદ્યાર્થીઓને જ નિરીક્ષકની હાજરીમાં પ્રશ્નો પૂછવા, નોટો-જર્નલો બધું દેખાવ ખાતર તે દિવસે તૈયાર કરી દેખાડવું, આ બધાની છાપ વિદ્યાર્થીઓના મન પર તો વિકૃત જ પડતી હોય છે !

બનાવટ-કૌશલ્યપ્રધાન આ યુગમાં સ્મિત પણ બનાવટી અને શોક પણ બનાવટી. ‘બેસણું’ એ બનાવટી શોકપ્રદર્શનનો નમૂનો છે. અઘરા-અઘરા શબ્દો, ન સમજાય તેવી પંક્તિઓ અને અટપટા ભાવોથી ભારેખમ પ્રાર્થનાઓ વિદ્યાર્થીઓ પાસે પોપટની જેમ બોલાવીને આપણે તેમના આત્મવિકાસનું નિમિત્ત બન્યાની પરિતૃપ્તિનો ઓડકાર ખાતા હોઈએ છીએ. કોઈકે લખી આપેલું ને વિદ્યાર્થી કે સ્પર્ધકે ગોખી નાખીને ભૂલ વગર બોલી નાખેલું વક્તવ્ય પુરસ્કારપાત્ર ઠરે ત્યારે એ ઈનામ સ્પર્ધક કે તેને સ્પર્ધામાં મોકલનાર સંસ્થાને કઠતું નથી. વિજય માટેની વિવેકહીન ચળે જ માણસ પાસેથી મૂલ્યનિષ્ઠા છીનવી લીધી છે. વિજય માટે માણસ પવિત્રતાનો ક્ષય કરે તો માણસ અને રાક્ષસમાં ફેર શો ?

પરિણામે એ ખરા અંત:કરણના ‘સાચુકલા’ માણસના પ્રેમ કરતાં ચારિત્ર્યહીનતાની દુર્ગંધથી ખદબદતા ‘બનાવટી’, પણ મહત્વના કે ખપ લાગે તેવા માણસની કૃપાદષ્ટિ આપણને ખપે છે. એવા માણસની મહેરબાનીને આપણે જીવનની ધન્યતા સમજીએ છીએ. વ્યક્તિ તરીકે લાંછનરૂપ હોય તેને આપણે ‘વ્યક્તિવિશેષ’ પદે પ્રતિષ્ઠિત કરીએ છીએ. ઉચ્ચતાનું ગૌરવ આપણે પારખી શક્તા નથી, માટે નીચતાને સ્વાર્થપ્રેરિત ઈબાદતનો વિષય બનાવી દઈએ છીએ.

સાચુકલા સ્નેહ કે સાચુકલા ઉપહારની કિંમત પૈસામાં ન જ આંકી શકાય. સાચુકલા માણસોનું અંત:કરણ નિષ્પાપ અને નિર્દંભ હોય છે, એટલે પોતાની અંદરની વાત તેઓ નિ:સંકોચભાવે કશીય બનાવટ વગર કહી શકતા હોય છે. બનાવટની પ્રેરણાનું મુખ્ય બળ અન્ય લોકોને ભોટ માનવાની આપણી મૂર્ખતાભરી આદત છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણી બુદ્ધિ-શક્તિ આપણાં કલંકો અને એબો ઢાંકવામાં સદાય કામયાબ નીવડવાની છે. પણ લોકોની ચતુર નજર આપણું મૂલ્યાંકન આપણા પ્રત્યેક શબ્દ, અવાજ, કાર્ય, વર્તન, કે વ્યવહાર ઉપરથી કરતી હોય છે, આપણે એ વાતનો ગંભીરતાપૂર્વક વિચાર કરતાં નથી. જગતમાં સહજ જીવન જીવવાનો કીમિયો છે : ‘તમારા વ્યક્તિત્વને બેનકામ બનવા દો.’ રંગરોગાન કરેલી બોદા મશીનવાળી કાર ‘વેચાણ’માં કદાચ ફાયદાકારક સિદ્ધ થાય, પણ એને ‘રેસ’માં ઉતારી શકાતી નથી. જગતને પણ રંગરોગાન કરેલાં બનાવટી ચારિત્ર્યવાળા શ્વાસ લેતાં પૂતળાં કરતાં આત્માના ઓજસથી અભિભૂત કરી લેનાર અદકેરા ઈન્સાનો ખપે છે. ક્યારેક ‘સાચુકલો’ માણસ જીવનમાં શું પામ્યો એનાં લેખાં-જોખાં કરતાં લોકો બનાવટી માણસોને મળેલી આકસ્મિક સફળતા અને સિદ્ધિઓ સાથે તેના જીવનને સરખાવીને તેને નિષ્ફળ ચીતરવાની કોશિશ કરતાં હોય છે. પણ આત્મા સમક્ષ વિજેતા ગણાતા પેલા માનવીઓ કરતાં જગત સમક્ષ પરાજિત, પણ આત્મા સમક્ષ વિજેતા પુરવાર થયેલા માણસો જ આ જગતનું અમૃત છે, આભૂષણ છે, જગતની આન અને શાન છે. કારણ કે એમનું તપ જ આ જગતમાં મુઠ્ઠીભર પણ શાનદાર માનવીઓ સર્જવાનું નિમિત્ત બનતું હોય છે.

અંતરાત્માની સ્વીકૃતિ ન મળતી હોય એવાં ‘ફાયદાકારક’ દુષ્કૃત્યમાંથી તત્ક્ષણ ખસી જવું, જ્યાં ઊભાં કે બેઠાં હોઈએ તે ધરતીને આપણા ઉદાત્ત ગુણોથી મહેકાવીને જગતને કશુંક અર્પી જવું, બેઈમાનીની અમીરી કરતાં ઈમાનદારીના રંકત્વનો હસતા મોઢે આદર કરવો, નેક ‘ઈન્કાર’ ને વળગી રહેવું અને ભ્રષ્ટ સ્વીકારનો પળવારનાય વિલંબ વગર ખાતમો બોલાવવો – આ બધું બનાવટી જીવન અને વર્તન જેમને કોઠે પડી ગયું છે, એવા વામણા માણસોના વીરત્વનો વિષય નથી, પણ કર્તવ્યશૂરા, ઈમાનદાર અને નિર્દંભ માણસના અનાસક્ત જીવનને કુદરત-દીધું વરદાન છે. લાખ તરફ નહીં, પણ શાખ તરફ નજર રાખનારા લોકોને એમના અંત:કરણે અર્પેલું એ સૌથી મોટું ઈનામ છે. ભગવાનને ઘેર જવાને ટાણે ‘મેલી ચાદર’ ઓઢીને જવાના સંકોચની વાત તો બાજુ પર રહી, માણસ દરરોજ એકબીજાને દંભ અને કૃત્રિમતાની ‘મેલી ચાદર’ ઓઢીને મળતો હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે બાળવાર્તાઓ – પોપટલાલ મંડલી
અમૃતનું આચમન – સંકલિત Next »   

17 પ્રતિભાવો : તારો ચંદ્ર વધુ શીતળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

 1. Sarika says:

  All articles are good.

 2. nayan panchal says:

  [1] શાંતિપ્રાપ્તિનો કીમિયો

  “આપણને શાંતિ ખપે છે, પણ આપણે સંયમની અપેક્ષા આપણી જાત પાસે રાખવાને બદલે અન્ય પાસે રાખીએ છીએ. ”

  બીજી થપ્પડ એકવાર ખવાય, વારંવાર નહી.

  [2] ખરો મનુષ્ય

  રાજાને બદલે ભગવાનને અને યુવકને બદલે આપણને પોતાને મૂકીને જોવુ જોઇએ કે આપણને ભગવાન પાસેથી ‘ખરા મનુષ્ય’નો ખિતાબ જોઈએ છે કે બીજુ કંઈક…

  [3] કૃત્રિમતાની મેલી ચાદર
  આજનો માનવી તો કૃત્રિમ વસ્તુઓ કરતા પણ વધુ કૃત્રિમ થઈ ગયો છે. કલિયુગના પ્રભાવ હેઠળ આવુ બધુ તો ચાલવાનુ જ. જો કોઈ વધુ સંવેદનશીલ હોય તો emotional fool અને કોઈ એકદમ સરળ માણસ હોય તો ડફોળમાં ગણાઈ જાય.

  નયન

 3. Vaishali Maheshwari says:

  All the short articles here are very inspring.

  (1) Shaantipraapti no kimiyo
  Author has very correctly mentioned that we all want to have peace in life, but we all truly do not understand how can we achieve it.
  First of all we all need to understand that patience is a virtue and the other thing that the Author has mentioned at the very end is very true.
  We all feel that we ourselves are perfectionists and we need not change our way of thinking or our way of living, but we always expect the opponent should act and behave in a manner which we think is right or appropriate.
  This is the biggest problem that we possess. We can find faults in others very easily, but we ourselves do not try to adjust in some different environment.
  Hope we all learn this truth soon, as get some real peace in life 🙂

  (2) Kharo manushya
  Again, very inspiring. We all are human beings, but not truly act as human beings.
  We all need to fear from God, do good deeds without expecting to get any returns and be kind, honest and generous individuals.

  (3) Kutrimta ni meli chaadar
  Very nice examples. People now a days are not very realistic. They tend to pretend more at any place.
  Author is talking about show-offs here. God has given us beauty, but we do not like what he has gifted us.
  We want to look more beautiful or like someone else in this world. We say prayers in presence of many people during mourning ceremonies.
  Sometimes, we ourselves hardly understand what we are speaking, but still we continue to speak, just because it will look good.
  This is a very sad scenario that we observe these days.
  We all should have a true feeling and we all should learn to accept however we are and try not to pretend at any times at any place.

  Thank you Author Dr. Chandrakant Mehta for these wonderful inspiring articles.

 4. Vraj Dave says:

  શ્રીનયનભાઈ ની સાથે સહમત છું.

 5. Chirag Patel says:

  First of all – great aritcals – and lots of “eye openining” reading… You, I and all of us are guilty as charged…

  Vaishali Maheshwariji, I have to diagree with you with your one statement – “Fear of GOD” – Why should we pry to something or someone who is creating fear? From God, one should never be feared – if you are feare of somehting or someone – one can not go close… We should be fear free / frearless from GOD – We should be fear by our actions – what goes around – comes around – Karma… but God – if he comes around – trust me – you, I and us all will run open arms….

  Thank you,
  Chirag Patel

 6. Vaishali Maheshwari says:

  Hello Chiragbhai,

  Thank you so much for reading my comments with due observation.

  I completely agree with you.
  By saying “Fear from God”, I meant exactly what you mean.
  I was just trying to say that when we do any wrong deeds we should always remember that God is always having a watch on us. He will punish us if we do wrong, so we should be afraid of him, when we do any evil things.

  Hope now you get my point. I apologize for the confusion that I had created.

  Thank you once again for highlighting the confusing statement that I made unintentionally in my comments.

 7. Ashish Dave says:

  I think the best way to get peace is to slow down on any thing and every thing that we do…

  All articles are nicely written.

  Ashish Dave
  Sunnyvale, California

 8. અંતરાત્માની સ્વીકૃતિ ન મળતી હોય એવાં ‘ફાયદાકારક’ દુષ્કૃત્યમાંથી તત્ક્ષણ ખસી જવું, જ્યાં ઊભાં કે બેઠાં હોઈએ તે ધરતીને આપણા ઉદાત્ત ગુણોથી મહેકાવીને જગતને કશુંક અર્પી જવું

  કેટલી સરળ પણ મરમી વાત….??

 9. Pratibha says:

  ખરો મનુષ્ય ભાવ ઍ જ આજના જીવન માટે પ્રમુખ લક્ષ હોવુ જોઇએ તેવી પ્રતિતી કરાવવામાં સફળ લેખ અભિનંદન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.