જાતને દોર બાંધીને ઉડાડવી છે ! – રમેશ પારેખ

ramesh parekh[1978-82ના ગાળા દરમિયાન પ્રકટ થયેલા સર્વોત્તમ કાવ્યસંગ્રહ તરીકે ‘ખડિંગ’ને અપાયેલ ‘નર્મદ ચંદ્રક’ સ્વીકારતાં કરેલ વક્તવ્ય – ‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.]

મારાં બા (નર્મદાબહેન) ધાણીફૂટ કાઠિયાવાડી બોલી બોલતાં. અમરેલી મૂળે તો ખોબા જેવડું. પણ ગાયકવાડી સૂબાની કચેરી અહીં રહેતી થઈ ત્યારથી વિકસતું ગયું. 1947 પછી તો તેનું રીતસરનું શહેરીકરણ થતું રહ્યું છે. લોકોની જીભ પર ‘સુધારુ’ ભાષાનો ‘ગિલેટ’ ચડતો રહ્યો છે. મારી બા જેવાં કેટલાંકની વાણી ‘શુદ્ધ’ રહી ગયેલી. આ વાણી, આ ભાષામાંથી મારી જીભના માપનો જોડો સિવાયો છે. મારી ભાષામાં, બોલચાલની લઢણમાં જે ખરબચડાપણું છે તે અસલમાં કાઠિયાવાડી વળોટનું છે.

મારી સાત પેઢીમાં કોઈ સાહિત્યકાર જન્મ્યાની માહિતી નથી. મને હસવું આવે છે કે તો પછી, તેલ, પળી ને ત્રાજવું મૂકી હું કવિતા ‘જોડતો’ કેમ થયો ? ઘરમાં પણ સાહિત્યનું ખાસ કોઈ વાતાવરણ નહીં ! ગામમાંય નહીં અને આગળ વધીને કહું તો આખા અમરેલી જિલ્લામાં નહીં ! મોટાભાઈ કાંતિભાઈ ભાવનગરની શામળદાસ કૉલેજમાં બે વર્ષ ભણ્યા, આ અરસામાં તેમની આગળના કલાસમાં હરીન્દ્ર દવે હતા. તેઓ કૉલેજના મેગેઝિનમાં લેખો લખતા. એ મેં વાંચેલા, પણ કાંઈ ચાંચ બૂડી નહોતી. મોટાભાઈ હાઈસ્કૂલમાં હતા ત્યારથી તેમને હસ્તલિખિત અંકો તૈયાર કરવાનો શોખ, અહીંતહીંથી ગમેલી સામગ્રીને પોતાના હસ્તલિખિત અંકમાં ઉતારતા. એમને કૉલેજના અભ્યાસક્રમમાં ‘કાન્ત’ નો ‘પૂર્વાલાપ’ ભણાવાતો. એમાંના ‘વસંતવિજય’ કાવ્યથી પ્રભાવિત થઈ મોટાભાઈએ ‘પ્રકૃતિવિજય’ શીર્ષકવાળું, સળંગ અનુષ્ટુપમાં દીર્ધકાવ્ય લખી ‘કુમાર’ને મોકલ્યું હતું. બચુભાઈ રાવતે એ ફરી ફરી સુધારવા માટે પાછું મોકલ્યા કર્યું હતું. આ બધું હું સાક્ષીભાવે જોતો. આ વખતે હું દસેક વર્ષનો હોઈશ.

એક દિવસે થયું કે ચાલ, હુંય આવું લખું ! ખૂબ મથામણને અંતે ‘હે પ્રભુ તમને નમું છું હાથ જોડીને, અરે !’ આવી બેચાર પંક્તિઓ લખી. હરિગીત ! આ છંદ કેવી રીતે આવડ્યો ? તો કે, અમારા ઘરમાં ‘મણિકાન્ત કાવ્યમાલા’ નામની એક ચોપડી હતી. તેમાં શશિકાંતની પ્રણયકરુણ કહાણી સળંગ હરિગીતમાં હતી. તેમાંથી મારી મોટી બહેન સવિતાબહેન હીંચેકે બેસી – ‘શશિકાંત, મારાં લગ્નની કંકોતરી વાંચજો…. કંકુ નથી મમ રક્તના છાંટા પડ્યા અવલોકજો…’ ગાતી. એના કરુણાલાપથી હૈયું ભરાઈ આવતું. ખબર પડે નહીં કે સાલું, આવું આવું કેમ થાય છે ! બહેન હીંચકતી હીંચકતી મને ખોળામાં સૂવડાવી થાબડે ને ઊંઘાડી દે. એ હરિગીત છંદ છે એની તો બહુ પાછળથી ખબર પડેલી. પણ કાનને હરિગીતનો પરિચય થઈ ગયો હતો. આ જ રીતે હું જે કાંઈ છંદ-લય શીખ્યો છું તે કાન દ્વારા શીખ્યો છું. હરિગીતની પેલી પાંચ પંક્તિઓ પછી પ્રભુજી પ્રસન્ન થયા નહીં એટલે પ્રભુજીને અને પદ્યને મૂક્યાં પડતાં અને વ્યાયામમંદિરમાં જવાનું શરૂ કર્યું ! અમરેલીમાં બાલપુસ્તકાલય પણ ખરું. ‘બાલમિત્ર’, ‘બાલજીવન’ અને ‘ગાંડીવ’ જેવાં બાળસામાયિકો આવતાં તે વાંચવા જતો.

એક દિવસ ઓચિંતો ચિત્રો દોરવાનો ચસકો લાગ્યો. બકરીની પૂંછડીના વાળ કાપ્યા. દાતણ સાથે દોરાથી બાંધ્યા ને પીંછી બની. ચાંદલા માટેનું કંકુ, હળદર ને આંજણની ડબ્બીમાંથી રંગો બનાવ્યા. એક ચિત્ર બનાવ્યું – ‘શ્રી લક્ષ્મીજી’નું. એને મેં લક્ષ્મીજી તરીકે ઓળખાવ્યાં એટલું જ. ઘરના કોઈ તેમને ઓળખી શક્યા નહીં ને ગેરમાર્ગે દોરવાયા. કોઈએ ‘રાક્ષસ’, કોઈએ ‘બિલાડું’ તો કોઈએ જુદા નામે ઓળખ્યાં એમને. આ ‘આઘાતજનક’ ઘટના પછીય મારું ચિત્રકામ અટક્યું નહીં. પછી તો એવો હાથ બેસી ગયો કે પૂનાના પરીક્ષા બોર્ડ તરફથી ઈંટરમિડિયેટ ડ્રોઈંગની પરીક્ષામાં પ્રથમ ઈનામ મળ્યું. એ પછી રોજનાં ડઝન લેખે સ્વપ્ન આવતાં – મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં ભણવા જવાનાં. આર્થિક સ્થિતિ કંઈ એવી નહોતી. બાપુજીએ ના પાડી દીધી એટલું જ નહિ, કૉલેજમાં ભણવા જવાની ઉંમરે કમાવા માટે 1958માં નોકરીમાં જોડાઈ જવું પડ્યું. ઘરમાં ક્યારેક આવતાં ચોપાનિયાં વાંચતાં-વાંચતાં એકાએક લખવાની ઈચ્છા થઈ. બન્યું એવું કે ઈશ્વર પેટલીકરની નવલકથા ‘તરણા ઓથે ડુંગર’ વાંચી તેનાથી ખૂબ પ્રભાવિત થઈ ગયો. ને પેલી લખવાની ઈચ્છા અમલમાં મુકાઈ ગઈ. એ જ નવલકથાની અસરમાં ‘કાળું ગુલાબ’ વાર્તા લખાઈ. પછી ‘ગુલાબનો છોડ’ અને ‘પ્રેતની દુનિયા’ લખાઈ. ‘ચાંદની’ નામના સામાયિકમાં સૌ પ્રથમ ‘પ્રેતની દુનિયા’ ફોટો અને પરિચય સાથે છપાઈ ત્યારે હું દસમા ધોરણમાં હતો. – છપાયેલી વાર્તા વર્ગશિક્ષક સાહેબને બતાવી, તો તેમણે કહ્યું : ‘ડફોળ ! વાર્તા તેં જ લખી છે કે કોઈની ચોરી લીધી છે ?’ તેમના આ પ્રતિભાવે એટલો મોટો હથોડો માર્યો કે તે પછી ક્યારેય કોઈના અભિપ્રાય માટે મેં ખેવના રાખી જ નહીં. એ માસ્તરને બતાવી આપવાના ઝનૂનથી મેં ધડાધડ વાર્તાઓ લખવા માંડી. છપાય ત્યારે નામદાર સાહેબને સળગાવવાના હેતુથી જ અચૂક બતાવતો અને વૈરતૃપ્તિ માણતો. આમ 1962 સુધી વાર્તાનો દોર ચાલ્યો. સો એક વાર્તાઓ ચાર પાંચ વર્ષના ગાળામાં છપાઈ ગઈ. મુખ્યત્વે વાર્તાઓ જ લખતો. ક્યારેક ગીત કે ગઝલ જેવું પદ્ય પણ રચાતું.

પદ્યકૃતિઓ લખાતી ખરી, પરંતુ એમાં કશુંક ખૂટતું લાગે એટલે છાપવા મોકલવાનો ઉત્સાહ થતો નહીં. બધું નોટબૂકમાં જ ભંડારી રાખતો. ગાવાનો શોખ નાનપણથી જ. હાઈસ્કૂલમાં દાખલ થયો ત્યારે બે-ત્રણ સંગીતરસિયા દોસ્તો મળી ગયા. ઉત્સાહ જાગ્યો ને ‘મોરલ મ્યુઝિક કલબ’ નામે સંસ્થા શરૂ કરી. 1965 સુધી આ સંસ્થા ચાલી. અમે જાહેરમાં સંગીતના કાર્યક્રમો કરીએ. ગુજરાતી ગીતો અને ફિલ્મનાં ગાયનો ગવાતાં, હું પણ ગાતો. ઠોકપાંચમ કરતાં કરતાં તબલાં ને ઢોલક પર ખૂબ સારો હાથ જામી ગયો. આમ પ્રવૃત્ત તો ઘણો બધો રહેતો, પરંતુ કોઈ ચોક્કસ દિશા વિના આમતેમ ફંગોળાયા કરતો હતો.

1966/67ના ગાળામાં અનિલ જોશી અમરેલી આવ્યો. તેના પિતા રમાનાથભાઈ જોશી અમારા બોસ, એટલે અનિલનો પરિચય થયો. એ પરિચય થયો ન હોત તો કદાચ હજુય હું વાર્તાઓ લખતો હોત – એ જ ચીલાચાલુ – અથવા તો કશું જ લખતો ન હોત. મારા જીવનમાં કવિતાનો પ્રવેશ અનિલરૂપે થયો. પહેલી મુલાકાતમાં અનિલે એનું ‘કુમાર’ માં છપાયેલું ‘ગરિયો’ કાવ્ય સંભળાવ્યું. મેં એ અરસામાં ‘ચિત્રલેખા’માં છપાયેલી મારી વાર્તા ‘બટ નેચરલ’ વંચાવ્યાનું યાદ છે.

એ કાળે અમરેલીમાં સાહિત્યનું વાતાવરણ જ નહીં. જન્મયો, ભણ્યો, નોકરીએ રહ્યો અમરેલીમાં જ; તે બહારની દુનિયાથી હું સાવ અજ્ઞાત. સારી લાઈબ્રેરીયે નહીં. વાર્તા કે કાવ્ય લખવાની મારી મથામણના કાળમાં કોઈ સારું પુસ્તક કે કાવ્યો વાંચવા મળ્યાં નહીં. વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકો જોયાંય નથી, વાંચવાની તો વાત જ ક્યાં ? સૌથી વધુ પુસ્તકો વાંચ્યા હોય તો ડિટેક્ટિવ સાહિત્યનાં, કેમ કે એ જ સરળ રીતે ઉપલબ્ધ હતાં. આમ મારી સર્જનપ્રવૃત્તિ પેલા એકલવ્યની વિદ્યા જેવી છે. આ તેની વિશિષ્ટતાયે છે ને મર્યાદાયે છે.

અનિલની દોસ્તીએ મારા અભાવોનું થોડું વળતર આપ્યું. અનિલ સાહિત્યરસિક મિત્ર જ નહીં, મારા માટે જ્ઞાન અને માહિતીનો ખજાનો હતો. એ સાહિત્યની, સાહિત્યકારોની અનેક વાતો કરતો જે મેં ક્યારેય વાંચી કે સાંભળી ન હોત. મારા મનમાં સતત ખાલી રહેતો જિજ્ઞાસુ ખૂણો પુરાતો રહ્યો. મેં નોટબૂકમાં સંતાડી રાખેલાં કાવ્યો અનિલને વંચાવ્યાં ત્યારે તે કાંઈ બહુ ખુશ થયો નહીં. કહ્યું કે, ‘આ તો જૂની ઘરેડનાં કાવ્યો છે. કશુંક નવું લખ તો જામે.’
‘નવું એટલે કેવું ?’
‘આ “કૃતિ” જેવા મેગેઝિનમાં છપાય છે તેવું.’ અનિલે તે અરસામાં છપાયેલા “કૃતિ”ના એક-બે અંક આપ્યા. હું તેને નવાઈથી જોઈ રહ્યો – ફિલ્મી ગીતોની ચોપડી જેવું કદ !
‘આવું લખતાં તને આવડે ?’ અનિલે પૂછ્યું.
‘શા માટે ન આવડે ?’ મેં છાતી ફુલાવી ગર્વથી કહ્યું – ‘આવડે જ ! એમાં કઈ ધાડ મારવાની છે ?’
અનિલની વાત જાણે મને ચેલેંજ ફેંકતી હતી. મેં એ ચેલેંજ ઉપાડી લીધી. કૉલેજ ખૂલતાં અનિલ અમદાવાદ ગયો. તરત ઝનૂનપૂર્વક લખી કાઢેલાં આઠદસ કાવ્યોનો થપ્પો મેં તેને પોસ્ટથી મોકલી આપ્યો. લાભશંકર ઠાકર, ‘આદિલ’, ચિનુભાઈ, મનહર મોદી, રાવજી, રાજેન્દ્ર શુક્લ વગેરે એ વખતે ‘રે મઠ’ માં મળતા. અનિલ પણ જતો. મેં મોકલેલાં કાવ્યોનો થપ્પો અનિલે એક બેઠકમાં મિત્રો સમક્ષ મૂક્યો. કાવ્યો વંચાયાં. કેટલાક મિત્રોને ગમ્યાં. ‘કૃતિ’ માં છપાયાં. ‘લ્યો, આ નવી રીતનાં કાવ્યો લખતાં આવડી ગયાં !’

અનિલ અમદાવાદથી અમરેલી અવારનવાર આવે, એટલે અમારી દોસ્તીને વળ ચડતા રહ્યા. એ થોડા સમય પછી અભ્યાસ પૂરો કરી અમરેલીમાં સ્થાયી થયો અને અમારી ‘ફુલટાઈમ’ મૈત્રી જામી. રોજરોજ અનિલ ને હું કંઈક નવું લખીએ, વાંચીએ, માથાફાડ ચર્ચા કરીએ, જીવલેણ ઝઘડીએ ને કાકી વઢે ત્યારે જમી લઈએ. (અનિલનાં બાને અમે કાકી કહીએ.) અનેક પ્રકારના આનંદો હતા – લખવાનો, વાંચવાનો, ચર્ચા કરવાનો, ઝઘડવાનો, મુક્ત રીતે રખડવાનો ને હસવાનો આનંદ. આ આનંદ અમારાં સર્જનોમાં પ્રાણ પૂરતો. ‘કૃતિ’ ઉપરાંત બીજાં મેગેઝિનોમાં, ખાસ કરીને સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેના તંત્રીપદે પ્રકટતાં ‘કવિતા’ અને ‘સમર્પણ’ માં અનિલની અને મારી રચના પ્રકટ થતી. એ વખતે મને તો એક જબરો નશો હતો કવિતાનો, પ્રસિદ્ધિનો !

દિલ્હીમાં ભરાયેલી 1968ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં પહેલી જ વાર ગયો, એ અનુભવ રોમહર્ષણ હતો. જિંદગીનો પહેલો જ સાહિત્ય અંગેનો મારો આ પ્રવાસ, ગુજરાત બહારનો પ્રવાસ. મેં જેમની વાર્તાઓ, નવલકથાઓ ને કાવ્યો વાંચ્યાં હતાં, જેમનાં કાવ્યો સાંભળ્યાં હતાં એ સૌ સાહિત્યકારોને પહેલી જ વાર પ્રત્યક્ષ ભાળ્યા – પન્નાલાલ પટેલ – ઓહોહોહોહો ! મડિયા…! ઉમાશંકર…..! ઓહોહોહોહો ! ગુલાબદાસ બ્રોકર, પ્રિયકાન્ત, સુરેશ દલાલ, ઓહોહોહોહો ! જાણે વન્ડરલૅન્ડમાં આવી ચઢેલી પેલી ઍલિસ ! વળી સોનામાં સુગંધ ભળી તે એ કે ઉમાશંકર જોશીના વડપણ નીચે રાત્રે કવિસંમેલન થયેલું તેમાં એક ગઝલ પણ બોલ્યો – ‘હવાઓ….’

વળી, થોડા દિવસ પછી ‘નવચેતન’નો દિવાળી અંક અનિલે વાંચ્યો હશે તે તેણે કહ્યું, ‘હરીન્દ્ર દવેનો ઈન્ટરવ્યુ લીધો છે કોઈએ, વાંચજે.’ વાંચ્યો ને સુન્ન થઈ ગયો ! નવી પેઢીના પ્રોમિસિંગ કવિઓ કોણ કોણ તે પ્રશ્નના ઉત્તરમાં હરીન્દ્રભાઈએ અનિલનાં ને મારાં નામો આપેલાં. એ ઘટના હતી મારા ઉપવિત સંસ્કારની. એ લેખ વાંચ્યો તે જ ક્ષણે હું દ્વિજ બન્યો; કવિરૂપે જન્મ્યો. થયું. હરીન્દ્રભાઈ જેવા ઉત્તમ પુરોહિત છે ને આપણુંય કિસ્મત બુલંદ ! બસ ત્યારથી ધડાધડ લખવા માંડ્યું. છપાવા માંડ્યું અને 1970માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ પ્રકટ થયો. અનિલની ‘કદાચ’ અને મારી ‘ક્યાં’ ની સ્ક્રિપ્ટ તૈયાર થતી હતી તે અરસામાં અનિલે વસંતતિલકા છંદમાં લાંબુ કાવ્ય લખ્યું. મને થયું – હું શા માટે ન લખું ? તાબડતોબ ‘કુરુક્ષેત્ર’ લખ્યું – વસંતતિલકામાં. પણ સાચું પૂછો તો સંસ્કૃત વૃત્તમેળ છંદોની મને ગતાગમ નહીં. ગીત અને ગઝલના વિવિધ લય પણ આમ તો કાન દ્વારા શીખ્યો હતો. છતાં આ વૃત્તમેળ છંદો ? ના રે ભાઈ ! એને તો સ્પર્શ કરવાની હિંમત નહોતી.

‘કવિતા’ નો સૉનેટ વિશેષાંક પ્રકટ થવાનો હતો તે માટે સૉનેટો મોકલવા સુરેશ દલાલે લખ્યું. બાપુ, આપણને પરસેવો વળી ગયો. છેવટ રજપૂત થયા તે યુદ્ધે ચડવું જ પડે ! કાનથી સાંભળેલા લયને સાબદા કરી, વૃત્તમેળ છંદમાં એક સૉનેટ ગબડાવ્યું. પણ એ જ વખતે માંહ્યલાને કહ્યું કે મોટા ! આ બધા છંદો છે ‘ચેલેજિંગ’, આમાં તારું કાનવાળું જ્ઞાન નહીં ચાલે. તપ કર ! તપ કર ! નીચી મૂંડીએ, પ્રાણાયામપૂર્વક, પાકા ઘડે કાંઠા ચડાવવાના જીવલેણ પ્રયત્નો આદર્યા. અંતે છંદમાં ખંડકાવ્યો લખાયાં – ‘આલા ખાચરની સવાર’, ‘આલા ખાચરની સાંજ’ અને તે પછી ‘આલા ખાચર’ સિરીઝનાં કેટલાંક સૉનેટનો ગુચ્છ, વિવિધ છંદોમાં ગઝલ…..

મેં કદી પતંગ ઉડાડ્યો નથી. એમાં કદી રસ પડ્યો નથી, પરંતુ નાની વયથી તે આજ સુધી મનમાં એક ‘બાલિશ’ ઈચ્છા બળવત્તર બનતી રહે છે કે પતંગને નહીં, તેને બદલે મારી જાતને દોર બાંધીને ઉડાડવી છે. કાવ્યસર્જન એ જાતને દોર બાંધીને આકાશમાં ઉડાડવાની મથામણ છે કદાચ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોની કૃતિઓ – સંકલિત
કોલેજીયનો આટલું વિચારે…! – દિનેશ પંચાલ Next »   

20 પ્રતિભાવો : જાતને દોર બાંધીને ઉડાડવી છે ! – રમેશ પારેખ

 1. ઉત્તમ લેખ ! શ્રી રમેશ પારેખનુ જીવન આંખ સામેથી પસાર થઈ ગયુ…

 2. Pratik Kachchhi says:

  Common People like us.. born , educated , get married and run the show of life by doing job.. sometime get frustrated with routine type of problems.. but when get a chance to read the life / views of such a BRILIAN DIFFERENT PERSONALITY..you feel like recharged yourself and ready to struggel again with one more determination.. Trust me.. this is really a nice effective article..

 3. Keyur Patel says:

  It is the thougt that makes man fly. Sometimes it may take many thoughts. But so what? Looking at Ramesh Parekh’s wonderful thought bliss, one can imagine how one can fly. That inside feeling of doing something different, makes him different. Today Mr. Ramesh has his own universe in this huge space of poetry. I say this not only because I am a huge fan of Ramesh’s but I say so because of his diversity and command on the language. It is fresh!! Some thing like that special smell – that comes from mother earth on the first rain of the season. Simply amazing stuff.

  Thanks Mrugesh, for this article – something in his own words……

 4. Deepak says:

  Beautifully explained. Creative at art,music and writing….it was in the family..loved it

 5. Jayesh says:

  Ramesh Parekh was genius. The article is brilliant and so are the comments particularly by Pratik and Keyur.

 6. Bhavna Shukla(USA) says:

  Amreli ma j uchhari, rahi, bhani ne moti thai chhu. 6 akshar ne sadehe jova mate himmat kyarey kelvi shaki nathi. Ek setu bandhi na shaki Mira Same Par…

 7. Himanshu says:

  સરસ. પણ રાવજિ પટેલ કેમ ભુલાયા ? કોઇ કૃતિ નહિ?

 8. nirlep bhatt says:

  it’s a wonderful……..ramesh parekh ni kavita/gazal ma nirdoshta, katax ane NIRBHEL anand ane Vishuddh prem chhe……….ane adbhut kalpana & saav navin shabdo.

  morari bapu kahe chhe em – આ કવિ કશુ ભાળી ગયો લાગે છે…

 9. Navnit says:

  You really have to watch Shobhit Desai’s Ek KHOBO ZAKAL to see and feel Ramesh Parekh’s true world.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.