લખવાની કલા – ફાધર વાલેસ

[‘શબ્દલોક’માંથી સાભાર.]

લેખકો જ લખે છે એવું નહિ. બધા લખીએ છીએ. પત્ર, પરીક્ષા, અરજી, અહેવાલ… કંઈ ને કંઈ લખવાનું તો હોય જ. અને ઉંડે ઉંડે સાહિત્ય લખવાની દબાયેલી મહેચ્છા. કોણે ચોરી-ચુપકીદીથી કોઈ કવિતા ન લખી હોય ? હકીકતમાં લખાય છે ઘણું, પણ સારું લખાય છે ઓછું, અને એનું કારણ એ છે કે લખવાની શિસ્ત ભારે હોય છે.

વિચાર, ભાવ અને શબ્દ – એ ત્રણનો યોગ મળે એટલે લખાણ ખીલે. અને એ મુહૂર્ત તો વિરલ જ છે. ગ્રહોની લાંબી ઉપાસના કરવી પડે ! અને સાથે સાથે જ્ઞાનેન્દ્રિયોનું ભારે તપ કરવું પડે. દીર્ઘ તપશ્ચર્યા વગર લેખક ન થવાય.

પ્રથમ વિચાર જોઈએ. લખવા બેસતા પહેલાં મારા મનમાં સ્પષ્ટ અને સુરેખ વિચાર હોવો જોઈએ : મારે કહેવું છે શું ? મારા મનમાં મુદ્દો સ્પષ્ટ હોય તોય બીજાઓની આગળ એ સ્પષ્ટ કરી આપવાનો પ્રશ્ન રહેશે જ; પરંતુ જો મારા મનમાં સ્પષ્ટ ન હોય તો બીજાઓની આગળ સ્પષ્ટ કરી દેવાની વાત ક્યાં રહી ? એમાં મારે મારી પોતાની પરીક્ષા સખત લેવી જોઈએ અને મારી પોતાની દયા ખાવી પણ ન જોઈએ. શું કહેવું છે ? શું સમજાવવું છે ? શી છાપ પાડવી છે ? કેવી લાગણી પેદા કરવી છે ? મનમાં દિશા સ્પષ્ટ હોય પછી જ કલમ હાથમાં લેવાય.

વિચાર તો એક જ હોય, અને વધારે હોય તો એક પછી એક અલગ વિભાગમાં અને ચોક્કસ ક્રમમાં, ક્યાંથી ક્યાં જવાનું છે એ સ્પષ્ટ નકશો મનમાં પહેલેથી જ દોરેલો હોવો જોઈએ. હા, કદાચ લખવાનો હેતુ મનોરંજન કરાવવાનો હોય તો એ હેતુ પણ સ્પષ્ટ જોઈએ અને એ અનુસાર વાતનો દોર ચલાવવો જોઈએ. એટલે સુધી પણ કહું કે મનમાં વાત સ્પષ્ટ ન હોય તો ‘મનમાં વાત સ્પષ્ટ નથી’ એ જરૂર લખી શકાય અને મનની મૂંઝવણને લખવાનો મુદ્દો બનાવી શકાય. જરૂર. એમ થાય ત્યારે અસ્પષ્ટતાનો સ્પષ્ટ મુદ્દો બની જાય. એમાં વાંધો નથી. પરંતુ વાત સ્પષ્ટ ન હોય ત્યારે સ્પષ્ટતાનો ઢોંગ કરવો એ કલમનો ગુનો છે.

મારા એક માનનીય શિક્ષક એક માર્મિક કથન વારંવાર કહેતા : ‘ઈફિજેન્યાનો ભોગ આપતાં શીખો’ મર્મ સમજવા જેવો છે. ઈફિજેન્યાની કથા ગ્રીક સાહિત્યમાં છે અને ટ્રોજન યુદ્ધ સાથે સંકળાયેલી છે. હવે ટ્રોજન એ હોમરના મહાકાવ્ય ઈલિયડનો વિષય છે, અને ઈફિજેન્યાની કથા તો રસિક છે પણ પોતાના વાર્તાપ્રવાહમાં લેવા જાય તો આડકથા બની જાય, માટે એનું આકર્ષણ હોવા છતાં લાંબા મહાકાવ્યમાં હોમરે ક્યાંય ઈફિજેન્યાનો ઉલ્લેખ પણ કર્યો નહિ. કથાવસ્તુ ચોખ્ખું રહે. વાત આઘીપાછી નહિ થાય. મુદ્દો કેન્દ્રમાં રહે અને દિશા સ્થિર રહે અને હોમરનું ઈલિયડ વિશ્વસાહિત્યનું અણમૂલ રત્ન બને. એટલા માટે એ જ્ઞાની શિક્ષક અમને ઈફિજેન્યાનો ભોગ આપવાનું કહેતા. અને એટલા માટે હું અહીંયા (ઈચ્છા હોવા છતાં) ઈફિજેન્યાની કથા લખતો પણ નથી. મારા જૂના શિક્ષકનું માન મારે રાખવું છે.

વિચાર સાથે ભાવ પણ જોઈએ. મારે આમાં વિશ્વાસ ન હોય, રસ ન હોય, ઉત્સાહ ન હોય તો લખું શું કામ ? અને લખું તોય એમાં જોર આવે ક્યાંથી ? વિચાર તો શુષ્ક છે, અને એકલો રહે તો શુષ્ક જ રહે. સાહિત્ય લખવામાં મનની સાથે દિલ પણ જોઈએ – કારણકે જીવન જીવવામાં પણ જોઈએ. મારો એક નિયમ છે : જુસ્સા સાથે લખી ન શકું તો લખવું જ નહિ. જુસ્સો હોય તો હુમલો આવે, અને હુમલો આવે તો જ વાંચનારનું પેટ હાલે અને લખવાની મહેનત વસૂલ થાય. દુનિયામાં જે લોકો પ્રતીતિ વગર, દિલ વગર, શ્રદ્ધા વગર લખે એ લખતા બંધ થઈ જાય તો માનવજાતને જરા રાહત રહે. અંતર સળવળે ત્યારે જ લખવાનું – પછી ભલે એ હાસ્યરસનો લેખ હોય કે તત્વજ્ઞાનની મીમાંસા હોય. લખવાની આજ્ઞા હૃદયના ઊંડાણમાંથી આવવી જોઈએ, અને એ આજ્ઞા ન મળે ત્યાં સુધી નહિ લખવાની સાચા લેખકની પ્રતિજ્ઞા છે.

છેલ્લે, વિચાર અને ભાવ સાથે શબ્દ પણ જોઈએ. મન અને કાગળ વચ્ચેનું અંતર ફૂટપટ્ટીથી માપીએ તો નાનું છે, પણ અનુભવથી માપીએ તો અનંત છે. મનમાં વિચાર શુદ્ધ છે, અમૂર્ત છે, અલિપ્ત છે, પણ કાગળ ઉપર જેમ તેમ અવતરે ત્યારે એવો અણઘડ લાગે છે કે કોઈ વાર ઓળખાય પણ નહિ. એ લેખકની અંતર્વ્યથા છે : મારા મનમાં હતું શું અને કાગળ ઉપર આવ્યું છે શું ? અને એ લેખકની ધન્યતા પણ છે : જેમ તેમ કરીને દિવ્ય તેજની એક ઝાંખી પાર્થિવ ઉપકરણોમાં ઝીલી શક્યો છું.

એ માટે શબ્દોની મૈત્રી એણે કેળવવાની હોય છે. એ જીવનભરનું કાર્ય છે. શબ્દોનો પરિચય, એનાં મૂળ, કુળ, ગોત્ર, જ્ઞાતિ, એમની રૂચિ-અરૂચિ, કોને કોની જોડે ફાવે અને કોણ કોઈ હિસાબે કોની બાજુમાં નહિ બેસે, એમના પૂર્વગ્રહો ને એમની આબરૂ, એમનું કામણ અને એમનો રોષ. લાંબુ શાસ્ત્ર છે. અને પછી ધીરજ, ધ્યાન, સમાધિ. લેખકનો ગુણ એકાગ્રતા છે. શબ્દોની પ્રતીક્ષા છે. પ્રેરણાનું મુહૂર્ત છે. ગ્રહો રિઝાય ત્યારે જ પુસ્તક પૂરું થાય. અને લેખકનું દિલ હરખાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોલેજીયનો આટલું વિચારે…! – દિનેશ પંચાલ
આઠ પત્રો અને એસ.એમ.એસ. – દીવાન ઠાકોર Next »   

10 પ્રતિભાવો : લખવાની કલા – ફાધર વાલેસ

 1. અમી says:

  “દુનિયામાં જે લોકો પ્રતીતિ વગર, દિલ વગર, શ્રદ્ધા વગર લખે એ લખતા બંધ થઈ જાય તો માનવજાતને જરા રાહત રહે.” લાગે છે અમે “માનવસેવા” નુ એક નાનુ કામ તો કર્યુ જ છે. 🙂

 2. Mahendra shah says:

  Excellent article. Coincidental that first article is Letter from Diyer to bhabhi . I think loving the recipient of the letter or the reader of the article one writes,whether he is lekhak or not is immaterial. Emotion gets converted in to Shabda. Any comments any body?

 3. Maharshi says:

  વિચાર, ભાવ અને શબ્દ – એ ત્રણનો યોગ મળે એટલે લખાણ ખીલે. –વાહ

 4. Atul Jani says:

  શ્રી ફાધર વાલેસે આજે લેખનકળા ખીલવવાની માસ્ટર કી આપી દીધી.

  ૧. વિચાર – સ્પષ્ટ વિચારણા
  ૨. ભાવ – સ્પષ્ટ વિચારણાને વેગ આપતો જુસ્સો
  ૩. શબ્દો – આ સ્પષ્ટ વિચારણાને જુસ્સાસભર રીતે અભિવ્યક્ત કરવા માટેના યથાયોગ્ય શબ્દો.

  અહીં ફરી એક વાત સામે આવી છે કેઃ- આ કાંઈ એક દિવસની વાત નથી આ તો છે જીવનભરનું કાર્ય.

  તો ચાલો આજથી જ આ લેખનકલા વિકસાવવાનું શરુ કરી દઈએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.