જીવનનો હેતુ (ભાગ-2) – મૃગેશ શાહ

ગત સપ્તાહે આપણે ‘જીવનનો હેતુ’ વિષયપર સંક્ષિપ્તમાં ચિંતન કર્યું, જેમાં જીવનનો સૌપ્રથમ હેતુ એટલે વ્યક્તિની અંતર્મુખતા – એમ આપણે સમજવાનો પ્રયાસ કર્યો.

ખરું, જોવા જઈએ તો જીવનના તમામ હેતુઓ આપણને બાળપણથી મળી ચૂક્યા હોય છે. આ વિચારવું એટલા માટે પડે છે કારણકે આપણી સ્મૃતિમાંથી એ બધું વિસરાઈ ગયું છે. બાળક સ્વભાવથી જ અંતર્મુખ હોય છે, એ પોતાની ધૂનમાં મસ્ત હોય છે. કોઈ એની સામે જુએ કે ન જુએ, એ પોતાનું ગણગણવાનું ચાલુ રાખે છે. આ તેનું ગણગણવું એ સ્વસ્થ ચિત્ત દશા અને અંતર્મુખતાનું લક્ષણ છે.

આપણને બાળપણથી કેળવણી આપવામાં આવે છે કે ‘ભણો, ગણો અને જીવનમાં આગળ વધો.’ એ આગળ વધવા માટે આપણે અભ્યાસ કરીએ છીએ, સમય જતાં વ્યવસાય કે નોકરીમાં વ્યસ્ત બનીએ છીએ, સંસારની જવાબદારીઓ નિભાવીએ છીએ – પરંતુ આ બધું શેના માટે ? આપણે કોઈને પૂછીએ કે ભણવાનું કેમ ? તો કહેશે કે સારી નોકરી મળે એના માટે. વળી, આપણે પૂછીએ કે સારી નોકરી કેમ મેળવવાની ? તો કહેશે કે સારો પગાર મળે, લગ્ન થાય અને વ્યવસ્થિત ઘર ચલાવી શકો એ માટે. હવે આપણે એમ પૂછીએ કે માનો કે સારી નોકરી મળે, લગ્ન થાય, ઘર પણ સરસ ચાલે – પણ એ બધું કરવાથી શું મળે ? તો હવે મૂળ જવાબ આપણને મળશે કે “એ બધું કરવાથી માણસ પ્રસન્નતા અનુભવે અને સુખી થાય.” તેથી સિદ્ધ થાય કે મનુષ્ય જીવનનો બીજો એક મૂળ હેતુ પ્રસન્ન રહેવાનો છે.

સુખ અને પ્રસન્નતા વચ્ચે દેખીતો તફાવત છે. સુખ હંમેશા સાધનલક્ષી હોય છે, પ્રસન્નતા અને સાધનને કોઈ લાગતું વળગતું નથી. સાધનના અભાવમાં જો સુખની અનુભૂતિ થતી હોય તો એ સુખ નથી પરંતુ એ પ્રસન્નતા છે. મારી પાસે ઑફિસે જવા માટે ગાડી છે તો એ મારા માટે સુખ છે, પરંતુ કદાચ એ ગાડી કોઈ દિવસ ગેરેજમાં ગઈ હોય તો પણ હું એટલી જ શાંતિથી, ગીત ગણગણતા ચાલતા-ચાલતા ઑફિસે જઈ શકું તો એ મારી આંતરિક પ્રસન્નતા છે. પ્રસન્ન રહેવું એ માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. જો એમ ન હોત તો બાળક ઘોડિયામાં પડ્યા પડ્યા શું કામ હસે છે ? એની પાસે તો ગાડીયે નથી, બંગલોય નથી – અરે એની પોતાની સાર-અસાર સમજવાની વિવેકબુદ્ધિપણ નથી – તેમ છતાં એ પ્રસન્ન છે કારણ કે એ પ્રકૃતિનું સંતાન છે. તેની પ્રસન્નતા કોઈ દુન્યવી સાધનો પર આધારિત નથી.

હવે સવાલ છે કે આ પ્રસન્નતા કેળવવી કેવી રીતે ? આંતરિક પ્રસન્નતા ટકાવી રાખવા માટેનું સૌ પ્રથમ સાધન – જે આપણે અગાઉ જોઈ ગયા – તે વ્યક્તિની અંર્તમુખતા છે. ભગવદગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહેવાયું છે કે જે વ્યક્તિ અંર્તમુખી છે તેનું મન જેમ પવન વગરના ઓરડામાં દિપની જ્યોતિ સ્થિર રહે છે, તેમ અચલ અને સ્થિર રહી શકે છે. જો અંદર પ્રસન્નતા ન હોત તો લોકો ધ્યાન શા માટે કરત ? યોગીઓ વર્ષોના વર્ષો સુધી તપ કરીને બેસી રહે છે તે બતાવે છે કે અંદર ખરેખર કોઈ ‘ઈન્ટરેસ્ટિંગ’ વસ્તુ છે, જે આપણને જાણમાં નથી. અંર્તમુખ આદમી પ્રસન્ન જ પ્રસન્ન હોય. તેવા વ્યક્તિને આઠે પહોર આનંદ હોય.

આપણી આંતરિક પ્રસન્નતા ટકાવી રાખવામાં મદદ કરે એવું બીજુ સાધન છે – પ્રકૃતિનું સાનિધ્ય. આપણી મૂળ પ્રકૃતિ જ પ્રસન્ન રહેવાની છે. જો એમ ન હોત તો શા માટે આપણને પ્રકૃતિની નિકટ રહેવું ગમે છે ? પર્વતો જેટલા ઊંચા મકાનો આપણા શહેરમાં પણ છે, નદીઓ કરતાંય શુદ્ધ પાણી સ્વિમિંગપૂલોમાં હોય છે, બાગની હરિયાળી કરતાં આપણા ડનલોપના ગાદલા વધારે સોફ્ટ હોય છે – પણ ના ! આપણને કુદરતનું સાનિધ્ય જ ગમે છે કારણકે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તમે ઘણીવાર નોંધ્યું હશે કે નોકરીમાં કોઈ અડચણ થઈ હોય કે ધંધામાં કોઈ ખોટ ગઈ હોય તો તમે ઘરે આવીને એ.સી. ચાલુ કરીને આરામથી પલંગ પર લંબાવીને બેસો તોય એ વિષાદના વિચારો તમારો પીછો છોડતા નથી. અને સાંજ પડે એટલે એમ થાય છે કે ‘ચલો ને ક્યાંક બહાર જઈ આવીએ ?’ – આ જે બહાર જવાની ઈચ્છા આપણને થાય છે તે બતાવે છે કે આપણે પ્રકૃતિ સાથે કેટલા જોડાયેલા છે ! આવા સમયે કોઈ નદીના કિનારે, સરોવરની પાળે, દરિયા કિનારે કે ઉતુંગ પર્વતોના સાનિધ્યમાં કલાક-બે કલાક પસાર કરી આવીએ, ત્યારે આપણે થોડી તાજગી મહેસૂસ કરીએ છીએ. તેથી આપણી આંતરિક પ્રસન્નતા પાછી લાવવામાં પ્રકૃતિનો મોટો ફાળો છે એમ લાગે છે.

પ્રસન્નતાને ઘટાડનારો સૌથી મોટો શત્રુ છે ‘બુદ્ધિ’. જેમ બુદ્ધિ વધતી જાય છે તેમ તેમ પ્રસન્નતા ઘટતી જાય છે. તેથી કરીને વિદ્વાન અને પંડિત લોકો બહુ હસી શકતા નથી. ઘણા લોકો પ્રસન્નતાના અભાવમાં ડિપ્રેશનનો ભોગ બને છે. જેમ જેમ ગણતરીઓ વધતી જાય છે તેમ તેમ આંતરિક અસ્થિરતા પણ વધતી જાય છે. ઘણી વાર લોકો ‘સંતોષ’ શબ્દનો ઊંધો અર્થ કરી લે છે. ‘સંતોષ’ નો અર્થ એવો નથી કે આપણે આપણી પ્રગતિ અટકાવી દેવી. પ્રગતિ તો કરવી જ, અને ચોક્કસ કરવી પરંતુ પ્રગતિ કરવાની સાથે સાથે એ ધ્યાન પણ રાખવું કે એ પ્રગતિ આપણા જીવનમાં પ્રસન્નતા ઉમેરે છે કે નહી ? એકલા શુષ્ક વિકાસનો શું અર્થ ? કેરિયર, નોકરી, ધંધો એ બધું જ અગત્યનું છે, પરંતુ પ્રસન્નતાના ભોગે નહીં. કારણકે જો જીવનમાંથી આનંદનું સ્તર ઘટી જશે તો ગમે એટલી પ્રગતિ કરી હશે એ બધી બોજ લાગશે. ક્યાં આગળ પરિશ્રમનું ‘એકસીલેટર’ આપવું અને ક્યાં આગળ ‘સંતોષની’ બ્રેક મારવી એ વ્યક્તિએ પોતાની રીતે જાતે વિચારવાનું છે. બુદ્ધિનો વિકાસ, પ્લાનિંગ, મેનેજમેન્ટ એ બધું જરૂરી, પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે જીવન આ બધાથી ઉપર વહે છે. આ તમામ વસ્તુઓ જીવનના રસ સૂકવી નાખે એટલી હદે વધી જાય તો એ શિક્ષણ એ વિકાસ નથી પરંતુ વિનાશ છે.

આપણી આંતરિક પ્રસન્નતા મેળવવામાં અને તે આનંદને ટકાવી રાખવામાં બે પરિબળો મુખ્ય ભાગ ભજવે છે જેમાં એક છે નિરોગી શરીર અને સ્વસ્થ મન. આ બંને વસ્તુ જો હશે તો આપણે વગર પ્રયાસે સ્વસ્થ ચિત્ત રહી શકીશું. તેથી જ યોગ્ય ખાનપાન, આહાર-વિહારને ખૂબ મહત્વ અપાયું છે. આપણે ત્યાં જે ઉપવાસ અને વ્રતોનો મહિમા છે એ કોઈ ધર્મલાભ માટે નહીં, પરંતુ આપણા લાભ માટે જ છે. જે માનવીના ઉચ્ચ વિચારો, સુંદર ચિંતન અને મનન હોય છે તેનું આચરણ પણ શુદ્ધ બને છે. એવા વ્યક્તિનું મન દેખાદેખી સ્પર્ધાઓ અને ભૌતિકતા પાછળ ઢસડાતું નથી અને તેથી કરીને સ્વાભાવિક રીતે જ પ્રસન્ન રહી શકે છે. માત્ર એટલું જ નહિ, એવા વ્યક્તિનો જે સંગ કરે છે એ પણ આનંદથી ભરાઈ જાય છે.

માણસનું શરીર પારદર્શક છે. ભલે આપણે સ્થૂળ રીતે વ્યક્તિના હાડકા, નસો અને સ્નાયુઓ નથી જોઈ શકતા, પરંતુ તેના મનની અવસ્થા શું છે તે તેનો ચહેરો બતાવી આપે છે. ચહેરાને અંતરનો અરીસો કહ્યો છે. ઘણીવાર આપણે કોઈ માણસને એક કલાક માટે મળવા જઈએ તો એની વાતોથી એમ થાય છે કે હજી વધારે બેસીએ, હજી વધારે કંઈક જાણીએ અને એવા વ્યક્તિઓ સાથે વાતો કરવાથી સમય ક્યાં પસાર થઈ જાય છે એનું ભાન પણ નથી રહેતું. એનાથી ઉલટું, અમુક વ્યક્તિને મળતાની સાથે એમ થાય કે ક્યારે કામ પુરું થાય અને ક્યારે ઘર ભેગા થઈ જઈએ ! આપણા મનમાં આવા ભાવ ઉદ્દભવાનું કારણ સામેના માણસની મનની આંતરિક સ્થિતિ છે. તાજગી અને પ્રસન્નતાથી ભરેલા વ્યક્તિને આપણે મળીએ ત્યારે આપણા મન પર તેની એટલી ઊંડી છાપ પડે છે કે ખુદ આપણને પણ નવાઈ લાગે છે કે આ વ્યક્તિ મને વારે-ઘડિયે યાદ કેમ આવે છે ? અંત:કરણની પ્રસન્નતાનો આ ચમત્કાર છે. એવા વ્યક્તિનું મોં તેજસ્વી અને ઓજસ્વી હોય છે. એ સાત્વિકતા આપણને ખેંચે છે. આપણે જેટલા પ્રમાણમાં આંતરિક રીતે સ્વસ્થ હોઈએ એટલા પ્રમાણમાં આ સિગ્નલોને ઝીલી શકીએ. ભગવાન બુદ્ધ અને મહાવીર વિશે એમ કહેવાય છે કે તેમના હૃદયમાં રહેલી કરુણા, શુદ્ધભાવ, અને મોં પરના તેજ અને પ્રસન્નતા જોઈએને હિંસકમાં હિંસક પશુઓ પણ અહિંસક બની જતા, અને આ શક્ય છે. માણસની આંખો એ તેના મનનો એક્સ-રે છે. પ્રસન્ન વ્યક્તિ બધામાં જુદો તરી આવે છે. અને ખરેખર, એમ જ જીવાય. ગણતરીઓ કરી કરીને, બુદ્ધિના દાવપેચ લડાવીને, આખી જિંદગી ખેંચાખેંચ કરીને જીવવું એ કંઈ જીવન છે ? ધૂળ પડી એવા શિક્ષણ અને એવી પ્રગતિમાં જે આપણા અનમોલ જીવનને અસ્વસ્થ અને અપ્રસન્ન કરી મૂકે !

ઉપનિષદોએ તો આત્માને જ આનંદ સ્વરૂપ કહ્યો છે. સત, ચિત્ત, આનંદ અને અદ્વૈત – એમ ચાર શબ્દોથી સ્કંદ ઉપનિષદ આત્મતત્વનું વિશ્લેષણ કરે છે. આદિ ગુરુ શંકરાચાર્ય ‘પ્રસન્નચિત્તે પરમાત્મદર્શનં’ એમ કહીને જણાવે છે કે જેનું ચિત્ત પ્રસન્ન હોય છે તેને ઈશ્વરના દર્શન થાય છે. જેમણે આ રીતે ચિત્તને કેળવ્યું છે એવા મહાપુરુષો જેલમાં બેસીને પણ સુંદર જીવનપ્રેરક પુસ્તકો લખી શક્યા છે, જ્યારે એકવીસમી સદીમાં આપણે આટલા આગળ હોવા છતાં જીવનના સત્વને પકડી શકતા નથી.

ટૂંકમાં, શરીરથી સ્વસ્થ અને મન અને ચિત્તથી પ્રસન્ન રહેવું એ આપણા જીવનનો બીજો મુખ્ય હેતુ છે. ઈશ્વરે જીવન આપ્યું છે પ્રસન્ન રહેવા માટે. બાહ્ય જગતમાં ભલે ને આપણી પાસે જરૂરી સાધનો હોય કે ન હોય, પરંતુ આપણે આપણી આંતરિક સ્થિતિ માટે પોતે જવાબદાર છીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આઠ પત્રો અને એસ.એમ.એસ. – દીવાન ઠાકોર
આત્મીય – ધર્મેન્દ્રસિંહ રાઠોડ Next »   

27 પ્રતિભાવો : જીવનનો હેતુ (ભાગ-2) – મૃગેશ શાહ

 1. મનિષ says:

  ખુબ જ સરસ લેખ મ્રુગેશભાઇ..

  તમે તો જીવન ની પ્રગતી નો અલગ માપદંડ બતવ્યો. પ્રગતી માપવા માટે ભૌતિક સુખો, સામાજીક દરજ્જો કે આર્થિક સમ્રુધ્ધી કરતા આંતરિક પ્રસન્નતા વધારે સચોટ માપપટ્ટી છે.

  તમારી આવી સરસ કલમ નો લાભ વારંવાર આપતા રહેશો.

  આભાર
  મનિષ

 2. સુંદર લેખ… આ લેખમાળા આગળ ધપાવજો…

 3. પંચમ શુક્લ says:

  સુંદર અને મૌલિક ચિંતન
  અને પ્રસન્ન વાચક!

 4. dhara says:

  એક્દમ સરસ લેખ્…..

 5. Chetan Sanghavi (UK) says:

  Hello,
  Good article but we know everything and even though we are not happy. Not a regular visitor of this site so don’t know about other people opinion.
  Thank you.

 6. Tushar Desai says:

  The Best line:
  ‘સંતોષ’ નો અર્થ એવો નથી કે આપણે આપણી પ્રગતિ અટકાવી દેવી. પ્રગતિ તો કરવી જ, અને ચોક્કસ કરવી પરંતુ પ્રગતિ કરવાની સાથે સાથે એ ધ્યાન પણ રાખવું કે એ પ્રગતિ આપણા જીવનમાં પ્રસન્નતા ઉમેરે છે કે નહી?”
  We all know most of this stuff, but we needed a reminder. Your article is very well written and serves the purpose of provoking introspection by all of us.
  Please keep up with this series . . .
  -Tushar Desai

 7. Ami Amit Patel says:

  khub j saras lekh.

  Sachi vat chhe. Antarik prasannata mate aapne pote j javabdar chie.

  Thanks, Keep up writing .

  -Ami Patel

 8. nilamhdoshi says:

  સુખ અને પ્રસન્નતા નો તફાવત..સરસ..

  સુન્દર લેખ

 9. JITENDRA TANNA says:

  મૃગેશભાઈ,

  આપ પણ કમાલ કરો છો. ખુબ જ સરસ લેખ્.
  પ્લીઝ આ લેખમાળા ચાલુ રાખજો અને બને તો લંબાવજો.

 10. smrutishroff says:

  પ્રગતિ અન પ્રસ્સન્નતા નો અર્થ સમ્જાવવા બદલ ખુબ આભાર્.

 11. kirit madlani says:

  very beautiful article. please continue this journey we will all love to travel with you. yr insight is terrific and reminds us where to look for happiness it is always inwards we know but the way u put it is very effective.

 12. G.A.Patel says:

  Mrugeshbhai,
  I would say simlpy Excelent !

 13. Dr yogita kareliya says:

  mrugeshbhai,
  really good article. yes, you rightly said that happiness is always inwards because it is the sate of mind which we can achieve if we want and it doesnot depend on materialistic things.
  please continue with this series. i am eager to know about the other goals of life in next article.

 14. preeti hitesh tailor says:

  સુંદર લેખ!!સાચી વાત!! દિલ અને દિમાગના સંઘર્ષમાં આપણે કોનો વિજય થવા દેવો એ પણ આપણા હાથની વાત છે..

 15. bijal bhatt says:

  હું થોડી અસંમત છું… વ્યક્તિ જે કંઈ પણ છે તેની પાછળ તેની આજુ બાજુ ની પરિસ્થિતી .. તેનુ બાળપણ કેવી રીતે ગયુ છે , તેને મિત્રો કેવા મળ્યા .. તેની વિચારસરણઇ ને કઈ તરફ વણાંક મળએ છે … તે બધા ઊપર આધાર રાખે છે… બાકી શાંતી તો સૌ ને જોઈઍ છે…

 16. Suhas Naik says:

  That’s why I want to be a child again and always… :)…Very good article…Thanks…!

 17. Nimisha Sheth says:

  Mrugesh,
  Thanks for such a nice article which inspire people and teaches us “what is life ?”
  Keep continue writing. My best wishes are always with you.

  Nimisha.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.