આત્મીય – ધર્મેન્દ્રસિંહ રાઠોડ

[બાળપણની એક સત્યઘટનાને આધારે]

dog ‘પપ્પા તમે પણ અગાસી પર ચાલો ને. બધા પતંગ ચગાવે છે. પવન પણ સારો નીકળ્યો છે. મારી ફીરકી કોઈ પકડતું નથી.’ મકરસંક્રાંતિના દિવસે મારા પુત્રએ મને કહ્યું. સૂર્ય હજુ મધ્યાહ્ને પણ પહોંચ્યો ન હતો. દશ-સવા દશ માંડ થયા હશે, પરંતુ તહેવારની રોનક દિવસની શરૂઆતથી જ જાણે તેની ચરમસીમાએ હતી. મહાનગરનાં દરેક ફ્લેટ મકાનોની અગાશીઓ પર જાણે કીડિયારું ઊભરાયું હતું. શહેરના દરેક રાજમાર્ગો પર હોહા અને દેકારા સંભળાતા હતા. લોકો હર્ષ ઉલ્લાસથી મકરસંક્રાંતિના દિવસની દરેક ક્ષણનો આનંદ જાણે લૂંટી રહ્યા હતા.

‘મમ્મીને કહે એ આવશે. મારે થોડું લખવું છે.’ પુત્રને મેં ઉત્તર આપ્યો. લખવા માટે મેં પ્રત્યન કર્યો પરંતુ લખી શકાયું નહિ. મન દુ:ખદ અતીતની સફરે હતું.

‘છૂં….છૂં……છૂં… અરે ! વર્ગમાં આ ડાઘિયો ઘૂસી આવ્યો. મોનિટર શું કરે છે ? કાઢો આને અહીંથી.’ મોનિટરે રભાને વર્ગમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો પરંતુ રભો વર્ગની બહાર આવ્યો નહિ. રભો મારી સાથે આવ્યો છે તેવો ઘટસ્ફોટ વર્ગના એક વિદ્યાર્થીએ ભટ્ટસાહેબને કર્યો. સાહેબે ધમકાવીને મને વર્ગની બહાર જવા કહ્યું. રભો પણ મારી પાછળ બહાર આવ્યો. કોઈ મિત્રની સાઈકલ લઈ હું કોલોનીમાં પાછો ફર્યો. રભો સાઈકલ પાછળ દોડતો આવ્યો. થોડીવારે રભાનું ધ્યાન ચૂકવી હું સાઈકલ લઈ શાળાએ પાછો ફર્યો.

દરરોજ સવારે સાતેક વાગ્યે રેલવે કોલોનીના ચાર-પાંચ મિત્રો સાથે ખભે દફતર ભરાવી પગપાળા હું નિશાળે જતો. નિશાળ લગભગ બે કિલોમીટરના અંતરે ખરી. રભો રેલવે કોલોનીના ફાટક સુધી મને મૂકવા આવતો. તેના સામ્રાજ્યની હદ ત્યાં પૂરી થતી. ક્યારેક રભો હિંમત કરી છેક નિશાળ સુધી પહોંચી જતો અને મારે શાળાના શિક્ષકોનો ઠપકો સાંભળવો પડતો.

હા…. રભો અમારી કોલોનીનો દેશી કૂતરો હતો. તેનું નામ રભો કોઈએ રાખ્યું ન હતું – પડી ગયું હતું. કૉલોનીમાં કૂતરી વિયાઈ એટલે મિત્રો વચ્ચે ગલૂડિયાં પાળવાની બાળકોની દુનિયાની રસમ હતી. ‘એડોપ્ટ’ દત્તક શબ્દ અને તેનો અર્થ તો મોટા થયા પછી સાંભળ્યો. ગલૂડિયાંઓને મિત્રો વચ્ચે વહેંચી તેમની સંભાળ લેવાની જવાબદારી અમે સ્વેચ્છાએ સંભાળતા. પોતે પાળેલ ગલૂડિયું વધારે તંદુરસ્ત બને, સારું દેખાય એ માટે મિત્રોમાં હરિફાઈ રહેતી.

રભો મારા ભાગે આવ્યો હતો. હજુ તેણે આંખો પણ ખોલી ન હતી અને મેં તેને સંભાળ્યો હતો. રભો વધારે તંદુરસ્ત બને અને મિત્રોમાં હું વટ પાડી શકું માટે રોજ રાત્રે ભાણામાં મારા ભાગનું દૂધ હું રભાને પાઈ આવતો. ક્યારેક બા ખિજાતાં. પિતાજીની ઓછી આવક, મોટું કુટુંબ અને કાળાજાળ મોંઘવારી વચ્ચે પસાર થતા દિવસોમાં બા દવા સાથે લેતા દૂધમાંથી બચાવીને મને આપતી અને હું રભાને…… પછી તો રભાએ જાણે મદનિયા જેવું કાઠું કાઢ્યું હતું. ભરાવદાર શરીર લઈને દોડતા ગલૂડિયાનું નામ કોઈએ ‘રભો’ પાડી દીધેલું. રભો હવે ગલૂડિયું મટી મોટો થઈ ગયો હતો. તેને ખોળામાં લઈ રમાડવાના દિવસો પૂરા થયા હતા. હવે મારે તેને દૂધ પાવાની કે સવાર સાંજ યાદ કરીને ખવડાવવાની જરૂર રહી ન હતી. કોલોનીમાં આખો દિવસ ભટકીને એ પોતાનું પેટ ભરી લેતો. હા… દિવસમાં એક બે વખત તો રભા સાથે મેળાપ અચૂક થતો. કૉલોનીનો વિસ્તાર મોટો હતો. પરંતુ રભો રાત્રે અમારી ફળીમાં આવીને જાગતો પડ્યો રહેતો.

‘બા, હજુ આજનો દિવસ હું નિશાળે નહિ જાઉં, આવતીકાલથી જઈશ.’ સતત બે દિવસ તાવ-શરદીનો સામનો કરી ત્રીજા દિવસે સવારે હું સાજો થયો હતો. શરીરમાં થોડી નબળાઈ હતી તેથી બાને મેં વધુ એક દિવસ નિશાળે ન જવા કહ્યું.
‘ભલે, આજનો દિવસ હજુ આરામ કર. કાલથી નિશાળે જજે. પણ બહાર ફળીમાં જઈ તારા મિત્રને મોઢું બતાવ એટલે એ તો અહીંથી જાય…!’
‘કોણ….. રભો ?’ અધીરા થઈ મેં પૂછ્યું.
‘હા, ગઈકાલનો આટલામાં જ રખડે છે. ક્યાંય દૂર જતો નથી. થોડી વારે હરીફરી એ ડેલીએ આવી ઊભો રહે છે.’ ઝડપથી હું ફળીમાં ગયો. રાતભર જાગેલો-થાકેલો રભો ફળીમાં સૂતો હતો. મારા પગના ભણકારાની અસર કે મારા શ્વાસોશ્વાસની ખૂશ્બૂની પરખ, કારણ જે હોય તે પણ ફળીમાં મારો પગ પડતાં જ રભો છલાંગ મારીને બેઠો થઈ ગયો. મને સ્વસ્થ જોઈ રભો જાણે ગેલમાં આવી ગયો. પૂંછડી પટપટાવતો એ મારી પાસે આવ્યો.
‘આવ આવ દોસ્ત.’ તેના શરીર પર હાથ ફેરવતાં મેં કહ્યું. રભાએ મારી સામે આંખ મેળવી મૌનની ભાષામાં જાણે વાત કરી. થોડીવાર હું તેના શરીર પર હાથ ફેરવતો રહ્યો. રસોડામાંથી બા ત્રણ-ચાર રોટલી લઈ આવી. મને કહે : ‘આપ એને, ગઈકાલ રાત્રે પણ એણે કાંઈ ખાધું નથી.’ રોટલીના ટૂકડા કરીને મેં રભાને ખવડાવ્યા. મારા માટે નહાવાનું ગરમ પાણી બા બાથરૂમમાં મૂકી આવ્યાં હતાં. મને નાહવાનો આદેશ આપી બા તેમના કામે લાગ્યાં. થોડીવાર રભા સાથે દોસ્તી કરી હું નાહવા ગયો. નાહીને પાછો ફર્યો ત્યારે રભો બિંદાસ કોલોનીની સફરે ઊપડી ગયો હતો.

પિતાજીની બદલી થતાં રેલવે કોલોનીનું મકાન ખાલી કરી શહેરમાં ભાડાના મકાનમાં અમારે રહેવા જવાનું થયું. રેલવેનું મકાન ખાલી કર્યા બાદ દશ-બાર દિવસ પછી એક રવિવારની સાંજે કોલોનીના મિત્રોને મળવા હું ત્યાં ગયો. લંગોટિયા મિત્રો વચ્ચે હું ઊભો હતો. અમારા જૂના મકાનની પાડોશમાં રહેતી બહેનો મને શહેરના મકાનમાં ફાવી ગયું કે નહિ ? બાની તબિયત કેમ છે ?’ – જેવા સવાલો પૂછી રહી હતી.

કોલોનીમાં રખડતો-ભટકતો રભો મને દૂરથી જોઈ ગયો અને…. બધાના આશ્ચર્ય વચ્ચે રભો કોઈની પાછળ દોડતો હોય તે ગતિથી દોડીને મારી પાસે આવ્યો ને આગલા બે પગ ઊંચા કરી મને વળગી પડ્યો – કહો કે ભેટી પડ્યો. થોડી વાર પંપાળી મેં તેને મારાથી અળગો કર્યો. મારાથી અળગો થયા પછી ચાર પગ વાંકા કરી રભો જમીન પર બેસી ગયો અને પોતાના મોઢાનો નીચેનો ભાગ જમીન સાથે અડાડી “ઊં….ઊં…ઊં..” અવાજ કરી જોશથી રડવા લાગ્યો. નીચે બેસી હું તેના માથા પર હાથ ફેરવતો રહ્યો. પાડોશની સ્ત્રીઓ અવાચક બની જીવનમાં ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય નિહાળી રહી.

રવિવારે સાંજે જૂના મિત્રો સાથે ક્રિકેટ રમવા હું કોલોનીમાં જતો. ઉપરાંત દિવાળી, હોળી, જન્માષ્ટમી, મકરસંક્રાંતિ જેવા તહેવારો સાથે ઊજવવા હું કૉલોનીમાં જતો. નવા વિસ્તારમાં હું રહેવા ગયો હતો, પરંતુ જૂના વિસ્તાર સાથેનો નાતો હું લાંબા સમય સુધી છોડી શક્યો ન હતો.

કોલોનીમાં દિવસભર પતંગ ચગાવી મકરસંક્રાંતિની એક સાંજે હું ઘરે પાછો ફરી રહ્યો હતો. મૂકેશ, જગદીશ વગેરે મિત્રો મને થોડે સુધી વળાવવા આવ્યા હતા. રભો અમારી સાથે જ હતો. હા… એ ક્યારેક આગળ – ક્યારેક પાછળ પણ રભો અમારી ફોજમાં અમારી સાથે. વાર તહેવારે હું કોલોનીમાં જતો ત્યારે મિત્રો અને રભો મને થોડે સુધી વળાવવા અચૂક આવતા. દિવસભેર ચગાવેલ કાપેલ પતંગની ચર્ચામાં મિત્રો સાથે હું મશગુલ હતો. મારો સૌથી પ્રિય તહેવાર મિત્રો સાથે ઊજવ્યાનો મને આનંદ હતો. થાકેલો સૂરજ પશ્ચિમમાં સરકવા જાણે અધીરો બન્યો હતો. જમીન પર પથરાયેલાં તેનાં આછાં કિરણો ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યાં હતાં. અંધકાર પૃથ્વી પર પગપેસારો કરવા આગળ ધપી રહ્યો હતો. અચાનક….. રભાનો ગગનભેદી રોવાનો અવાજ મારા કાને અથડાયો. મારા દિવસભરના આનંદના ભાગીદાર રમતા કૂદતા રભાને વળી શું થયું ? કોઈ જોશથી પથ્થર માર્યો કે શું ? રભા પાસે દોડી જઈ અમે તેને શું થયું તેનો તાગ મેળવી રહ્યા. મેં નજીક જઈને જોયું તો તેના પાછળના એક પગના નીચેના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું. રભાનો પગ રેલવેના ટ્રેકને અલગ પાડતા બે પાટા વચ્ચે આવીને કપાઈ ગયો હતો.

રભાની ચિચિયારી તે અસહ્ય પીડા ભોગવી રહ્યાનો સંકેત હતો. રભાનું રૂદન અને તેનું કણસવું મારાથી સહન થયું નહિ. મિત્રો સાથેના દિવસભરના નિર્દોષ આનંદની પળોને જાણે કોઈની નજર લાગી ! શ્વાસભેર દોડી કોલોનીમાં હું પાછો ફર્યો. દવાખાનામાં નોકરી કરતા એક કંપાઉન્ડરના ઘેર જઈને હું બોલવી આવ્યો. પેલા કમ્પાઉન્ડરે તેના ઘરમાં રાખેલ દવા રભાને લગાડી, પાટો બાંધી આપ્યો. દવા લગાડવાથી રભાને થોડી રાહત થઈ હોય તેમ મને લાગ્યું.

બીજા દિવસે સવારે મૂકેશ અને જગદીશ મારા ઘેર આવીને મને કહે : ‘રભો મરી ગયો.’
‘યાર, સવારના પહોરમાં મસ્તી ન કર.’ મેં ડરતાં ડરતાં કહ્યું. કાશ… મિત્રોની એ મશ્કરી હોત. અમે બાળક તો હતા જ, કાશ એ લંગોટિયાઓની બાલિશતા હોત ! પરંતુ ન એ મશ્કરી હતી ન બાલિશતા. રભો મરી ગયો એ હકીકત હતી.
‘ક્યારે મરી ગયો ?’ મેં પૂછ્યું.
‘રાત્રે મર્યો હશે. અમે તો સવારે 14 નંબરના બંગલાના ખુલ્લા ફળિયામાં મરેલો જોયો એટલે તારી પાસે આવ્યા.’ રેલવે કોલોનીમાં રહેતો ત્યારે 14 નંબરના બંગલામાં અમે રહેતા હતા.

હું એ મિત્રો સાથે ઝડપથી કોલોની તરફ લગભગ દોડ્યો. પરંતુ ત્યાં પહોંચ્યો એ પહેલા સફાઈ કામદારો રભાને લઈ ગયા હતા. રભાને ઢસડી ગયાનાં ચિન્હો ધૂળમાં સ્પષ્ટ દેખાતાં હતાં. જીવનમાં પહેલી વખત હું કોઈના મોત ઉપર રડ્યો, અને એ પણ…

રભા સાથે નાતો તૂટ્યાને આજે સાડા ત્રણ દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ગયો. તેના તરફથી મને મળેલ ‘અપનાપન’ એ પછી હું કોઈની પાસેથી ક્યારેય મેળવી શક્યો નહિ. આટલાં વર્ષો પછી પણ હું મકરસંક્રાંતિના દિવસે અગાસી ઉપર ચડતો નથી. પતંગ ચગાવતો નથી. બીજાના પતંગ કાપી હર્ષવિભોર થતા લોકોની ચિચિયારીઓ વચ્ચે દિવસ આખો હું મારા દીવાનખંડમાં બેઠો રહું છું. લાખ પ્રયત્નો છતાં આ દિવસે રભો મારા મગજમાંથી ખસતો નથી. એકબીજાના પતંગ કાપી, ક્યારેય પાછું ફરી ન જોતાં લાગણીવિહીન માનવસમાજ વચ્ચે હું રભાને… હા…. રભાને યાદ કરી રહ્યો !

બહાર દશે દિશામાંથી આવતા ‘કાપ્યો છે… કાપ્યો છે…’ ના અવાજોથી અવકાશનો ટ્રાફિક પણ જાણે જામ થઈ ગયો હતો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનનો હેતુ (ભાગ-2) – મૃગેશ શાહ
દિલની જબાનમાં – સંકલિત Next »   

22 પ્રતિભાવો : આત્મીય – ધર્મેન્દ્રસિંહ રાઠોડ

 1. Ajay Patel says:

  અફસોસ કે માણસ સિવાય બધા જ પ્રાણીઓ આવી આત્મિયતા બતાવી શકે છે.

 2. ધર્મેન્દ્રભાઈએ મને મારો રભો યાદ આવી ગયો. કદાચ એક કરતા વધારે રભા મારી સ્મૃતીમા છે. મારા માટે શ્વાન એ મારા બહુ આત્મીય મીત્રો રહ્યા છે.

  સુંદર લેખ બદલ આભાર્….

 3. Bimal says:

  સરસ……..

 4. hitakshi pandya says:

  હં……સવાર મ લાગણી ભીનો લેખ,આંખો ભીની થઇ ગઇ.

 5. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice ….. When I was in schoo, I have learn simillar story which is between a boy named Jumo and his animal ‘Bhisti’…. I think the title of the lesson is ‘Jumo Bhisti’….. He also die in the end at railway …..

 6. સરસ લેખ

 7. ટિલીયો, રાજુ, લાલીયો બધા જ યાદ આવી ગયા…..

 8. Keyur Patel says:

  શેરી મિત્ર સો મળે અને તાળી મિત્ર અનેક…. “રભો” તો સાચો મિત્ર નીકળ્યો!!!!!! અને આમ કહો તો રભાને પણ ધર્મેન્દ્રભાઈ જેવો સાચો દોસ્ત મળ્યો. ખૂબ સરસ!!!!!

 9. Maulin says:

  I had similar frineds. I used to give them roti-milk when I was living in Ahmedabad and till my 12th std. I remembered, everyday at 12 pm, one of them daily come to the way of my return from school….I dont want to call them “dogs”, because they were really good friends. I wish I can get them back!!!!

 10. sonia says:

  very gud

 11. ALKA says:

  ભાઈ
  પ્રાણી દોસ્તી નિભાવી જાણે……

 12. ગમ્યુ હો..!!!!!!

 13. BHAUMIK TRIVEDI says:

  IT’S TRUE..ANIMALS ARE MORE TRUSTY THAN A HUMAN . I HAVE A DOG AT MY UNCLE’S PLACE AND I USED 2 STAY WITH UNCLE FOR A YEAR AND STILL WHENEVER I GO 2 HIS PLACE THE DOG ” chotu” COMES RUNNING 2 ME JSUT 2 B PATED FOR SOME FEW MIN AND HE STAYS WITH ME ALL TIME I M AT MY UNCLE’S PLACE …THNX …AND ALSO I MISS VULEE, AND MANY MORE OF MY TRUE FRNDS..THNX AGAIN

 14. Ronak says:

  ખુબજ સરસ narration, feelings અને જુનિ વાતો . .. બઉ ગમ્યુ.

 15. Jafar says:

  બહુ સારિ વાર્તા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.