દિલની જબાનમાં – સંકલિત

[તાજેતરમાં (માર્ચ-એપ્રિલ-2007) અમદાવાદથી પ્રકાશિત થતા સામાયિક ‘તાદર્થ્ય’ ના ગુજરાતી-ઉર્દૂ ગઝલોના બે વિશેષાંકો પ્રકાશિત થયા છે. આ વિશેષાંકોની ખાસીયત એ છે કે તેમાં એક પાના પર ગુજરાતી અને સામેના પાના ઉપર તે જ ગઝલનો ઉર્દૂ અનુવાદ આપવામાં આવ્યો છે. આ અનુવાદ દાહોદના શ્રી સતીનભાઈ દેસાઈએ ‘પરવેઝ’ કર્યો છે. સામાયિકનું વાર્ષિક લવાજમ રૂ. 70 છે. વધુ માહિતી માટે આપ ‘સવિતાબેન મફતભાઈ ઓઝા’ નો ફોન નંબર : +91 79 26745193 પર સંપર્ક કરી શકો છો. પ્રસ્તુત છે તેમાંની કેટલીક ગુજરાતી ગઝલો સાભાર.]

[01] મોતનો મોભો – ડૉ. ચિનુ મોદી ‘ઈર્શાદ’

ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચહેરાને જોવો હોય છે.

કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.

શ્વાસની હલચલ તો હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?

ઊંઘ આવે તો તરત મીંચો નયન
રાતનો ક્યારે ભરોસો હોય છે.

પી જઉં પયગંબરોના પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.

હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી
મોતનો પણ એક મોભો હોય છે.

[02] પાંપણોથી પ્રણામ – રમેશ પારેખ

કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે;
ત્વચા નીચે કુહાડીઓથી ચિત્રકામ થાય છે !

તમારી દોસ્તીનો અર્થ શું હશે – ખબર નથી,
તમારો અર્થ દોસ્ત, માત્ર હાડચામ થાય છે.

પૂછ્યું મેં – વૃક્ષ મોટું બીજમાંથી થાય કઈ રીતે ?
મને ચૂમી ભરીને એ કહે કે, આમ થાય છે !

અનુભવે છે અન્યના હિસ્સાની અગ્નિઝાળ પણ,
હૃદય એ અંતમાં બળીને તીર્થધામ થાય છે.

હૃદયની ગુહ્ય પીડ અંતમાં વહે ગઝલ રૂપે,
શું અશ્રુ આંખમાં કદી ઠરીને ઠામ થાય છે ?

હૃદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
‘રમેશ’ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.

[03] તાળો – અદમ ટંકારવી

તું ય ઠંડી હવા ઉડાડી લે.
આ ગઝલની ધૂણી છે તાપી લે.

પ્હેલ-વ્હેલો જે દેશથી આવ્યો
એ જ કાગળ ફરીથી વાંચી લે.

આમ થૈ જા કદી મૂંગો-મંતર,
આમ તું ધૂમ પણ મચાવી લે.

જે હતું સઘળું લઈ ગયા લોકો,
હું જ બચ્યો છું મને માગી લે.

થઈ જા ભીતરમાં તું ય ખાલીખમ,
વાંસળી જેમ તુંય વાગી લે.

આમ હોવાપણું થાગડ-થીગડ,
શ્વાસ-ઉચ્છવાસથી એ સાંધી લે.

આજ ગાજરની પિપૂડી છે ગઝલ,
તું ઘડી – બે ઘડી વગાડી લે.

ખુદનો તાળો ‘અદમ’ નથી મળતો,
પંડને તું ફરી તપાસી લે.

[04] શેરીનો રસ્તો – કૈલાસ પંડિત

આંખોથી નીકળી અને હોઠો સુધી ગયો,
ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો.

સરખા થવાની વાત તો આકાશમાં રહી,
ઊડતી લટોની સાથ હું ઊડી-ઊડી ગયો.

ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !
સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો.

ગુલમોર જોડે આંગળી રમતી રહી હજી,
તડકો ગલી-ગલીમાં ત્યાં ઊભો રહી ગયો.

અમથું જરીક બારણું ખુલ્લું થયું અને,
શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો.

[05] મનની શેરી – ડૉ. અશરફ ડબાવાલા

સાંકડી મનની એક શેરી છે.
એમાં શમણાંની એક ડેલી છે.

મૌન જેઓ રહ્યા’તા ટાણાસર,
આજ એના અવાજ ગેબી છે.

એક અંધારું ખાલી જાણે છે.
સૂર્યને સાત ખોટ શેની છે !

જોઈ લીધું છે આઘે-આઘેનું,
આપણું તો જવું યે વેરી છે.

વ્હેતી જેણે મૂકી’તી પેટીમાં,
એણે ઈચ્છાને આજ તેડી છે.

[06] દર્દની મસ્તી – ધૂની માંડલિયા

હર દર્દની પણ એક મસ્તી હોય છે.
એના નગર એની ય વસ્તી હોય છે.

દીવાલ છે તો છે વળી એનું અસ્તિત્વ,
બાકી વળી ખીંટીની શું હસ્તી હોય છે ?

દરિયા મહીં ડૂબે જ એવું કાંઈ નથી.
જો ઝાંઝવામાં કૈંક કશ્તી હોય છે.

ના મન છતાંયે નાચવાનું તારે ધજા ?
તારા ઉપર પવનની જબરદસ્તી હોય છે.

દરરોજ સૂરજ જેમ એ આવે નહીં,
ક્યાં ચાંદની આસાન સસ્તી હોય છે !

[07] બ્હાનું – નીતિન વડગામા

જીવવાનું કોઈ બ્હાનું જિંદગીમાં જોઈએ.
એક ઠેકાણું ય છાનું જિંદગીમાં જોઈએ.

રાતની આ રાતરાણીને મહેકતી રાખવા,
સ્વપ્ન એકાદું મઝાનું જિંદગીમાં જોઈએ.

પાંદડું પણ સાવ અમથું કોઈ દી’ હલતું નથી.
કોઈ કારણ આવ-જાનું જિંદગીમાં જોઈએ.

આ રમતની કોઈ બાજી આપણે પણ જીતવા,
કોઈ તો હુકમનું પાનું, જિંદગીમાં જોઈએ.

સૂર્ય આખ્ખો ભાગમાં હોતો નથી હંમેશ યા,
એક ચાંદરણું ય નાનું જિંદગીમાં જોઈએ.

[08] કાંડા – ઉદયન ઠક્કર

ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે.
ત્યાં સુધી ઘડિયાળના હોઠો બીડેલા હોય છે.

એમની ટકટક ભલે વેળા-કવેળા હોય છે,
હાથ ઝાલી, સાચવી ટાણું ઊભેલા હોય છે.

ચાહ સાતે, છાપું સાડા સાત આઠે ફોન પર,
આઠ પાંચે અંતરે ઈશ્વર વસેલા હોય છે.

એક દિવસ એમને હળવેથી હડસેલજો,
સંવતોના બારણાં તો અધ-ખૂલેલા હોય છે.

લ્હેરીલાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરો,
સૌએ કાંડા આમ તો સોંપી દીધેલા હોય છે.

[09] છોડિયે – ડૉ. હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડિયે.
કોઈના દરબારમાં હાજર થવાનું છોડિયે.

રોજ વિધ્નો પાર કરતા દોડવાનું છોડિયે
પાતળી સરસાઈથી આ જીવવાનું છોડિયે.

પ્રેમનાં પ્રકરણ વિશે કૈં બોલવાનું છોડિયે.
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડિયે.

આવશે જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ,
અહીં કે ત્યાં આજે કે કાલે શોધવાનું છોડિયે.

મ્હેકની ભાષા સમજીએ જેટલી સમજાય તે,
કિંતુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડિયે,

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો ?
છોડિયે તો એક સીમાચિન્હ નાનું છોડિયે.

[10] રમખાણ – મુકુલ ચોકસી

સામેનો રથ એ વાતથી અજાણ પણ નથી,
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલી મારી ક્ષિતિજો આ દૂર-દૂર
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઈએ,
જ્યાં ભાગવાને માટે કોઈ વ્હાણ પણ નથી.

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે ?
કરફ્યું નખાય એટલું રમખાણ પણ નથી.

[11] પાછા ચાલીએ – હર્ષદ ત્રિવેદી

લો ઢળી ગઈ સાંજ પાછા ચાલીએ.
છોડ સૌ અંદાજ, પાછા ચાલીએ.

એ જ રજવાડું અને છે એ જ રાય પણ,
છે નહીં એ તાજ, પાછા ચાલીએ.

સ્હેજ રજકણ હોય તો એનો ય માર્ગ છે,
તું અરીસો માંજ, પાછા ચાલીએ.

તોડવું ને જોડવું આખર બધું અમથું,
કર નહીં ગડભાંજ, પાછા ચાલીએ.

ગીત તું ગણગણ, હું તારો હાથ ઝાલું છું,
મેલ સઘળા સાજ, પાછા ચાલીએ.

ના કશું પણ હોય એવી પળ મહીં જાવા,
મન કરે છે આજ, પાછા ચાલીએ.

[12] ખળખળ – હર્ષ બ્રહ્મભટ્ટ

ચોતરફ તાળાં ન એકે કળ હતી.
હાથમાં મારા ફક્ત અટકળ હતી.

ભર ઉનાળે એ નદી થીજી ગઈ,
પણ બરફની ભીતરે ખળખળ હતી.

આમ ભીંજાતો હતો વરસાદમાં,
ને હૃદયમાં કેટલી બળબળ હતી.

દ્વાર મનનાં આમ તો ખુલ્લાં હતાં,
અદશ્ય એવી આમ કૈં સાંકળ હતી.

ભૂગર્ભમાં અણુધડાકાની પળે,
પથ્થરો પર ફૂટતી કૂંપળ હતી.

કાચ માફક એ સમય ફૂટી ગયો,
ને કરચ થઈ વાગતી પળપળ હતી.

પંખીઓની પાંખ કોણે છીનવી ?
આભમાં પણ કેટલી ખળભળ હતી !

કાન માંડી સાંભળી છે મેં સદા,
રેતમાંયે કેટલી ખળખળ હતી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આત્મીય – ધર્મેન્દ્રસિંહ રાઠોડ
ભાવવિશ્વ – નીલમ દોશી Next »   

18 પ્રતિભાવો : દિલની જબાનમાં – સંકલિત

 1. ઓહોહો…. આજે તો છપ્પન ભોગ લગાવી દીધા ને, કંઈ ! આભાર…

 2. hitakshi pandya says:

  હૃદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
  ‘રમેશ’ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.

  વાહ શું વાત છે.મજા આવી ગઇ.!!!!!!!!

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Thanks you Mrugeshbhai……. Aje Ek Tanu Kali Gayu… 🙂

 4. Bimal says:

  સુંદર ……મજા આવી…..

 5. Maharshi says:

  wah wah

 6. Ritesh says:

  હૃદયનો સાથ હોય તો રિવાજ અન્ય છોડ તું,
  ‘રમેશ’ પાંપણોથી પણ અહીં પ્રણામ થાય છે.

  tooooo good…thanks for sharing…

 7. Keyur Patel says:

  પૂછ્યું મેં – વૃક્ષ મોટું બીજમાંથી થાય કઈ રીતે ?
  મને ચૂમી ભરીને એ કહે કે, આમ થાય છે !
  – કેટ્લું સુંદર!!!

  દીવાલ છે તો છે વળી એનું અસ્તિત્વ,
  બાકી વળી ખીંટીની શું હસ્તી હોય છે ?
  – પણ તોયે ઘણી ખીંટીઓ એમ માનતી હોય છે કે તેમન થકી બીજી વસ્તુઓ લટકી રહી છે!!

 8. chini says:

  awesome

 9. dhara says:

  nice…..

 10. smrutishroff says:

  બધિ જ પન્ક્તિઓ ,સુન્દેર શબ્દો અને લાગણિ સભર અર્થ સાથે ખુબ સરસ રજુઆત્ , આમ જ પિરસ્તા રહેશો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.