ભાવવિશ્વ – નીલમ દોશી

dikri[ ગુજરાતના અનેક અખબારો તેમજ સામાયિકોમાં હાસ્યથી લઈને બાળનાટકો તેમજ જીવનપ્રેરક વાર્તાઓનું સુંદર સાહિત્ય પીરસનાર લેખિકા શ્રીમતી નીલમબહેનનો દીકરીઓને સંબોધતો આ પત્રસ્વરૂપનો અનોખો લેખ ‘ભાવવિશ્વ’ નામથી ટૂંક સમયમાં અખબારોમાં એક ધારાવાહી કોલમ સ્વરૂપે અને તે પછી પુસ્તક સ્વરૂપે પ્રગટ થશે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ નીલમબહેનનો (ભરૂચ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9904266517 પર સંપર્ક કરી શકો છો. ]

‘પ્રેમનો પર્યાય તું
વહાલનો વણથંભ્યો ઘૂઘવાટ તું,
નિરંતર વહેતું સ્નેહ ઝરણું તું…’

તારીખ:11-12-2004

વહાલી ઝિલ,

આજે તારી સગાઇ થઇ. તારા મનપસંદ પાત્ર સાથે. તારી આંખોમાં છલકતી ખુશી હું માણી શકી. આજે પહેલીવાર તું સાસરે ગઇ….! મારી નાનકડી દીકરી આટલી મોટી થઇ ગઇ…? અને મને ખબર સુદ્ધાં ન પડી..!!! દરેક દીકરી મા ની નજર સમક્ષ મોટી થાય છે અને છતાં મારી જેમ કોઇ મા ને કયારેય ખબર નથી પડતી કે દીકરી આટલી મોટી કયારે થઇ ગઇ ? આજે તારી સગાઇની સાથે સાથે મન:ચક્ષુ સમક્ષ કેટલીયે યાદોનો અંબાર ઉમટી આવ્યો.

‘મેળાની જેમ દિલ મહીં ઉભરાય પ્રસંગો,
આંસુ થઇ આંખમાં છલકાય પ્રસંગો.’

….. અને અશ્રુથી ધૂંધળી બનેલ મારી આંખોમાં 20 વરસ પહેલાનું દ્રશ્ય તરવરી રહે છે.

નવજાત, ગોરી ગોરી નાનકડી સુંદર ઢીંગલીને પ્રથમવાર નર્સ મારા પડખામાં મૂકી ગઇ અને હું તને ટગરટગર જોઇ રહી હતી..!! આ…આ..મારું સંતાન છે ? મારા જ અસ્તિત્વનો એક અંશ ? તારી આંખો બંધ હતી. કદાચ મનમાં હશે કે પહેલાં મમ્મી બોલાવે તો જ આંખો ખોલુ ! મેં ડરતા ડરતાં ધીમેથી એક નાજુકાઇથી તને પ્રથમ સ્પર્શ કર્યો. અંતરમાં કેટલીયે મિશ્ર લાગણીઓના પ્રતિઘોષ ઉઠતા હતા. નવ મહિનાથી કલ્પનાતો કરી હતી તારા આગમનની પણ જયારે ખરેખર તું અવતરી ત્યારે હું કદાચ મૂઢ થઇ ગઇ હતી. કંઇ સમજાતું નહોતું. હું શું કરું ? હવે શું કરવાનું ? મારી અંદર ઉઠી રહેલ ઉર્મિઓના છલકતા પ્રચંડ પૂરને હું સમજી નહોતી શકતી. અચાનક તેં તારી નાનકડી આંખો ખોલી અને મારી સામે સ્મિત ફરકાવ્યું કે પછી મને એવું લાગ્યું ? તે આજેય પૂરી ખબર નથી.

‘મા, હું તારી નાનકડી દીકરી. મા,મને વહાલ કરીશ ને ? આ દુનિયા મને દેખાડીશને ? સમજાવીશને ? મને બીક નહીં લાગે ને ? ના, રે તું છો મારી પાસે પછી મને ડર શાનો?….” આવું આવું તું કંઇ કહેતી નહોતી…..પણ હું સાંભળતી હતી..!!! એક શિશુ, જેનો બધોયે આધાર તમારા એક પર હોય એવું અનુભવો ત્યારે કેવી લાગણીઓ અંદર ઉઠે ? હું ડરતી હતી. આને ઉપાડાય ? તેડાય ? કંઇ થઇ તો નહીં જાય ને ? લાગી તો નહીં જાય ને ? કયારેય કોઇ નવજાત બાળકને તેડયું તો શું, જોયુ પણ નહોતું ! આપણા આખા કુટુંબમાં તું પહેલી જ હતી ને ? મનમાં ઉર્મિઓના ધોધ ઉછળતા હતા પણ હું સમજી નહોતી શકતી. હું તો હમણાં સુધી કોલેજમાં ભણતી હતી. મસ્તી કરતી એક છોકરી હતી અને આજે મા બની ગઇ…..! નવ મહિનાથી આ પ્રસંગની ખબર હતી છતાં આ ક્ષણે એને સ્વીકારતા, સમજતા મને થોડી મિનિટો જરૂર લાગી હતી. મનમાં એક મુગ્ધતા હતી. એક અવઢવ હતી..! કંઇ ખબર નહોતી પડતી. હવે..? હવે શું કરવાનું ?

તને પ્રથમ સ્તનપાન કરાવ્યું ! નર્સે શીખવાડવું પડયું. તારા નાનકડા, ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ. એ રોમાંચ આજે યે મારી અંદર જીવંત છે. એ ક્ષણની અનુભૂતિને શબ્દોમાં વર્ણવવી અશકય છે. તારી આંખોમાં અપાર વિસ્મય છલકતું હતું. આસપાસની સૃષ્ટિને તું ઓળખવા મથતી હતી કે શું ? કે પછી આ કયાં આવી ચડી છું એવું વિચારતી હતી ? કયારેક ઉંઘમાં યે મંદમંદ મલકતી તને હું અપાર આશ્ચર્યથી જોઇ રહેતી અને મારા બત્રીસ કોઠે જાણે દીવા પ્રગટતા. કોઇ કહેતું કે બાળકને છ મહિના સુધી એનો પૂર્વ જન્મ યાદ હોય એટલે એની સ્મૃતિથી નવજાત શિશુ મલકતું હોય..!! એ જે હોય તે ખબર નથી પણ ત્યારે તો મારા મનમાં એક વિચાર જરૂર આવતો કે વૈજ્ઞાનિકો આટલી બધી શોધો કરે છે તો નાના બાળકના મનમાં શું ચાલે છે એ જાણવાની કોઇ રીત કેમ નહીં શોધતા હોય ? હસવું આવે છે ને ? મને યે આવતું હતું…!

dikri તારા નાનકડા હાથનો સ્પર્શ મારા પ્રત્યેક અણુને ઝંકૃત કરી મૂકતો. પ્રથમ શિશુનો પ્રથમ સ્પર્શ. એની તો મૌન અનુભૂતિ જ હોય. વર્ણન નહીં..શબ્દોય નહીં..! ધીમે ધીમે તારી આંખોમાં યે મારી ઓળખાણનો અણસાર છલકવા લાગ્યો. મારી સામે જોઇ તું સ્મિત કરી ઉઠતી અને મારું ભાવવિશ્વ ઉજાગર થઇ ઉઠતું. એ સ્મિતના દરિયામાં ખેંચાવાનો અદભૂત લહાવો હું માણતી. તારી એક એક નાની ક્રિયાઓ મારે માટે અલૌકિક બની રહેતી. તારી આંખોમાં નાની નાની વસ્તુઓ માટે છલકતા અચરજને હું પરમ આનંદ અને બમણા અચરજથી અનુભવી રહેતી. મારા ભાવવિશ્વમાં ભરતી આવતી. તું હસતી ત્યારે હું લીલીછમ્મ બની જતી.અને કયાંક વાંચેલી આ સુંદર પંક્તિ મારા મનઝરૂખે તાદ્રશ થઇ જતી.

‘પ્રથમ શિશુએ પ્રથમ હાસ્ય છેડયું,
શત શત ટુકડા થયા એ હાસ્યના,
વેરાયા એ ચોમેર જયારે;
તે દિન પરીઓના દેશ વસ્યા.’

અને તું રડતી ત્યારે હું કેવી યે ઘાંઘી થઇ ને બાજુવાળા માસીને બૂમાબૂમ કરી મૂકતી. ‘માસી, જલ્દી આવો ને જુઓને આને શું થાય છે ? કયારની રડે છે.’ માસી હસતા કેમકે એ જાણતા કે મારું ‘કયારનું’ બે મિનિટથી વધું ન જ હોય પણ એ બે મિનિટમાં મારી અંદર ઉથલપાથલ મચી જતી. દરેક મા પોતાના નવજાત શિશુ ના રૂદને આમ જ બેબાકળી બની જતી હશે ને ?

dikri અહીં તારી વાત કરું છું પણ તું એકલી હરખાઇ ન જતી. અહીં તું એટલે દરેક દીકરી. મા એટલે દરેક મા અને પિતા એટલે વિશ્વનો દરેક પિતા. આજે વાત માંડવા માટે તને પ્રતિનિધિ બનાવી છે એટલું જ હોં…!! બાકી વિશ્વની દરેક મા પાસે પોતાના સંતાનના આવા સ્મરણો મોજુદ હોય જ ને ? એટલે તારા દ્વારા, તારી વાતો દ્વારા હું દરેક માતા પિતાને અને દીકરીને પોતે અનુભવેલએ ભાવવિશ્વમાં ફરી એક્વાર ઝાંખી કરવાની યાદ આપુ છું. કોઇ તેને શબ્દોમાં મૂકે, કોઇ ન મૂકી શકે – એ અલગ વાત છે, પણ લાગણી, વાત્સલ્ય અને ખટમીઠા સ્મરણોની સ્મૃતિથી કઇ મા નું ભાવવિશ્વ ઉજાગર નહીં થતું હોય ? અને એમાં યે જીવન સંધ્યાએ જયારે પુત્રી પરણી ને દૂર પોતાના અલગ માળામાં વસતી હોય ત્યારે તો યાદોનો આ ખજાનો ઘણીવાર જીવનનું પ્રેરકબળ બની રહે છે. અને કદાચ એટલે જ આજે ડાયરી માં પત્ર સ્વરૂપે તારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું છે. બની શકે કયારેક એ તારી પાસે પહોંચે..કે મારા સુધી જ સચવાઇ રહે. આ પળે તો ખબર નથી. મને..બસ..ઇચ્છા થાય છે દીકરી સાથે વાતો કરવાની. ફરી એકવાર એ સ્મરણોની કુંજગલીઓમાં ફરવાનો આનંદ આજે તો માણી રહી છું. બની શકે મારી આ શબ્દયાત્રામાં કોઇ માનસિક રીતે સામેલ થાય અને આમાં પોતાનું કે પોતાની પુત્રીનું પ્રતિબિંબ જોઇ શકે, અનુભવી શકે અને એવું બનશે તો મને એનો અપાર આનંદ થશે.

તારા જન્મ સમયે હું, અમે તો છલકતા હતા પણ ત્યારે જ બનેલ એક ઘટના આજે યે મારા મનને હચમચાવી મૂકે છે.તારા જન્મની ખુશાલીના અમે પેંડા વહેચતા હતા ત્યારે બાજુના બેડ પર સૂતેલ નેહાબહેનની આંખો સતત છલકતી હતી કારણ ફકત એટલું જ કે તેમને પેટે પુત્રી અવતરી હતી !! અને તેના પતિ ,સાસુ અને ઘરમાં બધાને પુત્ર જ જોતો હતો. પુત્રી આવી હોવાથી કોઇ તેને બોલાવવા કે રમાડવા આવતું નહોતું !! અને ઘેર જઇ ને હવે શું થશે…..કેમ બોલાવશે…..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી !! આપણા પુરુષપ્રધાન સમાજની આ કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે ? આવા તો કેટલાયે નેહાબહેનો સમાજમાં હશે..!! જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે ! સમાજનું વલણ આ એકવીસમી સદીમાં યે નહીં બદલાય ? આ ‘દીકરી વહાલનો દરિયો’ શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે જ રહેશે ? પ્રશ્નો તો અનેક ઉઠે છે મનમાં, પણ જવાબ……??? મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી..પણ, નિરાશ શા માટે થવું ? ‘Every cloud has a silvar lining’ આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા, એ ભૂલી કેમ જવાય ? …અને આશાની એ ઉજળી કિનાર સાથે ફરી એકવાર હું મારા ભાવવિશ્વમાં વિહરી રહુ છું. આજે કેટકેટલા દ્રશ્યો ઉર્મિઓના મોજા પર સવાર થઇને યાદો બની મારા મનોઆકાશમાં ચમકી રહ્યા છે. તારા જીવનના કેટકેટલા તબક્કાઓ મેં જોયા છે, જાણ્યા છે, અનુભવ્યા છે પણ એ બધા તબક્કા વખતે મને ખબર હતી કે હું તારી સામે હાજર છું.

આજે તારી સગાઇ થઇ અને નજીકના ભવિષ્યમાં તું લગ્ન કરી મારાથી દૂર સાત સાગર પાર ચાલી જઇશ ત્યારે જીવનના એ તબક્કામાં હું….તારી મા.. જેણે તને આ દુનિયામાં જન્મ આપ્યો, તે તારી પાસે પ્રત્યક્ષ હાજર નહીં હોય..કોઇ પણ મા ન હોય. જીવનનો એ સ્વાભાવિક ક્રમ છે અને ત્યારે મારા સમગ્ર ચેતનમાંથી તારા નવજીવન માટેની મંગલ કામના પ્રગટે જ ને ? અને મા ના મૂક આશીર્વાદની અમીવર્ષા તો જીવનની પ્રત્યેક ક્ષણે મૃત્યુ પછી યે દરેક પુત્રી પર દ્રશ્ય કે અદ્રશ્ય રીતે વરસતી જ રહેવાની ને ? આજે તારી જિંદગીમાં તારી મનગમતી વ્યક્તિનો પ્રવેશ થયો છે ત્યારે હું દૂર રહીને તારા જીવનના પ્રથમ તબક્કાને માણુ છું અને તું તારા નવસ્વપ્નો સાથે એક અલગ ભાવવિશ્વમાં વિહરી રહી છે. તારા લગ્નને તો હજુ વાર છે પણ મારા કાનમાં તો અત્યારેય શરણાઇના મંગલ સૂરો ગૂંજી રહ્યા છે. આંખો અનાયાસે છલકી રહી છે અને અંતરમાંથી આશીર્વાદની અમીધારા સહસ્ત્રધારે વરસી રહી છે. દરેક દીકરીની મા ની આ નિયતિ છે. દીકરીને પારકે ઘેર મોકલવાની છે એ પુત્રીના જન્મ સમયથી દરેક મા જાણે છે અને હોશે હોંશે એ માટેની તૈયારી પણ સતત કરતી રહે છે અને ત્યારે મનમાં ગૂંજી રહી છે આ પંક્તિ….

‘કેલેન્ડરકહે છે…..
આજે આપનો જન્મદિન
એ દિવસે,વરસો પૂર્વે
તમે ખોલી હશે આંખ.

ચોતરફ અજાણ્યો,
અજાણ્યાનો…
ઘૂઘવતો હશે સંસાર !

એવામાં મળી હશે
વત્સલ જનનીની
લાગણી નીતરતી પાંખ
ને તે જ ક્ષણે તમને

લાગ્યું હશે
આપણે બંદા નથી રે રાંક.!’

હા, બેટા, તારી મા તારી સાથે છે..તું કયારેય રાંક ન હોઇ શકે. વિશ્વની કોઇ દીકરી કયારેય રાંક ન બને એ પ્રાર્થના સાથે…

હવે આજે અંતરમાં ઉમટતા, ઉછળતા લાગણીઓના પૂરને લીધે છલકતી આંખે આગળ નહીં વધી શકાય. ફરી જરૂર મળીશું. અવારનવાર અહીં આ ડાયરીના પાનામાં શબ્દો સ્વરૂપે મળતા રહીશું. સ્મરણોના સથવારે ઘૂમતા રહીશું. તારી સગાઇથી શરૂ કરેલ આ પત્રરૂપી ડાયરી તારા લગ્ન સાથે કદાચ પૂરી થશે. તારા લગ્નની મારા તરફથી અંગત ભેટરૂપે તને એ મળશે. મા ની લાગણીઓની, એક મા ના આશીર્વાદની ભેટ – જે હું નહીં હોઉં ત્યારે પણ તારી સાથે રહેશે ને આપણે મા દીકરી દૂર હોવા છતાં મળી શકીશું. મા દીકરીનું ભાવવિશ્વ આ ડાયરી..કે પત્રો માં ઉઘડતું રહેશે..અને હા, હવે મમ્મી વાર્તા નથી કરતી….એવી ફરિયાદ પણ આજથી દૂર કરું છું. જયારે પણ આ લખવા બેસીશ ત્યારે મારી લખેલી એક નાની વાર્તા અહીં જરૂર કરીશ અને કોઇ દિવસ આ ડાયરી સાત સાગર પાર કરી તારા સુધી પહોંચશે ત્યારે એ વાર્તાનો આનંદ તું શૈશવની જેમ ફરી એકવાર જરૂર માણી શકીશ.

મમ્મીના આશીર્વાદ.

તા.ક. : પુત્રીને સાસરે વળાવતી વખતે એટલે કે લગ્ન પહેલાં દરેક મા પુત્રીને લગ્નજીવન માટેનું જીવનપાથેય. સંસ્કારોનું અમૂલ્ય પાથેય આપે છે. નવી પેઢીને સલાહ કે શિખામણ રુચતી નથી એટલે એ શબ્દો નહીં વાપરું. પણ….

‘કેવી રીતે મકાન ઘર થશે,
દીકરી ને હું એ જણાવું છું.’

દરેક મા બાપ ઇચ્છે છે કે પોતે કરેલ ભૂલો એનું સંતાન ન કરે અને હેરાન ન થાય. એટલે પોતાના અનુભવોને આધારે તૈયાર થયેલ જીવનપાથેય કે સલાહ શિખામણો આનાયાસે આપતા રહે છે. હું એમાંથી બાકાત કેમ રહું ? લગ્નની શરણાઇની શરૂઆત એટલે સગાઇ. આજે તારી સગાઇ થઇ. પ્રથમ પગથિયુ તું ચડી.આપ્રથમ પગથિયે તારી મા ની પ્રથમ વાત. તેજી ને ટકોર જ હોય. હું થોડુ કહીશ, તું ઝાઝું કરીને વાંચજે, વિચારજે અને યોગ્ય લાગે તો થોડો અમલ કરવાનો પ્રયત્ન જરૂર કરજે. રોજ એક એક કડી હું અહીં આપીશ. બની શકે કયારેક તને કામ લાગે…..તારી મા તરફથી આ આશીર્વાદ છે..સાચું દહેજ …આણુ કે કરિયાવર…. જે કહે તે છે. સ્વીકારીશ ને ?

[ આજનું પાથેય….]

‘લગ્ન થાય એટલે સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ નો લોપ નથી થતો. દૂધમાં સાકર ભળે એમ તું તારા કુટુંબમાં, તારા પતિમાં ભળી જજે પણ સાકર જે રીતે દૂધમાં ભળીનેય મીઠાશરૂપે પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખે છે, તેમ મીઠાશરૂપે તું તારું અસ્તિત્વ જાળવી રાખજે. તારી હાજરી દૂધમાં છે જ….એની અસર પણ છે જ…..એ એહસાસ તને અને ઘરના દરેક સભ્યને મીઠાશરૂપે થાય એ તું ચૂકીશ નહીં.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિલની જબાનમાં – સંકલિત
મેરુ – યોગેશ જોષી Next »   

25 પ્રતિભાવો : ભાવવિશ્વ – નીલમ દોશી

 1. સુંદર !! મનને પવિત્ર કરી દે એવુ ભાવાત્મક વાતાવરણ જાણે રચાઈ ગયુ..

  કાલે જ શ્રી નીલમબેનના બ્લોગ પર ભાવ-વિશ્વ પત્રમાળાના બે પત્ર વાંચ્યા. વાંચીને ભાવવિભોર થઈ જવાયુ. અને આજે ફરી એની નવી સફર…

  મને ભાવ-વિશ્વ બુકની આતુરતાથી રાહ રહેશે…

 2. nilamhdoshi says:

  આભાર

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Thnks you very much… If all mothers are like this then it’s too wonderfull. But the situation is totaly different….All mothers want a ‘boy’ in their lap…And so many girls remaining from this love…..!!! I wish all mothere want to be a mother of baby child… !

  “Save Girl Child”

  One more statement in accordence with

  ‘લગ્ન થાય એટલે સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ નો લોપ નથી થતો……..’

  “Spoil yourself in love but it doesn’t mean you forget your existence”

 4. કૃણાલ says:

  આવો સુંદર અને ભાવવાહી લેખ વાંચીને શું લખવું એ સમજાતું નથી. પ્રશંસા માટેના જાણે શબ્દો ખૂટી ગયા હોય એમ લાગે છે.

  આજથી 4 મહીના પહેલાં મારે ત્યાં પણ પરીનું આગમન થયું છે. લેખમાં લખેલી અમુક વાતો જાણે મારા પોતાના જ સંસ્મરણો હોય એમ લાગતું હતું. સંતાન એ ભગવાને માણસને આપેલું દુનિયાનું અમૂલ્ય વરદાન છે. સંસારરૂપી બાગની શોભા સંતાનરૂપી ફૂલોની મહેકથી જ છે.
  અભિનંદન નીલમબેનને આટલી સુંદર રજૂઆત બદલ

 5. Riddhi says:

  નીલમબેન્,
  આપની કલમ મા લાગણીઓના પૂર ઊમટે ચે. you are lucky to be able to express your feelings and be able to convey to the rest of the world thru Internet resources.
  તમારી ભાશા વાચીને મને મારી મમ્મી યાદ આવી ગઇ! જ્યારે પહેલી વાર પરણી ને હુ સાસરે આવી ત્યારે એણે મને first letter લખ્યો હતો, એની શૈલી ને તમારી શૈલી મા ઘણુ સામ્ય ચે.
  My mom will be very happy to read your blogs, as your language & emotions entails her inner world…
  Thanks for such a beautiful article. Keep it up.

 6. Keyur Patel says:

  Very emotional and touchy. And equally true. I am still amazed and shocked that still there are people in this time who wants boy only and not a girl. What a pity!!!!

  Tell me one thing – how many times have you seen that someone’s own son throwing away their own parents? And the height of the tregedy is that many of those sons have their own son. Can’t they put them selves in their parent’s place?

  And many times we have seen daughters helping old parents. So why “HATE” daughters? I myself have two daughters and have never ever thought why I don’t have a son. Whats the point?

  I heartly congratulate authors of “Dikri vahl no dariyo”. Lets get this awareness everywhere. Thanks so much for giving us such a wonderful article.

 7. payal bhatt says:

  Khub sundar nilamben.
  Janni ni jod sakhi nahi jade re lol.

 8. Maulin says:

  મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
  એ થી મીઠી છે મોરી માત રે….
  જનની જોડ સખી નહિ જડે રે લોલ!!!!

 9. dhara says:

  મા તે મા બીજા બધા વગડાના વા

 10. zankhana zaveri says:

  thanks to nilamben,
  aavi saras dilma lagi kay tevi vat karva badal. aaje hu sasre chhu. tyare mummy ni fiilings samji saku chu. ava bija lekho aapta rahejo

 11. અભિનંદન, નીલમબેન… અને ખાસ શુભેચ્છાઓ…

 12. bhushan padh says:

  khuba saras very emotional…nicely described the way from begning till the end of the story.. and its moral given in last is very touching…

 13. preeti hitesh tailor says:

  સ્ત્રીના મનના અતલ ઊંડાણને મૂલવીએ અને ત્યાં સ્ત્રીના સ્ત્રીત્વને ઉભરવા દઇએ ..સ્ત્રી તરીકે સ્ત્રીમાત્રની ગરીમાને જાળવતા શીખીશું તો જ સ્ત્રીભૃણ હત્યાના પાપમાંથી બચી શકીશું…

 14. Jigisha Trivedi says:

  Mother. Mother.
  Like her there is no other.
  Since God could not be every where,
  he created mother.

  Mother is the most wonderful creation of GOD.

  My mother is the best.

 15. vivek desai, dubai says:

  emotionally superb !!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.